પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાજ્યસભાનાં નિવૃત્ત થઈ રહેલા સભ્યોને વિદાય આપી

"ડૉ. મનમોહન સિંહ આપણા દેશની લોકશાહીની દરેક ચર્ચામાં સામેલ થશે"

"આ ગૃહ છ વર્ષની વૈવિધ્યસભર યુનિવર્સિટી છે, જે અનુભવોથી આકાર પામે છે"

Posted On: 08 FEB 2024 12:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાના નિવૃત્ત થઇ રહેલા સભ્યોને વિદાય આપી હતી.

રાજ્યસભામાં આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકસભા દર પાંચ વર્ષ પછી બદલાય છે, ત્યારે રાજ્યસભાને દર બે વર્ષે નવી જીવનશક્તિ મળે છે. એ જ રીતે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દ્વિવાર્ષિક વિદાય નવા સભ્યો માટે અમિટ યાદો અને અમૂલ્ય વારસો પણ છોડી જાય છે.

ડૉ. મનમોહન સિંહનાં પ્રદાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "તેમનાં લાંબા કાર્યકાળને કારણે તેમણે ગૃહ અને રાષ્ટ્રને માર્ગદર્શન આપ્યું હતું, જેનાં પરિણામે તેઓ આપણાં દેશનાં લોકશાહીની દરેક ચર્ચામાં સામેલ થશે." પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, તમામ સાંસદો આ પ્રકારનાં વિશિષ્ટ સભ્યોનાં આચરણમાંથી શીખવાનો પ્રયાસ કરે, કારણ કે તેઓ માર્ગદર્શક છે. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને ગૃહમાં મતદાન કરવા વ્હીલ ચેર પર આવીને કોઈ સભ્યની તેમની ફરજો પ્રત્યે સમર્પણનું પ્રેરક ઉદાહરણ હોવાનું યાદ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હું માનું છું કે તેઓ લોકશાહીને તાકાત પ્રદાન કરવા આવ્યા છે." પીએમ મોદીએ તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જે સભ્યો વધારે જાહેર મંચ માટે રવાના થશે, તેમને રાજ્યસભામાં અનુભવનો મોટો લાભ મળશે. "આ છ વર્ષની વૈવિધ્યસભર યુનિવર્સિટી છે, જે અનુભવોથી આકાર પામે છે. અહીંથી જે કોઈ પણ વ્યક્તિ બહાર જાય છે તે સમૃદ્ધ બને છે અને રાષ્ટ્રનિર્માણના કાર્યને મજબૂત બનાવે છે."

વર્તમાન ક્ષણના મહત્વને ચિહ્નિત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જે સભ્યો આજે વિદાય લઈ રહ્યા છે, તેમને જૂની અને નવી ઇમારત એમ બંનેમાં રહેવાની તક મળી છે તથા તેઓ અમૃત કાળ અને બંધારણનાં 75 વર્ષનાં સાક્ષી બની રહ્યાં છે.

કોવિડ રોગચાળાને યાદ કરીને જ્યારે અનિશ્ચિતતાઓ મોટી થઈ હતી, ત્યારે પ્રધાનમંત્રીએ ગૃહની કામગીરીમાં કોઈ પણ અવરોધ ન આવવા દેવા માટે સભ્યોની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે સાંસદો દ્વારા તેમની જવાબદારીઓ અદા કરવા માટે ઉઠાવવામાં આવેલા મોટા જોખમોની નોંધ લીધી હતી. પીએમ મોદીએ તે સભ્યો માટે પણ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો જેમણે કોરોનાવાયરસથી પોતાનો જીવ ગુમાવ્યો હતો અને કહ્યું હતું કે ગૃહે તેને કૃતઘ્નાથી સ્વીકાર્યું હતું અને આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું.

પ્રધાનમંત્રીએ વિપક્ષો દ્વારા પહેરવામાં આવતા કાળા વસ્ત્રોની એક ઘટનાને યાદ કરીને નોંધ્યું હતું કે, દેશ સમૃદ્ધિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને આ ઘટનાને દેશની પ્રગતિની સફર માટે 'કાલા ટીકા' દ્વારા ખરાબ નજરથી બચવાના પ્રયાસ તરીકે જોઈ શકાય છે.

પ્રાચીન ગ્રંથોને ટાંકીને પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, જે લોકો સારી સંગત જાળવે છે, તેઓ સમાન ગુણો કેળવે છે અને જેઓ ખરાબ સંગાથથી ઘેરાયેલાં છે, તેઓ ખામીયુક્ત બની જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નદી વહે ત્યારે જ નદીનું પાણી પીવાલાયક રહે છે, અને દરિયાને મળતા જ તે ખારું થઈ જાય છે. આ જ વિશ્વાસ સાથે પ્રધાનમંત્રીએ પોતાનું સંબોધન પૂરું કર્યું હતું અને કહ્યું હતું કે, નિવૃત્ત થઈ રહેલા સભ્યોનો અનુભવ દરેકને સતત પ્રેરિત કરતો રહેશે. તેમણે અભિનંદન પાઠવ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.

*****

AP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2003858) Visitor Counter : 136