પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઇન્ડિયા આઈડિયાઝ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું સંબોધન


મજબૂત સ્થાનિક આર્થિક ક્ષમતાઓથી વૈશ્વિક આર્થિક સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત થઇ શકે છે: પ્રધાનમંત્રી

‘આત્મનિર્ભર ભારત’ના આહ્વાન સાથે ભારત સમૃદ્ધ અને સ્થિતિસ્થાપક વિશ્વની દિશામાં યોગદાન આપી રહ્યું છે: પ્રધાનમંત્રી

ભારતમાં રોકાણ કરવા માટે અભૂતપૂર્વ બહેતર સમય છે: પ્રધાનમંત્રી

ભારત તકોની ભૂમિ તરીકે ઉભરી રહ્યું છે: પ્રધાનમંત્રી

ભારત-અમેરિકાની ભાગીદારી મહામારી પછી દુનિયાને ઝડપથી બેઠાં થવા માટે મદદરૂપ થવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે: પ્રધાનમંત્રી

Posted On: 22 JUL 2020 9:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડિયા આઈડિયાઝ શિખર સંમેલનમાં સંબોધન આપ્યું હતું. અમેરિકા-ભારત વ્યવસાય પરિષદ (USIBC) દ્વારા આ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સંમેલનની થીમ ‘બહેતર ભવિષ્યનું નિર્માણ’ રાખવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ આ વર્ષે USIBCની 45મી વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા. ભારત- અમેરિકા વચ્ચેની ભાગીદારીને આગળ વધારવા માટે USIBCના નેતૃત્વની પ્રતિબદ્ધતા બદલ પ્રધાનમંત્રીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

મજબૂત સ્થાનિક આર્થિક ક્ષમતાઓ દ્વારા વૈશ્વિક આર્થિક સ્થિતિસ્થાપકતા

પ્રધાનમંત્રીએ વિકાસના એજન્ડામાં ગરીબો અને નિઃસહાય લોકોને કેન્દ્ર સ્થાને રાખવાની જરૂરિયાત અંગે વાત કરી હતી. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, ‘ઇઝ ઓફ લિવિંગ’ (સરળ જીવન)નું મહત્વ ‘ઇઝ ઓફ બિઝનેસ’ (સરળ વ્યવસાય) જેટલું જ છે. તેમણે કહ્યું કે, આ મહામારીએ આપણને બાહ્ય આંચકાઓ સામે વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાના મહત્વની યાદ અપાવી છે, જે મજબૂત સ્થાનિક આર્થિક ક્ષમતાઓથી પ્રાપ્ત કરી શકાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત પોતાના ‘આત્મનિર્ભર ભારત’ આહ્વાન દ્વારા સમૃદ્ધ અને લવચિક વિશ્વની દિશામાં યોગદાન આપી રહ્યું છે.

ભારત નિખાલસતા, તકો અને વિકલ્પોનું સચોટ સંયોજન આપે છે

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત પ્રત્યે વૈશ્વિક આશાવાદ છે કારણ કે, તે ઓપનનેસ, ઓપર્ચ્યુનિટી અને ઓપ્શન્સ (નિખાલસતા, તકો અને વિકલ્પો)નું એકદમ સચોટ સંયોજન આપે છે. તેમણે ટાંક્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં, અમારા અર્થતંત્રને વધુ નિખાલસ અને સુધારાલક્ષી બનાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે અને ઉમેર્યું હતું કે, સુધારાના કારણે સ્પર્ધાત્મકતા, વધુ પારદર્શકતા, ડિજિટાઇઝેશનનું વિસ્તરણ, મોટા ઇનોવેશન અને વધુ નીતિગત સ્થિરતા સુનિશ્ચિત થયા છે.

તાજેતરના અહેવાલનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શહેરોમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા વધારે છે. ભારતને તકોની ભૂમિ તરીકે ગણાવતા, તેમણે કહ્યું હતું કે, દેશમાં હાલમાં અંદાજે અડધો અબજ જેટલા સક્રિય ઇન્ટરનેટ વપરાશકર્તા છે, જ્યારે અડધો અબજથી વધારે લોકો એકબીજાથી કનેક્ટેડ છે. તેમણે 5G, મોટા ડેટા એનાલિટિક્સ, ક્વૉટમ કમ્પ્યૂટિંગ, બ્લૉક-ચેઇન અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની અગ્રીમ ટેકનોલોજીમાં રહેલી તકોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તમામ ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે વ્યાપક તકો

પ્રધાનમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે વ્યાપક તકો ઉપલબ્ધ છે. તેમણે કૃષિ ક્ષેત્રમાં તાજેતરમાં કરવામાં આવેલા ઐતિહાસિક સુધારાઓ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, કૃષિ ઇનપુટ અને મશીનરી, કૃષિ પૂરવઠા સાંકળ, ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર, મત્સ્ય ઉદ્યોગ અને ઓર્ગેનિક ઉત્પાદનો સહિત સંખ્યાબંધ ક્ષેત્રોમાં રોકાણ માટે તકો સમાયેલી છે. ભારતમાં આરોગ્ય સંભાળ ક્ષેત્ર દર વર્ષે 22%ના દરે વિકાસ પામી રહ્યું છે અને મેડિકલ- ટેકનોલોજી, ટેલિ-મેડિસિન તેમજ નિદાનના ઉત્પાદન ક્ષેત્રે ભારતીય કંપનીઓની પ્રગતિનો તેનો ઉલ્લેખ કરીને, તેમણે કહ્યું હતું કે, ભારતીય આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં રોકાણની પાંખો ફેલાવવા માટે અત્યારે સૌથી શ્રેષ્ઠ સમય છે.

પ્રધાનમંત્રીએ કેટલાક અન્ય એવા ક્ષેત્રોનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં રોકાણ કરવા માટે પ્રચંડ તકો છે જેમ કે, ઉર્જા ક્ષેત્ર; ભવન નિર્માણ, માર્ગો, ધોરીમાર્ગો અને બંદરોના બાંધકામ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્જન; જેમાં ટોચની ખાનગી ભારતીય એરલાઇન્સ આગામી દાયકામાં એક હજારથી વધુ નવા વિમાનો સામેલ કરવાની યોજનામાં છે તે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર વગેરે સામેલ છે. આમ, ભારતમાં ઉત્પાદનની સુવિધાઓ તેમજ મેન્ટેનન્સ, રિપેર અને પરિચાલન સુવિધાઓ ઉભી કરવા માંગતા કોઇપણ રોકાણકાર માટે સંખ્યાબંધ તકો ખુલી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારત સંરક્ષણ ક્ષેત્રમાં FDIની ઉપલી મર્યાદા વધારીને 74% કરી રહ્યું છે, સંરક્ષણ ઉપકરણો અને પ્લેટફોર્મ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે બે સંરક્ષણ કોરિડોર સ્થાપવામાં આવ્યા છે. અને, તેમણે ઉમેર્યું હતું કે, ખાનગી અને વિદેશી રોકાણકારોને વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, અવકાશક્ષેત્રમાં નવો ચીલો ચાતરનારા સુધારા કરવામાં આવી રહ્યા છે.

ફાઇનાન્સ અને ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં રોકાણને આમંત્રિત કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં FDIની મર્યાદા 49%થી વધારીને 100% કરી દીધી છે, FDIને ઇન્શ્યોરન્સ મધ્યસ્થીઓમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે ટાંક્યું હતું કે, આરોગ્ય, કૃષિ, વ્યવસાય અને જીવન વીમામાં વધી રહેલા વીમા કવચ માટે સંખ્યાબંધ મોટી તકો છે જેના પર હજુ કોઇનું ધ્યાન ગયું નથી.

ભારતમાં વધી રહેલું રોકાણ

પ્રધાનમંત્રીએ વિશ્વ બેંકના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ભારતની સ્થિતિમાં થયેલા સુધારા અંગે વાત કરી હતી. તેમણે ખાસ જણાવ્યું હતું કે, દર વર્ષે, ભારત FDIમાં વિક્રમી ઊંચાઇએ પહોંચે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં 2019-20માં FDIનો પ્રવાહ 74 અબજ ડૉલર હતો જે અગાઉના વર્ષની સરખામણીએ 20% વધારે હતો. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, મહામારીના સમયમાં, ભારત આ વર્ષે એપ્રિલથી જુલાઇ મહિના દરમિયાન 20 અબજ ડૉલરથી વધુ વિદેશી રોકાણ ખેંચી લાવ્યું છે.

ભારતમાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક અર્થતંત્રને સજીવન થવા માટે જે શક્તિની જરૂર છે તે ભારત પાસે છે. તેમણે ટાંક્યું હતું કે, ભારતનો ઉત્કર્ષ મતલબ જેના પર ભરોસો મુકી શકાય તેવા રાષ્ટ્ર સાથે વેપારની તકોમાં વૃદ્ધિ, વધતી નિખાલસતા સાથે વૈશ્વિક એકીકૃતતામાં વૃદ્ધિ, જ્યાં વિપુલ તકો સમાયેલી હોય તેવા બજારની પહોંચ સાથે સ્પર્ધાત્મકતામાં વૃદ્ધિ અને કૌશલ્યપૂર્ણ માનવ સંસાધનોની ઉપબલ્ધતા સાથે રોકાણ પર વળતરમાં વૃદ્ધિ છે. અમેરિકા અને ભારતને સહજ ભાગીદારો ગણાવતા તેમણે કહ્યું હતું કે, આ ભાગીદારી દુનિયાને મહામારી પછી ઝડપથી બેઠાં થવા માટે મદદરૂપ થવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. અમેરિકી રોકાણકારો સુધી પહોંચતા તેમણે કહ્યું હતું કે, ભારતમાં અત્યારે રોકાણ માટે અભૂતપૂર્વક બહેતર સમય છે.

 

SD/GP/DS/BT

 



(Release ID: 1640574) Visitor Counter : 208