પ્રધાનમંત્રીનું કાર્યાલય

નેશનલ હાઈવે-19ના વારાણસી- પ્રયાગરાજ વિભાગની સિક્સ લેન સુધી વિસ્તરણ કરાયેલી ધોરી માર્ગ પરિયોજનાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 30 NOV 2020 6:40PM by PIB Ahmedabad

હર હર મહાદેવ !

મારી કાશીના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

આપ સૌને હું પ્રણામ કરૂં છું.

ખાસ કરીને રાજાતાલાબ, મિર્જામુરાદ, કછવા, કપસેઠી, રોહનિયા, સેવાપુરી વિસ્તારના અન્નદેવતા લોકોને પ્રણામ કરૂં છું.

દેવ દિવાળી અને ગુરપરબની આપ સૌને શુભેચ્છાઓ અને શુભકામનાઓ !!

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, ઉપમુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, સંસદમાં મારા સાથી ભાઈ રમેશચંદ્રજી અને અહીંયા વિશાળ સંખ્યામાં પધારેલા મારા કાશીના વ્હાલા ભાઈઓ અને બહેનો. દેવ દિવાળી અને ગુરૂ નાનકદેવજીના પ્રકાશોત્સવ પ્રસંગે આજે કાશીને આધુનિક માળખાગત સુવિધાઓનો વધુ એક ઉપહાર પ્રાપ્ત થઈ રહ્યો છે અને તેનો લાભ કાશીની સાથે-સાથે પ્રયાગરાજના લોકોને પણ મળશે. આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન.

મને યાદ છે કે વર્ષ 2013માં મારી પહેલી જાહેરસભા આ મેદાન ઉપર જ થઈ હતી અને ત્યારે અહીંથી પસાર થતો ધોરીમાર્ગ 4 લેનનો હતો. આજે બાબા વિશ્વનાથના આશીર્વાદથી આ ધોરીમાર્ગ 6 લેનનો થઈ ચૂક્યો છે. પહેલાં જે લોકો હંડીયાથી રાજાતાલાબ આવતા- જતા હતા તેમને ખ્યાલ હશે કે આ માર્ગ ઉપર કેટલી બધી મુશ્કેલીઓ પડતી હતી. અલગ અલગ જગ્યાએ જામ, ખૂબ ધીમો ટ્રાફિક, દિલ્હી અને અન્ય શહેરોમાંથી જે લોકો આવતા હતા તે લોકો આ રસ્તા પર આવીને પરેશાન થઈ જતા હતા. 70 કી.મી.ની લાંબી આ મુસાફરી હવે આરામથી થઈ શકશે. ઝડપભેર થઈ શકશે. આ ધોરીમાર્ગ પહોળો થવાથી કાશી અને પ્રયાગ વચ્ચે આવવા- જવાનું હવે ખૂબ જ આસાન થઈ ગયું છે. કાવડ યાત્રા દરમિયાન કાવડીયાઓને અને આ વિસ્તારના લોકોને ખૂબ જ હેરાનગતિ પડતી હતી, હવે તે પણ સમાપ્ત થઈ જશે. અને એટલું જ નહીં, તેનો લાભ કુંભ દરમિયાન પણ મળશે.

ભાઈઓ અને બહેનો,

શ્રધ્ધા સાથે જોડાયેલું સ્થળ હોય કે પછી કોઈ વિશેષ કાર્ય સાથે જોડાયેલું સ્થળ હોય. લોકો કોઈપણ જગ્યા  એ આવતા- જતાં પહેલાં એ બાબત ચોક્કસપણે જુએ છે કે આવવા- જવાનું કેટલું આસાન છે. આ પ્રકારની સુવિધાઓ દેશી- વિદેશી, તમામ પ્રકારના પ્રવાસીઓ અને યાત્રાળુઓને પ્રોત્સાહિત કરતી હોય છે. વિતેલા વર્ષોમાં કાશીના સૌંદર્યીકરણની સાથે અહીંની કનેક્ટીવિટી માટે જે કામ થયું છે તેનો લાભ હવે દૂર સુધી જોઈ શકાય છે. નવો ધોરીમાર્ગ બનાવવાનો હોય, પૂલ- ફ્લાયઓવર બનાવવાનો હોય, ટ્રાફિક જામ ઓછો કરવા માટે રસ્તાઓ પહોળા કરવાના હોય, જેટલું કામ બનારસ અને આસપાસના વિસ્તારોમાં થઈ રહ્યું છે તેટલું કામ આઝાદી પછી ક્યારેય પણ આ વિસ્તારમાં થયું ન હતું અને હવે થઈ રહ્યું છે. બનારસનો સેવક હોવાના સંબંધે મારો એ પ્રયાસ રહ્યો છે કે બનારસના લોકોની તકલીફો ઓછી થાય, તેમનું જીવન વધુ આસાન બને. વિતેલા 6 વર્ષમાં મેં બનારસમાં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટસ ઝડપથી પૂરા કર્યા છે અને ઘણી બધી યોજનાઓ ઉપર કામ ચાલી રહ્યું છે. એરપોર્ટથી શહેરને જોડનારી સડક આજે બનારસમાં વિકાસ કામગીરીની ઓળખ બની ગઈ છે. રેલવે સ્ટેશનની કનેક્ટીવિટી પણ બહેતર થઈ છે. અહીંથી થોડાક જ અંતરે રીંગ રોડ ફેઝ-2નું કામ પણ ઝડપભેર ચાલી રહ્યું છે. આ કામગીરી પૂરી થતાં સુલતાનપુર, આઝમગઢ અને ગાજીપુરથી આવતા-જતા ભારે વાહનો શહેરમાં પ્રવેશ કર્યા વગર સીધા આ 6 લેનના હાઈવે પરથી પસાર થઈ શકશે. ત્યાં જે બીજા હાઈવેની નિર્માણ કામગીરી ચાલી રહી છે તે પણ ઘણી વહેલી પૂરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ધોરીમાર્ગોના નિર્માણને કારણે વારાણસી, લખનઉ, આઝમગઢ અને ગોરખપુરની યાત્રા વધુ આસાન બનશે.

ભાઈઓ અને બહેનો,

સારી સડકો, સારો રેલ માર્ગ, સારી અને સસ્તી વિમાની સેવા, આ બધી સુવિધાઓ સમાજના દરેક વર્ગને સગવડ પૂરી પાડે છે. ખાસ કરીને ગરીબને, નાના ઉદ્યોગોને, મધ્ય વર્ગને તેનો સૌથી વધુ લાભ મળતો હોય છે. જ્યારે નિર્માણ કાર્ય ચાલતું હોય છે ત્યારે અનેક લોકોને રોજગારી મળી રહે છે અને પ્રોજેક્ટ જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારે તે સમય તો બચાવે જ છે અને ખર્ચ પણ ઓછો આવે છે અને તકલીફ પણ ઓછી પડે છે. કોરોનાના સમયમાં શ્રમિક સાથીદારો માટે માળખાગત સુવિધાઓના આ પ્રોજેક્ટસ રોજગારીનું ખૂબ મોટું સાધન બન્યા છે.

ભાઈઓ અને બહેનો,

મને એ બાબતનો આનંદ છે કે ઉત્તર પ્રદેશમાં યોગીજી અને તેમની સમગ્ર ટીમ સરકાર બનવાની સાથે જ અહીંયા માળખાગત સુવિધાઓના નિર્માણ માટે ઝડપભેર કામગીરી કરી રહી છે. પહેલા ઉત્તર પ્રદેશમાં માળખાગત સુવિધાઓની સ્થિતિ શું હતી તે આપ સૌ સારી રીતે જાણો છો. ઉત્તર પ્રદેશની ઓળખ એક્સપ્રેસ પ્રદેશ તરીકે મજબૂત બની રહી છે. ઉત્તર પ્રદેશમાં કનેક્ટીવિટીના હજારો કરોડ રૂપિયાના પાંચ મેગા પ્રોજેક્ટસ પર એક સાથે કામ ચાલી રહ્યું છે. આજે પૂર્વાંચલ હોય, બુંદેલ ખંડ હોય, પશ્ચિમી ઉત્તર પ્રદેશ હોય, દરેક ખૂણો એક્સપ્રેસ વે સાથે જોડવામાં આવી રહ્યો છે. દેશના બે મોટા અને આધુનિક સંરક્ષણ કોરિડોરમાંથી એક આપણાં ઉત્તર પ્રદેશમાં જ બની રહ્યો છે.

ભાઈઓ અને બહેનો,

માત્ર રસ્તા જ નહીં, પરંતુ એર કનેક્ટીવિટીમાં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે. ત્રણ- ચાર વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશમાં માત્ર બે મોટા એરપોર્ટ અસરકારક રીતે કામ કરી રહ્યા હતા. આજે આશરે 1 ડઝન એરપોર્ટસ ઉત્તર પ્રદેશમા સેવા માટે તૈયાર થઈ રહ્યા છે. અહીંયા વારાણસીના એરપોર્ટના વિસ્તૃતિકરણનું કામ ચાલી રહ્યું છે. પ્રયાગરાજમાં એરપોર્ટ ટર્મિનલ જેટલું ઝડપથી બન્યું તેનાથી એક નવો વિક્રમ રચાઈ ગયો છે. આ ઉપરાંત કૃષિનગરના એરપોર્ટને પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યુ છે. નોઈડાના જેવરમાં આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે.

સાથીઓ,

જ્યારે જ્યારે કોઈ વિસ્તારમાં આધુનિક કનેક્ટીવિટીનું વિસ્તરણ થાય છે ત્યારે તેનો ઘણો મોટો લાભ આપણાં ખેડૂતોને પણ થાય છે, ખેતીને થાય છે. વિતેલા વર્ષોમાં અમારો સતત એવો પ્રયાસ રહ્યો છે કે ગામડાંમાં આધુનિક સડકોની સાથે-સાથે સંગ્રહની, કોલ્ડ સ્ટોરેજની આધુનિક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે. હજુ તાજેતરમાં જ રૂ.1 લાખ કરોડનું વિશેષ ભંડોળ ખેડૂતો માટે ઉભુ કરાયું છે. આ વર્ષે દેશના ઈતિહાસમાં પ્રથમ વખત હરતા ફરતા કોલ્ડ સ્ટોરેજ એટલે કે કિસાન રેલ શરૂ કરવામા આવી છે. આ પ્રયાસોથી ખેડૂતોને નવું બજાર મળી રહ્યું છે. મોટા શહેરો સુધી તેમની પહોંચ વધી રહી છે અને તેની સીધી અસર તરીકે તેમની આવકમાં પણ સુધારો થયો છે.

સાથીઓ,

વારાણસી સહિત પૂર્વાંચલમાં જે બહેતર માળખાગત સુવિધાઓ તૈયાર થઈ છે તેનો મોટો લાભ આ સમગ્ર વિસ્તારને થયો છે. વારાણસીમાં પેરિસેબલ કાર્ગો સેન્ટર બનવાને કારણે હવે અહીંયા ખેડૂતોને ફળ અને શાકભાજીનો સંગ્રહ કરવા માટે તથા આસાનીથી તેનું વેચાણ કરવા માટે ઘણી મોટી સુવિધા પ્રાપ્ત થઈ છે. આ સંગ્રહ ક્ષમતાને કારણે અહીંયા પ્રથમ વખત ખેડૂતોની પેદાશ મોટા પ્રમાણમાં વિદેશમાં નિકાસ થઈ શકે છે. હાલમાં બનારસની લંગડા અને બનારસની દશેરી કેરી લંડનથી માંડીને મધ્ય- પૂર્વમાં પોતાની સુગંધ ફેલાવી રહી છે. હવે બનારસની કેરીની માંગ વિદેશમાં પણ સતત વધી રહી છે. હવે અહીંયા જે પેકેજીંગ સુવિધાઓ તૈયાર થઈ રહી છે તેના કારણે પેકીંગ માટે બીજા મોટા શહેરોમાં જવાની હવે જરૂર પડતી નથી. કેરી ઉપરાંત આ વર્ષે અહીંના તાજા શાકભાજી પણ લંડન અન દુબઈ સુધી પહોંચ્યા છે. આ નિકાસ હવાઈ માર્ગે કરવામાં આવી રહી છે. તેનો અર્થ એ કે બહેતર હવાઈ સેવાનો સીધો લાભ અહીંના નાના-નાના ખેડૂતોને થઈ રહ્યો છે. ગંગાજી ઉપર દેશનો પ્રથમ આંતરિક જળમાર્ગ છે તેનો ઉપયોગ પણ ખેડૂતોની પેદાશોના પરિવહન માટે વધુમાં વધુ કેવી રીતે થઈ શકે તે બાબતે પણ કામ ચાલી રહ્યું છે.

સાથીઓ,

સરકારના પ્રયાસો અને આધુનિક માળખાગત સુવિધાઓના કારણે ખેડૂતોને કેટલો લાભ મળી રહ્યો છે તેનું એક સુંદર ઉદાહરણ ચંદૌલીના કાળા ચોખા એટલે કે બ્લેક રાઈસ છે. આ ચોખા ચંદૌલીના ખેડૂતોના ઘરમાં સમૃધ્ધિ લાવી રહ્યા છે. ચંદૌલીના ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે બે વર્ષ પહેલાં અહીંયા કાળા ચોખાની વેરાયટીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. વિતેલા વર્ષમાં ખરીફ સિઝનમાં આશરે 400 ખેડૂતોને ડાંગર ઉગાડવા માટે આપવામાં આવી હતી. આ ખેડૂતોની એક સમિતિ બનાવવામાં આવી હતી. તેના માટે બજાર શોધવામાં આવ્યું. સામાન્ય ચોખા અહીંયા કી.ગ્રા. દીઠ રૂ.35 થી રૂ.40માં વેચાતા હતા તેના બદલે અહીંના સુદર કાળા ચોખા કી.ગ્રા. દીઠ રૂ.300ના ભાવે વેચાઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે કાળા ચોખાને વિદેશી બજાર પણ મળી ગયું છે. સૌ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં આ ચોખાની નિકાસ કરવામાં આવી છે અને તે પણ આશરે સાડા આઠસો રૂપિયો કીલોના ભાવે. આનો અર્થ એ કે જ્યાં અનાજના લઘુત્તમ ટેકાના ભાવ રૂ.1800 થયા છે ત્યાં ક્વિન્ટલ દીઠ કાળા ચોખા સાડા આઠ હજાર રૂપિયાના ભાવે વેચાયા છે. મને કહેવામાં આવ્યું છે કે આ સફળતાને આધારે આ વર્ષે સિઝનમાં આશરે 1000 ખેડૂત પરિવારો કાળા ચોખાની ખેતી કરી રહ્યા છે.

ભાઈઓ અને બહેનો,

ખેડૂતોને આધુનિક સુવિધાઓ આપવી, નાના ખેડૂતોને સંગઠિત બનાવીને તેમને ભારે તાકાત પૂરી પાડવી તથા ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો નિરંતર ચાલી રહ્યા છે. વિતેલા વર્ષોમાં પાક વીમો હોય કે સિંચાઈ, બીજ હોય કે બજાર, દરેક સ્તરે કામ કરવામાં આવી રહ્યુ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાથી દેશના આશરે 4 કરોડ ખેડૂત પરિવારોને મદદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાથી આશરે 47 લાખ હેકટર જમીન માઈક્રો ઈરિગેશનના વ્યાપ હેઠળ આવી ચૂકી છે. આશરે 77 હજાર કરોડ રૂપિયાની સિંચાઈ યોજનાઓનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે.

પરંતુ, સાથીઓ, માત્ર યોજનાઓથી જ કામ ચાલતું નથી. તેની સાથે સાથે ખેડૂતોને મોટા અને વ્યાપક બજારોનો લાભ પણ મળવો જોઈએ. જે આપણાં દેશ અને દુનિયાના મોટા બજારો આપણાં ખેડૂતોને ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. આ રીતે વિકલ્પના માધ્યમથી ખેડૂતોને સશક્ત બનાવવાનો માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે. ખેડૂતોના હિત માટે કરવામાં આવેલા ખેત સુધારા ખેડૂતોને એવા જ વિકલ્પો પૂરાં પાડી રહ્યા છે. જો ખેડૂતને કોઈ એવો ગ્રાહક મળી જાય કે જે ખેતરમાંથી સીધી ખેત પેદાશ ઉઠાવે અને પરિવહનથી માંડીને લોજીસ્ટીક્સ સુધી દરેક પ્રકારની વ્યવસ્થા સારી રીતે કરે. તો શું ખેડૂતને પોતાની ખેત પેદાશ તેને વેચવા માટેની આઝાદી મળવી જોઈએ કે નહીં મળવી જોઈએ ? ભારતની ખેત પેદાશો સમગ્ર દુનિયામાં જાણીતી છે. શું ખેડૂતને આ મોટા બજાર અને વધુ નાણાં સુધી પહોંચાડવો જોઈ કે નહીં પહોંચાડવો જોઈએ ? જો કોઈ જૂની પધ્ધતિ મુજબ જ લેવડ – દેવડને યોગ્ય સમજતું હોય તો તે બાબત ઉપર પણ આ કાયદામાં ક્યાં કોઈ મોટો અવરોધ ઉભો કરવામાં આવ્યો છે ભાઈ ?

સાથીઓ,

નવા કૃષિ સુધારાઓથી ખેડૂતોને એક નવો વિકલ્પ અને નવું કાનૂની સંરક્ષણ તો પૂરૂ પાડવામાં આવ્યું જ છે. અગાઉ તો બજારની બહાર થતી લેવડ- દેવડને ગેરકાનૂની માનવામાં આવતી હતી. આવી સ્થિતિમાં નાના ખેડૂતો સાથે ઘણી વખત છેતરપિંડી થતી હતી, વિવાદ ઉભા થતા હતા, કારણ કે નાના ખેડૂતો બજાર સુધી પહોંચી શકતા ન હતા. હવે એવું નથી. હવે નાનામાં નાનો ખેડૂત પણ બજારની બહાર થયેલા દરેક સોદા બાબતે કાનૂની કાર્યવાહી કરી શકે છે. આનો અર્થ એ કે ખેડૂતને જ્યારે નવા વિકલ્પો મળ્યા છે ત્યારે તેને છળથી, કપટથી બચાવવા માટે કાનૂની સંરક્ષણ પણ આપવામાં આવ્યું છે. ખેડૂતોની યોજનાઓની સાથે સાથે જ નવા વિકલ્પો પૂરાં પાડીને આપણાં કૃષિ ક્ષેત્રનો કાયાકલ્પ કરી શકાય તેમ છે. સરકાર તરફથી યોજનાઓ, ખેડૂત માટે વિકલ્પ બંનેની કામગીરી સાથે સાથે ચાલે તો જ દેશનો કાયાકલ્પ થઈ શકે તેમ છે.

સાથીઓ,

સરકાર નીતિઓ બનાવે છે, કાયદા કાનૂન બનાવે છે. આ નીતિઓ અને કાયદાઓને સમર્થન પણ મળે છે, તો કેટલાક સવાલો સ્વાભાવિક રીતે જ થતા હોય છે. તે લોકશાહીનો એક હિસ્સો છે અને ભારતમાં તેની જીવંત પરંપરા રહી છે, પરંતુ છેલ્લા થોડાંક સમયથી દેશમાં એક અલગ પધ્ધતિ જોવા મળી રહી છે. કાશીના આપ સૌ જાગૃત સાથીઓએ પણ તેનો અનુભવ જરૂર કર્યો હશે. પહેલાં એવુ થતું હતું કે સરકારનો કોઈ નિર્ણય કોઈને પસંદ ના પડે તો તેનો વિરોધ કરવામાં આવતો હતો, પરંતુ વિતેલા થોડાંક સમયથી એક નવી તરાહ જોવા મળી રહી છે. હવે એવું જોવા મળે છે કે વિરોધનો આધાર, નિર્ણયને આધારે નહીં, પરંતુ ભ્રમ ફેલાવીને, આશંકાઓ ઉભી કરાવીને થઈ રહ્યો છે. પછી તો ભવિષ્યમાં એવુ થશે કે હવે તો આવું થવાનું છે તેવું કહીને વિરોધનો આધાર ઉભો કરવામાં આવશે. એવો દુષ્પ્રચાર કરવામાં આવે છે કે નિર્ણય તો ઠીક છે, પરંતુ ખબર નહીં, આગળ જતાં તેનું શું થશે. ત્યાર પછી આવું થશે, જે ક્યારેય થયું નથી તેમ કહીને સમાજમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. ઐતિહાસિક ખેત સુધારા બાબતે પણ જાણી જોઈને આવો ખેલ ખેલવામાં આવી રહ્યો છે. આપણે એ યાદ રાખવાનું છે કે આ એ જ લોકો છે કે જેમણે દાયકાઓ સુધી ખેડૂતો સાથે લગાતાર છળકપટ કર્યું છે. હવે જે રીતે ટેકાના લઘુતમ ભાવ જાહેર કરવામાં આવે છે, પરંતુ ટેકાના ભાવે ખૂબ ઓછી ખરીદી થાય છે. જાહેરાતો થાય છે, પરંતુ ખરીદી થતી નથી. વર્ષો સુધી લઘુતમ ટેકાના ભાવ અંગે કપટ કરવામાં આવ્યું છે. ખેડૂતોના નામે મોટા મોટા દેવા નાબૂદીના પેકેજ જાહેર કરવામાં આવતા હતા, પરંતુ નાના અને સિમાંત ખેડૂતો સુધી તે પહોંચતા ન હતા. આનો અર્થ એ થાય કે દેવા નાબૂદી બાબતે પણ કપટ કરવામાં આવતું હતું. ખેડૂતોના નામે મોટી મોટી યોજનાઓની જાહેરાત કરવામાં આવતી હતી, પરંતુ આ લોકો જાતે માનતા હતા કે રૂ.1માંથી માત્ર 15 પૈસા જ ખેડૂત સુધી પહોંચે છે. આનો અર્થ એ કે યોજનાઓના નામ પર કપટ કરવામાં આવતું હતું. ખેડૂતોના નામે ખાતર ઉપર ખૂબ મોટી સબસીડી આપવામાં આવી, પરંતુ આ ફર્ટિલાઈઝર ખેડૂતો કરતાં વધુ પ્રમાણમાં કાળા બજાર કરનારા લોકો સુધી પહોંચી જતું હતું. એનો અર્થ એ કે યુરિયા ખાતરના નામે પણ છળકપટ કરવામાં આવી રહ્યું હતું. ખેડૂતોની ઉત્પાદકતા વધારવા માટે કહેવામાં આવતું હતું, પણ ખેડૂતને બદલે બીજા કોઈની નફાકારકતા વધે તેની ખાત્રી રાખવામાં આવતી હતી. પહેલાં મત લેવા માટે વચન, અને તે પછી કપટ એવો ખેલ ઘણાં લાંબા સમયથી દેશમાં ચાલી રહ્યો હતો.

સાથીઓ, જ્યારે ઈતિહાસ છળકપટનો રહ્યો હોય, ત્યારે બે બાબતો ખૂબ જ સ્વાભાવિક છે. પ્રથમ એ કે ખેડૂત સરકારની વાતો અંગે આશંકિત રહેતો હોય તેવો પાછલા દાયકાઓનો લાંબો ઈતિહાસ છે અને બીજી બાબત એ કે જેમણે વચનો તોડ્યા, કપટ કર્યું તેમના માટે એક રીતે કહીએ તો જૂઠ ફેલાવવાની તેમને ટેવ પડી ગઈ છે. મજબૂરી બની ચૂકી છે કે પહેલાં તે જે કરતાં હતા તે અત્યારે પણ કરી રહ્યા છે, કારણ કે તેમણે આવું જ કર્યું હતું. અને એટલા માટે તે ફોર્મ્યુલા આજે પણ સતત જોવા મળી રહી છે. પરંતુ, તમે જ્યારે આ સરકારનો ટ્રેક રેકોર્ડ જોશો તો તમારા સામે સત્ય ખૂલીને બહાર આવશે. અમે કહ્યું હતું કે અમે યુરિયાના કાળા બજાર રોકીશું અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા આપીશું. અમે છેલ્લા 6 વર્ષમાં યુરિયાની કોઈ અછત ઉભી થવા દીધી નથી. અગાઉ તો યુરિયા કાળા બજારમાં લેવું પડતું હતું, યુરિયા માટે રાત રાત સુધી લાઈનમાં ઉભા રહીને રાત્રે ઠંડીમાં સૂઈ જવું પડતું હતું. યુરિયા લેવા માટે આવેલા ખેડૂતો પર અનેક વખત લાઠીચાર્જ થયો હોય તેવી ઘટનાઓ પણ બની રહી હતી. આજે આ બધુ બંધ થઈ ગયું છે અને તે પણ કોરોના લૉકડાઉન સુધી, કે જ્યારે તમામ પ્રકારની ગતિવિધી બંધ હતી તે દરમિયાન પણ અમને યુરિયા પહોંચાડવામાં કોઈ તકલીફ પડી નથી. અમે વચન આપ્યું હતું કે સ્વામિનાથન પંચની ભલામણ અનુસાર પડતર કિંમતના દોઢ ગણા સુધી લઘુતમ ટેકાના ભાવ આપવામાં આવશે અને આ વચન માત્ર કાગળ પર રહ્યું નથી. આ વચન અમે પૂરૂ કર્યું અને ખેડૂતોના બેંક ખાતા સુધી પૈસા પહોંચે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી.

સાથીઓ, માત્ર દાળની જ વાત કરીએ તો, દાળ બાબતે વર્ષ 2014 પહેલાં પાંચ વર્ષ સુધી અમારી અગાઉની સરકારો હતી તેમણે પાંચ વર્ષમાં આશરે રૂ.650 કરોડની દાળ જ ખેડૂતો પાસેથી ખરીદી હતી. કેટલી ? 650 કરોડ રૂપિયાની. કેટલી ? ભાઈ તમે જરા બતાવો કે સમગ્ર દેશમાં રૂ.650 કરોડની, પરંતુ અમે આવીને પાંચ વર્ષમાં શું કર્યું, અમારા પાંચ વર્ષમાં અમે આશરે 49 હજાર કરોડ એટલે કે લગભગ 50 હજાર કરોડ રૂપિયાની દાળ ટેકાના લઘુતમ ભાવે ખરીદી છે. એટલે કે 75 ગણો વધારો થયો છે. ક્યાં 650 કરોડ અને ક્યાં આશરે 50 હજાર કરોડ. વર્ષ 2014 પહેલાંના પાંચ વર્ષમાં તેમની છેલ્લી સરકાર અંગે હું વાત કરી રહ્યો છું. પાંચ વર્ષમાં અગાઉની સરકારે બે લાખ કરોડ રૂપિયાનું અનાજ સમગ્ર દેશમાંથી ખરીદ્યું હતું. રૂ.બે લાખ કરોડનું અનાજ લઘુતમ ટેકાના ભાવે ખરીદ્યું હતું, પરંતુ અમે આવીને પાંચ વર્ષમાં ટેકાના લઘુતમ ભાવથી રૂ.5 લાખ કરોડ સુધી પહોંચાડ્યા છે. સાથીઓ, આનો અર્થ એ કે આશરે અઢી ગણી વધુ રકમ ખેડૂતો સુધી પહોંચાડી છે. વર્ષ 2014 પહેલાંના પાંચ વર્ષમાં ઘઉંની ખરીદી ઉપર ખેડૂતોને આશરે રૂ.દોઢ લાખ કરોડ મળ્યા હતા તેમની સરકારના પાંચ વર્ષમાં. અમે પાંચ વર્ષમાં ઘઉં ઉપર ત્રણ લાખ રૂપિયા ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવે ચૂકવ્યા છે, એટલે કે લગભગ બે ગણાં. હવે તમે જ બતાવો કે જો બજારો અને લઘુતમ ટેકાના ભાવ દૂર કરવાના હતા તો અમે આટલી મોટી તાકાત શા માટે પૂરી પાડતા ભાઈ ? અમે તેની ઉપર આટલું મોટું રોકાણ શા માટે કરતા ? અમારી સરકાર તો બજારોને આધુનિક બનાવવા માટે, મજબૂત બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે.

ભાઈઓ અને બહેનો,

તમારે એ યાદ રાખવાનું છે કે આ એ જ લોકો છે કે જે પીએમ કિસાન સન્માન નિધિ બાબતે દરેક ગલી અને મહોલ્લામાં, દરેક પ્રેસ કોન્ફરન્સમાં, દરેક ટ્વીટરમાં સવાલ ઉઠાવતા હતા. આ લોકો એવી અફવા ફેલાવતા હતા કે આ મોદી છે, અને તે ચૂંટણી છે તે માટે કિસાન સન્માન નિધિ લઈને આવ્યા છે. આ બે હજાર રૂપિયા એક વખત આપવામાં આવશે અને પછી બીજી વખત નહીં મળે. બીજુ જુઠાણું એ ચલાવવામાં આવ્યું હતું કે આ બે હજાર રૂપિયા અત્યારે આપવામાં આવ્યા છે, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી વ્યાજ સાથે પાછા લેવામાં આવશે. તમે હેરાન થશો કે એક રાજ્યમાં તો એટલા સુધી જુઠાણું ફેલાવવામાં આવ્યું હતું કે, એટલું બધુ જૂઠ બોલવામાં આવ્યું કે અમને રૂ.2000 નહીં જોઈએ. એટલે સુધી જુઠાણું ફેલાવ્યું કે કેટલાક રાજ્યો એવા પણ છે કે જે ખેડૂતના નામે વાતો કરી રહ્યા હતા તેમણે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પોતાના રાજ્યમાં લાગુ જ ના થવા દીધી. કારણ કે જો આ પૈસા ખેડૂતોની પાસે પહોંચી જશે તો કદાચ મોદીનો જયજયકાર થઈ ગયો તો પછી અમારી રાજનીતિ જ ખતમ થઈ જશે. ખેડૂતોના ખીસામાં પૈસા જવા દીધા નહી. હું એ રજ્યોના ખેડૂતોને કહેવા માગુ છું કે આવનારા સમયમાં જ્યારે પણ અમારી સરકાર બનશે. આ પૈસા પણ ખેડૂતોને  આપતો રહીશ.

સાથીઓ,

દેશના 10 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. અને આ કામગીરી કિસાવન સન્માન નીધિ હેઠળ સતત ચાલી રહ્યુ છે. વર્ષમાં ત્રણ વાર આપીએ છીએ. અને અત્યાર સુધીમાં આશરે રૂ. 1 લાખ કરોડ સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે.

સાથીઓ,

અમે વચન આપ્યુ હતું કે ખેડૂતો માટે પેન્શન યોજના બનાવવામાં આવશે. આજે કિસાન માનધન યોજના ચાલુ છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 21 લાખ ખેડૂત પરિવારો તેની સાથે જોડાઈ ચૂક્યા છે.

ભાઈઓ અને બહેનો,

વચનોને જમીન પર ઉતારવા માટે આવા જે ટ્રેક રેકોર્ડના બળથી ખેડૂતોના હિતમાં નવા ખેત સુધારા કાયદા લાવવામાં આવ્યા છે. ખેડૂતોને ન્યાય અપાવવા માટે તે કેટલા ઉપયોગી નિવડી રહ્યા છે તે તમે આવનારા દિવસોમાં જરૂરથી જોશો. આપણે અનુભવ કરીશું અને મને વિશ્વાસ છે કે મિડીયામાં પણ તેની હકારાત્મક ચર્ચાઓ થશે અને તે આપણને જોવા પણ મળશે, વાંચવા પણ મળશે. મને ખાત્રી છે કે દાયકાઓ સુધી કરાયેલું કપટ ખેડૂતોને આશંકિત કરે છે. આમાં ખેડૂતોનો દોષ નથી. પરંતુ હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે, હું મારા ખેડૂત ભાઈ બહેનોને કહેવા માંગુ છું અને મા ગંગાના ઘાટ ઉપરથી કહેવા માંગુ છું કે, કાશી જેવી પવિત્ર નગરીમાંથી કહી રહ્યો છું કે હવે કપટથી નહીં, પણ ગંગાજળ જેવી પવિત્ર નિયત સાથે કામ કરવામાં આવી રહ્યું છે.

ભાઈઓ અને બહેનો,

આશંકાઓને આધાર ભ્રમ ફેલાવી રહેલા લોકોની સચ્ચાઈ સતત દેશ સામે આવી રહી છે. જ્યારે એક વિષય બાબતે તેમણે ફેલાવેલું જુઠાણું ખેડૂતો સમજી જાય છે ત્યારે તે બીજા વિષયો ઉપર જુઠાણાં ફેલાવતા જાય છે. સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક તે આ કામ કરે છે. દેશનો ખેડૂત આ બધું સારી રીતે સમજે છે. જે ખેડૂત પરિવારોને હજુ પણ થોડી ચિંતા છે, જો કોઈ સવાલ હોય તો તેનો જવાબ પણ સરકાર સતત આપતી રહી છે. ખૂલાસો કરવાના ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે. મા અન્નપૂર્ણાના આશીર્વાદથી આપણો અન્નદાતા આત્મનિર્ભર ભારતની આગેવાની લેશે. મને વિશ્વાસ છે કે આજે જે ખેડૂતોને ખેત સુધારા બાબતે જે કોઈ શંકાઓ છે તે ભવિષ્યમાં આ ખેત સુધારાનો લાભ ઉઠાવીને પોતાની આવકમાં વધારો કરી શકશે. મને એવો પૂરો વિશ્વાસ છે.

અંતમાં, ફરી એક વખત આપ સૌને આ આધુનિક ધોરીમાર્ગ માટે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. કાશીનું આ રૂપ અને સ્વરૂપ આવી રીતે જ ભવ્ય બનતું રહે તે માટે અમારા પ્રયાસો નિરંતર ચાલતા જ રહેશે. હજુ વારાણસીમાં મારો એક કાર્યક્રમ છે અને ત્યાં પણ અનેક વિષયો અંગે વિસ્તારથી વાત કરીશ. કોરોનાના કારણે આ વખતે મને આવવામાં થોડો વિલંબ થયો છે, પરંતુ આજે તમારા દર્શન થયા છે અને મને નવી ઉર્જા મળી છે. તમારા સૌના આશીર્વાદ મળી ગયા, કામ કરવાની નવી તાકાત મળી ગઈ. તમે આટલી મોટી સંખ્યામાં અહીં આવીને આશીર્વાદ આપી રહ્યા છે તે જ મારી ઉર્જા છે, તે જ મારા માટે આશીર્વાદ છે. હું તમારો ખૂબ-ખૂબ આભારી છું. મારી સાથે બંને મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલો, ભારત માતા કી જય !

 

 SD/GP/BT



(Release ID: 1677311) Visitor Counter : 236