પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી વિજય વલ્લ્ભ સૂરીશ્વરજીની 150મી જન્મજયંતીના અવસરે વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું


"અપરિગ્રહ એ માત્ર ત્યાગ જ નથી પરંતુ તમામ પ્રકારની આસક્તિઓ પરનું નિયંત્રણ છે"

"'સ્ટેચ્યૂ ઓફ પીસ' અને 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' માત્ર ઊંચી પ્રતિમાઓ નથી, પરંતુ તે એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૌથી મોટાં પ્રતીક છે"

"દેશની સમૃદ્ધિ તેની આર્થિક સમૃદ્ધિ પર નિર્ભર છે અને સ્વદેશી ઉત્પાદનો અપનાવીને, દરેક વ્યક્તિ ભારતની કળા, સંસ્કૃતિ અને સભ્યતાને જીવંત રાખી શકે છે"

"આઝાદીના અમૃતકાળમાં સ્વદેશી અને આત્મનિર્ભરતાનો સંદેશ અત્યંત સુસંગત છે"

"આઝાદીના અમૃતકાળમાં, અમે વિકસિત ભારતના નિર્માણની દિશામાં આગળ વધી રહ્યા છીએ"

"નાગરિક ફરજોને સશક્ત કરવામાં સંતોનું માર્ગદર્શન હંમેશા મહત્વપૂર્ણ રહ્યું છે"

Posted On: 26 OCT 2022 7:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજીની 150મી જન્મજયંતી નિમિત્તે વીડિયો સંદેશ દ્વારા સભાને સંબોધન આપ્યું હતું.

આ અવસરે ઉપસ્થિત જનસભાને સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ ભારતમાં સંત પરંપરાના નિર્વાહકો અને દુનિયાભરના જૈન ધર્મના તમામ આસ્થાવાનો સમક્ષ વંદન કર્યા હતા. શ્રી મોદીએ અનેક સંતોના સાનિધ્યમાં રહેવાની અને તેમના આશીર્વાદ પામવાનો અવસર પ્રાપ્ત થવા પર આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ગુજરાતના એ સમયને યાદ કર્યો જ્યારે તેમને વડોદરા અને છોટા ઉદેપુરના કણવાટ ગામમાં સંતવાણી સાંભળવાની તક મળી હતી.

આચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજીની 150મી જન્મજયંતીની ઉજવણીના પ્રારંભને યાદ કરતા, પ્રધાનમંત્રીએ આચાર્યજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાનું તેમને જે વિશેષ સૌભાગ્ય પ્રાપ્ત થયું તેની માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, "આજે ફરી એકવાર હું ટેકનોલોજીની મદદથી આપ સૌ સંતોની વચ્ચે આવી શક્યો છું." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજીને સમર્પિત એક સ્મારક ટપાલ ટિકિટ અને સ્મૃતિ સિક્કો આજે બહાર પાડવામાં આવ્યો છે જેની પાછળનો મૂળ ઉદ્દેશ લોકોને આધ્યાત્મિક ચેતના સાથે જોડીને આચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરીશ્વર મહારાજ સાહેબના જીવન દર્શન સાથે તેમને જોડવાનો છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, બે વર્ષ લાંબી ચાલેલી ઉજવણીનું હવે સમાપન થઇ રહ્યું છે અને આસ્થા, આધ્યાત્મિકતા, દેશભક્તિ અને રાષ્ટ્રીય શક્તિ વધારવા માટે શરૂ કરવામાં આવેલું અભિયાન પ્રશંસનીય છે.

વિશ્વના વર્તમાન ભૌગોલિક રાજકીય પરિદૃશ્ય અંગે ટિપ્પણી કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "આજે દુનિયા યુદ્ધ, આતંક અને હિંસાના સંકટનો અનુભવ કરી રહી છે અને આ વિષ ચક્ર બહાર નીકળવા માટે પ્રેરણા અને પ્રોત્સાહનની શોધમાં છે." શ્રી મોદીએ ભારપૂર્વક વધુમાં કહ્યું હતું કે, આવી સ્થિતિમાં પ્રાચીન પરંપરાઓ અને જીવન દર્શન તેમજ આજના ભારતની શક્તિ વિશ્વ માટે મોટી આશા બની રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરીશ્વર દ્વારા ચિંધવામાં આવેલા માર્ગ અને જૈન ગુરુઓના ઉપદેશો આ વૈશ્વિક કટોકટીઓનો ઉકેલ છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, "આચાર્યજી અહિંસા, એકાંત અને ત્યાગનું જીવન જીવ્યા અને આ વિચારો પ્રત્યે લોકોમાં વિશ્વાસ ફેલાવવાના સતત પ્રયાસો કર્યા તે આપણા બધા માટે પ્રેરણાદાયી છે".  તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, ભાગલાની ભયાનકતા દરમિયાન પણ આચાર્યજીનો શાંતિ અને સૌહાર્દનો આગ્રહ સ્પષ્ટપણે દેખાતો હતો. તેના કારણે આચાર્યશ્રીએ ચાતુર્માસનું વ્રત તોડવું પડ્યું હતું. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધી સાથે સમાનતા દર્શાવી હતી, જેમણે સ્વતંત્રતાની ચળવળમાં, આચાર્યો દ્વારા નિર્ધારિત 'અપરિગ્રહ'નો માર્ગ અપનાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "અપરિગ્રહ એ માત્ર ત્યાગ જ નથી પણ તમામ પ્રકારની આસક્તિનું નિયંત્રણ છે."

ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે મુજબ પ્રધાનમંત્રીએ સૌનું ધ્યાન દોરતા કહ્યું હતું કે, ગુજરાતે દેશને બે વલ્લભ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે, "આ એક યોગાનુયોગ છે કે આજે આચાર્યજીની 150મી જન્મજયંતીની ઉજવણીનું સમાપન થઈ રહ્યું છે, અને થોડા દિવસો પછી આપણે સરદાર પટેલની જન્મજયંતી, એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવાના છીએ." પ્રધાનમંત્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, 'સ્ટેચ્યૂ ઓફ પીસ' એ સંતોની સૌથી મોટી પ્રતિમાઓમાંની એક છે અને 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "આ માત્ર ઊંચી પ્રતિમાઓ નથી, પરંતુ તે એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં સૌથી મહાન પ્રતીક પણ છે." બે વલ્લભના યોગદાન પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, સરદાર સાહેબે રજવાડાઓમાં વહેંચાયેલા ભારતને અખંડ ભારત બનાવ્યું હતું જ્યારે આચાર્યજીએ દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ ખેડ્યો હતો અને ભારતની એકતા, અખંડિતતા તેમજ સંસ્કૃતિને મજબૂત કરી હતી.

ધાર્મિક પરંપરા અને સ્વદેશી ઉત્પાદનોને એકસાથે કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય છે તે બાબતે પ્રડાશ પાડતા, પ્રધાનમંત્રીએ આચાર્યજીને ટાંકીને કહ્યું હતું કે, દેશની સમૃદ્ધિ તેની આર્થિક સમૃદ્ધિ પર નિર્ભર છે, અને સ્વદેશી ઉત્પાદનો અપનાવીને, કોઇપણ વ્યક્તિ ભારતની કળા, સંસ્કૃતિ અને સભ્યતાને જીવંત જાળવી શકે છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આચાર્યજી હંમેશા શ્વેત અને ખાદીના બનેલા વસ્ત્રોનો ઉપયોગ કરતા હતા. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે આઝાદીના અમૃતકાળમાં સ્વદેશી અને આત્મનિર્ભરતાનો સંદેશ અત્યંત સુસંગત છે. તેમણે જણાવ્યું હતું કે, “આ આત્મનિર્ભર ભારત માટે પ્રગતિનો મંત્ર છે. તેથી, આચાર્ય વિજય વલ્લભ સૂરીશ્વરજીથી લઈને હાલના ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નિત્યાનંદ સૂરીશ્વરજી સુધી, તમામ સંતો દ્વારા આ માર્ગને મજબૂત બનાવવામાં આવ્યો છે, આપણે તેને વધુ મજબૂત બનાવવાનો છે.

પ્રધાનમંત્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, આચાર્યો દ્વારા ભૂતકાળમાં સમાજ કલ્યાણ, માનવ સેવા, શિક્ષણ અને જનચેતનાની સમૃદ્ધ પરંપરા વિકસાવી છે તેનું સતત વિસ્તરણ થવું જોઈએ. શ્રી મોદીએ આગળ ઉમેર્યું હતું કે, "આઝાદીના અમૃતકાળમાં, આપણે વિકસિત ભારતના નિર્માણની દિશામાં આગળ વધી રહ્યા છીએ." શ્રી મોદીએ પોતાની વાત આગળ ચાલુ રાખતા કહ્યું હતુ કે, "આના માટે, દેશે પાંચ સંકલ્પો લીધા છે અને 'પંચ પ્રણ'ને પૂરાં કરવામાં સંતોની ભૂમિકા અગ્રેસર છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિક ફરજોને સશક્ત કરવામાં સંતોનું માર્ગદર્શન હંમેશા મહત્વપૂર્ણ રહ્યું છે. તેમણે વોકલ ફોર લોકલમાટેના પ્રચારમાં આચાર્યોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને ટિપ્પણી કરી કે તે તેમના તરફથી આ પ્રયાસ રાષ્ટ્રની એક મહાન સેવા હશે. પ્રધાનમંત્રીએ ફક્ત ભારતમાં જ બનેલી ચીજવસ્તુઓનો વેપાર કરવાનો સંકલ્પ લેવા માટે અનુરોધ કરતા જણાવ્યું હતુ કે, "આપના મોટા ભાગના અનુયાયીઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે." અને જો આમ કરવામાં આવશો તો, તે મહારાજ સાહેબને એક ખૂબ જ મોટી શ્રદ્ધાંજલિ હશે. પ્રધાનમંત્રીએ પોતાના સંદેશના સમાપનમાં કહ્યું હતું કે, "આચાર્યશ્રીએ આપણને પ્રગતિનો આ માર્ગ ચિંધ્યો છે અને આપણે ભવિષ્ય માટે તેને આગળ ધપાવતા રહીશું."

YP/GP/JD



(Release ID: 1871066) Visitor Counter : 190