રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન
प्रविष्टि तिथि:
25 JAN 2026 7:50PM by PIB Ahmedabad
મારા પ્રિય દેશવાસીઓ,
નંમસ્કાર!
દેશ અને વિદેશમાં રહેતા, આપણા ભારતના લોકો, ઉત્સાહથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. હું, આપ સૌને પ્રજાસત્તાક દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હાર્દિક અભિનંદન પાઠવું છું.
પ્રજાસત્તાક દિવસનું પાવન પર્વ આપણા અતિત, વર્તમાન અને ભવિષ્યમાં દેશની દશા અને દિશાનું ચિંતન કરવાનો અવસર હોય છે. સ્વતંત્રતાના સંગ્રામના બળે, 15 ઓગસ્ટ 1947ના દિવસથી, આપણા દેશની દશા બદલાઈ. ભારત સ્વતંત્ર થયું. આપણે આપણા દેશના ભાગ્યના ઘડવૈયા બન્યા.
26 જાન્યુઆરી 1950ના દિવસથી, આપણે આપણા પ્રજાતંત્રને, બંધારણીય આદર્શોની દિશામાં આગળ ધપાવી રહ્યા છીએ. તે દિવસે, આપણે આપણા બંધારણનો સંપૂર્ણપણે અમલ કર્યો. લોકશાહીની જનેતા, ભારત-ભૂમિ વસાહતી શાસનના કાયદાથી મુક્ત થઈ અને આપણું લોકશાહી પ્રજાતંત્ર અસ્તિત્વમાં આવ્યું.
આપણું બંધારણ, વિશ્વના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા પ્રજાતંત્રનો આધારગ્રંથ છે. આપણા બંધારણમાં નિહિતન્યાય, સ્વતંત્રતા, સમતા અને ભાઇચારાના આદર્શ આપણા પ્રજાતંત્રને પરિભાષિત કરે છે. બંધારણના ઘડવૈયાઓએ રાષ્ટ્રીયતાની ભાવના તેમજ દેશની એકતાને બંધારણીય જોગવાઈઓનો સુદૃઢ આધાર પૂરો પાડ્યો છે.
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે આપણા દેશને એક કર્યો. ગયા વર્ષે 31 ઓક્ટોબરના રોજ, કૃતજ્ઞ દેશવાસીઓએ ઉત્સાહપૂર્વક તેમની 150મી જન્મજયંતિ ઉજવી હતી. તેમની 150મી જન્મજયંતીના પાવન અવસર પર સ્મૃતિ-ઉત્સવની ઉજવણી થઈ રહી છે. આ ઉત્સવ દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતા તથા ગૌરવની ભાવનાને મજબૂત બનાવે છે. ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી, આપણી પ્રાચીન સાંસ્કૃતિક એકતાના તાતણાં આપણાં વડવાઓએ વણ્યા હતા. રાષ્ટ્રીય એકતાની ભાવનાને જીવંત રાખવા માટેના દરેક પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે.
ગયા વર્ષે, 7 નવેમ્બરથી, આપણા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની રચનાના 150 વર્ષ સપન્ન થવાની ઉજવણીઓ ચાલી રહી છે. ભારત માતાના દેવી સ્વરૂપની વંદનનું આ ગીત જનમાનસમાં રાષ્ટ્ર પ્રેમનો સંચાર કરે છે. રાષ્ટ્રવાદના મહાન કવિ, સુબ્રમણ્યમ ભારતીએ, તમિલ ભાષમાં ‘વંદે માતરમ યેન્બોમ’, અર્થાત ‘આપણે વંદે માતરમ બોલીએ’ ગીતની રચના કરીને વંદે માતરમની ભાવનાને વધુ વ્યાપક સ્તરે જનમાનસ સાથે જોડી હતી. અન્ય ભારતીય ભાષાઓમાં પણ આ ગીતના અનુવાદ લોકપ્રિય થયા હતા. શ્રી અરવિંદોએ ‘વંદે માતરમ’નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. ઋષિતુલ્ય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત ‘વંદે માતરમ’ આપણી રાષ્ટ્ર-વંદનાનો સ્વર છે.
આજથી બે દિવસ પહેલાં, એટલે કે 23 જાન્યુઆરીના રોજ દેશવાસીઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જંયતિના દિવસે તેમને સાદર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વર્ષ 2021 થી નેતાજીની જંયતિને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે જેથી દેશવાસીઓ, ખાસ કરીને યુવાનો, તેમની અદમ્ય દેશભક્તિમાંથી પ્રેરણા મેળવે. નેતાજી, સુભાષચંદ્ર બોઝનું સૂત્ર ‘જય હિન્દ’ આપણા રાષ્ટ્ર-ગૌરવનો ઉદ્ઘોષ છે.
પ્રિય દેશવાસીઓ,
તમે સૌ, આપણા જીવંત લોકતંત્રને શક્તિશાળી બનાવી રહ્યા છો. આપણી ત્રણેય સેનાઓના બહાદુર જવાનો, માતૃભૂમિના રક્ષણ માટે સદાય સતર્ક રહે છે. આપણા કર્તવ્ય પરાયણ પોલીસકર્મીઓ તેમજ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળના જવાનો દેશવાસીઓને આંતરિક સુરક્ષા પૂરી પાડવા માટે તત્પર રહે છે. આપણા અન્નદાતા ખેડૂતો, દેશવાસીઓ માટે પોષણ સામગ્રીનું ઉત્પાદન કરે છે. આપણા દેશની કર્મઠ અને પ્રતિભાવાન મહિલાઓ અનેક ક્ષેત્રોમાં નવાં ધોરણો સ્થાપિત કરી રહી છે. આપણા સેવાધર્મી ડૉક્ટરો, નર્સો અને તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓ દેશવાસીઓના સ્વાસ્થ્યની કાળજી રાખે છે. આપણા નિષ્ઠાવાન સફાઇ મિત્રો, દેશને સ્વચ્છ રાખવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. આપણા પ્રબુદ્ધ શિક્ષકો, ભાવિ પેઢીઓનું ઘડતર કરે છે. આપણા વિશ્વકક્ષાના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો, દેશના વિકાસને નવી દિશાઓ આપે છે. આપણા મહેનતુ શ્રમિક ભાઇઓ-બહેનો દેશનું નવનિર્માણ કરે છે. આપણા આશાસ્પદ યુવાનો અને બાળકો, પોતાની પ્રતિભા તેમજ યોગદાનથી દેશના સ્વર્ણિમ ભવિષ્ય પ્રત્યે આપણો વિશ્વાસ મજબૂત કરે છે. આપણા પ્રતિભાવાન કલાકારો, કારીગરો અને સાહિત્યકારો આપણી સમૃદ્ધ પરંપરાઓને આધુનિક અભિવ્યક્તિ આપી રહ્યા છે. અનેક ક્ષેત્રોમાં નિષ્ણાતો, દેશના બહુપરિમાણીય વિકાસને દિશા આપી રહ્યા છે. આપણા ઊર્જાવાન ઉદ્યમીઓ, દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવામાં તેમનું યોગદાન આપી રહ્યા છે. નિઃસ્વાર્થ ભાવે સમાજની સેવા કરી રહેલા લોકો અને સંસ્થાઓ, અગણિત લોકોના જીવનમાં પ્રકાશ પાથરી રહ્યા છે. સરકારી તેમજ બિન-સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં કામ કરી રહેલા તમામ કર્તવ્યનિષ્ઠ લોકો, રાષ્ટ્ર-નિર્માણમાં તેમની સેવાઓ સમર્પિત કરી રહ્યા છે. જન-સેવા માટે પ્રતિબદ્ધ જનપ્રતિનિધિઓ દેશવાસીઓની આકાંક્ષાઓને અનુરૂપ કલ્યાણ અને વિકાસનાં લક્ષ્યો પ્રાપ્ત કરી રહ્યા છે. આ પ્રકારે, તમામ જાગૃત અને સંવેદનશીલ નાગરિકો, આપણા પ્રજાતંત્રની પ્રગતિની યાત્રાને આગળ વધારી રહ્યા છે. આપણા પ્રજાતંત્રને સશક્ત બનાવવાના પ્રયાસોમાં કાર્યરત તમામ દેશવાસીઓની હું અંતઃકરણથી પ્રશંસા કરું છું. પ્રવાસી ભારતીયો, આપણા પ્રજાતંત્રની છબીને વૈશ્વિક-ફલક પર ગૌરવ આપે છે. હું તેમની વિશેષ પ્રશંસા કરું છું.
પ્રિય દેશવાસીઓ,
આજના દિવસે, એટલે કે 25 જાન્યુઆરીના રોજ આપણા દેશમાં ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ઉજવવામાં આવે છે. જનપ્રતિનિધિઓને ચૂંટવા માટે આપણા વયસ્ક નાગરિકો ઉત્સાહપૂર્વક મતદાન કરે છે. બાબાસાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર માનતા હતા કે, મતાધિકારના ઉપયોગથી રાજકીય શિક્ષણ સુનિશ્ચિત થાય છે. આપણા મતદારો, બાબાસાહેબની વિચારધારાને અનુરૂપ, તેમની રાજકીય જાગૃતિનો પરિચય આપે છે. મતદાનમાં મહિલાઓની વધી રહેલી સહભાગીતા આપણા પ્રજાતંત્રનું એક શક્તિશાળી પરિમાણ છે.
મહિલાઓ સક્રિય અને સમર્થ બને તે દેશના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમના સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા અને આર્થિક સશક્તિકરણ માટે કરવામાં આવી રહેલા રાષ્ટ્રીય પ્રયાસોથી અનેક ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધી છે. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું છે. ‘પ્રધાનમંત્રી જનધન યોજના’ અંતર્ગત અત્યાર સુધીમાં 57 કરોડ કરતાં વધુ બેંક ખાતા ખુલી ગયા છે. તેમાં મહિલાઓના ખાતા લગભગ 56 ટકા છે.
આપણી બહેનો અને દીકરીઓ, પરંપરાગત રૂઢીઓનાં બંધનો તોડીને આગળ વધી રહી છે. મહિલાઓ દેશના સર્વાંગી વિકાસમાં સક્રિય યોગદાન આપી રહી છે. દર કરોડથી વધુ સ્વ-સહાય-સમૂહો સાથે જોડાયેલી બહેનો વિકાસની નવી પરિભાષા લખી રહી છે. મહિલાઓ, ખેતરોથી લઈને અંતરીક્ષ સુધી, સ્વ-રોજગારથી લઈને સેનાઓ સુધી, પોતાની પ્રભાવી ઓળખ બનાવી રહી છે. રમતગમતના ક્ષેત્રમાં આપણી દીકરીઓએ વૈશ્વિક સ્તરે નવા દૃષ્ટાંતો સ્થાપિત કર્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં, ભારતની દીકરીઓએ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને ત્યારપછી પ્રજ્ઞાચક્ષુ મહિલા T20 વર્લ્ડ કપ જીતીને સ્વર્ણિમ ઇતિહાસ રચ્યો છે. ગયા વર્ષે જ, ચેસ વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારતની જ બે દીકરીઓ વચ્ચે રમાઈ હતી. આ ઉદાહરણ રમત-જગતમાં આપણી દીકરીઓના પ્રભૂત્વનો પૂરાવો છે. આવી દીકરીઓ પર દેશવાસીઓને ગૌરવ છે.
પંચાયતીરાજ સંસ્થાઓમાં મહિલા જન-પ્રતિનિધિઓની સંખ્યા લગભગ 46 ટકા છે. મહિલાઓના રાજકીય સશક્તિકરણને નવી ઊંચાઈએ લઈ જનારા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’થી, મહિલાઓના નેતૃત્વમાં વિકાસના વિચારને અભૂતપૂર્વ શક્તિ મળશે. વિકસિત ભારતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તેમના વધતા યોગદાનથી, આપણો દેશ મહિલા-પુરુષ સમાનતા પર આધારિત સમાવેશી પ્રજાતંત્રનું દૃષ્ટાંત પૂરું પાડશે.
સમાવેશી અભિગમ સાથે, વંચિત વર્ગોના કલ્યાણ તેમજ વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ગયા વર્ષે, 15 નવેમ્બરના રોજ, દેશવાસીઓએ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર પાંચમો ‘જનજાતીય ગૌરવ દિવસ’ ઉજવ્યો હતો, અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે કરાયેલી ઉજવણીઓ સંપન્ન થઈ હતી. ‘આદિ કર્મયોગી’ અભિયાન દ્વારા, જનજાતીય સમુદાયોના લોકોમાં નેતૃત્વ કૌશલ્યનો વિકાસ કરવામાં આવ્યો છે. વિતેલા વર્ષોમાં, સરકારે, જનજાતીય સમુદાયોના ગૌરવશાળી ઇતિહાસથી દેશવાસીઓને પરિચિત કરાવવા માટે સંગ્રહાલયોના નિર્માણ સહિત અનેક પગલાં લીધાં છે. તેમના કલ્યાણ અને વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. ‘રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન’ હેઠળ અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ સ્ક્રીનિંગ કરવામાં આવ્યાં છે. એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓમાં લગભગ એક લાખ ચાલીસ હજાર વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે તથા અનેક વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સ્વાસ્થ્ય અને શિક્ષણના આવા અભિયાનો જનજાતીય સમુદાયોના વારસા અને વિકાસને એકીકૃત કરી રહ્યાં છે. ‘ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ તથા ‘પીએમ-જન-મન યોજના’ દ્વારા PVTG સમુદાયો સહિત તમામ જનજાતીય સમુદાયોનું સશક્તિકરણ કરવામાં આવ્યું છે.
આપણા અન્નદાતા ખેડૂતો, આપણા સમાજ તેમજ અર્થતંત્રની કરોડરજ્જૂ છે. ખેડૂતોની પરિશ્રમી પેઢીઓએ આપણા દેશને ખાદ્યાન્નમાં આત્મનિર્ભર બનાવ્યો છે. ખેડૂતોના પરિશ્રમના બળથી જ આપણે કૃષિ આધારિત ઉત્પાદનોની નિકાસ કરી શકીએ છીએ. અનેક ખેડૂતોએ સફળતાના અત્યંત પ્રભાવશાળી ઉદાહરણો પૂરાં પાડ્યાં છે. ખેડૂત ભાઇઓ-બહેનોને તેમની ઉપજનો યોગ્ય ભાવ મળે, રાહતદરના વ્યાજે ધીરાણ મળે, અસરકારક વીમા કવચ મળે, ખેતી માટે સારું બિયારણ મળે, સિંચાઈની સુવિધાઓ મળે, વધુ ઉપજ માટે ખાતર ઉપલબ્ધ હોય, તેમને આધુનિક કૃષિ પદ્ધતિઓ સાથે જોડવામાં આવે તેમજ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે, આ બધી જ બાબતોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ‘પીએમ કિસાન સન્માન નિધિ’ દ્વારા ખેડૂત ભાઇઓ-બહેનોના યોગદાનો આદર કરવામાં આવી રહ્યો છે તેમજ તેમના પ્રયાસોને બળ આપવામાં આવી રહ્યું છે.
દાયકાઓથી ગરીબી સામે ઝઝૂમી રહેલા લાખો દેશવાસીઓને, ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા છે. સાથે જ, તેઓ ફરીથી ગરીબીમાં ન સપડાય તે માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અંત્યોદયની સંવેદનાને સાકાર કરનારી વિશ્વની સૌથી મોટી યોજના, ‘પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના’, એવા વિચાર પર આધારિત છે કે 140 કરોડથી વધુ વસ્તી ધરાવતા આપણા દેશમાં કોઈએ ભૂખ્યા ન રહેવું પડે. આ યોજનાથી લગભગ 81 કરોડ લાભાર્થીઓને સહાય મળી રહી છે. ગરીબ પરિવારો માટે વીજળી, પાણી અને શૌચાલયની સુવિધાઓથી સજ્જ 4 કરોડથી વધુ પાક્કા ઘરો બાંધીને, તેમને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અને પ્રગતિ કરવાનો આધાર પૂરો પાડવામાં આવ્યો છે. ગરીબોના કલ્યાણ માટેના આવા પ્રયાસો મહાત્મા ગાંધીના સર્વોદયના આદર્શને સાકાર રૂપ આપે છે.
વિશ્વની સૌથી વધુ યુવા વસ્તી આપણા દેશમાં છે. ગૌરવની વાત છે કે, આપણા યુવાનોમાં અપાર પ્રતિભા છે. આપણા યુવા ઉદ્યોગસાહસિકો, રમતવીરો, વૈજ્ઞાનિકો અને વ્યાવસાયિકો દેશમાં નવી ઊર્જાનો સંચાર કરી રહ્યા છે તથા વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં આપણા યુવાનો સ્વરોજગારની સફળતાના પ્રભાવશાળી ઉદાહરણો રજૂ કરી રહ્યા છે. આપણા યુવાનો જ, આપણા રાષ્ટ્રની વિકાસ યાત્રાના ધ્વજવાહક છે. ‘મારું યુવા ભારત’ અથવા ‘MY ભારત’, ટેકનોલોજીની સહાયતાથી સંચાલિત એક અનુભવ આધારિત શિક્ષણ વ્યવસ્થા છે. તે યુવાનોને નેતૃત્વ અને કૌશલ્ય વિકાસ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકો સાથે જોડે છે. આપણા દેશમાં સ્ટાર્ટ-અપ્સની પ્રભાવશાળી સફળતાનો મુખ્ય શ્રેય આપણા યુવા ઉદ્યોગસાહસિકોને જાય છે. યુવા પેઢીની આકાંક્ષાઓ પર કેન્દ્રિત નીતિઓ અને કાર્યક્રમોના બળ પર દેશના વિકાસને વેગ મળશે. મને વિશ્વાસ છે કે 2047 સુધીમાં, વિકસિત ભારતના નિર્માણમાં યુવાશક્તિ મુખ્ય ભૂમિકા ભજવશે.
પ્રિય દેશવાસીઓ,
ભારત, વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. વૈશ્વિક-સ્તરે અનિશ્ચિતતા હોવા છતાં, ભારતમાં સતત આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આપણે, નજીકના ભવિષ્યમાં વિશ્વમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના આપણાં લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.
વિશ્વકક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં રોકાણ કરીને, આપણે આપણા આર્થિક માળખાનું ઉચ્ચ સ્તરે ફરીથી નિર્માણ કરી રહ્યા છીએ. આર્થિક ભાગ્યના નિર્માણની આ યાત્રામાં, આત્મનિર્ભરતા અને સ્વદેશી આપણા મૂળ મંત્ર છે.
સ્વતંત્રતા પછી દેશના આર્થિક એકીકરણ માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એવા, GSTના અમલીકરણથી ‘એક રાષ્ટ્ર, એક બજાર’ની વ્યવસ્થા સ્થાપિત થઈ છે. GST પ્રણાલીને વધુ અસરકારક બનાવવાના તાજેતરના નિર્ણયથી આપણું અર્થતંત્ર વધુ મજબૂત બનશે. શ્રમ સુધારાના ક્ષેત્રમાં ચાર ‘શ્રમ સંહિતા’ બહાર પાડવામાં આવી છે. આનાથી આપણા શ્રમિક ભાઇઓ-બહેનોને લાભ થશે અને ઉદ્યોગોના વિકાસને પણ વેગ મળશે.
પ્રિય દેશવાસીઓ,
પ્રાચીનકાળથી જ, સમગ્ર માનવજાત આપણી સભ્યતા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાથી લાભ મેળવતી આવી છે. આયુર્વેદ, યોગ અને પ્રાણાયામની વિશ્વ સમુદાયે પ્રશંસા કરી છે અને અપનાવ્યા છે. ઘણા મહાન વિભૂતીઓએ આપણી આધ્યાત્મિક અને સામાજિક એકતાની ધારાને અવિરત પ્રવાહ આપ્યો છે. કેરળમાં જન્મેલા મહાન કવિ, સમાજ સુધારક અને આધ્યાત્મિક વિભૂતી શ્રી નારાયણ ગુરુના મતે એ સ્થાનને આદર્શ માનવામાં આવે છે જ્યાં બધા લોકો જાતિ અને સંપ્રદાયના ભેદભાવથી મુક્ત રહીને ભાઇચારામાં સાથે રહે. હું શ્રી નારાયણ ગુરુના આ વિચારને તેમના પોતાના શબ્દોમાં રજૂ કરવાનો પ્રયાસ કરું છું:
જાતિ-ભેદમ મત-દ્વેષમ, એદુમ-ઇલ્લાદે સર્વરુમ
સોદ-રત્વેન વાડુન્ન, માત્રુકા-સ્થાન માનિત.
એ ગૌરવની વાત છે કે આજનું ભારત, નવા આત્મવિશ્વાસ સાથે, પોતાની ગૌરવશાળી પરંપરાઓ પ્રત્યે સચેત રહીને આગળ વધી રહ્યું છે. તાજેતરનાં વર્ષોમાં, આપણી આધ્યાત્મિક પરંપરાનાં પવિત્રસ્થળોને જન-ચેતના સાથે જોડવામાં આવ્યા છે.
નિર્ધારિત સમયગાળામાં ગુલામીની માનસિકતાના અવશેષોથી મુક્ત થવાનો સમયબદ્ધ સંકલ્પ લેવામાં આવ્યો છે. ભારતીય જ્ઞાન પરંપરામાં દર્શન, ચિકિત્સા, ખગોળશાસ્ત્ર, ગણિત, સાહિત્ય અને કળાનો સમૃદ્ધ વારસો ઉપલબ્ધ છે. આ ગૌરવની વાત છે કે, ‘જ્ઞાન ભારતમ મિશન’ જેવા પ્રયાસો ભારતીય પરંપરામાં ઉપલબ્ધ રચનાત્મકતાને સાચવી અને ફેલાવી રહ્યા છે. આ મિશન ભારતની લાખો અમૂલ્ય હસ્તપ્રતોમાં સંગ્રહિત વારસાને આધુનિક સંદર્ભમાં આગળ વધારશે. ભારતીય ભાષાઓ અને ભારતીય જ્ઞાન પરંપરાને પ્રાથમિકતા આપીને, આપણે આત્મનિર્ભરતાના પ્રયાસો માટે સાંસ્કૃતિક આધાર પૂરો પાડી રહ્યા છીએ.
ભારતનું બંધારણ હવે આઠમી અનુસૂચિમાં સામેલ તમામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. બંધારણને ભારતીય ભાષાઓમાં વાંચવા અને સમજવાથી દેશવાસીઓમાં બંધારણીય રાષ્ટ્રીયતાનો પ્રસાર થશે અને તેમના આત્મગૌરવની ભાવના મજબૂત થશે.
સરકાર અને સામાન્ય નાગરિકો વચ્ચેનું અંતર સતત ઘટી રહ્યું છે. પારસ્પરિક વિશ્વાસ પર આધારિત સુશાસન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અનેક બિનજરૂરી નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે, ઘણા અનુપાલનોને સમાપ્ત કરવામાં આવ્યા છે તેમજ જનતાના હિતમાં વ્યવસ્થાઓને સરળ કરવામાં આવી છે. ટેકનોલોજીના માધ્યમથી લાભાર્થીઓને સુવિધાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે. રોજબરોજના જીવનને બહેતર બનાવવાના લક્ષ્ય સાથે ઇઝ ઓફ લિવિંગને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
વિતેલા દાયકા દરમિયાન, રાષ્ટ્રીય લક્ષ્યોને જનભાગીદારીના માધ્યમથી પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાનોને જન આંદોલનોનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ગામડે-ગામડે અને નગર-નગરમાં સ્થાનિક સંસ્થાઓને પ્રગતિશીલ પરિવર્તનના માધ્યમ બનાવવામાં આવી છે. વિકસિત ભારતનું નિર્માણ એ તમામ નાગરિકોની સહિયારી જવાબદારી છે. સમાજમાં અપાર શક્તિ હોય છે. સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને સમાજ તરફથી સક્રિય સમર્થન મળવાથી ક્રાંતિકારી પરિવર્તન આવે છે. ઉદાહરણ તરીકે, આપણા દેશવાસીઓએ ડિજિટલ પેમેન્ટ પ્રણાલીને ખૂબ જ મોટાપાયે અપનાવી છે. આજે, વિશ્વની અડધાથી વધુ ડિજિટલ લેવડ-દેવડો ભારતમાં થાય છે. નાનામાં નાની દુકાનમાંથી સામાન ખરીદવાથી લઈને ઓટો-રિક્ષાનું ભાડું ચુકવવા સુધી, ડિજિટલ ચુકવણીનો ઉપયોગ વૈશ્વિક સમુદાય માટે એક પ્રભાવશાળી ઉદાહરણ બની ગયો છે. મને આશા છે કે આવી જ રીતે, અન્ય રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ, બધા દેશવાસીઓ સક્રિય ભૂમિકા ભજવશે.
પ્રિય દેશવાસીઓ,
ગયા વર્ષે, આપણા દેશે, ઓપરેશન સિંદૂર દ્વારા, આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા. આતંકવાદીઓના અનેક ઠેકાણાઓ ધ્વસ્ત કરી દીધા અને કેટલાય આતંકવાદીઓને તેમના અંજામ સુધી પહોંચાડી દીધા. સુરક્ષા ક્ષેત્રમાં આપણી આત્મનિર્ભરતાથી ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતાને શક્તિ મળી.
સિયાચીન બેઝ કેમ્પ પર જઈને મેં બહાદુર સૈનિકોને અત્યંત વિષમ પરિસ્થિતિઓમાં પણ દેશનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ તત્પર અને ઉત્સાહિત જોયા છે. ભારતીય વાયુદળના યુદ્ધ વિમાનો, સુખોઈ અને રાફેલમાં ઉડાન ભરવાનો અવસર પણ મને મળ્યો છે. હું વાયુદળના યુદ્ધ કૌશલ્યોથી અવગત થઈ છું. મેં ભારતીય નૌકાદળના સ્વદેશમાં નિર્મિત વિમાનવાહક જહાજ INS વિક્રાંતની અસાધારણ ક્ષમતાઓને જોઈ છે. હું નૌકાદળની સબમરીન INS વાઘશીરમાં સમુદ્રના પેટાળ સુધી ગઈ છું. ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળની શક્તિના આધારે, આપણી સુરક્ષા-ક્ષમતા પર દેશવાસીઓને સંપૂર્ણ ભરોસો છે.
પ્રિય દેશવાસીઓ,
પર્યાવરણ સંરક્ષણ આજની અત્યંત મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે. મને એ વાતનું ગૌરવ થાય છે કે પર્યાવરણ સાથે સંકળાયેલા અનેક ક્ષેત્રોમાં ભારતે વૈશ્વિક સમુદાયનું માર્ગદર્શન કર્યું છે. પ્રકૃતિ સાથે તાલમેલમાં જીવનશૈલી ભારતની સાંસ્કૃતિક પરંપરાનો હિસ્સો રહી છે. આ જીવનશૈલી, વૈશ્વિક સમુદાય માટે આપણા સંદેશ ‘લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ’ એટલે કે ‘LiFE’નો આધાર છે. આપણે એવા પ્રયાસો કરીએ કે જેનાથી ભાવિ પેઢીઓ માટે ધરતી માતાનાં અમૂલ્ય સંસાધન ઉપલબ્ધ રહી શકે.
આપણી પરંપરામાં, સમગ્ર સૃષ્ટિમાં શાંતિ જાળવી રાખવાની પ્રાર્થના કરવામાં આવે છે. આખા વિશ્વમાં શાંતિપૂર્ણ વ્યવસ્થા સ્થાપિત થશે તો જ માનવજાતનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે છે. વિશ્વના અનેક ક્ષેત્રોમાં ફેલાયેલી અશાંતિના માહોલમાં, ભારત દ્વારા વિશ્વશાંતિનો સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે.
પ્રિય દેશવાસીઓ,
આપણા માટે સૌભાગ્યની વાત છે કે આપણે ભારત-ભૂમિ પર રહીએ છીએ. આપણી જનની જન્મભૂમિ માટે કવિ ગુરુ રવિન્દ્રનાથ ઠાકુરે કહ્યું હતું કે:
ઓ આમાર દેશેર માટી, તોમાર પોરે ઠેકાડ માથા.
અર્થાત
હે, મારા દેશની ધરતી! હું તમારાં ચરણોમાં નતમસ્તક થઉં છું.
મને લાગે છે કે પ્રજાસત્તાક દિવસ, દેશભક્તિની આ પ્રબળ ભાવનાને વધુ સુદૃઢ કરવાના સંકલ્પનો અવસર છે. આવો, આપણે સાથે મળીને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાથી કામ કરીને આપણા પ્રજાતંત્રને હજુ પણ વધુ ગૌરવશાળી બનાવીએ.
હું ફરી એકવાર, આપ સૌને, પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મને દૃઢ વિશ્વાસ છે કે, આપ સૌનું જીવન સુખ, શાંતિ, સુરક્ષા અને સૌહાર્દથી પરિપૂર્ણ રહેશે. હું, આપ સૌના ઉજ્જવળ ભવિષ્યની મંગળ-કામના કરું છું.
આભાર!
જય હિન્દ!
જય ભારત!
(रिलीज़ आईडी: 2218582)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Malayalam
,
Assamese
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Odia
,
Kannada