પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 12 ફેબ્રુઆરીએ રાજસ્થાન અને 13 ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી રાજસ્થાનના દૌસામાં 18,100 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને લોકાર્પણ કરશે
પ્રધાનમંત્રી દિલ્હી મુંબઇ એક્સપ્રેસ-વેનો દિલ્હી – દૌસા – લાલસોટ વિભાગ રાષ્ટ્રને લોકાર્પિત કરશે – આ વિભાગ દિલ્હીથી જયપુર સુધીના પ્રવાસ સમય લગભગ 5 કલાકથી ઘટાડીને લગભગ 3.5 કલાક કરશે
પ્રધાનંત્રી બેંગલુરુમાં એરો ઇન્ડિયા 2023ના 14મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે
એરો ઇન્ડિયા 2023માં પ્રધાનમંત્રીના 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ'ના વિઝનને અનુરૂપ સ્વદેશી ઉપકરણો/ટેકનોલોજી પ્રદર્શિત કરવા અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે

Posted On: 11 FEB 2023 10:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાન અને 13 ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી 12 ફેબ્રુઆરીના રોજ બપોરે લગભગ 3 વાગ્યે દૌસા ખાતે પહોંચશે અને 18,100 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને લોકાર્પણ કરશે.

13 ફેબ્રુઆરીના રોજ, સવારે લગભગ 9:30 વાગ્યે, તેઓ બેંગલુરુમાં યેલાહંકા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન પર એરો ઇન્ડિયા 2023ના 14મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રીની દૌસાની મુલાકાત

નવા ભારતમાં વૃદ્ધિ, વિકાસ અને કનેક્ટિવિટીના એન્જિન તરીકે ઉત્કૃષ્ટ માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર પ્રધાનમંત્રી વિશેષ ભાર આપી રહ્યા છે અને સમગ્ર દેશમાં ચાલી રહેલા સંખ્યાબંધ વિશ્વ કક્ષાના એક્સપ્રેસ-વેના નિર્માણ દ્વારા આ વિઝનને સાકાર કરવામાં આવી રહ્યું છે. આવો જ એક મહત્વનો પ્રોજેક્ટ દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વે છે. પ્રધાનમંત્રી દ્વારા આ એક્સપ્રેસ-વેના પૂર્ણ થયેલા પ્રથમ વિભાગ, દિલ્હી દૌસા લાલસોટ સેક્શનનું રાષ્ટ્રને લોકાર્પણ કરવામાં આવશે.

દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વેનો 246 કિમીનો દિલ્હી-દૌસા-લાલસોટ વિભાગ રૂ. 12,150 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ વિભાગનું કામ પૂરું થયું હોવાથી દિલ્હીથી જયપુર સુધીની મુસાફરીનો સમય અત્યારે 5 કલાક છે તે ઘટીને લગભગ 3.5 કલાક થઇ જશે અને સમગ્ર પ્રદેશના આર્થિક વિકાસને મોટો વેગ મળશે.

દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વેની કુલ લંબાઇ 1,386 કિમી છે જે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે. તેનું નિર્માણ થવાથી દિલ્હી અને મુંબઇ વચ્ચેની મુસાફરીનું અંતર હાલમાં 1,424 કિમી છે તે ઘટીને 1,242 કિલોમીટર થશે એટલે કે 12% જેટલું અંતર ઘટી જશે અને મુસાફરીનો સમય અત્યારે 24 કલાક છે જે ઘટીને 12 કલાક જેટલો થઇ જશે એટલે કે સમયમાં 50%નો ઘટાડો થશે. આ એક્સપ્રેસ-વે છ રાજ્યો એટલે કે, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઇન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે. આ એક્સપ્રેસ-વે 93 પ્રધાનમંત્રી ગતિ શક્તિ ઇકોનોમિક નોડ્સ, 13 બંદરો, 8 મુખ્ય હવાઇમથકો અને 8 મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (MMLP) સાથે તેમજ નવા આવનારા ગ્રીનફિલ્ડ હવાઇમથક જેવા કે જેવર હવાઇમથક, નવી મુંબઇ હવાઇમથક અને JNPT બંદરને પણ સેવા પૂરી પાડશે. આ એક્સપ્રેસ-વે તમામ સંલગ્ન પ્રદેશોના વિકાસના માર્ગમાં ઉત્પ્રેરક પ્રભાવ પાડશે અને આ પ્રકારે દેશના આર્થિક પરિવર્તનમાં તેનું મુખ્ય યોગદાન રહેશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી 5940 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવનારા 247 કિલોમીટર લંબાઇના રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરિયોજનાનો શિલાન્યાસ પણ કરશે. આ પરિયોજના અંતર્ગત બાંડીકુઇથી જયપુર સુધીનો 67 કિમી લાંબો ચાર-માર્ગીય શાખા રોડનો સમાવેશ થાય છે, જે રૂ. 2000 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવશે, તેમજ કોટપુટલીથી બરાઉદનિયો સુધીનો છ માર્ગીય શાખા રોડ આશરે રૂ. 3775 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે અને લાલસોટ - કરોલી વિભાગના બે માર્ગીય પેવ્ડ શોલ્ડરનું નિર્માણ, લગભગ રૂ. 150 કરોડના ખર્ચે કરવામાં આવશે.

પ્રધાનમંત્રીની બેંગલુરુની મુલાકાત

પ્રધાનમંત્રી બેંગલુરુમાં યેલાહંકા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન પર એરો ઇન્ડિયા 2023ના 14મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. એરો ઇન્ડિયા 2023ની થીમ ધ રનવે ટુ અ બિલિયન ઓપર્ચ્યુનિટીઝ (એક અબજ તકોનો રનવે) રાખવામાં આવી છે.

પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના વિઝનને અનુરૂપ, આ કાર્યક્રમમાં સ્વદેશી સાધનો/ટેક્નોલોજી પ્રદર્શિત કરવા અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર પ્રધાનમંત્રી વિશેષ ભાર આપી રહ્યા છે તેવું પણ અહીં દર્શાવવામાં આવશે, કારણ કે આ કાર્યક્રમ ડિઝાઇન નેતૃત્વ, UAV ક્ષેત્રમાં વૃદ્ધિ, સંરક્ષણ અવકાશ અને ભવિષ્યલક્ષી ટેકનોલોજીઓમાં દેશની પ્રગતિ બતાવશે. આ ઉપરાંત, આ કાર્યક્રમ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)-તેજસ, HTT-40, ડોર્નિયર લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH), લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) અને એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) જેવા સ્વદેશી એર પ્લેટફોર્મની નિકાસને પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમ સ્થાનિક MSME અને સ્ટાર્ટ-અપ્સને વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં એકીકૃત કરવામાં અને સહ-વિકાસ તેમજ સહ-ઉત્પાદન માટેની ભાગીદારી સહિત વિદેશી રોકાણોને આકર્ષવામાં પણ મદદ કરશે.

એરો ઇન્ડિયા 2023માં 80થી વધુ દેશોની ભાગીદારી જોવા મળશે. એરો ઇન્ડિયા 2023માં લગભગ 30 દેશોના મંત્રીઓ અને વૈશ્વિક તેમજ ભારતીય OEMના 65 CEO ભાગ લે તેવી શક્યતા છે.

એરો ઇન્ડિયા 2023 પ્રદર્શનમાં લગભગ 100 વિદેશી અને 700 ભારતીય કંપનીઓ સહિત 800 કરતાં વધુ સંરક્ષણ કંપનીઓની સહભાગીતા જોવા મળશે. આ પ્રદર્શનમાં ભાગ લેનારી ભારતીય કંપનીઓમાં MSME અને સ્ટાર્ટ-અપ્સનો સમાવેશ થાય છે, જે દેશમાં વિશિષ્ટ ટેકનોલોજીની પ્રગતિ, એરોસ્પેસમાં વિકાસ અને સંરક્ષણ ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. એરો ઇન્ડિયા 2023ના મુખ્ય પ્રદર્શકોમાં એરબસ, બોઇંગ, દાસૉલ્ટ એવિએશન, લોકહીડ માર્ટિન, ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી, બ્રહ્મોસ એરોસ્પેસ, આર્મી એવિએશન, HC રોબોટિક્સ, SAAB, સેફ્રાન, રોલ્સ રોયસ, લાર્સન એન્ડ ટુબ્રો, ભારત ફોર્જ લિમિટેડ, હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL), ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) અને BEML લિમિટેડનો સમાવેશ થાય છે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1898231) Visitor Counter : 187