પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
23 OCT 2022 8:37PM by PIB Ahmedabad
સિયાવર રામચંદ્ર કી જય,
સિયાવર રામચંદ્ર કી જય,
સિયાવર રામચંદ્ર કી જય,
મંચ પર બિરાજમાન ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, દેવતુલ્ય તમામ અવધવાસીઓ, દેશ-દુનિયામાં હાજર તમામ રામભક્તો, ભારતભક્તો, દેવીઓ અને સજ્જનો,
આજે અયોધ્યાજી દીવાઓથી દિવ્ય છે, ભાવનાઓથી ભવ્ય છે. આજે અયોધ્યા નગરી ભારતનાં સાંસ્કૃતિક પુનર્જાગરણના સુવર્ણ અધ્યાયનું પ્રતિબિંબ છે. જ્યારે હું રામાભિષેક પછી અહીં આવી રહ્યો હતો, ત્યારે મારાં મનમાં ભાવોની, ભાવનાઓની, ભાવુકતાની લહેરો ઉછળી રહી હતી. હું વિચારી રહ્યો હતો કે, જ્યારે ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા આવ્યા હશે, ત્યારે અયોધ્યા કેવી સજી હશે, કેવી શણગારવામાં આવી હશે? આપણે ત્રેતાની એ અયોધ્યા નાં દર્શન નથી કર્યાં, પરંતુ ભગવાન રામનાં આશીર્વાદથી આજે અમૃતકાલમાં અમર અયોધ્યાની અલૌકિકતાના દર્શન કરી રહ્યા છીએ.
સાથીઓ,
આપણે તે સભ્યતા અને સંસ્કૃતિના વાહક છીએ, પર્વ અને ઉત્સવ, જેમનાં જીવનનો સહજ સ્વાભાવિક ભાગ રહ્યાં છે. આપણે ત્યાં જ્યારે પણ સમાજે કંઈક નવું કર્યું, આપણે એક નવો ઉત્સવ રચી દીધો. સત્યના પ્રત્યેક વિજયના, અસત્યના દરેક અંતના માનવીય સંદેશને આપણે જે પ્રકારની મજબૂતીથી જીવંત રાખ્યો છે તેમાં ભારત સામે કોઈ મુકાબલો નથી. ભગવાન શ્રી રામે હજારો વર્ષ પહેલાં રાવણના અત્યાચારનો અંત આણ્યો હતો, પરંતુ આજે હજારો હજારો વર્ષ પછી પણ તે ઘટનાનો દરેક માનવીય સંદેશ, આધ્યાત્મિક સંદેશ એક એક દીપકનાં રૂપમાં સતત પ્રકાશિત થાય છે.
સાથીઓ,
દિવાળીના દીવા આપણા માટે માત્ર એક વસ્તુ નથી. તે ભારતનાં આદર્શો, મૂલ્યો અને ફિલસૂફીના જીવંત ઊર્જા કિરણપુંજ છે. તમે જુઓ, જ્યાં સુધી નજર દોડે છે, આ જ્યોતિઓની ઝગમગ, પ્રકાશનો આ પ્રભાવ, રાતનાં લલાટ પર કિરણોનું આ વિસ્તરણ, ભારતના મૂળ મંત્ર 'સત્યમેવ જયતે'ની ઉદઘોષણા છે. આ આપણા ઉપનિષદનાં વાક્યોની ઉદઘોષણા છે - "સત્યમેવ જયતે નાનૃતં સત્યેન પંથા વિતતો દેવયાન:". એટલે કે સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં. આ આપણા ઋષિ વાક્યોની ઉદઘોષણા છે - "રામો રાજામણિ: સદા વિજયતે". એટલે કે જીત હંમેશા રામરૂપી સદાચારની હોય છે, રાવણરૂપી દુરાચારની નહીં. એટલા માટે તો આપણા ઋષિમુનિઓએ ભૌતિક દીપકમાં પણ ચેતન ઊર્જાનાં દર્શન કરી કહ્યું હતું - દીપો જ્યોતિ: પરબ્રહમ દીપો જ્યોતિ: જનાર્દન. એટલે કે દીપ-જ્યોતિ એ બ્રહ્મનું જ સ્વરૂપ છે. મને વિશ્વાસ છે કે આ આધ્યાત્મિક પ્રકાશ ભારતની પ્રગતિમાં પથદર્શન કરશે, ભારતનાં પુનરુત્થાનનું પથદર્શન કરશે.
સાથીઓ,
આજે આ પાવન અવસરે, ઝગમગતા આ લાખો દીવડાઓની રોશનીમાં દેશવાસીઓને વધુ એક વાત યાદ અપાવવા માગું છું. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે- “જગત પ્રકાસ્ય પ્રકાસક રામૂ.” એટલે કે ભગવાન રામ સમગ્ર વિશ્વને પ્રકાશ આપનારા છે. તેઓ સમગ્ર વિશ્વ માટે એક જ્યોતિપુંજ સમાન છે. આ પ્રકાશ કયો છે? આ પ્રકાશ છે દયા અને કરુણાનો. આ પ્રકાશ છે માનવતા અને મર્યાદાનો. આ પ્રકાશ છે સમભાવ અને મમભાવનો. આ પ્રકાશ છે – દરેકને સાથે લઈને ચાલવાના સંદેશનો. મને યાદ છે, વર્ષો પહેલાં મેં કદાચ નાનપણમાં જ દીપક પર ગુજરાતીમાં એક કવિતા લખી હતી. અને કવિતાનું શીર્ષક હતું - દિયા-, ગુજરાતીમાં કહે છે– દીવો। એની કેટલીક પંક્તિઓ આજે મને યાદ આવી રહી છે. મેં લખ્યું હતું- દીવા જેવી આશ ને દીવા જેવો તાપ, દીવા જેવી આગ ને દીવા થકી હાશ. ઊગતા સૂરજને હર કોઈ પૂજે, એ તો આથમતી સાંજે’ય આપે સાથ. જાતે બળે ને બાળે અંધાર, માનવના મનમાં ઊગે રખોપાનો ભાવ. એટલે કે દીવો આશા પણ આપે છે અને દીવો ઉષ્મા પણ આપે છે. દીવો અગ્નિ પણ આપે છે અને દીવો આરામ પણ આપે છે. ઊગતા સૂર્યની પૂજા તો બધા જ કરે છે, પણ અંધારી સંધ્યામાં પણ દીવો સાથ આપે છે. દીવો પોતે જ સળગે છે અને અંધકારને પણ બાળી નાખે છે, દીવો માણસનાં મનમાં સમર્પણની ભાવના લાવે છે. આપણે સ્વયં જલીએ છીએ, આપણે સ્વયં તપીએ છીએ, પરંતુ જ્યારે સિદ્ધિનો પ્રકાશ જન્મે છે, ત્યારે આપણે તેને નિ:સ્વાર્થપણે સમગ્ર વિશ્વમાં ફેલાવવા દઈએ છીએ, તેને સમગ્ર સંસારને સમર્પિત કરીએ છીએ.
ભાઇઓ અને બહેનો,
જ્યારે આપણે સ્વાર્થથી ઉપર ઉઠીને પરમાર્થની આ યાત્રા કરીએ છીએ, ત્યારે સર્વસમાવેશકતાનો સંકલ્પ આપોઆપ તેમાં સમાઈ જાય છે. જ્યારે આપણા સંકલ્પો પૂર્ણ થાય છે, ત્યારે આપણે કહીએ છીએ કે, 'ઇદમ ના મમ્'. એટલે કે આ સિદ્ધિ મારા માટે નથી, માનવમાત્રનાં કલ્યાણ માટે છે. દીપથી લઈને દીપાવલી સુધી, આ જ ભારતની ફિલસૂફી છે, આ જ ભારતનું ચિંતન છે, આ જ ભારતની શાશ્વત સંસ્કૃતિ છે. આપણે સૌ જાણીએ છી મધ્યકાલીન સમય અને આધુનિક સમય સુધી ભારતે કેટલાંય અંધકારભર્યા યુગોનો સામનો કર્યો છે. જે તોફાનોમાં મોટી મોટી સભ્યતાઓનાં સૂર્ય અસ્ત થઈ ગયાં, તેમાં આપણા દીવાઓ સળગતા રહ્યા, પ્રકાશ આપતા રહ્યા, પછી તે તોફાનોને શાંત કરીને ઉદ્દીપ્ત થયા. કારણ કે, આપણે દીવો પ્રગટાવવાનું બંધ કર્યું ન હતું. આપણે વિશ્વાસ વધારવાનું બંધ નથી કર્યું. ઝાઝો સમય નથી થયો, જ્યારે કોરોના હુમલાની મુશ્કેલીઓ વચ્ચે આ જ ભાવથી દરેક ભારતીય એક એક દીવો લઈને ઊભો રહ્યો હતો. અને, આજે, વિશ્વ જોઈ રહ્યું છે કે ભારત કોરોના સામેના યુદ્ધમાં કેટલી તાકાતથી લડી રહ્યું છે. આ એ વાતનો પુરાવો છે કે, અંધકારના દરેક યુગમાંથી બહાર આવીને ભારતે ભૂતકાળમાં પોતાનાં પરાક્રમનો પ્રકાશ પ્રગતિના પ્રશસ્ત પથ પર ફેલાવ્યો છે, તે ભવિષ્યમાં પણ ફેલાવશે. જ્યારે પ્રકાશ આપણાં કર્મોનો સાક્ષી બને છે, ત્યારે અંધકારનો અંત આપોઆપ સુનિશ્ચિત થાય છે. જ્યારે દીપક આપણા કર્મોનો સાક્ષી બને છે, ત્યારે નવી પરોઢનો, નવી શરૂઆતનો આત્મવિશ્વાસ આપોઆપ પ્રબળ બને છે. આ જ વિશ્વાસ સાથે આપ સૌને ફરી એકવાર દીપોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ. મારી સાથે સંપૂર્ણ ભક્તિભાવથી બોલો-
સિયાવર રામચંદ્ર કી જય,
સિયાવર રામચંદ્ર કી જય,
સિયાવર રામચંદ્ર કી જય.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1870555)
Visitor Counter : 179
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam