PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
07 MAY 2020 6:28PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Date: 7.5.2020
Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ડૉ. હર્ષવર્ધને ઉત્તરપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કોવિડ-19ના વ્યવસ્થાન માટે તૈયારીઓ અને નિયંત્રણના પગલાંની સમીક્ષા કરી
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીએ ઉત્તપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીઓ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ ત્રણ રાજ્યોમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે તૈયારીઓ અને નિયંત્રણ માટેના પગલાંઓ અંગે સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 7 મે 2020ના રોજની સ્થિતિ અનુસાર દેશમાં કોવિડ-19ના કુલ 52,952 કેસ નોંધાયા છે જેમાંથી 15,266 દર્દી સાજા થઇ ગયા છે અને 1,783 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3561 નવા કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે અને 1084 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય દેશોની તુલનાએ ભારતમાં મૃત્યુદર 3.3% અને સાજા થવાનો દર 28.33% છે જે બહેતર સ્થિતિ સુચવે છે. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, એક્ટિવ કેસોમાંથી ICUમાં 4.8% દર્દીઓ છે, 1.1% વેન્ટિલેટર પર છે અને 3.3% ઓક્સિજન સપોર્ટ પર છે. દેશમાં પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી છે અને અત્યારે રોજના 95,000 પરીક્ષણો થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 13,57,442 પરીક્ષણો કરવામાં આવ્યા છે. આજદિન સુધીમાં, 180 જિલ્લામાં છેલ્લા 7 દિવસથી, 180 જિલ્લામાં 7 થી 13 દિવસથી, 164 જિલ્લામાં 14થી 20 દિવસથી અને 136 જિલ્લામાં 21થી 28 દિવસથી કોવિડના કોઇ નવા કેસ નોંધાયા નથી. આગામી દિવસોમાં રાજ્યોમાં વિસ્થાપિત શ્રમિકો મોટી સંખ્યામાં આવી પહોંચશે તેને ધ્યાનમાં રાખીને, ડૉ. હર્ષવર્ધને રાજ્યોને ખૂબ જ મજબૂત વ્યૂહનીતિ અને વ્યવસ્થાતંત્ર ઘડવા કહ્યું હતું જેથી તેમના પરીક્ષણ, ક્વૉરેન્ટાઇન અને પોઝિટીવ કેસોની સારવારની જરૂરિયાતને પહોંચી શકાય. તેમના પરીક્ષણ, સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન અને જરૂર પડે તો સારવાર માટે અસરકારક વ્યૂહનીતિ પણ જરૂર હોવાનું તેમણે કહ્યું હતું. રાજ્યોને માહિતી આપવામાં આવી હતી કે, 1075 ઉપરાંત હેલ્પલાઇન નંબર 104 પણ બિન-કોવિડ આવશ્યક સેવાઓની ફરિયાદોના નિવારણ માટે ઉપયોગમાં લઇ શકાય છે અને આ સેવાઓની ઉપલબ્ધતા વગેરે અંગે માહિતી માટે પણ તેનો ઉપયોગ થઇ શકે છે. ચેપી રોગને ફેલાતો રોકવા માટે પૂરતા પ્રમાણમાં પગલાં પણ લેવામાં આવે તેવી તેમણે સલાહ આપી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વૈશાખ વૈશ્વિક ઉજવણીમાં સંબોધન કર્યું
આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વમાંથી બૌદ્ધ સંઘોના વડાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ કોવિ-19 સામે અગ્ર હરોળમાં લડી રહેલા યોદ્ધાઓ અને પીડિતોના માનમાં વૈશ્વિક પ્રાર્થના તરીકે સમર્પિત કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વૈશાખી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણીમાં સંબોધન કર્યું હતું. આ ઉજવણીમાં સાંસ્કૃતિક મંત્રી અને પર્યટન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) તેમજ લઘુમતી બાબતોના રાજ્યમંત્રી શ્રી કિરેન રિજિજુએ ભાગ લીધો હતો.
વૈશાખ બુદ્ધ પૂર્ણિમાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
“મિત્રો, ભગવાન બુદ્ધના દરેકે દરેક શબ્દો, પ્રત્યેક પ્રવચનો માનવતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. ભગવાન બુદ્ધ ભારતના જ્ઞાનોત્કર્ષ અને આત્મજ્ઞાન બંનેનું પ્રતીક બતાવે છે. આ આત્મજ્ઞાન સાથે ભારત સમગ્ર દુનિયામાં સંપૂર્ણ માનવજાતના લાભ માટે કામ કરી રહ્યું છે અને ભવિષ્યમાં કરતું રહેશે. ભારતની પ્રગતિ હંમેશા દુનિયાની પ્રગતિમાં મદદરૂપ રહેશે.”
કોવિડ-19ની પરિસ્થિતિ માટે આયુષ દ્વારા ઉપચારોને સામેલ કરતા આંતર-શાખીય અભ્યાસનો ઔપચારિક પ્રારંભ
આયુષ મંત્રી શ્રી શ્રીપદ યેસ્સોનાઇક અને આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન સંયુક્ત રીતે નવી દિલ્હીમાં કોવિડ-19ની પરિસ્થિતિ સંબંધિત ત્રણ આયુષ આધારિત અભ્યાસનો આરંભ કરાવશે. આયુષ મંત્રાલયે દેશમાં કોવિડ-19 મહામારીની સમસ્યાનો આયુષ પ્રણાલી દ્વારા તબીબી અભ્યાસ (પ્રોફાઇલેટિક અને વધારાના ઉપચારો) કરીને તેનો સામનો કરવા માટે પહેલ હાથ ધરી છે. મંત્રાલય દ્વારા ઉચ્ચ જોખમ ધરાવતી વસ્તીમાં આયુષ પ્રોફાઇલેટિક ઉપચારોના પ્રભાવ અને આયુષની સલાહો તેમજ આયુષ દ્વારા કોવિડ-19ના નિવારણ માટે લેવામાં આવેલા પગલાંના પ્રભાવોનો પણ અભ્યાસ ચાલી રહ્યો છે. આયુષ મંત્રાલય દ્વારા આ પહેલ માટે વ્યૂહનીતિ ઘડવા અને તેનો વિકાસ કરવા માટે નિષ્ણાતોના સમૂહ સાથે આંતર-શાખીય આયુષ સંશોધન અને વિકાસ ટાસ્ક ફોર્સની રચવા કરવામાં આવી છે.
ભારતીય રેલવેએ રાજ્ય સત્તામંડળોને કોવિડ સંભાળ કેન્દ્રો પૂરા પાડવા માટે તૈયારીઓ કરી
રેલવે મંત્રાલયે તેમના 5231 કોચને કોવિડ સંભાળ કેન્દ્રોમાં રૂપાંતરિત કર્યા છે. આ કોચનો ઉપયોગ ખૂબ જ હળવા કેસો માટે થઇ શકે છે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર તેને કોવિડ સંભાળ કેન્દ્રોની સાથે તબીબી રીતે રાખી શકાય છે. આ કોચનો ઉપયોગ એવી જગ્યાએ થઇ શકે છે જ્યાં રાજ્યમાં સુવિધાઓમાં વધુ પડતું ભારણ છે અને શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલા કેસોના આઇસોલેશન માટે જરૂર છે. ભારતીય રેલવેએ આ કોવિડ સંભાળ કેન્દ્રો માટે 158 સ્ટેશન વોટરિંગ અને ચાર્જિંગ સુવિધા સાથે તૈયાર રાખ્યા છે અને 58 સ્ટેશન વોટરિંગ સુવિધા સાથે તૈયાર રાખ્યા છે.
કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રીએ દેશમાં સંશોધનને વેગ આપવા માટે PMRFમાં સુધારાની જાહેરાત કરી
કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ આજે જાહેરાત કરી હતી કે, દેશમાં વિવિધ સુધારામાં સંશોધનને વેગ આપવા માટે પ્રધાનમંત્રીની સંશોધન ફેલોશીપ યોજના લાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, સુધારા કર્યા પછી, હવે કોઇપણ પ્રતિષ્ઠિત સંસ્થા/ યુનિવર્સિટી (IIS/ IIT/ NIT/ IISER/ IIEST/ CF IIIT સિવાય)માંથી વિદ્યાર્થીઓ માટે GATE સ્કોરની જરૂરિયાત 750થી ઘટાડીને 650 કરવામાં આવી છે તેમજ ઓછામાં ઓછા CGPA 8 અથવા સમકક્ષ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યસભાના અધ્યક્ષ અને લોકસભાના અધ્યક્ષે કોવિડ અને સંસદીય સમિતિઓની બેઠકોની ચર્ચા કરી
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ શ્રી એમ. વેંકૈયા નાયડુએ લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા સાથે બેઠક યોજીને દેશમાં કોવિડ-19ની પરિસ્થિતિ અંગે, સંસદના સભ્યોએ નિભાવેલી ભૂમિકા અને સંસદીય સમિતિઓની બેઠકો યોજવા માટેની શક્યતા અંગેની ચર્ચા કરી હતી. શ્રી નાયડુ અને શ્રી બિરલાએ વિવિધ સંસદીય સમિતિઓ દ્વારા વહેલી તકે પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે અને દેશમાં લાગુ કરવામાં આવેલા પ્રવાસ પરના પ્રતિબંધો અંગેની શક્યતા પર પણ ચર્ચા કરી હતી. તેમને લાગ્યું હતું કે, જો નજીકના ભવિષ્યમાં પરિસ્થિતને આધિન નિયમિત પરંપરાત બેઠકોનું આયોજન ન થઇ શકે તો, આવી બેઠકો માટે વૈકલ્પિક માધ્યમના વિકલ્પો શોધવામાં આવી શકે છે.
ભારતીય નૌસેનાએ વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં મદદરૂપ થવા માટે તૈયાર ક્વૉરેન્ટાઇન સુવિધાઓ સાથે જહાજો અને સશસ્ત્ર દળોને રવાના કર્યા
ભારતીય નૌસેનાએ IOR પ્રદેશમાં કેટલાક દેશોમાં તબીબી ટીમો અને અન્ય સહાયક પૂરવઠા સાથે નૌસેનાના જહાજો રવાના કરી દીધા છે. વળતા પ્રવાસમાં, આ જહાજોમાં વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવશે. વધુમાં, સશસ્ત્ર દળોને આ જહાજોમાં રાખવામાં આવ્યા છે જેમાં છ તૈયાર ક્વૉરેન્ટાઇન સુવિધાઓ પણ છે જેમાં કેટલાક દેશોમાંથી લાવવામાં આવી રહેલા 2100 ભારતીયોને ક્વૉરેન્ટાઇન કરી શકાશે. ભારતના વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે સંકલનમાં રહીને વિદેશમાંથી ભારતીયે લાવવાની કામગીરી ચાલી રહી છે. કોવિડ-19ના કારણે સાઉદી અરેબિયા, કુવૈત, યુનાઇટેડ આરબ અમિરાત, બહેરીન અને મલેશિયામાં ફસાયેલા ભારતીયોને ત્રણ સેવાઓ – ભારતીય સૈન્ય, નૌસેના અને વાયુ સેના દ્વારા જોધપુર, જૈસલમેર, ભોપાલ, કોચી, વિશાખાપટ્ટનમ અને ચેન્નઇ ખાતે ઉભી કરવામાં આવેલી ક્વૉરેન્ટાઇન સુવિધાઓમાં રાખવામાં આવશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇથિયોપિયાના પ્રધાનમંત્રી ડો. અબિય અહેમદ અલી વચ્ચે ફોન પર ચર્ચા થઈ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇથિયોપિયાના પ્રધાનમંત્રી મહામહિમ ડો. અબિય અહમદને ફોન કર્યો હતો. બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળા દ્વારા ઊભા થયેલા સ્થાનિક, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પડકાર અંગે ચર્ચા કરી હતી તેમજ આરોગ્યલક્ષી કટોકટી દરમિયાન એકબીજાને સાથસહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ ડો. અબિય અહેમદ અલીને ઇથિયોપિયાને ટેકો આપવાની તેમજ રોગચાળાની આર્થિક અસરને દૂર કરવા અને આવશ્યક દવાઓનો પુરવઠો સુનિશ્ચિત કરવાની ખાતરી આપી હતી..
કોવિડ-19 કટોકટી પૂરી થયા પછી સર્જાતી નવી તકો શોધી કાઢવા માટે ઉદ્યોગોએ સકારાત્મક અભિગમ અપનાવવો જોઇએ: શ્રી ગડકરી
શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી પૂરી થયા પછી ઉભી થનારી તકો શોધી કાઢવા માટે ઉદ્યોગોએ સકારાત્મક અભિગમ અપનાવવો જોઇએ. શ્રી ગડકરીએ ઉદ્યોગોને આહ્વાન કર્યું હતું કે, કોવિડ-19નો ફેલાવો રોકવા માટે તેમણે જરૂરી સુરક્ષાત્મક પગલાંનું પાલન થાય તે સુનિશ્ચિત કરવું જોઇએ. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, સંસ્થાઓએ સુનિશ્ચિત કરવું જોઇએ કે, તેમના કામદારો અને એક્ઝિક્યુટિવ્સને ભોજન, રહેવાની વ્યવસ્થા મળે અને સામાજિક અંતર જાળવવા માટે માપદંડોનું પાલન થાય.
શ્રી ગડકરીએ આગામી બે વર્ષ માટે રૂ. 15 લાખ કરોડના રસ્તાઓના બાંધકામનું લક્ષ્ય નક્કી કર્યું
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તેમણે મંત્રાલયના અધિકારીઓને નિર્દેશો આપ્યા છે કે તેઓ ઓટો સ્ક્રેપિંગ નીતિ ઝડપથી ફાઇનલ કરે અને કહ્યું કે, તેનાથી લાંબાગાળે ખર્ચમાં ઘણો ઘટાડો થશે. તેમણે એવું પણ સૂચન આપ્યું હતું કે, ઓટોમોબાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં તરલતા વધારવા માટે વિદેશી મૂડી સહિત સસ્તા ધિરાણની શક્યતાઓ પણ શોધવો જોઇએ. BS4 વાહનો અંગેના પ્રશ્નમાં તેમણે જવાબ આપ્યો હતો કે, આ બાબતે સરકાર નામદાર સર્વોચ્ચ અદાલતના ચૂકાદાનું પાલન કરવા બંધાયેલી છે.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ એકીકૃત જમીન પોષણ વ્યવસ્થાપન આધારિત જમીન આરોગ્ય કાર્ડ બાબતે ખેડૂતોની ઝુંબેશ શરૂ કરવા માટે આહ્વાન કર્યું
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે એકીકૃત જમીન પોષણ વ્યવસ્થાપન માટે ખેડૂતોની ઝુંબેશ શરૂ કરવા આહ્વાન કર્યું છે. જમીન આરોગ્ય કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા કરતી વખતે તેમણે નિર્દેશો આપ્યા હતા કે, લોકોમાં જૈવિક અને સજીવ ખાતરોનો ઉપયોગ વધે અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ માત્રને માત્ર જમીન આરોગ્ય કાર્ડમાં કરેલી ભલામણો અનુસાર થાય તે માટે જાગૃતિ ફેલાવવા મિશન ધોરણે એક ઝુંબેશ શરૂ કરવામાં આવે. વર્ષ 2020-21 દરમિયાન આ કાર્યક્રમમાં મુખ્યત્વે દેશમાં તમામ જિલ્લાને આવરી લેતા એક લાખ ગામડામાં ખેડૂતોમાં આ કાર્યક્રમની સામૂહિક જાગૃતિ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત રહેશે.
અન્ન અને જાહેર વિતરણ સચિવે 24 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના અન્ન સચિવો સાથે બેઠક યોજીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત થઇ રહેલા ખાદ્યાન્નના વિતરણની કામગીરીની સમીક્ષા કરી
આ યોજના યોજના હેઠળ, 120 લાખ મેટ્રિક ટન (LMT) ખાદ્યાન્ન દેશમાં મહામારીના કારણે અસરગ્રસ્ત સમાજના નિઃસહાય વર્ગોમાં વિતરિત કરવામાં આવી રહ્યું છે. સરકારે ખાતરી આપી છે કે, NFSA હેઠળ આવતા તમામ પ્રાથમિકતા પરિવારો (PHH)ને એપ્રિલ, મે અને જૂન 2020 આ ત્રણ મહિનામાં સામાન્ય કરતા બમણી ફાળવણી કરવામાં આવે છે અને અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ લાભાર્થીઓને દર મહિને 35 કિલો પ્રતિ માસ મળતા સામાન્ય ક્વોટામાં વધારાના 5 કિલો પ્રતિ માસનો જથ્થો આપવામાં આવે છે. આ યોજનાને રાજ્ય સરકારો તરફથી ખૂબ ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે અને 06.05.2020 સુધીમાં રાજ્યો દ્વારા કુલ 69.28 લાખ મેટ્રિક ટન જથ્થો આ યોજના હેઠળ ઉપાડવામાં આવ્યો છે.
શ્રીમતી હરસિમરતકૌર બાદલે કોવિડ-19 મહામારીના કારણે વધતી અનિશ્ચિતતાના સમયમાં એકીકૃત કોલ્ડ ચેઇન નેટવર્કના મહત્વ પર ભાર મૂક્યો
કેન્દ્રીય મંત્રીએ MoFPI સમર્થિત કોલ્ડ ચેઇન પરિયોજનાઓના પ્રમોટરો સાથે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી બેઠક દરમિયાન, કોવિડ-19 મહામારીના કારણે વધી રહેલી અનિશ્ચિતતાની સ્થિતિ અને નવા ઉભરતા સંજોગોમાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો, ખાસ કરીને એકીકૃત કોલ્ડ ચેઇન નેટવર્કના મહત્વ પર ભાર મૂક્યો હતો. તે ખેડૂતોને અનિશ્ચિત સંજોગોથી બચાવે છે અને બજારની કિંમતોમાં સ્થિરતા લાવવામાં પણ મદદ કરે છે. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ વધારાની ખેત ઉપજો ગ્રહણ કરવાની શક્તિ ધરાવે છે અને સાથે સાથે આ પ્રકારે ખેડૂતોને તેઓ ફાયદો કરાવી શકે છે, તેમની લણણીને મૂલ્ય વર્ધિત પ્રસંસ્કરણ કરેલા ઉત્પાદનોમાં પરિવર્તિત કરી શકે છે અને તેનાથી સ્થાનિક તેમજ વૈશ્વિક માંગ પણ સંતોષી શકાય છે.
શ્રમ મંત્રીએ કોવિડ-19 મહામારી સામે લડવા માટે CTUના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી
શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી સંતોષકુમાર ગંગવારે કેન્દ્રીય વેપારી સંઘ સંગઠન (CTUO)ના પ્રતિનિધિઓ સાથે વેબિનારના માધ્યમથી બેઠક કરીને કોવિડ-19ના કારણે ઉભી થઇ રહેલી પરિસ્થિતિ અને કામદારો તેમજ અર્થતંત્ર પર તેની વિપરિત અસરો ઓછી કરવા માટેની રીતો અંગે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં (i) કોવિડ-19ની સ્થિતિમાં કામદારો અને વિસ્થાપિત શ્રમિકોના હિતોનું રક્ષણ (ii) રોજગારીનું સર્જન કરવા માટે વિવિધ પગલાં (iii) આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે અપનાવવાના પગલાં અને (iv) MSMEની સ્થિતિમાં સુધારો લાવીને શ્રમ કાયદા હેઠળ તેમની જવાબદારીઓ પૂરી કરવા માટે તેમન સમર્થન બનાવવા અંગેના પગલાં જેવા મુદ્દા સમાવી લેવામાં આવ્યા હતા.
શ્રી ગડકરીએ ભારતના અત્તર અને સુંગધી દ્રવ્ય સંગઠન સાથે સ્થાનિક ઉત્પાદન અને આયાતની અવેજ બાબતે ચર્ચા કરી
કેન્દ્રીય MSME અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભારતના અત્તર અને સુગંધી દ્રવ્ય સંગઠન સાથે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ અને MSME પર કોવિડ-19ની અસરો અંગે ચર્ચા કરી હતી. આ વાર્તાલાપ દરમિયાન, કોવિડ-19 મહામારીના કારણે MSMEને કેવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કેટલાક સૂચનો આપ્યા હતા તેમજ આ ક્ષેત્રને બેઠું કરવા માટે સરકાર તરફથી સહકારની પણ વિનંતી કરી હતી. શ્રી ગડકરીએ અત્તર અને સુગંધી દ્રવ્ય ઉદ્યોગને સૂચન આપ્યું હતું કે, તેઓ વિદેશમાંથી આયાત કરેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવાના બદલે તેના ઘરેલુ ઉત્પાદન પર ધ્યાન આપે અને વાંસના ઘરેલુ ઉત્પાદન પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ ઉદ્યોગે વધુ નાવીન્યતા, ટેકનોલોજી અને સંશોધન કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ જેથી વૈશ્વિક બજારમાં સ્પર્ધામાં ઉભા રહી શકાય.
CSIRના DGએ કોવિડ-19નો સામનો કરવા માટે ભારતીય ટેકનોલોજીના સંકલનનું લોકાર્પણ કર્યું
રાષ્ટ્રીય સંશોધન વિકાસ નિગમ દ્વારા તૈયાર કરવામાં આવેલા “કોવિડ-19નો સામનો કરવા માટે ભારતીય ટેકનોલોજીનું સંકલન (ટ્રેસિંગ, પરીક્ષણ અને સારવાર)”નું CSIRના મહાનિદેશક ડૉ. શેખર સી. માંડેએ લોકાર્પણ કર્યું હતું. આ સંકલનમાં કોવિડ-19 સંબંધિત 200 ભારતીય ટેકનોલોજી, હાલમાં ચાલી રહેલી સંશોધનની પ્રવૃત્તિઓ, વ્યાપારિકરણ માટે ઉપલબ્ધ ટેકનોલોજીઓ અને ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં લેવામાં આવેલા પગલાંની માહિતી 3Tની શ્રેણી એટલે કે, ટ્રેસિંગ, ટેસ્ટિંગ (પરીક્ષણ) અને ટ્રીટમેન્ટ (સારવાર)માં વર્ગીકૃત કરીને બતાવવામાં આવી છે. મોટાભાગની ટેકનોલોજી પરીક્ષણના પૂરાવા સાથેની છે અને ઉદ્યોગ સાહસિકોને આ ઉત્પાદનો ઝડપથી બજારમાં લાવવા માટે મદદરૂપ થઇ શકે છે કારણ કે તેને ફરીથી સ્થાપિત કરવાની જરૂર નથી.
ડ્રાફ્ટ એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન (EIA), 2020 માટે નોટિસ સમયગાળો 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો
કેન્દ્ર સરકારે, 23 માર્ચ 2020ના રોજની તારીખના S.O. 1199(E) સાથે કે જે 11 એપ્રિલ 2020ના રોજ સત્તાવાર રાજપત્રમાં જાહેર થયેલા એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન, 2020 નામથી ડ્રાફ્ટ જાહેરનામું બહાર પાડ્યું હતું જે તેના કારણે સંભવિતપણે અસરગ્રસ્ત લોકોની માહિતી માટે બહાર પાડવામાં આવ્યું હતું અને છ દિવસમાં ડ્રાફ્ટ જાહેરનામાની અંદર સમાવેલી દરખાસ્તો માટે વાંધા અથવા સૂચનો રજૂ કરવા કહેવામાં આવ્યું હતું. મંત્રાલયે હવે આ નોટિસ સમયગાળાની મુદત 30 જૂન 2020 સુધી લંબાવી દીધી છે.
પર્યટન મંત્રાલયે દેખો અપના દેશ લોગો ડિઝાઇન સ્પર્ધા શરૂ કરી
પર્યટન મંત્રાલયે MyGov પ્લેટફોર્મ પર ‘દેખો અપના દેશ’ લોગો ડિઝાઇન સ્પર્ધા શરૂ કરી છે. આ સ્પર્ધાનો હેતુ ‘દેખો અપના દેશ’ અભિયાન માટે લોગો તૈયાર કરવામાં દેશવાસીઓના મનમાંથી સર્જનાત્મક વિચારો જાણવાનો છે. લૉકડાઉન પછી અને આ મહામારીના ફેલાવા પર નિયંત્રણ આવી જાય તે પછી, આંતરરાષ્ટ્રીય પર્યટનની તુલનાએ સ્થાનિક પર્યટન ઉદ્યોગ ફરી ખૂબ ઝડપથી બેઠો થશે તે બાબતે લોકો વ્યાપકપણે સંમત થઇ રહ્યા છે.
ICAR ઇન્સ્ટિટ્યુટે 12 ભાષામાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર માટે એડવાઇઝરી બહાર પાડી
કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ હિતધારકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત આવતા ભારતીય કૃષિ સંશોધન પરિષદે પોતાના ઇન્સ્ટિટ્યુટના માધ્યમથી પોતાના સંબંધિત વિવિધ પેટા ક્ષેત્રોને સેનિટાઇઝ કરવા માટે કેટલાક નવીનતમ પગલાં લીધા છે. મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં, ICARએ મત્સ્યપાલન સંસ્થાનોની મદદથી એડવાઇઝરી તૈયાર કરવામાં અને બહાર પાડવામાં નેતૃત્વ સંભાળ્યું છે જેથી આ બીમારી કામદારોમાં ફેલાતી રોકી શકાય. આ પ્રયાસમાં, ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિશરિઝ ટેકનોલોજી, કોચી દ્વારા માછીમારો, માછીમારીની બોટના માલિકો, માછીમારીના બંદરો, મચ્છી બજાર અને સી-ફુડ પ્રસંસ્કરણ પ્લાન્ટ્સમાં કામ કરતા લોકોના લાભાર્થે અંગ્રેજી અને હિન્દી ઉપરાંત 10 પ્રાદેશિક ભાષામાં એડવાઇઝરી તૈયાર કરી છે.
મોબાઇલ એપ્લિકેશન અને બોડી સેનિટાઇઝેશન મશીન જેવી નાસિક સ્માર્ટ સિટી પહેલથી શહેરમાં કોવિડ-19 સામેની લડાઇ વધુ મજબૂત બની
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- ચંદીગઢ: ચંદીગઢના વહીવટી અધિકારીએ નિર્દેશો આપ્યા છે કે, તમામ જવાબદાર નાગરિકો તેમની પોતાની બીમારી અંગે નજીકમાં કોઇપણ ડિસ્પેન્સરમાં જાણ કરે. તેમણે સ્થાનિક નેતાઓ અને આસપાસના લોકોને અપીલ કરી હતી કે, કોઇપણ વ્યક્તિમાં કોવિડના લક્ષણો દેખાય તો તેઓ આ અંગે તુરંત વહીવટીતંત્રને જાણ કરે. અત્યાર સુધીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોમાં રાંધેલા ભોજનના 38,44,867 ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
- પંજાબ: રાજ્યમાં મોટી સંખ્યામાં NRI અને અન્ય દેશોના લોકોની તેમજ ભારતમાં જ અન્ય ભાગોમાં ફસાયેલા સંખ્યાબંધ લોકો આવવાના હોવાથી પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ કરી રહી હોવાથી, મુખ્યમંત્રીએ ઘાતક કોવિડ-19ને ફેલાવો રોકવા માટે શ્રેણીબદ્ધ નિર્દેશો બહાર પાડ્યા છે. આ નિર્દેશોમાં આરોગ્ય વિભાગને પરત આવી રહેલા તમામ લોકોનું ફરજિયાત સ્ક્રિનિંગ, જેઓ ભારતમાંથી ઉચ્ચ જોખમી વિસ્તારોમાંથી આવે છે તેમના માટે સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન અને NRIને હોટેલ અથવા ઘરમાં ક્વૉરેન્ટાઇન કરવાના પગલાં સુનિશ્ચિત કરવાના નિર્દેશો પણ સામેલ છે.
- હરિયાણા: હરિયાણા શહેરી સ્થાનિક સંગઠન વિભાગે મ્યુનિસિપાલિટીની હદમાં આવેલા બજારોમાં સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને દંડ અને શિક્ષાત્મક પગલાં લેવા અંગેના નિર્દેશો બહાર પાડ્યા છે. હરિયાણા સરકાર રોજગારી આપવા માટે અને રાજ્યમાં અર્થતંત્રને વેગ આપવા માટે અડગ છે અને આ માટે https://saralharyana.gov.in/ પોર્ટલ પર આપોઆપ મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તેમજ અત્યાર સુધીમાં 19,626 એકમોને માન્યતા આપી દેવામાં આવી છે અને 11,21,287 કામદારોને કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
- કેરળઃ અબુધાબીથી 177 વયસ્કો અને 4 નવજાત બાળકો સાથે પ્રથમ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ આજે રાત્રે 9.40 વાગે કોચી ખાતે આવી પહોંચશે. આ સાથે જ ઐતિહાસિક વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોની બચાવ કામગીરી શરૂ થઇ ગઇ છે. દુબઇમાંથી વધુ એક એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ આજે રાત્રે 10.30 વાગે કોઝિકોડે ખાતે ઉતરાણ કરશે. તમામ મુસાફરોને ગૃહ બાબતોના મંત્રાલયના નિર્દેશો અનુસાર ક્વૉરેન્ટાઇન કરવામાં આવશે. રાજ્ય સરકારે ક્વૉરેન્ટાઇન કરવામાં વિલંબના કારણે અન્ય રાજ્યોમાં ફસાઇ ગયેલા કેરળવાસીઓને પરત લાવવા માટે મુસાફરી પાસ આપવાનું બંધ કર્યુ છે. વિસ્થાપિત કામદારોએ આજે કન્નુર અને ઇર્નાકૂલમ જિલ્લામાં પોતાના વતનમાં પરત ફરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા. બ્રિટન, અમેરિકા અને અખાતી દેશોમાં કોવિડ-19 કારણે વધુ 6 કેરળવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 8 જિલ્લાઓ કોવિડ મુક્ત બન્યા છે, અત્યારે રાજ્યમાં 30 સક્રિય કેસો છે.
- તામિલનાડુઃ તામિલનાડુથી 1,136 મુસાફરો સાથે વિશેષ ટ્રેન રાંચી માટે રવાના થઇ હતી. કોઇમ્બતુરમાંથી 32,000 કામદારો સહિત લાખો વિસ્થાપિત કામદારોએ પોતાના વતનમાં પરત ફરવાનો ઇરાદો દર્શાવ્યો હોવાથી ઉદ્યોગગૃહો ભારે મુશ્કેલભરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. મદુરાઇમાં લૉકડાઉનની વચ્ચે આવશ્યક ચીજ-વસ્તુઓ, દારૂ ખરીદવા માટે મુસાફરી પાસ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. TASMA એકમો ન ખોલવા માટે વિરોધ પક્ષોની માંગણી છતાં કેટલાક જિલ્લાઓને બાદ કરતાં ગુરુવારે સમગ્ર રાજ્યમાં દારૂનું વેચાણ શરૂ થઇ ગયું હતું. અત્યાર સુધી નોંધાયેલા 4,829 કેસોમાંથી 3,275 કેસો સક્રિય છે, જ્યારે 1,516 લોકોને રજા આપવામાં આવી છે અને 35 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
- કર્ણાટકઃ આજે રાજ્યમાં વધુ 8 પોઝિટીવ કેસો નોંધાયાં હતા. તેમાંથી 3-3 દેવાનગેરે અને કાલબુરીમાંથી તથા 1-1 બેલાગાવી અને બેંગ્લોરમાંથી નોંધાયાં હતાં. દેવાનગેરે ખાતે આજે એક 55 વર્ષીય મહિલાનું કોવિડની બીમારીના કારણે મૃત્યુ નીપજ્યું હતું. અત્યાર સુધી કુલ 701 કેસ નોંધાઇ ચુક્યાં છે, જેમાંથી 30 લોકોના મરણ નીપજ્યાં છે અને 363 લોકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
- આંધ્રપ્રદેશઃ આજે વહેલી સવારે LG પોલિમર્સ કેમિકલ ખાતે વિઝાગ કેમિકલ ગેસ ગળતરની દુર્ઘટનાના કારણે 9 લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં અને 200થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. ગેસ ગળતરની ઘટનાના પગલે પ્રધાનમંત્રીએ રાજ્યના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સાથે વાતચીત કરી હતી અને કેન્દ્ર તરફથી તમામ સહાય પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું. ગ્રીન ઝોન વિજ્યાનગરમ જિલ્લામાં પ્રથમ વખત 3 પોઝિટીવ કેસો નોંધાયાં હતા. છેલ્લા 24 કલાકમાં 8,087 નમૂનાઓનું પરીક્ષણ કર્યા પછી 56 પોઝિટીવ કેસો નોંધાયાં હતાં, જ્યારે 511 લોકોને રજા આપવામાં આવી છે અને બે લોકોના મરણ નીપજ્યાં છે. આ સાથે કુલ કેસોની સંખ્યા વધીને 1,833 થઇ ગઇ છે, જેમાંથી 1,015 સક્રિય કેસો છે, 780 લોકો સાજા થયાં છે અને કુલ 38 લોકોના મરણ નીપજ્યાં છે. સૌથી વધારે પોઝિટીવ કેસો ધરાવતા જિલ્લાઓમાં કુર્નૂલ (540), ગુંતૂર (373), ક્રિશ્ના (316)નો સમાવેશ થાય છે.
- તેલંગણાઃ તેલંગણામાં ફસાયેલા 2,803 કામદારો બુધવારે પોતાના વતન પરત ફરવા રવાના થયા હતા. તેલંગણા વડી અદાલતે બુધવારે રાજ્ય સરકારને આપાતકાલીન આરોગ્ય પરિસ્થિતિમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાંની માહિતી પૂરી પાડવા નિર્દેશો આપ્યાં હતાં. રાજ્ય સરકારે 33% કાર્યબળ સાથે ખાનગી કચેરીઓને તેમની કામગીરી શરૂ કરવાની પરવાનગી આપી હોવા છતાં IT/ IT સક્ષમ ક્ષેત્રોમાં કામ પર પરત ફરવાની આગામી રણનીતિ ઘડવા રાજ્ય સરકાર તરફથી વધુ સ્પષ્ટ નીતિની રાહ જોઇ રહ્યું છે. અત્યાર સુધી 1,107 કેસ નોંધાયાં છે, જેમાંથી 430 સક્રિય છે, 29 લોકોના મરણ નીપજ્યાં છે અને 648 લોકો સાજા થયા છે.
- અરૂણાચલ પ્રદેશઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી રાહત કોષમાં અત્યાર સુધી રૂ. 19.89 કરોડ પ્રાપ્ત થયા છે અને આજ દિન સુધી કોવિડ સંબંધિત રાહત કામગરીરી માટે સરકાર દ્વારા રૂ. 9.49 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અરૂણાચલ પ્રદેશમાં PMGKY અંતર્ગત કુલ 32,751 વિનામૂલ્યે LPG સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે.
- આસામઃ મુખ્યમંત્રીએ કોરોના વાઇરસ મહામારીના કારણે રાજ્યના અર્થતંત્રને ફરી બેઠું કરવા અધ્યક્ષ અને સલાહકારી સમિતિના સભ્યો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું.
- મેઘાલયઃ મેઘાલયમાં IIM ઉમ્સાવલીને 258 બેડ સાથે કોરોના સંભાળ કેન્દ્રમાં ફેરવવામાં આવ્યું છે. કર્મચારીઓ, શંકાસ્પદ કેસો અને દર્દીઓ માટે અલગ-અલગ માળ નિર્ધારિત કરાયા છે.
- મણીપૂરઃ સરકારે સામાજિક અંતરના નિયમોના ચુસ્ત પાલન સાથે ગ્રામીણ વિસ્તારોમાં મનરેગાની કામગીરી શરૂ કરવા માટે મંજૂરી આપી છે. ઉપરાંત રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને ઑનલાઇન શિક્ષણ દ્વારા શૈક્ષણિક સમયપત્રક જાળવવાની સૂચના આપવામાં આવી છે.
- મિઝોરમઃ જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ વિભાગના મસ્ટર રોલ કર્મચારીઓએ કોવિડ-19 મહામારી માટે મુખ્યમંત્રી રાહત કોષમાં રૂ. 1 લાખનો ફાળો આપ્યો છે.
- નાગાલેન્ડઃ મુખ્યમંત્રીએ તુએનશાંગ જિલ્લા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દૈનિક કામદારોને રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ તુએનશાંગ, લોંગલેંગ, કિફેરે અને શામ્મતોરની જિલ્લા પરિષદને વોકી-ટોકીના સેટનું દાન કર્યું હતું.
- મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં એક જ દિવસના સૌથી વધારે 1,233 નવા કેસો નોંધાયાં હતાં અને રાજ્યમાં વધુ 34 લોકોના મરણ નીપજ્યાં હતા. આ સાથે જ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 16,758 પર પહોંચી છે અને મૃત્યુઆંક વધીને 651 થઇ ગયો છે. માત્ર મુંબઇમાં અત્યાર સુધી 10,500થી વધારે કેસો નોંધાઇ ચુક્યાં છે. મુંબઇ કોવિડ-19ના સૌથી વધારે પોઝિટીવ કેસો ધરાવતું હોવા છતાં તે એકમાત્ર શહેર છે જેણે અત્યાર સુધી 1 લાખથી વધારે ટેસ્ટ હાથ ધર્યા છે. દરરોજ 6 જાહેર અને 11 ખાનગી લેબમાં 4,500 જેટલાં ટેસ્ટ હાથ ધરવામાં આવે છે. જોકે પોઝિટીવ કેસોનો દર એપ્રિલની શરૂઆતમાં 3%થી વધીને 10% ઉપર પહોંચી ગયો છે, જે ઝડપથી ચેપના ફેલાવાનું સૂચન કરે છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઇમાં 25,000 ખાનગી ડૉક્ટરોને કોવિડ-19 દર્દીઓની સારવાર કરવા માટે તાત્કાલિક હોસ્પિટલમાં હાજર થવા આદેશ કર્યો છે. રાજ્ય સરકારે નોટિસમાં જણાવ્યું હતું કે ડૉક્ટરોને રક્ષણાત્મક ઉપકરણો પુરા પાડવામાં આવશે, તેમજ ઇમરજન્સીમાં કામગીરી કરવા માટે મહેનતાણું ચૂકવાશે. જોકે 55 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં ડૉક્ટરોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
- ગુજરાતઃ રાજ્યમાં નવા 380 કેસ નોંધાતાની સાથે કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 6,625 પર પહોંચી ગઇ હતી. બીજી તરફ મહામારીના કારણે મૃત્યુઆંક વધીને 396 પર પહોંચી ગયો છે. 380 નવા કેસોમાંથી 291 કેસો માત્ર અમદાવાદમાંથી નોંધાયા હતા.
- રાજસ્થાનઃ રાજસ્થાન સરકારે રાજ્યમાં કોવિડ-19નો ફેલાવો નિયંત્રિત કરવા માટે અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશને અટકાવવા આંતરરાજ્ય સરહદો પર ચુસ્ત નાકાબંધી કરી દીધી છે. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 3,355 પર પહોંચી ગઇ છે. રાજસ્થાન રાજ્યમાં અન્ય મોટા રાજ્યોની સરખામણીમાં સૌથી વધારે 46.98નો રિકવરી રેટ જોવા મળ્યો છે.
- મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં પોઝિટીવ કેસોની સંખ્યા 3,138 થઇ ગઇ છે. 1,099 લોકો સાજા થતા રાજ્યમાં અંદાજે 33%નો રિકવરી દર નોંધાયો છે.

(Release ID: 1621937)
Visitor Counter : 323
Read this release in:
Malayalam
,
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada