પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ દિવાળીના પર્વની ઉજવણી દરમિયાન કારગિલમાં જવાનો સાથે કરેલા સંવાદનો મૂળપાઠ

Posted On: 24 OCT 2022 2:23PM by PIB Ahmedabad

ભારત માતાની જય!

ભારત માતાની જય!

 

પરાક્રમ અને શૌર્યથી સિંચાયેલી કારગિલની આ ધરતીને વંદન કરવાની ભાવના મને વારંવાર આપણા બહાદુર દીકરા- દીકરીઓની વચ્ચે ખેંચી લાવે છે. મારા માટે, તો તમે વર્ષો અને વર્ષોથી મારો પરિવાર જ રહ્યા છો. મારી દિવાળીની મીઠાશ તમારી વચ્ચે વધે છે, મારી દીપાવલીનો પ્રકાશ આપ સૌની વચ્ચે છે અને આગામી દિવાળી સુધી મારો માર્ગ મોકળો કરે છે. મારી દિવાળીનો ઉલ્લાસ તમારી સાથે છે, મારો ઉંમગ તમારી સાથે છે. આ મારું સૌભાગ્ય છે કે, મને સરહદ પર આપ સૌની વચ્ચે આવીને દિવાળી ઉજવવાની તક મળી રહી છે. એક તરફ દેશની સાર્વભૌમ સરહદ અને બીજી તરફ તેના સમર્પિત સૈનિકો! એક તરફ માતૃભૂમિની મમતાભરી માટી અને બીજી તરફ તેને ચંદન બનાવીને કપાળે લગાડનારા મારા તમામ વીર યુવાન સાથીઓ, જાંબાજ નવયુવાનો! આનાથી સારી દિવાળી બીજે ક્યાં હોઇ શકે? અને અમારી સામાન્ય નાગરિકોની દિવાળી, અમારી આતશબાજી અને ક્યાં તમારી આતશબાદી, તમારી આતશબાજીતો અલગ જ હોય છે. તમારા ધડાકા પણ અલગ હોય છે.

 

સાથીઓ,

શૌર્યની અપ્રતિમ ગાથાઓ સાથે જ આપણી પરંપરા મધુરતા અને મીઠાશની પણ છે. તેથી, ભારત તેના તહેવારોની ઉજવણી પ્રેમથી કરે છે. સમગ્ર દુનિયાને તેમાં સામેલ કરીને ઉજવણી કરે છે. આજે, કારગિલની આ વિજય ભૂમિ પરથી, આપ સૌ જવાનોની વચ્ચેથી, હું તમામ દેશવાસીઓને અને સમગ્ર દુનિયાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પાકિસ્તાન સાથે એક પણ યુદ્ધ એવું નથી થયું કે જ્યાં કારગીલે વિજયનો ઝંડો ફરકાવ્યો ન હોય. આજના વૈશ્વિક માહોલમાં પ્રકાશનું આ પર્વ સમગ્ર વિશ્વને શાંતિનો માર્ગ ચિંધે, એવી ભારતની ઇચ્છા છે.

 

સાથીઓ,

દિવાળીનો મતલબ છે, આતંકના અંત સાથેનો ઉત્સવ! આતંકના અંતનો ઉત્સવ! કારગીલે પણ આવું જ કર્યું હતું. કારગિલમાં આપણી સેનાએ ફેંણ ચડાવીને બેઠેલા આતંકવાદને નાખ્યો છે અને દેશમાં વિજયની એવી દિવાળી ઉજવાઇ હતી, એવી દિવાળી ઉજવાઇ હતી કે આજે પણ લોકો તેને યાદ કરે છે. આ મારું સૌભાગ્ય રહ્યું છે, હું એ પણ વિજયનો સાક્ષી રહ્યો હતો અને એ યુદ્ધ પણ મેં નજીકથી જોયું હતું. હું આપણા અધિકારીઓનો આભારી છું કે અહીં આવતાની સાથે જ મને મારી ઘણા વર્ષો પહેલાંની તસવીરો બતાવવામાં આવી જે તમારી સાથે મેં જે ક્ષણો વિતાવી હતી તેની તસવીરો હતી. આ ક્ષણો મારા માટે ખૂબ જ ભાવુક હતી, જ્યારે હું તે તસવીરો જોઇ રહ્યો હતો, અને હું તમારા બધાનો ખૂબ જ આભારી છું કે તમે મને બહાદુર સૈનિકોની વચ્ચે વિતાવેલી મારી પળોની યાદ અપાવી, હું તમારો ખૂબ આભારી છું. કારગિલ યુદ્ધમાં જ્યારે આપણા જવાનો દુશ્મનને જડબાતોડ જવાબ આપી રહ્યા હતા, ત્યારે મને તેમની વચ્ચે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. દેશના એક સામાન્ય નાગરિક તરીકે મારો કર્તવ્ય પથ મને યુદ્ધના મેદાનમાં લાવ્યો હતો. દેશના લોકોએ પોતાના સૈનિકોની સેવા માટે જે નાની-મોટી રાહત સામગ્રી મોકલી હતી. અમે તેને લઇને અહીં આવ્યા હતા. અમે તેમાંથીથી માત્ર પુણ્ય કમાતા હતા કારણ કે દેવ ભક્તિ તો કરીએ છીએ, પરંતુ તે ક્ષણ મારા માટે તમારી પૂજાની તે ક્ષણ હતી, જે દેશભક્તિના રંગોથી રંગાયેલી હતી. તે સમયની ઘણી બધી યાદો છે, જે હું ક્યારેય ભૂલી શકતો નથી. એવું લાગતું હતું કે ચારેય દિશામાં વિજયનો જયઘોષ છે, જયઘોષ છે. દરેક મનનું આહ્વાન હતું – મન સમર્પિત, તન સમર્પિત. અને આ જીવન સમર્પિત. એવું થાય છે તે, હે મારે દેશની ભૂમિ તને બીજું પણ કંઇક આપુ!

 

સાથીઓ,

આપણે જે રાષ્ટ્રની આરાધના કરીએ છીએ, આપણું એ ભારત માત્ર ભૌગોલિક ભૂખંડ નથી. આપણું આ ભારત એક જીવંત વિભૂતિ છે, એક ચિંરતર ચેતના છે, એક અમર અસ્તિત્વ છે. આપણે જ્યારે ભારત બોલીએ છીએ ત્યારે શાશ્વત સંસ્કૃતિનું ચિત્ર નજર સામે ઉપસી આવે છે. જ્યારે આપણે ભારત બોલીએ છીએ ત્યારે આપણી સામે બહાદુરીનો વારસો નજર સમક્ષ ઉભો થઇ જાય છે. જ્યારે પણ આપણે ભારત બોલીએ છીએ ત્યારે આપણી સામે પરાક્રમની પરંપરા પ્રખર થઇ જાય છે. તે એવી અવિરત ધારા છે, જે એક તરફ ગગનચુંબી હિમાલયમાંથી પ્રસ્ફુરિત થાય છે અને બીજી તરફ હિન્દ મહાસાગરમાં એકાકાર થઇ જાય છે. ભૂતકાળમાં, અનંત જ્વાળાઓ ઉભી થઇ, તેથી વિશ્વની ઘણી જીવંત સંસ્કૃતિઓ રણ જેવી વેરાન થઇ ગઇ, પરંતુ ભારતના અસ્તિત્વની આ સાંસ્કૃતિક ધારા હજુ પણ અવિરલ છે, અમર છે. અને મારા સૈનિકો, રાષ્ટ્ર ક્યારે અમર બને છે? રાષ્ટ્ર ત્યારે અમર બને છે જ્યારે તેના સંતાનો, તેના બહાદુર દીકરા અને દીકરીઓને પોતાના સામર્થ્ય પર, પોતાના સંસાધનો પર સંપૂર્ણપણે વિશ્વાસ હોય છે. એક રાષ્ટ્ર ત્યારે અમર બંને છે જ્યારે તેના સૈનિકોના માથા હિમાલયની ટોચના શિખરો જેટલા ઊંચા હોય છે. એક રાષ્ટ્ર ત્યારે અમર બને છે જ્યારે તેના સંતાનો વિશે એવું કહેવામાં આવે કે- ચલન્તુ ગિરાય: કામં યુગાન્ત પવનાહતા:. કૃચ્છેરેપિ ન ચલત્યેવ ધીરાણાં નિશ્ચલં મન:અર્થાત્ પ્રારબ્ધના તોફાનોથી મહાન પર્વતો ભલે ઉખડી જાય, પણ તમારા જેવા વીરો અને બહાદુરોનું મન મક્કમ, અટલ અને અડગ હોય છે. તેથી, તમારી ભૂજાઓનું સામર્થ્ય હિમાલયની અદમ્ય ઊંચાઇઓને માપે છે. તમારું સદ્ગુણી મન રણની મુશ્કેલીઓનો સફળતા સાથે સામનો કરે છે. તમારા અસીમ શૌર્યની સામે અનંત આકાશ અને અમાપ સમુદ્ર ઘુંટણિયા ટેકવી દે છે. કારગિલનું કુરુક્ષેત્ર ભારતીય સેનાની આ પરાક્રમનું મજબૂત સાક્ષી બન્યું ચુક્યુ છે. આ દ્રાસ, આ બટાલિક અને આ ટાઇગર હિલ, આ સાક્ષી છે કે પહાડોની ઊંચાઇઓ પર બેઠેલો દુશ્મન પણ ભારતીય સેનાની વીરતા અને પરાક્રમની સામે કેવી રીતે વામન બની જાય છે. જે દેશના સૈનિકોની બહાદુરી એટલી અસીમ છે, તે રાષ્ટ્રનું અસ્તિત્વ અમર અને અપરિવર્તનશીલ છે.

 

સાથીઓ,

તમે બધા, સરહદે તૈનાત આપણા પ્રહરીઓ દેશના સંરક્ષણના મજબૂત આધારસ્તંભો છે. તમે ત્યાં તૈનાત છો, એટલે જ તો દેશવાસીઓ દેશની અંદર શાંતિથી રહે છે, તેઓ નિરાંતે રહે છે. પરંતુ દરેક ભારતીય માટે ખુશીની વાત છે કે દરેક ભારતીય દેશની સુરક્ષાને સંપૂર્ણતા આપવા માટે પૂરી તાકાત લગાવી રહ્યો છે. દેશ ત્યારે જ સુરક્ષિત છે જ્યારે સરહદો સુરક્ષિત હોય, અર્થતંત્ર મજબૂત હોય અને સમાજ આત્મવિશ્વાસથી છલકાતો હોય. જો તમે પણ આજે સરહદ પર દેશની તાકાતના સમાચાર સાંભળો તો તમારી હિંમત બમણી થઇ જતી હશે. જ્યારે દેશના લોકો સ્વચ્છતાના મિશનમાં જોડાય છે, ગરીબમાં ગરીબ લોકોને પણ તેમનું પાકું મકાન, પીવાનું પાણી, વીજળી અને ગેસની સુવિધાઓ વિક્રમી સમયમાં પ્રાપ્ત થાય છે, ત્યારે દરેક જવાન પણ ગૌરવ અનુભવે છે. ક્યાંક દૂર તેના ઘર, તેના ગામમાં, તેના શહેરમાં, સુવિધાઓ પહોંચે તો સરહદ પર તેની છાતી ફુલી જાય છે, તેને સારું લાગે છે. જ્યારે તેને જોવા મળે છે કે, કનેક્ટિવિટી સારી થઇ રહી છે, ત્યારે તેના માટે પોતાના ઘરે વાત કરવાનું સરળ થઇ જાય છે અને વેકેશનમાં ઘરે પહોંચવાનું પણ સરળ થઇ જાય છે.

 

સાથીઓ,

મને ખબર છે કે, જ્યારે 7-8 વર્ષમાં જ દેશની અર્થવ્યવસ્થા 10માં સ્થાનેથી આગળ વધીને 5માં સ્થાન પર આવે છે, ત્યારે તમારું માથું પણ ગૌરવથી ઊંચું થઇ જાય છે. જ્યારે એક તરફ તમારા જેવા યુવાનો સરહદે મોરચો સંભાળે છે અને બીજી તરફ તમારા જ યુવાન સાથીદારો 80 હજારથી વધુ સ્ટાર્ટ અપ બનાવે છે, નવા નવા ઇનોવેશન કરે છે ત્યારે તમારી ખુશી પણ વધી જાય છે. માત્ર બે દિવસ પહેલાં જ ઇસરોએ બ્રોડબેન્ડ ઇન્ટરનેટનું વિસ્તરણ કરનારા 36 ઉપગ્રહો એક સાથે લોન્ચ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અંતરિક્ષમાં હવે ભારતનો પોતાનો સિક્કો જામે છે તો મારો એવો કયો વીર સૈનિક હશે જેની છાતી ગજ ગજ ફુલતી ન હોય. થોડા મહિના પહેલાં જ્યારે યુક્રેનમાં યુદ્ધ થરૂ થયું ત્યારે આપણે બધાએ જોયું છે કે કેવી રીતે આપણો પ્રિય તિરંગો ત્યાં ફસાયેલા ભારતીયો માટે સુરક્ષા કવચ બની ગયો. આજે જે રીતે દુનિયામાં ભારતનું સન્માન વધ્યું છે, તેનું માન વધ્યું છે, વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા આજે સૌની સામે છે.

 

સાથીઓ,

આજે આ બધું એટલા માટે થઇ રહ્યું છે કારણ કે ભારત પોતાના બાહ્ય અને આંતરિક બંને દુશ્મનો સામે સફળતાપૂર્વક મોરચો સંભાળી રહ્યું છે. તમે સરહદ પર ઢાલ બનીને ઉભા છો, તેથી દેશની અંદર પણ દેશના દુશ્મનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આતંકવાદ, નક્સલવાદ, ઉગ્રવાદ, જે પણ મૂળિયા વિતેલા દાયકાઓમાં વિકાસ પામ્યા હતા તેને જડમૂળથી ઉખેડી નાખવા માટે દેશ સતત સફળ પ્રયાસો કરી રહ્યું છે. એક સમયે નક્સલવાદે દેશના ખૂબ મોટા ભાગને ઝપેટમાં લઇ લીધો હતો. પણ આજે તેનો અવકાશ સતત સંકોચાઇ રહ્યો છે. આજે દેશ ભ્રષ્ટાચાર સામે નિર્ણાયક યુદ્ધ પણ લડી રહ્યો છે. ભ્રષ્ટાચારી ભલે ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, હવે તે ટકી શકશે નહીં અને બચી પણ શકશે નહીં. કુશાસને લાંબા સમય સુધી દેશના સામર્થ્યને સિમિત કરી દીધું હતું, આપણા વિકાસના માર્ગમાં અવરોધો ઊભા કર્યા હતા. આજે, સબ કા સાથ સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસના મંત્ર સાથે, અમે તે તમામ જૂની ખામીઓને ઝડપથી દૂર કરી રહ્યા છીએ. આજે રાષ્ટ્રીય હિતમાં મોટામાં મોટા નિર્ણયો ઝડપથી લેવામાં આવી રહ્યા છે, અને ઝડપથી લાગુ કરવામાં આવી રહ્યા છે.

 

સાથીઓ,

ઝડપથી બદલાતા સમયમાં ટેકનોલોજીના આ યુગમાં ભવિષ્યના યુદ્ધોનું સ્વરૂપ પણ બદલાવા જઇ રહ્યું છે. આજે આપણે નવા પડકારો, નવી પદ્ધતિઓ અને નવા યુગમાં રાષ્ટ્રીય સંરક્ષણની બદલાતી જરૂરિયાતો અનુસાર દેશની સૈન્ય શક્તિને તૈયાર કરી રહ્યા છીએ. દાયકાઓથી દેશના સૈન્યમાં જેની જરૂરિયાત વર્તાતી હતી તેવા મોટા સુધારા, મોટા ફેરફારો અત્યારે આજે વાસ્તવમાં કરવામાં આવી રહ્યા છે. અમારા દળોનું વધુ સારું સંકલન થાય, આપણે દરેક પડકાર સામે ઝડપી, ત્વરિત પગલાં લઇ શકીએ, તે માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે. આ માટે CDS જેવી સંસ્થા બનાવવામાં આવી છે. સરહદ પર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેથી તમારા જેવા અમારા સાથીદારોને તેમની ફરજ બજાવવામાં વધુ આરામદાયક રહે. આજે દેશમાં અનેક સૈનિક શાળાઓ ખોલવામાં આવી રહી છે. સૈનિક શાળાઓમાં, સૈન્યને લગતી તાલીમ સંસ્થાઓના દ્વાર દીકરીઓ માટે પણ ખોલવામાં આવી છે અને મારી સામે આટલી બધી દીકરીઓને જોઇને મને ગૌરવ થાય છે. ભારતીય સેનામાં દીકરીઓના આવવાથી આપણી તાકાત વધશે, આ વાત પર વિશ્વાસ રાખો. આપણું સામર્થ્ય વધવાનું છે.

 

સાથીઓ,

દેશની સુરક્ષાનું સૌથી મહત્વનું પાસું છે - આત્મનિર્ભર ભારત, ભારતીય સેનાઓ પાસે આધુનિક સ્વદેશી શસ્ત્રો. વિદેશી શસ્ત્રો પર અને વિદેશી પ્રણાલીઓ પરની આપણી નિર્ભરતા ઘટાડવા માટે ત્રણેય સેનાઓએ આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લીધો છે. હું આપણી ત્રણેય સેનાઓની પ્રશંસા કરું છું, જેમણે નિર્ણય લીધો છે કે હવે વિદેશમાંથી 400થી વધુ સંરક્ષણ ઉપકરણો ખરીદવામાં આવશે નહીં. હવે ભારતમાં જ આ 400 હથિયારનું નિર્માણ કરવામાં આવશે, તે 400 પ્રકારની ભારતની ક્ષમતામાં વધારો કરશે. આનો બીજો પણ એક સૌથી મોટો ફાયદો થશે. જ્યારે ભારતના જવાન, પોતાના દેશમાં બનેલા હથિયારોથી લડશે, ત્યારે તેમનો વિશ્વાસ ચરમસીમા પર હશે. તેના હુમલામાં દુશ્મન માટે સરપ્રાઇઝ એલિમેન્ટ હશે અને દુશ્મનના મનોબળને કચડી નાખવાની હિંમત પણ હશે. અને મને આનંદ છે કે આજે એક તરફ જો આપણી સેનાઓ ભારતમાં બનેલા હથિયારોને વધુને વધુ અપનાવી રહી છે તો બીજી તરફ સામાન્ય ભારતીય પણ લોકલ માટે વોકલ થઇ રહ્યો છે. અને લોકલને ગ્લોબલ બનાવવાના સપના જોવામાં સમય આપી રહ્યો છે.

 

સાથીઓ,

આજે, બ્રહ્મોસ સુપર સોનિક મિસાઇલથી માંડીને 'પ્રચંડ' હળવા લડાયક હેલિકોપ્ટર અને તેજસ ફાઇટર જેટ સુધી, આ સંરક્ષણ શસ્ત્ર- સંરજામ ભારતની શક્તિનો પર્યાય બની રહ્યા છે. આજે ભારત પાસે વિશાળ મહાસાગરમાંમાં તૈનાત વિપ્લવી વિક્રાંત છે. યુદ્ધ ઊંડાણમાં થયું, તેથી અરિનો અંત અરિહંત છે. ભારત પાસે ધરતી છે, આકાશ છે. જો વિનાશનું તાંડવ હોય તો શિવનું ત્રિશૂળ છે, પિનાકા છે. કુરુક્ષેત્ર ગમે તેટલું મોટું હોય, ભારતનો અર્જૂન લક્ષ્ય ભેદ કરશે. આજે ભારત માત્ર પોતાની સેનાની જરૂરિયાતો જ નથી પૂરી કરી રહ્યું છે, પરંતુ તે સંરક્ષણ સાધનોનો મોટો નિકાસકાર પણ બની રહ્યો છે. આજે ભારત પોતાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરી રહ્યું છે તો બીજી તરફ ડ્રોન જેવી આધુનિક અને અસરકારક ટેકનોલોજી પર પણ ઝડપથી કામ કરી રહ્યું છે.

 

ભાઇઓ અને બહેનો,

આપણે તે પરંપરાને માનનારા લોકો છીએ જ્યાં યુદ્ધને, આપણે ક્યારેય યુદ્ધને પ્રથમ વિકલ્પ માન્યું નથી. આપણે હંમેશા, આ જ આપણી વીરતાનું કારણ પણ છે, આપણા સંસ્કારનું પણ પણ આ જ કારણ છે કે આપણે હંમેશા યુદ્ધને અંતિમ વિકલ્પ માન્યું છે. યુદ્ધ લંકા હોય કે પછી કુરુક્ષેત્રમાં, અંત સુધી તેને ટાળવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેથી જ આપણે વિશ્વ શાંતિના પક્ષમાં છીએ. આપણે યુદ્ધના વિરોધી છીએ. પરંતુ સામર્થ્ય વિના શાંતિ પણ શક્ય નથી. આપણી સૈનાઓ પાસે સામર્થ્ય છે અને રણનીતિ પણ છે. જો કોઇ આપણી તરફ જુએ છે, તો કેવી રીતે દુશ્મનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવો, તે આપણી ત્રણેય સેનાઓ પણ જાણે છે.

 

સાથીઓ,

દેશની સામે, આપણી સેનાની સામે, એક બીજો વિચાર અવરોધ બનીને ઊભો હતો. આ વિચાર છે ગુલામીની માનસિકતા. આજે દેશ આ માનસિકતામાંથી પણ મુક્ત થઇ રહ્યો છે. લાંબા સમય સુધી દેશની રાજધાનીમાં રાજપથ ગુલામીનું પ્રતીક હતું. આજે તે કર્તવ્ય પથ બનીને નવા ભારતના નવા વિશ્વાસને પ્રોત્સાહન આપી રહ્યો છે. જ્યાં એક સમયે ઇન્ડિયા ગેટ પાસે ગુલામીનું પ્રતીક હતું ત્યાં આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય વિશાળ પ્રતિમા આપણને માર્ગ ચિંધી રહી છે, માર્ગદર્શન આપી રહી છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક હોય, રાષ્ટ્રીય પોલીસ સ્મારક હોય, રાષ્ટ્રની રક્ષા માટે કંઇ પણ કરવાની પ્રેરણા આપતા આ તીર્થ નવા ભારતની ઓળખ પણ છે. થોડા સમય પહેલાં દેશે ભારતીય નૌકાદળને પણ ગુલામીના પ્રતિકમાંથી મુક્ત કરાવ્યું છે. હવે નૌકાદળના ધ્વજમાં બહાદુર શિવાજીના શૌર્યની પ્રેરણા જોડાઇ ગઇ છે.

 

સાથીઓ,

આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે, ભારતના વધતા સામર્થ્ય પર છે. જ્યારે ભારતની તાકાત વધે છે ત્યારે શાંતિની આશા પણ વધે છે. જ્યારે ભારતની તાકાત વધે છે, ત્યારે સમૃદ્ધિની શક્યતા પણ વધે છે. જ્યારે ભારતની તાકાત વધે છે ત્યારે વિશ્વમાં એક પ્રકારે સંતુલન આવે છે. આઝાદીનો આ અમૃત ભારતની આ શક્તિનો, એ જ સામર્થ્યનો સાચો સાક્ષી બનવાનો છે. આમાં તમારી ભૂમિકા, આપ સૌ વીર સૈનિકોની ભૂમિકા એક મોટી ભૂમિકા છે, કારણ કે તમે "ભારતના ગૌરવની શાન" છો. તન તિરંગો, મન તિરંગો, ચાહત તિરંગો, માર્ગ તિરંગો. વિજયનો વિશ્વાસ ગર્જતો, સરહદથી પણ પહોળી છાતી, સપનામાં સંકલ્પ સજાવતો, ડગલેને પગલે તાકાત બતાવતો હતો, ભારતનું ગૌરવ – ભારતની શાન, તને જોઇને દરેક ભારતીય ગૌરવથી છલકાઇ જાય છે. વીર ગાથા ઘર ઘરે ગૂંજે છે, નર નારી સૌ શિશ ઝુકાવે, સમુદ્ર કરતાં પણ ઊંડો પ્રેમ, આપણા પોતાના પણ છે, આપણા સપના પણ છે, સૈનિકોના પણ આપ્તજનો હોય છે, તમારો પણ પરિવાર હોય છે. તમારા સપના પણ છે, છતાં આપ્તજનો પણ છે, અને સપના પણ છે, બધા દેશના હિત બધુ જ કર્યું  દેશના દેશનો જાણી ગયા છે, તાકાત તમારી માની ગયા છે, ભારતના ગૌરવની શાન, તમને જોઇને દરેક ભારતીય ગૌરવથી છલકાય છે. પ્રેમની વાત થાય તો, સાગર શાંત હોય, અને તમારા પર દેશ પર કોઇ નજર ઉઠાવે તો, પછી તમે વીર વજ્ર છો, તમે વિક્રાંત છો, તમે નિર્ભય 'અગ્નિ' છો, એ આગ છો, તમે 'નિર્ભય' 'પ્રચંડ' છો અને 'નાગ' છો, તમે 'અર્જૂન', 'પૃથ્વી', 'અરિહંત' છો, તમે અંધકારનો અંત છો, તમે અહીં તપસ્યા કરો છો, ત્યાં દેશ ધન્ય થઇ જાય છે, ભારતનું ગૌરવ – ભારતની શાન, તમને જોઇને દરેક ભારતીય ગૌરવથી છલકાઇ  જાય છે. તમે સ્વાભિમાન સાથે ઉંચું ઉઠેલું મસ્તક છો, તમે આકાશમાં 'તેજસ'નો અવાજ છો, તમે આકાશમાં તેજસનું હુંકાર છો, તમે દુશ્મનની આંખમાં, આંખો પરોવીને જે બોલે બ્રહ્મોસની અજેય લલકાર છો.

 

ફરી એકવાર આપ સૌને અને કારગિલના વીરોની આ તીર્થભૂમિના હિમાલયની ગોદમાંથી, દેશ અને દુનિયામાં વસતા મારા તમામ ભારતીયોને આપણા આ વીર જવાનો તરફથી, મારા તરફથી, દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મારી સાથે તમારા પૂરી તાકાતથી બોલો, આખો હિમાલય ગુંજી ઉઠવો જોઇએ-

 

ભારત માતાની જય!

ભારત માતાની જય!

ભારત માતાની જય!

વંદે માતરમ્!

વંદે માતરમ્!

વંદે માતરમ્!

YP/GP/JD


(Release ID: 1870624)