પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ NEPના અમલીકરણ પર અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કર્યું
“રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું મૂળભૂત વચન શિક્ષણને સંકુચિત વિચારધારામાંથી બહાર કાઢવાનું અને તેને 21મી સદીના આધુનિક વિચારો સાથે જોડવાનું છે”
“બ્રિટિશરો દ્વારા બનાવવામાં આવેલી શિક્ષણ પ્રણાલી ક્યારેય ભારતીય સિદ્ધાંતોનો હિસ્સો રહી જ નથી”
“આપણા યુવાનો કૌશલ્યવાન, આત્મવિશ્વાસુ અને વ્યવહારું હોવા જોઇએ, શિક્ષણ નીતિ આના માટેનો આધાર તૈયાર કરી રહી છે”
“જે ક્ષેત્રો પહેલાં મહિલાઓ માટે બંધ હતા તે હવે તેમની પ્રતિભા બતાવી રહ્યા છે”
“રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ આપણને અસંખ્ય સંભાવનાઓને સાર્થક કરવાનું સાધન આપ્યું છે”
Posted On:
07 JUL 2022 4:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ પર અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, શ્રીમતી અન્નપૂર્ણા દેવી, ડૉ. સુભાષ સરકાર, ડૉ. રાજકુમાર રંજન સિંહ, રાજ્યના મંત્રીઓ, શિક્ષણવિદો અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણી શિક્ષણ પ્રણાલી અને આપણી યુવા પેઢીનો ‘અમૃતકાળ’ના સંકલ્પોને સાકાર સ્વરૂપ આપવામાં ખૂબ જ મોટો હિસ્સો છે. તેમણે મહાનામા મદન મોહન માલવિયાને વંદન કરતી વખતે આ સમાગમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. દિવસ દરમિયાન અગાઉ, પ્રધાનમંત્રીએ એલ.ટી. કોલેજમાં અક્ષયપાત્ર મધ્યાહન ભોજન રસોડાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેમણે જે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો તેમની ઉચ્ચ કક્ષાની પ્રતિભા એ તેમની પ્રતિભાનો ઉપયોગ કરવા માટે જરૂરી પ્રયાસોનો સંકેત છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું મૂળભૂત વચન શિક્ષણને સંકુચિત વિચારધારામાંથી બહાર કાઢવાનું અને તેને 21મી સદીના આધુનિક વિચારો સાથે જોડવાનું છે.” પ્રધાનમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, દેશમાં બૌદ્ધિક લોકો અને કૌશલ્યની ક્યારેય અછત થઇ જ નથી, જોકે, બ્રિટિશરો દ્વારા બનાવવામાં આવેલી શિક્ષણ પ્રણાલી ક્યારેય ભારતીય સિદ્ધાંતોનો હિસ્સો નથી રહી. તેમણે શિક્ષણના ભારતીય સિદ્ધાંતોની બહુપરીમાણીયતાને રેખાંકિત કર્યા હતા અને આધુનિક ભારતીય શિક્ષણ પ્રણાલીને અંકિત કરવા માટે તે પાસું હોવું જોઇએ તેમ કહ્યું હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણે માત્ર ડિગ્રી મેળવનારા યુવાનોને તૈયાર ના કરવા જોઇએ નહીં પરંતુ દેશને આગળ વધવા માટે જે પણ માનવ સંસાધનોની જરૂર છે તે અનુસાર દેશને આપણી શિક્ષણ પ્રણાલી આપવી જોઇએ. અમારા શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓએ આ સંકલ્પનું નેતૃત્વ સંભાળવાનું છે.” નવા ભારતનું સર્જન કરવા માટે, પ્રધાનમંત્રીએ આગ્રહપૂર્વક કહ્યું હતું કે, નવી પ્રણાલી અને આધુનિક પ્રક્રિયાઓ ઘણી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, અગાઉના સમયમાં જેની કલ્પના પણ નહોતી કરવામાં આવતી તે હવે વાસ્તવિક થઇ રહ્યું છે. પ્રધાનમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, “કોરોના જેવી મહામારીમાંથી આપણે ખૂબ જ ઝડપથી બેઠા થયા છીએ એવું નથી પરંતુ આજે ભારત સમગ્ર દુનિયામાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલા અર્થતંત્રમાંથી એક છે. આજે, આપણે આખી દુનિયામાં ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છીએ.”
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, અવકાશ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં, જ્યાં અગાઉના સમયમાં માત્ર સરકાર દ્વારા જ બધું કરવામાં આવતું હતું ત્યાં, હવે ખાનગી ખેલાડીઓ દ્વારા યુવાનો માટે એક નવી દુનિયા બનાવવામાં આવી રહી છે. જે ક્ષેત્રો અગાઉના સમયમાં મહિલાઓ માટે બંધ હતા તેઓ હવે તેમની પ્રતિભા બતાવી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, નવી નીતિમાં સંપૂર્ણ ધ્યાન બાળકોને તેમની પ્રતિભા અને બાળકોની પસંદગીઓ અનુસાર તેને કૌશલ્યવાન બનાવવા પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, “આપણા યુવાનો કૌશલ્યવાન, આત્મવિશ્વાસુ, વ્યવહારુ અને ગણતરીશીલ હોવા જોઇએ, શિક્ષણ નીતિ આ માટે આધાર તૈયાર કરી રહી છે.”. પ્રધાનમંત્રીએ વિચારવાની નવી પ્રક્રિયા સાથે ભવિષ્ય માટે કામ કરવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બાળકો આજે ખૂબ જ અદ્યતન પ્રતિભા બતાવી રહ્યા છે અને આપણે તેમની પ્રતિભાને મદદ કરવા માટે અને તેમનો ઉપયોગ કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે.
NEP તૈયાર કરવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી, જો કે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, નીતિ તૈયાર કર્યા પછી તેની ગતિમાં જરાય ઘટાડો થવા દેવામાં આવ્યો નથી. નીતિના અમલીકરણ પર એકધારી ચર્ચા કરવામાં આવી છે અને તેના પર કામ કરવામાં આવ્યું છે. નીતિના અમલીકરણ વિશે વાત કરવા માટે પ્રધાનમંત્રીએ વ્યક્તિગત રીતે ઘણા સેમિનાર અને કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આના પરિણામ સ્વરૂપે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, દેશના યુવાનો દેશના વિકાસમાં સક્રિયપણે ભાગીદાર બની રહ્યા છે.
પ્રધાનમંત્રી દેશમાં શિક્ષણને લગતી માળખાકીય સુવિધાઓના ખૂબ જ મોટા ફેરફારો અંગે વાત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે, દેશમાં સંખ્યાબંધ નવી કોલેજો, યુનિવર્સિટીઓ, IIT અને IIM ખુલી રહ્યા છે. વર્ષ 2014 પછી મેડિકલ કોલેજોની સંખ્યામાં 55 ટકાનો વધારો થયો છે. યુનિવર્સિટીઓ માટેની સામાન્ય પ્રવેશ પરીક્ષાના કારણે યુનિવર્સિટીમાં પ્રવેશની કામગીરીમાં સરળતા અને સમાનતા આવશે. તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હવે માતૃભાષામાં અભ્યાસ માટે માર્ગ મોકળો કરી રહી છે. આ ક્રમમાં, સંસ્કૃત જેવી પ્રાચીન ભારતીય ભાષાઓને પણ આગળ વધારવામાં આવી રહી છે.”
પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત વૈશ્વિક શિક્ષણના એક મોટાં કેન્દ્ર તરીકે ઉદયમાન થઇ શકે છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર તૈયાર કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. સંસ્થાઓની આંતરરાષ્ટ્રીય બાબતો માટે 180 યુનિવર્સિટીઓમાં વિશેષ ઓફિસોની સ્થાપના કરવામાં આવી છે. તેમણે આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય આચરણો માહિતગાર રહેવા માટે નિષ્ણાંતોને અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ પ્રેક્ટિકલ અનુભવ અને ફિલ્ડવર્કના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો અને ‘લેબ ટુ લેન્ડ’ના અભિગમને અપનાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે શિક્ષણવિદોને તેમના અનુભવને ચકાસાયેલ પરીક્ષણ દ્વારા માન્ય કરવા માટે કહ્યું હતું. તેમણે પુરાવા આધારિત સંશોધન માટે અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારતના ડેમોગ્રાફિક ડિવિડન્ડ પર સંશોધન કરવા અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે તેમજ વિશ્વના વૃદ્ધ સમાજો માટે ઉકેલો શોધવા માટે પણ કહ્યું હતું. એ જ રીતે, સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સંશોધનનું બીજું ક્ષેત્ર છે તેમ કહ્યું હતું. તેમણે એવું તારણ કાઢ્યું હતું કે, “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’એ આપણને અસંખ્ય સંભાવનાઓને સાકાર કરવા માટે એક સાધન આપ્યું છે જે અગાઉ ઉપલબ્ધ નહોતું. આપણે તેનો સંપૂર્ણ ઉપયોગ કરવાની જરૂર છે.”
અખિલ ભારતીય શિક્ષા સમાગમ
શિક્ષણ મંત્રાલય દ્વારા 7 થી 9 જુલાઇ દરમિયાન શિક્ષા સમાગમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે જાણીતા શિક્ષણવિદો, નીતિ ઘડવૈયાઓ અને શૈક્ષણિક નેતાઓને તેમના અનુભવો અંગે ચર્ચા કરવા અને તેનું આદાનપ્રદાન કરવા માટે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના અસરકારક અમલીકરણ માટે રોડમેપ પર ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. આ કાર્યક્રમનું આયોજન સમગ્ર દેશમાંથી યુનિવર્સિટીઓ (કેન્દ્રીય, રાજ્ય, ડીમ્ડ, ખાનગી), રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ (IIT, IIM, NIT, IISER) ના 300 શૈક્ષણિક, પ્રશાસનિક અને સંસ્થાકીય અગ્રણીઓની ક્ષમતા નિર્માણના ભાગ રૂપે કરવામાં આવી રહ્યું છે. વિવિધ હિતધારકો તેમની સંબંધિત સંસ્થાઓમાં NEPના અમલીકરણની પ્રગતિની માહિતી રજૂ કરશે અને અમલીકરણની નોંધપાત્ર વ્યૂહરચના, શ્રેષ્ઠ પ્રયાસો અને સફળતાની ગાથાઓ પણ શેર કરશે.
ત્રણ દિવસ માટે યોજવાં આવેલા શિક્ષા સમાગમ કાર્યક્રમ દરમિયાન, NEP 2020 હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે ઓળખી કાઢવામાં આવેલા નવ વિષયો પર પેનલ ચર્ચાઓ હાથ ધરવામાં આવશે. આ થીમ્સ બહુશાખીય અને સર્વાંગી શિક્ષણ; કૌશલ્ય વિકાસ અને રોજગારી; સંશોધન, આવિષ્કાર અને ઉદ્યોગસાહસિકતા; ગુણવત્તાપૂર્ણ શિક્ષણ માટે શિક્ષકોની ક્ષમતાનું નિર્માણ; ગુણવત્તા, રેન્કિંગ અને માન્યતા; ડિજિટલ સશક્તિકરણ અને ઑનલાઇન શિક્ષણ; સમાન અને સમાવેશી શિક્ષણ; ભારતીય જ્ઞાન પ્રણાલી; અને ઉચ્ચ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ સામેલ છે.
SD/GP/JD
(Release ID: 1839874)
Visitor Counter : 516
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam