પ્રધાનમંત્રીનું કાર્યાલય

દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઈન ઉપર ડ્રાઈવર વગરની ટ્રેનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 28 DEC 2020 1:29PM by PIB Ahmedabad

કેન્દ્રના મંત્રી મંડળના મારા સાથી શ્રી હરદીપ સિંહ પૂરીજી, દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી, ડીએમઆરસીના મેનેજીંગ ડિરેકટર શ્રી મંગૂ સિંહજી, દેશમાં ચાલી રહેલી મેટ્રો પરિયોજનાના વરિષ્ઠ અધિકારીગણ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

આજથી આશરે 3 વર્ષ પહેલાં મને મેજેન્ટા લાઈનનું ઉદ્દઘાટન કરવાની તક મળી હતી. આજે ફરી એજ રૂટ ઉપર દેશની પહેલી અને સંપૂર્ણપણે ડ્રાઈવર વગરની ઓટોમેટેડ મેટ્રો, કે જેને બોલચાલની ભાષામાં તેને ‘ડ્રાઈવર લેસ’ મેટ્રો તરીકે ઓળખવામાં આવે છે, તેનું ઉદ્દઘાટન કરવાની તક મળી છે. આ બાબત બતાવે છે કે ભારત કેટલી ઝડપથી સ્માર્ટ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યુ છે. આજે દિલ્હી મેટ્રો કોમન મોબિલીટી કાર્ડ સાથે પણ જોડાઈ રહી છે. ગયા વર્ષે અમદાવાદથી તેની શરૂઆત કરવામાં આવી હતી. આજે તેનો વિસ્તાર મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઈનમાં થઈ રહ્યો છે. આજનું આ આયોજન શહેરી વિકાસને, શહેર માટે સજજ અને ભવિષ્ય માટે પણ સજજ બનાવવાનો પ્રયાસ છે.

સાથીઓ,

ભવિષ્યની જરૂરિયાતો માટે દેશને આજે સજ્જ કરવો, આજે કામ કરવું તે સુશાસનની મહત્વની જવાબદારી છે, પરંતુ થોડાંક દાયકા પહેલાં કે જ્યારે શહેરીકરણની અસર અને શહેરીકરણનું ભવિષ્ય બંને બિલકુલ સ્પષ્ટ હતા ત્યારે એ સમયે એક અલગ જ વલણ દેશે જોયુ હતું. ભવિષ્યની બાબતો ઉપર એટલુ ધ્યાન આપવામાં આવ્યુ ન હતું, અવઢવ ધરાવતા મનથી કામ કરવામાં આવતું હતુ. ભ્રમની સ્થિતિ બની રહેતી હતી. તે સમયે ઝડપથી શહેરીકરણ થઈ રહ્યુ હતું, પરંતુ તે પછીની અસરો સાથે કામ પાર પાડવા માટે શહેરને એટલી ઝડપથી તૈયાર કરવામાં આવતુ ન હતું. આનુ પરિણામ એ આવ્યું કે દેશના ઘણાં બધા હિસ્સામાં શહેરી માળખાગત સુવિધાની માંગ અને તેને પૂરૂ કરવા વચ્ચે મોટું અંતર પડી ગયુ હતું.

સાથીઓ,

આ વિચારધારાથી અલગ, આધુનિક વિચારધારા એવું કહે છે કે શહેરીકરણને પડકાર માનશો નહીં, પણ તેનો એક તક તરીકે ઉપયોગ કરવો જોઈએ. આ એક એવી તક છે કે જેને કારણે આપણે જીવન જીવવામાં આસાનીનો વધારો કરી શકીએ તેમ છીએ. વિચારધારાનું આ અંતર આપણને દરેક પાસામાં જોવા મળે છે. દેશમાં મેટ્રો રેલવેનું નિર્માણ તેનું એક ઉદાહરણ છે. દિલ્હીમાં જ મેટ્રોની ચર્ચા ઘણાં વર્ષો સુધી ચાલી રહી હતી, પરંતુ પહેલી મેટ્રો ચાલી અટલજીના પ્રયાસોથી. અહીંયાં જે મેટ્રો સર્વિસના નિષ્ણાંતો આ કાર્યક્રમમાં જોડાયા છે તે પણ એ બાબત સારી રીતે જાણે છે કે મેટ્રોના નિર્માણની કેવી સ્થિતિ હતી.

સાથીઓ,

વર્ષ 2014માં જ્યારે અમારી સરકાર બની, એ સમયે માત્ર 5 શહેરોમાં મેટ્રો રેલવે હતી. આજે 18 શહેરોમાં મેટ્રો રેલવેની સર્વિસ છે. વર્ષ 2025 સુધીમાં અમે તેને 25થી વધુ શહેરોમાં વિસ્તારવાના છીએ. વર્ષ 2014માં દેશમાં માત્ર 248 કી.મી.ની રેલવે લાઈનનું સંચાલન થઈ રહ્યુ હતું. આજે તે આશરે 3 ગણી એટલે કે 248 કી.મી.ની મેટ્રો લાઈનનુ સંચાલન થઈ રહ્યુ છે. વર્ષ 2025 સુધી અમે તેને વિસ્તારીને 1700 કી.મી. સુધી લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વર્ષ 2014માં મેટ્રોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા દૈનિક 17 લાખ જેટલી હતી. હવે આ સંખ્યા પાંચ ગણી વધી ગઈ છે. હાલમાં દૈનિક 85 લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે. યાદ રાખો, આ માત્ર આંકડા નથી, આ કરોડો ભારતીયોના જીવનમાં આવેલી જીવન જીવવાની આસાનીનું ઉદાહરણ છે. આ માત્ર ઈંટ, કાંકરા, પત્થર અને લોખંડથી બનેલી માળખાગત સુવિધા નથી, પણ દેશના નાગરિકોની અને દેશના મધ્યમ વર્ગની આકાંક્ષાઓ પૂરી કરવાનું લક્ષ્ય છે.

સાથીઓ,

આખરે આ પરિવર્તન અને આ ફેરફાર આવ્યો કેવી રીતે ? વહિવટી તંત્ર એ જ છે, લોકો પણ એ જ છે, તો પછી આટલી ઝડપથી કામ કેવી રીતે થયુ ? એનુ કારણ એ હતું કે અમે શહેરીકરણને પડકાર નહીં પણ તક તરીકે જોયુ હતું. આપણા દેશમાં અગાઉ મેટ્રો બાબતે કોઈ નીતિ જ ન હતી. કોઈ નેતા એક જગાએ વાયદો કરીને આવતો હતો, તો કોઈ સરકાર કોઈને સંતુષ્ટ કરવા માટે મેટ્રો રેલ્વેની જાહેરાત કરી દેતી હતી. આ વાણી- વિલાસમાંથી બહાર આવીને મેટ્રો બાબતે નીતિ પણ બનાવવામાં આવી અને તેને ચારે તરફ રણનીતિના માધ્યમથી લાગુ પણ કરી દીધી. અમે સ્થાનિક માંગ અનુસાર કામ કરવા ઉપર ભાર મૂક્યો. સ્થાનિક ધોરણોને પ્રોત્સાહન આપવા માટે અમે ભાર મૂક્યો. અમે ધ્યાન આપ્યુ મેક ઈન ઈન્ડીયાનો વધુમાં વધુ વિસ્તાર કરવા ઉપર, અમે ધ્યાન આપ્યું આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા બાબતે.

સાથીઓ,

તમારામાંથી ઘણાં લોકો જાણે છે કે દેશના અલગ અલગ શહેરોની જુદી જુદી જરૂરિયાતો છે, અપેક્ષાઓ છે અને પડકારો પણ અલગ અલગ હોય છે. જો આપણે એક જ સ્થાયી મોડલ બનાવીને મેટ્રો રેલનું સંચાલન કરીએ તો, ઝડપથી વિસ્તરણ કરવાનું શકય જ હતું નહીં. અમે એ બાબત ઉપર ધ્યાન આપ્યું કે મેટ્રોનુ વિસ્તરણ, ટ્રાન્સપોર્ટની આધુનિક પધ્ધતિઓનો ઉપયોગ કરીને શહેરના લોકોની જરૂરિયાતો અને ત્યાંની વ્યવસાયિક જીવનશૈલીના આધારે થવું જોઈએ. આનું કારણ એ છે કે અલગ અલગ શહેરોમાં અલગ અલગ પ્રકારની મેટ્રો રેલવે માટે કામ ચાલી રહ્યું છે. હું તમને તેનું ઉદાહરણ આપું છું. આરઆરટીએસ એટલે કે રિજીયોનલ રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ. દિલ્હીથી મેરઠનું આરઆરટીએસનું શાનદાર મૉડલ દિલ્હી અને મેરઠ વચ્ચેનું અંતર ઘટાડીને 1 કલાક કરતાં પણ ઓછુ કરી દેશે.

મેટ્રો લાઈટ- એ શહેરોમાં શરૂ કરવામાં આવે છે કે જ્યાં પ્રવાસીઓની સંખ્યા ઓછી હોય ત્યાં મેટ્રો લાઈટનું આ વર્ઝન કામમાં આવે છે અને તે સામાન્ય મેટ્રોની તુલનામાં 40 ટકા ખર્ચમાં જ તૈયાર થઈ જાય છે. મેટ્રો-નીઓ ઉપર પણ કામ ચાલી રહ્યું છે અને તે સામાન્ય મેટ્રોની તુલનામાં 25 ટકા ખર્ચમાં જ તૈયાર થઈ જાય છે. આ રીતે વોટર મેટ્રો- આ પણ એક અલગ પ્રકારની વિચારધારાનું ઉદાહરણ છે. જે શહેરોમાં મોટા જળાશયો છે ત્યાં વોટર મેટ્રો ઉપર કામ ચાલી રહ્યું છે. તેનાથી શહેરને બહેતર કનેક્ટીવિટીની સાથે સાથે તેની નજીકના હયાત ટાપુના લોકોને પણ છેલ્લા માઈલ સુધીની કનેક્ટીવિટીનો લાભ મળી શકે છે. કોચીમાં આ કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે.

સાથીઓ,

આપણે એ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે કે મેટ્રો એ માત્ર સુવિધા ધરાવતી પરિવહન વ્યવસ્થાનું જ માધ્યમ નથી, તે પ્રદુષણ ઓછું કરવા માટેનો પણ મોટો ઉપાય છે. મેટ્રો નેટવર્કના કારણે સડકો પરથી હજારો વાહનો ઓછા થયા છે, જે પ્રદુષણ અને ટ્રાફિક જામ માટે કારણ રૂપ બનતા હતા.

સાથીઓ,

મેટ્રો સર્વિસીસનો વિસ્તાર કરવા માટે મેક ઈન ઈન્ડીયા પણ એટલું જ મહત્વનું છે. મેક ઈન ઈન્ડીયાને કારણે ખર્ચ ખૂબ ઓછો થાય છે તેમજ વિદેશી ચલણની પણ બચત થાય છે અને દેશના લોકોને વધુને વધુ રોજગારી મળે છે. રોલીંગ સ્ટોકનું સ્ટાન્ડર્ડાઈઝેશન કરવાના કારણે ભારતીય ઉત્પાદકોને ફાયદો થયો છે અને તેના કારણે દરેક કોચની કિંમત હવે 12 કરોડથી ઘટીને 8 કરોડ સુધી પહોંચી છે.

સાથીઓ,

આજે મોટી 4 કંપનીઓ દેશમાં જ મેટ્રો કોચનું નિર્માણ કરી રહી છે. ડઝનબંધ કંપનીઓ મેટ્રોના વિવિધ ભાગોના નિર્માણમાં જોડાયેલી હોવાના કારણે મેક ઈન ઈન્ડીયાની સાથે સાથે આત્મનિર્ભર ભારત અભિયાનને પણ મદદ મળી રહી છે.

સાથીઓ,

આધુનિકથી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવો તે સમયની માંગ છે. અત્યારે મને ડ્રાઈવર વગર ચાલતી મેટ્રો રેલનું ઉદ્દઘાટન કરવાની તક મળી છે. આ ઉપલબ્ધિને કારણે આજે આપણો દેશ દુનિયાના ગણતરીના એ દેશોમાં સમાવેશ પામ્યો છે કે જ્યાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. આપણે એવી બ્રેકીંગ સિસ્ટમનો પ્રયોગ કરી રહ્યા છીએ કે જેમાં બ્રેક લગાવવાના કારણે 50 ટકા ઉર્જા ગ્રીડમાં પાછી ચાલી જાય છે. આજે મેટ્રો રેલમાં 130 મેગા વોટ સોલર પાવરનો ઉપયોગ કરવામાં આવે છે, જેને વધારીને 600 મેગા વોટ સુધી ઉપયોગ કરવામાં આવશે. આર્ટિફીશ્યલ ઈન્ટેલિજન્સથી સજ્જ પ્લેટફોર્મ્સ અને સ્ક્રીનીંગ દરવાજા ઉપર પણ આધુનિક ટેકનિકથી ઝડપી કામ કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

આધુનિકીકરણ માટે એક જ પ્રકારના ધોરણો અને સુવિધાઓ ઉપલબ્ધ થાય તે ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રીય સ્તરે કોમન મોબિલીટી કાર્ડ આ દિશાનું એક મોટું કદમ છે. કોમન મોબિલીટી કાર્ડનું લક્ષ્ય બિલકુલ સ્પષ્ટ છે. તમે જે કોઈપણ સ્થળેથી પ્રવાસ કરો, તમે જે કોઈ જાહેર વાહન દ્વારા આવ-જા કરો તે માટે આ એક કાર્ડ તમને સુસંકલિત સુવિધા ઉપલબ્ધ કરશે, એટલે કે આ એક જ કાર્ડ દરેક જગા માટે યોગ્ય બની રહેશે અને દરેક જગાએ ચાલશે.

સાથીઓ,

મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો જાણે છે કે કેવી રીતે માત્ર એક જ ટોકન લેવા માટે કેટલા લાંબા સમય સુધી લાઈનમાં ઉભાર રહેવું પડતું હતું. ઓફિસ અથવા તો કોલેજ પહોંચવામાં વિલંબ થતો હતો અને ટિકિટ મેળવવામાં પણ પરેશાની થતી હતી. મેટ્રોમાંથી ઉતરી જાવ તો પણ બસની ટિકીટ લેવી પડે. આજે દરેક વ્યક્તિ પાસે સમયનો અભાવ છે અને એટલા માટે જ રસ્તામાં સમય ગૂમાવવો પોસાય તેમ નથી. એક જગાએથી બીજી જગાએ જવા માટે આવી તકલીફો હવે દેશના લોકો સામે અવરોધ બને નહીં તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

દેશનું સામર્થ્ય અને સાધનોનો ઉપયોગ દેશના વિકાસ માટે થાય તે આપણાં સૌની જવાબદારી છે. આજે તમામ વ્યવસ્થાને એકરૂપ કરીને દેશની તાકાતમાં વધારો કરી શકાય તેમ છે. એક ભારત- શ્રેષ્ઠ ભારતને મજબૂત કરી શકાય તેમ છે. વન નેશન, વન મોબિલીટી કાર્ડની જેમ જ વિતેલા વર્ષોમાં અમારી સરકારે દેશની વ્યવસ્થાઓને સુસંકલિત કરવા માટે અનેક કામ કર્યા છે. વન નેશન, વન ફાસ્ટ ટેગથી સમગ્ર દેશના હાઈવે પર અપાર મુસાફરી કરી શકાશે. બિન જરૂરી રોકાવાનું બંધ થયુ છે, ટ્રાફિક જામમાંથી મુક્તિ મળી છે. દેશમાં સમય અને વિલંબને કારણે થતું નુકસાન ઓછુ થયું છે. વન નેશન વન ટેક્સ એટલે કે જીએસટીના માધ્યમથી દેશભરમાં કરવેરાના કારણે થતો અવરોધ ખતમ થઈ ગયો છે. સીધા કરવેરા સાથે જોડાયેલી વ્યવસ્થા એક સરખી થઈ છે. વન નેશન વન પાવરગ્રીડથી દેશના દરેક ભાગમાં પૂરતી અને નિરંતર વિજળી મળી રહે તેવું નિશ્ચિત બનવાનું છે.

વિજળીનું નુકસાન ઓછુ થયું છે. વન નેશન વન ગ્રીડને કારણે દરિયામાં થઈને દૂર દૂરના પ્રદેશોમાં આવેલા વિવિધ ભાગોમાં અપાર ગેસ કનેક્ટીવિટી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. અહીંયા ગેસ આધારિત જીવન અને અર્થ વ્યવસ્થા એ અગાઉ માત્ર સપના જેવી જ હતી. વન નેશન, વન હેલ્થ અસ્યોરન્સ યોજના એટલે કે આયુષમાન ભારતથી દેશના કરોડો લોકોને માત્ર એક રાજ્યમાં જ નહીં, પણ સમગ્ર દેશમાં કોઈપણ સ્થળે લાભ મળી રહ્યો છે. વન નેશન, વન રેશનકાર્ડને કારણે દેશમાં એક સ્થળેથી બીજા સ્થળે જનારા નાગરિકોને નવું રેશનકાર્ડ બનાવવાના ચક્કરમાંથી મુક્તિ મળી છે. એક જ રેશનકાર્ડથી સમગ્ર દેશમાં કોઈપણ સ્થળે સસ્તુ રેશન મેળવવાની સુવિધા શક્ય બની શકી છે. આવી જ રીતે નવા ખેત સુધારા અને ઈ-નામ જેવી વ્યવસ્થાઓને કારણે વન નેશન- વન એગ્રીકલ્ચર માર્કેટની દિશામાં દેશ આગળ ધપી રહ્યો છે.

સાથીઓ,

દેશના દરેક નાના- મોટા શહેર 21મી સદીની અર્થવ્યવસ્થાનું મોટું કેન્દ્ર બનવાનું છે. આપણુ દિલ્હી તો દેશની રાજધાની છે. આજે જ્યારે 21મી સદીનું ભારત દુનિયામાં નવી ઓળખ ઉભી કરી રહ્યું છે ત્યારે આપણી રાજધાનીમાં તેની ભવ્યતા પ્રતિબિંબીત થવી જોઈએ. આટલું જૂનુ શહેર હોવાના કારણે તેમાં પડકારો જરૂર છે, પણ સાથે સાથે આપણે તેને આધુનિકતાની નવી ઓળખ આપવાની છે. એટલા માટે જ આજે દિલ્હીને આધુનિક સ્વરૂપ આપવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી છે. દિલ્હીમાં ઈલેક્ટ્રીક મોબિલીટી વધારવા માટે સરકારને તેની ખરીદી પર વેરામાં પણ છૂટછાટ આપી છે.

દિલ્હીની સેંકડો કોલોનીઓનું નિયમિતીકરણ કરવાનું હોય કે પછી ઝૂંપડપટ્ટીઓમાં રહેનારા પરિવારોને બહેતર આવાસ પૂરાં પાડવાનો પ્રયાસ કરવાનો હોય, દિલ્હીની જૂની સરકારી ઈમારતોને આજની જરૂરિયાત મુજબ પર્યાવરણ ફ્રેન્ડલી બનાવવામાં આવી રહી છે. જે જૂની માળખાગત સુવિધાઓ છે તેને આધુનિક ટેકનોલોજી આધારિત માળખાગત સુવિધાઓથી બદલવામાં આવી રહી છે.

સાથીઓ,

દિલ્હીમાં જૂના પ્રવાસ સ્થળો સિવાય પણ 21મી સદીના નવા આકર્ષણોનું નિર્માણ થાય તે માટે કામ ચાલી રહ્યું છે. દિલ્હી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ, ઈન્ટરનેશનલ એક્ઝીબિશન, ઈન્ટરનેશનલ બિઝનેસ ટુરિઝમનું મહત્વનું કેન્દ્ર બનવાનું છે તેના માટે દ્વારકામાં દેશનું સૌથી મોટું સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. આવી રીતે વધુ એક સ્થળ કે જ્યાં નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. એવી જ રીતે એક ખૂબ મોટા ભારત વંદના પાર્ક પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આવા દરેક કામમાં દિલ્હીના લોકો માટે હજારો રોજગારી પણ ઉભી થાય છે અને શહેરની તસવીર પણ બદલાઈ રહી છે.

દિલ્હીમાં 130 કરોડ કરતાં વધુ વસતિ છે અને દિલ્હી દુનિયાની મોટી આર્થિક અને રાજકિય તાકાતની રાજધાની છે. અને તેની ભવ્યતાના દર્શન અહીંયા થવા જ જોઈએ. મને વિશ્વાસ છે કે આપણે બધાં સાથે મળીને કામ કરતાં કરતાં દિલ્હીના નાગરિકોનું જીવન વધુ બહેતર બનાવીશું, દિલ્હીને વધુ આધુનિક બનાવીશું.

ફરી એક વખત નવી સુવિધા માટે દેશને પણ અને દિલ્હીવાસીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું.

ધન્યવાદ !

 

SD/GP/BT(Release ID: 1684175) Visitor Counter : 266