પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કર્ણાટકના મૈસૂરમાં વિકાસની વિવિધ પહેલનો પ્રારંભ કર્યો


પ્રધાનમંત્રીએ મૈસૂરમાં નાગનહલ્લી રેલવે સ્ટેશને ઉપનગરીય ટ્રાફિક માટે કોચિંગ ટર્મિનલનો શિલાન્યાસ કર્યો

AIISH મૈસૂર ખાતે ‘સંવાદની બીમારી ધરાવતા લોકો માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર’ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું

“કર્ણાટક, કેવી રીતે આપણી પ્રાચીન સંસ્કૃતિને સમૃદ્ધ બનાવીને 21મી સદીના સંકલ્પોને સાકાર કરી શકાય તેનું સચોટ દૃષ્ટાંત છે”

“સામાન્ય લોકોને જીવનની મૂળભૂત સુવિધાઓ અને સ્વમાન સાથે જોડવા માટે ‘ડબલ એન્જિન’ની સરકાર પૂરી તાકાતથી કામ કરી રહી છે”

“છેલ્લા 8 વર્ષમાં, સરકારે છેવાડાના લોકો સુધી અસરકારક રીતે સેવાઓ પહોંચાડીને સામાજિક ન્યાયનું સશક્તિકરણ કર્યું છે”

“અમે દિવ્યાંગ લોકો માટે ગૌરવ અને તક સુનિશ્ચિત કરી રહ્યા છીએ અને રાષ્ટ્રની પ્રગતિમાં દિવ્યાંગ માનવ સંસાધન મુખ્ય ભાગીદાર બને તે માટે તેમને સક્ષમ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ”

Posted On: 20 JUN 2022 8:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂરમાં આવેલા મહારાજા કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂપિયા 480 કરોડ કરતાં વધારે ખર્ચે નાગનહલ્લી રેલવે સ્ટેશન ખાતે નિર્માણ પામનારા ઉપનગરીય ટ્રાફિક માટેના કોચિંગ ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો. આ કોચિંગ ટર્મિનલમાં એક મેમૂ શેડ પણ હશે અને તેના કારણે હાલની મૈસૂર યાર્ડની ગીચતા દૂર થશે, વધુ મેમૂ ટ્રેન સેવાઓ અને મૈસૂરથી લાંબા અંતરની ટ્રેનો ચલાવવાની સુવિધા પ્રાપ્ત થશે, આ ક્ષેત્રની કનેક્ટિવિટી અને પર્યટનની સંભાવનાઓ બંનેમાં સુધારો આવશે. આનાથી દૈનિક આવનજાવન કરતા મુસાફરો તેમજ લાંબા અંતરના સ્થળોએ મુસાફરી કરનારાઓને ફાયદો થશે.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પીચ એન્ડ હીઅરિંગ (AIISH) ખાતે તૈયાર કરવામાં આવેલું સંવાદની બીમારી ધરાવતા લોકો માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. તે અત્યાધુનિક લેબોરેટરીઓથી સજ્જ છે અને સંચાર સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોના નિદાન, મૂલ્યાંકન અને પુનર્વસન માટેની સુવિધાઓથી સજ્જ છે. 

આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, રાજ્યના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઇ, કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કર્ણાટક એક એવું રાજ્ય છે જ્યાં દેશની આર્થિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ એક સાથે જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે,કર્ણાટક કેવી રીતે આપણી પ્રાચીન સંસ્કૃતિને સમૃદ્ધ બનાવીને 21મી સદીના સંકલ્પોને સાકાર કરી શકાય તેનું સચોટ દૃષ્ટાંત છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ ભૂમિએ દેશને નલવાડી કૃષ્ણ વોડેયર, સર એમ. વિશ્વેશ્વરાય અને રાષ્ટ્રકવિ કુવેમ્પુ સહિતની સંખ્યાબંધ મહાન હસ્તીઓ આપી છે. આવી હસ્તીઓએ ભારતની ધરોહર અને વિકાસમાં નોંધનીય યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સામાન્ય લોકોને જીવનની મૂળભૂત સુવિધાઓ અને સ્વમાન સાથે જોડવા માટે ડબલ એન્જિનની સરકાર પૂરી તાકાતથી કામ કરી રહી છે અને આવી મહાન હસ્તીઓની દૂરંદેશીને આગળ વધારી રહી છે. 

પ્રધાનમંત્રીએ અગાઉ લોક કલ્યાણ માટે કરવામાં આવતા પ્રયાસોને યાદ કર્યા હતા જે માત્ર પસંદગીના મર્યાદિત વર્ગ સુધી જ રહેતા હતા. તેમણે નોંધ્યું હતું કે, તેમની સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષમાં તૈયાર કરવામાં આવેલી યોજનાઓમાં, સમાજના તમામ વર્ગો અને તમામ ક્ષેત્રોને તે યોજનાઓ સ્પર્શે અને તેમના સુધી પહોંચે તેવી ભાવનાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, એક તરફ, અમે સ્ટાર્ટ-અપ નીતિ હેઠળ યુવાનોને પ્રોત્સાહન આપ્યું છે, તો બીજી તરફ, અમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (કર્ણાટકના 56 લાખ નાના ખેડૂતોને તેમના ખાતામાં 10000 કરોડથી વધુ રૂપિયા મળ્યા) દ્વારા ખેડૂતોને પૈસા પણ આપી રહ્યા છીએ. વન નેશન વન રેશન કાર્ડ જેવી પહેલ દ્વારા, આ યોજનાઓ હેઠળ હવે સમગ્ર ભારતને આવરી લેવામાં આવે છે. કર્ણાટકના 4.25 કરોડ કરતાં વધારે ગરીબ લોકોને છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી મફતમાં રેશન મળી રહ્યું છે. આયુષ્માન યોજના હેઠળ, રાજ્યમાંથી 29 લાખ કરતાં વધુ ગરીબ દર્દીઓ મફત સારવાર મેળવી શક્યા છે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ પહેલાં લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને સંબોધન વખતે તેમણે સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકારનો દરેક પૈસો લોકોને આત્મવિશ્વાસથી છલકાવી રહ્યો છે.  

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 8 વર્ષ દરમિયાન સરકારે છેવાડાના લોકો સુધી સેવાઓ પહોંચાડીને સામાજિક ન્યાયનું સશક્તિકરણ કર્યું છે. કલ્યાણકારી યોજનાઓને સંતૃપ્તિના સ્તર સુધી લઇ જવા માટેના પ્રયાસો દ્વારા, ભારતના સામાન્ય નાગરિકોને ભેદભાવ અને લીકેજ વિના લાભ મળશે તે માન્યતા પ્રબળ બની છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર આપણા દિવ્યાંગ સાથીઓની અન્ય લોકો પર રહેલી નિર્ભરતા ઓછી કરવા માટે એકધારા પ્રયાસો કરી રહી છે. તેથી આપણા ચલણમાં, સિક્કાઓમાં દિવ્યાંગોની સવલત માટે નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આખા દેશમાં દિવ્યાંગોના શિક્ષણને લગતા અભ્યાસક્રમોને સમૃદ્ધ બનાવવામાં આવી રહ્યા છે. સુગમ્ય ભારત તેમના માટે પરિવહન અને ઓફિસોને સુલભ બનાવી રહ્યું છે. તેમણે દિવ્યાંગ લોકોની સમસ્યાઓના ઉકેલો શોધવા માટે કામ કરવા માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રની પ્રગતિમાં દિવ્યાંગ માનવ સંસાધન મુખ્ય ભાગીદાર બની શકે તે માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પીચ એન્ડ હીઅરિંગ (AIISH)ને મદદ કરવા માટે તૈયાર કરવામાં આવેલું સંવાદની બીમારી ધરાવતા લોકો માટે ઉત્કૃષ્ટતા કેન્દ્રઆજે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.  

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષમાં કેન્દ્ર સરકારે કર્ણાટકમાં 5000 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કરવા માટે 70 હજાર કરોડ રૂપિયા જેટલી રકમ મંજૂર કરી છે. આજે, બેંગલુરુમાં રૂ. 7,000 કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરિયોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર લોકો માટે ઇઝ ઓફ લિવિંગને લગતી પરિયોજનાઓના કાર્યો ઝડપભેર પૂરી કરવા માટે કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, 2014 પહેલા કર્ણાટકમાં રેલવે માટે સરેરાશ રૂપિયા 800 કરોડ ફાળવવામાં આવતા હતા તેની સરખામણીએ, આ વર્ષે 7000 કરોડ રૂપિયા આ કાર્યોમાં ફાળવવામાં આવ્યા છે અને રાજ્યમાં રૂપિયા 34000 કરોડના મૂલ્યની રેલવેની પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, 2014 પહેલાંના 10 વર્ષ દરમિયાન માત્ર 16 કિમી રેલવે લાઇનનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું હતું તેની સરખામણીમાં, છેલ્લા 8 વર્ષમાં 1600 કિમીની રેલવે લાઇનનું વિદ્યુતિકરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ પોતાની વાતનું સમાપન કરતા કહ્યું હતું કે, કર્ણાટકના લોકોના આશીર્વાદ ડબલ એન્જિનની સરકારને રાજ્યના વિકાસ માટે અથાક મહેનત કરવા માટે સતત પ્રેરણા આપતા રહેશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1835703) Visitor Counter : 220