પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પીએમ-કિસાન સમ્માન સંમેલન 2022ના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 17 OCT 2022 4:36PM by PIB Ahmedabad

ભારત માતાની - જય

ભારત માતાની - જય

ભારત માતાની - જય

તહેવારોના પડઘા ચારેબાજુ સંભળાઇ રહ્યા છે, દિવાળી ઉંબરે આવી રહી છે. અને આજે એક એવો અવસર છે, કે આ એક જ પરિસરમાં, આ જ પ્રિમાઇસિસમાં, એક જ મંચ પર, સ્ટાર્ટ-અપ્સ છે અને દેશના લાખો ખેડૂતો પણ છે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન, એક રીતે જોવામાં આવે તો આ સમારંભમાં આપણને આ મંત્રનું જીવંત સ્વરૂપ દેખાઇ રહ્યું છે.

સાથીઓ,

આજે, ભારતની ખેતીના તમામ મોટા ભાગીદારો, પ્રત્યક્ષરૂપે અને વર્ચ્યુઅલ માધ્યમથી, આ કાર્યક્રમમાં સમગ્ર દેશના ખૂણે ખૂણેમાંથી આપણી સાથે જોડાયેલા છે. આવા મહત્વના મંચ પરથી આજે ખેડૂતોનું જીવન વધારે સરળ બનાવવા માટે, ખેડૂતોને વધારે સમૃદ્ધ બનાવવા માટે અને આપણી કૃષિ વ્યવસ્થાઓને વધુ આધુનિક બનાવવાની દિશામાં ઘણા મોટા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આજે દેશમાં 600થી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોની શરૂઆત થવા જઇ રહી છે. અને હું અહીં જે પ્રદર્શન છે તે જોઇ રહ્યો હતો. ટેકનોલોજીના એકથી એક ચડિયાતા હોય એવા ઘણા ઇનોવેશન્સ ત્યાં છે, તેથી મારું તો મન હતું કે હજું પણ ત્યાં થોડું વધારે રોકાઇ જઉં, પણ તહેવારોની મોસમ છે, તમારે વધારે રોકવું પડે નહીં, તેથી હું મંચ પર આવી ગયો. પરંતુ ત્યાં મેં આ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રની રચનાનું બનાવેલું જે એક મોડેલ જોયું છે, તેના માટે હું મનસુખભાઇ અને તેમની ટીમને ખરેખર અભિનંદન આપું છું કે ખેડૂત માટે તે માત્ર ખાતરની ખરીદી અને વેચાણનું કેન્દ્ર નથી, પરંતુ સંપૂર્ણ રીતે તે ખેડૂત સાથે ઘનિષ્ઠતાનો સંબંધ સ્થાપિત કરે તેવું, તેમના દરેક પ્રશ્નોનો જવાબ આપે તેવું, તેમની દરેક જરૂરિયાતોમાં મદદરૂપ થઇ શકે તેવું કિસાન સમૃદ્ધિ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે.

સાથીઓ,

થોડી વાર પહેલાં જ દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નિધિ તરીકે 16 હજાર કરોડ રૂપિયાનો બીજો હપ્તો મળ્યો છે. તમારામાંથી અત્યારે અહીં બેઠેલા તમામ ખેડૂતો, જો તમે તમારો મોબાઇલ જોશો તો તમારા મોબાઇલ પર સમાચાર આવ્યા જ હશે કે તમારા 2000 રૂપિયા જમા થઇ ગયા છે. કોઇ વચેટિયા નહીં, કોઇ કંપની નહીં, સીધે સીધા મારા ખેડૂતના ખાતામાં જ પૈસા જાય છે. આ પૈસા દિવાળી પહેલાં જ સૌના સુધી પહોંચી ગયા, ખેતીના તેમના ઘણા મહત્વપૂર્ણ કામોના સમયે પૈસા પહોંચ્યા, તેના માટે હું આપણા તમામ લાભાર્થી ખેડૂત પરિવારોને, દેશના ખૂણે ખૂણે રહેતા તમામ ખેડૂતોને, તેમના પરિવારોને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

અહીંયા જે એગ્રીકલ્ચર સ્ટાર્ટ-અપ્સ છે, જે લોકો આ આયોજનમાં આવ્યા છે, જેઓ અહીં ભાગ લઇ રહ્યા છે તે તમામ લોકો, જેમણે ખેડૂતોના કલ્યાણ માટે જે નવા નવા ઇનોવેશન કર્યા છે, તેમની (ખેડૂતોની) મહેનત કેવી રીતે ઓછી થઇ શકે, તેમના પૈસા કેવી રીતે બચાવી શકાય, તેમના કામને કેવી રીતે ઝડપી બનાવી શકાય, તેમની મર્યાદિત જમીનમાં કેવી રીતે વધુ ઉત્પાદન મેળવી શકાય, આવી ઘણી બધી વસ્તુઓ આપણા સ્ટાર્ટઅપના આ યુવાનો દ્વારા કરવામાં આવી છે તે સૌનું સ્વાગત કરું છું. હું એ પણ જોઇ રહ્યો હતો. એક પછી એક ઇનોવેશન દેખાઇ રહ્યા છે. હું એવા તમામ યુવાનોને પણ અભિનંદન આપું છું કે જેઓ આજે ખેડૂતો સાથે જોડાઇ રહ્યા છે, અને આમાં તેઓ સહભાગી થયા તે બદલ તેઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને તેમનું સ્વાગત કરું છું.

સાથીઓ,

આજે, વન નેશન, વન ફર્ટિલાઇઝર, તેના રૂપમાં ખેડૂતોને સસ્તું અને ગુણવત્તાપૂર્ણ ખાતર ભારત’ બ્રાન્ડ હેઠળ ઉપલબ્ધ કરાવવા માટેની યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 2014 પહેલાં ખાતર ક્ષેત્રમાં કેટલા મોટા સંકટ હતા, કેવી રીતે યુરિયાનિ કાળાબજારી થતી હતી, કેવી રીતે ખેડૂતોના હક્કો છીનવાઇ ગયા અને બદલામાં ખેડૂતોને લાઠીનો સામનો કરવો પડતો હતો, આ આપણા ખેડૂત ભાઇઓ-બહેનો 2014 પહેલાના એ દિવસો ક્યારેય ભૂલી નહીં શકે. દેશમાં યુરિયાની મોટી ફેક્ટરીઓ વર્ષો પહેલાં બંધ થઇ ગઇ હતી. કારણ કે, એક નવી દુનિયા ઊભી થઇ હતી, આયાત કરવાથી અનેક લોકોના ઘર ભરાતા હતા, તેમના ખિસ્સા ભરાતા હતા, તેથી અહીંની ફેક્ટરીઓને બંધ કરવામાં તેમને આનંદ આવતો હતો. અમે યુરિયાનું સો ટકા નીમ કોટિંગ કરીને તેની કાળાબજારી થતી બંધ કરી દીધી છે. અમે દેશમાં વર્ષોથી બંધ હાલતમાં રહેલી, 6 સૌથી મોટી યુરિયા ફેક્ટરીઓને ફરી ચાલુ કરવા માટે સખત મહેનત કરી છે.

સાથીઓ,

હવે તો યુરિયાના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે, ભારત હવે ઘણું ઝડપથી લિક્વિડ નેનો યુરિયા, પ્રવાહી નેનો યુરિયા તરફ આગળ વધી રહ્યું છે. નેનો યુરિયા, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવાનું માધ્યમ છે. એક બોરી યુરિયાની સામે, તમે વિચારો કરો, યુરિયાની એક બોરીની જ્યાં જરૂર પડે છે, તે કામ હવે નેનો યુરિયાની નાની બોટલથી થઇ શકે છે. આ જ તો વિજ્ઞાનની અજાયબી છે, ટેકનોલોજીની અજાયબી છે અને તેના કારણે જે ખેડૂતોને યુરિયાની બોરીઓ ઉપાડીને લઇ જવી પડે છે, તેની મહેનત, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને તેને ઘરમાં રાખવાની જગ્યા, આ બધી મુશ્કેલીઓ માંથી છૂટકારો મળી જાય છે. હવે તો, બસ તમે બજારમાં આવો, દસ વસ્તુઓ લઇને, તમારા ખિસ્સામાં એક બોટલ મૂકી દો, અને તમારું કામ થઇ ગયું.

ખાતર ક્ષેત્રમાં સુધારા માટેના અમારા પ્રયાસોમાં આજે વધુ બે મોટા સુધારા, મોટા ફેરફારોનો ઉમેરો થઇ રહ્યો છે. પહેલો ફેરફાર એ છે કે, આજથી દેશભરમાં સવા 3 લાખથી વધુ ખાતરની દુકાનોને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો તરીકે વિકસાવવાનું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ એવા કેન્દ્રો હશે જ્યાં માત્ર ખાતર જ નહીં મળે, પરંતુ બિયારણ હોય, ઉપકરણો હોય, માટીનું પરીક્ષણ હોય, દરેક પ્રકારની માહિતી, ખેડૂતને જેની પણ જરૂર હોય તે, આ કેન્દ્રો પર એક જ જગ્યાએ ઉપલબ્ધ થઇ જશે.

આપણા ખેડૂત ભાઇ- બહેનોને હવે ક્યારેક અહીં જવાનું, ક્યારેક ત્યાં જવાનું, આમ ભટકવું પડે, તેમ ભટકવું પડે, આ બધી જ ઝંઝટમાંથી મારા ખેડૂત ભાઇઓને હવે છૂટકારો મળી જશે. બીજો એક ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર એ કરવામાં આવ્યો છે કે, હમણાં જ નરેન્દ્ર સિંહજી તોમર તેનું ખૂબ વિગતવાર વર્ણન કરી રહ્યા હતા. તે ફેરફાર ખાતરની બ્રાન્ડના સંબંધમાં, તેના નામના સંબંધમાં, ઉત્પાદનની સમાન ગુણવત્તાના સંબંધમાં છે. અત્યાર સુધી આ કંપનીઓના પ્રચાર અભિયાનને કારણે અને જ્યાં ખાતર વેચનારા લોકો હોય છે, જેને વધારે કમિશન મળે છે, તો તેઓ એવી બ્રાન્ડનું વેચાણ વધારે કરે છે, અને જેમાં કમિશન ઓછું મળતું હોય તો તેવી બ્રાન્ડનું વેચાણ થતું નથી. અને તેના કારણે ખેડૂતોને જે જરૂરિયાત મુજબનું, જે ગુણવત્તાયુક્ત ખાતર મળવું જોઇએ, તે આ સ્પર્ધાઓને કારણે, અલગ અલગ નામોને કારણે અને તેને વેચનારા એજન્ટોની મનમાનીના કારણે ખેડૂત પરેશાન થઇ જતો હતો. અને ખેડૂત ભ્રમમાં પણ આવી જતો હતો કે, પાડોશી તો કહેતો કે હું આ લાવ્યો છું, અને હું તો આ લાવ્યો છું તો મેં કોઇ ભૂલ તો નથી કરીને, એવું વિચારવા લાગતો હતો, સારું જવા દો આને પડ્યું રહેવા દો, હું પણ એ નવું લઇ આવું છુ. ક્યારેક ખેડૂત આ ભ્રમમાં ડબલ ડબલ ખર્ચ કરી દેતો હતો.

DAP હોય, MOP હોય, NPK હોય, તે કઇ કંપની પાસેથી ખરીદે. એ જ ખેડૂત માટે મોટો ચિંતાનો વિષય હતો. વધુ લોકપ્રિય ખાતર માટે અનેક ગણા વધુ પૈસા ચુકવવા પડતા હતા. હવે ધારો કે, એક બ્રાન્ડ તેના મગજમાં ભરાઇ ગઇ છે, અને તેને જો તે ન મળી અને બીજી લેવી પડે, તો એ વિચારે છે કે ચાલો હું આમાંથી એક કિલો પહેલા વાપરી જોઉં, હવે હું આને બે કિલો કરવા દઉં કારણ કે બ્રાન્ડ બીજી છે, ખબર નહીં કેવી હોય, મતલબ કે, તેમનો ખર્ચ પણ વધારે થઇ જતો હતો. આ બધી સમસ્યાઓનો એક સાથે નિકાલ કરવામાં આવ્યો છે.

ખાતર પણ ઉપલબ્ધ થશે. દેશમાં હવે તમે હિન્દુસ્તાનના કોઇપણ ખૂણામાં જાઓ, એક જ નામ, એક જ બ્રાન્ડ, અને એક જ ગુણવત્તાવાળા યુરિયાનું વેચાણ થશે અને આ બ્રાન્ડ છે - ભારત! હવે દેશમાં યુરિયા માત્ર ભારત બ્રાન્ડથી જ મળશે. જ્યારે આખા દેશમાં ખાતરની બ્રાન્ડ એક જ હશે તો કંપનીના નામે ખાતર માટે થતી તમામ પળોજણોનો પણ અંત આવી જશે. તેનાથી ખાતરની કિંમત પણ ઓછી થશે, ખાતર પૂરતા પ્રમાણમાં અને ઝડપથી ઉપલબ્ધ પણ થઇ શકશે.

સાથીઓ,

આજે આપણા દેશમાં લગભગ 85 ટકા ખેડૂતો નાના ખેડૂતો છે. તેમની પાસે એક હેક્ટર કે, દોઢ હેક્ટરથી વધારે જમીન નથી. અને આટલું જ નહીં, સમયની સાથે, જ્યારે પરિવારનું વિસ્તરણ થાય છે, પરિવાર વધે છે, તો આટલા નાના એવા ટુકડા પણ વધુ નાના ટુકડાઓમાં તૂટી જાય છે. જમીન વધુ નાના ટુકડાઓમાં વિભાજિત થાય છે અને આપણે આજકાલ આબોહવા પરિવર્તન જોઇએ છીએ. દિવાળી આવી ગઇ છે, વરસાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. કુદરતી આફતો ચાલતી રહે છે.

સાથીઓ,

એવી જ રીતે જો જમીન ખરાબ થશે, જો આપણી ધરતી માતાનું સ્વાસ્થ્ય સારું નહીં હોય, જો આપણી ધરતી માતા બીમાર રહેશે, તો આપણી માતાની ફળદ્રુપતા પણ ઘટી જશે, જો પાણીનું સ્વાસ્થ્ય ખરાબ હશે તો એમાં વધુ સમસ્યાઓ થશે. આ બધુ ખેડૂત તેના રોજિંદા જીવનમાં અનુભવે છે. આવી સ્થિતિમાં, ખેતીની ઉપજ વધારવા માટે, સારી ઉપજ માટે, આપણે ખેતીમાં નવી સિસ્ટમો બનાવવી પડશે, વધુ વૈજ્ઞાનિક પદ્ધતિઓ, વધુ ટેકનોલોજીને ખુલ્લા મનથી અપનાવવી પડશે.

આ વિચાર સાથે જ અમે કૃષિમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા, ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે. આજે દેશમાં ખેડૂતોને 22 કરોડ સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે જેથી તેઓને જમીનના સ્વાસ્થ્ય વિશે સચોટ માહિતી મળી શકે. ખેડૂતોને શ્રેષ્ઠ ગુણવત્તાના બિયારણ મળી રહે તે માટે અમે વૈજ્ઞાનિક રીતે સભાન પ્રયાસો કરી રહ્યા છીએ. છેલ્લા 7-8 વર્ષોમાં આવા બિયારણની 1700 થી વધુ જાતો ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે આ બદલાતી આબોહવાની પરિસ્થિતિઓમાં પણ તેમનો હેતુ પૂરો કરી શકે છે, અનુકૂળ રહે છે.

આજે આપણે ત્યાં જે પરંપરાગત બરછટ અનાજ - બાજરીના બીજની ગુણવત્તા છે તેને વધારવા માટે, આજે દેશમાં ઘણા હબ બનાવવામાં આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ભારતના બરછટ અનાજને પ્રોત્સાહિત કરવાના સરકારના પ્રયાસોથી આગામી વર્ષને સમગ્ર વિશ્વમાં બરછટ અનાજના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે. આપણા બરછટ અનાજની દુનિયાભરમાં ચર્ચા થવા જઇ રહી છે. હવે તમારી સામે તક આવી છે, તે દુનિયામાં કેવી રીતે પહોંચવું.

આપ સૌ, છેલ્લા 8 વર્ષમાં સિંચાઇને લઇને જે કામ કરવામાં આવ્યું છે તેનાથી પણ ખૂબ જ સારી રીતે વાકેફ છો. આપણાં ખેતરોને પાણીથી ભરવા, જ્યાં સુધી ખેડૂત ખેતરમાં આખો પાક પાણીમાં ડૂબેલો ન દેખાય, એક પણ છોડનું માથું બહાર દેખાય તો તેને લાગે કે પાણી ઓછું છે, તે પાણી નાખે છે, આખા ખેતરને તળાવ જેવું બનાવી દે છે. અને તેના કારણે પાણીનો પણ બગાડ થાય છે, જમીન પણ બગડે છે, પાક પણ નાશ પામે છે. અમે ખેડૂતોને આ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે પણ કામ કર્યું છે. પર ડ્રોપ મોર ક્રોપ, સૂક્ષ્મ સિંચાઇ, માઇક્રો ઇરિગેશન, તેના પર ઘણો ભાર આપી રહ્યા છીએ, ટપક સિંચાઇ પર ભાર આપી રહ્યા છીએ, ફુવારા સિંચાઇ પર ભાર આપી રહ્યા છીએ.

પહેલાં, શેરડી પકવતો આપણો ખેડૂત એવું માનવા તૈયાર જ નહોતો કે ઓછા પાણીમાં પણ શેરડીની ખેતી કરી શકાય છે. હવે સાબિત થઇ ગયું છે કે, સ્પ્રિંકલરથી પણ શેરડીની ખેતી ખૂબ સારી રીતે કરી શકાય છે અને પાણીની પણ બચત કરી શકાય છે. તેમના મનમાં એવું છે કે જેમ કોઇ પ્રાણીને વધુ પાણી આપવામાં આવે તો તે વધુ દૂધ આપશે, એવી રીતે જો શેરડીના ખેતરને વધુ પાણી આપવામાં આવે તો વધુ શેરડીનો રસ નીકળશે. આવા હિસાબો ચાલતા રહે છે. છેલ્લા 7-8 વર્ષમાં દેશમાં લગભગ 70 લાખ હેક્ટર જમીનને માઇક્રો ઇરિગેશનને પરીઘમાં લાવવામાં આવી છે.

સાથીઓ,

ભવિષ્યના પડકારોને ઉકેલવા માટે પ્રાકૃતિક ખેતી એક મહત્વપૂર્ણ માર્ગ પણ પ્રદાન કરે છે. આના માટે પણ આજે આપણે આખા દેશમાં ઘણી જાગૃતિ ફેલાઇ હોવાનો અનુભવ કરી રહ્યા છીએ. પ્રાકૃતિક ખેતી માટે ગુજરાત, હિમાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં ખેડૂતો મોટા પાયે કામ કરી રહ્યા છે. ગુજરાતમાં આના માટે જિલ્લા અને ગ્રામ પંચાયત સ્તરે પણ આયોજનો કરવામાં આવી રહ્યા છે. વિતેલા વર્ષોમાં જે રીતે પ્રાકૃતિક ખેતી, નેચરલ ફાર્મિંગને નવા બજારો મળ્યા છે, જે રીતે તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેનાથી તેમાં ઉત્પાદનમાં પણ અનેકગણો વધારો થયો છે.

સાથીઓ,

આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી નાના ખેડૂતોને કેટલો ફાયદો થાય છે તેનું એક ઉદાહરણ પીએમ કિસાન સમ્માન નિધિ પણ છે. આ યોજનાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. જ્યારે બિયારણ એકઠું કરવાનો સમય આવે છે, જ્યારે ખાતર લેવાનો સમય આવે છે, ત્યારે આ સહાય ખેડૂત સુધી પહોંચે છે. દેશના 85 ટકાથી વધુ નાના ખેડૂતો માટે આ મોટો ખર્ચ છે. આજે દેશભરના ખેડૂતો મને કહે છે કે પીએમ કિસાન નિધિએ તેમની ઘણી મોટી ચિંતા દૂર કરી દીધી છે.

સાથીઓ,

આજે વધુ સારી અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે ખેતર અને બજાર વચ્ચેનું અંતર પણ દૂર કરી રહ્યા છીએ. આનો સૌથી મોટો ફાયદો આપણા નાના ખેડૂતને થાય છે, જેઓ ફળ- શાકભાજી- દૂધ- માછલી જેવા નાશવંત ઉત્પાદનોમાં જોડાયેલા છે. કિસાન રેલ અને કૃષિ ઉડાન હવાઇ સેવાથી નાના ખેડૂતોને પણ આમાં ઘણો ફાયદો મળી રહ્યો છે. આ આધુનિક સુવિધાઓ આજે ખેડૂતોના ખેતરોને દેશભરના મુખ્ય શહેરો અને વિદેશના બજારો સાથે કનેક્ટ કરી રહી છે.

આનું એક પરિણામ એ પણ આવ્યું છે કે કૃષિ ક્ષેત્રની નિકાસ હવે એવા દેશોમાં થવા લાગી છે, જ્યાં પહેલાં નિકાસ કરવાની કોઇએ કલ્પના પણ કરી ન હતી. કૃષિ નિકાસની વાત કરીએ તો ભારત દુનિયાના 10 મુખ્ય દેશોમાં છે. કોરોનાને કારણે અવરોધો આવ્યા તેમ છતાં, બે વર્ષ મુસીબતમાં વિત્યા તેમ છતાં, આપણી કૃષિ નિકાસમાં 18 ટકાનો વધારો થયો છે.

ગુજરાતમાંથી મોટા પાયે કમલમનું ફળ, જેને પહાડી ભાષામાં ડ્રેગન ફ્રુટ કહેવાય છે, તેને વિદેશમાં નિકાસ કરવામાં આવી રહ્યું છે. હિમાચલમાંથી પ્રથમ વખત કાળા-લસણની નિકાસ કરવામાં આવી છે. આસામની બર્મીઝ દ્રાક્ષ, લદ્દાખના જરદાળુ, જલગાંવના કેળા કે પછી ભાગલપુરી ઝરદારી કેરી, આવા તો ઘણા ફળો છે જે વિદેશી બજારોને આકર્ષી રહ્યા છે. આજે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જેવી યોજનાઓ હેઠળ આવા ઉત્પાદનોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે જિલ્લા સ્તરે એક્સપોર્ટ હબ પણ બનાવવામાં આવી રહ્યા છે, જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો રહ્યો છે.

સાથીઓ,

આજે પ્રોસેસ્ડ ફૂડમાં પણ આપણો હિસ્સો ઘણો વધી રહ્યો છે. આનાથી ખેડૂતોને તેમની ઉપજના ઊંચા ભાવ મળવાનો માર્ગ મોકળો થઇ રહ્યો છે. ઉત્તરાખંડનું બરછટ અનાજ પ્રથમ વખત ડેનમાર્કમાં ગયું. એવી જ રીતે કર્ણાટકમાંથી ઓર્ગેનિક જેકફ્રૂટ પાવડર પણ નવા બજારોમાં પહોંચી રહ્યો છે. હવે ત્રિપુરા પણ આના માટે તૈયારી કરી રહ્યું છે. આ બીજ આપણે છેલ્લા 8 વર્ષમાં વાવ્યા છે, જેનો પાક હવે પાકવા લાગ્યો છે.

સાથીઓ,

તમે વિચારો, ચાલો હું તમને કેટલાક આંકડા જણાવું છું. આ આંકડાઓ સાંભળીને, તમને લાગશે કે કેવી રીતે પ્રગતિ અને પરિવર્તન થાય છે. 8 વર્ષ પહેલાં દેશમાં માત્ર 2 મોટા ફૂડ પાર્ક હતા, આજે આ સંખ્યા વધીને 23 સુધી પહોંચી ગઇ છે. હવે અમારો પ્રયાસ એ છે કે, ખેડૂત ઉત્પાદક યુનિયનો એટલે કે FPO અને બહેનોના સ્વ-સહાય જૂથોને આ ક્ષેત્ર સાથે શક્ય એટલું કેવી રીતે જોડી શકાય. કોલ્ડ સ્ટોરેજ હોય, ફૂડ પ્રોસેસિંગ હોય, નિકાસ હોય, નાના ખેડૂતો આવા દરેક કામમાં સીધા જોડાયેલા હોય છે, આ માટે સરકાર આજે નિરંતર પ્રયાસો કરી રહી છે.

સાથીઓ,

ટેકનોલોજીનો આ ઉપયોગ બિયારણથી લઇને બજાર સુધીની સમગ્ર વ્યવસ્થામાં મોટા ફેરફારો લાવી રહ્યો છે. આપણા કૃષિ બજારો છે તેને પણ આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે, ટેકનોલોજીના માધ્યમથી, ખેડૂતો ઘરે બેસીને જ તેમની ઉપજ દેશના કોઇપણ બજારમાં વેચી શકે છે, આ બધું જ ઇ-નામ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશના અઢી કરોડથી વધુ ખેડૂતો અને અઢી લાખથી વધુ વેપારીઓ ઇ-નામ સાથે જોડાઇ ચુક્યા છે.

તમને એ જાણીને પણ ઘણો આનંદ થશે કે અત્યાર સુધીમાં આના માધ્યમથી 2 લાખ કરોડ રૂપિયાથી વધુની લેવડદેવડ થઇ ચૂકી છે. તમે જોયું જ હશે કે, આજે દેશના ગામડાઓમાં જમીનના અને મકાનોના નકશા બનાવીને ખેડૂતોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવી રહ્યા છે. આ તમામ કામો માટે ડ્રોન જેવી ટેકનોલોજી, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સાથીઓ,

ખેતીને વધુમાં વધુ નફાકારક બનાવવા માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગને આપણા સ્ટાર્ટ-અપ્સ નવા યુગમાં લઇ જઇ શકે છે. આજે આટલી મોટી સંખ્યામાં સ્ટાર્ટ અપ સાથે જોડાયેલા સાથીઓ ઉપસ્થિત છે. છેલ્લા 7-8 વર્ષમાં કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટ-અપ્સની સંખ્યા, આ આંકડો પણ સાંભળી લો, પહેલાં 100 હતા, આજે 3 હજારથી વધુ સ્ટાર્ટ-અપ્સ કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે. આ સ્ટાર્ટઅપ્સ, આ ઇનોવેટીવ યુવાનો, ભારતનું આ ટેલેન્ટ, ભારતીય કૃષિનું, ભારતના ગ્રામીણ અર્થતંત્રનું ભાવિ નવેસરથી લખી રહ્યા છે. ખર્ચથી માંડીને ટ્રાન્સપોર્ટેશન સુધીની દરેક સમસ્યાનો ઉકેલ આપણા સ્ટાર્ટ અપ પાસે છે.

હવે જુઓ ખેડૂત ડ્રોનથી જ, ખેડૂતનું જીવન કેટલું સરળ બનશે તે જુઓ. માટી કેવી છે, માટીને કયા ખાતરની જરૂર છે, કેટલી સિંચાઇની જરૂર છે, કયો રોગ છે, કઇ દવાની જરૂર છે, આનું અનુમાન ડ્રોન કરી શકે છે અને તમને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે. જો દવાનો છંટકાવ કરવો હોય તો ડ્રોન દ્વારા માત્ર તે જ જગ્યાએ છંટકાવ કરવામાં આવે છે જ્યાં તેની જરૂર હોય છે. આનાથી છંટકાવ અને ખાતરનો બગાડ પણ અટકશે અને ખેડૂતના શરીર પર જે કેમિકલ પડે છે તેનાથી મારા ખેડૂત ભાઇ-બહેનો પણ બચી શકશે.

ભાઇઓ તથા બહેનો,

આજે બીજો એક ખૂબ મોટો પડકાર છે, જેનો ઉલ્લેખ હું આપ સૌ ખેડૂત સાથીઓ, આપણા ઇનોવેટર્સની સામે જરૂર કરવા માગુ છું. હું આત્મનિર્ભરતા પર આટલો ભાર કેમ આપી રહ્યો છું, અને કૃષિની, ખેડૂતોની આમાં શું ભૂમિકા છે તે સમજીને આપણે બધાએ મિશન મોડમાં કામ કરવાની જરૂર છે. આજે આપણે જે વસ્તુઓની આયાત કરવામાં સૌથી વધુ ખર્ચ કરીએ છીએ તે ખાદ્યતેલ છે, ખાતર છે, ક્રૂડ ઓઇલ છે. તેને ખરીદવા માટે દર વર્ષે આપણા લાખો કરોડો રૂપિયા અન્ય દેશોને આપવા પડે છે. જ્યારે વિદેશમાં કોઇ સમસ્યા આવે છે ત્યારે તેની સંપૂર્ણ અસર આપણા પર પણ પડે છે.

હવે જેમ પહેલા કોરોના આવ્યો, તો આપણે મુશ્કેલીઓનો સામનો કરતા કરતા તેમાંથી બહાર નીકળી રહ્યા હતા, રસ્તો શોધી રહ્યા હતા. કોરોના તો હજુ પૂરો નથી થયો યુદ્ધ ચાલુ થઇ ગયું. અને આ એક એવી જગ્યા છે જ્યાંથી આપણે ઘણી બધી વસ્તુઓ ખરીદતા હતા. જ્યાંથી આપણી જરૂરિયાતો વધુ હતી, તે દેશો જ યુદ્ધમાં ફસાયેલા છે. આવા દેશો પર યુદ્ધની અસર પણ વધી છે.

હવે ખાતરની જ વાત લઇ લો. યુરિયા હોય, DAP હોય, કે પછી અન્ય કોઇ ખાતર હોય, તે વિશ્વના બજારોમાં અત્યારે દિવસ-રાત એટલી હદે મોંઘા થઇ રહ્યા છે, જેનો આર્થિક બોજ આપણા દેશને ભોગવવો પડી રહ્યો છે. આજે આપણે વિદેશમાંથી 75-80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે યુરિયા ખરીદીએ છીએ. પરંતુ આપણા દેશના ખેડૂતો પર બોજ ન પડે, આપણા ખેડૂતોને કોઇ નવા સંકટનો સામનો કરવો ન પડે, એટલે બહારથી જે 70-80 રૂપિયામાં યુરિયા લાવવામાં આવે છે, તેને અમે ખેડૂતોને 5 કે 6 રૂપિયામાં પહોંચાડીએ છીએ, ભાઇઓ, જેથી મારા ખેડૂત ભાઇઓ અને બહેનોને કોઇ તકલીફ ન પડે. ખેડૂતોને ઓછા ભાવે ખાતર મળી રહે તે માટે આ વર્ષે, હવે તેના કારણે સરકારી તિજોરી પર બોજ આવતા અનેક કામો કરવામાં અવરોધો આવી રહ્યા છે. આ વર્ષે, અમારે કેન્દ્ર સરકાર દ્વારા આ યુરિયાની ખરીદી પાછળ લગભગ અઢી લાખ કરોડ રૂપિયા ખર્ચવા પડે છે.

ભાઇઓ તથા બહેનો,

આયાત પર થઇ રહેલો ખર્ચ ઓછો કરવા માટે, દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપણે સૌએ સાથે મળીને સંકલ્પ કરવો પડશે, આપણે બધાએ સાથે મળીને તે દિશામાં ચાલવું જ પડશે, આપણે બધાએ સાથે મળીને વિદેશમાંથી ખાવાની વસ્તુઓ લાવવી પડે, ખેતી માટે વસ્તુઓ લાવવી પડે, તેનાથી મુક્ત થવાનો સંકલ્પ આપણે સૌએ લેવો જ પડશે. ક્રૂડ ઓઇલ અને ગેસ માટે વિદેશ પરની નિર્ભરતા ઓછી કરવા માટે આજે દેશમાં જૈવ ઇંધણ, ઇથેનોલ પર ઘણું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામ સાથે ખેડૂત પ્રત્યક્ષ રૂપે જોડાયેલો છે, આપણી ખેતી જોડાયેલી છે. ખેડૂતોની ઉપજમાંથી ઉત્પાદિત થતા ઇથેનોલથી ગાડીઓ ચાલે અને કચરામાંથી બનતો બાયો-સીએનજી, ગાયના છાણમાંથી ઉત્પાદિત બાયોગેસ ઉપયોગમાં લેવામાં આવે તેના માટે, આ કામ આજે થઇ રહ્યું છે. ખાદ્ય તેલની સ્વનિર્ભરતા માટે અમે મિશન ઓઇલ પામ પણ શરૂ કર્યું છે.

આજે હું આપ સૌ ખેડૂત મિત્રોને અનુરોધ કરીશ કે, આ મિશનનો મહત્તમ લાભ ઉઠાવો. તેલીબિયાંનું ઉત્પાદન વધારીને આપણે ખાદ્ય તેલની આયાતમાં ઘણો ઘટાડો કરી શકીએ છીએ. દેશના ખેડૂતો આના માટે સંપૂર્ણ રીતે સમર્થ છે. દાળ- કઠોળ અંગે જ્યારે મેં 2015માં આપ સૌને આહ્વાન કર્યું હતું, ત્યારે તમે મારી વાતને માથે ચડાવી અને તમે સૌએ તે કરી બતાવ્યું.

બાકી પહેલા તો શું હાલત હતી, આપણે દાળ પણ વિદેશમાંથી લાવીને ખાવી પડતી હતી. જ્યારે આપણા ખેડૂતોએ નક્કી કરી જ લીધું તો, તેમણે દાળ- કઠોળનું ઉત્પાદન લગભગ 70 ટકા વધાર્યું. આવી જ ઇચ્છા શક્તિથી આપણે આગળ વધવાનું છે, ભારતની ખેતીને વધુ આધુનિક બનાવવાની છે, નવી ઊંચાઇઓ પર પહોંચવાનું છે. આઝાદીના અમૃતકાળમાં આપણે ખેતીને આકર્ષક અને સમૃદ્ધ બનાવીશું, આ જ સંકલ્પ સાથે મારા તમામ ખેડૂત ભાઇઓ અને બહેનોને, સ્ટાર્ટ અપ્સ સાથે સંકળાયેલા તમામ યુવાનોને હું મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છુ.

ખૂબ ખૂબ આભાર!

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1868735) Visitor Counter : 393