પ્રધાનમંત્રીનું કાર્યાલય

નવી દિલ્હી ખાતે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રાંગણમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 12 NOV 2020 9:05PM by PIB Ahmedabad

હું શરૂઆતમાં જ તમામ નવયુવાનો પાસેથી એક નારો બોલવા માટેનો આગ્રહ કરીશ, તમે જરૂરથી મારી સાથે બોલજો – હું કહીશ, સ્વામી વિવેકાનંદ – તમે કહેજો, અમર રહે, અમર રહે.

સ્વામી વિવેકાનંદ – અમર રહે, અમર રહે. સ્વામી વિવેકાનંદ – અમર રહે, અમર રહે.

દેશના શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકજી, જેએનયુના ઉપ કુલપતિ પ્રોફેસર જગદીશ કુમારજી, પ્રો વાઈસ ચાન્સેલર પ્રોફેસર આર. પી. સિંહજી, આજના આ અવસરને સાકાર કરનાર જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ડૉ. મનોજ કુમારજી, મૂર્તિકાર શ્રી નરેશ કુમાવતજી, જુદા-જુદા સ્થાનો પરથી જોડાયેલા ફેકલ્ટી સભ્યો અને વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા તમામ યુવા સાથીઓ. હું જેએનયુ વહીવટી તંત્ર, તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ મહત્વપૂર્ણ અવસર પર ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

સ્વામી વિવેકાનંદ કહેતા હતા – मूर्ति में आस्‍था का रहस्‍य ये है कि आप उस एक चीज से ‘vision of divinity’ develop करते हैं।મારી અભિલાષા છે કે જેએનયુમાં મૂકવામાં આવેલ સ્વામીજીની આ પ્રતિમા આપ સૌને પ્રેરિત કરે, ઉર્જાથી ભરી દે, જેને સ્વામી વિવેકાનંદ દરેક વ્યક્તિમાં જોવા માંગતા હતા. આ પ્રતિમા તે કરુણાભાવ શીખવાડે, અનુકંપા શીખવાડે, કે જે સ્વામીજીના તત્વજ્ઞાનનો મૂળ આધાર છે.

આ પ્રતિમા આપણને રાષ્ટ્ર પ્રત્યે અગાધ સમર્પણ શીખવાડે, પ્રેમ શીખવાડે, આપણાં દેશ માટે તીવ્ર લાગણી શીખવાડે કે જે સ્વામીજીના જીવનનો સર્વોચ્ચ સંદેશ છે. આ પ્રતિમા દેશને એકતાની દ્રષ્ટિ માટે પ્રેરિત કરે, જે સ્વામીજીના ચિંતનની પ્રેરણા રહી છે. આ પ્રતિમા દેશને યુવા સંચાલિત વિકાસના દ્રષ્ટિકોણ સાથે આગળ વધવા માટે પ્રેરિત કરે, કે જે સ્વામીજીની અપેક્ષા રહી છે. આ પ્રતિમા આપણને સ્વામીજીના સશક્ત સમૃદ્ધ ભારતના સપનાંને સાકાર કરવાની પ્રેરણા આપતી રહે.

સાથીઓ,

આ માત્ર એક પ્રતિમા જ નથી પરંતુ આ એ વિચારની ઊંચાઈનું પ્રતિક છે જેના બળ પર એક સન્યાસીએ સંપૂર્ણ વિશ્વને ભારતનો પરિચય કરાવ્યો હતો. તેમની પાસે વેદાંતનું અગાધ જ્ઞાન હતું. તેમની પાસે એક વિઝન હતું. તેઓ જાણતા હતા કે ભારત દુનિયાને શું આપી શકે છે. તેઓ ભારતના વિશ્વ બંધુત્વના સંદેશને લઈને દુનિયામાં ગયા. ભારતના સાંસ્કૃતિક વૈભવને, વિચારોને, પરંપરાઓને તેમણે વિશ્વની સામે રાખ્યા. ગૌરવપૂર્ણ રીતે પ્રસ્તુત કર્યા.

તમે વિચારી શકો છો કે જ્યારે ચારે બાજુ નિરાશા હતી, હતાશા હતી, ગુલામીના બોજ હેઠળ આપણે બધા દબાયેલા હતા, તે વખતે સ્વામીજીએ અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં કહ્યું હતું, અને આ ગઈ શતાબ્દીના પ્રારંભમાં કહ્યું હતું. તેમણે શું કહ્યું હતું? મિશિગન યુનિવર્સિટીમાં ભારતનો એક સન્યાસી ઘોષણા પણ કરે છે, તત્વજ્ઞાન પણ શીખવાડે છે.

તેઓ કહે છે – આ શતાબ્દી તમારી છે. એટલે કે પાછલી શતાબ્દીના પ્રારંભમાં તેમના આ શબ્દો છે – “આ શતાબ્દી તમારી છે, પરંતુ 21 મી સદી નિશ્ચિતપણે ભારતની જ હશે.” ગઈ શતાબ્દીમાં તેમના આ શબ્દો સાચા પડ્યા છે, આ સદીમાં તેમના શબ્દોને સાચા કરવા એ આપણાં બધાની જવાબદારી છે.

ભારતીયોના તે જ આત્મવિશ્વાસ, તે જ જુસ્સાને આ પ્રતિમાએ સમેટીને રાખ્યો છે. આ પ્રતિમા તે જ્યોતિપૂંજનું દર્શન છે કે જેના ગુલામીના લાંબા કાળખંડમાં પોતાની જાતને, પોતાના સામર્થ્યને, પોતાની ઓળખને ભૂલી રહેલા ભારતને જગાડ્યું હતું, જગાડવાનું કામ કર્યું હતું. ભારતમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો.

સાથીઓ,

આજે દેશ આત્મનિર્ભર ભારતના લક્ષ્ય અને સંકલ્પની સાથે આગળ વધી રહ્યો છે. આજે આત્મનિર્ભર ભારતનો વિચાર 130 કરોડથી વધુ ભારતીયોની સંયુક્ત ચેતનાનો, આપણી મહત્વાકાંક્ષાનો હિસ્સો બની ગયો છે. જ્યારે આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ તો લક્ષ્ય માત્ર શારીરિક અથવા ભૌતિક આત્મ નિર્ભરતા સુધી જ સીમિત નથી રહેતું. આત્મનિર્ભરનો અર્થ પણ વ્યાપક છે, સીમા પણ વ્યાપક છે, તેમાં ઊંડાણ પણ છે, તેમાં ઊંચાઈ પણ છે. આત્મનિર્ભર રાષ્ટ્ર ત્યારે જ બને છે જ્યારે સંસાધનોની સાથે-સાથે વિચારધારા અને સંસ્કારોમાં પણ તે આત્મનિર્ભર બને.

વિદેશમાં એક વાર કોઈએ સ્વામીજીને પૂછ્યું હતું, કે, તમે આવો પહેરવેશ કેમ ધારણ નથી કરતાં જેનાથી તમે જેન્ટલમેન પણ લાગો? તે અંગે સ્વામીજીએ જે જવાબ આપ્યો તે ભારતના આત્મવિશ્વાસ, ભારતના મૂલ્યોના ઊંડાણને દર્શાવે છે. ખૂબ જ વિનમ્રતા સાથે તે સજ્જનને સ્વામીજીએ જવાબ આપ્યો કે – તમારી સંસ્કૃતિમાં એક દરજી જેન્ટલમેન બનાવે છે, પરંતુ અમારી સંસ્કૃતિમાં ચરિત્ર નક્કી કરે છે કે કોણ જેન્ટલમેન છે. આત્મનિર્ભર વિચારધારા અને સંસ્કારોનું નિર્માણ આ કેમ્પસ કરે છે, તમારા જેવા યુવાન સાથીઓ બનાવે છે.

સાથીઓ,

દેશનો યુવાન જ વિશ્વભરમાં બ્રાન્ડ ઈન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર છે. આપણાં યુવા ભારતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલા માટે તમારી પાસેથી અપેક્ષા હજારો વર્ષોથી ચાલતી આવેલી ભારતની પુરાતન ઓળખ પર ગર્વ કરવા માટેની જ નથી પરંતુ 21 મી સદીમાં ભારતની નવી ઓળખ સ્થાપિત કરવાની પણ છે. ભૂતકાળમાં આપણે વિશ્વને શું આપ્યું તે યાદ રાખવું અને તે જણાવવું એ આપણાં આત્મવિશ્વાસને વધારે છે. આ જ આત્મવિશ્વાસના બળ પર આપણે ભવિષ્ય પર કામ કરવાનું છે. ભારત 21 મી સદીમાં વિશ્વમાં શું યોગદાન આપશે તેણી માટે નવીનીકરણ સંશોધન કરવું એ આપણાં બધાની જવાબદારી છે.

સાથીઓ,

આપણાં યુવા સાથીઓ કે જેઓ દેશની નીતિ અને આયોજનની મહત્વની કડી છે, તેમના મનમાં એ પ્રશ્ન જરૂરથી ઊભો થતો હશે કે ભારતની આત્મનિર્ભરતાનો અર્થ શું પોતાનામાં જ રચ્યા પચ્યા રહેવાનો છે, પોતાનામાં જ મગ્ન રહેવાનો છે કે શું? તો તેનો જવાબ પણ આપણને સ્વામી વિવેકાનંદના વિચારોમાં મળશે. સ્વામીજીને એકવાર કોઈએ પૂછ્યું કે શું સંતોએ પોતાના જ દેશ કરતાં બધા દેશોને પોતાના ના માનવા જોઈએ? તેના જવાબમાં સ્વામીજીએ સહજ રીતે જ જવાબ આપ્યો કે જે વ્યક્તિ પોતાની માતાને સ્નેહ અને સહારો ના આપી શકે તે બીજાઓની માતાની ચિંતા કઈ રીતે કરી શકે છે? એટલા માટે આપણી આત્મનિર્ભરતા સંપૂર્ણ માનવતા માટે ભલે છે જ અને આપણે તે કરીને પણ બતાવી રહ્યા છીએ. જ્યારે જ્યારે ભારતનું સામર્થ્ય વધ્યું છે, ત્યારે ત્યારે તેનાથી વિશ્વને લાભ પહોંચ્યો છે. ભારતની આત્મનિર્ભરતામાં “ आत्मवत् सर्व-भूतेषुની ભાવના જોડાયેલી છે, સંપૂર્ણ સંસારના કલ્યાણની વિચારધારા જોડાયેલી છે.

સાથીઓ,

આજે દરેક ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા અભૂતપૂર્વ સુધારા આત્મનિર્ભરતાની ભાવના દ્વારા કરવામાં આવી રહ્યા છે. દેશની જનતાએ વોટના માધ્યમથી આ સુધારાઓને સમર્થન પણ આપ્યું છે. આપ સૌ તો જેએનયુમાં ભારતની સામાજિક અને રાજનૈતિક વ્યવસ્થાનું ગંભીરતા સાથે વિશ્લેષણ કરો છો. તમારાથી વધુ સારું કોણ જાણે છે કે ભારતમાં સુધારાઓને લઈને કેવી કેવી વાતો ચાલતી રહેતી હતી. શું તે સત્ય નથી કે શું ભારતમાં સારા સુધારાઓને ખરાબ રાજકારણ નહોતું માનવામાં આવતું? તો પછી સારા સુધારાઓ સારા રાજકારણમાં કેવી રીતે બદલાઈ ગયા?

તેને લઈને તમે જેએનયુના સાથીઓ જરૂરથી સંશોધન કરજો. પરંતુ અનુભવના આધાર પર હું એક પાસું તમારી સામે જરૂરથી મુકીશ. આજે સિસ્ટમમાં જેટલા પણ સુધારાઓ કરવામાં આવી રહ્યા છે, તેની પાછળ ભારતને દરેક રીતે વધુ સારો બનાવવાનો સંકલ્પ રહેલો છે. આજે થઈ રહેલા સુધારાઓની સાથે નિયત અને નિષ્ઠા પવિત્ર છે. આજે જે સુધારાઓ કરવામાં આવી રહ્યા છે, તેનાથી પહેલા એક સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ક્વચનો સૌથી મોટો આધાર છે – વિશ્વાસ, ભરોસો. હવે જેમ કે ખેડૂતો માટેના સુધારા, તેની જ વાત કરીએ. ખેડૂત દાયકાઓ સુધી માત્ર રાજકીય ચર્ચાનો વિષય જ રહ્યો, જમીન પર તેના હિતમાં લેવામાં આવેલ પગલાઓ મર્યાદિત હતા.

વિતેલા 5-6 વર્ષોમાં અમે ખેડૂતો માટે એક સુરક્ષા તંત્ર વિકસિત કર્યું. સિંચાઇ માટેનું વધુ સારું ઇન્ફ્રાસ્ટ્રકચર હોય, બજારોના આધુનિકીકરણ માટે રોકાણ હોય, યુરિયાની ઉપલબ્ધતા હોય, સોઇલ હેલ્થ કાર્ડ હોય, વધુ સારા બિયારણ હોય, પાક વીમો હોય, ખર્ચના દોઢ ગણા લઘુત્તમ ટેકાના ભાવ હોય, ઓનલાઈન માર્કેટની વ્યવસ્થા ઇ-નામ હોય, અને પીએમ સમ્માન નિધિ વડે સીધી મદદ હોય. વિતેલા વર્ષોમાં લઘુત્તમ ટેકાના ભાવોને પણ અનેક વખત વધારવામાં આવ્યો છે અને ખેડૂતો પાસેથી રેકોર્ડ ખરીદી પણ કરવામાં આવી છે. ખેડૂતોની આસપાસ જ્યારે આ સુરક્ષા કવચ બની ગયું, જ્યારે તેમની અંદર વિશ્વાસ ઉત્પન્ન થયો ત્યારે જઈને કૃષિ સુધારાઓને અમે આગળ વધાર્યા છે.

પહેલા ખેડૂતોની અપેક્ષાઓ પર કામ કરવામાં આવ્યું અને હવે ખેડૂતોની આકાંક્ષાઓની પૂર્તિ માટે કામ કરવામાં આવી રહ્યું છે. હવે ખેડૂતોને પરંપરાગત સાધનો કરતાં વધુ વિકલ્પ બજારોમાં મળી રહ્યા છે. જ્યારે વિકલ્પ વધુ મળે છે, તો ખરીદનારાઓમાં સ્પર્ધા પણ વધી રહી છે, જેનો સીધો લાભ ખેડૂતને મળવાનો છે. સુધારાઓને કારણે હવે ખેડૂત ઉત્પાદક સંઘ એટલે કે એફપીઓના માધ્યમથી ખેડૂતો માટે સીધા નિકાસકાર બનવાનો રસ્તો પણ સાફ થયો છે.

સાથીઓ,

ખેડૂતોની સાથે-સાથે ગરીબોના હિતમાં કરવામાં આવેલ સુધારાઓના મામલામાં પણ આ જ રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. આપણે ત્યાં લાંબા સમય સુધી ગરીબોને માત્ર નારાઓમાં જ રાખવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિકતા તો એ હતી કે દેશના ગરીબને ક્યારેય સિસ્ટમ સાથે જોડવાની મહેનત જ નથી થઈ. જે લોકો સૌથી વધુ તરછોડાયેલા હતા તે ગરીબો હતા. જે સૌથી વધુ નાણાકીય વંચીતો હતા તે ગરીબો હતા. હવે ગરીબોનું પોતાનું પાકું ઘર, શૌચાલય, વીજળી, ગેસ, સ્વચ્છ પીવાનું પાણી, ડિજિટલ બેંકિંગ, સસ્તી મોબાઈલ કનેક્ટિવિટી અને ઝડપી ઈન્ટરનેટ જોડાણની સુવિધા જેવી અન્ય નાગરિકોને મળી રહી છે, તે ગરીબો સુધી પણ પહોંચી રહી છે. આ ગરીબની આસપાસ ગૂંથવામાં આવેલ સુરક્ષા કવચ છે, જે તેણી આકાંક્ષાઓની ઉડાન ભરવા માટે જરૂરી છે.

સાથીઓ,

એક બીજો સુધારો કે જે તમને સીધો જેએનયુ જેવા દેશના કેમ્પસને અસરગ્રસ્ત કરે છે તે છે નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ. આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કેંદ્રસ્થ મૂલ્યો જ આત્મવિશ્વાસ, માન્યતા અને ચરિત્રથી ભરેલા યુવા ભારતનું નિર્માણ કરવાના છે. આ જ સ્વામીજીનું પણ વિઝન હતું. તેઓ ઇચ્છતા હતા કે ભારતમાં એવી શિક્ષણ વ્યવસ્થા હોય કે જે આત્મવિશ્વાસ આપે, તેને દરેક પ્રકારે આત્મનિર્ભર બનાવે.

જીવનના બે અઢી દાયકા પછી યુવા સાથીઓને જે ભરોસો મળે છે, તે શાળાકીય જીવનની શરૂઆતમાં જ કેમ ના મળે? પુસ્તકિયા જ્ઞાન સુધી, પ્રવાહોની મર્યાદા સુધી, માર્ક શીટ, ડિગ્રી, ડિપ્લોમા સુધી જ યુવા ઉર્જાને શા માટે બાંધીને રાખવામાં આવે? નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું લક્ષ્ય એ બાબત ઉપર સૌથી વધુ છે. સમાવેશિતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મૂળમાં છે. ભાષા માત્ર એક માધ્યમ છે, જ્ઞાનનો માપદંડ નથી, તે જ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભાવના છે. ગરીબમાં ગરીબે, દેશની દીકરીઓને, તેમની જરૂરિયાતોને, તેમની સુવિધા અનુસાર વધુ સારું શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર મળે, તે બાબતની આમાં ખાતરી કરવામાં આવી છે.

સાથીઓ,

સુધારાનો નિર્ણય કરવો એ જ પોતાનામાં પૂરતું નથી હોતું. તેને જે રીતે આપણે આપણાં જીવનમાં ઊતરીએ છીએ તે સૌથી વધુ મહત્વનું હોય છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વડે આપણી શિક્ષણ વ્યવસ્થામાં સાર્થક બદલાવ પણ ત્યારે જ ઝડપથી આવશે, જ્યારે આપણે, તમે બધા જ સાથીઓ ઇમાનદારી સાથે પ્રયાસ કરીશું. ખાસ કરીને આપણા શિક્ષક વર્ગ, બુદ્ધિજીવી વર્ગ પર તેની સૌથી વધુ જવાબદારી છે. આમ તો સાથીઓ, જેએનયુના આ કેમ્પસમાં એક ખૂબ જ લોકપ્રિય જગ્યા છે. કઈ જગ્યા છે તે? સાબરમતી ઢાબો? છે ને? અને ત્યાં આગળ કેટલાના ખાતા ચાલી રહ્યા છે? મેં સાંભળ્યું છે કે તમે લોકો ક્લાસ પત્યા પછી આ ઢાબા પર જાવ છો અને ચા પરોઠાની સાથે ચર્ચાઓ કરો છો, વિચારોનું આદાનપ્રદાન કરો છો. જો કે પેટ ભરાયેલું હોય તો ચર્ચા કરવામાં પણ મજા આવે છે. અત્યાર સુધી તમારા વિચારોની, ચર્ચાઓની, સંવાદોની જે ભૂખ સાબરમતી ઢાબામાં સંતોષાતી હતી, હવે તમારી માટે સ્વામીજીની આ પ્રતિમાની છત્રછાયામાં એક બીજી જગ્યા પણ મળી ગઈ છે.

સાથીઓ,

કોઈ એક વાત કે જેણે આપણાં દેશની લોકશાહી વ્યવસ્થાને ઘણું મોટું નુકસાન પહોંચાડ્યું છે- તે છે રાષ્ટ્રહિત કરતાં વધુ પ્રાથમિકતા પોતાની વિચારધારાને આપવી. કારણ કે મારી વિચારધારા આવું કહે છે, એટલા માટે દેશહિતની બાબતોમાં પણ હું આ જ વિચારધારા વડે વિચારીશ, આ જ સીમામાં કામ કરીશ, એ રસ્તો સાચો નથી મિત્રો, તે ખોટો છે. આજે દરેક વ્યક્તિ પોતાની વિચારધારા માટે ગર્વ કરે છે. તે સ્વાભાવિક પણ છે. પરંતુ તેમ છતાં, આપણી વિચારધારા રાષ્ટ્રહિતના વિષયોમાં, રાષ્ટ્ર સાથે જોવા મળવી જોઈએ, રાષ્ટ્રની વિરુદ્ધમાં ક્યારેય નહિ.

તમે દેશના ઇતિહાસમાં પણ જુઓ, જ્યારે-જ્યારે દેશની સામે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવી છે, દરેક વિચાર, દરેક વિચારધારાના લોકો રાષ્ટ્રહિત માટે સાથે મળીને આગળ આવ્યા છે. આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં પ્રત્યેક વિચારધારાના લોકો સાથે મળીને આવ્યા હતા. તેમણે દેશની માટે એક સાથે મળીને સંઘર્ષ કર્યો હતો.

એવું નહોતું કે બાપુના નેતૃત્વમાં કોઈ વ્યક્તિને પોતાની વિચારધારા છોડવી પડી હતી. તે સમયે પરિસ્થિતિ એવી હતી, એટલે દરેક વ્યક્તિએ દેશની માટે એક સામાન્ય ઉદ્દેશ્યને પ્રાથમિકતા આપી હતી. હવે કટોકટીને યાદ કરો, કટોકટી દરમિયાન પણ દેશે આ જ એકતાનું પ્રદર્શન કર્યું હતું. અને મને તો તે આંદોલનનો ભાગ બનવાનું સૌભાગ્ય પણ મળ્યું હતું, મેં બધી જ વસ્તુઓને જાતે જોઈ હતી, અનુભવ કર્યો હતો, હું પ્રત્યક્ષ સાક્ષી છું.

કટોકટી વિરુદ્ધ તે આંદોલનમાં કોંગ્રેસના પૂર્વ નેતા અને કાર્યકર્તાઓ પણ હતા. આરએસએસના સ્વયં સેવકો અને જનસંઘના લોકો પણ હતા. સમાજવાદી લોકો પણ હતા. સામ્યવાદીઓ પણ હતા. જેએનયુ સાથે જોડાયેલા કેટલાય લોકો હતા જેમણે એક સાથે આગળ આવીને કટોકટી વિરુદ્ધ સંઘર્ષ કર્યો હતો. આ એકતામાં, આ લડાઈમાં પણ કોઈને પોતાની વિચારધારા સાથે સમજૂતી નહોતી કરવી પડી. માત્ર ઉદ્દેશ્ય એક જ હતો – રાષ્ટ્રહિત. અને આ ઉદ્દેશ્ય જ સૌથી મોટો હતો. એટલા માટે સાથીઓ, જ્યારે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રહિતનો પ્રશ્ન હોય તો પોતાની વિચારધારાના બોજ હેઠળ દબાઈને નિર્ણય લેવાથી દેશનું નુકસાન જ થાય છે.

હા, હું માનું છું કે સ્વાર્થ માટે, અવસરવાદ માટે પોતાની વિચારધારા સાથે સમજૂતી કરવી એ પણ એટલી જ ખોટી વસ્તુ છે. આ માહિતી યુગમાં, હવે આ પ્રકારનો અવસરવાદ સફળ નથી થતો, અને આપણે તે થતો જોઈ રહ્યા છીએ. આપણે અવસરવાદથી દૂર, પરંતુ એક સ્વસ્થ સંવાદને લોકશાહીમાં જીવિત રાખવાનો છે.

સાથીઓ,

તમારે ત્યાં તો તમારી હૉસ્ટેલના નામ પણ ગંગા, સાબરમતી, ગોદાવરી, તાપી, કાવેરી, નર્મદા, ઝેલમ, સતલુજ જેવી નદીઓના નામ પરથી છે. આ નદીઓની જેમ જ તમે બધા પણ દેશના જુદા જુદા ભાગોમાંથી આવો છો, જુદા જુદા વિચારો લઈને આવો છો, અને અહિયાં મળો છો. વિચારોના આ આદાનપ્રદાનને, નવા નવા વિચારોના આ પ્રવાહને અવિરત જાળવી રાખવાનો છે, ક્યારેય સુકાવા નથી દેવાનો. આપણો દેશ એક એવી મહાન ભૂમિ છે જ્યાં જુદી જુદી બૌદ્ધિક વિચારધારાઓના બીજ અંકુરિત થતાં રહે છે, વિકસિત થતાં રહ્યા છે અને ઊગતા પણ રહ્યા છે. આ પરંપરાને મજબૂત કરવી એ તમારા જેવા યુવાનો માટે તો ખાસ કરીને ખૂબ જરૂરી છે. આ જ પરંપરાના કારણે ભારત દુનિયાનું સૌથી ગતિશીલ લોકતંત્ર છે.

હું ઈચ્છું છું કે આપણાં દેશનો યુવાન ક્યારેય પણ કોઈપણ સ્ટેટ્સ ક્વોને સાવ એમ જ સ્વીકાર ના કરી લે. કોઈ એક કહી રહ્યું છે, એટલા માટે સાચું મની લો, એવું ના હોવું જોઈએ. તમે તર્ક કરો, વાદ કરો, વિવાદ કરો, સ્વસ્થ ચર્ચા કરો, મનન મંથન કરો, સંવાદ કરો અને પછી કોઈ પરિણામ પર પહોંચો.

સ્વામી વિવેકાનંદજીએ ક્યારેય પણ કોઈ સ્ટેટ્સ ક્વોનો સ્વીકાર નહોતો કર્યો. અને હા, એક બાબત જેની ઉપર હું ખાસ કરીને વાત કરવા માંગુ છું અને તે છે – રમૂજ, એકબીજા સાથે હસી મજાક. આ બહુ મોટું લુબ્રિકેટીંગ બળ છે. પોતાની અંદર રમૂજના જુસ્સાને જરૂર જીવંત રાખજો. ક્યારેક ક્યારેક તો હું કેટલાય નવયુવાનોને જોઉ છું જાણે એટલા મોટા બોજ હેઠળ દબાયેલા હોય છે કે જાણે આખી દુનિયાનો બોજ તેના માથા ઉપર જ હોય. ઘણીવાર આપણે આપણી કેમ્પસ લાઈફમાં અભ્યાસ વખતે, કેમ્પસ રાજકારણમાં રમૂજને ભૂલી જ જતાં હોઈએ છીએ. એટલા માટે આપણે તેને બચાવીને રાખવાની છે, પોતાની રમૂજ વૃત્તિને ખોવા નથી દેવાની.

યુવા સાથીઓ, વિદ્યાર્થી જીવન પોતાની જાતને ઓળખવા માટે એક ઘણો સારો અવસર હોય છે. પોતાની જાતને ઓળખવી એ જીવનની બહુ જરૂરી જરૂરિયાત પણ હોય છે. હું ઈચ્છું છું કે તેનો ભરપૂર ઉપયોગ કરો. જેએનયુ કેમ્પસમાં મૂકવામાં આવેલી સ્વામીજીની આ પ્રતિમા રાષ્ટ્ર નિર્માણ, રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્ર જાગરણ પ્રત્યે અહિયાં આવનાર પ્રત્યેક યુવાનને પ્રેરિત કરતી રહે. એ જ કામના સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ!

તમે બધા સફળ થાવ, સ્વસ્થ રહો. આવનાર દિવસોના ઉત્સવોને ધામધૂમથી ઉજવો. તમારા સ્નેહીજનો અહિયાં જ રહે છે તો તેમને પણ એવો સંતોષ થાય કે તમે પણ દિવાળીના માહોલમાં એ જ ખુશી મિજાજ વડે કામ કરી રહ્યા છો. આ અપેક્ષા સાથે મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.

ખૂબ ખૂબ આભાર !

 

SD/GP/BT


(Release ID: 1672597) Visitor Counter : 367