પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

હૈદરાબાદમાં ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યના 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી'ના અનાવરણ પ્રસંગે યોજાયેલા સમારંભમાં પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ

Posted On: 05 FEB 2022 10:17PM by PIB Ahmedabad

ઓમ અસમદ ગુરૂભ્યો નમઃ

ઓમ શ્રીમતે રામાનુજાય નમઃ

કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત તેલંગણાના રાજયપાલ  ડોકટર તમિલસાઈ સૌંદરરાજનજી, પૂજ્ય શ્રી જીયર સ્વામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી જી. કૃષ્ણ રેડ્ડીજી, આદરણીય શ્રીમાન ડો. રામેશ્વર રાવજી, ભાગવદ્દ વિભૂતિઓથી સજ્જ તમામ પૂજય સંતગણ, દેવીઓ અને સજ્જનો.

આજે મા સરસ્વતીની આરાધાનાના પાવન પર્વ વસંત પંચમીનો શુભ અવસર છે. આ પ્રસંગે મા શારદાની વિશેષ કૃપાના અવતાર સમાન શ્રી રામાનુજાચાર્યની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે. હું આપ સૌને વસંત પંચમીની શુભેચ્છાઓ પાઠવું છું. મા સરસ્વતીને પ્રાર્થના કરૂં છું કે જગદ્દગુરૂ રામાનુજાચાર્યનું જ્ઞાન વિશ્વને હંમેશાં માર્ગ બતાવતું રહે.

સાથીઓ,

આપણે ત્યાં કહેવામાં આવે છે કે-  'ધ્યાન મૂલમ્ ગુરૂ મૂર્તિ!'

આનો અર્થ એવો થાય છે કે ગુરૂની મૂર્તિ જ આપણાં ધ્યાન માટેનું કેન્દ્ર છે. કારણ કે ગુરૂના માધ્યમથી જ આપણે ત્યાં જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે અબોધ છે તેમને જ્ઞાનનો બોધ પ્રાપ્ત થાય છે. અપ્રગટ હોય તેને પ્રગટ કરવાની આ પ્રેરણા, સૂક્ષ્મને પણ સાકાર કરવાનો સંકલ્પ તે ભારતની પરંપરા રહી છે.તેમણે  હંમેશા યુગો યુગો સુધી માનવતાને દિશા દર્શાવી શકે તેવા મૂલ્યો અને વિચારોને આકાર આપ્યો છે. આજે ફરી એક વખત જગદ્દગુરૂ રામાનુજાચાર્યજીની આ ભવ્ય વિશાળ મૂર્તિના માધ્યમથી ભારત માનવીય ઊર્જા અને પ્રેરણાઓને મૂર્ત સ્વરૂપ આપી રહ્યું છે. જગદ્દગુરૂ રામાનુજાચાર્યજીની આ પ્રતિમા તેમના જ્ઞાન, વૈરાગ્ય અને આદર્શોનું પ્રતિક છે. મને વિશ્વાસ છે કે આ પ્રતિમા માત્ર આવનારી પેઢીઓને જ નહીં, પરંતુ ભારતની પ્રાચીન ઓળખને પણ મજબૂત કરશે. હું આપ સૌને તથા તમામ દેશવાસીઓને તેમજ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા રામાનુજાચાર્યજીના તમામ અનુયાયીઓને આ શુભ અવસરે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

હું હમણાં જ 108 દિવ્ય દેશમ્ મંદિરોના દર્શન કરીને આવ્યો છું. આલવાર સંતોએ જે 108 દિવ્ય દેશમ્ મંદિરોનું દર્શન સમગ્ર ભારતમાં ભ્રમણ કરીને કર્યું હતું, કંઈક એવું જ સૌભાગ્ય મને આજે રામાનુજાચાર્યજીની કૃપાથી અહિંયા પ્રાપ્ત થયું છે. 11મી સદીમાં તેમણે માનવતાના કલ્યાણનો જે યજ્ઞ શરૂ કર્યો હતો તેવો સંકલ્પ અહિંયા 12 દિવસ સુધી વિભિન્ન અનુષ્ઠાનોમાં દોહરાવવામાં આવી રહ્યો છે. પૂજય શ્રી જીયર સ્વામીજીના સ્નેહભાવને કારણે આજે 'વિશ્વક સેન ઈષ્ટિ યજ્ઞ'ની પૂર્ણાહુતિમાં સામેલ થવાનું સૌભાગ્ય પણ મને મળ્યું છે. હું તે માટે જીયર સ્વામીજીનો વિશેષ આભાર માનું છું. તેમણે મને જણાવ્યું કે 'વિશ્વક સેન ઈષ્ટિ યજ્ઞ' સંકલ્પો અને લક્ષ્યો પૂર્ણ કરવાનો યજ્ઞ છે. હું આ યજ્ઞના સંકલ્પને દેશના અમૃત સંકલ્પોની સિધ્ધિ માટે મસ્તક નમાવીને સમર્પિત કરૂ છું. આ યજ્ઞનું ફળ મારા 130 કરોડ દેશવાસીઓના સપનાં પૂર્ણ કરે તે માટે અર્પિત કરૂં છું.

સાથીઓ,

દુનિયાની મોટા ભાગની સભ્યતાઓમાં અને મોટા ભાગની વિચારધારાઓમાં કોઈ વિચારને કાં તો સ્વિકારવામાં આવે છે અથવા તો તેનું ખંડન કરવામાં આવે છે, પણ ભારત જ એ એક એવો દેશ છે કે જેના મહાન વિદ્વાનોએ જ્ઞાનને ખંડન-મંડન, સ્વીકૃતિ- અસ્વીકૃતિથી આગળ વધીને જોયું છે અને તે પોતે પણ તેનાથી પર રહ્યા છે. આપણે ત્યાં અદ્વૈત પણ છે, દ્વૈત પણ છે. અને આ દ્વૈત અદ્વૈતનો સમાવેશ કરીને શ્રી રામાનુજાચાર્યજીનું વિશિષ્ટ દ્વૈત પણ આપણાં માટે પ્રેરણારૂપ છે. રામાનુજાચાર્યના જ્ઞાનની એક અલગ  ભવ્યતા છે. સામાન્ય દ્રષ્ટિથી જે વિચાર આપણને પરસ્પર વિરોધાભાસી લાગતો હોય તેને તે ખૂબ જ સહજતાથી એક સૂત્રમાં પરોવી દેતા હતા. તેમના ધ્યાનથી, તેમની વ્યાખ્યાથી સામાન્યમાં સામાન્ય માનવી પણ તેની સાથે જોડાઈ જતો હતો. તમે જુઓ, એક તરફ રામાનુજાચાર્યના બોધમાં જ્ઞાનની પરાકાષ્ઠા છે, તો બીજી તરફ તે ભક્તિમાર્ગના જનક પણ છે. એક તરફ તે સમૃધ્ધ સન્યાસ પરંપરાના સંત પણ છે, તો બીજી તરફ ગીતાના બોધમાં કર્મનું મહત્વ પણ તેમણે અત્યંત ઉત્તમ રીતે રજૂ કર્યું છે. તે જાતે પણ પોતાનું સમગ્ર જીવન કર્મને સમર્પિત કરતા રહ્યા હતા. રામાનુજાચાર્યજીએ સંસ્કૃત ગ્રંથોની પણ રચના કરી છે અને તામિલ ભાષાને પણ ભક્તિ માર્ગમાં એટલું જ મહત્વ આપ્યું છે. આજે પણ રામાનુજ પરંપરાના મંદિરોમાં થિરૂપ્પાવાઈનો પાઠ કર્યા વગર ભાગ્યે જ કોઈ અનુષ્ઠાન પૂરૂ થતું હશે.

સાથીઓ,

આજે જ્યારે દુનિયામાં સમાજ સુધારણાની વાત થાય છે, પ્રગતિશીલતાની વાત છે ત્યારે માનવામાં આવે છે કે સુધારો આપણને મૂળથી જ દૂર થાય છે, પણ આપણે જ્યારે રામાનુજાચાર્યને જોઈએ છીએ તો એવો અનુભવ થાય છે કે પ્રગતિશીલતા અને પ્રાચીનતામાં કોઈ વિરોધ નથી. એ જરૂરી નથી કે સુધારો કરવા માટે પોતાના મૂળથી દૂર જવું પડે, પણ એ જરૂરી છે કે આપણે પોતાના અસલી મૂળ સાથે જોડાયેલા રહીને પોતાની વાસ્તવિક શક્તિથી પરિચીત થઈએ. આજથી 1000 વર્ષ પહેલાં જે રૂઢિઓનું દબાણ, અંધવિશ્વાસનું દબાણ, કલ્પના કરતાં કેટલું વધુ રહ્યું હશે, પરંતુ રામાનુજાચાર્યજીએ સમાજમાં સુધારણા કરવા માટે સમાજને ભારતના મૂળ વિચારોનું જ્ઞાન આપ્યું અને તેમણે દલિતો અને પછાત લોકોને ગળે લગાવ્યા. એ સમયે જે જાતિઓ બાબતે કશુંક અલગ વિચારવામાં આવતું હતું તે જાતિઓને તેમણે વિશેષ સન્માન આપ્યું. યાદવગીરી પર્વત ઉપર તેમણે નારાયણ મંદિર બનાવ્યું અને તેમાં દલિતોને દર્શન અને પૂજન માટેનો અધિકાર આપ્યો. રામાનુજાચાર્યજી એવું કહેતા હતા કે ધર્મ કહે છે કે "ન જાતિઃ કારણં લોકે ગુણાઃ કલ્યાણ હેતવઃ". આનો અર્થ એવો થાય છે કે સંસારમાં જાતિથી નહીં, પણ ગુણોથી કલ્યાણ થતું હોય છે. રામાનુજાચાર્યજીના ગુરૂ શ્રી મહાપૂર્ણજીએ એક વખત અન્ય જ્ઞાતિના પોતાના એક મિત્રનો અંતિમ સંસ્કાર કર્યો હતો. તે સમયે રામાનુજાચાર્યજીએ લોકોને ભગવાન શ્રી રામની યાદ અપાવી હતી અને કહ્યું હતું કે જો ભગવાન રામ પોતાના હાથથી જટાયુના અંતિમ સંસ્કાર કરતા હોય તો આવી વિચારધારાનો આધાર ધર્મ કઈ રીતે હોઈ શકે? આ વિચાર સ્વયં એક મોટો સંદેશ છે.

સાથીઓ,

આપણી સંસ્કૃતિની એ જ વિશેષતા રહી છે કે સુધારણા માટે આપણાં સમાજની અંદરથી જ લોકો આગળ આવે છે. આપણે યુગોથી જોતાં આવ્યા છીએ કે સમાજમાં જ્યારે પણ ખરાબીના તત્વો ફેલાવા લાગે છે ત્યારે કોઈને કોઈ મહાપુરૂષ આપણમાંથી જ બહાર આવે છે અને આપણો હજારો વર્ષોનો એ અનુભવ રહ્યો છે કે તેમના સમયમાં આ ભાગ્યે જ સુધારણાને સ્વીકૃતિ મળી હોય કે ના મળી હોય, પડકારોનો સામનો કરવો પડ્યો હોય કે ના હોય, સંકટ ઉઠાવવા પડ્યા હોય કે ના પડ્યા હોય, સંકટ પણ સહન કરવા પડ્યા હોય કે ના હોય પણ વિરોધ સહન કરવો પડ્યો હોય કે નહીં,  પણ એ વિચારોમાં, એ તત્વોમાં એટલી તાકાત રહેતી હતી અને નિશ્ચય શક્તિ પણ એટલી જબરદસ્ત રહેતી હતી કે સમાજનાં  દૂષણો  વિરૂધ્ધ લડવા માટે તે તાકાત લગાવી દેતા હતા. પરંતુ સમાજ જ્યારે સમજે છે ત્યારે તેમણે વિરોધ કર્યો હોય તેવી બાબતોને તેટલી જ ઝડપથી સ્વીકાર પણ કરી લેતો હોય છે. તેને સન્માન અને આદર પણ એટલું જ મળી રહે છે. આ એ બાબતનો પૂરાવો છે કે ખરાબીઓની તરફેણમાં, કુરિવાજોની તરફેણમાં કે અંધ વિશ્વાસના પક્ષમાં આપણો સમાજ સામાજીક સ્વીકૃતિ આપતો નથી. જે લોકો દૂષણો સામે લડે છે અને સમાજમાં સુધારણા લાવે છે તેમને આપણે ત્યાં માન- સન્માન મળે છે.

ભાઈઓ અને બહેનો,

આપ સૌ રામાનુજાચાર્યજીના જીવનના વિવિધ પાસાંઓથી પરિચિત છો. સમાજને સાચી દિશા બતાવવા માટે આધ્યાત્મિક સંદેશાઓનો પણ તે ઉપયોગ કરતા હતા અને વ્યવહારિક જીવનનો પણ તે ઉપયોગ કરતા હતા. જાતિના નામે જેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો તેને તેમણે નામ આપ્યું થિરૂકુલથાર. એટલે લક્ષ્મીજીના કુળમાં જન્મ લેનાર, શ્રીકુલ એટલે કે દૈવીય જન! સ્નાન કરીને આવતી વખતે તેઓ પોતાના શિષ્ય 'ધનુર્દાસ' ના ખભે હાથ મૂકીને આવતા હતા. આવું કરીને શ્રી રામાનુજાચાર્યજીએ છૂત- અછૂતની પરંપરાને દૂર કરવાનો સંકેત આપતા હતા. આવા કારણોથી જ બાબા સાહેબ આંબેડકર જેવા સમાનતાના આધુનિક નાયક પણ રામાનુજાચાર્યની ભરપૂર પ્રશંસા કરતા હતા અને સમાજને પણ કહેતા હતા કે જો કંઈ શિખવું હોય તો રામાનુજાચાર્યજીના બોધમાંથી શિખો. અને એટલા માટે જ આજે રામાનુજાચાર્યજીની વિશાળ મૂર્તિ સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી સ્વરૂપે સમાનતાનો સંદેશ આપી રહી છે. તેવો જ સંદેશ લઈને આજે 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ' ના મંત્ર સાથે આજે પોતાના સૌના ભવિષ્યનો પાયો નાંખવામાં આવી રહ્યો છે. વિકાસ થાય તો બધાંનો થાય, કોઈપણ પ્રકારના ભેદભાવ વગર થાય. સામાજીક ન્યાય કોઈપણ ભેદભાવ વગર તમામ લોકોને મળે. જેમની ઉપર સદીઓ સુધી ત્રાસ ગૂજારવામાં આવ્યો છે તે લોકો સંપૂર્ણ ગરિમા સાથે દેશના વિકાસમાં ભાગીદાર બને તે માટે આજનું બદલાતું જતું ભારત સંગઠીત થઈને પ્રયાસ કરી રહ્યું છે. આજે સરકાર જે યોજનાઓ ચલાવી રહી છે તેનો ખૂબ મોટો લાભ આપણાં દલિત અને પછાત ભાઈ- બહેનોને થઈ રહ્યો છે. પાકુ મકાન આપવાનું  હોય કે પછી ઉજ્જવલા યોજના હેઠળ ગેસનું મફત જોડાણ આપવાનું હોય, પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવાની હોય કે પછી વિજળીનું મફત જોડાણ આપવાનું કે પછી બેંકનું જનધન ખાતુ ખોલવાનું હોય કે પછી સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કરોડો શૌચાલયોનું નિર્માણ કરવાનું હોય. આવી યોજનાઓને કારણે ગરીબ, પછાત, શોષિત, વંચિત, તમામ લોકોનું ભલું થયું છે. કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર સૌને સશક્ત બનાવવામાં આવ્યા છે.

સાથીઓ,

રામાનુજાચાર્યજી કહેતા હતા કે "ઉઈરગલુક્કૂલ બેડમ ઈલ્લે" નો અર્થ એવો થાય છે કે તમામ જીવ સમાન છે. તે બ્રહ્મ અને જીવની એકતાની વાત કરતાં અટકતા ન હતા. તે વેદાંતના આ સૂત્રને સ્વયં જીવી રહ્યા હતા. તેમના માટે પોતાનામાં અને અન્ય લોકોમાં કોઈ ભેદભાવ ન હતો. એટલે સુધી કે તેમને પોતાના કલ્યાણથી વધારે જીવના કલ્યાણની ચિંતા હતા. તેમના ગુરૂએ કેટલા પ્રયાસો કરીને તેમને જ્ઞાન આપ્યું હતું અને તેને ગુપ્ત રાખવાનું કહ્યું હતું, કારણ કે ગુરૂ મંત્ર તેમના કલ્યાણનો મંત્ર હતો. તેમણે સાધના કરી હતી, તપસ્યા કરી હતી, જીવન સમર્પિત કર્યું હતું અને તેના કારણે તેમને ગુરૂ મંત્ર મળ્યો હતો, પરંતુ રામાનુજાચાર્યજીની વિચાર પ્રણાલિ અલગ હતી. રામાનુજાચાર્ય કહેતા હતા કે "પતિષ્યે એક એવાહં, નરકે ગુરૂ પાતકાત્, સર્વે ગચ્છન્તુ ભવતાં, કૃપયા પરમં પદમ્" નો અર્થ એવો થાય છે કે હું એકલો નર્કમાં જાઉં તો કોઈ વાંધો નહીં, પણ બાકી તમામ લોકોનું કલ્યાણ થવું જોઈએ. તે પછી તેમણે મંદિરના શિખર ઉપર ચડીને એ મંત્ર સંભળાવ્યો કે જે તેમના ગુરૂએ તેમને પોતાના કલ્યાણ માટે આપ્યો હતો. સમાનતાનું આવું અમૃત રામાનુજાચાર્યજી જેવા કોઈ મહાપુરૂષ જ બહાર લાવી શકે છે કે જેણે વેદ વેદાંતનું વાસ્તવિક દર્શન કર્યું હોય.

સાથીઓ,

રામાનુજાચાર્યજી ભારતની એકતા અને અખંડિતતાની એક અવિરત પ્રેરણા હતા. તેમનો જન્મ દક્ષિણમાં થયો, પણ તેમનો પ્રભાવ દક્ષિણથી ઉત્તર અને પૂર્વથી પશ્ચિમ સુધી સમગ્ર ભારત પર છવાયેલો રહ્યો. અન્નામાચાર્યજીએ તેલુગુ ભાષામાં તેમની પ્રશંસા કરી છે, તો કનકદાસજીએ કન્નડ ભાષામાં રામાનુજાચાર્યજીનો મહિમા વર્ણવ્યો છે. તમે ગુજરાત કે રાજસ્થાન જશો તો ત્યાં પણ અનેક સંતોના ઉપદેશોમાં રામાનુજાચાર્યજીના વિચારોની સુગંધનો અનુભવ થશે.

ઉત્તર ભારતમાં રામનંદી પરંપરાના ગોસ્વામી તુલસીદાસજીથી માંડીને કબીરદાસ સુધીના દરેક મહાન સંત માટે રામાનુજાચાર્ય પરમ ગુરૂ છે. એક સંત કેવી રીતે પોતાની આધ્યાત્મિક ઊર્જાથી સમગ્ર ભારતને એકતાના સૂત્રમાં પરોવી શકે છે તે આપણે રામાનુજાચાર્યજીના જીવનમાં જોઈ શકીએ છીએ. આવી આધ્યાત્મિક ચેતનાથી ગુલામીને સેંકડો વર્ષોના કાલખંડમાં પણ ભારતની ચેતનાને તેમણે જીવંત રાખી  હતી.

સાથીઓ,

એ પણ એક સુખદ સંયોગ છે કે રામાનુજાચાર્યજી અંગેનો સમારંભ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે દેશ પોતાની આઝાદીના 75 વર્ષની મનાવી રહ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે સ્વાધિનતા સંગ્રામના ઈતિહાસને યાદ કરી રહ્યા છીએ. આજે દેશ સ્વાતંત્ર્ય સેનાનીઓને કૃતજ્ઞાપૂર્વક શ્રધ્ધાંજલિ આપી રહ્યો છે. આપણાં ઈતિહાસમાંથી આપણે ભવિષ્ય માટે પ્રેરણા લેતા હોઈએ છીએ, ઊર્જા મેળવતા હોઈએ છીએ. એટલા માટે અમૃત મહોત્સવનું આ આયોજન આઝાદીની લડત માટે હજારો વર્ષોના ભારતના વારસાને પણ આવરી લે છે. આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતાનો સંગ્રામ માત્ર સત્તા અને આપણાં અધિકારોની લડાઈ માટે જ ન હતો. આ લડતમાં એક 'ઔપનિવેશિક માનસિકતા' હતી, તો બીજી તરફ 'જીવો અને જીવવા દો' નો વિચાર પણ હતો. એમાં એક તરફ નસ્લીય શ્રેષ્ઠતા અને ભૌતિકવાદનો ઉન્માદ હતો, તો બીજી તરફ માનવતા અને આધ્યાત્મમાં આસ્થા પણ હતી. અને આ લડતમાં ભારતનો વિજય થયો, ભારતની પરંપરાનો વિજય થયો. ભારતની સ્વતંત્રતાના સંગ્રામમાં માનવતા, સમાનતા અને આધ્યાત્મની ઊર્જા પણ જોડાયેલી હતી કે જેનાથી ભારતને રામાનુજાચાર્યજી જેવા સંતોમાંથી પ્રાપ્ત થઈ છે.

શું આપણે ગાંધીજી વગર સ્વતંત્રતાના સંગ્રામની કલ્પના કરી શકીએ છીએ? અને શું આપણે અહિંસા અને સત્ય જેવા આદર્શો વગર ગાંધીજીની કલ્પના કરી શકીએ તેમ છીએ? ગાંધીજીનું નામ આવતાં જ  'વૈષ્ણવ જન તો તેને જ કહીએ'ની ધૂન આપણાં અંતર મનમાં વાગવા માંડે છે. તેના સર્જક નરસિંહ મહેતા હતા.  રામાનુજાચાર્યજીની ભક્તિ પરંપરાના જ તે મહાન સંત હતા. એટલા માટે જ આપણી આઝાદીની લડાઈને જે રીતે આપણી આધ્યાત્મિક ચેતનામાંથી ઊર્જા મળી રહી હતી તેવી જ ઊર્જા આઝાદીના 75 વર્ષના આપણાં અમૃત સંકલ્પોને પણ મળવી જોઈએ. આજે જ્યારે હું ભાગ્યનગરમાં છું, હૈદરાબાદમાં છું ત્યારે સરદાર પટેલનો વિશેષ ઉલ્લેખ ચોક્કસપણે કરીશ. કૃષ્ણ રેડ્ડીજીએ પોતાના પ્રવચનમાં સરદાર પટેલની દિવ્ય દ્રષ્ટિ, તેમનું સામર્થ્ય અને હૈદરાબાદની આન- બાન- શાન માટે સરદાર સાહેબની કૂટનીતિને કોણ જાણતું નથી? આજે એક તરફ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' એકતાના શપથનો પુનરોચ્ચાર કરી રહ્યું છે, તો રામાનુજાચાર્યજીનું 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' સમાનતાનો સંદેશ આપી રહ્યું છે. આ એક રાષ્ટ્ર તરીકે ભારતની ખૂબ જૂની વિશેષતા છે. આપણી એકતા સત્તા અથવા શક્તિના પાયા ઉપર ઉભી નથી. આપણી એકતા સમાનતા અને એક સરખા આદરના સૂત્રથી પેદા થાય છે.

અને સાથીઓ,

આજે જ્યારે હું તેલંગણામાં છું ત્યારે એક વાતનો ઉલ્લેખ ચોક્કસ કરીશ કે તેલુગુ સંસ્કૃતિએ ભારતની એકતાને કેવી રીતે સશક્ત બનાવી છે. તેલુગુ સંસ્કૃતિના મૂળ સદીઓથી વિસ્તાર પામેલા છે. અનેક મહાન રાજા અને રાણીઓ તેના ધ્વજવાહક રહ્યા છે. સાતવાહન હોય, કાકાતિયા હોય કે  પછી વિજયનગરનું સામ્રાજ્ય હોય, આ તમામે તેલુગુ સંસ્કૃતિની પતાકાને બુલંદી આપી છે. મહાન કવિઓએ તેલુગુ સંસ્કૃતિઓને સમૃધ્ધ કરી છે. હજુ ગયા વર્ષે જ  તેલંગણામાં આવેલા 13મી સદીના કાકાતિયા રૂદ્રેશ્વર- રામાપ્પા મંદિરને વિશ્વ ધરોહરના સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશને પોચમપલ્લીને પણ ભારતના સૌથી ઉત્તમ ટુરિસ્ટ વિલેજનો દરજ્જો આપ્યો છે. પોચમપલ્લી મહિલાઓનો હુન્નર પોચમપલ્લીની સાડીઓ તરીકે દુનિયાભરમાં વિખ્યાત છે. આ એ સંસ્કૃતિ છે કે જેણે હંમેશા સદ્દભાવ, ભાઈચારા અને નારી શક્તિનું સન્માન કરવાનું શિખવ્યુ છે.

તેલુગુ સંસ્કૃતિની આ ગૌરવશાળી પરંપરાને આજે તેલુગુનો ફિલ્મ ઉદ્યોગ પણ આન- બાન અને શાન સાથે આગળ ધપાવી રહ્યો છે. તેલુગુ સિનેમાનો વ્યાપ જ્યાં તેલુગુ બોલાય છે તે પૂરતો જ સિમીત નથી, તેનો વિસ્તાર સમગ્ર દુનિયામાં થયો છે. સિલ્વર સ્ક્રીનથી માંડીને ઓટીટી પ્લેટફોર્મ સુધી સર્જનાત્મકતાની ચર્ચા છવાયેલી રહે છે. ભારતની બહાર પણ તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેલુગુ ભાષી લોકોનો પોતાની કલા અને સંસ્કૃતિ પ્રત્યેનો સમર્પણ ભાવ સૌને પ્રેરણા પૂરી પાડનાર રહ્યો છે.

સાથીઓ,

આઝાદીના 75મા વર્ષના આ અમૃતકાળમાં શ્રી રામાનુજાચાર્યજીની આ પ્રતિમા દરેક દેશવાસીને સતત પ્રેરણા પૂરી પાડતી રહેશે. મને પૂરો વિશ્વાસ છે કે આઝાદીના આ અમૃતકાલ દરમ્યાન આપણે રામાનુજાચાર્યજી જે કુરિવાજો સંપૂર્ણપણે ખતમ ના કરી શક્યા તે કુરિવાજોને સમાપ્ત કરી શકીશું. જેમણે કુરિવાજો ખતમ કરવા માટે સમાજને જાગૃત કર્યો હતો તેવા રામાનુજાચાર્યજી પ્રત્યે આદરભાવ વ્યક્ત કરતાં અને આ પવિત્ર અવસરે સમારંભનો હિસ્સેદાર બનાવવા માટે આપ સૌએ મને જે તક પૂરી પાડી છે તે બદલ હું આપ સૌનો ખૂબ જ આભારી છું. સમગ્ર વિશ્વમાં પ્રસરેલા પ્રભુ રામાનુજાચાર્યજીના વિચારોથી પ્રભાવિત થવા બદલ હું તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને મારી વાણીને અહીં જ વિરામ આપું છું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ!

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1795932) Visitor Counter : 393