પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પાણીપતમાં 2જી ઇથેનોલ પ્લાન્ટ સમર્પિત કર્યો
"જૈવિક-બળતણ એ પ્રકૃતિનું રક્ષણ કરવાનો પર્યાય છે - આપણા માટે જૈવિક-બળતણ એ હરિયાળું અને પર્યાવરણને બચાવતું બળતણ છે"
"રાજકીય સ્વાર્થ અને ટૂંકા ગાળા-શૉર્ટ કટ્સનું રાજકારણ ક્યારેય સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી શકતા નથી"
"નિઃશુલ્ક ચીજવસ્તુઓની સ્વાર્થી જાહેરાતો દેશને આત્મનિર્ભર બનતા અટકાવશે, પ્રામાણિક કરદાતાઓ પર બોજો વધારશે અને નવી ટેકનોલોજીમાં રોકાણ અટકાવશે"
"આગામી કેટલાંક વર્ષોમાં, દેશમાં 75 ટકાથી વધુ ઘરોમાં પાઇપ દ્વારા ગેસ મળશે"
Posted On:
10 AUG 2022 6:20PM by PIB Ahmedabad
વિશ્વ જૈવઇંધણ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે હરિયાણાનાં પાણીપતમાં બીજી પેઢીનાં (2જી) ઇથેનોલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારુ દત્તાત્રેય, કેન્દ્રીય મંત્રીઓ શ્રી નરેન્દ્રસિંહ તોમર, શ્રી હરદીપ સિંહ પુરી, શ્રી રામેશ્વર તેલી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ વિશ્વ જૈવઇંધણ દિવસના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી. ઈથેનોલ પ્લાન્ટને માત્ર એક શરૂઆત ગણાવતા તેમણે કહ્યું કે આ પ્લાન્ટથી દિલ્હી, હરિયાણા અને એનસીઆરમાં પ્રદૂષણ ઓછું થશે. તેમણે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ માં હરિયાણાની પુત્રીઓ અને પુત્રો દ્વારા શાનદાર પ્રદર્શન કરવા બદલ હરિયાણાને અભિનંદન પણ આપ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણા જેવા દેશમાં જે પ્રકૃતિની ઉપાસના કરે છે, ત્યાં જૈવિક-બળતણ એ પ્રકૃતિની સુરક્ષાનો પર્યાય છે. આપણા ખેડૂત ભાઈ-બહેનો આ વાત વધુ સારી રીતે સમજે છે. આપણા માટે જૈવિક-બળતણ એટલે હરિયાળું બળતણ, પર્યાવરણની બચત કરતું બળતણ. તેમણે જણાવ્યું હતું કે, આ આધુનિક પ્લાન્ટની સ્થાપના સાથે હરિયાણાના ખેડૂતો, જ્યાં ચોખા અને ઘઉંનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે, તેમને પાકના અવશેષોનો ઉપયોગ કરવા માટે વધુ એક આકર્ષક માધ્યમ મળશે.
પાણીપતનો બાયો-ફ્યૂઅલ પ્લાન્ટ પરાળને સળગાવ્યા વિના તેનો નિકાલ પણ કરી શકશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, તેનાથી ઘણા ફાયદા થશે. પહેલો ફાયદો એ થશે કે ધરતી માતાને પરાળ સળગાવવાથી થતી પીડામાંથી મુક્તિ મળશે. બીજો ફાયદો એ થશે કે પરાળને કાપવાની અને તેના નિકાલ માટેની નવી પદ્ધતિઓ, પરિવહન માટેની નવી સગવડો અને નવાં જૈવિક-બળતણ પ્લાન્ટો આ બધાં જ ગામડાંઓમાં રોજગારીની નવી તકો લાવશે. ત્રીજો ફાયદો એ થશે કે જે પરાળ ખેડૂતો માટે બોજારૂપ હતું, અને ચિંતાનું કારણ હતું, તે તેમના માટે વધારાની આવકનું સાધન બની જશે. ચોથો ફાયદો એ થશે કે પ્રદૂષણ ઓછું થશે, અને પર્યાવરણની સુરક્ષામાં ખેડૂતોનું યોગદાન વધુ વધશે. અને પાંચમો ફાયદો એ થશે કે દેશને વૈકલ્પિક ઇંધણ પણ મળશે. પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, આ પ્રકારનાં પ્લાન્ટ્સ દેશનાં વિવિધ ક્ષેત્રોમાં આકાર લઈ રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જે લોકો રાજકીય સ્વાર્થ માટે શૉર્ટકટ્સ અપનાવીને સમસ્યાઓથી બચવાનું વલણ ધરાવે છે, તેઓ ક્યારેય કાયમી ધોરણે સમસ્યાઓનું સમાધાન કરી શકતા નથી. શૉર્ટ-કટ્સ અપનાવનારાઓને થોડા સમય માટે તાળીઓ મળી શકે છે, અને રાજકીય લાભ મેળવી શકે છે, પરંતુ તેનાથી સમસ્યા હલ થતી નથી. શૉર્ટ-કટ અપનાવવાથી ચોક્કસપણે શૉર્ટ-સર્કિટ થશે. અમારી સરકાર શૉર્ટ-કટ્સને અનુસરવાને બદલે, સમસ્યાઓના કાયમી નિરાકરણમાં વ્યસ્ત છે. વર્ષોથી પરાળની સમસ્યાઓ વિશે ઘણું કહેવામાં આવ્યું છે. પરંતુ શૉર્ટકટ્સ માનસિકતા ધરાવતા લોકો તેનો ઉકેલ લાવી શક્યા નહોતા એમ તેમણે કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ વિસ્તૃત રીતે સમસ્યાનું સમાધાન કરવાનાં ઉદ્દેશ સાથે સંબંધિત પગલાંની યાદી આપી હતી. ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ)ને 'પરાળી' માટે નાણાકીય સહાય આપવામાં આવી હતી, પાકના અવશેષો માટે આધુનિક મશીનરી પર 80 ટકા સુધીની સબસિડી આપવામાં આવી હતી અને હવે આ આધુનિક પ્લાન્ટ આ સમસ્યાનું કાયમી સમાધાન પ્રદાન કરવામાં મદદ કરશે, એમ તેમણે જણાવ્યું હતું. "જે ખેડૂતોનું નામ પરાલી સળગાવવાની મજબૂરીઓનાં કારણે ખરાબ કરવામાં આવ્યું હતું, તેઓ હવે જૈવ ઇંધણનાં ઉત્પાદનમાં અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાનું ગૌરવ અનુભવશે." પ્રધાનમંત્રીએ ગોબરધન યોજનાનો ઉલ્લેખ ખેડૂતો માટે આવકનાં વૈકલ્પિક માધ્યમ તરીકે પણ કર્યો હતો.
દેશની સમસ્યાઓનું કાયમી અને સ્થાયી સમાધાન વિશે બોલવાનું ચાલુ રાખતાં પ્રધાનમંત્રીએ નવાં ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સ, નેનો ફર્ટિલાઇઝર્સ, ખાદ્યતેલ માટે નવાં મિશન વિશે પણ વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાને કારણે છેલ્લાં 7-8 વર્ષમાં દેશનાં આશરે 50,000 કરોડ રૂપિયા વિદેશ જતાં બચી ગયા છે. અને ઇથેનોલનાં મિશ્રણને કારણે આપણા લગભગ એટલી જ રકમ દેશના ખેડૂતો પાસે ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, 8 વર્ષ અગાઉ દેશમાં ફક્ત 40 કરોડ લિટર ઇથેનોલનું ઉત્પાદન થયું હતું; હવે આ ઉત્પાદન લગભગ ૪૦૦ કરોડ લિટર છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2014 સુધી દેશમાં ફક્ત 14 કરોડ એલપીજી ગેસ જોડાણો હતાં. દેશની અડધી વસ્તી, માતાઓ અને બહેનો, રસોડાના ધુમાડામાં રહી ગઈ હતી. નાદુરસ્ત તબિયત અને બહેનો-દીકરીઓને થતી અસુવિધાને કારણે થયેલાં નુકસાનની અગાઉ કાળજી લેવામાં આવી ન હતી. પ્રધાનમંત્રીએ માત્ર ઉજ્જવલા યોજનાથી જ ગરીબ મહિલાઓને 9 કરોડથી વધારે ગેસનાં જોડાણો આપવા પર પણ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "હવે આપણે દેશમાં લગભગ 100 ટકા એલપીજી કવરેજ પર પહોંચી ગયા છીએ. દેશમાં આજે લગભગ 14 કરોડથી વધીને 31 કરોડ ગેસ કનેક્શન છે.”
પ્રધાનમંત્રીએ એ બાબત તરફ પણ ધ્યાન દોર્યું હતું કે, સીએનજી સ્ટેશનો આઠ વર્ષ અગાઉ માત્ર 800થી વધીને 4.5 હજારથી વધારે થયાં છે. એક કરોડથી વધુ ઘરોમાં પાઇપ દ્વારા ગેસ પહોંચી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, "આજે જ્યારે આપણે આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છીએ, ત્યારે દેશ એ લક્ષ્યાંક પર પણ કામ કરી રહ્યો છે કે, આગામી થોડાં વર્ષોમાં દેશમાં 75 ટકાથી વધારે કુટુંબોને પાઇપ દ્વારા ગેસ મળશે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજકારણમાં સ્વાર્થ હોય તો કોઇ પણ આવીને ફ્રી પેટ્રોલ-ડીઝલ આપવાની જાહેરાત કરી શકે છે. આવાં પગલાંથી આપણાં બાળકોના અધિકારો છીનવાઈ જશે અને દેશને આત્મનિર્ભર બનતા અટકાવાશે. આવી સ્વાર્થી નીતિઓને કારણે દેશના પ્રામાણિક કરદાતાઓ પરનો બોજ પણ વધશે, એમ પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી. દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો છે, તેનો સામનો કરવા માટે, તેને સ્પષ્ટ ઇરાદાઓ અને પ્રતિબદ્ધતાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, આ માટે અત્યંત સખત મહેનત, નીતિ અને જંગી રોકાણની જરૂર છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો સરકાર પાસે નાણાં નહીં હોય, તો ઇથેનોલ, બાયોગેસ અને સોલર પ્લાન્ટ્સ જેવાં પ્લાન્ટ્સ પણ બંધ થઈ જશે. "આપણે યાદ રાખવું પડશે કે ભલે આપણે ત્યાં નહીં હોઈએ, પરંતુ આ રાષ્ટ્ર હંમેશાં ત્યાં રહેશે, તેમાં રહેતા બાળકો હંમેશાં ત્યાં હશે. જેમણે આઝાદી માટે પોતાનાં જીવનનું બલિદાન આપ્યું, તેમણે પણ આ સનાતન ભાવના સાથે કામ કર્યું છે..... એક દેશ તરીકે, આપણે પ્રતિજ્ઞા લેવી પડશે કે આપણે આવી વૃત્તિઓને વધવા દઈશું નહીં. આ દેશની સામૂહિક જવાબદારી છે." એમ તેમણે ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમૃત મહોત્સવ દરમિયાન જ્યારે આખો દેશ ત્રિરંગાના રંગમાં રંગાઈ જાય છે, ત્યારે જે બન્યું છે તેના તરફ તેઓ દેશનું ધ્યાન દોરવા ઈચ્છે છે. આ પવિત્ર પ્રસંગને બદનામ કરવાનો, આપણા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા લોકોની માનસિકતાને સમજવી જરૂરી છે. તેમણે કહ્યું કે આપણા દેશમાં પણ કેટલાક લોકો એવા છે જે નકારાત્મકતાના વમળમાં ફસાયેલા છે, નિરાશામાં ડૂબેલા છે. સરકાર સામે જૂઠું બોલ્યા બાદ પણ જનતા આવા લોકો પર વિશ્વાસ કરવા તૈયાર નથી. આવી નિરાશામાં આ લોકો કાળા જાદુ તરફ પણ વળતા જોવા મળે છે. પ્રધાનમંત્રીએ 5મી ઑગસ્ટની ઘટનાઓ પર વધુ પ્રકાશ પાડ્યો હતો, જેમાં કાળા જાદુની માનસિકતા ફેલાવવાનો પ્રયાસ થયો હતો. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, જે લોકો એવું વિચારે છે કે, કાળાં વસ્ત્રો પહેરીને તેમની નિરાશાનો સમયગાળો સમાપ્ત થઈ જશે, તેઓ એ વાતથી અજાણ છે કે કાળો જાદુ અને અંધશ્રદ્ધામાં તેમની માન્યતા ગમે તે હોય, જનતાનો વિશ્વાસ તેમનામાં ક્યારેય પુનઃસ્થાપિત નહીં થાય."
પશ્ચાદભૂમિકા
આ પ્લાન્ટનું લોકાર્પણ દેશમાં જૈવઇંધણનાં ઉત્પાદન અને વપરાશને વેગ આપવા માટે વર્ષોથી સરકાર દ્વારા લેવામાં આવેલાં લાંબાં શ્રેણીબદ્ધ પગલાંઓનો એક ભાગ છે. આ બાબત પ્રધાનમંત્રીનાં ઊર્જા ક્ષેત્રને વધારે વાજબી, સુલભ, કાર્યદક્ષ અને સ્થાયી બનાવવાનાં સતત પ્રયાસોને અનુરૂપ છે.
2જી ઇથેનોલ પ્લાન્ટનું નિર્માણ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઇઓસીએલ) દ્વારા અંદાજે રૂ. 900 કરોડથી વધારેના ખર્ચે કરવામાં આવ્યું છે અને તે પાણીપત રિફાઇનરીની નજીક સ્થિત છે. અત્યાધુનિક સ્વદેશી ટેકનોલોજી પર આધારિત આ પ્રોજેક્ટ દર વર્ષે આશરે 2 લાખ ટન ચોખાના સ્ટ્રો (પરાલી)નો ઉપયોગ કરીને દર વર્ષે આશરે 3 કરોડ લિટર ઇથેનોલનું ઉત્પાદન કરીને ભારતના વેસ્ટ-ટુ-વેલ્થ-કચરાથી કંચનના પ્રયાસોમાં એક નવો અધ્યાય શરૂ કરશે.
કૃષિ પાકના અવશેષો માટે અંતિમ ઉપયોગનું સર્જન કરવાથી ખેડૂતો સશક્ત બનશે અને આવક પેદા કરવાની વધારાની તક પૂરી પાડશે. આ પ્રોજેક્ટ પ્લાન્ટની કામગીરી સાથે સંકળાયેલા લોકોને સીધી રોજગારી પ્રદાન કરશે અને ચોખાની સ્ટ્રો કટિંગ, હેન્ડલિંગ, સ્ટોરેજ વગેરે માટે સપ્લાય ચેઇનમાં પરોક્ષ રીતે રોજગારીનું સર્જન થશે.
આ પ્રોજેક્ટમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ હશે. ચોખાના ભૂસા (પરાલી)નાં દહનને ઘટાડીને આ પ્રોજેક્ટથી ગ્રીનહાઉસ વાયુઓમાં દર વર્ષે 3 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ ઉત્સર્જનમાં ઘટાડો થશે, જેને દેશના માર્ગો પર દર વર્ષે આશરે 63,000 કાર બદલવા સમકક્ષ ગણી શકાય.
SD/GP/JD
(Release ID: 1850625)
Visitor Counter : 273
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam