પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 20થી 21 જૂનનાં રોજ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરમાં રૂ. 1,500 કરોડથી વધારેનાં મૂલ્યનાં 84 મુખ્ય વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી રૂ. 1800 કરોડનાં મૂલ્યનાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સ્પર્ધાત્મક સુધારા (જેકેસીઆઈપી) પ્રોજેક્ટનો શુભારંભ કરશે

પ્રધાનમંત્રી શ્રીનગરમાં 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે

"સ્વયં અને સમાજ માટે યોગ" એ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે

Posted On: 19 JUN 2024 4:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 અને 21 જૂન, 2024નાં રોજ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી 20 જૂનનાં રોજ સાંજે 6 વાગ્યે શ્રીનગરમાં શેર--કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (એસકેઆઇસીસી)માં 'એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&K' કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા પ્રોજેક્ટ (જેકેસીઆઈપી) પણ શરૂ કરશે.

પ્રધાનમંત્રી 21 જૂનનાં રોજ સવારે 6.30 વાગે શ્રીનગરમાં એસકેઆઇસીસીમાં 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન કરશે અને ત્યારબાદ સીવાયપી યોગ સત્રમાં ભાગ લેશે.

યુવાનોનું સશક્તીકરણ, જમ્મુ-કાશ્મીરમાં પરિવર્તન

"યુવાનોનું સશક્તીકરણ, પરિવર્તન જમ્મુ અને કાશ્મીર" કાર્યક્રમ આ વિસ્તાર માટે મહત્ત્વપૂર્ણ ક્ષણ છે, જેમાં પ્રગતિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને યુવા સિદ્ધિઓ હાંસલ કરનારાઓને પ્રેરણા પ્રદાન કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સ્ટોલનું નિરીક્ષણ કરશે અને જમ્મુ-કાશ્મીરનાં યંગ એચિવર્સ સાથે વાતચીત કરશે.

પ્રધાનમંત્રી રૂ. 1,500 કરોડથી વધારે મૂલ્યનાં 84 મુખ્ય વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. ઉદઘાટનોમાં રોડ માળખાગત સુવિધા, પાણી પુરવઠાની યોજનાઓ અને ઉચ્ચ શિક્ષણમાં માળખાગત સુવિધા સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ સામેલ હશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ચેનાની-પટનીટોપ-નાશરી વિભાગમાં સુધારો, ઔદ્યોગિક વસાહતોનો વિકાસ અને 06 સરકારી ડિગ્રી કોલેજોના નિર્માણ જેવા વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી રૂ. 1,800 કરોડનાં મૂલ્યનાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતાનાં સુધારા (જેકેસીઆઇપી) પ્રોજેક્ટનો પણ શુભારંભ કરશે. આ પરિયોજનાનો અમલ જમ્મુ અને કાશ્મીરનાં 20 જિલ્લાઓમાં 90 બ્લોક્સમાં થશે અને આ પ્રોજેક્ટ 3,00,000 કુટુંબો સુધી પહોંચશે, જેમાં 15 લાખ લાભાર્થીઓ સામેલ હશે.

પ્રધાનમંત્રી સરકારી નોકરીમાં નિયુક્ત 2000થી વધારે વ્યક્તિઓને નિમણૂકપત્રોનું વિતરણ પણ કરશે.

આ યોજનાઓનો શિલાન્યાસ/ઉદઘાટન અને શુભારંભ જમ્મુ-કાશ્મીરમાં યુવાનોને સશક્ત બનાવશે તથા માળખાગત સુવિધાઓમાં સુધારો કરશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

21મી જૂન 2024ના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ના અવસરે, પ્રધાનમંત્રી શ્રીનગરના SKICC ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. આ વર્ષની ઇવેન્ટ યુવા મન અને શરીર પર યોગની ઊંડી અસરને રેખાંકિત કરે છે. ઉજવણીનો ઉદ્દેશ્ય હજારો લોકોને યોગની પ્રેક્ટિસમાં જોડવાનો, વૈશ્વિક સ્તરે આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે.

વર્ષ 2015થી પ્રધાનમંત્રીએ દિલ્હી, ચંદીગઢ, દહેરાદૂન, રાંચી, લખનઉ, મૈસૂર અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રનાં મુખ્યાલય સહિત વિવિધ પ્રતિષ્ઠિત સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઈડીવાય)ની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું.

આ વર્ષની થીમ "સ્વયં અને સમાજ માટે યોગ" વ્યક્તિગત અને સામાજિક સુખાકારીને પ્રોત્સાહન આપવામાં બેવડી ભૂમિકા પર પ્રકાશ પાડે છે. આ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં તળિયાની ભાગીદારી અને યોગના પ્રસારને પ્રોત્સાહિત કરશે.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2026623) Visitor Counter : 57