સંરક્ષણ મંત્રાલય

77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનો તખ્તો તૈયાર; પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આઇકોનિક લાલ કિલ્લા પરથી આ ઉજવણીનું નેતૃત્વ કરશે


આ સમારોહના સાક્ષી બનવા માટે દેશભરનાં વિવિધ ક્ષેત્રોનાં લગભગ 1,800 લોકોને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યાં

Posted On: 13 AUG 2023 11:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ઑગસ્ટ, 2023ના રોજ દિલ્હીમાં પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને આ ઐતિહાસિક સ્મારકની પ્રાચીર પરથી રાષ્ટ્રને રૂઢિગત સંબોધન કરશે. આ વર્ષનો સ્વતંત્રતા દિવસ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની  ઉજવણીનું સમાપન કરશે, જેનો પ્રારંભ પ્રધાનમંત્રીએ 12 માર્ચ, 2021ના રોજ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી કરાવ્યો હતો અને 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના શ્રી નરેન્દ્ર મોદીનાં સ્વપ્નને સાકાર કરવા માટે ફરી એકવાર દેશને નવા જોશ સાથે 'અમૃત કાલ'માં પ્રવેશ કરાવશે. 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે અનેક નવી પહેલ કરવામાં આવી છે. ગયાં વર્ષની સરખામણીએ મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

વિશિષ્ટ મહેમાનો

લાલ કિલ્લા પર આ ઉજવણીમાં ભાગ લેવા માટે દેશભરમાંથી વિવિધ ક્ષેત્રોનાં આશરે 1,800 લોકોને તેમના જીવનસાથી સાથે આમંત્રિત કરવામાં આવ્યાં છે. સરકારના 'જન ભાગીદારી'નાં વિઝનને અનુરૂપ આ પહેલ કરવામાં આવી છે.

આ વિશેષ અતિથિઓમાં 660થી વધારે વાઇબ્રન્ટ ગામડાંનાં 400થી વધારે સરપંચો; ખેડૂત ઉત્પાદક સંગઠન યોજનામાંથી 250; પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાન દરેકના 50-50 સહભાગીઓ; સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નવાં સંસદ ભવન સહિત 50 શ્રમ યોગીઓ (નિર્માણ કામદારો); ખાદી કામદારો, સરહદી માર્ગોનાં નિર્માણ, અમૃત સરોવરનાં નિર્માણ અને હર ઘર જલ યોજનામાં સંકળાયેલાં દરેકમાંથી 50-50 તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકો, નર્સો અને માછીમારો દરેકમાંથી 50-50નો સમાવેશ થાય છે. એમાંના કેટલાક વિશેષ અતિથિઓ દિલ્હીમાં તેમનાં રોકાણના ભાગરૂપે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે અને રક્ષા રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટને મળશે.

દરેક રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પંચોતેર (75) યુગલોને તેમના પરંપરાગત પોશાકમાં લાલ કિલ્લા પર સમારંભના સાક્ષી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

સેલ્ફી પોઇન્ટ્સ

          સરકારની વિવિધ યોજનાઓ અને પહેલને સમર્પિત સેલ્ફી પોઇન્ટ્સ 12 સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, ઇન્ડિયા ગેટ, વિજય ચોક, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન, પ્રગતિ મેદાન, રાજ ઘાટ, જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન, દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન, આઇટીઓ મેટ્રો ગેટ, નૌબત ખાના અને શીશ ગંજ ગુરુદ્વારાનો સમાવેશ થાય છે.

આ યોજનાઓ/પહેલમાં વૈશ્વિક આશાઃ રસી અને યોગ; ઉજ્જવલા યોજના; સ્પેસ પાવર; ડિજિટલ ઇન્ડિયા; સ્કિલ ઇન્ડિયા; સ્ટાર્ટ-અપ ઇન્ડિયા; સ્વચ્છ ભારત; સશક્ત ભારત, નયા ભારત; પાવરિંગ ઇન્ડિયા; પ્રધાનમંત્રી આવાસ યોજના અને જલ જીવન મિશન સામેલ છે.

ઉજવણીના ભાગરૂપે, સંરક્ષણ મંત્રાલય દ્વારા 15 થી 20 ઑગસ્ટ દરમિયાન માયગવ પોર્ટલ પર એક ઓનલાઇન સેલ્ફી સ્પર્ધા યોજવામાં આવશે. લોકોને સ્પર્ધામાં ભાગ લેવા માટે 12માંથી એક અથવા વધુ ઇન્સ્ટોલેશન્સ પર સેલ્ફી લેવા અને તેમને માયગવ પ્લેટફોર્મ પર અપલોડ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઓનલાઇન સેલ્ફી સ્પર્ધાના આધારે દરેક ઇન્સ્ટોલેશનમાંથી એક એવા બાર વિજેતાઓની પસંદગી કરવામાં આવશે. વિજેતાઓને પ્રત્યેકને 10,000 રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે.

ઈ-આમંત્રણ

          તમામ સત્તાવાર આમંત્રણો આમંત્રણ પોર્ટલ (www.aamantran.mod.gov.in) દ્વારા ઓનલાઇન મોકલવામાં આવ્યાં છે. પોર્ટલનાં માધ્યમથી 17 હજાર આમંત્રણ કાર્ડ્સ જારી કરવામાં આવ્યા છે.

સમારંભ
લાલ કિલ્લા પર પ્રધાનમંત્રીનાં આગમન પર તેમનું સ્વાગત સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટ અને સંરક્ષણ સચિવ શ્રી ગિરિધર અરામને કરશે. સંરક્ષણ સચિવ પ્રધાનમંત્રીને દિલ્હી વિસ્તારના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી), લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠનો પરિચય કરાવશે. પછી જીઓસી દિલ્હી વિસ્તાર શ્રી નરેન્દ્ર મોદીને સલામી બેઝ પર લઈ જશે, જ્યાં સંયુક્ત આંતર-સેવાઓ અને દિલ્હી પોલીસ ગાર્ડ પ્રધાનમંત્રીને સામાન્ય સલામી આપશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કરશે.

પ્રધાનમંત્રી માટેની ગાર્ડ ઑફ ઓનર ટુકડીમાં એક અધિકારી અને સેના, હવાઈ દળ અને દિલ્હી પોલીસ દરેકના 25-25 જવાનો તથા નૌકાદળનાં એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે. ભારતીય સેના આ વર્ષે સંકલનકર્તા સેવા છે. ગાર્ડ ઑફ ઓનરની કમાન મેજર વિકાસ સાંગવાન સંભાળશે. પ્રધાનમંત્રીના ગાર્ડમાં સેનાની ટુકડીની કમાન મેજર ઇન્દ્રજિત સચિન, નૌ સેના ટુકડીની  લેફ્ટનન્ટ કમાન્ડર એમ.વી.રાહુલ રમન અને વાયુસેનાની ટુકડી સ્ક્વોડ્રન લીડર આકાશ ગાંઘસ સંભાળશે. દિલ્હી પોલીસની ટુકડીની કમાન એડિશનલ ડીસીપી સંધ્યા સ્વામી સંભાળશે.

ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યા પછી પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીરમાં પ્રસ્થાન કરશે, જ્યાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે, નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિ કુમાર અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી તેમનું સ્વાગત કરશે. જીઓસી, દિલ્હી વિસ્તાર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રધાનમંત્રીને પ્રાચીર પર મંચ પર લઈ જશે.

ફરકાવ્યા બાદ તિરંગાને 'રાષ્ટ્રીય સલામી' અપાશે. રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને 'રાષ્ટ્રીય સલામી' પ્રસ્તુત કરવા દરમિયાન એક જેસીઓ અને 20 અન્ય રેન્ક ધરાવતું આ આર્મી બેન્ડ રાષ્ટ્રગીત વગાડશે. આ બેન્ડનું સંચાલન નાયબ સુબેદાર જતિન્દર સિંઘ કરશે.

મેજર નિકિતા નાયર અને મેજર જાસ્મિન કૌર પ્રધાનમંત્રીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં મદદ કરશે. તેને ચુનંદા 8711 ફિલ્ડ બૅટરી (સમારંભ)ના બહાદુર ગનર દ્વારા 21 તોપોની સલામી સાથે સમન્વયિત કરવામાં આવશે. ઔપચારિક બૅટરીની કમાન લેફ્ટનન્ટ કર્નલ વિકાસ કુમાર સંભાળશે અને ગન પોઝિશન ઓફિસર નાયબ સુબેદાર (એઆઈજી) અનૂપ સિંહ હશે.

પાંચ અધિકારીઓ અને સેના, નૌકાદળ, હવાઈ દળ અને દિલ્હી પોલીસનાં 128 અન્ય રેન્ક ધરાવતું આ રાષ્ટ્રધ્વજ ગાર્ડ પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાના સમયે રાષ્ટ્રીય સલામી અર્પણ કરશે. આર્મી તરફથી મેજર અભિનવ દેથા આ ઇન્ટર સર્વિસ ગાર્ડ અને પોલીસ ગાર્ડની કમાન સંભાળશે.

નેશનલ ફ્લેગ ગાર્ડમાં સેનાની ટુકડીની કમાન મેજર મુકેશ કુમાર સિંહ, નૌકાદળની ટુકડી લેફ્ટનન્ટ કમાન્ડર હરપ્રીત માન અને વાયુસેનાની ટુકડી સ્ક્વોડ્રન લીડર શ્રેય ચૌધરી સંભાળશે. દિલ્હી પોલીસની ટુકડીની કમાન એડિશનલ ડીસીપી શશાંક જયસ્વાલ સંભાળશે.

પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતા જ લાઈન એસ્ટર્ન ફોર્મેશનમાં ભારતીય વાયુસેનાના બે એડવાન્સ લાઈટ હૅલિકોપ્ટર માર્ક-૩ ધ્રુવ દ્વારા સ્થળ પર પુષ્પવર્ષા કરવામાં આવશે. હૅલિકોપ્ટરના કૅપ્ટન વિંગ કમાન્ડર અંબર અગ્રવાલ અને સ્ક્વોડ્રન લીડર હિમાંશુ શર્મા હશે.

ફૂલોની પાંખડીઓ વરસાવ્યા બાદ પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધન કરશે. પ્રધાનમંત્રીનાં ભાષણનાં સમાપનમાં નેશનલ કૅડેટ કોર્પ્સ (એનસીસી)ના કૅડેટ્સ રાષ્ટ્રગીતનું ગાન કરશે. રાષ્ટ્રીય ઉત્સાહના આ તહેવારમાં દેશભરની વિવિધ શાળાઓના એક હજાર એકસો (1,100) છોકરા અને છોકરી એનસીસી કૅડેટ્સ (આર્મી, નેવી અને એરફોર્સ) ભાગ લેશે. જ્ઞાનપથ પર રંગબેરંગી ગલપટ્ટા લગાવવામાં આવ્યા છે, જેના પર કેડેટ્સને ઓફિશિયલ વ્હાઇટ ડ્રેસમાં બેસાડવામાં આવશે.

આ ઉપરાંત એનસીસી કૅડેટ્સને ઉજવણીના ભાગરૂપે જ્ઞાન પથ પર ગણવેશમાં બેસાડવામાં આવશે. બીજી ખાસિયત એ હશે કે જી-20નો લોગો, જે લાલ કિલ્લા પર પુષ્પની સજાવટનો એક ભાગ હશે.

CB/GP/JD



(Release ID: 1948298) Visitor Counter : 306