PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 15 JUN 2020 6:28PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                        

 

Date: 15.06.2020

 

 

 

Released at 1900 Hrs

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

Image

 

 

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ; દર્દીઓ સાજા થવાનો દર સુધરીને 51.08% સુધી પહોંચ્યો; ભારતમાં હાલમાં કોવિડ-19નું પરીક્ષણ કરવા માટે 900થી વધુ સમર્પિત લેબોરેટરી કામ કરી રહી છે

છેલ્લા 24 કલાકમાં દેશમાં 7419 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા હોવાથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 બીમારીમાંથી કુલ 1,69,797 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર વધીને 51.08% થઇ ગયો છે જે સૂચક તથ્ય બતાવે છે કે દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી અડધા દર્દીઓ સાજા થઇ ગયા છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,53,106 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે.

ICMR દ્વારા નોવલ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોને શોધી કાઢવા માટે સેમ્પલના પરીક્ષણની ક્ષમતા સતત વધારવામાં આવી છે. સમગ્ર દેશમાં 653 સરકારી લેબોરેટરી અને 248 ખાનગી લેબોરેટરી (કુલ 901 લેબોરેટરી)માં હાલમાં કોવિડ-19નું પરીક્ષણ ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,15,519 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 57,74,133 સેમ્પલનું કોરોના વાયરસના નિદાન માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631689

 

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19ની સ્થિતિ અંગે સર્વપક્ષીય સમીક્ષા બેઠક યોજાઇ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે ભારત  સરકાર જરૂર હોય તેવા તમામ પગલાં લેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં ચિંતાજનક રીતે ફેલાઇ રહેલા કોવિડ-19ના કારણે દિલ્હીમાં શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે સૌએ આ કોરોના મહામારી સામે લડવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એકજૂથ થઇને ઉભા રહેવું પડશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ સર્વપક્ષીય બેઠકમાં ગઇકાલે તેમના દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં લેવાયેલા તમામ મુખ્ય નિર્ણયો અંગે માહિતી આપી હતી અને તમામ પક્ષોને વિનંતી કરી હતી કે, દિલ્હીના લોકોના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો પાયાના સ્તરે અમલ થાય તે સુનિશ્ચિત કરવા માટે બધા સહકાર આપે. શ્રી શાહે, પક્ષોને આહ્વાન કર્યું હતું કે, તેઓ તેમના પક્ષોના કાર્યકરોને કામે લગાડીને દિલ્હીના લોકો માટે કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો અમલ કરવામાં મદદરૂપ થાય. શ્રી અમિત શાહે તમામ પક્ષોને અપીલ કરી હતી કે, તેઓ અત્યારે પક્ષોના મતભેદો ભુલીને લોકોના હિતમાં આગળ આવે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1631687 

 

CBIC તમામ CGST અને સીમા શુલ્ક કચેરીઓમાં -ઓફિસ વાપરવાનું શરૂ કર્યું

કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (CBIC)ના અધ્યક્ષે સમગ્ર ભારતમાં આવેલી 500થી વધુ CGST અને સીમા કચેરીઓમાં ઇ-ઓફિસ એપ્લિકેશનની શરૂઆત કરી છે. અપ્રત્યક્ષ કર વ્યવસ્થાપન માટે 'ફેસલેસ, કોન્ટેક્ટલેસ અને પેપરલેસ' સેવાઓ પૂરી પાડવા માટે ટેકનોલોજીનો ઇષ્ટતમ લાભ ઉઠાવવા માટે ઇ-ઓફિસની શરૂઆત CBIC દ્વારા ભરવામાં આવેલું વધુ એક મોટું પગલું છે. વિવિધ દરજ્જાના CGST અને સીમા શુલ્ક અધિકારીઓ દ્વારા તેમના રોજ-બરોજના કામકાજમાં ઇ-ઓફિસનો ઉપયોગ ઝડપી નિર્ણય પ્રક્રિયા, પારદર્શિતા, ઉત્તરદાયિત્વમાં વધારો કરશે અને કાગળ અને પ્રિન્ટિંગનો ઉપયોગ ઘટાડીને પર્યાવરણ ઉપર સકારાત્મક પ્રભાવ તરફ દોરી જશે. પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના કારણે ઊભી થઇ રહેલી પડકારજનક પરિસ્થિતિમાં ઇ-ઓફિસ ભૌતિક ફાઇલો સાથે શારીરિક સંપર્ક અટકાવવામાં મદદ કરશે અને તેનાથી કોઇપણ વાઇરસના કારણે થતાં સંભવિત સંક્રમણને અટકાવી શકાશે. વધુમાં, -ઓફિસ સુરક્ષામાં પણ વધારો કરે છે, કારણ કે કોઇપણ ફાઇલ અથવા દસ્તાવેજમાં ફેરફાર અથવા તેનો નાશ અથવા તારીખમાં સુધારો કરી શકાતો નથી. -ઓફિસમાં સમાવિષ્ટ નિરીક્ષણ પ્રણાલી ફાઇલ કઇ જગ્યાએ અટકી છે તેની જાણકારી પુરી પાડશે, જેના કારણે ફાઇલનો ઝડપી નિકાલ થશે અને નિર્ણય પ્રક્રિયામાં ઝડપ આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631668

 

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે "કોવિડ-19 લોક ફરિયાદો અંગે પ્રતિભાવ કૉલ સેન્ટરો"નો પ્રારંભ કરાવ્યો અને નાગરિકો સાથે જીવંત વાર્તાલાપ કર્યો

કેન્દ્રીય કાર્મિક, લોક ફરિયાદો અને પેન્શન મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે "કોવિડ-19 લોક ફરિયાદો અંગે પ્રતિભાવ કૉલ સેન્ટરોનો પ્રારંભ કરાવ્યો અને કોવિડ-19 લોક ફરિયાદ માટે રાષ્ટ્રીય દેખરેખ મંચ પર સફળતાપૂર્વક જેમની ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું હોય તેવા નાગરિકો સાથે જીવંત વાર્તાલાપ કર્યો હતો. ડૉ. જીતેન્દ્રસિંહે અત્યાર સુધીમાં એક લાખ કોવિડ-19 લોક ફરિયાદોનું નિવારણ કરવાના સીમાચિહ્ન સુધી પહોંચવા બદલ  DARPGની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વએ સરકારને સામાન્ય લોકોની ફરિયાદોના નિવારણ માટે સંખ્યાબંધ પ્રયાસો કરવાની પ્રેરણા આપી છે.કોવિડ-19 દરમિયાન જેમણે ફરિયાદ નોંધાવી હોય તેવા લોકો સાથે સરકારના કોઇ વરિષ્ઠ મંત્રીએ પ્રત્યક્ષ વાર્તાલાપ કર્યો હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે અને આનાથી અન્ય મંત્રાલયોને પણ લોકોની ફરિયાદો અસરકારક રીતે હાથ પર લેવા માટે અને સાથે સાથે તેમના પ્રતિભાવોનું વ્યવસ્થાતંત્ર ઉભું કરવા માટે એક માર્ગ તૈયાર થયો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631668

 

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને સભ્યોના દાવાઓના ઝડપી નિકાલ માટે બહુ સ્થળીય દાવા સમાધાનની કાર્યવાહી શરૂ કરી

સમગ્ર દેશમાં સેવાની આપૂર્તિના એકસમાન ધારાધોરણો સુનિશ્ચિત કરવા તરફ એક મોટી છલાંગ લગાવતાં અને કોવિડ-19 મહામારી દરમિયાન તેના કાર્યબળનો ઇષ્ટતમ ઉપયોગ કરવા, EPFOએ તાજેતરમાં બહુ સ્થળીય દાવા સમાધાનની સુવિધા શરૂ કરી છે. સમગ્ર દેશમાં પોતાની પ્રાદેશિક કચેરીઓ દ્વારા ઑનલાઇન દાવાઓના સમાધાન માટે EPFO કચેરીઓને સક્ષમ બનાવતી આ સુવિધા એક આદર્શ ફેરફાર છે. આ નવીન પહેલ અંતર્ગત તમામ પ્રકારના ઑનલાઇન દાવાઓ જેમ કે, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન, આંશિક ઉપાડ અને દાવાઓ તથા હસ્તાંતર દાવાઓની પ્રક્રિયા હાથ ધરી શકાય છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631691

 

મિશન સાગર: INS કેસરી મોરેશિયસના પોર્ટ લુઇસ ખાતે પરત ફર્યું

મિશન સાગરના ભાગરૂપે ભારતીય નૌસેનાનું જહાજ કેસરી 14 જૂન 2020ના રોજ મોરેશિયસના પોર્ટ લુઇસ ખાતે ભારતીય નૌસેનાના તબીબોની ટીમ સાથે પરત ફર્યું હતું. જહાજે 23 મે 2020ના રોજ પોર્ટ લુઇસ ખાતે તેની છેલ્લી મુલાકાત કરી હતી. 14 સભ્યોની તબીબી ટીમમાં વિશેષજ્ઞ ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ હતો જેમને પોર્ટ લુઇસ ખાતે મોકલવામાં આવ્યા છે. કોવિડ-19 મહામારીના વ્યવસ્થાપનમાં મદદરૂપ થવા માટે, બીમારીનો ફેલાવો નિયંત્રણમાં લેવા માટે તજજ્ઞતાનું આદાનપ્રદાન કરવા અને લોકોને તેનાથી જોખમ ઘટાડવાના આશયથી ટીમ મોકલવામાં આવી છે. પોર્ટ લુઇસ ખાતે નિયુક્તિ દરમિયાન ટીમે તમામ સ્તરે આરોગ્ય યોદ્ધાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને અર્થપૂર્ણ ચર્ચાઓ યોજીને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ આચરણોનું આદાનપ્રદાન કર્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631562

 

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની ADIP યોજના અંતર્ગત દિવ્યાંગજનોને સહાયક મદદ અને ઉપકરણોના વિતરણ માટે પ્રથમ વખત પંજાબને ફિરોજપુરમાં વર્ચ્યુઅલ પ્લેટફોર્મની મદદથી કાર્યક્રમ યોજાયો

કોવિડ-19 મહામારીના કારણે સમાજમાં ઉભી થયેલી પ્રવર્તમાન અભૂતપૂર્વ પરિસ્થિતિ વચ્ચે, ભારત સરકારે કેટલાક વિશેષ પગલાં લીધા છે જેથી દિવ્યાંગ લોકોના કલ્યાણ અર્થે શરૂ કરવામાં આવેલી યોજનાઓનો લાભ તેમને કોઇપણ અવરોધ વગર મળતો રહે. આ કામગીરી અંતર્ગત તમામ સાવચેતીના પગલાંનું પાલન કરીને, આજે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં તાલવંડીભાઇ બ્લૉક ખાતે ભારત સરકારની ADIP યોજના અંતર્ગત દિવ્યાંગ લોકોને તમામ સહાયક મદદ અને ઉપકરણોનું બ્લૉક સ્તરે વિનામૂલ્યે વિતરણ કરવાના આશયથી વર્ચ્યુઅલ ADIP શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. લૉકડાઉન ખોલવામાં આવ્યા પછી ભારત સરકાર દ્વારા પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા (SOP)ના પાલન સાથે, ભારત સરકારની ADIP યોજના અંતર્ગત DEPwD અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ ALIMCO દ્વારા યોજવામાં આવેલો આ પ્રથમ કાર્યક્રમ હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631647

 

દેશવ્યાપી લૉકડાઉનના અમલ દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો વિના અવરોધે થઇ શકે તે માટે SER દ્વારા 1739 પાર્સલ એક્સપ્રેસ ટ્રેનોના ફેરા કરવામાં આવ્યા

કોવિડ-19 સામે લડવા માટે દેશ પ્રત્યે પ્રતિબદ્ધતાના ભાગરૂપે દક્ષિણ પૂર્વીય રેલવે (SER) દ્વારા પહેલાંથી જ તેના સમગ્ર નેટવર્કને આખા દેશના વિવિધ ભાગોમાં અનુસૂચિત પાર્સલ એક્સપ્રેસ ટ્રેનો દોડાવવા માટે સક્રિય કરી દેવામાં આવ્યું છે. SER દ્વારા અત્યાર સુધીમાં 1739 અનુસૂચિત પાર્સલ એક્સપ્રેસ ટ્રેનો તેના નિર્ધારિત સમયે દોડાવીને જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે, ખાદ્યચીજો, કરિયાણું, દવાઓ, PPE કીટ્સ, માસ્ક, સેનિટાઇઝર્સ, કવરઓલ, હાથમોજાં સહિત તબીબી ઉપકરણો, માછલીઓ, ફળો, સુતરાઉ ચીજો, ગુણીની થેલીઓ, શાકભાજી, ડુંગળી, આદુ, લસણ અને અન્ય દૈનિક ઉપયોગમાં જરૂરિયાતની ચીજો દેશના વિવિધ ભાગોમાં 2 એપ્રિલથી 13 જૂન દરમિયાન પહોંચાડવામાં આવી છે. SER દ્વારા ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલા સમય દરમિયાન 26,335 ટન પાર્સલના જથ્થાનું પરિવહન કરવામાં આવ્યું છ જેમાં દેશના અલગ અલગ ભાગોમાં 9,97,145 પેકેજ પહોંચાડવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631560

 

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • પંજાબ: પંજાબના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી કે, કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત આપવામાં આવતા લાભો વધુ છ મહિના સુધી લંબાવવામાં આવે જેથી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ અંતર્ગત આવતા લાભાર્થીઓને ઘઉં અને દાળનો જથ્થો વિનામૂલ્યે પૂરો પાડી શકાય.
  • હરિયાણા: રાજ્ય સરકારે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા લોકોને કૉલ કરીને તેમની પાસેથી વિવિધ મુદ્દા જેમ કે, તેમને પૂરી પાડવામાં આવતી સેવાની ઉપલબ્ધતા, તેમને હોમ આઇસોલેશન માટે આપવામાં આવેલી સૂચનાઓનું તેઓ સંપૂર્ણ પાલન કરતા હતા કે નહીં, આ સમયમાં તેમને કોઇ મુશ્કેલી પડી હતી કે નહીં, આરોગ્ય વિભાગ તરફથી તેમને કોઇ સહકારની જરૂરિયાત, શું તેઓ સૂચનાઓ અનુસાર કોઇ દવાઓ લઇ રહ્યા છે, માસ્ક પહેરી રહ્યા છે, સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે વગેરે અંગે પ્રતિભાવ લેવા માટે વિશેષ પહેલની શરૂઆત કરી છે. આવા કેસોને કૉલ કરવા માટે, હરિયાણાની 1075 હેલ્પલાઇનના કૉલ સેન્ટરોની સેવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવા કૉલ કરીને માત્ર પ્રતિભાવો નથી લેવામાં આવતા પરંતુ, તેમના પ્રશ્નોનો ઉકેલ પણ લાવવામાં આવે છે. તેમને કૉલિંગ એજન્ટ્સ દ્વારા વધુ સલાહસુચન પણ કરવામાં આવે છે જેથી તેમને કોવિડ-19 સંબંધિત તણાવ અને અજંપો દૂર કરવામાં મદદ મળી શકે કારણ કે કોવિડ-19 મહામારીના સમયમાં તે જરૂરી છે. હરિયાણાની સરકારે ઇસાઇક્લિનિક (નિષ્ણાત અને ક્વૉલિફાઇડ મનોચિકિત્સકોનું પ્લેટફોર્મ) સાથે પણ જોડાણ કર્યું છે જેથી આગામી 3 મહિના સુધી 1075ના કૉલ સેન્ટરની મદદથી લોકોના માનસિક આરોગ્ય માટે પણ સલાહસુચનની સેવા પૂરી પાડી શકાય.
  • હિમાચલ પ્રદેશ: કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે જિલ્લાઓ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓનું આકલન કરવા માટે તેમજ રાજ્યમાં વિકાસના કાર્યો સહિત આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે જિલ્લાઓની ભાવિ યોજનાઓના આકલન માટે રાજ્યના દરેક જિલ્લામાં સમીક્ષા બેઠક યોજવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ મંજૂરી આપી દીધી છે. આ સમીક્ષા બેઠકો અધ્યક્ષ, મંત્રીઓ, નાયબ અધ્યક્ષ, નાયબ ચેરમેન અને મુખ્ય વ્હિપના નેતૃત્વમાં યોજવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલી જિલ્લા સ્તરની આવી બેઠકોના એજન્ડામાં કોવિડ-19ના નિયંત્રણ માટે કરવાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી તમામ મુખ્ય યોજનાઓના અમલીકરણની સ્થિતિની સમીક્ષા, અત્યાર સુધીમાં ન ખર્ચવામાં આવેલી રકમનો ઉપયોગ, મુખ્યમંત્રીની જાહેરાતોની દરેક જિલ્લામાં સ્થિતિ, મુખ્યમંત્રીએ જેનો પાયો નાંખ્યો હોય તેવી યોજનાઓમાં પ્રગતિની સમીક્ષા વગેરે સામેલ છે.
  • કેરળ: રાજ્ય સરકારે બહારના પ્રદેશમાંથી કેરળની મુલાકાતે આવી રહેલા લોકો માટે નવી માર્ગદર્શિકા બનાવી છે. જેઓ ટુંકી મુસાફરી માટે કેરળ આવી રહ્યા છે તેમણે સાત દિવસથી વધુ સમય સુધી કેરળમાં રોકવું જોઇએ નહીં. અગાઉ રાજ્યમાં આવતા અધિકારીઓ અને અન્ય પ્રોફેશનલ હેતુથી આવતા લોકોને ક્વૉરેન્ટાઇનમાં રહેવામાંથી છૂટ આપવામાં આવી હતી. હવે, પરીક્ષાઓ આપવા આવી રહેલા ઉમેદવારો માટે પણ તે લાગુ પડશે. તેઓ સીધા તેમના રોકાણના સ્થળે પહોંચી શકશે અને તેમણે મંજૂરી લીધા વગર અન્ય કોઇપણ મુસાફરી કરવી નહીં. કેરળની ઉચ્ચ અદાલતે રાજ્યના વિદ્યુત બોર્ડ પાસેથી એક અરજીના સંદર્ભમાં ખુલાસો માંગ્યો છે. લૉકડાઉન દરમિયાન ગ્રાહકો પાસેથી અભૂતપૂર્વ વીજ ટેરિફમાં વધારો વસુલવા આવ્યો હતો તેની વિરુદ્ધમાં આ અરજી દાખલ કરવામાં આવી છે. રાજ્યમાં લૉકડાઉન પછી હવે ફરી ફિલ્મોના શુટિંગની કામગીરી શરૂ થઇ ગઇ છે. વિસ્થાપિત શ્રમિકોને પરત ફરવા માટે ટ્રેનની ટિકિટોનું વિતરણ થઇ રહ્યું હોવાના ખોટા સમાચાર ફેલાયા હોવાથી કોચીમાં પેરુમ્બવૂર ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા વિસ્થાપિત શ્રમિકોના ટોળાંને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19ના નવા 54 કેસ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે 56 દર્દીઓ સાજા થઇ ગયા છે. હાલમાં 1340 દર્દીઓ આ બીમારીના કારણે તબીબી દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે.
  • તામિલનાડુ: તામિલનાડુની સરકારે ચેન્નઇ, તિલુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં 19 થી 30 જૂન સુધી ફરી સંપૂર્ણ લૉકડાઉનનો અમલ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં નવા આઠ દર્દીઓને કોરોના વાયરસનો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે જેમાં પુડુચેરી RTCના બસનો એક ડ્રાઇવર પણ છે. પુડુચેરીમાં કુલ 202 કેસ અત્યાર સુધીમાં પોઝિટીવ નોંધાયા છે. રાજ્યમાં કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હોવાથી, તામિલનાડુ સરકારે સામાન્ય બીમારી ધરાવતા દર્દીઓ માટે નવા કોવિડ-19 સંભાળ કેન્દ્રો શરૂ કરવા સ્થળોની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં ગઇકાલે અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ સંખ્યામાં કોવિડ-19ના પોઝિટીવ કેસ નોંધાયા હતા. નવા 1974 કેસ નોંધાયા હતા જ્યારે 38 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. માત્ર ચેન્નઇમાં નવા 1415 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 44661, સક્રિય કેસ: 19676, મૃત્યુ થયા: 435, ચેન્નઇમાં સક્રિય કેસ: 14667.
  • કર્ણાટક: શિવમોગ્ગા ખાતે રૂપિયા 220 કરોડના ખર્ચે હવાઇમથક પરિયોજના માટે મુખ્યમંત્રીએ શિલાન્યાસ કર્યો હતો. રાજ્યએ કોરોના વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લેવા માટે અને ક્વૉરેન્ટાઇન સુવિધાઓની દેખરેખ માટે 800 બુથ સ્તરની ટાસ્ક ફોર્સનું ગઠન કરવાનો નિર્ણય લીધો છે. સમગ્ર રાજ્યમાં ગુરુવારે માસ્ક ડેનું આયોજન કરવામાં આવશે જેમાં જાણિતી હસ્તી અને રમતજગતના ખેલાડીઓ પણ સામેલ થશે. અત્યાર સુધીમાં રાજ્યમાં 4,40,684 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે અને કુલ 2956 કેસ પોઝિટીવ નોંધાયા છે. ગઇકાલે રાજ્યમાં નવા 176 કેસ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે 312 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 7000 થઇ ગઇ છે જ્યારે 86 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 3955 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
  • આંધ્રપ્રદેશ: વિશાખાપટ્ટનમ ખાતે આવેલી કિંગ જ્યોર્જ હોસ્પિટલ (KGH)માં ફોરેન્સિક મેડિકલ વિભાગમાં એક PG ડૉક્ટરનો કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યા પછી શબઘર થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ચિત્તૂરમાં આવેલા કનીપકમ વિનાયક સ્વામી મંદિરમાં તૈનાત કરવામાં આવેલા એક હોમગાર્ડને કોરોના વાયરસનો પોઝિટીવ ટેસ્ટ આવ્યા પછી બે દિવસ માટે મંદિરમાં દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 246 નવા કેસ નોંધાયા છે, કુલ 15,173 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, બે દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે જ્યારે 47 દર્દીઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 5087, સક્રિય કેસ: 2231, સાજા થયા: 2770, મૃત્યુ થયા: 86.
  • તેલંગાણા: રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ના ટેસ્ટ માટે ચાર્જ રૂપિયા 2200 નિર્ધારિત કર્યો છે. આ ઉપરાંત સામાન્ય આઇસોલેશન માટે દૈનિક રૂ. 4000, વેન્ટિલેટર વગર કોવિડની સારવાર માટે રૂ. 7,500, વેન્ટિલેટર સાથે રૂ. 9,000 દૈનિક ચાર્જ નક્કી કર્યો છે. સરકારે આ બાબતે આજે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડશે. 15 જૂન સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 4,974 થઇ છે જેમાંથી 2412 સક્રિય કેસ હાલમાં સારવાર હેઠળ છે.
  • મહારાષ્ટ્ર: રાજ્યમાં કોવિડ-19ના નવા 3390 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત પોઝિટીવ કેસની કુલ સંખ્યા વધીને 1,07,958 થઇ ગઇ છે. આમાંથી, 53,030 કેસ હાલમાં સારવાર હેઠળ છે. રાજ્યના હોટસ્પોટ મુંબઇમાં નવા 1395 દર્દીઓ આ બીમારીથી ચેપગ્રસ્ત થયા છે જેથી શહેરમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના પોઝિટીવ નોંધાયેલા કુલ કેસની સંખ્યા 58,135 થઇ ગઇ છે. ધારાવી ઝૂંપડપટ્ટીમાં કોરોનાથી ચેપગ્રસ્ત પોઝિટીવ કેસની સંખ્યામાં નિયંત્રણ આવી રહ્યું હોય તેમ લાગે છે કારણ કે, છેલ્લા 24 કલાકમાં અહીં 13 દર્દી પોઝિટીવ નોંધાયા છે અને એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. મુંબઇમાં, પસંદગીની ઉપનગરીય સેવાઓ આજે સવારથી ફરી શરૂ કરવામાં આવી છે. વેસ્ટર્ન અને મધ્ય રેલવેના અપ અને ડાઉન રૂટ પર માત્ર આવશ્યક સેવાઓના સ્ટાફ અને સરકારી સ્ટાફ માટે સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ વિશેષ ઉપનગરીય સેવાઓમાં સામાન્ય મુસાફરો/ જનતાને મંજૂરી આપવામાં આવશે નહીં.
  • ગુજરાત: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 511 કેસના પોઝિટીવ રિપોર્ટ આવ્યા હોવાથી અત્યાર સુધીમાં ગુજરાતમાં નોંધાયેલા કોરોના વાયરસ ચેપગ્રસ્તોના કુલ કેસની સંખ્યા 23,017 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓ કોવિડ-19થી મૃત્યુ પામ્યા હોવાથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1478 થયો છે.
  • રાજસ્થાન: આજે રાજસ્થાનમાં નવા 78 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 12,772 થઇ ગઇ છે જેમાંથી 9631 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે જ્યારે હાલમાં 2847 સક્રિય કેસો સારવાર હેઠળ છે. મોટાભાગના નવા નોંધાયેલા કેસો જયપુર અને જુંજૂનું જિલ્લામાંથી છે.
  • મધ્યપ્રદેશ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 161 દર્દીના રિપોર્ટ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસનો આંકડો વધીને 10,808 થઇ ગયો છે જ્યારે 4 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં સૌથી ખરાબ સ્થિતિ ધરાવતા ઇન્દોર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 4063 થઇ ગઇ છે. રાજ્યના પાટનગર ભોપાલમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 2195 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. મધ્યપ્રદેશના આરોગ્ય વિભાગે રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે કોવિડ મિત્ર તરીકે સરકારની મદદ કરવા માટે સ્વયંસેવકોનો સંપર્ક કર્યો છે. કોવિડ મિત્રને ઓક્સિમીટર આપવામાં આવશે જે લોકોમાં ઓક્સિજનનું સ્તર માપશે. શહેરી વિસ્તારમાં 45 વર્ષની ઉંમર સુધીની કોઇપણ સ્વસ્થ વ્યક્તિ અથવા સામાજિક/ સેવાભાવી સંસ્થા કોવિડ મિત્ર બની શકે છે.
  • છત્તીસગઢ: રાજ્યમાં રવિવારે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 113 પોઝિટીવ કેસ નોંધાયા હતા. તેમજ, 84 દર્દીઓ સાજા થતા રાજ્યની વિવિધ હોસ્પિટલોમાંથી તેમને રવિવારે રજા આપવામાં આવી હતી. હાલમાં રાજ્યમાં કુલ કોવિડ-19ના કેસની સંખ્યા 1662 છે.
  • ગોવા: ગોવામાં રવિવારે કોવિડ-19 વધુ 41 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 564 પર પહોંચી ગઇ છે જેમાં અત્યાર સુધીમાં સાજા થયેલા 74 દર્દીઓ પણ સામેલ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

FACT CHECK

Image

 



(Release ID: 1631775) Visitor Counter : 257