પ્રધાનમંત્રીનું કાર્યાલય
750 મેગા વૉટના રીવા સોલાર પાર્કના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
Posted On:
10 JUL 2020 12:22PM by PIB Ahmedabad
મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી,
મધ્ય પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહજી,
કેન્દ્રીય મંત્રી મંડળના મારા સાથી આર. કે. સિંહજી
થાવરચંદ ગેહલોતજી, નરેન્દ્ર સિંહ તોમરજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, પ્રહલાદ સિંહજી, મધ્ય પ્રદેશ મંત્રી મંડળના સભ્યો, સાંસદો અને ધારાસભ્ય ગણ,
રીવા સહિત સમગ્ર મધ્ય પ્રદેશના મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે રીવાએ સાચા અર્થમાં ઈતિહાસ રચી દીધો છે. રીવાની ઓળખ મા નર્મદાના નામથી અને સફેદ વાઘ સાથે જોડાયેલી રહી છે. હવે તેમાં એશિયાના સૌથી મોટા સોલાર પાવર પ્રોજેકટનું નામ પણ જોડાઈ ગયુ છે. તેનો આકાશમાંથી લીધેલો વીડિયો તમે જોશો તો તમને જણાશે કે ખેતરોમાં હજારો સોલર પેનલનો પાક લહેરાઈ રહ્યો છે. અથવા તો એવુ લાગતુ હશે કે કોઈ ઉંડા સમુદ્રની ઉપરથી તમે પસાર થઈ રહ્યા છો, જેનુ પાણી ભૂરા રંગનું છે. એના માટે હું રીવાના લોકોને મધ્ય પ્રદેશના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપુ છુ. શુભેચ્છાઓ પાઠવુ છું.
રીવાનો આ સોલર પાવર પ્લાન્ટ આ સમગ્ર વિસ્તારને આ દાયકાનુ સૌથી મોટુ ઉર્જા કેન્દ્ર બનવામાં સહાયરૂપ બની રહેશે. આ સોલાર પ્લાન્ટથી મધ્ય પ્રદેશના લોકોને અને મધ્ય પ્રદેશના ઉદ્યોગોને તો વીજળી મળવાની જ છે, પણ દિલ્હીની મેટ્રો રેલવે સુધી પણ તેનો લાભ પહોંચવાનો છે. આ ઉપરાંત રીવાની જેમ જ શાજાપુર, નીમચ અને છતરપુરમાં પણ મોટા સોલાર પ્લાન્ટ સ્થાપવાનુ કામ ચાલી રહ્યું છે. ઓમકારેશ્વર બંધ ઉપર તો પાણીમાં તરતો સોલાર પ્લાન્ટ સ્થાપવાની યોજના છે. આ તમામ પ્રોજેકટ જ્યારે તૈયાર થઈ જશે ત્યારે મધ્ય પ્રદેશ ચોકકસપણે સસ્તી અને સ્વચ્છ વીજળીનું મથક બની રહેવાનુ છે. તેનો સૌથી વધુ લાભ મધ્ય પ્રદેશના ગરીબ, મધ્યમ વર્ગના પરીવારો અને ખેડૂતોને તથા આદિવાસીઓને પણ થવાનો છે.
સાથીયો, આપણી પરંપરામાં અને આપણી સંસ્કૃતિમાં અને આપણા રોજબરોજના જીવનમાં પણ સૂર્ય પૂજાનુ એક વિશેષ સ્થાન છે. પુનાતુ મા તત્સ વિતુર વરેમ્યમ, એનો એર્થ એવો થાય કે જે ઉપાસનાને યોગ્ય છે તે સૂર્યદેવ છે, તે આપણને પવિત્ર કરે છે. પવિત્રતાની આ લાગણી આજે રીવામાં દરેક જગ્યાએ અનુભવાઈ રહી છે. એ તેમના જ આશિર્વાદ છે કે આપણે સોલર પાવર બાબતે દુનિયામાં ટોચના પાંચ દેશમાં પહોંચી ગયા છીએ.
સાથીયો, સૌર ઉર્જા માત્ર આજની જ નહી પણ 21મી સદીની ઉર્જાની જરૂરિયાત પૂરી કરવાનુ એક મોટુ માધ્યમ બની રહેવાની છે. કારણ કે સૌર ઉર્જા સ્યોર છે, પ્યોર છે અને સિક્યોર (સલામત) છે. સ્યોર એટલા માટે કે ઉર્જાના, વીજળીના બીજા સ્ત્રોત ખતમ થઈ જઈ શકે છે પણ, સૂર્ય સદા સર્વદા ચમકતો રહેવાનો છે. પ્યોર એટલા માટે કે તે પર્યાવરણને દૂષિત કરવાના બદલે તેને સુરક્ષિત રાખવામાં સહાયક બને છે. સિક્યોર એટલા માટે કે તે આત્મનિર્ભરતાનુ ખૂબ મોટુ પ્રતિક છે. તે ખૂબ મોટી પ્રેરણા છે, તે આપણી ઉર્જા જરૂરિયાતોને તો સુરક્ષિત રાખે જ છે, પણ જેમ-જેમ ભારત વિકાસનાં નવાં શિખરો તરફ આગળ વધતુ જાય છે, તેમ-તેમ આપણી આશા અને આકાંક્ષાઓ પણ વધતી જાય છે. તેમ-તેમ આપણી ઉર્જાની, વીજળીની જરૂરિયાતો પણ વધતી રહેવાની છે. એટલા માટે આત્મનિર્ભર ભારતની, વીજળીની આત્મ નિર્ભરતા ખૂબ જ આવશ્યક છે. તેમાં સૌર ઉર્જા ઘણી મોટી જવાબદારી નિભાવવાની છે અને અમારો પ્રયાસ ભારતની આ તાકાતનુ વિસ્તરણ કરતા રહેવાનો છે.
સાથીઓ, જ્યારે આપણે આત્મનિર્ભરતાની વાત કરી રહયા છીએ, પ્રગતિની વાત કરતા રહીએ છીએ ત્યારે-ત્યારે અર્થતંત્ર તેનો મહત્વનો મુદ્દો હોય છે. દુનિયાભરના નીતિ ઘડનારા લોકો વર્ષોથી દ્વિધામાં છે કે અર્થતંત્ર અંગે વિચાર કરે કે પર્યાવરણ અંગે વાત કરે ! આ પ્રતિક્ષા વચ્ચે નિર્ણયો ક્યારેક કોઈ એક પક્ષની તરફેણમાં આવતા રહેતા હોય છે. તો ક્યારેક બીજા પક્ષની તરફેણમાં આવતો હોય છે, પરંતુ ભારતે એ બાબત પૂરવાર કરી બતાવી છે કે બંને એકબીજાના વિરોધી નહી પણ પરસ્પરને પૂરક છે. સ્વચ્છ ભારત અભિયાન હોય કે દરેક પરીવારને એલપીજી અથવા સીએનજી સાથે જોડવાની વાત હોય, કે પછી સમગ્ર દેશમાં સીએનજી આધારિત વાહન વ્યવસ્થા માટે મોટુ નેટવર્ક બનાવવાનુ કામ હોય, કે પછી દેશમાં વીજળીને આધારે થનારા પરિવહનની વાત હોય, સમગ્ર દેશમાં સીએનજી આધારિત વાહન વ્યવસ્થાના માટે મોટુ નેટવર્ક બનાવવાની વાત હોય, દેશમાં વીજળી આધારિત પરિવહન માટે થનારા પ્રયાસની વાત હોય, કે પછી, આવા દરેક પ્રયાસો દેશમાં સામાન્ય માનવીના જીવનને પર્યાવરણ ફ્રેન્ડલી બનાવવાની વાત હોય, ભારત માટે અર્થતંત્ર અને પર્યાવરણ એ બે અલગ પક્ષ નથી પણ એક બીજાને પૂરક પક્ષો છે.
સાથીઓ, તમે જોશો કે સરકારના જે કોઈ પણ કાર્યક્રમો છે, તેમાં પર્યાવરણ સુરક્ષા તથા જીવન જીવવામાં આસાનીને અગ્રતા આપવામાં આવી રહી છે. અમારા માટે પર્યાવરણ સુરક્ષા કોઈ પ્રોજેકટ પૂરતી મર્યાદિત નથી. પરંતુ તે જીવન જીવવાના માર્ગ સમાન છે. જ્યારે આપણે રિન્યુએબલ ઉર્જાના મોટા પ્રોજેકટસ શરૂ કરવાનુ વિચારી રહ્યા છીએ, ત્યારે આપણે એ બાબતની ખાત્રી કરવાની રહે છે કે સ્વચ્છ ઉર્જા માટેનો આપણો એ સંકલ્પ જીવનના દરેકે દરેક પાસામાં દેખાઈ આવે. અમારી એ બાબતે કોશિશ રહે છે કે તેનો લાભ સમાજના દરેકે દરેક વર્ગ તથા દરેક નાગરિક સુધી પહોંચે. હું તમને એક ઉદાહરણ આપવા માગુ છું.
સાથીઓ, વિતેલા 6 વર્ષમાં લગભગ 6 કરોડ એલઈડી બલ્બનુ સમગ્ર દેશમાં વિતરણ કરવામાં આવ્યુ છે. એક કરોડથી વધુ એલઈડી બલ્બ સમગ્ર દેશમાં સ્ટ્રીટ લાઈટમાં લગાવવામાં આવ્યા છે. સાંભળવામાં તો આ બાબત ખૂબ સામાન્ય લાગે છે. આવુ એટલા માટે લાગે છે કારણ કે સામાન્ય રીતે આપણને જ્યારે કોઈ સુવિધા મળતી હોય છે ત્યારે તો તેની અસરની કે તે હોય અથવા ના હોય ત્યારે શુ સ્થિતિ હોય તે અંગે આપણે ઝાઝો વિચાર કરતા નથી. આ પ્રકારની ચર્ચા ત્યારે થાય છે, જ્યારે આપણે તે બાબતે અછત અનુભવતા હોઈએ.
સાથીઓ, આ નાનો દુધીયા રંગનો એલઈડી બલ્બ જ્યારે ન હતો ત્યારે તેની જરૂરિયાત હોવાનો અનુભવ થતો હતો. પરંતુ તેની કીંમત પહોંચની બહાર રહેતી હતી. વેચાતા ન હતા તો બનાવનારા પણ ન હતા. તો પછી 6 વર્ષમાં શું-શું ફેરફાર થયા? કે પછી એલઈડી બલ્બની કીંમત 10 ગણી ઘટી ગઈ. અનેક કંપનીઓના બલ્બ બજારમાં આવવાના શરૂ થઈ ગયા. અને જે કામ આ અગાઉ 100થી 200 વોટના બલ્બથી થતુ હતુ તે 9થી 10 વોટના બલ્બથી થવા લાગ્યુ. ઘર અને ગલીઓમાં એલઈડી બલ્બ લગાવવાની સાથે જ થયુ એવુ કે દર વર્ષે આશરે 600 અબજ વીજળીનો વપરાશ ઓછો થઈ ગયો છે અને લોકોને પ્રકાશ પણ સારો મળી રહ્યો છે. માત્ર આટલુ જ નહી, દર વર્ષે લગભગ દેશને રૂ. 25 કરોડની બચત થઈ રહી છે. આનો અર્થ એ થયો કે એલઈડી બલ્બને કારણે વીજળીનુ બીલ પણ ઓછુ થયુ છે. એનુ એક ઘણુ મહત્વનુ કારણ પણ છે. એલઈડી બલ્બને કારણે આશરે સાડા ચાર કરોડ ટન ઓછો કાર્બન ડાયોક્સાઈડ પર્યાવરણમાં જતો અટકી ગયો છે. એનો અર્થ એ કે પ્રદૂષણ ઓછુ થયુ છે.
સાથીઓ, વીજળી તમામ લોકો સુધી પહોંચે અને પૂરતા પ્રમાણમાં પહોંચે. આપણુ વાતાવરણ, આપણી હવા, આપણુ પાણી પણ શુધ્ધ રહે, તે વિચાર સાથે અમે સતત કામ કરી રહ્યા છીએ. આ વિચારધારા અમારી સૌર ઉર્જા અંગેની નીતિમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે. તમે વિચાર કરો વર્ષ 2014માં સોલાર પાવરની કીંમત યુનિટ દીઠ 7થી 8 રૂપિયા જેટલી હતી. આજે એ જ કીંમત બે થી અઢી રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આનો ઘણો મોટો લાભ ઉદ્યોગોને મળી રહ્યો છે. રોજગાર નિર્માણને મળી રહ્યો છે. દેશવાસીઓને મળી રહ્યો છે. દેશમાં જ નહી પૂરી દુનિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતમાં સોલર પાવર આટલો સસ્તો કઈ રીતે છે. જે રીતે ભારતમાં સોલાર પાવર ઉપર કામ થઈ રહ્યુ છે, આ ચર્ચા હજુ વધુ આગળ વધવાની છે. આવાં જ મોટાં કદમ ભરવાને કારણે ભારતને ક્લીન એનર્જીનુ સૌથી આકર્ષક બજાર માનવામાં આવી રહ્યું છે. આજે જ્યારે સૌર એનર્જી તરફના બદલાવને કારણે દુનિયામાં આપણી ચર્ચા થઈ રહી છે અને તેને ભારતના મોડલ તરીકે ઓળખવામાં આવે છે.
સાથીઓ, દુનિયાની, માનવ જાતની ભારત તરફ આજે આશા અને અપેક્ષાને જોતી રહી છે ત્યારે અમે સમગ્ર વિશ્વને જોડવામાં જોડાયા છીએ. આ વિચારધારાનુ પરિણામ ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ (આઈસા) તરીકે આવ્યુ છે. એક દુનિયા, એક સૂરજ, એક ગ્રીડની ભાવના એની પાછળ કામ કરે છે. આજે સૌર ઉર્જાના બહેતર ઉત્પાદન અને ઉપયોગના કારણે સમગ્ર વિશ્વને એક સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેથી આપણી ધરતી સામેનુ મોટુ સંકટ દૂર થાય અને નાના-નાના ગરીબ દેશોની સારી વીજળીની જરૂરિયાત પૂરી થઈ શકે.
સાથીઓ, એક રીતે જોઈએ તો સૌર ઉર્જાએ સામાન્ય ગ્રાહકને ઉત્પાદક પણ બનાવી દીધો છે. સંપૂર્ણ રીતે વીજળીના બટન ઉપર નિયંત્રણ આપી દીધુ છે. વીજળી પેદા કરનારાં બાકીનાં માધ્યમોમાં સામાન્ય લોકોની ભાગીદારી લગભગ નહીવત હતી. પણ, સૌર ઉર્જામાં તો ભલેને ઘરની છત હોય, ઓફિસ હોય કે કારખાનાની છત હોય , થોડીક જગા હોય તો સામાન્ય માણસ એમાં પણ પોતાની જરૂર પ્રમાણે વીજળી પેદા કરી શકે છે. આના માટે સરકાર વ્યાપક પ્રોત્સાહન પણ આપી રહી છે. મદદ પણ પૂરી પાડી રહી છે. વીજળીના ઉત્પાદનમાં આત્મનિર્ભરતાના આ અભિયાનમાં હવે આપણો અન્નદાતા પણ જોડાઈ ગયો છે.
સાથીઓ, આપણો ખેડૂત આજે એટલો સક્ષમ છે કે, એટલો સાધન સંપન્ન છે કે એક નહી બે-બે પ્રકારના પ્લાન્ટ મારફતે દેશની મદદ કરી રહ્યો છે. એક પ્લાન્ટ તો એ છે કે જેની પરંપરાગત ખેતી થઈ રહી છે. જેનાથી આપણને સૌને અનાજ મળે છે. પણ આપણો ખેડૂત હવે બીજા પ્રકારના પ્લાન્ટ પણ લગાડી રહ્યો છે, જેની મારફતે ઘર સુધી વીજળી પહોંચશે. જે પહેલો પ્લાન્ટ છે તે પરંપરાગત ખેતી છે, તે આપણો ખેડૂત એવી જગ્યાએ લગાડે છે કે જ્યાં ફળદ્રૂપ જમીન હોય, અને જે બીજો પ્લાન્ટ છે તે સોલર ઉર્જાનો પ્લાન્ટ છે. તે એવી જગ્યાએ લગાડવામાં આવે છે કે જ્યાં ખેતી ઉપજાઉ નથી. પાક સારી રીતે લઈ શકાતો નથી. એટલે કે ખેડૂતની એ જમીન કે જ્યાં પાક લઈ શકાતો નથી તેનો પણ હવે ઉપયોગ થશે. તેને કારણે પણ ખેડૂતની આવકમાં પણ વધારો થશે.
કુસમ યોજના મારફતે આજે ખેડૂતોને વધારાની જમીન ઉપર આવા સોલર પ્લાન્ટ લગાડવામાં મદદ કરવામાં આવે છે. એના કારણે ખેતરમાં જ વીજળી પેદા થશે. તેનાથી આપણા ખેડૂતની જરૂરિયાત તો પૂરી થશે જ પણ વધારાની વીજળીનુ તે વેચાણ પણ કરી શકશે. મને પૂરો વિશ્વાસ છે કે મધ્ય પ્રદેશના ખેડૂત સાથીદારો વધારાની આવક મેળવવાના આ સાધનને અપનાવવામાં અને ભારતને વીજળીની નિકાસ કરતો દેશ બનાવવાના આ વ્યાપક અભિયાનમાં જરૂર સફળ થશે, કારણ કે મધ્ય પ્રદેશના ખેડૂતોએ સંકલ્પને સિધ્ધિમાં રૂપાંતરિત કરી બતાવ્યો છે. તમે જે કામ કર્યુ છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જે રીતે તમે ઘઉંના ઉત્પાદનનો વિક્રમ સર્જ્યો છે, બીજા રાજ્યોને પાછળ છોડી દીધાં છે. તે એક પ્રશંસાપાત્ર બાબત છે. કોરોનાના આ કપરા સમયમાં ખેડૂતોએ જે વિક્રમ સર્જનારૂ ઉત્પાદન કર્યુ છે તો સાથે-સાથે મધ્ય પ્રદેશની સરકારે વિક્રમ તોડ ખરીદી પણ કરી છે. તેના માટે પણ તમે પ્રશંસાપાત્ર છો. એટલા માટે જ વીજળી ઉત્પાદનની બાબતમાં પણ મધ્ય પ્રદેશની સમર્થતા ઉપર મને ઘણો ભરોસો છે. મને આશા છે કે એક દિવસ એવા સમાચાર પણ આવશે કે કુસુમ યોજના હેઠળ મધ્ય પ્રદેશના ખેડૂતોએ વિક્રમ જનક ઉત્પાદન પણ કર્યુ છે.
ભાઈઓ અને બહેનો, સોલાર પાવરની તાકાતનો આપણે ત્યાં સુધી પૂરો ઉપયોગ નહી કરી શકીએ, જ્યાં સુધી આપણા પાસે દેશમાં જ શ્રેષ્ઠ સોલાર પેનલ, શ્રેષ્ઠ બેટરી, ઉત્તમ કક્ષાની સંગ્રહ ક્ષમતાનુ નિર્માણ નહી થાય. હવે એ દિશામાં ઝડપથી કામ ચાલી રહ્યુ છે, આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ હવે આપણુ લક્ષ્ય છે કે સોલાર પેનલ્સ સહિત તમામ ઉપકરણો માટે આપણે આયાત ઉપર આધાર રાખવો પડે નહી અને આયાત ઉપરનો આધાર ખતમ થાય. લક્ષ્ય એવુ છે કે હાલમાં દેશમાં જે સોલાર પીવી મોડ્યુલ મેન્યુફેકચરિંગ ક્ષમતા છે તેમાં ઝડપથી વધારો કરવામાં આવે. એટલા માટે સ્થાનિક ક્ષમતામાં વધારો કરવા માટે અનેક જરૂરી કદમ ઉઠાવવામાં આવી રહયાં છે. હવે જે રીતે કુસુમ યોજના હેઠળ મુકવામાં આવતા પંપોમાં અને ઘરમાં લગાડાતી રૂફ ટોપ પેનલ પણ ભારતમાં જ બને, સોલાર ફોટો વોલેટિક સેલ્સ અને મોડ્યુલ્સ બનાવવાનુ જરૂરી કરી દેવાયુ છે અને તે સિવાય પણ સરકારી વિભાગોમાં અને બીજી સરકારી સંસ્થાઓમાં જે પણ સોલાર સેલ કે મોડ્યુલ ખરીદવામાં આવશે તે મેક ઈન ઈન્ડીયાના જ હોય તેવુ નક્કી કરવામાં આવ્યુ છે. અને આટલુ જ નહી પાવર પ્લાન્ટ ઉભા કરનારી કંપનીઓ સોલાર પીવી મેન્યુફેકચરીંગ પણ કરે તે બાબતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મારો આજે આ ક્ષેત્ર સાથે જોડાયેલા એકમોને, યુવાન સાથીદારોને સ્ટાર્ટ- અપ્સને, માઈક્રો, નાના અને મધ્યમ કદના એકમોને પણ આગ્રહ છે કે આ તકનો જરૂર લાભ ઉઠાવે.
ભાઈઓ અને બહેનો આત્મનિર્ભરતા સાચા અર્થમાં ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણી અંદર આત્મવિશ્વાસ હશે. આત્મવિશ્વાસ ત્યારે આવે છે જ્યારે પૂરો દેશ, અને સમગ્ર સિસ્ટમ દરેક દેશવાસીને સાથ આપે. કોરોના સંકટથી પેદા થયેલી સ્થિતિની વચ્ચે ભારત આ કામ જ કરી રહ્યુ છે. સરકાર લોકોમાં આત્મવિશ્વાસ પેદા કરવામાં લાગી ગઈ છે. સમાજના દરેક વર્ગ સુધી સરકાર કદાચ પહોંચી શકતી નથી, આજે લોકો સુધી સરકારનાં સાધનો અને સંવેદના, બંને પહોંચી રહ્યાં છે. હવે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જ વાત કરો. લૉકડાઉન પછી તરત જ પહેલુ પગલું એ ભરવામાં આવ્યુ કે દેશના 80 કરોડથી વધુ ગરીબ સાથીઓ સુધી મફત ખોરાક પહોંચે, તેમના ખિસ્સામાં થોડા પૈસા પણ રહે. અને જ્યારે લૉકડાઉન ઉઠાવી લેવાનો સમય આવ્યો ત્યારે સરકારને લાગ્યુ કે આવનારો સમય તો વરસાદનો છે, તહેવારોનો સમય છે.
આવા સમયમાં ગરીબને આ મદદ મળતી રહેવી જોઈએ. એટલા માટે એ યોજનાને ચાલુ રાખવામાં આવી. હવે ગરીબ પરીવારોને નવેમ્બર સુધી મફત રાશન મળતુ રહેશે. અને એટલુ જ નહી, ખાનગી ક્ષેત્રના લાખો કર્મચારીઓના ઈપીએફ ખાતામા પણ સરકાર પૂરૂ યોગદાન આપી રહી છે. એ રીતે પીએમ સ્વનિધી યોજનાના માધ્યમથી એવો લોકોને સહાય કરવામાં આવી રહી છે કે જેમની તંત્ર સુધી પહોંચ ઘણી ઓછી હોય છે. આજે આ યોજના હેઠળ લારી-ફેરીવાળા લાખો લોકોને રૂ. 10,000 સુધીનુ ધિરાણ બેંકોમાંથી મળવા લાગ્યુ છે. આપણા માટે સૌથી વધુ ઉપયોગી એવા આ સાથીદારો તેમના નાના સરખા વેપારને બચાવી શકે, ચલાવી શકે, આવુ પહેલાં ક્યારે વિચારવામાં આવ્યુ હતું? આનો અર્થ એ થયો કે એક તરફ નાના, કુટીરઉદ્યોગો માટે અને બીજી તરફ મોટા ઉદ્યોગો માટે પણ વિચારવામાં આવ્યુ અને બીજી તરફ આ નાના છતાં ઉપયોગી વેપારીઓ માટે પણ ચિંતા કરવામાં આવી છે.
સાથીઓ, સરકાર હોય કે સમાજ, સંવેદના અને સતર્કતા હાલની મુશ્કેલ સ્થિતિ સાથે કામ પાર પાડવા માટે આપણો સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત છે. આજે જ્યારે તમે, મધ્ય પ્રદેશને, પૂરા ભારતને આગળ ધપાવવા માટે બહાર નીકળી ચૂક્યા છો ત્યારે તમારે વધુ એક જવાબદારી પણ યાદ રાખવાની છે. બે ગજનુ અંતર, ચહેરા ઉપર માસ્ક અને હાથને 20 સેકન્ડ સુધી સાબુથી ધોવા. આ નિયમોનુ આપણે હંમેશાં પાલન કરતા રહેવાનુ છે. વધુ એક વાર તમને અને મધ્ય પ્રદેશને પણ સોલાર પાવર પ્લાન્ટ માટે ખૂબ ખૂબ અભિનંદન આપુ છુ. ખૂબ ખૂબ અભિનંદન, તમે સુરક્ષિત રહો , સ્વસ્થ રહો, ખૂબ ખૂબ આભાર. !
DS/GP/BT
(Release ID: 1637785)
Visitor Counter : 957
Read this release in:
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Tamil