પ્રધાનમંત્રીનું કાર્યાલય

રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 08 AUG 2020 6:01PM by PIB Ahmedabad

આજનો દિવસ બહુ ઐતિહાસિક છે. દેશની આઝાદીમાં આજની તારીખ એટલે કે, 8 ઓગસ્ટનું બહુ મોટું અને અવિસ્મરણીય યોગદાન છે. આજના દિવસે જ વર્ષ 1942માં ગાંધીજીના નેતૃત્વમાં આઝાદી માટે એક વિરાટ જનઆંદોલન શરૂ થયું હતું. જનતા ‘ભારત છોડોના સૂત્ર સાથે અંગ્રેજોને ભારતમાંથી ચાલ્યાં જવા એક આંદોલન શરૂ કર્યું હતું. આ ઐતિહાસિક દિવસ પર રાજઘાટની નજીક રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું લોકાર્પણ કરવું અતિ પ્રાસંગિક કે પ્રસ્તુત છે. આ કેન્દ્ર બાપૂના સ્વચ્છાગ્રહ પ્રત્યે 130 કરોડ ભારતીયોની શ્રદ્ધાંજલિ છે, ખરાં અર્થમાં કાર્યાંજલિ છે.

સાથીઓ,

પૂજ્ય બાપૂ, સ્વચ્છતામાં સ્વરાજના દર્શન કરતા હતા. તેઓ સ્વરાજના સ્વપ્નને સાકાર કરવાનો એક માર્ગ સ્વચ્છતાને પણ માનતા હતા. તેઓ સ્વરાજ સાથે સંબંધિત વિવિધ ઉદ્દેશોમાં એક ઉદ્દેશ તરીકે સ્વચ્છતાને પણ માનતા હતા. મને સંતોષ છે કે, સ્વચ્છતા પ્રત્યે બાપૂના આગ્રહને સમર્પિત એક આધુનિક સ્મારકનું નામ હવે રાજઘાટ સાથે જોડાઈ ગયા છે.

સાથીઓ,

રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર ગાંધીજીના સ્વચ્છાગ્રહ અને આ માટે સમર્પિત કરોડો ભારતીયોના વિરાટ સંકલ્પના સમન્વય સમાન છે. થોડા સમય અગાઉ જ્યારે હું આ કેન્દ્રની અંદર હતો, ત્યારે કરોડો ભારતીયોના પ્રયાસોનાં સંકલનને જોઈને મેં મનોમન તેમને નમન કર્યા. 6 વર્ષ અગાઉ લાલ કિલ્લા પરથી શરૂ થયેલી સફરની એક-એક ક્ષણનું ચિત્ર મારા સ્મૃતિપટ પર તાજું થયું.

દેશના ખૂણેખૂણામાં જે રીતે કરોડો સાથીઓએ દરેક મર્યાદા, દરેક નિયંત્રણને તોડીને એકજૂથ થઈને એક સ્વરમાં સ્વચ્છ ભારત અભિયાનને અપનાવ્યું છે, એનું સંકલન આ કેન્દ્રમાં થયું છે, એનું પ્રતિબિંબ આ કેન્દ્રમાં વ્યક્ત થાય છે. આ કેન્દ્રમાં સત્યાગ્રહની પ્રેરણાથી સ્વચ્છાગ્રહની આપણી સફરને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી દર્શાવવામાં આવ્યું છે, પ્રદર્શિત કરવામાં આવ્યું છે. મેં એ પણ જોયું કે, અહીં બાળકોમાં સ્વચ્છતા રોબો અહીં આવેલા બાળકોમાં અતિ લોકપ્રિય છે. તેઓ એની સાથે મિત્રની જેમ વાત કરતા હતા. સ્વચ્છતાના મૂલ્યો સાથે આ જોડાણ, આ લગાવ, દેશ-દુનિયામાંથી અહીં આવતા દરેક સાથીદાર હવે અનુભવ કરશે અને ભારતની એક નવી તસ્વીર, નવી પ્રેરણા લઈને જશે.

સાથીઓ,

હાલ દુનિયામાં જે પ્રકારના સ્થિતિસંજોગો છે, એમાં ગાંધીજી સૌથી વધુ પ્રસ્તુત છે, ગાંધીજી સૌથી મોટી પ્રેરણામૂર્તિ છે. ગાંધીજીના વિચારો હાલ સૌથી વધુ પ્રાસંગિક છે. ગાંધીજીના જીવન અને દર્શનને અપનાવવા માટે આખી દુનિયા આગળ આવી રહી છે. ગયા વર્ષે જ્યારે આખી દુનિયામાં ગાંધીજીની 150મી જન્મજયંતિને ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી, એ અભૂતપૂર્વ હતું. ગાંધીજીના પ્રિય ગીત ‘વૈષ્ણવ જન તો તેને કહીએને અનેક દેશોના ગીતકારો, સંગીતકારોએ ગાયું. ભારતીય ભાષાના આ ગીતને બહુ સુંદર રીતે સૂર આપીને આ લોકોએ એક નવો રેકોર્ડ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં વિશેષ આયોજનથી લઈને દુનિયાના મોટા-મોટા દેશોમાં ગાંધીજીના ઉપદેશો અને આદર્શોને યાદ કરવામાં આવ્યાં. આવું લાગતું હતું કે, જાણે ગાંધીજીએ આખા વિશ્વને એકતાંતણે બાંધી દીધું છે. આખું જગત જાણે ગાંધીવિચાર સ્વરૂપે એકબીજા સાથે જોડાઈ ગયું છે.

સાથીઓ,

ગાંધીજીની સ્વીકાર્યતા અને લોકપ્રિયતા દેશ, કાળ અને સ્થિતિસંજોગોથી પર છે. એનું એક મોટું કારણ છે. ગાંધીજી સામાન્ય માધ્યમોથી અભૂતપૂર્વ પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતા હતા. દુનિયામાં કોઈ વિચારી શકતું હતું કે, જે સત્તાનો સૂર્ય ક્યારેય આથમતો નથી એવું કહેવાતું હતું, એ શક્તિશાળી અંગ્રેજોની ગુલામીની બેડીઓમાંથી મુક્ત થવાનો માર્ગ સ્વચ્છતામાંથી પણ મળી શકે છે?

ગાંધીજીએ આ વિશે વિચાર્યું. એટલું જ નહીં દેશમાં આઝાદી લાવવાની સાથે લોકોને સ્વચ્છતા લાવવા માટે જાગૃત પણ કર્યા. તેમણે સ્વચ્છતાને એક જનઆંદોલન બનાવી દીધું હતું.

સાથીઓ,

ગાંધીજી કહેતા હતા કે – “સ્વરાજ ફક્ત સાહસિકો અને સ્વચ્છ જનતા જ મેળવી શકે.

સ્વચ્છતા અને સ્વરાજ વચ્ચેના સંબંધને લઈને ગાંધીજી આશ્વસ્ત હતા, કારણ કે તેઓ માનતા હતા કે, જો ગંદકીથી સૌથી વધુ નુકસાન કોઈને થતું હોય, તો એ ગરીબોને થાય છે. ગંદકી ગરીબો માટે અભિશાપરૂપ છે. ગંદકી, ગરીબોની તાકાત છીનવી લે છે – શારીરિક અને માનસિક એમ બંને પ્રકારની તાકાત. ગાંધીજી જાણતા હતા કે, જ્યાં સુધી ભારતમાં ગંદકી રહેશે, ત્યાં સુધી ભારતીયોમાં આત્મવિશ્વાસ પેદા નહીં થાય. અને જ્યાં સુધી જનતામાં આત્મવિશ્વાસ પેદા નહીં થાય, ત્યાં સુધી તે આઝાદીની લડતમાં સામેલ કેવી રીતે થઈ શકે?

એટલે દક્ષિણ આફ્રિકાથી લઈને ચંપારણ અને સાબરમતી આશ્રમ સુધી, તેમણે સ્વચ્છતાને જ પોતાના આંદોલનનું મોટું માધ્યમ બનાવ્યું.

સાથીઓ,

મને સંતોષ છે કે, ગાંધીજીની પ્રેરણાથી છેલ્લાં થોડાં વર્ષોમાં દેશના ખૂણે-ખૂણે લાખો સ્વચ્છાગ્રહીઓએ સ્વચ્છ ભારત અભિયાનને પોતાના જીવનનું લક્ષ્યાંક બનાવી દીધું છે. આ જ કારણે 60 મહિનામાં લગભગ 60 કરોડ ભારતીય શૌચાલયની સુવિધા સાથે જોડાઈ ગયા, આત્મવિશ્વાસ સાથે જોડાઈ ગયા.

આ જ કારણે દેશની માતા અને બહેનોને સમ્માન, સુરક્ષા અને સુવિધા મળી છે. આ જ કારણે દેશની લાખો દિકરીઓને કોઈ પણ પ્રકારના અવરોધ વિના શિક્ષણ મેળવવાની સુવિધા સુલભ થઈ છે. આ જ કારણે લાખો ગરીબ બાળકોને બિમારીઓથી બચવાનો ઉપાય મળ્યો છે. આ જ કારણે દેશના કરોડો દલિતો, વંચિતો, પીડિતો, શોષિતો, આદિવાસીઓને સમાનતાનો વિશ્વાસ મળ્યો.

સાથીઓ,

સ્વચ્છ ભારત અભિયાને દરેક દેશવાસીની અંદર આત્મવિશ્વાસ જગાવ્યો છે અને આત્મબળને વધાર્યું છે. પણ આનો સૌથી મોટો લાભ દેશના ગરીબોના જીવન પર જોવા મળી રહ્યો છે. સ્વચ્છ ભારત અભિયાન સાથે આપણી સામાજિક ચેતના, સમાજ સ્વરૂપે આપણા આચાર-વિચારમાં કાયમી પરિવર્તન આવ્યું છે. વારંવાર હાથ ધોવાની વાત હોય, ગમે ત્યાં થૂંકવાની આદતમાં છૂટકારો મેળવવાની વાત હોય, કચરાને યોગ્ય જગ્યાએ ફેંકવાની વાત હોય – આ તમામ વાતો સ્વાભાવિક રીતે બહુ ઝડપથી સામાન્ય ભારતીય સુધી અમે પહોંચાડી શક્યા છીએ. દરેક તરફ ગંદકી જોઈને પણ પેટનું પાણી ન હલવું – આ માનસિકતામાંથી દેશ બહાર આવી રહ્યો છે. હવે ઘર હોય કે માર્ગ હોય – ગંદકી ફેલાવનારને એક વાર ટોકવામાં આવે છે. અને આ કામ સૌથી સારી રીતે કોણ કરે છે?

આપણા બાળકો, આપણા કિશોરો, આપણા યુવાનો.

સાથીઓ,

દેશના દરેક બાળકોમાં અંગત અને સામાજિક સ્વચ્છતાને લઈને જે ચેતના પેદા થઈ છે, એનો બહુ મોટો લાભ કોરોના વિરૂદ્ધ લડાઈમાં પણ આપણને મળી રહ્યો છે.  

તમે વિચાર કરો, જો કોરોના જેવો રોગચાળો વર્ષ 2014 અગાઉ આવ્યો હોત, તો શું સ્થિતિ હોત?

શૌચાલયના અભાવમાં આપણે સંક્રમણની ગતિને ઓછી કરી શક્યાં હોત?

જ્યારે ભારતની 60 ટકા વસ્તી ખુલ્લામાં શૌચ માટે મજબૂર હોત, તો લોકડાઉન જેવી વ્યવસ્થાનો અમલ કરાવવો કે કરવો શક્ય હોત?

સ્વચ્છાગ્રહે કોરોના સામે લડાઈમાં આપણને બહુ મોટી મદદ કરી છે, એક માધ્યમ પૂરું પાડ્યું છે.

સાથીઓ,

સ્વચ્છતાનું અભિયાન એક સફર છે, જે નિરંતર જળવાઈ રહેશે.

ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ મળ્યા પછી હવે આપણી જવાબદારી વધી ગઈ છે.

દેશને ODF બનાવ્યા પછી હવે ODF plus બનાવવાના લક્ષ્યાંક પર કામ ચાલી રહ્યું છે.

હવે આપણે શહેર હોય કે ગામ, કચરાના મેનેજમેન્ટને વધારે સારું બનાવવાનું છે.

આપણે કચરાને કંચન બનાવવાનું કામ ઝડપથી કરવાનું છે.

આ સંકલ્પ માટે આજે ભારત છોડો આંદોલનથી વધારે સારો દિવસ બીજો કયો હોઈ શકે?

સાથીઓ,

દેશને નબળી પાડતી બુરાઈઓને ભારતમાં છોડવાનું આહવાન – આનાથી વધારે સારું કાર્ય બીજું શું હોય.

આ જ વિચાર સાથે છેલ્લાં 6 વર્ષમાં દેશમાં એક વ્યાપક ભારત છોડો અભિયાન ચાલી રહ્યું છે.

ગરીબી – ભારત છોડો!

ખુલ્લામાં શૌચની મજબૂરી ભારત છોડો!

પાણી માટે ઠેરઠેર ભટકવાની મજબૂરી - ભારત છોડો!

સિંગલ યૂઝ પ્લાસ્ટિક - ભારત છોડો!

ભેદભાવની પ્રવૃત્તિ - ભારત છોડો!

ભ્રષ્ટાચારની ગેરરીતિ - ભારત છોડો!

આતંક અને હિંસા - ભારત છોડો!

સાથીઓ,

ભારત છોડોના આ તમામ સંકલ્પ સ્વરાજ સાથે સુરાજની ભાવનાને સુસંગત છે.

આ જ કડીમાં આજે આપણે તમામને ગંદકી ભારત છોડોનો સંકલ્પ લેવાની અપીલ કરી છે.

આવો,

આજથી 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ સુધી દેશમાં એક સપ્તાહ લાંબું અભિયાન ચલાવીએ.

સ્વરાજના સન્માનનું સપ્તાહ એટલ કે ગંદકી ભારત છોડો સપ્તાહ.

હું દરેક જિલ્લાના જવાબદાર અધિકારીઓને આગ્રહ સાથે કહું છું કે, આ સપ્તાહમાં પોતપોતાના જિલ્લાના તમામ ગામડાઓમાં સામુદાયિક શૌચાલયો બનાવવાની, એનું સમારકામ ચલાવવાનું અભિયાન ચલાવો.

જ્યાં બીજા રાજ્યોના શ્રમિક સાથીઓ રહે છે, એ જગ્યાઓને પ્રાથમિકતા આપો.

આ જ રીતે ગંદકીથી કમ્પોસ્ટ બનાવવાનું કામ હોય, ગોબરધન હોય, પાણીનું રિસાઇકલિંગ હોય, સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ હોય – આ તમામ માટે આપણે ખભેખભો મિલાવીને કામ કરવાનું છે, આગળ વધવાનું છે.

સાથીઓ,

જેમ ગંગાની નિર્મળતાને લઈને આપણને ઉત્સાહજનક પરિણામો મળી રહ્યાં છે, તેમ દેશની બીજી નદીઓને પણ આપણે ગંદકીથી મુક્ત કરાવવાની છે.

અહીં પાસે યમુનાજી વહી રહ્યાં છે.

યમુનાજીને ગંદા નાળાઓથી મુક્ત કરાવવાના અભિયાનને આપણે વેગ આપવાનો છે.

આ માટે યમુનાજીની આસપાસ વસેલા દરેક ગામડા, દરેક શહેરમાં રહેતા સાથીઓ નો સાથ અને સહયોગ બહુ જરૂરી છે.

અને હા,

આ કામ કરતા સમયે દો ગજ કી દૂર, માસ્ક હૈ જરૂરી – આ નિયમને ભૂલવાનો નથી.

કોરોનાવાયરસ આપણા મુખ અને નાકના માર્ગેથી પણ ફેલાય છે અને ફૂલેફાલે પણ છે.

આ સમયમાં માસ્ક, અંતર અને જાહેર સ્થાનો પર ન થૂકવાના નિયમનું કડકપણે પાલન કરવાનું છે.

પોતાને સુરક્ષિત રાખીને આ વ્યાપક અભિયાનને આપણે બધા સફળ બનાવીશું, આ જ વિશ્વાસ સાથે એક વાર ફરી રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર માટે ખૂબ ખૂબ શુભકામના !!

ધન્યવાદ !!!

 

SD/GP/BT



(Release ID: 1644487) Visitor Counter : 1012