પ્રધાનમંત્રીનું કાર્યાલય
શ્રીલંકાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેસ સ્ટેટમેન્ટ
Posted On:
21 JUL 2023 1:40PM by PIB Ahmedabad
મહામહિમ, રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે,
બંને દેશોના પ્રતિનિધિઓ
તમામ મીડિયા મિત્રો,
નમસ્તે!
આયુબોવન!
વણક્કમ!
હું રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરું છું. આજે રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે પોતાના કાર્યકાળનો એક વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ અવસર પર, હું અમારા બધા વતી તેમને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. શ્રીલંકાના લોકો માટે છેલ્લું એક વર્ષ પડકારોથી ભરેલું રહ્યું છે. એક નજીકના મિત્ર તરીકે, હંમેશની જેમ, અમે આ સંકટ સમયે શ્રીલંકાના લોકો સાથે ખભે ખભા મિલાવીને ઊભા છીએ. અને શ્રીલંકાના લોકોએ જે હિંમતથી આ પડકારજનક સંજોગોનો સામનો કર્યો છે તેના માટે હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
મિત્રો,
આપણા સંબંધો આપણી સંસ્કૃતિ જેટલા જ પ્રાચીન છે અને એટલા જ વ્યાપક છે. ભારતની "નેબરહુડ ફર્સ્ટ" નીતિ અને "સાગર" વિઝન બંનેમાં શ્રીલંકાનું પણ મહત્વનું સ્થાન છે. આજે અમે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર અમારા મંતવ્યો શેર કર્યા. અમે માનીએ છીએ કે ભારત અને શ્રીલંકાના સુરક્ષા હિતો અને વિકાસ એકબીજા સાથે જોડાયેલા છે. અને તેથી, તે જરૂરી છે કે આપણે એકબીજાની સલામતી અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સાથે મળીને કામ કરીએ.
મિત્રો,
આજે અમે અમારી આર્થિક ભાગીદારી માટે વિઝન ડોક્યુમેન્ટ અપનાવ્યું છે. આ વિઝન બંને દેશોના લોકો વચ્ચે મેરીટાઇમ, એર, એનર્જી અને પીપલ ટુ પીપલ કનેક્ટિવિટી મજબૂત કરવાનો છે. આ વિઝન પ્રવાસન, ઉર્જા, વેપાર, ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં પરસ્પર સહકારને વેગ આપવાનું છે. આ વિઝન શ્રીલંકા પ્રત્યે ભારતની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા છે.
મિત્રો,
અમે નક્કી કર્યું છે કે આર્થિક અને તકનીકી સહયોગ કરાર પર ટૂંક સમયમાં વાતચીત શરૂ કરવામાં આવશે. આ બંને દેશો માટે વેપાર અને આર્થિક સહયોગની નવી શક્યતાઓ ખોલશે. અમે ભારત અને શ્રીલંકા વચ્ચે હવાઈ જોડાણ વધારવા સંમત થયા છીએ. વ્યાપાર અને લોકોની અવરજવર વધારવા માટે તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કાંકે-સંથુરાઈ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમે નક્કી કર્યું છે કે બંને દેશો વચ્ચે વીજળીના ગ્રીડને જોડવાનું કામ ઝડપી કરવામાં આવશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પેટ્રોલિયમ પાઈપલાઈન માટે ફિઝિબિલિટી સ્ટડી કરવામાં આવશે. આ ઉપરાંત લેન્ડ બ્રિજની ફિઝિબિલિટી ચકાસવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. શ્રીલંકામાં UPI લોન્ચ કરવા માટે આજે થયેલા કરાર સાથે ફિનટેક કનેક્ટિવિટી પણ વધશે.
મિત્રો,
આજે અમે માછીમારોની આજીવિકાને લગતા પ્રશ્નોની પણ ચર્ચા કરી. અમે સંમત છીએ કે આપણે આ બાબતે માનવીય અભિગમ સાથે આગળ વધવું જોઈએ. અમે શ્રીલંકામાં પુનઃનિર્માણ અને સમાધાન અંગે પણ વાત કરી હતી. રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ મને તેમના સમાવેશી અભિગમ વિશે જણાવ્યું. અમે આશા રાખીએ છીએ કે શ્રીલંકાની સરકાર તમિલોની આકાંક્ષાઓને પૂર્ણ કરશે. સમાનતા, ન્યાય અને શાંતિ માટે પુનઃનિર્માણની પ્રક્રિયાને આગળ ધપાવશે. તેરમા સુધારાના અમલીકરણ અને પ્રાંતીય પરિષદની ચૂંટણીઓ યોજવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરશે. અને, શ્રીલંકાના તમિલ સમુદાય માટે સન્માન અને પ્રતિષ્ઠાનું જીવન સુનિશ્ચિત કરશે.
મિત્રો,
આ વર્ષ આપણા દ્વિપક્ષીય સંબંધો માટે વિશેષ મહત્વ ધરાવે છે. અમે અમારા રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. તેમજ ભારતીય મૂળનો તમિલ સમુદાય શ્રીલંકામાં તેના આગમનના 200 વર્ષ પૂરા કરી રહ્યો છે. મને જણાવતા આનંદ થાય છે કે આ અવસર પર શ્રીલંકાના ભારતીય મૂળના તમિલ નાગરિકો માટે 75 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવશે. તેની સાથે જ ભારત શ્રીલંકાના ઉત્તર અને પૂર્વીય ક્ષેત્રના વિકાસ કાર્યક્રમોમાં પણ યોગદાન આપશે.
મહામહિમ
એક સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ શ્રીલંકા માત્ર ભારતના હિતમાં નથી, પરંતુ સમગ્ર હિંદ મહાસાગર ક્ષેત્રના હિતમાં છે. હું ફરી એકવાર ખાતરી આપું છું કે ભારતના લોકો તેમના સંઘર્ષની ઘડીમાં શ્રીલંકાના લોકોની સાથે છે.
ખુબ ખુબ આભાર.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1941391)
Visitor Counter : 164
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam