પ્રધાનમંત્રીનું કાર્યાલય

વારાણસીની સિગ્રા ખાતે બહુવિધ વિકાસ પહેલના લોકાર્પણ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 07 JUL 2022 7:48PM by PIB Ahmedabad

હર હર મહાદેવી.

કાશીમાં કહલ જાલા કી ઇહવાં સાત વાર ઔર નૌ ત્યોહાર હોલા. કહેલ કા મતબલ ઇ હાં, કી ઇહલા રોજ રોજ નયા નયા ત્યૌહાર મનાવલ જાલા. આજ કે એહી પ્રસંગ મેં યહાં જુટલ આપ સબ લોગન કે પ્રણામ હ.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ જી, યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ જી, મંચ પર ઉપસ્થિત ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીગણ, સાંસદગણ, તમામ ધારાસભ્યો અને બનારસના મારા ભાઈઓ અને બહેનો,

હું સૌ પ્રથમ તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિધાનસભાની ચૂંટણીના સમયમાં આપ સૌની વચ્ચે આવ્યો હતો અને ઉત્તર પ્રદેશમાં બીજી વાર સરકાર બનાવવા માટે આપ તમામ પાસે મદદ માગી હતી. પરંતુ આપ ઉત્તર પ્રદેશના લોકોએ અને મારી કાશીના લોકોએ જે સમર્થન આપ્યું, જે ઉમંગ અને ઉત્સાહની સાથે મારો સાથ આપ્યો તેથી જ હું આજે જ્યારે ચૂટણી બાદ પહેલી વાર તમારી સમક્ષ આવ્યો છું, આદરપૂર્વક કાશીવાસીઓનો, ઉત્તર પ્રદેશવાસીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું.
દિવ્ય, ભવ્ય, નવ્ય કાશીમાં છેલ્લા આઠ વર્ષથી વિકાસનો જે ઉત્સવ ચાલી રહ્યો છે આજે તેને આપણે ફરી એક વાર વેગ આપી રહ્યા છીએ.  કાશી હંમેશાંથી જીવંત, નિરંતર, પ્રવાહમાન રહી છે. હવે કાશીએ સમગ્ર તસવીર સમગ્ર દેશને દેખાડી છે જેમાં વારસો છે અને વિકાસ પણ છે. એવો વારસો જેને ભવ્ય, દિવ્ય અને નવ્ય બનાવવાની કામગીરી સતત જારી છે. એવો વિકાસ જે કાશીના માર્ગો અને ગલીઓ, કૂંડ, તળાવો, ઘાટ અને રેલવે પાટા, રેલવે સ્ટેશનથી લઈને એરપોર્ટ સુધી સતત ગતિમાન છે.

કાશીમાં એક પ્રોજેક્ટ પૂરો થાય છે તો ચાર નવા પ્રોજેક્ટ શરૂ થઈ જાય છે. આજે પણ અહીં 1700 કરોડ રૂપિયાથી વધુના ડઝનબંધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત થયું છે. કાશીમાં માર્ગો, પાણી, વિજળી, આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને સૌંદર્યીકરણ સાથે સંકળાયેલી હજારો કરોડ રૂપિયાની પરિયોજના પૂર્ણ થઈ ચૂકી છે. હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર સતત કામગીરી જારી છે.

ભાઈઓ અને બહેનો,

કાશીનો આત્મા અવિનાશી છે પરંતુ કાયામાં અમે સતત નવીનતા લાવવાનો જીવ રેડીને પ્રયાસ કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ કાશીને વધુ ગતિશીલ, પ્રગતિશીલ અને સંવેદનશીલ બનાવવાનો છે. કાશીનું આઘુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગતિશીલતાને વેગ આપી રહ્યું છે. શિક્ષણ, કૌશલ્ય, પર્યાવરણ, સ્વચ્છતા અને વેપાર માટે જ્યારે પ્રોત્સાહન મળે છે, નવા સંસ્થાનો બને છે, આસ્થા અને આધ્યાત્મ સાથે સંકળાયેલા પવિત્ર સ્થાનોની દિવ્યતાને આધુનિક ભવ્યતા સાથે સાંકળવામાં આવે છે ત્યારે વિકાસ પ્રગતિશીલ હોય છે. જ્યારે ગરીબોને ઘર, વિજળી, પાણી, ગેસ, ટોયલેટ જેવી સવલતો મળે છે, નાવિકો, વણકરો, હસ્તશિલ્પીઓ, લારીવાળાઓથી લઈને બેઘ સુધીના તમામને લાભ મળે છે ત્યારે વિકાસ સંવેદનશીલ હોય છે.

આજે આ કાર્યક્રમ દરમિયાન જે લોકાર્પણ અને શિલાન્યાસ થયા તેમાં ગતિશીલતા, પ્રગતિશીલતા અને સંવેદનશીલતા ત્રણેયની ઝલક છે. મારી કાશી, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ભાઈઓ અને બહેનો,

આજે મને તમારો સાંસદ બનાવીને સેવા કરવાની તક આપી છે. તેથી જ્યારે તમે લોકો કોઈ સારું કામ કરો છો તો મને બમણો આનંદ થાય છે. મારો આનંદ ઓર વધી જાય છે. કાશીના જાગૃત નાગરિકોએ જે રીતે દેશને દિશા આપનારું કાર્ય કર્યું છે તેને જોઇને હું ખૂબ આનંદિત છું. કેટલાક નેતાઓનું ભલું થઈ જાય, ના દેશનું ભલું થાય છે કે ના તો પ્રજાનું ભલું થતું હોય છે.

મને યાદ છે 2014માં આવ્યા પછી કાશીમાં બહારથી આવનારા લોકો સવાલ કરતા હતા કે અહીં આટલું બધું અવ્યવસ્થિત છે, આ બધું બરાબર કેવી રીતે થશે, આમ જ લોકો પૂછતા હતા ને ? તેમની ચિંતા યોગ્ય પણ હતી. બનારસમાં જ્યાં પણ નજર કરો, ત્યાં સુધારાની, પરિવર્તનની જરૂર જણાતી હતી. સ્પષ્ટ જણાતું હતું કે બનારસની સ્થિતિમાં સુધારો લાવવા માટે દાયકાઓથી કોઈ કાર્ય થયું જ નથી. હવે આવામાં અન્ય કોઈ માટે શોર્ટ કટ પસંદ કરવો આસાન હતો. લોકોને આ આપી દો, પેલું આપી દો, આનાથી વધારે તેમને વિચારો આવતા જ ન હતા. કોણ આટલી મહેનત કરે, કોણ માથાકૂટ કરે, કોણ પરસેવો પાડે.
પણ, હું બનારસના લોકોને દાદ આપીશ કે તેમણે યોગ્ય માર્ગ દર્શાવ્યો, યોગ્ય માર્ગ પસંદ કર્યો. તેમણે બેધડક કહી દીધું કે કામ એવી રીતે થાય જે વર્તમાનને સુધારે અને ભવિષ્યમાં કેટલાય દાયકાઓ સુધી બનારસને લાભ પહોંચાડે.

મારા પ્યારા કાશીવાસી ભાઈઓ અને બહેનો,

મને કહો કે જે કામ થઈ રહ્યા છે તે ભવિષ્ય માટે કામ આવનારા છે કે નહીં ? આવનારી પેઢીઓને પણ કામ આવનારા છે ને ? અહીંના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ કરનારા છે ને ? સમગ્ર હિન્દુસ્તાનને કાશી તરફ ખેંચી લાવશે કે નહીં લાવે ? સમગ્ર હિન્દુસ્તાન કાશીને નિહાળવા આવશે કે નહીં આવે ?

સાથીઓ,
આજે આપણે જોઈ રહ્યા છીએ જ્યારે દૂરોગામી પ્લાનિંગ થાય છે તો કેવા પરિણામો સામે આવે છે. છેલ્લા આઠ વર્ષમાં કાશીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે. તેનાથી ખેડૂત હોય, મજૂર હોય, વેપારી હોય તે તમામને ફાયદો થયો છે. વેપાર વધી રહ્યો છે, કારોબારમાં વૃદ્ધિ થઈ છે, પ્રવાસનનો વ્યાપ વધ્યો છે.
રીક્ષાવાળો પણ કહી રહ્યો છે કે સાહેબ દિવસભરમાં એટલું કામ મળી રહ્યું છે. વેપારી કહે છે સાહેબ, છ છ મહિનાનો માલ એક મહિનામાં વેચાઈ જાય છે. થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું
? તેજી આવી છે કે નથી આવી ? અને આ જે માર્ગો બની રહ્યા છે, આ જ ગરીબોના ઘર બની રહ્યા છે, જે પાઇપ લાઇન બિછાવવામાં આવી રહી છે તેમાં જે સામાન લાગે છે, તેનાથી સિમેન્ટ, સ્ટીલ અને નિર્માણ સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગોને, નાના મોટા દુકાનદારોને તેમનો બિઝનેસ પણ વધી રહ્યો છે. એટલે કે વારાણસી અને આ સમગ્ર ક્ષેત્ર રોજગારીનું પણ એક મોટું માધ્યમ બની રહ્યું છે.

બનારસના લોકો જે દૂરોગામી વિચાર પર આગળ વધ્યા આજે તેનો લાભ સમગર ક્ષેત્રને મળી રહ્યો છે. આજે કાશીમાં ચોતરફ જૂઓ તો રિંગ રોડ, પહોળા નેશનલ હાઇવે, બાબતપુર સિટી લિંક રોડ હોય, આશાપુરા આરઓબી, ચૌકાઘાટ-લહરતારા ફ્લાયઓવર, મહમૂરગંજ-મંજવાડી ફ્લાયઓવર, આ તમામ ચીજો બનારસના લોકોનું જીવન કેટલું સરળ બનાવી રહ્યા છે. રેલવે ઓવર બ્રિજ, વરુણા પર બ્રિજ જ્યારે બની જશે અને તેના બનવાથી આ સવલતો ઓર વધી જનારી છે.

આજે કાશીની વધુ ત્રણ સડકોને પહોળી કરવાનું કામ શરૂ થયું છે. તેનાથી મઉ, આઝમગઢ, ગાઝીપુર, બલિયા, ભદ્રોહી, મિર્ઝાપુર જેવા અનેક જનમાર્ગો પર આવવું જવું આસાન બની જશે અને કાશીમાં ટ્રાફિક જામની મુશ્કેલી ઘટી જશે.

ભાઈઓ અને બહેનો,

શહેરોના આ પહોળા માર્ગની આસપાસના ગામોને જોડવા માટે આજે જનપદની નવ સડકોનો શિલાન્યાસ થયો છે. આ માર્ગોથી ચોમાસાની મોસમમાં જે મુશ્કેલી આસપાસના ગામડાના ખેડૂતો, નવયુવાનોને શહેરમાં આવવામાં પડતી હતી તે દૂર થઈ જશે.

યોગીજીની સરકાર તાલુકા અને બ્લોકના મુખ્યાલયોને જિલ્લા મુખ્યમથક સાથે જોડવા માટે પહોળા માર્ગોનું જે કામ કરી રહી છે તે કામ પણ અત્યંત પ્રશંસનીય છે. આજે સેવાપુરીને બનારસ સાથે સાંકળનારા માર્ગને પહોળો બનાવવાનું કામ પણ શરૂ થયું છે. તે જ્યારે પૂર્ણ થઈ જશે ત્યારે વારાણસી જનપદના તમામ તાલુકા અને બ્લોક મુખ્યાલય સાત મીટર પહોળા માર્ગ સાથે જોડાઈ જશે.


ભાઈઓ અને બહેનો,

હવે ચોમાસું આવી રહ્યું છે, નજીક આવી રહ્યું છે. દરવાજો ખખડાવી રહ્યું છે ચોમાસું, વરસાદ હવે ખાસ દૂર નથી. દેશ અને દુનિયાથી બાબાના ભક્તો મોટી સંખ્યામાં કાશી આવનારા છે. વિશ્વનાથ ધામ પરિયોજના પૂર્ણ થયા બાદ આ પ્રથમ ચોમાસું ઉત્સવ હશે. વિશ્વનાથ ધામને લઈને સમગ્ર દુનિયામાં કેટલો ઉત્સાહ છે તેનો તમે તાજેતરના મહિનાઓમાં જાતે જ અનુભવ કરેલો છે.

મને કહેવામાં આવ્યું છે કે ઉનાળાની મોસમ છતાં આ વખતે દરરોજ, અને હમણાં જ યોગીજી પણ કહી રહ્યા હતા કે દરરોજ લાખો શ્રદ્ધાળુઓએ કાશી વિશ્વનાથ ધામના દર્શન કર્યા છે. ચોમાસા દરમિયાન પણ અહીં બાબાના ભક્તોને દિવ્ય અને ભવ્ય અને નવ્ય કાશીનો પણ અનુભવ મળશે.

ભાઈઓ અને બહેનો,

દુનિયાભરના શ્રદ્ધાળુઓને, પ્રવાસીઓને કાશીમાં આસ્થા અને આધ્યાત્મનો નિર્બાધ અનુભવ મળે તે અમારા સૌની વચનબદ્ધતા છે. અમારે ત્યાં પહેલા કોઈ તીર્થ યાત્રી આવતો હતો તો ગામડામાં લોકો તેને પોતાને ત્યાં બોલાવીને ભોજન આપતા હતા, તમામ પ્રકારની સેવા કરતા હતા. અમારા કાશીમાં પણ અગાઉ આવી પરંપરા હતી કે જે બહારના લોકો આવતા હતા તેમના અહીં યજમાન હતા. તેમને તેઓ પોતાના ઘરે લઈ જતા હતા, વ્યવસ્થા કરતા હતા. ભાવના એ હતી કે શ્રદ્ધાળુને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં.
આ જ ભાવના પર અમારી સરકાર ચાલી રહી છે. કાશી ભૈરવ યાત્રા, નવ-ગૌરી યાત્રા, નવદુર્ગા યાત્રા, અષ્ટવિનાયક યાત્રા, આસ્થાની આવી તમામ યાત્રા સરળ બને, તેના માટે સરકાર સુવિધાઓનું નિર્માણ કરી રહી છે. પંચકોસી પરિક્રમાના માર્ગમાં અનેક જગ્યાએ વિશ્રામ માટે, પૂજા પાઠમાં સરળતા માટે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. કાશીની ઓળખ અહીંની ગલીઓ અને ઘાટોને સ્વચ્છ રાખવા અને સુવ્યવસ્થિત બનાવવાના હોય અથવા તો પછી ગંગાજીને નિર્મળ બનાવવાનો સંકલ્પ હોય તેના પરથી ઝડપથી કામ થઈ રહ્યું છે.

ભાઈઓ અને બહેનો,

અમારા માટે વિકાસનો અર્થ માત્ર ચમક દમક નથી. અમારા માટે વિકાસનો અર્થ છે ગરીબ, દલિત, વંચિત, પછાત, આદિવાસી, માતાઓ, બહેનો આ તમામનું સશક્તિકરણ. આજે પીએમ આવાસ યોજના અંતર્ગત વારાણસીના 600થી વધુ ગરીબ પરિવારોને તેમનું પાક્કું ઘર મળ્યું છે. એટલે કે 600 નવા લાખોપતિ બની ગયા. જે સાથીઓના ઘરનું સપનું આજે પૂર્ણ થયું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને એ પરિવારની માતાઓ અને બહેનોને ખાસ અભિનંદન.  કેમ કે અમારો પ્રયાસ રહે છે કે ઘર બને તે માતા-બહેનોના નામે હોવું જોઇએ અને તેથી જ તેમને ખાસ અભિનંદન.

પ્રત્યેક ગરીબ પરિવારને પાક્કું મકાન આપવું અને દરેક ગ્રામીણ પરિવારને પાઇપના પાણીથી જોડવા તે અમારા સંકલ્પો પર ઝડપથી કાર્ય થઈ રહ્યું છે. જળ જીવન મિશન અંતર્ગત ડઝનબંધ જળ પરિયોજના પર કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. તેનાથી હજારો પરિવારોને અને ખાસ કરીને બહેનોને ખૂબ સરળતા રહેશે. નિરાશ્રિત માતાઓ, બહેનો અને દિકરીઓ માટે બનેલા આશ્રમ ગૃહથી પણ સૌના વિકાસની ભાવના સશક્ત બનશે.

ભાઈઓ અને બહેનો,

આવો સર્વસ્પર્શી, સર્વહિતકારી વિકાસ અને આ જ તો સુશાસન છે. તમે જૂઓ, લારી કે ફૂટપાથ પર નાના નાના કારોબાર કરનારા સાથીઓને કેટલી તકલીફ પડતી હતી. હવે ગૌંદાલિયાથી દશાશ્વમેઘની વચ્ચે ગૌરવ પથ પણ બન્યો છે. તો ત્યાં હવે દશાસ્વમેઘ સંકુલ પણ બનવા જઈ રહ્યું છે. આ સંકુલ લારી-ગલ્લાવાળાઓને સવલતની સાથે સાથે પોતાની દુકાનદારી કરવાની તક પણ પૂરી પાડશે. ચૌકાઘાટ-લહરતારા ફ્લાય ઓવર તેની નીચે લગભગ બે કિલોમીટર લાંબો એક ખાસ વેન્ડિંગ-ઝોન વિકસીત થઈ રહ્યો છે. સારનાથમાં પણ બુદ્ધિષ્ઠ સરકિટના નિર્માણનું જે કામકાજ આજથી શરૂ થયું છે ત્યાં પણ લારી ગલ્લાવાળા સાથીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

સાથીઓ,
તમે
SEZ, ઇકોનોમિક કોરિડોર જેવી વ્યવસ્થા અંગે ઘણું સાંભળ્યું હશે પરંતુ લારી ગલ્લાવાળાઓ માટે પણ સ્પેશિયલ ઝોન્સ તમે કાશીમાં બનતા જોઈ રહ્યા છો. સવલત જ નહીં, પીએમ સ્વનિધી યોજના અંતર્ગત પહેલી વાર સ્ટ્રીટ વેન્ડર્સને બેંક લોન પણ મળવાની શરૂ થઈ છે. અત્યાર સુધીમાં દેશભરમાં લગભગ 33 લાખ સાથીઓને તેના હેઠળ આસાન વ્યાજ લોન મળી ચૂકી છે જેમાં હજારો સાથીઓ મારા કાશીના છે.

સાથીઓ,
અમારી સરકારે હંમેશાં ગરીબની સમસ્યાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે. તેમના સુખ-દુઃખમાં સાથ આપવાનો પ્રયાસ કર્યો છે. કોરોનાની વિનામૂલ્યે વેક્સિનથી લઈને ગરીબોને વિનામૂલ્યે અનાજની વ્યવસ્થા સુધી, સરકારે આપની સેવા કરવાની કોઈ તક છોડી નથી. તાજેતરના વર્ષોમા જે રીતે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવામાં આવ્યું છે તેનો પણ મોટો ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગને થયો છે.
આજે બનારસના આપ લોકો સાક્ષી છો કે કેવી રીતે મોબાઈલ ફોન સસ્તા થયા, કોલ કરવાનું તો લગભગ લગભગ મફતમાં થઈ ગયું છે. હવે ઇન્ટરનેટ પણ સસ્તુ થઈ ગયું છે. જીવન સરળ બની રહ્યું છે, આવકના નવા સાધનો ખૂલી રહ્યા છે. દેશમાં ફોન અને ઇન્ટરનેટના વપરાશકારો દિવસે દિવસે વધી રહ્યા છે તો તેની સાથે સંકળાયેલા વેપારનો વ્યાપ પણ વધ્યો છે.

ઓછા રોકાણમાં યુવાનોને તેની સાથે સંકળાયેલી સર્વિસમાંથી રોજગારી પ્રાપ્ત કરવાની તક મળી રહી છે. આ રીતે જે પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર અમે વિનામૂલ્યે કરી છે તેનાથી ગરીબોની મોટી ચિંતા દૂર થઈ ગઈ છે. તેનાથી એ ગરીબ પણ હોસ્પિટલમાં જવાની હિંમત કરી શકે છે જે ક્યારેક નાણાના અભાવને કારણે સારવારથી દૂર રહેતા હતા. એટલે કે હોસ્પિટલોની માંગ વધી રહી છે, મેડિકલ કોલેજોની માંગ વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષમાં અમે ઉત્તર પ્રદેશમાં ઘણી નવી મેડિકલ કોલેજ બનાવી છે. અહીં કાશીમાં પણ કેન્સરની સારવારથી લઈને તમામ બીમારીઓની આધુનિક સારવારનું મોટું નેટવર્ક તૈયાર કરાયું છે.

સાથીઓ,
એક તરફ અમે દેશના શહેરોને ધુમાડા મુક્ત કરવા માટે સીએનજીથી ચાલનારા વાહનોની સવલતનો વ્યાપ વધારી રહ્યા છીએ. તો બીજી તરફ અમે ગંગાજીનું ધ્યાન રાખનારા આપણા નાવિકોની ડીઝલ અને પેટ્રોલથી ચાલતી નૌકાને સીએનજી સાથે જોડવાના વિકલ્પ પણ આપી રહ્યા છીએ. ઘાટ પર સ્થિત દેશનું પ્રથમ સીએનજી સ્ટેશન કાશીમાં છે અને આ વાત કાશી ગર્વથી કહી શકે છે. ડીઝલ-પેટ્રોલથી ચાલતી 600 નૌકાઓમાંથી 500ને સીએનજી સવલતથી સાંકળી લેવામાં આવી છે.

આ સવલત પ્રવાસીઓને શાંતિથી ગંગા જીના દર્શન કરવાનું સુખ મળશે, પર્યાવરણને લાભ થશે. તો નાવિકોનો ઇંધણ પર થનારો ખર્ચ પણ ખૂબ ઘટી જશે. એટલે કે ઓછા ખર્ચમાં વધુ કમાણીનો માર્ગ ખૂલશે.

ભાઈઓ અને બહેનો,

કાશી જ્ઞાન, આસ્થા, આધ્યાત્મની નગરી રહી છે અહીં રમતગમતની પણ એક સમૃદ્ધ પરંપરા રહી છે. અને આજે એરપોર્ટથી અહીં સુધી તમામ ખેલાડીઓ સાથે મારું મળવાનુ થઈ રહ્યું છે. મારા તમામ ખેલાડી સાથી ત્યાં મારી સામે બેઠા છે. આ તરફ પણ ખેલાડીઓની આખી હરોળ છે. આજે હું તેમનો ઉત્સાહ ઉમંગ જોઈ રહ્યો છું તો મને લાગે છે કે આ કાશીમાં જે સ્ટેડિયમ બની રહ્યું છે તો તે હવે કાશીને નવી ઉંચાઈ પર લઈ જનારું છે. અહીંના અખાડા કસરત અને કુસ્તીથી ફિટનેસ માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. આજે પણ નાગ પંચમીના દિવસે આપણે આ અખાડામાં અગાઉના સમયની ઝલક જોઈ શકીએ છીએ.

પરંતુ રમતગમત માત્ર ફિટનેસ અને મનોરંજનનું જ નહીં પરંતુ રાષ્ટ્રનું ગૌરવ વધારવા તથા બહેતર કારકિર્દીનું પણ શ્રેષ્ઠ માધ્યમ છે. તાજેતરના વર્ષોમાં વારાણસી સહિત પૂર્વાંચલના અનેક ખેલાડીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. સરકારનો આ સતત પ્રયાસ છે કે ઓલિમ્પિક્સ રમતોથી સંકળાયેલી તમામ રમતોની આધુનિક સવલતો આપણા કાશીમાં હોય.

આજે જે સ્ટેડિયમ પર આપણે આ જનસભા કરી રહ્યા છીએ તે ટૂંક સમયમાં જ વિશ્વકક્ષાની સવલતોથી સજ્જ થનારું છે. છ દાયકા અગાઉ બનેલા આ સ્ટેડિયમમાં 21મી સદીની સુવિધાઓ તૈયાર કરવામાં આવશે. અહીં 20થી વધુ ગેમ્સ માટે અલ્ટ્રા મોર્ડન ઇનડોર સવલતો હશે. શાનદાર ટ્રેનિંગ સેટ અપ, ફિટનેસ સેન્ટર, હોસ્ટેલ જેવી વ્યવસ્થા અહી ઉપલબ્ધ બનશે.

બાળકો માટે કિડ્સ ઝોન પણ હશે જેથી તેમનામાં રમતગમતને લઈને, ફિટનેસને લઈને ઉત્સાહ જળવાઈ રહે અને ઓછી ઉંમરમાં જ તેમનું પ્રોફેશનલ રમતો તરફ ધ્યાન કેળવાય. આ સમગ્ર કોમ્પલેક્સ આધુનિક સુવિધાઓની સાથે સાથે પેરા ગેમ્સ માટે પણ અનુકૂળ હશે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં એથ્લેટિક્સ અને બાસ્કેટબોલની આધુનિક સુવિધાઓ પણ યુવાન ખેલાડીઓન ખૂબ મદદ કરશે.

ભાઈઓ અને બહેનો,

કાશીમાં અગણિત વિકાસની આ ધારા ગંગાજીની માફક જ અવિરલ વહેતી રહે તેના માટે આપણે સૌએ પ્રયાસ કરવાનો છે. હા, કાશીની, ગંગાજીની સ્વચ્છતાનો જે સંકલ્પ આપણે કર્યો છે તેને ક્યારેય ભૂલવાનો નથી. યાદ રાખશો ને ? યાદ રાખશો ને ? આપણી કાશી સ્વચ્છ રહેશે ને? આપણી માતા ગંગા સ્વચ્છ રહેશે ને ? અહી કોઈ ગંદકી નહી કરે ને ? અહીં કોઈ ગંદકી થવા દેશે નહીં ને? આ આપણી કાશી છે, આ કાશીને આપણે બચાવવાની છે, આ કાશીને આપણે જ બનાવવાની છે અને આપણે સૌ સાથે મળીને બનાવીશું.

રસ્તાઓને, ઘાટોને, બજારોને સ્વચ્છા રાખવી તે આપણા સૌનું કાશીવાસીઓનું દાયિત્વ છે. કાશીવાસીઓના વિશ્વાસ, બાબા વિશ્વનાથના આશીર્વાદથી આપણા તમામ સંકલ્પ સિદ્ધ થનારા છે. ફરી એક વાર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા.

હર હર મહાદેવ. ધન્યવાદ.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1840007) Visitor Counter : 192