ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે હરિયાણાના સૂરજકુંડ ખાતે બે દિવસીય ચિંતન શિબિરમાં સંબોધન આપ્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજવામાં આવેલી આ ચિંતન શિબિર દેશની સમક્ષ રહેલા તમામ પડકારોનો સાથે મળીને સામનો કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે
ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારો, જમ્મુ અને કાશ્મીર તેમજ પૂર્વોત્તર પ્રદેશ, કે જે એક સમયે હિંસા અને અશાંતિના હોટ સ્પોટ માનવામાં આવતા હતા, તે હવે વિકાસના હોટ સ્પોટ બની રહ્યા છે
સાઇબર ક્રાઇમ આજે દેશ અને દુનિયા સમક્ષ રહેલું એક મોટું જોખમ છે, તેની સામે લડવા માટે ગૃહ મંત્રાલય તૈયાર છે
મોદી સરકાર અત્યારે 'સમગ્ર સરકાર' અને 'ટીમ ઇન્ડિયા'ના અભિગમ હેઠળ, કેન્દ્ર અને રાજ્યમાં 3C એટલે કે કોઓપરેશન, કોઓર્ડિનેશન અને કોલેબ્રેશનને પ્રોત્સાહન આપી રહી છે
મોદી સરકાર દેશ અને યુવાનોને માદક દ્રવ્યોના સંકટથી બચાવવા માટે સંકલ્પબદ્ધ છે અને અમારી નીતિ પરિણામ બતાવી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 20000 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે
આજે ગુનાખોરીનું સ્વરૂપ બદલાઇ રહ્યું છે અને તે સીમારહિત બની રહ્યા છે, આથી જ તમામ રાજ્યોએ એક સામાન્ય વ્યૂહરચના બનાવીને તેની સામે લડવું પડશે
મોદી સરકારની આતંકવાદ સામે જરાય પણ સહિષ્ણુતા ન રાખવાની નીતિ છે અને તેના પર નિર્ણાયક વિજય મેળવવા માટે NIA અને અન્ય એજન્સીઓને મજબૂત બનાવવામાં આવી રહી છે, 2024 પહેલાં તમામ રાજ્યોમાં NIA શાખાની સ્થાપના કરીને આતંકવાદ વિરોધી નેટવર્ક સ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે
તમામ રાજ્યોએ ગુનાઓ પુરવાર કરવાના દરમાં વૃદ્ધિ માટે ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ, કેન્દ્ર સરકારે આના માટે NFSUની રચના કરીને શક્ય હોય એવી તમામ મદદ પૂરી પાડી છે
સરહદી રાજ્યોએ સીમા સુરક્ષા અને દરિયાકાંઠાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય એજન્સીઓ અને સુરક્ષા દળો સાથે વધુ સંકલિત પ્રયાસો કરવા પડશે
મોદી સરકારે આપદા વ્યવસ્થાપનના ક્ષેત્રમાં પણ ઘણી પહેલ કરી છે અને હું તમામ મુખ્યમંત્રીઓને અનુરોધ કરું છું કે તેઓ આ પહેલોના અમલીકરણ પર પોતે જ દેખરેખ રાખે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીર, પૂર્વોત્તર, આતંકવાદ, માદક દ્રવ્યોની દાણચોરી, ડાબેરી ઉગ્રવાદ અને મહિલા સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દાઓ પર ખૂબ જ અસરકારક અને દૂરગામી પગલાં લીધાં છે
Posted On:
27 OCT 2022 6:28PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે હરિયાણાના સૂરજકુંડ ખાતે યોજવામાં આવેલી બે દિવસીય 'ચિંતન શિબિર'માં સંબોધન આપ્યું હતું. બે દિવસીય ચિંતન શિબિરમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ, ગૃહ મંત્રીઓ અને ઉપરાજ્યપાલો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો ભાગ લઇ રહ્યા છે.
શ્રી અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજવામાં આવેલી આ ચિંતન શિબિર સાઇબર ક્રાઇમ, માદક દ્રવ્યોના ફેલાવા અને સરહદ પારથી આચરવામાં આવતા આતંકવાદ વગેરે જેવા દેશ સમક્ષ રહેલા તમામ પડકારોનો સામનો કરવા માટે એક સમાન પ્લેટફોર્મ પૂરું પાડશે. તેમણે જણાવ્યું હતું કે, આજે ગુનાખોરીનું સ્વરૂપ બદલાઇ રહ્યું છે અને તે સીમારહિત બની રહ્યા છે, એટલા માટે તમામ રાજ્યોએ એક સામાન્ય વ્યૂહરચના બનાવીને તેની સામે લડવું પડશે. આ સહિયારી વ્યૂહરચના ઘડવા માટે અને તેને અમલમાં મૂકવા માટે, મોદી સરકાર કેન્દ્રમાં અને રાજ્યોમાં 'સહકારી સંઘવાદ', 'સમગ્ર સરકાર' અને 'ટીમ ઇન્ડિયા'ના અભિગમ હેઠળ 3C એટલે કે કોઓપરેશન (સહકાર), કોઓર્ડિનેશન (સંકલન) અને કોલેબ્રેશન (સહયોગ)ને પ્રોત્સાહન આપી રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારો, જમ્મુ અને કાશ્મીર અને પૂર્વોત્તરના પ્રદેશો, કે જે એક સમયે હિંસા અને અશાંતિના હોટ સ્પોટ માનવામાં આવતા હતા, તે હવે વિકાસના હોટ સ્પોટ બની રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં 8 વર્ષ દરમિયાન પૂર્વોત્તર પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે અને 2014 થી ત્યાં ઉગ્રવાદની ઘટનાઓમાં 74%, સુરક્ષા દળોની જાનહાનિમાં 60% અને નાગરિકોની જાનહાનિમાં લગભગ 90%નો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, NLFT, બોડો, બ્રુ, કાર્બી આંગલોંગ કરાર કરીને આ પ્રદેશમાં સ્થાયી શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેના અંતર્ગત 9 હજારથી વધુ ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, પૂર્વોત્તરમાં શાંતિની પુનઃસ્થાપના થઇ હોવાથી, 60 ટકાથી વધુ વિસ્તારોમાંથી AFSPA પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિમાં સુધારા અંગે શ્રી શાહે જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં હિંસાની ઘટનાઓમાં 77 ટકાનો ઘટાડો થયો છે અને આ ઘટનાઓમાં મૃત્યુઆંક 85 ટકાથી પણ વધુ ઘટી ગયો હોવાનું નોંધાયું છે. શ્રી શાહે આગળ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં 5 ઑગસ્ટ 2019ના રોજ કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા પછી ત્યાં શાંતિ અને પ્રગતિની નવી શરૂઆત થઇ છે. તેમણે ઉમેર્યું હતું કે 5 ઑગસ્ટ 2019 પહેલાં અને પછીના 37 મહિનાની સરખામણી કરવામાં આવે તો, આતંકવાદી ઘટનાઓમાં 34% અને સુરક્ષા દળોના મૃત્યુની ઘટનાઓમાં 54% ઘટાડો નોંધાયો છે. તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકારની આતંકવાદ સામે જરાય પણ સહિષ્ણુતા ન રાખવાની એટલે કે ઝીરો ટોલરન્સની નીતિ છે અને તેના પર નિર્ણાયક વિજય મેળવવા માટે NIA અને અન્ય એજન્સીઓને મજબૂત બનાવવામાં આવી રહી છે. શ્રી શાહે માહિતી આપી હતી કે 2024 પહેલાં તમામ રાજ્યોમાં NIA શાખાની સ્થાપના કરીને આતંકવાદ વિરોધી નેટવર્ક સ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે આતંકવાદ સામેની જંગમાં નિર્ણાયક વિજય પ્રાપ્ત કરવા કાયદાકીય માળખું મજબૂત કરવામાં આવી રહ્યું છે અને તે અંતર્ગત NIA તેમજ UAPA કાયદાઓમાં સુધારો કરીને વ્યક્તિગત આતંકવાદી જાહેર કરવાની જોગવાઇ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, NIAને વધારાનો પ્રાદેશિક ક્ષેત્રાધિકાર આપવામાં આવ્યો છે અને તેની સાથે જ એજન્સીને આતંકવાદ દ્વારા ઉપાર્જિત/તેને સંબંધિત સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે 2024 સુધીમાં દેશના તમામ રાજ્યોમાં NIAની શાખાઓ સ્થાપવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના પારસ્પરિક સહયોગ અને સમન્વયના કારણે જ આજે દેશના મોટાભાગના સુરક્ષા હોટસ્પોટ્સ દેશ વિરોધી ગતિવિધિઓથી લગભગ મુક્ત થઇ ગયા છે. શ્રી શાહે આગળ જણાવ્યું હતું કે, મોદી સરકારની નાર્કોટિક્સ સામે ઝીરો ટોલરન્સની નીતિનાં સારાં પરિણામો મળી રહ્યા છે અને છેલ્લા 8 વર્ષ દરમિયાન 3 હજાર કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે 20 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સાઇબર ગુનાખોરી આજે દેશ અને દુનિયા સમક્ષ એક મોટું જોખમ બની ગઇ છે અને તેની સામે લડવા માટે ગૃહ મંત્રાલય તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે, ગૃહ મંત્રાલય CRPC, IPC અને FCRAમાં સુધારા પર નિરંતર કામ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેમનો સુધારેલો મુસદ્દો સંસદમાં રજૂ કરવામાં આવશે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, તમામ રાજ્યોએ ગુનાઓ પુરવાર કરવાનો દર વધારવા માટે ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ અને કેન્દ્ર સરકારે આ માટે NFSUની રચના કરીને શક્ય હોય તેવી તમામ મદદ પૂરી પાડી છે. તેમણે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે, સરહદી રાજ્યોએ સરહદી સુરક્ષા અને સમુદ્રકાંઠાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય એજન્સીઓ અને સુરક્ષા દળો સાથે વધુ સંકલિત પ્રયાસો હાથ ધરવા પડશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારે આપદા વ્યવસ્થાપનના ક્ષેત્રમાં પણ અનેક પહેલ હાથ ધરી છે અને તેમણે તમામ મુખ્યમંત્રીઓને અનુરોધ કર્યો હતો કે, તેઓ આ પહેલોના અમલીકરણ પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, દેશ સમક્ષ રહેલા પડકારો સામે લડવા માટે ઉપલબ્ધ આંતરિક સુરક્ષાના તમામ સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂરિયાત છે. તેમણે ઉમેર્યું હતું કે, આના માટે, સંસાધન ઓપ્ટિમાઇઝેશન, રિસોર્સનો તાર્કિક ઉપયોગ અને સંસાધનોનું એકીકરણ કરવું પડશે, જેનાથી રાજ્યો વચ્ચે સંકલન વધુ સુધરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, મોદી સરકાર "એક ડેટા, એક એન્ટ્રી"ના સિદ્ધાંત પર કામ કરી રહી છે અને આ અંતર્ગત, NIAને આતંકવાદી કેસો સંબંધિત રાષ્ટ્રીય ડેટાબેઝ, NCBને માદક દ્રવ્યોના કેસ સંબંધિત રાષ્ટ્રીય ડેટાબેઝ, ED ને આર્થિક બાબતોથી સંબંધિત ડેટાબેઝ અને NCRBને ફિંગરપ્રિન્ટ ડેટાબેઝ - NAFIS અને નેશનલ ડેટાબેઝ ઓફ સેક્સ ઓફેન્ડર્સ (NDSO) બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું, કે નિયમનકારી સુધારાઓ અંતર્ગત, I4C એટલે કે ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરની રચના કરવામાં આવી છે, સાઇબર ક્રાઇમ પોર્ટલ બનાવવામાં આવ્યું છે, નેટગ્રીડ કનેક્ટર તંત્રની સ્થાપના કરવામાં આવી છે, ખાનગી સુરક્ષા એજન્સી લાઇસન્સિંગ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે અને FCRAમાં સુધારાઓ કરવામાં આવ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે FCRAના સુધારા હેઠળ દેશવિરોધી પ્રવૃતિઓ, ધર્માંતરણ, વિકાસ પરિયોજનાઓનો રાજકીય વિરોધ અથવા સરકારની નીતિઓ વિરુદ્ધ કરવામાં આવતા પ્રચારમાં સંડોવાયેલા કેટલાક સંગઠનો સામે કાર્યવાહી અને 2020માં સુધારા હેઠળ વિદેશી ભંડોળના દૂરુપયોગને રોકવાનું અને સંગઠનો પર અસરકારક રીતે દેખરેખ રાખવાનું શક્ય બન્યું છે.
શ્રી અમિત શાહે આગળ જણાવ્યું હતું કે, મોદી સરકાર ત્રણ મુખ્ય પડકારો પર સમયબદ્ધ રીતે વ્યૂહરચના ઘડીને કામ કરી રહી છે. સૌથી પહેલાં તો, આરોગ્ય સેવાઓ માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ હેઠળ આયુષ્માન CAPF યોજના શરૂ કરવામાં આવી છે અને લગભગ 35 લાખ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે અને લગભગ 20 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. બીજું કે, આવાસ સંતોષ રેશિયોમાં વૃદ્ધિ કરવી. 2014માં આવાસ સંતોષનું સ્તર લગભગ 37 ટકા હતું, જે હાલમાં વધીને 48 ટકા થઇ ગયું છે. આ ઉપરાંત, CAPFs e-Awas વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું હોવાથી, આ સ્તરને 60 ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. ત્રીજું છે, એજ ઓફ પોલીસિંગ, જે અંતર્ગત 100 દિવસની રજાની જોગવાઇ છે, જેમાં નિવૃત્તિની ઉંમર 57 થી વધારીને 60 વર્ષ કરવામાં આવી છે અને 64,640 ઉમેદવારોની જોગવાઇ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આપણે પોલીસિંગમાં પ્રાદેશિક અભિગમને થીમેટિક અભિગમ તરફ લઇ જવો પડશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસ, સ્થિરતા અને સુશાસન માટે આંતરિક સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે અને તે આપણા સૌની સહિયારી જવાબદારી છે. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્ર અને રાજ્યોની એકસમાન જવાબદારી હોય છે. દેશ ત્યારે જ આગળ વધી શકે છે જ્યારે તે દેશની તમામ એજન્સીઓ વચ્ચે ઘનિષ્ઠ સહયોગ હોય. શ્રી શાહે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળ દરમિયાન સહકારી સંઘવાદની ભાવના આપણું પ્રેરક બળ હોવું જોઇએ અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ચિંતન શિબિર દેશમાં પ્રાદેશિક સહકારનું વધારે વિસ્તરણ કરશે.
YP/GP/JD
(Release ID: 1871412)
Visitor Counter : 300
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada