પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ મારફતે અમદાવાદમાં નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત 'કલમનો કાર્નિવલ' પુસ્તક મેળાના ઉદઘાટન સમારંભને સંબોધન કર્યું


"પુસ્તક મેળો નવા અને યુવા લેખકો માટે એક મંચ બની ગયો છે, અને તે ગુજરાતનાં સાહિત્ય અને જ્ઞાનને વિસ્તૃત કરવામાં પણ મદદ કરી રહ્યું છે"

"પુસ્તકો અને ગ્રંથો બંને એ આપણી વિદ્યા ઉપાસનાનાં મૂળભૂત તત્ત્વો છે"

"અમે દેશ સમક્ષ આઝાદીની લડતનાં વિસરાઈ ગયેલાં પ્રકરણોનો મહિમા લાવી રહ્યા છીએ"

"ટેકનોલોજી નિઃશંકપણે આપણા માટે માહિતીનો મહત્ત્વનો સ્ત્રોત છે, પરંતુ તે પુસ્તકોને, પુસ્તકોના અભ્યાસને બદલવાનો માર્ગ નથી"

"જ્યારે માહિતી આપણાં મનમાં હોય છે, ત્યારે મગજ તે માહિતીની ઊંડાણપૂર્વક પ્રક્રિયા કરે છે, અને તે નવાં પરિમાણોને જન્મ આપે છે. આ નવાં સંશોધન અને નવીનતા માટેનો માર્ગ ખોલે છે. આમાં પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્ર બની જાય છે"

Posted On: 08 SEP 2022 5:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત 'કલમનો કાર્નિવલ' પુસ્તક મેળાના ઉદ્ઘાટન સમારંભને વીડિયો સંદેશ મારફતે સંબોધન કર્યું હતું.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ 'કલમનો કાર્નિવલ'ના ભવ્ય આયોજન બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી કે, અમદાવાદમાં 'નવ ભારત સાહિત્ય મંદિર' દ્વારા શરૂ થયેલા પુસ્તક મેળાની પરંપરા દરેક વીતેલાં વર્ષ સાથે સમૃદ્ધ થઈ રહી છે. પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું હતું કે, આ પુસ્તક મેળો નવા અને યુવાન લેખકો માટે એક મંચ બની ગયો છે અને તેનાથી ગુજરાતનાં સાહિત્ય અને જ્ઞાનનો વિસ્તાર કરવામાં પણ મદદ મળી રહી છે. પ્રધાનમંત્રીએ નવભારત સાહિત્ય મંદિર અને તેના તમામ સભ્યોને આ સમૃદ્ધ પરંપરા માટે અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, 'કલમનો કાર્નિવલ' એ હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓનાં પુસ્તકોનું વિશાળ સંમેલન છે. શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે રાજ્યએ 'વાંચે ગુજરાત' અભિયાનની શરૂઆત પણ કરી હતી અને આજે 'કલમનો કાર્નિવલ' જેવાં અભિયાનો ગુજરાતનાં એ સંકલ્પને માત્ર આગળ ધપાવી રહ્યાં છે. તેમણે વધુમાં ઉમેર્યું કે પુસ્તકો અને ગ્રંથો બંને આપણી વિદ્યા ઉપાસનાનાં મૂળભૂત તત્વો છે. "ગુજરાતમાં પુસ્તકાલયોની ખૂબ જ જૂની પરંપરા છે." પ્રધાનમંત્રીએ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડજી કે જેમણે તેમના વિસ્તારના તમામ ગામોમાં પુસ્તકાલયોની સ્થાપના કરી હતી, 'ભાગવત ગોમંડલ' નામનો વિશાળ શબ્દકોશ આપનાર ગોંડલના મહારાજા ભગવતસિંહજી અને 'નર્મ કોષ'નું સંપાદન કરનારા વીર કવિ નર્મદનાં યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ગુજરાતનો ઇતિહાસ પુસ્તકો, લેખકો, સાહિત્ય સર્જનની દ્રષ્ટિએ ઘણો સમૃદ્ધ રહ્યો છે. હું ઈચ્છીશ કે આવા પુસ્તક મેળાઓ ગુજરાતના ખૂણે ખૂણે લોકો સુધી, ખાસ કરીને યુવાનો સુધી પહોંચે, જેથી તેમને સમૃદ્ધ ઇતિહાસ વિશે જાણકારી મળે, પ્રેરણા મળે.

આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન આ પુસ્તક મેળો યોજાઈ રહ્યો છે તે અંગે પ્રધાનમંત્રીએ સૌનું ધ્યાન દોર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસને પુનર્જીવિત કરવો એ અમૃત મહોત્સવનું એક મુખ્ય પાસું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમે દેશ સમક્ષ આઝાદીની લડતનાં વિસરાઈ ગયેલાં પ્રકરણોનો મહિમા લાવી રહ્યા છીએ. 'કલમનો કાર્નિવલ' જેવા કાર્યક્રમો દેશમાં આ અભિયાનને વેગ આપી શકે છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામ સાથે સંબંધિત પુસ્તકોને વિશેષ મહત્વ આપવું જોઈએ અને આવા લેખકોને એક મજબૂત મંચ પૂરો પાડવો જોઈએ. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "મને ખાતરી છે કે આ ઇવેન્ટ આ દિશામાં એક સકારાત્મક માધ્યમ સાબિત થશે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વ્યક્તિએ શાસ્ત્રો, ગ્રંથો અને પુસ્તકોનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ, જેથી તે અસરકારક અને ઉપયોગી બની શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના જમાનામાં તે વધુ મહત્વનું છે જ્યાં લોકો ઇન્ટરનેટની મદદ લેવાનું વલણ ધરાવે છે. "ટેક્નોલૉજી એ નિઃશંકપણે આપણા માટે માહિતીનો મહત્ત્વનો સ્રોત છે, પરંતુ તે પુસ્તકોને, પુસ્તકોનો અભ્યાસ બદલવાનો માર્ગ નથી."

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે માહિતી આપણાં મનમાં હોય છે, ત્યારે મગજ તે માહિતી પર ઊંડાણપૂર્વક પ્રક્રિયા કરે છે અને તે નવા આયામોને જન્મ આપે છે. "આ નવાં સંશોધન અને નવીનતા માટેનો માર્ગ ખોલે છે. આ બાબતમાં પુસ્તકો જ આપણાં શ્રેષ્ઠ મિત્ર બની જાય છે" એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનનું સમાપન એ વાત પર ભાર મૂકીને કર્યું હતું કે, ખાસ કરીને ઝડપથી બદલાતી દુનિયામાં પુસ્તકો વાંચવાની આદત પાડવી અતિ મહત્ત્વપૂર્ણ છે. "પુસ્તકો ભૌતિક સ્વરૂપમાં હોય કે ડિજિટલ સ્વરૂપમાં હોય!" તેમણે કહ્યું, "હું માનું છું કે, આવા કાર્યક્રમો યુવાનોમાં પુસ્તકો માટે જરૂરી આકર્ષણ બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે અને તેમનું મહત્વ સમજવામાં તેમને મદદ કરશે."

SD/GP/JD



(Release ID: 1857861) Visitor Counter : 167