પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બિહાર વિધાનસભાની શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહને સંબોધન કર્યું


"આ વિધાનસભા ભવનમાં મોટા અને સાહસિક નિર્ણયો લેવામાં આવ્યા છે"

"આ વિધાનસભા એ એક ઉદાહરણ છે કે કેવી રીતે લોકશાહીમાં સમાન સહભાગિતા અને સમાન અધિકારો સામાજિક જીવનમાં અનુસરવામાં આવે છે"

"ભારતમાં લોકશાહીનો ખ્યાલ આ રાષ્ટ્ર અને આપણી સંસ્કૃતિ જેટલો જ પ્રાચીન છે"

"બિહાર હંમેશા લોકશાહી અને લોકતાંત્રિક મૂલ્યોનાં રક્ષણ માટે તેની પ્રતિબદ્ધતામાં અડગ રહ્યું છે"

“બિહાર જેટલું વધુ સમૃદ્ધ થશે, ભારતની લોકશાહી તેટલી વધુ શક્તિશાળી હશે. બિહાર જેટલું મજબૂત બનશે તેટલું ભારત વધુ સક્ષમ બનશે”

"પક્ષીય-રાજનીતિના ભેદથી ઉપર ઉઠીને આપણો અવાજ દેશ માટે સંગઠિત થવો જોઈએ"

"આપણા દેશની લોકશાહી પરિપક્વતા આપણાં આચરણ દ્વારા પ્રદર્શિત થાય છે"

"લોકશાહી વિવરણને આગળ વધારતા દેશ સતત નવા સંકલ્પો પર કામ કરી રહ્યો છે"

"આગામી 25 વર્ષ દેશ માટે કર્તવ્ય પથ પર ચાલવાનાં વર્ષ છે"

“આપણે જેટલો વધુ આપણાં કર્તવ્યો માટે પરિશ્રમ કરીએ છીએ, તેટલા આપણા અધિકારો વધુ મજબૂત થશે. આપણી કર્તવ્ય નિષ્ઠા જ આપણા અધિકારોની ગૅરંટી છે”

Posted On: 12 JUL 2022 7:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પટનામાં બિહાર વિધાનસભાની શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ શતાબ્દી સ્મૃતિ સ્તંભનું ઉદ્ઘાટન કર્યું જે બિહાર વિધાનસભાનાં 100 વર્ષની યાદગીરીમાં બનાવવામાં આવ્યો છે. તેમણે વિધાનસભા મ્યુઝિયમનો શિલાન્યાસ પણ કર્યો હતો. મ્યુઝિયમમાં અલગ-અલગ ગૅલેરીઓ બિહારમાં લોકશાહીના ઈતિહાસ અને વર્તમાન નાગરિક માળખાના વિકાસનું નિદર્શન કરશે. તેમાં 250થી વધુ લોકોની ક્ષમતા ધરાવતો કૉન્ફરન્સ હૉલ પણ હશે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે વિધાનસભા ગેસ્ટ હાઉસનો શિલાન્યાસ પણ કર્યો હતો. બિહારના રાજ્યપાલ શ્રી ફાગુ ચૌહાણ અને મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત હતા.

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બિહારનો સ્વભાવ છે કે જે બિહારને સ્નેહ કરે છે, બિહાર તે પ્રેમ અનેક ગણો કરીને પાછો આપે છે. “આજે મને બિહાર વિધાનસભા સંકુલની મુલાકાત લેનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. હું બિહારના લોકોને આ સ્નેહ માટે નમન કરું છું,” એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે શતાબ્દી સ્મૃતિ સ્તંભ બિહારની અનેક આકાંક્ષાઓને પ્રેરણા આપશે.

બિહાર વિધાનસભાના ગૌરવવંતા ઈતિહાસને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે અહીંની વિધાનસભા સંકુલમાં એક પછી એક મોટા અને સાહસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. આઝાદી પહેલા રાજ્યપાલ શ્રી સત્યેન્દ્ર પ્રસન્ના સિંહાએ આ વિધાનસભામાંથી સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા અને સ્વદેશી ચરખાને અપનાવવાની અપીલ કરી હતી. આઝાદી પછી, આ વિધાનસભામાં જમીનદારી નાબૂદી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ પરંપરાને આગળ વધારતા, નીતીશ જીની સરકારે બિહાર પંચાયતી રાજ જેવો કાયદો પસાર કરીને બિહારને પહેલું રાજ્ય બનાવ્યું કે જ્યાં મહિલાઓને પંચાયતોમાં 50 ટકા અનામત આપવામાં આવી હતી, એમ તેમણે યાદ કર્યું. "આ વિધાનસભા એ એક ઉદાહરણ છે કે કેવી રીતે લોકશાહીમાં સમાન સહભાગિતા અને સમાન અધિકારોનું સામાજિક જીવનમાં અનુસરણ કરવામાં આવે છે", એમ પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી.

પ્રધાનમંત્રીએ ભારતીય લોકશાહીનાં પ્રાચીન મૂળને રેખાંકિત કરતાં કહ્યું હતું કે "દશકોથી, આપણને એમ કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ભારતને લોકશાહી વિદેશી શાસન અને વિદેશી વિચારસરણીને કારણે મળી છે. પરંતુ, જ્યારે કોઈ પણ વ્યક્તિ આવું કહે છે, ત્યારે તે બિહારના ઈતિહાસ અને બિહારની વિરાસત પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે વિશ્વના મોટા ભાગો સભ્યતા અને સંસ્કૃતિ તરફ તેમનાં પ્રથમ પગલાં માંડી રહ્યા હતા, ત્યારે વૈશાલીમાં એક અત્યાધુનિક લોકશાહી કાર્યરત હતી. જ્યારે લોકશાહી અધિકારોની સમજ વિશ્વના અન્ય પ્રદેશોમાં વિકસિત થવાની શરૂઆત હતી, ત્યારે લિચ્છવી અને વજ્જિસંઘ જેવાં પ્રજાસત્તાકો તેની ટોચ પર હતા. “ભારતમાં લોકશાહીનો ખ્યાલ આ દેશ જેટલો પ્રાચીન છે, આપણી સંસ્કૃતિ જેટલો પ્રાચીન છે. ભારત લોકશાહીને સમતા અને સમાનતાનું માધ્યમ માને છે. ભારત સહઅસ્તિત્વ અને સંવાદિતાના વિચારમાં માને છે. આપણે સત્યમાં માનીએ છીએ, આપણે સહકારમાં માનીએ છીએ, આપણે સંવાદિતામાં માનીએ છીએ અને આપણે સમાજની સંગઠિત શક્તિમાં માનીએ છીએ”, એમ પ્રધાનમંત્રીએ વિગતવાર જણાવ્યું.

પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે વિશ્વમાં લોકશાહીની જનની ભારત છે. ભારત લોકશાહીની માતા છે. અને બિહારનો ભવ્ય વારસો અને પાલીમાં હાજર ઐતિહાસિક દસ્તાવેજો તેનો જીવંત પુરાવો છે. બિહારના આ વૈભવને કોઈ ભૂંસી કે છુપાવી શકશે નહીં, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. “આ ઇમારતે છેલ્લાં સો વર્ષથી ભારતીય લોકશાહીને મજબૂત બનાવી છે, તેથી તે આપણી બિરદાવલીને પાત્ર છે. આ ઈમારત એ ચેતના સાથે જોડાયેલી છે જેણે ગુલામીના સમયગાળા દરમિયાન પણ લોકતાંત્રિક મૂલ્યને ખતમ થવા દીધાં ન હતાં”, એમ તેમણે ઉમેર્યું.

પ્રધાનમંત્રીએ અંગ્રેજો સામે શ્રી બાબુ દ્વારા શાસનમાં સ્વતંત્રતાના દાવાને યાદ કર્યો. બિહાર લોકશાહી અને લોકતાંત્રિક મૂલ્યોની રક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતામાં હંમેશા અડગ રહ્યું છે. શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે બિહારે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદનાં રૂપમાં આપ્યા હતા. લોકનાયક જયપ્રકાશ, કર્પૂરી ઠાકુર અને બાબુ જગજીવન રામ જેવા નેતાઓ આ ભૂમિમાંથી આવ્યા હતા. દેશમાં જ્યારે બંધારણને કચડી નાખવાનો પ્રયાસ થયો ત્યારે પણ બિહારે સામે આવીને તેના વિરોધનું રણશિંગુ ફૂંક્યું. “બિહાર જેટલું સમૃદ્ધ હશે, ભારતની લોકશાહી તેટલી વધુ શક્તિશાળી હશે. બિહાર જેટલું મજબૂત હશે તેટલું વધુ સક્ષમ ભારત હશે”, એમ પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું.

પ્રધાનમંત્રીએ ચાલુ રાખ્યું “આઝાદીનો અમૃત મહોત્સવ અને બિહાર વિધાનસભાનાં 100 વર્ષનો આ ઐતિહાસિક પ્રસંગ પણ આપણા બધા માટે, દરેક જનપ્રતિનિધિ માટે આત્મનિરીક્ષણ અને આત્મવિશ્લેષણનો સંદેશ લઈને આવ્યો છે. આપણે આપણી લોકશાહીને જેટલી વધુ મજબૂત બનાવીશું, આપણી સ્વતંત્રતા અને આપણા અધિકારો માટે આપણે એટલી જ વધુ તાકાત મેળવીશું.

21મી સદીની બદલાતી જરૂરિયાતો અને સ્વતંત્રતાનાં 75મા વર્ષમાં નવા ભારતના સંકલ્પોના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “દેશના સાંસદો તરીકે, રાજ્યના ધારાસભ્યો તરીકે, એ પણ આપણી જવાબદારી છે કે આપણે સાથે મળીને લોકશાહી સામે પડકારનો સામનો કરવો પડી રહ્યો છે એ દરેક પડકારને હરાવીએ. પક્ષીય-રાજનીતિના ભેદથી ઉપર ઉઠીને આપણો અવાજ દેશ અને તેના હિત માટે એકજૂટ હોવો જોઈએ.”

"આપણા દેશની લોકતાંત્રિક પરિપક્વતા આપણાં આચરણ દ્વારા પ્રદર્શિત થાય છે" એના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે "વિધાનસભાઓનાં ગૃહોને જનતા સાથે સંબંધિત વિષયો પર હકારાત્મક સંવાદનું કેન્દ્ર બનવા દો." સંસદની કામગીરી અંગે તેમણે કહ્યું, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંસદમાં સાંસદોની હાજરી અને સંસદની ઉત્પાદકતામાં રેકોર્ડ વધારો થયો છે. ગયાં બજેટ સત્રમાં પણ લોકસભાની ઉત્પાદકતા 129 ટકા હતી. રાજ્યસભામાં પણ 99 ટકા ઉત્પાદકતા નોંધાઈ હતી. એટલે કે, દેશ લોકશાહી વિવરણને આગળ લઈ જઈને સતત નવા સંકલ્પો પર કામ કરી રહ્યો છે.

21મી સદીને ભારતની સદી તરીકે ચિહ્નિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે “ભારત માટે આ સદી કર્તવ્યોની સદી છે. આપણે આ સદીમાં, આગામી 25 વર્ષમાં નવા ભારતનાં સુવર્ણ લક્ષ્ય સુધી પહોંચવાનું છે. આપણી ફરજો આપણને આ લક્ષ્યો સુધી લઈ જશે. તેથી, 25 વર્ષ દેશ માટે કર્તવ્ય પથ પર ચાલવાનાં વર્ષો છે. શ્રી મોદીએ સમજાવ્યું કે “આપણે આપણી ફરજોને આપણા અધિકારોથી અલગ ન ગણવી જોઈએ. આપણે આપણી ફરજો માટે જેટલું કામ કરીએ તેટલા આપણા અધિકારો વધુ મજબૂત થશે. કર્તવ્ય નિષ્ઠા એ આપણા અધિકારોની ગૅરંટી છે.”

 SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1841043) Visitor Counter : 238