પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુજરાતના જામનગર ખાતે રૂ. 1450 કરોડથી વધુના મૂલ્યની અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી
“ભવ્યતા અને ગૌરવપૂર્ણતામાં, સ્મૃતિ વન 9/11 અથવા હિરોશિમા સ્મારકથી જરાય ઓછું નથી”
“પોલેન્ડ સરકારની મદદ પાછળ ક્યાંક ને ક્યાંક મહારાજા દિગ્વિજય સિંહની કરુણા ભાવનાએ મોટી ભૂમિકા નિભાવી છે”
“ગુજરાત જનશક્તિ, જ્ઞાન શક્તિ, જલ શક્તિ, ઉર્જા શક્તિ અને રક્ષા શક્તિના પાંચ મજબૂત પાયાના આધાર પર નવા શિખરો સર કરી રહ્યું છે”
“સૌની યોજના હેઠળ માં નર્મદા દરેક ખૂણે ખૂણે પહોંચી રહી છે”
“80 કરોડ કરતાં વધુ લોકોને મહામારીના કારણે આવેલી કપરા સ્થિતિમાંથી બહાર લાવવા માટે મફત રાશન આપવામાં આવી રહ્યું છે”
“જામનગર વિનિર્માણ અને દરિયાકાંઠા આધારિત વિકાસના હબ તરીકે ઉભરી રહ્યું છે”
“અંદાજે 33 હજાર અનુપાલન અને નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે”
Posted On:
10 OCT 2022 8:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના જામનગર ખાતે સિંચાઇ, વીજળી, પાણી પુરવઠા અને શહેરી માળખાકીય સુવિધાઓને લગતી આશરે રૂ. 1450 કરોડની કિંમતની બહુવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પરિયોજનાઓમાં કાલાવડ/જામનગર તાલુકાની કાલાવડ જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, મોરબી-માળીયા-જોડિયા જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, લાલપુર બાયપાસ જંકશન ફ્લાયઓવર પુલ, હાપા માર્કેટ યાર્ડ રેલવે ક્રોસિંગ અને સ્યૂઅરેજ એકત્રીકરણ પાઇપલાઇન અને પમ્પિંગ સ્ટેશનના નવીનીકરણનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્ર અવતરણ સિંચાઇ (SAUNI) યોજના લિંક 3 (ઉન્ડ ડેમથી સોનમતી ડેમ સુધી)નું પેકેજ , સૌની યોજના લિંક 1 (ઉન્ડ-1 ડેમથી સાની (SANI) ડેમ સુધી)નું પેકેજ 5 અને હરીપર 40 MW સોલર PV પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ સ્થળે તેમની યાત્રા દરમિયાન તેમનું જે પ્રકારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને લોકોએ આશીર્વાદ આપ્યા તે બદલ લોકોનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ પાણી, વીજળી અને કનેક્ટિવિટી સંબંધિત આઠ પરિયોજનાના લોકાર્પણ અને શિલાન્યાસ બદલ લોકોને અભિનંદન આપ્યા હતા. તેમણે આગળ વધુમાં ઉમેર્યું હતું કે, વાલ્મિકી સમાજના લોકો માટે સામુદાયિક હોલ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો છે જેનાથી તેમને સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં ઘણો ફાયદો થશે.
પ્રધાનમંત્રીએ બે દાયકા પહેલાં આવેલા ભૂકંપના કારણે થયેલી તબાહીની યાદો તાજી કરી હતી. ભૂકંપના કારણે સર્જાયેલી દુર્ઘટના અને વિનાશથી સમગ્ર રાજ્યમાં હતાશાનો માહોલ સર્જાયો હતો. જો કે, આત્મવિશ્વાસ અને સખત પરિશ્રમના બળે ગુજરાત ફરી એકવાર બેઠું થયું છે અને નિરાશા તેમજ વિનાશને દૂર કરીને રાષ્ટ્રમાં ટોચ પર પહોંચી ગયું છે. પ્રધાનમંત્રીએ જામનગરના લોકોને કચ્છના ભૂકંપ પીડિતોની સ્મૃતિમાં તૈયાર કરવામાં આવેલા સ્મૃતિ વનની મુલાકાત લેવા અને તેમનું સન્માન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ સ્મૃતિ વન સ્મારક તેની ભવ્યતા અને ગૌરવપૂર્ણતાની બાબતમાં, 9/11 અથવા હિરોશિમા સ્મારકથી જરાય ઓછું નથી.
પ્રધાનમંત્રીએ જામસાહેબ મહારાજા દિગ્વિજય સિંહને યાદ કર્યા અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના લોકો પ્રત્યે તેમણે દાખવેલી કરુણાની ભાવનાને યાદ કરી હતી. આનાથી પોલેન્ડના લોકો સાથે સ્થાયી સંબંધનું નિર્માણ થયું છે જેણે ચાલુ કટોકટી દરમિયાન યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં ઘણી મદદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “પોલેન્ડ સરકારે કરેલી મદદ પાછળ ક્યાંક ને ક્યાંક મહારાજા દિગ્વિજય સિંહની એ કરુણા ભાવનાએ મોટી ભૂમિકા નિભાવી છે.” તેમણે આગળ જણાવ્યું હતું કે, જામસાહેબના આ શહેરને નવી ઉંચાઇઓ પર લઇ જવાનો અમારો પ્રયાસ છે. પ્રધાનમંત્રીએ ટીપ્પણી કરી હતી કે, જામનગરે ક્રિકેટ ક્ષેત્રે પણ જબરદસ્ત યોગદાન આપ્યું છે. સૌરાષ્ટ્રની રણજી ક્રિકેટ ટીમે 2020માં ટ્રોફી પરત લાવીને સૌને ગૌરવ અપાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ સૌને માહિતી આપી હતી કે, વિકાસના પાંચ સંકલ્પોએ ગુજરાત રાજ્ય માટે મજબૂત પાયાનું નિર્માણ કર્યું છે. પહેલો સંકલ્પ છે લોક (જન) શક્તિ, બીજો છે જ્ઞાન શક્તિ, ત્રીજો સંકલ્પ છે જળ (જલ) શક્તિ, ચોથો સંકલ્પ ઉર્જા (ઉર્જા) શક્તિનો છે અને છેલ્લે એટલે કે પાંચમો સંકલ્પ છે રક્ષા શક્તિ. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “ગુજરાત આ પાંચ મજબૂત પાયાના આધારે નવા શિખરો સર કરી રહ્યું છે.”
પ્રધાનમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, યુવા પેઢી ઘણી ભાગ્યશાળી છે કે તેમણે પ્રદેશ અને રાજ્યમાં 20-25 વર્ષ પહેલાં જે સમસ્યાઓ હતી તેનો સામનો કર્યો જ નથી. પાણીની ટાંકીના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી આવતા હતા તે દિવસોથી લઇને આજના સમયમાં જ્યારે એક જ મુલાકાતમાં અગાઉના સમયના બજેટ કરતાં વધુ ખર્ચના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થાય છે, ત્યારે પરિસ્થિતિમાં ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે સૌની યોજના હેઠળ માં નર્મદાનું પાણી આજે દરેક ખૂણે ખૂણા સુધી પહોંચી રર્યું છે. એવી જ રીતે જલ જીવન મિશનના માધ્યમથી આજે દરેક ઘરમાં પાઇપની મદદથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓને સંપૂર્ણ સમર્પણ અને ઝડપ સાથે અમલમાં મૂકવા બદલ મુખ્યમંત્રીની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ એ વાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો કે, તેમની સરકારની પ્રથમ પ્રાથમિકતા તરીકે ગરીબોનું કલ્યાણ કરવાના પ્રયાસો છે. તેમણે જણાવ્યું હતું કે, મહામારી દરમિયાન સરકારની પ્રથમ ચિંતા એ સુનિશ્ચિત કરવાની હતી કે કોઇ પણ પરિવારને ભૂખ્યા સુવાની નોબત ન આવે. 80 કરોડ કરતાં વધુ લોકોને ભૂખ્યા રહેવું ન પડે અને મહામારીના કારણે આવેલા કપરા સંજોગોમાંથી તેઓ બહાર નીકળી શકે તે માટે મફત રાશન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ એ પણ ખાસ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને આ વર્ષે ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે જેથી કરીને કોઇપણ ગરીબ પરિવારને તેમના કપરા સમયમાં ખાલી પેટે સૂવાની નોબત ન આવે. તેમણે એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજનાના લાભોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને નિર્દેશ કર્યો હતો કે ભારતના તમામ હિસ્સાઓમાંથી આજીવિકા માટે જામનગર આવતા લોકો જરૂરથી આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.
પ્રધાનમંત્રીએ જામનગરની ઓઇલ રિફાઇનરી અને ઓઇલ ઇકોનોમી વિશે વાત કરતા ટિપ્પણી કરી હતી કે, દરેક નાગરિકને એ વાત પર ગૌરવ થશે કે ક્રૂડ ઓઇલને આ જ ધરતી પર રિફાઇન કરવામાં આવે છે. શ્રી મોદીએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારે રાજ્યના ઔદ્યોગિક અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે નિરંતર કામ કર્યું છે. જ્યારે શહેરી વિસ્તારો ટ્રાફિકની સમસ્યાથી ભરાયેલા હતા તે સમયને યાદ કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે આયોજનપૂર્ણ રસ્તાઓ, ફ્લાયઓવર અને અંડરપાસ બનાવીને કનેક્ટિવિટી વધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, રૂપિયા 26000 કરોડના ખર્ચે અમૃતસર- ભટિંડા- જામનગર કોરિડોરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જામનગર વિનિર્માણ અને દરિયા કાંઠા આધારિત વિકાસના હબ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, WHO ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું વડુ મથક પણ જામનગરમાં છે, તે જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી માટે શિર પર રહેલા એક તાજ સમાન છે, જેણે આ યુનિવર્સિટીને એક રાષ્ટ્રીય યુનિવર્સિટી તરીકે સ્થાન અપાવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જામનગર એક એવા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે જે બંગડીઓ, સિંદૂર, બાંધણી વગેરે જેવી શુભ વસ્તુઓ સાથે સંકળાયેલું છે અને તેથી જ આ એક ‘સૌભાગ્ય નગર’માં ફેરવાઇ રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સુનિશ્ચિત કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે અનુપાલન સંબંધિત બોજમાં ઘટાડો કરવામાં આવ્યો તે વિશે વાત કરી હતી. લગભગ 33 હજાર જેટલા અનુપાલનો અને નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે, કંપની કાયદાઓનું નિરાપરાધીકરણ પણ વેપારી સમુદાયને મદદ કરી રહ્યું છે. તેમણે વિવિધ આર્થિક સૂચકાંકોમાં ભારતની સ્થિતિમાં થયેલા સુધારા વિશે પણ વાત કરી હતી, જેમાં ખાસ કરીને ભારતીય અર્થતંત્ર વર્ષ 2014માં દુનિયામાં 10મા ક્રમેથી 5માં સ્થાને પહોંચ્યું છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પણ, ભારત વર્ષ 2014માં દુનિયામા 142મા ક્રમેથી હતું જ્યારે 2019-20માં 63મા ક્રમે પહોંચી ગયું છે. તેમણે પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિ લાવવા બદલ રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ અતિક્રમણ દૂર કરવા માટે અને રાજ્યના દરિયાકાંઠાની સફાઇ માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જામનગર દરિયાકાંઠા વિસ્તારમાં ઇકોટુરિઝમની તકો રહેલી છે. તેમાં જૈવવિવિધતાનો ભંડાર છે.
પ્રધાનમંત્રીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં આવેલા સુધારાની પણ નોંધ લીધી અને જણાવ્યું હતું કે, નરેન્દ્ર-ભુપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર સમર્પણ અને ઝડપ સાથે વિકાસની યોજનાનો અમલ કરી રહી છે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને સાંસદો શ્રી સી. આર. પાટીલ અને શ્રીમતી પૂનમબેન મેડમ ઉપસ્થિત રહ્યા હતા.
પૃષ્ઠભૂમિ
પ્રધાનમંત્રીએ જામનગરમાં આશરે રૂ. 1450 કરોડની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને તેનો શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજનાઓ સિંચાઇ, વીજળી, પાણી પુરવઠા અને શહેરી માળખાકીય સુવિધાઓના વિકાસ સાથે સંકળાયેલી છે.
પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્ર અવતરણ સિંચાઇ (SAUNI) યોજના લિંક 3 (ઉન્ડ ડેમથી સોનમતી ડેમ સુધી) પેકેજ 7, સૌની યોજના લિંક 1 (ઉન્ડ-1 ડેમથી સાની (SANI) ડેમ સુધી)નું પેકેજ 5 અને હરીપર 40 MW સોલાર PV પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએના હસ્તે શિલાન્યાસ કરવામાં આવેલી વિવિધ પરિયોજનાઓમાં કાલાવડ/જામનગર તાલુકાની કાલાવડ જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, મોરબી-માળીયા-જોડિયા જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, લાલપુર બાયપાસ જંકશન ફ્લાયઓવર પુલ, હાપા માર્કેટ યાર્ડ રેલવે ક્રોસિંગ અને સ્યૂઅરેજ એકત્રીકરણ પાઇપલાઇન અને પમ્પિંગ સ્ટેશનના નવીનીકરણના કામનો સમાવેશ થાય છે.
YP/GP/JD
(Release ID: 1866618)
Visitor Counter : 337
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam