માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો દેશના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો સુધી પહોંચશે


કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આગામી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે રાજ્યોને તેમના શ્રેષ્ઠ પર્યટન સ્થળો રજૂ કરવા આમંત્રણ આપ્યું

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો હવે કોન્ફરન્સ રૂમથી આગળ વધીને લોકો સુધી પહોંચશે: અશ્વિની વૈષ્ણવ

પોસ્ટેડ ઓન: 22 SEP 2026 1:09PM by PIB Ahmedabad

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કાર્યક્રમોને પરંપરાગત સ્થળોથી આગળ લઈ જવા અને દેશભરના સ્થળો સાથે જોડવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત થઈને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોને દેશના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો પર લઈ જવામાં આવી રહ્યા છે.

મીડિયા સાથે સંવાદ કરતા શ્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, "આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીથી પ્રેરિત થઈને અમે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોને દેશના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો પર લઈ જઈ રહ્યા છીએ."

તેમણે કહ્યું કે એકતા નગરે વિશ્વભરમાં માન્યતા મેળવી છે અને તે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું ઘર હોવા સાથે અત્યંત આકર્ષક સ્થળ છે. તેમણે ઉમેર્યું કે જ્યારે ભારતના આદરણીય રાષ્ટ્રપતિ અને દેશભરમાંથી ભારતીય ફિલ્મ ઉદ્યોગની અગ્રણી હસ્તીઓ આવા પ્રખ્યાત પ્રવાસન સ્થળની મુલાકાત લેશે, ત્યારે તે વધુ લોકોને આ સ્થળ વિશે જાણવાની અને અનુભવવાની તક પૂરી પાડશે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ પ્રયાસ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોને કોન્ફરન્સ રૂમથી આગળ લઈ જવાનો અને પ્રવાસન દ્વારા તેને પ્રોત્સાહિત અને આગળ ધપાવવાની સાથે તેને લોકોની વધુ નજીક લાવવાનો છે.

શ્રી અશ્વિની વૈષ્ણવે તમામ રાજ્યોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની ઓળખ કરીને પ્રસ્તાવ રજૂ કરવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે પ્રસ્તાવોમાં શ્રેષ્ઠ સુવિધાઓ તેમજ સ્થળના 360-ડિગ્રી વિકાસ માટેની યોજના સામેલ હોવી જોઈએ. જે રાજ્યનો પ્રસ્તાવ પસંદ કરવામાં આવશે તે સૂચિત પ્રવાસન સ્થળ પર આગામી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન કરશે.

મંત્રીશ્રીએ યાદ કર્યું કે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ G20ની અધ્યક્ષતા કરી હતી, ત્યારે તેના કાર્યક્રમો દેશના વિવિધ ભાગોમાં લઈ જવામાં આવ્યા હતા અને વિવિધ રાજ્યોમાં યોજવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ફિલ્મ અને પ્રવાસનને કેવી રીતે એકસાથે લાવી શકાય તે શોધવા માટેની એક મોટી વિચાર પ્રક્રિયાના ભાગરૂપે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોને પણ દેશભરમાં લઈ જવામાં આવી રહ્યા છે.

શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ફિલ્મ અને પ્રવાસનને એકસાથે લાવવાથી પ્રવાસન સ્થળને ફાયદો થશે તેમજ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો કોન્ફરન્સ રૂમથી આગળ વધીને દેશભરના વાસ્તવિક ભૌતિક સ્થળો સુધી પહોંચી શકશે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2313377) મુલાકાતી સંખ્યા : 23