પ્રધાનમંત્રીનું કાર્યાલય

લખનઉ યુનિવર્સિટીની સ્થાપનાના શતાબ્દી દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 25 NOV 2020 9:02PM by PIB Ahmedabad

નમસ્કાર!

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા વરિષ્ઠ સહયોગી અને લખનઉના સાંસદ શ્રીમાન રાજનાથ સિંહજી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, ઉપમુખ્યમંત્રી ડૉક્ટર દિનેશ શર્માજી, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી નીલિમા કટિયારજી, યુપી સરકારના અન્ય તમામ મંત્રીગણ, લખનઉ વિશ્વ વિદ્યાલયના કુલપતિ શ્રી આલોક કુમાર રાયજી, વિશ્વ વિદ્યાલયના શિક્ષક અને વિદ્યાર્થીગણ, દેવીઓ અને સજ્જનો,

લખનઉ વિશ્વ વિદ્યાલય પરિવારના સો વર્ષ પૂર્ણ થવા પર હાર્દિક શુભકામનાઓ! સો વર્ષનો સમય માત્ર એક આંકડો જ નથી. તેની સાથે અપાર ઉપલબ્ધીઓનો એક જીવતો જાગતો ઇતિહાસ જોડાયેલો છે. મને ખુશી છે કે આ 100 વર્ષોની સ્મૃતિમાં એક સ્મારક ટપાલ ટિકિટ, સ્મારક સિક્કો અને કવરનું વિમોચન કરવાનો અવસર મને મળ્યો છે.

સાથીઓ,

મને જણાવવામાં આવ્યું છે કે બહાર ગેટ નંબર 1 પાસે જે પીપળાનું ઝાડ છે, તે વિશ્વ વિદ્યાલયની 100 વર્ષની અવિરત યાત્રાનું મહત્વનું સાક્ષી છે. આ વૃક્ષે યુનિવર્સિટીના પરિસરમાં દેશ અને દુનિયા માટે અનેક પ્રતિભાઓને પોતાની નજર સામે નિર્માણ પામતા, ઘડાતાં જોયા છે. 100 વર્ષની આ યાત્રામાં અહીંથી નીકળેલા વ્યક્તિત્વો રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા, રાજ્યપાલ બન્યા. વિજ્ઞાનનું ક્ષેત્ર હોય કે ન્યાયનું, રાજનીતિનું હોય કે વહીવટી તંત્રનું, શૈક્ષણિક હોય કે સાહિત્ય, સાંસ્કૃતિક હોય કે રમતગમત, દરેક ક્ષેત્રની પ્રતિભાઓને લખનઉ યુનિવર્સિટીએ નિખારી છે, સજાવી છે. યુનિવર્સિટીનું આર્ટ્સ ક્વોડ્રેન્ગલ પોતાનામાં જ ઘણો સારો ઇતિહાસ સમેટીને બેઠેલું છે. આ જ આર્ટ્સ ક્વોડ્રેન્ગલમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનો અવાજ ગુંજ્યો હતો અને તે વીર વાણીમાં કહ્યું હતું – “ભારતના લોકોને પોતાનું બંધારણ બનાવવા દો અથવા તો પછી તેનું પરિણામ ભોગવો”. આવતીકાલે જ્યારે આપણે ભારતના લોકો પોતાનો બંધારણ દિવસ ઉજવીશું, તો નેતાજી સુભાષ બાબુની તે હુંકાર, નવી ઉર્જા લઈને આવશે.

સાથીઓ,

લખનઉ યુનિવર્સિટી સાથે એટલા બધા નામ જોડાયેલા છે, અગણિત લોકોના નામ, ઈચ્છવા છતાં પણ બધાના નામ લેવા શક્ય નથી. હું આજના આ પવિત્ર અવસર પર તે તમામને વંદન કરું છું. સો વર્ષની યાત્રામાં અનેક લોકોએ અનેક રીતે યોગદાન આપ્યું છે. તે બધા જ અભિનંદનના અધિકારી છે. હા, એટલું જરૂર છે કે હું જ્યારે પણ લખનઉ યુનિવર્સિટીમાંથી ભણીને નીકળેલા લોકો સાથે વાત કરવાનો અવસર મળ્યો છે અને યુનિવર્સિટીની વાત નીકળે અને તેમની આંખોમાં ચમક ના હોય, એવું મેં ક્યારેય નથી જોયું. યુનિવર્સિટીમાં વિતાવેલા દિવસોને, તેમની વાતો કરતાં-કરતાં તેઓ ઘણા ઉત્સાહી થઈ જાય છે એવો મેં ઘણી વાર અનુભવ કર્યો છે અને એટલે જ તો લખનઉ આપણી ઉપર ફીદા, આપણે ફીદા એ લખનઉનો અર્થ હજી વધારે સારી રીતે ત્યારે જ સમજમાં આવે છે. લખનઉ યુનિવર્સિટીની આત્મીયતા અહીંની “રૂમાનિયત” જ કઇંક જુદી છે. અહીંના વિદ્યાર્થીઓના હ્રદયમાં ટાગોર લાઇબ્રેરીથી લઈને જુદા-જુદા કેન્ટીનોના ચા સમોસાં અને બન માખણ હજી પણ જગ્યા બનાવેલ છે. હવે બદલાતા સમયની સાથે ઘણું બધુ બદલાઈ ગયું છે પરંતુ લખનઉ યુનિવર્સિટીનો મિજાજ લખનવી જ રહ્યો છે, અત્યારે પણ તે જ છે.  

સાથીઓ,

આ સંજોગ જ છે કે આજે દેવ પ્રબોધિની એકાદશી છે. માન્યતા છે કે ચાતુર્માસમાં આવાગમનમાં થતી સમસ્યાઓના કારણે જીવન થંભી જતું હતું. ત્યાં સુધી કે દેવગણ પણ નિંદ્રામાં જતાં રહે છે. એક રીતે આજે દેવ જાગરણનો દિવસ છે. આપણે ત્યાં કહેવામાં આવે છે – “યા નિશા સર્વભુતાનાં તસ્યાં જાગર્તિ સંયમી” જ્યારે બધા જ પ્રાણીઓની સાથે-સાથે દેવતાઓ પણ સૂઈ રહ્યા હોય છે ત્યારે પણ સંયમી મનુષ્ય લોક કલ્યાણ માટે સાધનારત રહે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે દેશના નાગરિક કેટલા સંયમની સાથે, કોરોનાના આ મુશ્કેલ પડકારનો સામનો કરી રહ્યા છે, દેશને આગળ વધારી રહ્યા છે.

સાથીઓ,

દેશને પ્રેરિત કરનારા, પ્રોત્સાહિત કરનારા નાગરિકોનું નિર્માણ શિક્ષણના આવા જ સંસ્થાનોમાં જ થતું હોય છે. લખનઉ યુનિવર્સિટી દાયકાઓથી પોતાના આ કાર્યને સારી રીતે નિભાવી રહી છે. કોરોનાના આ સમયમાં પણ અહિયાના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓએ, શિક્ષકોએ અનેક રીતના સમાધાનો સમાજને આપ્યા છે.

સાથીઓ,

મને જણાવવામાં આવ્યું છે કે લખનઉ યુનિવર્સિટીના ક્ષેત્ર-અધિકારને વધારવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા નવા સંશોધન કેન્દ્રોની પણ સ્થાપન કરવામાં આવી છે. પરંતુ હું તેમાં કેટલીક બીજી વાતો ઉમેરવાનું સાહસ કરું છું. મને વિશ્વાસ છે કે તમે લોકો તેને તમારી ચર્ચામાં જરૂરથી તેને મુકશો. મારુ સૂચન છે કે જે જિલ્લાઓ સુધી તમારી શૈક્ષણિક મર્યાદાઓ છે, ત્યાંની સ્થાનિક શૈલીઓ, ત્યાંનાં સ્થાનિક ઉત્પાદનો સાથે જોડાયેલ અભ્યાસક્રમો, તેની માટે અનુકૂળ કૌશલ્ય વિકાસ, તેની પ્રત્યેક ઝીણવટપૂર્વકની સમીક્ષા, આ આપણી યુનિવર્સિટીમાં કેમ ના હોય. ત્યાં ટે ઉત્પાદનોના પ્રોડક્શનથી લઈને તેમાં મૂલ્ય ઉમેરણ માટે આધુનિક ઉકેલો, આધુનિક ટેકનોલોજી પર સંશોધન પણ આપણી યુનિવર્સિટી કરી શકે તેમ છે. તેમની બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને મેનેજમેન્ટ સાથે જોડાયેલ વ્યૂહરચનાઓ પણ તમારા અભ્યાસક્રમોનો એક ભાગ હોઇ શકે તેમ છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની દિનચર્યાનો ભાગ હોઇ શકે છે. હવે જેમ કે લખનઉની ચિકનકારી, અલીગઢના તાળાં, મુરાદાબાદના પિત્તળના વાસણો, ભદોહીના ગાલીચા એવા અનેક ઉત્પાદનોને આપણે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક કઈ રીતે બનાવી શકીએ તેમ છીએ. તેને લઈને નવી પદ્ધતિએ કામ, નવી રીતે અભ્યાસ, નવી રીતે સંશોધન શું આપણે નથી કરી શકીએ તેમ, જરૂરથી કરી શકીએ તેમ છીએ. આ અભ્યાસ વડે સરકારને પણ પોતાની નીતિ નિર્ધારણમાં, નીતિઓ ઘડવામાં ઘણી મદદ મળે છે અને ત્યારે જ એક જિલ્લો એક ઉત્પાદનની ભાવના સાચા અર્થમાં સાકાર થઈ શકશે. તએ સિવાય આપણી કળા, આપણી સંસ્કૃતિ, આપણાં અધ્યાત્મ સાથે જોડાયેલ વિષયોની વૈશ્વિક પહોંચ માટે પણ આપણે સતત કામ કરતાં રહેવાનું છે. ભારતનો આ સોફ્ટ પાવર આંતરરાષ્ટ્રીય જગતમાં ભારતની છબી મજબૂત કરવામાં ઘણો સહાયક છે. આપણે જોયું છે કે આખી દુનિયામાં યોગની તાકાત શું છે, કોઈ યોગ કહે છે, કોઈ યોગા કહે છે પરંતુ સંપૂર્ણ વિશ્વને યોગને એક રીતે પોતાના જીવનનો હિસ્સો બનાવવા માટે પ્રેરિત કરી દીધું છે.

સાથીઓ,

યુનિવર્સિટી માત્ર ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર માત્ર જ નથી. તે ઊંચા લક્ષ્યો, ઊંચા સંકલ્પોને સાધવા માટેની શક્તિ પ્રાપ્ત કરવા માટેનું પણ એક બહુ મોટું પાવર હાઉસ હોય છે, એક બહુ મોટી ઉર્જા ભૂમિ હોય છે, પ્રેરણા ભૂમિ હોય છે. તે આપણાં ચરિત્રના નિર્માણનું, આપણાં અંદરની શક્તિને જગાડવાની પ્રેરણા સ્થળી પણ છે. યુનિવર્સિટીના શિક્ષક, વર્ષે દર વર્ષે પોતાના વિદ્યાર્થીઓની બુદ્ધિમત્તા, શૈક્ષણિક અને શારીરિક વિકાસને ચમકાવે છે, વિદ્યાર્થીઓનું સામર્થ્ય વધારે છે. વિદ્યાર્થીઓ પોતાની શક્તિને ઓળખે તેમાં પણ તમારી શિક્ષકોની બહુ મોટી ભૂમિકા રહેલી હોય છે.

પરંતુ સાથીઓ, લાંબા સમય સુધી આપણે ત્યાં સમસ્યા એ રહી છે કે આપણે આપણાં સામર્થ્યનો સંપૂર્ણ ઉપયોગ નથી કરતાં. આ જ સમસ્યા પહેલા આપણી શાસન વ્યવસ્થામાં, સરકારી રીત ભાતોમાં પણ હતી. જ્યારે સામર્થ્યનો બરાબર ઉપયોગ ના થયો હોય તો તેનું શું પરિણામ આવે છે, હું તમારી વચ્ચે આજે તેનું એક ઉદાહરણ આપવા માંગુ છું અને અહિયાં યુપીમાં તે જરા વધુ અનુકૂળ છે. તમારા ઘણા, લખનઉથી જે વધુ દૂર નથી રાયબરેલી, રાયબરેલીની રેલ કોચ ફેક્ટરી. વર્ષો પહેલા ત્યાં રોકાણ થયું હતું, સંસાધનો લગાવવામાં આવ્યા હતા, મશીનો લગાવવામાં આવી હતી, મોટી મોટી જાહેરાતો થઈ, રેલ કોચ બનાવીશું. પરંતુ અનેક વર્ષો સુધી ત્યાં માત્ર ડેન્ટિંગ પેંટિંગનું જ કામ થતું રહ્યું. કપૂરથલાથી ડબ્બાઓ બનીને આવતા હતા અને અહિયાં તેમાં થોડુ લીંપણ પોતણ, રંગ રોગાન કરવું, કેટલીક વસ્તુઓ આમ તેમ નાંખી દેવાની બસ આ જ થતું હતું. જે ફેક્ટરીમાં રેલવેના ડબ્બાઓ બનાવવાનું સામર્થ્ય હતું, તેમાં સંપૂર્ણ ક્ષમતા સાથે કામ ક્યારેય નથી થયું. વર્ષ 2014 પછી આપણે વિચારો બદલ્યા, રીત-ભાતો બદલી. પરિણામ એ આવ્યું છે કે કેટલાક જ મહિનાઓમાં અહીંથી પહેલો કોચ બનીને તૈયાર થયો અને આજે દર વર્ષે સેંકડો ડબ્બાઓ અહીંથી બનીને નીકળી રહ્યા છે. સામર્થ્યનો યોગ્ય ઉપયોગ કઈ રીતે થાય છે, તે તમારી બાજુમાં જ છે અને દુનિયા આજે આ વાતને જોઈ રહી છે અને યુપીને તો આ વાત ઉપર ગર્વ હશે કે હવેથી થોડાક જ સમય પછી દુનિયાની સૌથી મોટી, તમને ગર્વ થશે સાથીઓ, દુનિયાની સૌથી મોટી રેલ કોચ ફેક્ટરી જો તેના નામની ચર્ચા થશે તો તે ચર્ચા રાયબરેલીની રેલ કોચ ફેક્ટરીની થશે.  

સાથીઓ,

સામર્થ્યના ઉપયોગની સાથે-સાથે નીતિ અને ઈચ્છા શક્તિ પણ હોવી એટલી જ જરૂરી છે. ઈચ્છાશક્તિ ના હોય, તો પણ તમને જીવનમાં યોગ્ય પરિણામો નથી મળી શકતા. ઈચ્છા શક્તિ વડે કઈ રીતે બદલાવ આવે છે, તેનું ઉદાહરણ, દેશની સામે આવા અનેક ઉદાહરણો છે, હું જરા અહિયાં આજે તમારી સામે એક જ ક્ષેત્રનો ઉલ્લેખ કરવા માંગુ છું યુરિયા. એક જમાનામાં દેશમાં યુરિયા ઉત્પાદનના ઘણા બધા કારખાનાઓ હતા. પરંતુ તેમ છતાં ઘણું યુરિયા ભારત, બહારથી જ મંગાવતું હતું, આયાત કરતું હતું. તેનું એક બહુ મોટું કારણ એ હતું કે જે દેશના ખાતરના કારખાનાઓ હતા તે પોતાની કુલ ક્ષમતા પર કામ જ નહોતા કરતાં. સરકારમાં આવ્યા પછી જ્યારે મેં અધિકારીઓને આ વિષયમાં વાત કરી તો હું દંગ રહી ગયો.

સાથીઓ,

અમે એક પછી એક નીતિગત નિર્ણયો લીધા, તેનું જ પરિણામ એ આવ્યું છે કે આજે દેશમાં યુરિયા કારખાના સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહ્યા છે. તે સિવાય બીજી પણ એક સમસ્યા હતી – યુરિયાનું બ્લેક માર્કેટિંગ. ખેડૂતોના નામ પર નીકળતું હતું અને પહોંચતુ ક્યાંક બીજે હતું, ચોરી થઈ જતું હતું. તેનું બહુ મોટું પરિણામ આપણાં દેશના ખેડૂતોને ભોગવવું પડતું હતું. યુરિયાના બ્લેક માર્કેટિંગનો ઈલાજ અમે કર્યો, કઈ રીતે કર્યો, યુરિયાનું સો એ સો ટકા, 100 ટકા નીમ કોટિંગ કરીને. આ નીમ કોટિંગનો ખ્યાલ પણ કઈ મોદીના આવ્યા પછી આવ્યો છે એવું નથી, આ બધુ જાણમાં જ હતું, બધાને ખબર હતી અને પહેલા પણ અમુક માત્રામાં તો નીમ કોટિંગ થતું જ હતું. પરંતુ અમુક માત્રામાં થતું હોવાથી ચોરી અટકતી નહોતી. પરંતુ સો એ સો ટકા નીમ કોટિંગ માટે જે ઈચ્છા શક્તિની જરૂર હતી તે નહોતી. આજે સોએ સો ટકા નીમ કોટિંગ થઈ રહ્યું છે અને ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા મળી રહ્યું છે.

સાથીઓ,

નવી ટેકનોલોજી લાવીને, જૂના અને બંધ થઈ ગયેલા કારખાનાઓને હવે ફરીથી શરૂ પણ કરવામાં આવી રહ્યા છે. ગોરખપુર હોય, સીંદરી હોય, બરૌની હોય, આ બધા ખાતરના કારખાના અમુક જ વર્ષોમાં ફરીથી શરૂ થઈ જશે. તેની માટે બહુ મોટી ગેસની પાઇપલાઇન પૂર્વ ભારતમાં પાથરવામાં આવી રહી છે. કહેવાનો અર્થ એ છે કે વિચારોમાં હકારાત્મકતા અને પહોંચમાં શક્યતાને આપણે હંમેશા જીવંત રાખવી જોઈએ. તમે જોજો, જીવનમાં મુશ્કેલમાં મુશ્કેલ પડકારોનો સામનો પણ આ રીતે તમે કરી શકશો.

સાથીઓ,

તમારા જીવનમાં સતત એવા લોકો પણ આવશે કે જે તમને પ્રોત્સાહિત નહિ પરંતુ હતોત્સાહ કરતાં રહેશે. આ ના થઈ શકે, અરે તું આ નહિ કરી શકે યાર, આ તારું કામ નથી, આ કેવી રીતે થશે, અરે આમાં તો આ સમસ્યા છે, આ તો શક્ય જ નથી, અરે આ પ્રકારની વાતો સતત તમને સાંભળવા મળતી હશે. દિવસમાં દસ લોકો એવા મળતા હશે જે નિરાશા, નિરાશા, નિરાશાની જ વાતો કરતાં રહેતા હોય છે અને આવી વાતો સાંભળીને તમારા કાન પણ કંટાળી ગયા હશે. પરંતુ તમે તમારી જાત પર ભરોસો કરીને આગળ વધજો. જો તમને લાગે છે કે તમે જે કરી રહ્યા છો તે બરાબર છે, દેશના હિતમાં છે, તે ન્યાયોચિત રીતે કરવામાં આવી શકે તેમ છે તો તેને પ્રાપ્ત કરવા માટે તમારા પ્રયાસોમાં ક્યારેય કોઈપણ પ્રકારની ઉણપ ના આવવા દેતા. હું તમને આજે બીજું પણ એક ઉદાહરણ આપવા માંગુ છું.

સાથીઓ,

ખાદીને લઈને, આપણે ત્યાં ખાદીને લઈને જે એક વાતાવરણ છે પરંતુ મારુ જરા ઊંધું હતું, હું જરા ઉત્સાહિત રહ્યો છું, હું તેને જ્યારે હું ગુજરાતમાં સરકારોના રસ્તા ઉપર નહોતો ત્યારે હું એક સામાજિક કામ કરતો હતો, ક્યારેક રાજનીતિક કાર્યકર્તાના રૂપમાં કામ કરતો હતો. ખાદી પર આપણે લોકો ગર્વ કરીએ છીએ, ઈચ્છીએ છીએ, ખાદીની પ્રતિબદ્ધતા, ખાદી પ્રત્યે ઝુકાવ, ખાદી પ્રત્યે લગાવ, ખાદીની પ્રસિદ્ધિ તે આખી દુનિયામાં થાય, એવું મારા મનમાં હંમેશા રહ્યા કરતું હતું. જ્યારે હું ત્યાંનો મુખ્યમંત્રી હતો, તો મેં પણ ખાદીનો ખૂબ જ પ્રચાર પ્રસાર કરવાનું શરૂ કર્યું હતું. 2 ઓકટોબરના રોજ હું પોતે બજારોમાં જતો હતો, ખાદીના સ્ટોરમાં જઈને કઈં ને કઈં ખરીદતો હતો. મારી વિચારધારા બહુ હકારાત્મક હતી, નીતિ પણ સારી હતી. પરંતુ બીજી બાજુ કેટલાક લોકો નિરુત્સાહ કરનાર પણ મળતા હતા. હું જ્યારે ખાદીને આગળ વધારવા માટે વિચારી રહ્યો હતો, જ્યારે કેટલાક લોકો સાથે તેના વિષયમાં વાત કરતો હતો તો તેમણે કહ્યું કે ખાદી એટલી કંટાળાજનક છે અને એટલી અન-કુલ છે. આખરે ખાદીને તમે આપણાં આજના યુવાનો વચ્ચે કઈ રીતે પ્રોત્સાહિત કરી શકશો? તમે જરા વિચાર કરો, મને કેવા કેવા સૂચનો મળતા હતા. આવો જ નિરાશાવાદી અભિગમના કારણે આપણે ત્યાં ખાદીના પુનરુત્થાનની બધી જ શક્યતાઓ મનમાં જ મરી ગઈ હતી, સમાપ્ત થઈ ચૂકી હતી. મેં આ વાતોને કિનારે મૂકી અને હકારાત્મક વિચારધારા સાથે આગળ વધ્યો. 2002 માં મેં પોરબંદરમાં, મહાત્મા ગાંધીની જન્મ જયંતીના દિવસે, ગાંધીજીની જન્મસ્થલીમાં જ ખાદીના કપડાંઓનો એક ફેશન શો આયોજિત કર્યો અને એક યુનિવર્સિટીના યુવાન વિદ્યાર્થીને જ આની જવાબદારી સોંપી. ફેશન શો તો થતાં જ રહેતા હોય છે પરંતુ ખાદી અને યુવાનો બંનેએ સાથે મળીને તે દિવસે જે જમાવટ કરી નાંખી, તેમણે બધા જ પૂર્વગ્રહોને ધ્વસ્ત કરી નાખ્યા, નવયુવાનોએ કરી બતાવ્યું હતું અને પછીથી તે કાર્યક્રમની ચર્ચા પણ ઘણી થઈ હતી અને તે વખતે મેં એક નારો પણ આપ્યો હતો કે આઝાદી પહેલા ખાદી ફોર નેશન, આઝાદી પછી ખાદી ફોર ફેશન, લોકો આશ્ચર્ય ચકિત હતા કે ખાદી કઈ રીતે ફેશનેબલ હોઇ શકે છે, ખાદીના કપડાંનો ફેશન શૉ કઈ રીતે થઈ શકે છે? અને કોઈ આવું વિચારી પણ કેવી રીતે શકે કે ખાદી અને ફેશન શૉ એક સાથે કઈ રીતે આવી શકે.

સાથીઓ,

તેમાં મને વધારે તકલીફ નથી આવી. માત્ર હકારાત્મક વિચારધારાએ, મારી ઈચ્છા શક્તિએ મારુ કામ કરી આપ્યું હતું. આજે જ્યારે સાંભળું છું કે ખાદીના સ્ટોરમાંથી એક એક દિવસમાં એક એક કરોડ રૂપિયાનું વેચાણ થઈ રહ્યું છે, તો હું મારા તે દિવસોને યાદ કરું છું. તમને જાણીને નવાઈ લાગશે અને આ આ આંકડો યાદ રાખજો તમે, વર્ષ 2014ની પહેલા, 20 વર્ષોમાં જેટલા રૂપિયાની ખાદીનું વેચાણ થયું હતું, તેના કરતાં વધુની ખાદી છેલ્લા 6 વર્ષમાં વેચાઈ ચૂકી છે. ક્યાં 20 વર્ષનો કારોબાર વેપાર અને ક્યાં 6 વર્ષનો કારોબાર.

સાથીઓ,

લખનઉ યુનિવર્સિટી કેમ્પસના જ કવિવર પ્રદીપે કહ્યું છે, તમારી જ યુનિવર્સિટીમાંથી, આ જ મેદાનની કલમમાંથી નીકળ્યું છે, પ્રદીપે કહ્યું છે – “કભી કભી ખુદ સે બાત કરો, કભી ખુદ સે બોલો. અપની નજર મેં તુમ કયા હો? યે મન કી તરાજુ પર તોલો.” આ પંક્તિઓ પોતાનામાં જ વિદ્યાર્થી તરીકે શિક્ષક તરીકે, અથવા તો જનપ્રતિનિધિ તરીકે આપણાં બધાની માટે એક રીતે માર્ગદર્શિકા છે. આજકાલની ભાગ દોડવાળી જિંદગીમાં પોતાની જાત સાથે સાક્ષાત્કાર, પોતાની જાત સાથે વાત કરવી, આત્મ મંથન કરવાની આદત પણ છૂટવા લાગી છે. આટલા બધા ડિજિટલ ગેજેટ્સ છે, આટલા બધા પ્લેટફોર્મ્સ છે તો તે તમારો સમય ચોરી કરી જાય છે, છીનવી લે છે, પરંતુ તમારે આ બધાની વચ્ચે પોતાની જાત માટે સમય છીનવવો જ પડશે, પોતાની જાત માટે સમય કાઢવો જ પડશે.

સાથીઓ,

હું પહેલા એક કામ કરતો હતો, છેલ્લા 20 વર્ષોથી નથી કરી શક્યો કારણ કે તમે બધાએ મને એવું કામ આપી દીધું છે કે હું તે કામમાં જ લાગેલો રહું છું. પરંતુ જ્યારે હું શાસન વ્યવસ્થામાં નહોતો તો મારો એક કાર્યક્રમ રહેતો હતો દર વર્ષે, હું મારી જાતને મળવા જાઉં છું, તે કાર્યક્રમનું મારુ નામ હતું, હું મારી જાતને મળવા જાઉં છું અને હું પાંચ દિવસ, સાત દિવસ એવી જગ્યા પર જતો રહેતો હતો જ્યાં કોઈ માણસ ના હોય. પાણીની થોડી સુવિધા મળી જાય બસ, મારા જીવનના તે ક્ષણ ખૂબ જ મૂલ્યવાન રહેતા હતા, હું તમને જંગલોમાં જવા માટે નથી કહી રહ્યો, પરંતુ થોડો સમય તો પોતાની જાત માટે કાઢો જ. તમે કેટલો સમય પોતાની જાત માટે આપી રહ્યા છો, તે બહુ મહત્વપૂર્ણ છે. તમે પોતાની જાતને ઓળખો, પોતાની જાતને જાણો, આ જ દિશામાં વિચારવું ખૂબ જરૂરી છે. તમે જોજો, તેનો સીધો પ્રભાવ તમારા સામર્થ્ય પર પડશે, તમારી ઈચ્છા શક્તિ પર પડશે.

સાથીઓ,

વિદ્યાર્થીઓ જીવન તે અણમોલ સમય હોય છે જે પસાર થઈ ગયા બાદ પછી પાછું આવવું અઘરું હોય છે. એટલા માટે તમારા વિદ્યાર્થી જીવનનો પણ આનંદ ઉઠાવો અને ઉત્સાહિત પણ રહો. આ સમયમાં બનેલા તમારા મિત્રો, આજીવન તમારી સાથે રહેશે. પદ પ્રતિષ્ઠા, નોકરી વ્યવસાય, કોલેજ, આ મિત્રો આ બધી જંજાળમાં તમારા શૈક્ષણિક જીવનના મિત્રો પછી તે શાળાકીય શિક્ષણના હોય કે કોલેજ શિક્ષણના, તે હંમેશા એક જુદું જ તમારા જીવનમાં સ્થાન ધરાવતા રહેશે. ખૂબ મિત્રતા કરો અને ખૂબ મિત્રતા નિભાવો.

સાથીઓ,

જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે, તેનું લક્ષ્ય પણ આ જ છે કે દેશનો દરેક યુવાન પોતાની જાતને જાણી શકે, પોતાના મનને ફંફોસી શકે. નર્સરીથી લઈને પીએચડી સુધી આમૂલ પરિવર્તન આ જ સંકલ્પની સાથે કરવામાં આવ્યા છે. પ્રયાસ એ છે કે પહેલા આત્મ વિશ્વાસ, આપણાં વિદ્યાર્થીઓમાં એક બહુ મોટી જરૂરિયાત હોવી જોઈએ. આત્મ વિશ્વાસ ત્યારે જ આવે છે જ્યારે પોતાની જાત માટે નિર્ણય લેવાની તેને થોડી ઘણી આઝાદી આપવામાં આવે, તેને અનુકૂળતા મળે. બંધનોમાં જકડાયેલા શરીર અને એક ઢાંચામાં ઢાળવામાં આવેલ મગજ ક્યારેય ઉત્પાદક નથી બની શકતું. યાદ રાખજો, સમાજમાં એવા લોકો ઘણા મળશે જેઓ પરિવર્તનનો વિરોધ કરતાં હશે. તેઓ વિરોધ એટલા માટે કરે છે કારણ કે તેઓ જૂના ઢાંચાઓ તૂટવાના ડરથી ભયભીત છે. તેમને લાગે છે કે પરિવર્તન એ માત્ર અડચણ લાવે છે, વિસંગતતા લાવે છે. તે લોકો નવા નિર્માણની સંભાવનાઓ પર વિચાર જ નથી કરતાં. તમારે યુવા સાથીઓએ આવા પ્રત્યેક ડરથી પોતાની જાતને બહાર કાઢવાની છે. એટલા માટે મારો, લખનઉ યુનિવર્સિટીના તમે બધા શિક્ષકો, આપ સૌ યુવા સાથીઓને એ જ આગ્રહ રહેશે કે આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર ખૂબ ચર્ચા કરો, મંથન કરો, વાદ કરો, વિવાદ કરો, સંવાદ કરો. તેના ઝડપથી અમલીકરણ પર સંપૂર્ણ તાકાત સાથે કામ કરો. દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ પૂરા કરશે, ત્યાં સુધી નવી શિક્ષા નીતિ વ્યાપક રૂપમાં લેટર એન્ડ સ્પિરિટમાં આપણી શિક્ષણ વ્યવસ્થાનો ભાગ બનો. આવો, “વય રાષ્ટ્રે જાગૃયામ પુરોહિતા:” આ ઉદઘોષને સાકાર કરવા માટે એકત્રિત થઈ જઈએ. આવો, આપણે માં ભારતીના વૈભવ માટે, આપણી પ્રત્યેક પ્રતિજ્ઞાને આપણા કર્મો વડે પૂરી કરીએ.

સાથીઓ,

1947 થી લઈને 2047 આઝાદીના 100 વર્ષો થશે, હું લખનઉ યુનિવર્સિટીને આગ્રહ કરીશ, તેના નીતિ નિર્ધારકોને આગ્રહ કરીશ કે પાંચ દિવસ સાત દિવસ જુદી જુદી રીતે ટોળીઓ બનાવીને મંથન કરો અને 2047, જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, ત્યારે લખનઉ યુનિવર્સિટી ક્યાં હશે, ત્યારે લખનઉ યુનિવર્સિટીએ આવનાર 25 વર્ષોમાં દેશને શું આપ્યું હશે, દેશની કઈ એવી જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે લખનઉ યુનિવર્સિટી નેતૃત્વની કમાન સંભાળશે. મોટા સંકલ્પની સાથે, નવા ઉત્સાહની સાથે જ્યારે તમે શતાબ્દી ઉજવી રહ્યા છો તો વિતેલા દિવસોની ગાથાઓ આવનારા દિવસો માટે પ્રેરણા બનવી જોઈએ, આવનારા દિવસો માટે પગદંડી બનવી જોઈએ અને ઝડપી ગતિએ આગળ વધવા માટેની નવી ઉર્જા મળવી જોઈએ.

આ સમારોહ 100ની સ્મૃતિ સુધી સીમિત ના રહે, આ સમારોહ આવનારા આઝાદીના 100 વર્ષ જ્યારે થશે, ત્યાં સુધીના 25 વર્ષના રોડ મેપને સાકાર કરવા માટે બને અને લખનઉ યુનિવર્સિટીના મિજાજમાં એ હોવું જોઈએ કે આપણે 2047 સુધી જ્યારે દેશની આઝાદીના 100 વર્ષો પૂરા થશે, આપણી આ યુનિવર્સિટી દેશને આ આપશે અને કોઈપણ યુનિવર્સિટીનો 25 વર્ષનો કાર્યકાળ દેશની માટે નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે સમર્પિત કરી નાખે છે, કેવા-કેવા પરિણામો મળી શકે છે, તે આજે ગયા 100 વર્ષનો ઇતિહાસ સાક્ષી છે, 100 વર્ષની લખનઉ યુનિવર્સિટીનો બધાનો જે સમય નીકળ્યો છે, જે સિદ્ધિઓ મળી છે તે તેમના સાક્ષી છે અને એટલા માટે હું તમને આજે આગ્રહ કરીશ કે તમે મનમાં 2047નો સંકલ્પ લઈને આઝાદીના 100 વર્ષ સુધી વ્યક્તિના જીવનમાં હું આ આપીશ, યુનિવર્સિટીના રૂપમાં અમે આ આપીશું, દેશને આગળ વધારવા માટે અમારી ભૂમિકા આ રહેશે આ જ સંકલ્પની સાથે તમે આગળ વધો. હું આજે ફરી એકવાર આ શતાબ્દી સમારોહના સમય પર અનેક-અનેક શુભકામનાઓ આપું છું અને તમારી વચ્ચે મને આવવાનો અવસર મળ્યો, હું તમારો ખૂબ-ખૂબ આભારી છું.

આભાર !!    

 

SD/GP/BT

   



(Release ID: 1676024) Visitor Counter : 291