પ્રધાનમંત્રીનું કાર્યાલય

વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 18 JUN 2022 8:54PM by PIB Ahmedabad

ભારત માતા કી જય, ભારત માતા કી જય, ગુજરાતના લોકપ્રિય, મૃદુ તથા આપણા સૌના પ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, સંસદમાં મારા સાથી સીઆર પાટિલ, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી દેવુ સિંહ, દર્શના બહેન, ગુજરાત સરકારના તમામ મંત્રી, સાંસદ, ધારાસભ્યગણ તથા વડોદરા ઉપરાંત આણંદ, છોટા ઉદયપુર, ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં અહીં આવેલા ખાસ કરીને મારી માતાઓ, બહેનો તથા ભાઈઓ.

આજનો દિવસ મારા માટે માતૃવંદના દિવસ છે. આજ સવારે જન્મદાતા માતાના આશીર્વાદ લીધા, ત્યાર બાદ જગત જનની મહાકાળીના આશીર્વાદ લીધા અને હમણાં જ માતૃશક્તિના વિરાટ રૂપના દર્શન કરીને એ વિરાટ માતૃશક્તિના દર્શન કર્યા તેના આશીર્વાદ લીધા. આજે મને પાવાગઢમાં માતા કાળીના ભક્તો માટે અનેક આધુનિક સવલતો અર્પિત કરવાની તક મળી. મેં માતા પાસે દેશવાસીઓની સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી અને આઝાદીના અમૃતકાળમાં સ્વર્ણિમ ભારતના સંકલ્પની સિદ્ધિઓના માતા પાસે આશીર્વાદ માંગ્યા.

ભાઇઓ અને બહેનો,

મને ખુશી છે કે સંસ્કાર નગરી વડોદરાથી આજે જ્યારે લગભગ 21 હજાર કરોડ રૂપિયાના વિકાસકીય પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાત મૂહૂર્ત થયું છે. આ પ્રોજક્ટ ગુજરાતના વિકાસથી ભારતનો વિકાસ, આ પ્રતિબદ્ધતાને બળ આપનારો છે.

ગરીબોના ઘર, ઉચ્ચ શિક્ષણ અને બહેતર કનેક્ટિવિટી પર આટલું મોટું રોકાણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપશે, અહીના યુવાનો માટે રોજગારી-સ્વરોજગારીના માટે અગણિત તકો પેદા કરશે. આ પ્રોજેક્ટ પણ મોટી સંખ્યામાં આપણી બહેનો-દીકરીઓના આરોગ્ય, પોષણ અને સશક્તીકરણથી સંકળાયેલા છે. આજે અહીં લાખોની હાજરીમાં માતાઓ, બહેનો આપણને આશીર્વાદ આપવા આવી છે. હું ગુજરાત સરકારનો, ભૂપેન્દ્રભાઈનો તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલનો ખાસ કરીને આભાર વ્યક્ત કરવા માગું છું. કેમ કે તેઓ જ મને આપ સૌની વચ્ચે લઈને આવ્યા છે. અને ત્યાંથી પ્રવેશ કર્યો અને અહીં પહોંચતા પહોંચતા મને 15-20 મિનિટ લાગી ગઈ ગાડીમાં. પગપાળા આવ્યો હોત તો ખબર નથી કેટલો સમય લાગી ગયો હોત. આટલો મોટો જનસાગર, પરંતુ હું ધન્યવાદ એટલે કહી રહ્યો છું કે જ્યારે હું સૌની વચ્ચેથી આવી રહ્યો હતો તો મને આજે એ સેંકડો ચહેરાઓને પણ પ્રણામ કરવાની તક મળી જેમની સાથે મને ઘણા વર્ષો સુધી કામ કરવાની તક મળી હતી. કેટલાક તો એટલા વરિષ્ઠ કાર્યકર્તા મને જોવા મળ્યા જેમની આંગળી પકડીને હું ક્યારેક ચાલ્યો હતો. જેમને મેં નત મસ્તક પ્રણામ કર્યા, ક્યારેક ને ક્યારેક મને તેમના હાથની રોટી ખાવાની નસીબ થઈ હતી. આજે મારા માટે આવા સેંકડો લોકોના દર્શન કરવા, તેમના આશીર્વાદ લેવા તે એક રીતે મારા માટે ધન્ય ભાગ્ય હતું. અને તેથી હું ગુજરાત પ્રદેશનો, ભૂપેન્દ્રભાઈ અને સરકારનો તથા આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. છેલ્લા આઠ વર્ષથી ડબલ એન્જિનની સરકાર, નારીશકિતને ભારતના સામર્થ્યની ધૂરા બનાવવા માટે જે પ્રયાસ કરી રહી છે. આજે ગુજરાતમાં માતા કાળકાના આશીર્વાદથી તેને નવી શક્તિ મળી છે. હું તમામ બહેનોને, તમામ લાખો લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

સાથીઓ,
21મી સદીના ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓનો ઝડપી વિકાસ, તેમનું સશક્તીકરણ એટલું જ જરૂરી છે. આજે ભારત મહિલાઓની આવશ્યકતા, તેમની આકાંક્ષાઓનું ધ્યાન રાખીને યોજના બનાવી રહ્યું છે, નિર્ણય લઈ રહ્યું છે. લશ્કરથી માંડીને ખાણો સુધી અમારી સરકારે મહિલાઓ માટે પોતાની પસંદગીનું કામ કરવા માટે તમામ માર્ગ ખોલી નાખ્યા છે. તે માતાઓ તે દરવાજાઓ પર દસ્તક આપે તેવી સ્થિતિ આજે અમે પેદા કરી છે. અમે મહિલાઓના જીવન ચક્રના પ્રત્યેક પડાવને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ ઘડી છે. મહિલાઓનું જીવન આસાન બને, તેમના જીવનમાં સમસ્યાઓ ઓછી હોય, તેમને આગળ ધપવાની વધુને વધુ તક મળે તે અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. તે બાબતને હું મારું સૌભાગ્ય માનું છું મને માતાઓ, બહેનો અને દીકરીઓની આટલી સેવા કરવાની તક મળી છે. વડોદરા તથા આસપાસના ક્ષેત્રોમાંથી આવેલી માતાઓ, બહેનો, દીકરીઓનો હું ફરી એક વાર આભાર માનું છું. આ શહેરે ક્યારેક મારી સંભાળ રાખી હતી. મારો ઉછેર કર્યો હતો. વડોદરા માતૃશક્તિના ઉત્સવ માટે યોગ્ય નગર છે કેમ કે તે માતાની માફક સંસ્કાર આપનારું શહેર છે. વડોદરા સંસ્કારની નગરી છે. આ શહેર દરેક રીતે અહીં આવનારાઓની દેખરેખ રાખે છે. સુખ, દુઃખમાં સાથ આપે છે અને આગળ ધપવાની તકો આપે છે. આ શહેરમાં વડોદરા આવીએ ત્યારે જૂનું બધું યાદ આવી જ જાય કે ભાઈ કેમ કે વડોદરામાં જેવી રીતે માતા તેના બાળકને સંભાળે તેવો પોતીકાપણાનો ભાવ. સમગ્ર વિકાસયાત્રામાં વડોદરાના યોગદાનને હું ક્યારેય ભૂલી શકતો નથી. આ નગર પ્રેરણાનું નગર છે, આ નગરમા સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે અને બાબાસાહેબ આંબેડકર જેવા મહાપુરુષોને પણ આપણી આ નગરીએ પ્રેરિત કર્યા છે. આપ સૌને યાદ હશે કે અને મને તો સારી રીતે યાદ રહે તે સ્વાભાવિક છે કે બેલુર મઠના વડા અને મારી કિશોરાવસ્થામાં જેમણે મને જીવનના ઘણા માર્ગોમાં માર્ગદર્શન આપ્યું એક ગુરુની માફક મારા જીવનને ઘડવામાં ઘણી મોટી ભૂમિકા અદા કરી તેવા બેલુર મઠના રામકૃષ્ણ મિશન મઠના અધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજીની ઉપસ્થિતિમાં મને અહીં વડોદરામાં દિલારામ બંગલો રામકૃષ્ણ મિશનને સોંપવાનો અવસર મળ્યો હતો.. આપણી પુરાણી શાસ્ત્રી પોળ, આપણું રાવપુરા અને આપણી આરાધના સિનેમાની પાસે પંચમુખી હનુમાન, ઘણી બધી યાદો અને આ જ તમામ સ્થળોએ ઘણા બધા લોકોને મળવાનું થયું. પંચમહાલ, કાલોલ, હાલોલ, ગોધરા, ડભોઈ, છોટા ઉદયપુર. ઓહોહો ગણી પણ શકાય નહીં અને જૂના તમામ સાથી, તેમની ચાદો પણ તાજી થઈ જાય. અને જ્યારે વડોદરાની વાત આવે ત્યારે લીલો ચેવડો કેવી રીતે ભૂલી શકાય અને આપણી ભાખરવડી. આજે પણ જે લોકો વડોદરાને ઓળખે છે તેઓ બહાર મને મળી જાય તો લીલો ચેવડો અને ભાખરવડીને તો યાદ કરે જ છે.

સાથીઓ,
2014માં પણ જયારે હું જીવનમાં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યો હતો, રાષ્ટ્રસેવાની જવાબદારી માટે મને વડોદરાના નવનાથ અને કાશી વિશ્વનાથ બંનેના આર્શીવાદ મળ્યા, તેનાથી મોટું સૌભાગ્ય શું હોઇ શકે? આજે ગુજરાતની બહેનો દીકરીઓ, તેમના માટે મારી દૃષ્ટિએ એક ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે. સ્વસ્થ માતૃતત્વ અને સ્વસ્થ બાળપણ સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારે આજે બે મોટી યોજનાઓ શરૂ કરી છે. હું ભુપેન્દ્રભાઇને અભિનંદન આપું છું આ યોજના માટે, 800 કરોડ રૂપિયાની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એ નક્કી કરશે કે ગર્ભાવસ્થા દરમિયાન અને માતૃત્વના શરૂઆતના દિવસોમાં માતાને પૌષ્ટિક આહાર મળે અને પોષણ સુધા યોજનાનો વિસ્તાર પણ હવે ગુજરાતના તમામ આદિવાસીઓની વસતિ ધરાવતાં વિસ્તારોમાં  કરવામાં આવ્યો છે. હમણાં જ મને એક કરોડ 36 લાખ લાભાર્થી બહેનો, સવા કરોડથી પણ વધારે બહેનો માટે 118 કરોડ રૂપિયાથી વધારે રૂપિયા વિતરણ કરવાની તક મળી છે. હવે  વિચાર કરો સવા કરોડ કરતાં વધારે બહેનો એટલે કે લગભગ સવા સો કરોડ રૂપિયા, માતાનું સ્વાસ્થ એ માત્ર માતાને જ નહીં પરંતુ ભાવિ પેઢીઓને પણ અસર કરે છે. માતૃત્વના પહેલા 1000 દિવસ, માતાની સાથે સાથે બાળકનું જીવન પણ નક્કી કરે છે. બાળક અને માતા બંનેની ચિંતા. કૂપોષણ અને એનીમિયાની સમસ્યા, આ સમયે સૌથી મોટું જોખમ હોય છે. બે દાયકા અગાઉ જયારે ગુજરાતે મને સેવા કરવાનો અવસર આપ્યો હતો ત્યારે કૂપોષણ અહીં એક ઘણો જ મોટો પડકાર હતો. ત્યારથી જ અમે એક પછી એક આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું જેનું સારુ પરિણામ આજે આપણને જોવા મળી રહ્યું છે. આજથી ગુજરાતની બહેનો માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ થઇ છે. તેનાથી માતૃત્વ સુખ પ્રાપ્ત કરનારી બહેનોને વિશેષ લાભ મળશે. આ યોજના અંતર્ગત બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ, જે પ્રોટિન માટે બહુ જ જરૂરી વસ્તુઓ છે, એટલા માટે બહુ જ સમજી વિચારીને આ પેકેજ બનાવ્યું છે. આ સિવાય એક લીટર તેલ, આ બહેનોને મળશે, એટલું જ નહીં, કોરોના કાળથી મેં એક કાર્ય શરૂ કર્યું છે, આ દેશના ગરીબ પરિવારોના ઘરનો ચૂલો બંધ થાય નહીં તે માટે આ દેશના 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ જે આજે પણ તેમના ઘરે પહોંચી રહ્યું છે. દુનિયાના લોકોને તો 80 કરોડ લોકોને બે વર્ષ સુધી અનાજ, આ સાંભળીને જ આશ્ચર્ય થાય છે.

આ યોજના કૂપોષણ અને અનિમિયાથી માતા અને બાળકને, નવજાત શિશુને બચાવવામાં ઘણી મદદ કરે છે.  આજે ખૂબ પુણ્યનું કામ કર્યું છે અને નવજાત શિશુની સેવા કરવાનું સૌભાગ્ય ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતની સરકાર કરી રહી છે. આપણું છોટા ઉદયપુર, આપણું કવાંટ, આ બધા આપણા આદિવાસી ક્ષેત્ર, બધા આપણાં જનજાતિય પરિવારો, મારું તો સૌભાગ્ય રહ્યું છે તેમની વચ્ચે કામ કરવાનું  અને આદિવાસી બહેન-બાળકો તેમની સમસ્યા-મુશ્કેલીઓને મેં ઘણી નજીકથી જોઇ છે, અનુભવ કર્યો છે. અનેક અદિવાસી ક્ષેત્રમાં આપણી બહેન સિકલસેલ, તેની બીમારીથી પીડાઇ રહી હતી અને સિકલસેલથી મુક્તિ માટે, અમે ગુજરાતમાં સિકલસેલ સોસાયટી બનાવી, સિકલસેલથી મુક્તિ માટે મોટું અભિયાન ચલાવ્યું, આ સિકલસેલ અમારી સરકાર બની ત્યાર પછી નથી આવ્યું, હજારો વર્ષોથી આ સમસ્યા હતી, અનેક સરકારો આવી પણ તેમણે કાંઈ જ કર્યું ન હતું. સિકલસેલની ચિંતા કરવાનું અમે બીડું ઉઠાવ્યું, દરેક જિલ્લામાં વિશેષ કેન્દ્રો બનાવ્યા, લાખો આદિવાસી ભાઇઓ અને બહેનોની તપાસ કરાવી અનેક ટેસ્ટ કરાવ્યા અને આ સફળ પ્રોગ્રામ માટે ગુજરાતને પ્રધાનમંત્રી સિવિલ સેવા પુરસ્કાર જે ભારત સરકાર આપે છે, તે આપણી ગુજરાત સરકારને મળ્યો હતો.

ગુજરાતે પોષણ પર હંમેશાં ધ્યાન આપ્યું છે, આપણા ગુજરાતમાં દૂધ, સંજીવની, ફોર્ટિફાઇડ નમક, ટેક હોમ રાશન, પોષણ સંવાદ જેવા કેટલાક કાર્યક્રમો ચલાવ્યા અને દેશને પણ નવી દિશા દેખાડી. આવી યોજનાઓના લાભાર્થી બહેનોની સંખ્યા આજે સતત વધીને લગભગ 58 લાખ એવી બહેનોને આ તમામ યોજનાઓનો લાભ મળી રહ્યો છે. દૂધ, સંજીવની યોજનાથી આદિવાસી ક્ષેત્રોમા છ મહિનાથી લઇને છ વર્ષ સુધીના બાળકોની ચિંતા, તેમને ફોર્ટિફાઇડ, તેમને જરૂરી અન્ય વસ્તુઓ. 20 લાખથી વધારે ગર્ભવતી માતાઓ અને ધાત્રી માતાઓ, દૂધ પીવડાવતી માતાઓ, તેમને ડબલ ફોર્ટિફાઇડ નમક, તેની પણ ચિંતા કરી હતી. 14 લાખ બાળકોને આંગણવાડીમાં ફોર્ટિફાઇડ લોટથી બનેલો ખોરાક મળે કે જેથી આપણા બાળકો તંદુરસ્ત બને. 15 થી 18 વર્ષ સુધી આપણી દીકરીઓને સારું પોષણ મળે તેના માટે પૂર્ણા યોજના બનાવી, આ અંતર્ગત 12 લાખથી વધારે બાળકીઓને આર્યન સપ્લિમેન્ટ, લોહ તત્વની ચિંતા, ટેક હોમ રાશન એવી અનેક સેવાઓ પહોંચાડી, કહેવાનો અર્થ એ છે કે ઉત્તમ પોષણ માટે જરૂરી હોય તેટલા ઉપાય કરવા માટે આવી અનેક યોજનાઓ બનાવીને તેના કલ્યાણ માટે કામ કર્યું. પોષણ સુધા યોજના આ જ શ્રેણીમાં એક મહત્વનું પગલું છે. ચારથી પાંચ વર્ષ અગાઉ  દાહોદ, વલસાડ, મહિસાગર, છોટા ઉદયપુર અને નર્મદાના આદિવાસી વિસ્તારોમાં કેટલાક ભાગમાં પોષણ સુધા યોજના શરૂ કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં આદિવાસી બહેનો અને બાળકો પર તેનો સકારાત્મક પ્રભાવ પડયો તેને જોઇને પોઝિટિવ પરિણામો મળ્યા તેના પછી તમામ જનજાતિય જિલ્લાઓમાં તેનો વિસ્તાર-વ્યાપ વધારવામાં આવ્યો. તેને કારણે દર મહિને એક લાખ 36 હજાર આદિવાસી માતાઓ-બહેનોને લાભ મળ્યો, આ યોજના અંતર્ગત ગર્ભવતી અને દૂધ પીવડાવતી માતાઓને આંગણવાડીમાં એક વખત ગરમ ભોજન, આર્યન અને કેલ્શિયમની ગોળીઓ પણ આપવામાં આવશે. અમે માત્ર પોષણની યોજના જ નથી બનાવી, પરંતુ તમામ સુવિધાઓ લાભાર્થી બહેનો-બાળકો સુધી સારી રીતે પહોંચી રહી છે તેની પણ ચિંતા કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મને ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો અવસર મળ્યો, તે વખતે મમતા પોર્ટલ શરૂ કર્યુ અને છેલ્લા આઠ  વર્ષમાં આંગણવાડીમાં લગભગ 12 લાખ ઉપકરણો આપવામાં આવ્યા. ગુજરાતમાં પણ હજારો બહેનોને ઉપકરણો આપવામાં આવ્યા છે.

તેને કારણે ગુજરાત સહિત દેશભરમાં લગભગ સાડા 11 કરોડ લાભાર્થી બહેનો-બાળકોના આરોગ્યની દેખભાળ, સ્વાસ્થ્યની દેખરેખ રિયલ ટાઇમ મોનિટરિંગ થઇ રહ્યું છે. આ જે પોષણ સુધા યોજનાનો વિસ્તાર થયો છે તેની દેખરેખ રાખવા માટે મોબાઇલ એપ બનાવી છે. ગુજરાતના સફળ અનુભવોનો વ્યાપ વધારીને દેશમાં કૂપોષણ અને અનીમિયાની સમસ્યાની સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પહેલી વખત દેશમાં હવે સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે ગુજરાતમાં શ્રાવણ-ભાદરવો મહિનાઓ હોય છે. આ અભિયાનથી પણ ગુજરાતની બહેનોને ઘણી વધુ મદદ મળી રહી છે. પોષણનો અર્થ માત્ર ખાવું-પીવું એવું નથી, પરંતુ તેના માટે યોગ્ય વાતાવરણ પણ બનાવવું પડે, જરૂરી નાની–મોટી સુવિધાઓ, સ્વચ્છ ભારત અભિયાન, ઘર ઘર શૌચાલય આ પણ માતાઓ અને બહેનોના સ્વાસ્થ્ય સુધારવા માટેના સાધનો છે. ઉજ્જવલા યોજના, ગેસ કનેક્શન. ઘરમાં ધુમાડો થવાથી આપણી માતા-બહેનોના ફેફસામાં સેંકડો સિગારેટ જેટલો ધુમાડો જતો હતો, તેનાથી બચાવવાનું કામ કર્યુ છે.

36 લાખથી વધારે પરિવારોને ઉજજવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન આપવામાં આવ્યા. ઘર ઘર નળથી જળ, આપણી માતાઓના માથા પરથી માટલા ઉતારવાનું સૌભાગ્ય પણ અમારા નસીબમાં આવ્યું છે. અમે પાઇપથી પાણી પહોંચાડીને તેની ચિંતા કરી છે. માતાઓ-બહેનોની મુશ્કેલીઓ ઓછી થાય, પ્રદુષિત પાણીથી મુક્તિ મળે અને જો પાણી સારું-ચોખ્ખું મળે તો કેટલીક બીમારીઓથી છૂટકારો મળે છે. પીએમ માતૃ વંદના યોજના અંતર્ગત ગુજરાત સહિત સમગ્ર દેશમાં કરોડો માતાઓ પાછળ 11 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં પણ નવ લાખ બહેનોને તેનો લાભ મળે છે, બહેનોને ગર્ભાવસ્થા દરમિયાન પોષણ મળે તેના માટે 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમની મદદ કરવામાં આવે છે.
ગુજરાતમાં મહિલાઓને દરેક સ્તર પર આગળ વધારવા માટે
, નિર્ણય લેવાની જગ્યાઓ પર વધારે તકો આપવા માટે અમે પ્રયાસ કર્યો છે. મહિલાઓની નિર્ણયશક્તિને ધ્યાનમાં રાખીને ગામડાઓ સાથે સંકળાયેલા અનેક પ્રોજેક્ટમાં બહેનોને નેતૃત્વની ભૂમિકા આપવામાં આવી. પાણી સમિતિમાં ગુજરાતની બહેનોએ જે પ્રશંસનીય કામગીરી કરી, તેને કારણે આજે દેશની બહેનો જલ જીવન મિશનને પણ નેતૃત્વ આપી રહી છે. ગુજરાત દેશના એવા રાજયોમાં છે કે જયાં પંચાયતી રાજ સંસ્થાઓમાં 50 ટકા અનામત મહિલાઓ માટે છે. ગ્રામીણ બહેનોને આર્થિક રીતે સદ્ધર કરવા માટે ગુજરાતમાં જયારે અમે 50 વર્ષ થયા તેની સુવર્ણ જયંતિ મનાવતા હતા તે સમયે અમે મિશન મંગલમ શરૂ કર્યું હતું અને તે અંતર્ગત 12 વર્ષમાં લગભગ બે લાખ 60 હજારથી વધારે સખી મંડળ, સ્વયં સહાયતા જૂથ-સમુહ બની ચુક્યા છે. 2.5 લાખથી વધારે ગ્રૂપ, તેમાં 26 લાખથી વધારે ગ્રામીણ બહેનો જોડાયેલી છે. મોટી સંખ્યામાં આપણી આદિવાસી, દલિત, પછાત બહેનો, આપણાં ગામડાની બહેનો જોડાયેલી છે. આ સમૂહોને સેંકડો-હજારો કરોડ રૂપિયા અલગ અલગ પ્રોજેક્ટ અંતર્ગત બેંકોમાંથી મળ્યા છે. અમારો હમેંશા પ્રયાસ રહ્યો છે કે, બહેનો દીકરીઓ પરિવારોની આર્થિક તાકાત વધારે અને અર્થવ્યવસ્થામાં પણ તેમની સક્રિય ભાગીદારી હોય.
2014 કેન્દ્રમાં સરકાર બનતાની સાથે જ જનધન બેંક ખાતાની એક બહુ જ મોટી રાષ્ટ્રીય યોજના પર અમે કામ કર્યું. આ યોજના અંતર્ગત ગુજરાતમાં લાખો બહેનોના બેંક ખાતાઓ ખૂલી ગયા છે, જે આજે પણ માતા-બહેનોને કામ આવી રહ્યા છે. એવી ગરીબ માતાઓને આવી ભયંકર કોરોનાની બીમારી આવી ત્યારે, સીધા તેમના ખાતામાં પૈસા પહોંચાડીને મારી માતા-બહેનોને સન્માનથી જીવવાની વ્યવસ્થા કરી. મૂદ્રા યોજના દ્વારા સ્વરોજગાર દ્વારા બેંકોમાંથી કોઇપણ પ્રકારની ગેરંટી વગર પૈસા આપવાની વ્યવસ્થા કરવામાં આવી. અને મને ખુશી છે કે દેશની મુદ્રા યોજનાનો લાભ લેવામાં દેશની 70 ટકા મહિલાઓ છે. સખી મંડળની મર્યાદા કેન્દ્ર સરકારે જે 10 લાખ રૂપિયા લોનની હતી તેને વધારીને 20 લાખ કરવામાં આવી છે કે જેનાથી તેઓ પોતાનો કારોબાર વધારી શકે. અને જયારે હું કહું છું કે આ ડબલ એન્જિનની  સરકાર છે. આ ડબલ એન્જિનની સરકારનો લાભ છે કે ચારે તરફ ઝડપી ગતિથી વિકાસ થઇ રહ્યો છે. આજે આ કાર્યક્રમમાં એક લાખ 40 હજાર ગરીબોને પાક્કા ઘર મળી રહ્યા છે, વિચારો લગભગ 1.5 લાખ પરિવારોને રહેવા માટે પાક્કા ઘરો મળ્યા છે પહેલાં કાચા ઘરોમાં, ઝુંપડીઓમાં, ફૂટપાથ પર રહેતા હોય તેવા 1.5 લાખ પરિવાર છે તેમાં પણ મારો એ નિયમ છે કે વધુમાં વધુ મકાનો મહિલાઓના નામ પર હોય. આજે આ મકાનોની કિંમત જોઇએ તો આ મહિલાઓ લખપતિ બની ગઇ. આવું મોટું કામ અમે કર્યું છે. આ ઘરોના રૂપમાં 3000 કરોડથી વધારે સંપત્તિ બહેનોના નામ પર થઇ ગઇ છે. કોઇ કલ્પના કરી શકે કે આજે આ તમારો દીકરો બેઠો છે જેનાથી 3000 કરોડની સંપત્તિની માલિક માતાઓ-બહેનો બની ગઇ છે. આ જે બહેનો છે કે જેમના નામ પર જિંદગીમાં કયારેક કંશુ જ ન હતું, એક મકાન ન હતું. જમીન ન હતી, કાંઇ પણ ન હતું તેના નામ પર 3000 કરોડની સંપત્તિ, આ દિકરો તેનું કામ કરી રહ્યો છે માતૃભક્તિથી કરી રહ્યો છે.

શહેરી ગરીબ અને મિડલ કલાસના સપનાઓને પણ પૂરા કરવામાં આવ્યા છે. તાજેતરના વર્ષોમાં ગુજરાતના શહેરી ગરીબ અને મિડલ કલાસના ઘરોના નિર્મણ પર પણ અભુતપૂર્વ કામ થયું છે. અત્યાર સુધીમાં કુલ મળીને સાડા દસ લાખથી વધારે ઘરોમાંથી શહેરી ગરીબ પરિવારોને અંદાજે સાડા સાત લાખ ઘર મળી ગયા છે. ગુજરાતમાં લગભગ સાડા ચાર લાખ મિડલ કલાસ પરિવારોને પણ ઘર બનાવવામાં મદદ કરવામાં આવી છે. વડોદરા, આણંદ, છોટા ઉદયપુર, ખેડા, પંચમહાલ, નર્મદા, દાહોદ, આ મારું મધ્ય ગુજરાત, તેના ચારેય જિલ્લાઓમાં રહેતી બહેનોને આ સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે.

કેન્દ્ર સરકારે શહેરોમાં ગરીબ અને નીચલા મધ્યમવર્ગીય લોકોને યોગ્ય ભાડા પર રહેવા માટે ઘર આપવાની યોજના બનાવી છે. જેમાં આજે ગુજરાત આખા દેશમાં અગ્રણી રાજય બન્યું છે. ઘરની સાથે સાથે લારીવાળા હોય છે, ચાર પૈડાની લારી લઇને નીકળે છે તેમને પણ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંકોમાંથી લોન મળે છે. આ લોકો પહેલા લોન લેતા હતા અને વ્યાજ ચૂકવતાં હતા. આ લારીવાળા, નાના લોકોની મદદ કરવા માટે અમે બીડું ઝડપ્યું છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતના વિકાસને સફળતા મળે આધુનિક્તા મળે તે દિશામાં અમે કામ કર્યું છે. એક તરફ ગુજરાતના દરેક નાગરિક અમારી બહેનો, અમારા આદિવાસી અમારા પછાત દલિત ભાઇઓ-બહેનોની સમસ્યાઓનું સમાધાન થાય, બીજી તરફ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેનાથી ઔદ્યોગિક સામર્થ્ય મળે, કારણ કે આપણે અહીં જ ઉભા રહેવાનું નથી, આપણે ઝડપી ગતિથી આગળ વધવાનું છે તેના માટે તેનું પણ કામ થવું જોઇએ. રેલ કનેક્ટિવિટી હું તેના વિસ્તારમાં નથી જતો. ભુપેન્દ્રભાઇએ તેનો ઉલ્લેખ કર્યો  છે. રેલ કનેક્ટિવિટી સતત રહે તે માટે 16000 કરોડના પ્રોજેક્ટ આજે ગુજરાતને મળ્યા છે સાડા 300 કિલોમીટરથી વધારે ન્યૂ પાલનપુર ન્યૂ મદાર સેક્શનનું લોકાર્પણ, વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર આ પ્રોજેક્ટને પણ ગતિ મળી છે. આ પ્રોજેક્ટ ભારતીય રેલવેને તેના ઉપયોગ ઔદ્યોગિકીકરણ અને વ્યાપારના કાર્યને એક નવી તાકાત આપવાનો માહોલ બનાવવામાં કામ આવશે. સાબરમતી-બોટાદ માર્ગને મોટો કરવો, અમદાવાદ-પિપાવાવ પોર્ટને જોડનારા અલગ અલગ નાના-નાના વૈકલ્પિક રૂટ તૈયાર કરવામાં આવ્યા છે.
જેને લઈને આપણા બંદરો સતત ચાલુ રહ્યા ગુજરાતમાં જે કનેક્ટિવિટીનું કામ થયું છે. તેણે લોકોના જીવનને સરળ બનાવ્યું છે પીસ ઓફ લિવિંગની હું જે વાત કરું છું તેમાં આ પણ એક મહત્વનો ભાગ છે. ગુજરાતમાં ટુરિઝમ મોટા અને તમારા વડોદરામાં તો ઘણું સારું છે. કોઈ મહેમાન આવે છે તો એક દિવસ તેમને ક્યાંક લઈ જવા હોય તો ક્યાં લઈ જવા
, ચાલો આપણા પાવાગઢ જે નવું બન્યું છે મહાકાળી પાસે જઈએ ત્રણ-ચાર દિવસ માટે મહેમાનને ક્યાંય લઈ જવા છે તો ચાલો આપણા એકતા નગર કેવડિયા લઈને જઈએ ત્રણ-ચાર દિવસ મહેમાનને રાખીએ અને વિશ્વથી આપણે કેટલા આગળ નીકળી ગયા છે તે જણાવીએ તે જણાવો. આ વડોદરાવાસીઓની તો પાંચેય આંગળીઓ ઘીમાં છે. આપણું પાલનપુર રાધનપુર સેક્શન કચ્છને દેશના બાકી ભાગો સાથે કનેક્ટિવિટી આપવાનું કામ કરી રહ્યું છે જેના કારણે કચ્છના ખેડૂતોને આજે કચ્છના રણ પ્રદેશમાં પણ ખેતી થઈ રહી છે. કચ્છમાં ખેતી થઈ રહી છે. વિદેશમાં કેરી જઈ રહી છે, કચ્છની પેદાશ વિદેશમાં પણ જઈ રહી છે. કૃષિ ઉત્પાદનો કે રેલવે કનેક્ટિવિટી દ્વારા ભારતના ખૂણે ખૂણા સુધી પહોંચી તેના માટે આ કાર્ય કર્યું છે. વડોદરાની આધુનિક કનેક્ટિવિટી તેના માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. વડોદરાને આધુનિક બસ સ્ટેશન મળ્યું છે. તમને બધાને ખબર છે કે પહેલું બસ સ્ટેશન એરપોર્ટથી પણ સારું બનાવ્યું છે. બન્યું છે કે નહીં? એરપોર્ટથી પણ સારું બન્યું છે કે નહીં? અને આજે સમગ્ર હિન્દુસ્તાનમાં તેની ચર્ચા છે. ફક્ત એટલું જ નહીં આપણું ગુજરાત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે લોકો જોવા જઈ રહ્યા હતા કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે કેવો બન્યો છે અને હજી તો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે અને આ જે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે હતો તેને જોઈને તેનો વિસ્તાર થઈ રહ્યો છે. એટલું જ નહીં તમે તો હાઈ સ્પીડ રેલવે વડોદરાથી મુંબઈ બુલેટ ટ્રેન પણ થોડા સમય બાદ કાર્યરત થઈ જશે. તમે વિચાર કરો કે વડોદરાને આટલી મોટી તાકાત મળવાની છે. આપણું છાણી રેલવે સ્ટેશન તેનો પણ નવા રૂપમાં વિકાસ થઈ રહ્યો છે. આપણું વડોદરા એરપોર્ટ તેમાં પણ જાહોજલાલી આવી રહી છે અને બે નવા ગ્રીન એરપોર્ટની પણ તૈયારીઓ ચાલી રહી છે. સ્માર્ટ સિટી અમૃત યોજના મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેના દ્વારા પણ ડબલ એન ચીન ડબલ બેનિફિટ આ મારા વડોદરાને મળી રહ્યું છે. વડોદરાને સ્માર્ટ બનાવવા માટે 1000 કરોડ રૂપિયા 25 પ્રોજેક્ટ વડોદારા માટે મંજૂર થયા છે અને તેમાંથી અંદાજે 16 પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. અમૃત યોજના અંતર્ગત મહાનગરપાલિકાને 100 કરોડ રૂપિયા અને હું વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન આપી રહ્યો છું. હાલમાં હિમાચલમાં દેશભરના મુખ્ય સચિવો સાથે મારી બેઠક ચાલી રહી હતી. તેમાં એક અધિકારીએ ખાસ કરીને આજે વડોદરાએ 100 કરોડ રૂપિયાના બોન્ડ ઈસ્યુ કર્યા છે અને જે સફળતા પ્રાપ્ત કરી છે, તેના માટે હિમાચલમાં આવીને તેમણે અભિનંદન આપ્યા હતા. હું આજે અહીં રૂબરૂ આવીને તમને વડોદરા મહાનગર નિગમને અભિનંદન આપી રહ્યો છું. આજે આપણે સિંધ રોડ, જલ આપૂર્તિ યોજનાનું લોકાર્પણ, આપણું મહિસાગરનું પાણી વડોદરાના દક્ષિણ વિસ્તારમાં અને તેનાથી આપણી માતાઓ-બહેનોના આશીર્વાદ મને મળશે, મળશે અને મળશે જ.

ભાઈઓ-બહેનો આપણા વડોદરાની ઓળખ એટલે કે શિક્ષણ ક્ષેત્રમાં મોટું નામ છે, આપણી એમએસ યુનિવર્સિટીનો ડંકો વાગી રહ્યો છે. હવે તો શિક્ષણ, સાયન્સ, કોર્ટ તેમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. ગયા વર્ષે શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ હબ માટે વડોદરાની ઓળખ બની. ટ્રિપલ આઈટી, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી, આ બધું ગુજરાતના આગંણે વડોદરામાં છે. મારા વડોદરાની છાતી ગર્વથી ફૂલે તે સ્વાભાવિક છે. તમને આનંદ થશે કે દેશની પ્રથમ, દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી પણ વડોદરામાં છે. હવે ગતિશક્તિ યુનિવર્સિટી તરીકે તેનો વિસ્તાર પણ વડોદરાની ભૂમિ પર થઈ રહ્યો છે. તેમાંથી ભણીને બહાર નીકળનારા લોકો, આસપાસના તમામ વિસ્તારોના લોકોને લાભ મળવાનો છે. દેશભરના લોકોને લાભ મળવાનો છે. અને આપણું આણંદ હોય, છોટા ઉદયપુર હોય કે મધ્ય ગુજરાતના બીજા જિલ્લા હોય. ખેડા હોય કે પંચમહાલ હોય કે દાહોદ હોય, આ તરફ આપણું ભરૂચ હોય કે નર્મદા હોય, તે તમામને લાભ મળવાનો છે. નર્મદામાં બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી, ગોધરામાં ગુરૂ ગોવિંદ યુનિવર્સિટી, તેણે તો દેશભરમાં આકર્ષણ જમાવ્યું છે.

ભાઈઓ-બહેનો વડોદરા દેશનું સૌથી જૂનું, ખરા અર્થમાં કોસ્મોપોલિટન સિટી કહી શકાય તેવું શહેર છે. અહીં દેશનો કોઈ ખૂણો એવો નહીં હોય જ્યાંના લોકો અહીં રહી રહ્યા ન હોય, અહીં કામ કરી રહ્યા ન હોય, અહીં ભણતા ન હોય, ભાગ્યે જ બીજે ક્યાંય આવું જોવા મળે છે. અને હવે આપણે વડોદરાના ગરબા, અરે સમગ્ર દેશ, અને વડોદરામાં મેઈક ઈન ઈન્ડિયા, તેનો બેઝ મજબૂત બેઝ આજે વડોદરામાં છે અને તેની ભૂમિકા ઘણી મોટી છે. વિકાસની યાત્રામાં વડોદરા એક સર્વિસ સેક્ટરનું હબ પણ બની રહ્યું છે. અહીંથી ટેક્નોલોજી સાથે જોડાનારાઓનો વિસ્તાર થઈ રહ્યો છે, અહીં આપણે બોમ્બાર્ડિયર કંપની મેટ્રો દુનિયામાં જઈ રહી છે, દુનિયામાં, આપણે વડોદરાની છાતી ગર્વથી ફૂલી જાય કે ન જાય, બોલો ભાઈઓ. મેટ્રો દુનિયામાં જાય તો કહે કે ક્યાં બની છે તો કહેશે કે વડોદરામાં બની છે. મેટ્રો ઓસ્ટ્રેલિયામાં ચાલી રહી હોય, ક્યાંથી આવી તો કહેશે કે વડોદરાથી આવી, ભારતથી આવી, ગુજરાત સરકાર સહકાર અને પરોપકાર આ તેની ખાસિયત રહી છે. આ તેની મૂળ શક્તિ રહી છે. અને ડબલ એન્જિનની સરકારના પ્રયાસોથી સામાજિક સંગઠનોની તાકાતથી, જનભાગીદારીથી, સિવિલ સોસાયટીની મદદથી, વિકાસની નવી નવી યોજનાઓ ગુજરાતની પબ્લિક લાઈફને સશક્ત કરે, ગુજરાતના સામાન્ય જીવનને સશક્ત કરે, અને ગુજરાતની આવનારી પેઢી માટે, ઉત્તમ ગુજરાતનું નિર્માણ કરે, આવી ઉત્તમ ભૂમિકા સાથે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ પર જઈ રહ્યું છે. અને તમારા બધાના આશીર્વાદ અમને રોજ નવું કરવાની તાકાત આપે છે. તમારા આશીર્વાદ અમને દેશને નવી ઊંચાઈ પર લઈ જવા માટે હંમેશા પ્રેરણા આપી રહ્યા છે. તમારા આશીર્વાદ અમારા માટે એટલું મોટું સામર્થ્ય છે કે આ દેશના સપના સાકાર કરવા માટે અમે કોઈ પીછેહઠ નથી કરતા અને એ રીતે કામ પર લાગેલા છીએ કે ફરી એક વખત મારો આજે માતૃવંદના દિવસ અને આજે આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનોના દર્શન કરવાની તક મળી, માતા બહેનોના આશીર્વાદ પ્રાપ્ત કરવાની તક મળી, ગુજરાતના જીવનમાં એક સાથે લાખો બહેનો આવીને આશીર્વાદ આપે તેનાથી સુંદર પ્રસંગ કયો હોઈ શકે છે? આપ બધાને મારી માતાઓને કોટિ કોટિ પ્રમાણ, મારા કોટિ કોટિ નમન, તમારા આશીર્વાદ માતૃશક્તિની સેવા માટે, માતા ભારતીની સેવા કરવા માટે અમને સામર્થ્ય  આપે તે જ અપેક્ષા સાથે તમારા બધાના આશીર્વાદ અમારા બધા પર હંમેશા રહે, ઘણી ઘણી શુભકામનાઓ, ખૂબ ખૂબ આભાર.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1835327) Visitor Counter : 501