પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ફાર્મા ઉદ્યોગના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો

Posted On: 19 APR 2021 8:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ફાર્મા ઉદ્યોગના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહામારી સામેની જંગમાં ફાર્મા ક્ષેત્રએ નિભાવેલી મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ આવી કસોટીની પરિસ્થિતિમાં પણ ફાર્મા ઉદ્યોગ જે પ્રકારે કામ કરી રહ્યો છે તેની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, ફાર્મા ઉદ્યોગના ભગીરથ પ્રયાસોના પરિણામરૂપે જ આજે ભારતને ફાર્મસી ઓફ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, મહામારીના સમય દરમિયાન આખી દુનિયામાં 150થી વધારે દેશોમાં આવશ્યક દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, તમામ પડકારો વચ્ચે પણ ભારતીય ફાર્મા ઉદ્યોગે ગયા વર્ષમાં નિકાસમાં 18 ટકાની વૃદ્ધિ નોંધાવી છે જે તેમની શક્તિનો પરચો આપે છે.

વાયરસના સંક્રમણના આ બીજા ચરણમાં મોટી સંખ્યામાં કેસોમાં વધારો થઇ રહ્યો છે તે બાબતની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કેટલીક આવશ્યક દવાઓના ઉત્પાદનમાં વધારો કરવા માટે ફાર્મા ઉદ્યોગે કરેલા પ્રયાસોને ખૂબ બિરદાવ્યા હતા. તેમણે રેમડેસિવીર જેવા ઇન્જેક્શનોના ભાવમાં ઘટાડો કરવા બદલ પણ ફાર્મા ઉદ્યોગની પ્રશંસા કરી હતી. દવાઓ અને આવશ્યક તબીબી ઉપકરણોનો પૂરવઠો એકધારો સરળતાથી ચાલતો રહે તે માટે, પ્રધાનમંત્રીએ ફાર્મા ઉદ્યોગને અનુરોધ કર્યો હતો કે, તેઓ અવરોધ વગર પૂરવઠા શ્રૃંખલા ચાલતી રહે તે સુનિશ્ચિત કરે. પ્રધાનમંત્રી મોદીએ લોજિસ્ટિક્સ અને પરિવહન જેવી સુવિધાઓ માટે સરકાર તરફથી સહકાર આપવાની પણ રજૂઆત કરી હતી.

પ્રધાનમંત્રીએ આ ઉદ્યોગને કોવિડની સાથે સાથે ભવિષ્યમાં આવી શકે તેવા જોખમો બાબતે વધુને વધુ સંશોધનો હાથ ધરવા માટે પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આનાથી વાયરસને ખતમ કરવામાં અગ્રેસર રહેવામાં આપણને મદદ મળી શકશે.

ફાર્મા ઉદ્યોગ પાસેથી સહકારની ઇચ્છા વ્યક્ત કરતા પ્રધાનમંત્રી મોદીએ ખાતરી આપી હતી કે, સરકાર નવી દવાઓ અને નિયમનકારી પ્રક્રિયાઓ માટે સુધારાઓ કરી રહી છે.

સરકાર તરફથી સક્રિયતાપૂર્વક મળી રહેલી મદદદ અને સહકારની ફાર્મા ઉદ્યોગના અગ્રણીઓએ પ્રશંસા કરી હતી. તેમણે છેલ્લા એક વર્ષમાં ઉત્પાદન અને લોજિસ્ટિક્સની કામગીરી એકધારી ચાલુ રાખીને દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. વિનિર્માણ, પરિવહન, લોજિસ્ટિક્સ અને આનુષંગિક સેવાઓ માટે ફાર્મા હબની કામગીરીઓને મહત્તમ સ્તર પર જાળવી રાખવામાં આવી રહી છે. આ સંવાદમાં સહભાગી થનારાઓએ દેશમાં કોવિડની સારવારના પ્રોટોકોલ માટે કેટલીક દવાઓમાં અભૂતપૂર્વ રીતે વધેલી માંગ વચ્ચે પણ એકંદરે દવાઓની માંગને પહોંચી વળવા માટે હાથ ધરવામાં આવી રહેલા પગલાંઓ વિશે ઇનપુટ્સ આપ્યા હતા.

આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, રાજ્યમંત્રી (આરોગ્ય) શ્રી અશ્વિની કુમાર ચૌબે, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી.વી. સદાનંદ ગૌડા, રાજ્યમંત્રી (રસાયણ અને ખાતર) શ્રી મનસુખ માંડવિયા, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, ડૉ. વી.કે. પૌલ નીતિ આયોગ (આરોગ્ય)ના સભ્ય, કેબિનેટ સચિવ, કેન્દ્રીય આરોગ્ય સચિવ, કેન્દ્રીય ફાર્માસ્યુટિકલ સચિવ, ICMRના DG ડૉ. બલરામ ભાર્ગવ તેમજ કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો/ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

SD/GP/JD


(Release ID: 1712761) Visitor Counter : 262