પ્રધાનમંત્રીનું કાર્યાલય

ન્યુ ભાઉપુર- ન્યુ ખુર્જા સેક્શન અને ઇસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 29 DEC 2020 2:03PM by PIB Ahmedabad

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલજી, સંસદમાં મારા સહયોગી ગણ યુપી સરકારના મંત્રીગણ, કાર્યક્રમ સાથે જોડાયેલ અન્ય તમામ વરિષ્ઠ મહાનુભવ, ભાઈઓ અને બહેનો! આજનો દિવસ ભારતીય રેલવેના ગૌરવશાળી અતિતને 21મી સદીની નવી ઓળખ આપનારો છે, ભારત અને ભારતીય રેલવેનું સામર્થ્ય વધારનારો છે. આજે આઝાદી પછીના સૌથી મોટા અને આધુનિક રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ધરાતલ પર ઉતરતો આપણે જોઈ રહ્યા છીએ.

સાથીઓ,

આજે જ્યારે ખુર્જા ભાઉ પર ફ્રેઇટ કોરીડોર રૂટ પર જ્યારે સૌ પ્રથમ માલગાડી દોડી, તો તેમાં નવા ભારતની, આત્મનિર્ભર ભારતની ગૂંજ અને ગર્જના સ્પષ્ટ સંભળાઈ હતી. પ્રયાગરાજમાં ઓપરેશન કંટ્રોલ કેન્દ્ર પણ ભારતના નવા સામર્થ્યનું પ્રતિક છે. તે વિશ્વના સૌથી શ્રેષ્ઠ અને આધુનિક કંટ્રોલ સેન્ટર્સ માનું એક છે. અને આ સાંભળીને કોઈને પણ ગર્વ થશે કે તેમાં મેનેજમેન્ટથી લઈને ડેટા સાથે જોડાયેલ જે ટેકનોલોજી છે તે ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે, ભારતીયોએ જ તેને તૈયાર કરી છે.

ભાઈઓ અને બહેનો,

ઇન્ફ્રાસ્ટ્રકચર કોઇપણ રાષ્ટ્રના સામર્થ્યનો સૌથી મોટો સ્ત્રોત હોય છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સંપર્ક એ રાષ્ટ્રની નસો હોય છે, નાડીઓ હોય છે. જેટલી સારી આ નસો હોય છે, તેટલું જ સ્વસ્થ અને સામર્થ્યવાન કોઇપણ રાષ્ટ્ર હોય છે. આજે જ્યારે ભારત વિશ્વની સૌથી મોટી આર્થિક તાકાત બનવાના રસ્તા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે સૌથી શ્રેષ્ઠ સંપર્ક વ્યવસ્થા એ દેશની પ્રાથમિકતા છે. આ જ વિચારધારા સાથે વીતેલા 6 વર્ષોથી ભારતમાં આધુનિક સંપર્ક વ્યવસ્થાના દરેક પાસા પર લક્ષ્ય સાથે કામ કરવામાં આવી રહ્યું છે. ધોરીમાર્ગ હોય, રેલવે હોય, હવાઈ માર્ગ હોય, જળ માર્ગ હોય કે પછી આઈવે – આર્થિક ગતિ માટે જરૂરી આ પાંચેય પૈડાઓને તાકાત આપવામાં આવી રહી છે, ગતિ આપવામાં આવી રહી છે. ઈસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરના એક બહુ મોટા વિભાગનું લોકાર્પણ પણ આ જ દિશામાં બહુ મોટું પગલું છે.

સાથીઓ,

આ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર તેમને જો સામાન્ય બોલચાલની ભાષામાં કહીએ તો માલગાડીઓ માટે બનેલા વિશેષ ટ્રેક છે, વ્યવસ્થાઓ છે. તેમની જરૂરિયાત આખરે દેશને શા માટે પડી? આપણા ખેતરો હોય, ઉદ્યોગ હોય કે પછી બજાર, આ બધું માલ વહન પર નિર્ભર હોય છે. ક્યાંક કોઈ એક પાક ઉગે છે, તેને દેશના જુદા જુદા ભાગોમાં પહોંચાડવો પડે છે. નિકાસ માટે બંદરો સુધી પહોંચાડવો પડે છે. એ જ રીતે ઉદ્યોગો માટે ક્યાંકથી કાચો માલ સમુદ્રના માર્ગે આવે છે. ઉદ્યોગમાંથી બનેલો માલ બજાર સુધી પહોંચાડવાનો હોય છે અથવા તો પછી નિકાસ માટે તેને ફરી બંદરો સુધી પહોંચાડવાનો હોય છે. આ કામમાં સૌથી મોટું માધ્યમ હંમેશાથી રેલવે જ રહી છે. જેમ જેમ વસ્તી વધી, અર્થવ્યવસ્થા વધી તેમ તેમ માલવહનના આ નેટવર્ક ઉપર પણ દબાણ વધતું ગયું. સમસ્યા એ હતી કે આપણે ત્યાં યાત્રીઓની ટ્રેનો અને માલગાડીઓ બંને એક જ પાટા પર ચાલે છે. માલગાડીની ગતિ ધીમી હોય છે. એવામાં માલગાડીઓને રસ્તો આપવા માટે યાત્રી ટ્રેનોને સ્ટેશનો ઉપર રોકવામાં આવે છે. તેનાથી મુસાફર ટ્રેન પણ સમયસર પહોંચી નથી શકતી અને માલગાડી પણ મોડી પડી જાય છે. માલગાડીની ગતિ જ્યારે ધીમી થશે, જગ્યાએ જગ્યાએ રોકટોક હશે તો સ્વાભાવિક છે કે હેરફેરનો ખર્ચ વધારે થશે. તેની સીધી અસર આપણા ખેતી, ખનીજ ઉત્પાદન અને ઔદ્યોગિક ઉત્પાદનોની કિંમત પર પડે છે. મોંઘા હોવાના કારણે તે દેશ અને વિદેશના બજારોમાં થનારી સ્પર્ધામાં ટકી નથી શકતા, હારી જાય છે.

ભાઈઓ અને બહેનો,

આ સ્થિતિને બદલવા માટે ફ્રેઇટ કોરીડોરની યોજના બનાવવામાં આવી. શરૂઆતમાં 2 ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર તૈયાર કરવાની યોજના છે. પૂર્વી ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર પંજાબના ઔદ્યોગિક શહેર લુધિયાણાને પશ્ચિમ બંગાળના દાનકુની સાથે જોડી રહ્યો છે. સેંકડો કિલોમીટર લાંબા આ રૂટમાં કોલસાની ખાણો છે, થર્મલ પાવર પ્લાન્ટ છે, ઔદ્યોગિક શહેર છે. તેની માટે ફીડર માર્ગ પણ બનાવવામાં આવી રહ્યા છે. ત્યાં પશ્ચિમી ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર મહારાષ્ટ્રમાં જેએનપીટીને ઉત્તર પ્રદેશના દાદરી સાથે જોડે છે. લગભગ 1500 કિલોમીટરના આ કોરીડોરમાં ગુજરાતના મુંદ્રા, કંડલા, પિપાવાવ, દહેજ અને હજીરાના મોટા બંદરો માટે ફીડર માર્ગ હશે. આ બંને ફ્રેઇટ કોરીડોરની આસપાસ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર અને અમૃતસર કોલકાતા ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર પણ વિકસિત કરવામાં આવી રહ્યા છે. એ જ રીતે ઉત્તરને દક્ષિણ સાથે અને પૂર્વને પશ્ચિમ સાથે જોડનારા આવા વિશેષ રેલવે કોરીડોર સાથે જોડવાની જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવી રહી છે.

ભાઈઓ અને બહેનો,

માલગાડીઓ માટે બનેલી આ પ્રકારની વિશેષ સુવિધાઓ વડે એક તો ભારતમાં યાત્રી ટ્રેનની મોડી પડવાની સમસ્યા ઓછી થઇ જશે. બીજું એ કે તેનાથી માલગાડીની સ્પીડ પણ ૩ ગણા કરતા વધુ થઈ જશે અને માલગાડીઓ પહેલા કરતા બમણી સંખ્યામાં સામાન વહન કરી શકશે. કારણ કે આ ટ્રેક ઉપર ડબલ ડેકર એટલે કે ડબ્બાની ઉપર ડબ્બા, એવી માલગાડીઓ ચલાવવામાં આવી શકશે. માલગાડીઓ જ્યારે સમય પર પહોંચશે તો આપણું લોજીસ્ટીક નેટવર્ક સસ્તું થશે. આપણો સામાન પહોંચાડવાનો જે ખર્ચ છે તે ઓછો થવાના કારણે આપણો સામાન સસ્તો બનશે, જેનાથી આપણી નિકાસને પણ લાભ થશે. એટલું જ નહી, દેશમાં ઉદ્યોગ માટે વધુ સારો માહોલ બનશે, વેપાર કરવાની સરળતા વધશે, રોકાણ માટે ભારત વધુ આકર્ષક બનશે. દેશમાં રોજગારના, સ્વ-રોજગારના અનેક નવા અવસરો પણ તૈયાર થશે.

સાથીઓ,

આ ફ્રેઇટ કોરીડોર આત્મનિર્ભર ભારતના બહુ મોટા માધ્યમ બનશે. ઉદ્યોગ હોય, વેપાર કારોબાર હોય, ખેડૂત હોય કે પછી ગ્રાહક, દરેક વ્યક્તિને તેનો લાભ મળવાનો છે. લુધિયાણા અને વારાણસીનો કાપડ ઉત્પાદક હોય કે ફીરોઝપુરનો ખેડૂત, અલીગઢનો તાળું બનાવનાર હોય કે રાજસ્થાનનો સંગેમરમર વેપારી, મલીહાબાદનો કેરી પકવનાર હોય કે  કાનપુર અને આગ્રાનો ચામડા ઉદ્યોગ, ભદોહીનો જાજમ ઉદ્યોગ હોય કે પછી ફરીદાબાદનો કાર ઉદ્યોગ, પ્રત્યેક વ્યક્તિ માટે અવસર જ અવસર લઈને આવ્યો છે. ખાસ કરીને ઔદ્યોગિક રીતે પાછળ રહી ગયેલા પૂર્વી ભારતને આ ફ્રેઇટ કોરીડોર નવી ઉર્જા આપનારો છે. તેનો લગભગ 60 ટકા ભાગ યુપીમાં છે, એટલા માટે યુપીના દરેક નાના મોટા ઉદ્યોગને તેનો લાભ મળશે. દેશ અને વિદેશના ઉદ્યોગોમાં જે રીતે યુપી પ્રત્યે આકર્ષણ વીતેલા કેટલાક વર્ષોમાં ઉત્પન્ન થયું છે તે હજી વધારે વધશે.

ભાઈઓ અને બહેનો,

આ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરનો લાભ કિસાન રેલવેને પણ મળવાનો છે. ગઈકાલે જ દેશમાં 100મી કિસાન રેલવેની શરૂઆત કરવામાં આવી છે. કિસાન રેલવે દ્વારા આમ પણ ખેતી સાથે જોડાયેલ પેદાશોને આખા દેશના મોટા બજારો સુધી સુરક્ષિત અને ઓછી કિંમત પર પહોંચાડવાનું શક્ય બન્યું છે. હવે નવા ફ્રેઇટ કોરીડોરમાં કિસાન રેલવે વધારે ઝડપથી પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકશે. ઉત્તર પ્રદેશમાં પણ કિસાન રેલવે સાથે અનેક સ્ટેશનો જોડાઈ ચુક્યા છે અને તેમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ઉત્તરપ્રદેશના રેલવે સ્ટેશનો પાસે સંગ્રહ અને કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. યુપીના 45 માલ ગોદામોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. તે સિવાય રાજ્યમાં 8 નવા ગુડ્સ શેડ પણ બનાવવામાં આવ્યા છે. ત્યાં બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં વારાણસી અને ગાઝીપુરમાં બે મોટા પેરીશેબલ કાર્ગો સેન્ટર પહેલેથી જ ખેડૂતોને સેવા આપી રહ્યા છે. તેમાં બહુ ઓછી કિંમતે ખેડૂત ફળ, શાકભાજી જેવી જલ્દી ખરાબ થઇ જનારી પોતાની પેદાશો સંગ્રહિત કરી શકે છે.

સાથીઓ,

જ્યારે આ રીતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વડે દેશને એટલો ફાયદો થઇ રહ્યો છે તો પ્રશ્ન એ પણ ઉઠે છે કે આખરે આટલું મોડું શા માટે થયું? આ પ્રોજેક્ટ 2014ની પહેલા જે સરકારો હતી, તેમની કાર્ય-સંસ્કૃતિનું જીવતું જાગતું પ્રમાણ છે. વર્ષ 2006માં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર પછી તે માત્ર કાગળો અને ફાઈલોમાં જ બનતું રહ્યું. કેન્દ્રએ જે રાજ્યો સાથે ગંભીરતાપૂર્વક વાતચીત કરવાની જરૂર હતી, જેટલી ઉતાવળ સાથે સંવાદ થવો જોઈતો હતો તે કરવામાં આવ્યો નહી. પરિણામ એ આવ્યું કે કામ અટકી ગયું, લટકી ગયું, ભટકી ગયું. સ્થિતિ એ હતી કે વર્ષ 2014 સુધી એક કિલોમીટર ટ્રેક પણ નહોતો પાથરી શકાયો. જે તેની માટે પૈસા મંજૂર કરવામાં આવ્યા હતા, તે યોગ્ય રીતે ખર્ચ ના થઇ શક્યા.

સાથીઓ,

2014માં સરકાર બન્યા પછી આ પ્રોજેક્ટ માટે ફરીથી ફાઈલોને ફંફોસવામાં આવી. અધિકારીઓને નવી રીતે આગળ વધવા માટે જણાવવામાં આવ્યું, તો બજેટ લગભગ 11 ગણું એટલે કે 45 હજાર કરોડ રૂપિયા કરતા વધારે વધી ગયું. પ્રગતિની બેઠકોમાં મેં પોતે તેની પર દેખરેખ રાખી, તેની સાથે જોડાયેલ હિત ધારકો સાથે વાતચીત કરી, સમીક્ષા કરી. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે પણ સંપર્ક વધાર્યો, તેમને પ્રેરિત અને પ્રોત્સાહિત કર્યા. અમે નવી ટેકનોલોજી પણ લાવ્યા. તેનું જ પરિણામ છે કે આશરે 1100 કિલોમીટરનું કામ આગામી કેટલાક મહિનાઓમાં પૂરું થઇ જશે. જરા વિચારો, 8 વર્ષમાં એક પણ કિલોમીટર નહી અને 6-7 વર્ષોમાં 1100 કિલોમીટર!

ભાઈઓ અને બહેનો,

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રાજનૈતિક ઉદાસીનતાનું નુકસાન માત્ર ફ્રેઇટ કોરીડોરને જ નથી ભોગવવું પડ્યું. સંપૂર્ણ રેલવે સાથે જોડાયેલ વ્યવસ્થા પણ તેનું બહુ મોટું નુકસાન ભોગવી રહી છે. પહેલા ધ્યાન ટ્રેનોની સંખ્યા વધારવા ઉપર રહેતું હતું કે જેથી ચૂંટણીમાં તેનો લાભ મળી શકે. પરંતુ જે પાટાઓ ઉપર ટ્રેન ચાલવાની હતી, તેની ઉપર રોકાણ નહોતું કરવામાં આવતું. રેલવે નેટવર્કના આધુનિકરણને લઈને તે ગંભીરતા જ નહોતી. આપણી ટ્રેનોની સ્પીડ બહુ ઓછી હતી અને સંપૂર્ણ નેટવર્ક જોખમી માનવરહિત ફાટકો વડે ભરેલું હતું.

સાથીઓ,

અમે 2014 પછી આ કાર્યશૈલીને બદલી, આ વિચારધારાને બદલી. અલગથી રેલવે બજેટની વ્યવસ્થાને નાબૂદ કરીને, અમે જાહેરાત કરીને ભૂલી જવાવાળી રાજનીતિને બદલી. અમે રેલવે ટ્રેકો પર રોકાણ કર્યું. રેલવે નેટવર્કને હજારો માનવરહિત ફાટકોથી મુક્ત કરવામાં આવ્યું. રેલવે ટ્રેકને ઝડપી ગતિએ ચાલનારી ટ્રેનો માટે તૈયાર કરવામાં આવ્યા. રેલવે નેટવર્કના વિસ્તૃતિકરણ અને વીજળીકરણ બંને પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આજે વંદે ભારત એક્સપ્રેસ જેવી સેમી હાઈ-સ્પીડ ટ્રેનો પણ ચાલી રહી છે અને ભારતીય રેલવે પહેલાની સરખામણીએ અનેક ગણી વધારે સુરક્ષિત પણ થઇ ગઈ છે.

સાથીઓ,

વીતેલા વર્ષોમાં રેલવે દ્વારા દરેક સ્તર પર સુધારા કરવામાં આવ્યા છે. રેલવેમાં સ્વચ્છતા હોય, વધુ સારું ખાવા પીવાનું હોય કે પછી અન્ય સુવિધાઓ, તફાવત આજે સ્પષ્ટપણે જોવા મળે છે. એ જ રીતે, રેલવે સાથે જોડાયેલ ઉત્પાદનમાં ભારતે આત્મનિર્ભરતાની બહુ મોટી છલાંગ લગાવી છે. ભારત આધુનિક ટ્રેનોનું નિર્માણ હવે પોતાની માટે પણ કરી રહ્યું છે અને નિકાસ પણ કરી રહ્યું છે. યુપીની જ વાત કરીએ તો વારાણસી સ્થિત લોકોમોટીવ વર્કસ, ભારતમાં ઇલેક્ટ્રિક એન્જીન બનાવનારું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે. રાયબરેલીની આધુનિક કોચ ફેક્ટરીને પણ વીતેલા 6 વર્ષોમાં ડેંટીંગ પેઈન્ટીંગની ભૂમિકામાંથી અમે બહાર નિકાળીને લાવ્યા છીએ. અહિયાં અત્યાર સુધીમાં 5 હજાર કરતા વધુ નવા રેલવે કોચ બની ચુક્યા છે. અહિયાં બનનાર રેલવે કોચ હવે વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવી રહ્યા છે.

ભાઈઓ અને બહેનો,

અમારો અતિતનો અનુભવ જણાવે છે કે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને રાજનીતિથી દુર રાખવો જોઈએ. દેશનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોઈ પક્ષની વિચારધારાનો નહી, દેશના વિકાસનો માર્ગ હોય છે. તે 5 વર્ષની રાજનીતિનું નહી પરંતુ આવનારી અનેક પેઢીઓને લાભ આપનારું મિશન છે. રાજનૈતિક દળોએ જો સ્પર્ધા કરવી જ છે તો ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તામાં સ્પર્ધા થાય, સ્પીડ અને સ્કેલને લઈને સ્પર્ધા કરવામાં આવે. હું અહિયાં એક બીજી માનસિકતાનો પણ ઉલ્લેખ કરવો જરૂરી સમજુ છું, જે અવારનવાર આપણે પ્રદર્શનો અને આંદોલનો દરમિયાન જોતા હોઈએ છીએ. આપણે એ યાદ રાખવું જોઈએ કે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આ સંપત્તિ કોઈ નેતાની, કોઈ દળની, કોઈ સરકારની નથી. તે દેશની સંપત્તિ છે. તેમાં પ્રત્યેક ગરીબનો, પ્રત્યેક કરદાતાનો, મધ્યમ વર્ગનો, સમાજના દરેક વર્ગનો પરસેવો પડેલો છે. તેને પડનારો દરેક માર, દેશના ગરીબ, દેશના સામાન્ય જનને પડતો માર છે. એટલા માટે પોતાનો લોકશાહી અધિકાર માંગતી વખતે આપણે આપણી રાષ્ટ્રીય ફરજને ક્યારેય પણ ભૂલવી ના જોઈએ.

સાથીઓ,

જે રેલવેને અવારનવાર નિશાન બનાવવામાં આવે છે, તે કેવા સેવાભાવ સાથે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ દેશના કામમાં આવે છે, તે આપણે કોરોના કાળમાં જોયું છે. મુશ્કેલીમાં ફસાયેલા શ્રમિકોને પોતાના ગામડાંઓ સુધી પહોંચાડવા હોય, દવા અને કરિયાણાને દેશના ખૂણે ખૂણા સુધી લઇ જવાનું હોય કે પછી હરતા ફરતા કોરોના દવાખાના જેવી સુવિધાઓ આપવી હોય, રેલવેના સંપૂર્ણ નેટવર્કનો, તમામ કર્મચારીઓનો આ સેવાભાવ દેશ હંમેશા યાદ રાખશે. એટલું જ નહીં, આ મુશ્કેલ સમયમાં રેલવેએ બહારથી ગામડે પરત ફરેલા શ્રમિક સાથીઓની માટે 1 લાખથી વધુ દિવસોના રોજગારનું નિર્માણ પણ કર્યું છે. મને વિશ્વાસ છે કે સેવા, સદભાવ અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે એકનિષ્ઠ પ્રયાસોનું આ મિશન અવિરત ચાલતું રહેશે.

એકવાર ફરી યુપી સહીત દેશના તમામ રાજ્યોને ફ્રેઇટ કોરીડોરની નવી સુવિધા માટે અનેક અનેક શુભકામનાઓ આપું છું અને રેલવેના તમામ સાથીઓને પણ શુભકામનાઓ આપવાની સાથે સાથે તેમને પણ આગ્રહ કરું છું કે આ ફ્રેઇટ કોરીડોરનું આગળનું કામ પણ આપણે ઝડપી ગતિએ ચલાવવાનું છે. 2014 પછી જે ગતિ આપણે લાવ્યા હતા, આવનારા દિવસોમાં તેના કરતા પણ વધુ ગતિ આપણે લાવવાની છે. એટલા માટે મારા રેલવેના તમામ સાથીઓ જરૂરથી દેશની આશા અપેક્ષા પૂરી કરશે, એ વિશ્વાસની સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

ખૂબ ખૂબ આભાર!

SD/GP



(Release ID: 1684390) Visitor Counter : 152