પ્રધાનમંત્રીનું કાર્યાલય
100 મી કિસાન રેલવેને પ્રસ્થાન કરાવવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
Posted On:
28 DEC 2020 9:25PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરજી, રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલજી, અન્ય સંસદગણ, ધારાસભ્યો, અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, હું સૌથી પહેલા દેશના કરોડો ખેડૂતોને અભિનંદન આપું છું.
ઓગસ્ટ મહિનામાં દેશની સૌપ્રથમ ખેડૂત અને ખેતી માટે સંપૂર્ણ રીતે સમર્પિત રેલવે શરૂ કરવામાં આવી હતી. ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ, દેશના દરેક ક્ષેત્રની ખેતીને, ખેડૂતોને કિસાન રેલવે સાથે જોડવામાં આવી રહ્યા છે. કોરોનાના પડકારની વચ્ચે પણ વિતેલા 4 મહિનાઓમાં કિસાન રેલવેનું આ નેટવર્ક આજે 100 ના આંકડા ઉપર પહોંચી ગયું છે. આજે 100 મી કિસાન રેલવે હમણાં થોડા સમય પહેલા જ મહારાષ્ટ્રના સાંગોલાથી નીકળીને પશ્ચિમ બંગાળના શાલીમાર માટે રવાના થઈ છે. એટલે કે એક રીતે પશ્ચિમ બંગાળના ખેડૂતો, પશુ પાલકો, માછીમારોની પહોંચ મુંબઈ, પૂણે, નાગપુર જેવા મહારાષ્ટ્રના મોટા બજારો સુધી થઈ ગઈ છે. ત્યાં જ બીજી બાજુ મહારાષ્ટ્રના સાથીઓને હવે પશ્ચિમ બંગાળના માર્કેટ સાથે જોડાવા માટે સસ્તી અને સુલભ સુવિધા મળી ગઈ છે. જે રેલવે અત્યાર સુધી સંપૂર્ણ દેશને પરસ્પર જોડતી હતી, તે હવે આખા દેશના કૃષિ બજારોને પણ જોડી રહી છે, એક બનાવી રહી છે.
સાથીઓ,
કિસાન રેલવે સેવા, દેશના ખેડૂતોની રોજગારી વધારવાની દિશામાં પણ એક બહુ મોટું પગલું છે. તેનાથી ખેતી સાથે જોડાયેલ અર્થવ્યવસ્થામાં બહુ મોટું પરિવર્તન આવશે. તેનાથી દેશની કોલ્ડ સપ્લાય ચેનની તાકાત પણ વધશે. સૌથી મોટી વાત એ છે કે કિસાન રેલવે વડે દેશના 80 ટકાથી વધુ નાના, અને સીમાંત ખેડૂતોને બહુ મોટી શક્તિ મળી છે. આ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે તેમાં ખેડૂતો માટે કોઈ લઘુત્તમ સંખ્યા નક્કી કરવામાં નથી આવી. જો કોઈ ખેડૂત 50 – 100 કિલોનું પાર્સલ પણ મોકલવા ઈચ્છે છે તો તે પણ મોકલી શકે છે. એટલે કે નાના ખેડૂતનું નાનામાં નાનું ઉત્પાદન પણ ઓછી કિંમતમાં સહી સલામત રીતે મોટા બજારો સુધી પહોંચી શકશે. મેં ક્યાંક વાંચ્યું હતું કે અત્યાર સુધીનું જે રેલવેનું સૌથી નાનું કન્સાઈન્મેન્ટ છે તે દાડમનું 3 કિલોનું પેકેટ કિસાન રેલ દ્વારા જ મોકલવામાં આવ્યું હતું. આટલું જ નહિ એક મરઘાં ઉછેરનાર વ્યક્તિએ 17 ડઝન ઈંડા પણ કિસાન રેલવે દ્વારા મોકલાવ્યા હતા.
સાથીઓ,
સંગ્રહ અને કોલ્ડ સ્ટોરેજના અભાવમાં દેશના ખેડૂતોનું નુકસાન હંમેશાથી એક બહુ મોટો પડકાર બનીને રહ્યો છે. અમારી સરકાર સંગ્રહ માટેની આધુનિક વ્યવસ્થાઓ પર, પૂરવઠા શૃંખલાના આધુનિકરણ પર કરોડો રૂપિયાનું રોકાણ તો કરી જ રહી છે, સાથે જ કિસાન રેલવે જેવી નવી પહેલો પણ શરૂ કરવામાં આવી રહી છે. આઝાદીની પહેલા પણ ભારતની પાસે ઘણું મોટું રેલવે નેટવર્ક રહ્યું છે. કોલ્ડ સ્ટોરેજ સાથે જોડાયેલ ટેકનોલોજી પણ પહેલાથી હાજર રહી હતી. હવે કિસાન રેલવેના માધ્યમથી આ શક્તિનો વધુ સારો ઉપયોગ થવાનો શરૂ થયો છે.
સાથીઓ,
નાના ખેડૂતોને ઓછા ખર્ચમાં મોટા અને નવા બજારો આપવા માટે, અમારી નીતિ પણ સાફ છે અને અમારી યોજનાઓ પણ સ્પષ્ટ છે. અમે બજેટમાં જ તેની સાથે જોડાયેલ મહત્વની જાહેરાતો કરી દીધી હતી. પહેલી કિસાન રેલ અને બીજી કૃષિ ઉડાન. એટલે કે જ્યારે અમે એવું કહી રહ્યા છીએ કે અમારી સરકાર આપણાં ખેડૂતોની પહોંચને દેશના દૂર સુદૂરના અંતરિયાળ ક્ષેત્રો અને આંતરરાષ્ટ્રીય બજારો સુધી વધારી રહી છે તો અમે હવામાં વાતો નથી કરી રહ્યા હોતા. આ હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે અમે સાચા રસ્તા પર છીએ.
સાથીઓ,
શરૂઆતમાં કિસાન રેલ સાપ્તાહિક હતી. કેટલાક જ દિવસોમાં આવી રેલની માંગણી એટલી વધી ગઈ છે કે હવે અઠવાડિયામાં ત્રણ દિવસ આ રેલવે ચલાવવી પડી રહી છે. જરા વિચારો, આટલા ઓછા સમયમાં 100 મી કિસાન રેલવે! આ કોઈ સાધારણ વાત નથી. તે સ્પષ્ટ સંદેશ છે કે દેશનો ખેડૂત શું ઈચ્છે છે.
સાથીઓ,
આ કામ ખેડૂતોની સેવા માટે અમારી પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. પરંતુ તે એ વાતનું પણ પ્રમાણ છે કે આપણાં ખેડૂતો નવી સંભાવનાઓ માટે કેટલા ઝડપથી તૈયાર છે. ખેડૂત બીજા રાજ્યોમાં પણ પોતાના પાક વેચી શકે, તેમાં કિસાન રેલવે અને કૃષિ ઉડાનની બહુ મોટી ભૂમિકા છે. મને ઘણો સંતોષ છે કે દેશના પૂર્વોત્તર ખેડૂતોને કૃષિ ઉડાન વડે લાભ મળવાનો શરૂ થઈ ગયો છે. આવી જ પાકી તૈયારીઓ પછી ઐતિહાસિક કૃષિ સુધારાઓની દિશામાં અમે આગળ વધ્યા છીએ.
સાથીઓ,
કિસાન રેલવે વડે ખેડૂતોને કેવા નવા બજારો મળી રહ્યા છે, કઈ રીતે તેની આવક વધુ સારી બની રહી છે અને ખર્ચ પણ ઓછા થઈ રહ્યા છે, હું તેનું એક ઉદાહરણ આપું છું. ઘણી વાર આપણે સમાચારો જોઈએ છીએ કે કેટલાક કારણોસર જ્યારે ટામેટાંની કિંમત અમુક જગ્યાએ ઓછી થઈ જાય છે તો ખેડૂતોની શું સ્થિતિ થાય છે. આ સ્થિતિ ખૂબ જ દુઃખદાયી હોય છે. ખેડૂત પોતાની મહેનતને પોતાની નજર સામે બરબાદ થતી જુએ છે, અસહાય હોય છે. પરંતુ હવે નવા કૃષિ સુધારાઓ પછી, કિસાન રેલવેની સુવિધા પછી, તેને એક બીજો વિકલ્પ પણ મળી ગયો છે. હવે આપણો ખેડૂત પોતાનો પાક દેશના તે ભાગો સુધી પહોંચાડી શકે છે જ્યાં ટામેટાંની માંગ વધારે છે, જ્યાં તેને વધુ સારી કિંમત મળી શકે છે. તે ફળો અને શાકભાજીઓની હેરફેર પર સબસિડીનો પણ લાભ લઈ શકે છે.
ભાઈઓ અને બહેનો,
કિસાન રેલવેની બીજી એક ખાસ વાત છે. આ કિસાન રેલ એક રીતે હરતું ફરતું કોલ્ડ સ્ટોરેજ પણ છે. એટલે કે તેમાં ફળ હોય, શાકભાજી હોય, દૂધ હોય, માછલી હોય, એટલે કે જે પણ જલ્દી ખરાબ થઈ જાય તેવી ચીજ વસ્તુઓ છે, તે પૂરેપૂરી સુરક્ષા સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી રહી છે. પહેલા આ જ સામાન ખેડૂતને રસ્તાના માધ્યમથી ટ્રકો દ્વારા મોકલવો પડતો હતો. રસ્તા દ્વારા હેરફેર કરવામાં અનેક સમસ્યાઓ છે. એક તો તેમાં સમય બહુ વધારે લાગી જાય છે, રોડ માર્ગે ભાડું પણ વધારે લાગી જાય છે. એટલે કે ગામડામાં ઉગાડનારો હોય કે શહેરમાં ખાનાર વ્યક્તિ બંનેને તે મોંઘું પડતું હોય છે. હવે જેમ કે આજે જ જે ટ્રેન પશ્ચિમ બંગાળ માટે નીકળી છે, તેમાં મહારાષ્ટ્રથી દાડમ, દ્રાક્ષ, સંતરા અને કસ્ટર્ડ એપલ કે જેને ઘણી જગ્યાએ સીતાફળ પણ કહે છે એવા ઉત્પાદનો મોકલવામાં આવી રહ્યા છે.
આ ટ્રેન લગભગ લગભગ 40 કલાકમાં ત્યાં પહોંચશે. એ જ બીજી બાજુ રોડ માર્ગે 2 હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપવામાં કેટલાય દિવસો લાગી જાય છે. આ દરમિયાન આ ટ્રેન વચ્ચે કેટલાય રાજ્યોના મોટા મોટા સ્ટેશનોમાં પણ રોકાશે. ત્યાંથી પણ જો કોઈ ખેડૂતોને કોઈ ઉત્પાદન મોકલવા છે અથવા તો ત્યાં પણ કોઈ ઓર્ડર ઉતારવાનો છે, તેને પણ કિસાન રેલવે પૂર્ણ કરશે. એટલે કે વચ્ચે પણ અનેક બજારો સુધી કિસાન રેલ, ખેડૂતોનો માલ પહોંચાડે પણ છે અને ઉઠાવે પણ છે. જ્યાં સુધી ભાડાની વાત છે, તો આ રુટ પર રેલવનું માલભાડું ટ્રકની સરખામણીએ આમ પણ લગભગ 1700 રૂપિયા ઓછું છે. કિસાન રેલવેમાં તો સરકાર 50 ટકા રાહત પણ આપી રહી છે. તેનો પણ ખેડૂતોને લાભ મળી રહ્યો છે.
સાથીઓ,
કિસાન રેલવે જેવી સુવિધાઓ મળવાથી રોકડીયા પાકો અથવા વધુ કિંમત વાળા, વધુ પોષક પાકોના ઉત્પાદન માટે પણ પ્રોત્સાહન વધશે. નાનો ખેડૂત પહેલા આ બધા સાથે એટલા માટે નહોતો જોડાઈ શકતો હતો કારણ કે તેને કોલ્ડ સ્ટોરેજ અને મોટા બજારો મળવામાં તકલીફ થતી હતી. દૂરના બજારો સુધી પહોંચાડવામાં તેનો ભાડાંમાં જ ઘણો બધો ખર્ચ થઈ જતો હતો. આ જ સમસ્યાને જોઈને 3 વર્ષ પહેલા અમારી સરકાર દ્વારા ટામેટાં, ડુંગળી, બટાકાની હેરફેર માટે 50 ટકા સબસિડી આપી દેવામાં આવી હતી. હવે આત્મનિર્ભર અભિયાન અંતર્ગત તેને ડઝનબંધ અન્ય ફળો અને શાકભાજીઓ માટે પણ વધારવામાં આવી છે. તેનો પણ સીધો લાભ દેશના ખેડૂતોને મળી રહ્યો છે.
ભાઈઓ અને બહેનો,
આજે પશ્ચિમ બંગાળનો ખેડૂત પણ આ સુવિધા સાથે જોડાયેલો છે. પશ્ચિમ બંગાળમાં બટેકા, ફણસ, ફુલાવર, રીંગણ જેવા અનેક શાક મોટી માત્રામાં થાય છે. એ જ રીતે અનાનસ, લીચી, કેરી, કેળાં, એવા અનેક ફળો પણ ત્યાંનાં ખેડૂતો ઉગાડે છે. માછલી ભલે મીઠા પાણીની હોય કે ખારા પાણીની, પશ્ચિમ બંગાળમાં તેની કોઈ ખોટ નથી. સમસ્યા તેને આખા દેશના બજાર સુધી પહોંચાડવાની રહી છે. હવે કિસાન રેલવે જેવી સુવિધાઓ દ્વારા પશ્ચિમ બંગાળના લાખો નાના ખેડૂતોને એક બહુ મોટો વિકલ્પ મળી રહ્યો છે. અને આ વિકલ્પ ખેડૂતની સાથે જ સ્થાનિક બજારોના જે નાના નાના વેપારીઓ છે તેમને પણ મળ્યો છે. તે ખેડૂતો પાસેથી વધુ કિંમતે વધુ માલ ખરીદીને કિસાન રેલના માધ્યમથી અન્ય રાજ્યોમાં પણ વેચી શકે છે.
ભાઈઓ અને બહેનો,
ગામડાઓમાં વધુમાં વધુ રોજગારી ઉત્પન્ન કરવા માટે, ખેડૂતોને વધુ સારું જીવન આપવા માટે નવી સુવિધા, નવા સમાધાન જરૂરી છે. આ જ લક્ષ્યની સાથે એક પછી એક કૃષિ સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. કૃષિ સાથે જોડાયેલ નિકાસ અને દુનિયાભરના અનુભવો અને ટેકનોલોજીનો ભારતીય કૃષિમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. સંગ્રહ સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રકચર હોય કે પછી ખેત પેદાશોમાં મૂલ્ય ઉમેરણ સાથે જોડાયેલ પ્રોસેસિંગ ઉદ્યોગ, આ અમારી સરકારની પ્રાથમિકતા છે. રેલવે સ્ટેશનોની પાસે દેશભરમાં પેરિશેબલ કાર્ગો સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે, જ્યાં ખેડૂત પોતાના પાકનો સંગ્રહ કરી શકે છે. પ્રયાસ એ છે કે જેટલા ફળ શાકભાજીઓ સીધા ઘર સુધી પહોંચી શકે તેમ છે તેને પહોંચાડવામાં આવે. તે સિવાય જે ઉત્પાદન થાય છે, તેને જ્યુસ, અથાણાં, સોસ, ચટણી, ચિપ્સ, આ બધુ બનાવનારા ઉદ્યમીઓ સુધી પહોંચાડવામાં આવે.
પીએમ કૃષિ સંપદા યોજના અંતર્ગત મેગા ફૂડ પાર્ક્સ, કોલ્ડ ચેઇન ઇન્ફ્રાસ્ટ્રકચર, એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર, પ્રોસેસિંગ યુનિટ, આવા લગભગ સાડા 6 હજાર પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવી ચૂક્યા છે. જેમાંથી અનેક પ્રોજેક્ટ્સ પૂરા થઈ ચૂક્યા છે અને લાખો ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આત્મનિર્ભર અભિયાન પેકેજ અંતર્ગત પણ માઇક્રો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો માટે 10 હજાર કરોડ રૂપિયા મંજૂર કરી દેવામાં આવ્યા છે.
સાથીઓ,
આજે જો સરકાર દેશવાસીઓની નાની નાની જરૂરિયાતોને પણ પૂરી કરી શકી છે તો તેનું કારણ છે સહયોગ. કૃષિ સાથે જોડાયેલ જેટલા પણ સુધારા થઈ રહ્યા છે, તેની સૌથી મોટી તાકાત જ ગામડાઓના લોકોની, ખેડૂતોની, યુવાનોની ભાગીદારી છે. એફપીઓ એટલે કે ખેડૂત ઉત્પાદક સંઘ હોય, અન્ય સહકારી સંગઠનો હોય, મહિલાઓના સ્વયં સહાયતા સમૂહો હોય, કૃષિ વેપારમાં અને કૃષિ ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણમાં તેમને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. નવા કૃષિ સુધારાઓ વડે કૃષિ સાથે જોડાયેલ જે વેપાર કારોબાર વધવાનો છે તેના મોટા લાભાર્થીઓ પણ ખેડૂતોના, ગ્રામીણ યુવાનોના, મહિલાઓના આ સંગઠનો જ છે.
કૃષિ વેપારમાં જે ખાનગી રોકાણ હશે, તેનાથી સરકારના આ પ્રયાસોને તાકત જ મળશે. અમે સંપૂર્ણ નિષ્ઠા સાથે સંપૂર્ણ તાકાત સાથે ભારતીય કૃષિને અને ખેડૂતને સશક્ત કરવાના રસ્તા પર ચાલતા રહીશું. એક વાર ફરી દેશના ખેડૂતોને 100 મી કિસાન રેલવે અને નવી સંભાવનાઓ માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રેલવે મંત્રાલયને અભિનંદન આપું છું, કૃષિ મંત્રાલયને પણ અભિનંદન આપું છું અને દેશના કોટિ કોટિ ખેડૂતોને અનેક અનેક શુભકામનાઓ આપું છું.
ખૂબ ખૂબ આભાર!
SD/GP
(Release ID: 1684318)
Visitor Counter : 246
Read this release in:
Manipuri
,
Hindi
,
Marathi
,
Telugu
,
Kannada
,
Punjabi
,
Tamil
,
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Bengali
,
Odia