પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત – ઑસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ શિખર મંત્રણાનું સંયુક્ત નિવેદન

Posted On: 21 MAR 2022 7:00PM by PIB Ahmedabad

ભારતના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આદરણીય સ્કોટ મોર્રિસન MP વચ્ચે 21 માર્ચ 2022ના રોજ બીજી ભારત – ઑસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ શિખર મંત્રણા યોજાઇ હતી.

2. બંને નેતાઓએ ભારત – ઑસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (CSP) પ્રત્યેની કટિબદ્ધતા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે રાજકીય, આર્થિક, સુરક્ષા, સાઇબર, ટેકનોલોજી અને સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાની નોંધપાત્ર પ્રગતિને આવકારી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વિશ્વાસ, સમજણ, બંનેના સામાન્ય હિતો અને લોકશાહીના સહિયારા મૂલ્યો તેમજ કાયદાના શાસનના મજબૂત પાયા પર સમૃદ્ધ બન્યા છે. તેઓ ગાઢ સહકારને આગળ વધારવા માટે વાર્ષિક ધોરણે શિખર મંત્રણા યોજવા માટે કટિબદ્ધ છે.


3. બંને નેતાઓ ભારતના 230 G20 અધ્યક્ષતાની આતુરતાથી રાહ જુએ છે અને વૈશ્વિક હિતો તેમજ ચિંતાના આર્થિક મુદ્દાઓ પર નીકટતાથી કામ કરવા માટેની તેમની કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.


આર્થિક અને વ્યાપારી સહકાર


4. બંને દેશના નેતાઓ CSP હેઠળ આર્થિક સંબંધોને વધારે મજબૂત કરવા માટે કટિબદ્ધ થયા હતા જેમાં ઑસ્ટ્રેલિયા ભારત વ્યવસાય વિનિમય દ્વારા સંબંધો મજબૂત કરવાનું પણ સામેલ છે. ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મોર્રિસને ઑસ્ટ્રેલિયા ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંચના લોન્ચિંગ તેમજ બેંગલુરુમાં નવા કોન્સ્યુલેટ-જનરલની શરૂઆત કરવાના ઑસ્ટ્રેલિયાના ઇરાદા તેમજ માપદંડો, ભાવિ કૌશલ્યો અને અને એક નવા ઑસ્ટ્રેલિયા ઇન્ડિયા આવિષ્કાર નેટવર્ક મામલે પારસ્પરિક સહકાર સહિત દ્વિ-માર્ગી વેપાર અને આવિષ્કારને આગળ લઇ જવાની નવી પહેલોની જાહેરાતનો સંદર્ભ આપીને ખુશી વ્યક્ત કરી હતી.


5. બંને દેશના નેતાઓએ વ્યાપક આર્થિક સહકાર કરાર (CECA) વાટાઘાટોમાં થયેલી નોંધનીય પ્રગતિને આવકારી હતી. તેમણે ઘણા ઘટકો પર મોટા પ્રમાણમાં સંકલન પર સંતોષ વ્યક્ત કર્યો જેને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ મળવાની તૈયારી છે. બંને નેતાઓએ વહેલામાં વહેલી તકે વચગાળાના CECAને પૂર્ણ કરવા અને વેપાર અને રોકાણ સંબંધોને વધારવા અને CSPને વધુ ગાઢ બનાવવા માટે વર્ષના અંત સુધીમાં મહત્વાકાંક્ષી, સંપૂર્ણ CECA તરફ કામ કરવા માટે ફરીથી કટિબદ્ધતા દર્શાવી હતી. નેતાઓએ પર્યટન સહકાર પર ભારત-ઑસ્ટ્રેલિયા સમજૂતી કરારનું નવીકરણના નિર્ણયને પણ આવકાર્યો હતો


6. નેતાઓએ ભારત ઑસ્ટ્રેલિયા બેવડા કરવેરા નિવારણ કરાર (DTAA) હેઠળ ભારતીય કંપનીઓની વિદેશની આવકના કરવેરા સંબંધિત મુદ્દાના વહેલા ઉકેલના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો.


7. નેતાઓએ મુક્ત, નિષ્પક્ષ, સર્વસમાવેશી અને કાયદા આધારિત વેપારના માહોલ માટેની તેમની કટિબદ્ધતાનો પણ પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે વિશ્વ વેપાર સંગઠન સાથે તેના મૂળમાં કાયદા આધારિત બહુપક્ષીય વેપાર પ્રણાલીને જાળવી રાખવા માટે તેમજ તેને વધુ મજબૂત બનાવવાની તેમની કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો અને MC12 બાબતે તેમની આતુરતા વ્યક્ત કરી હતી, જે જૂનમાં યોજાવા માટે સંમતિ સાધવામાં આવી છે. તેમણે નોંધ્યું હતું કે, પુરવઠા શ્રૃંખલા બનાવવા, તેના મજબૂતીકરણ માટે અને તેમાં વૈવિધ્યીકરણ કરવા માટે તેમજ પુવરઠા શ્રૃંખલામાં આવી રહેલા વિક્ષેપોને ટાળવા સાથે સાથે મળીને કામ કરવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.



આબોહવા, ઊર્જા, વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધન સહકાર


8. નેતાઓએ બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સહકાર માટે નોંધનીય પ્રમાણમાં વ્યાપકતા હોવાનું પારખી લીધું હતું. તેમણે વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધન પર સહયોગનો આધારસ્તંભ એવા ઑસ્ટ્રેલિયા- ભારત વ્યૂહાત્મક સંસોધન ભંડોળ (AISRF)નું વિસ્તરણ કરવાના નિર્ણયને આવકાર્યો હતો અને 2021 ઇન્ડિયા ઑસ્ટ્રેલિયા વલાયકાર અર્થતંત્ર હેકાથોનને સફળ કરવાની કટિબદ્ધતાને પણ આવકારી હતી.


9. બંને દેશના નેતાઓએ આબોહવા પરિવર્તન, ઊર્જા સુરક્ષા અને નોકરીઓના સર્જનના મુદ્દાઓને પહોંચી વળવા માટે ઉત્સર્જનમાં ઘટાડો કરવાની દિશામાં રાષ્ટ્રીય યોગ્ય પગલાંઓને પ્રોત્સાહન આપવા માટેની તેમની કટિબદ્ધતાને રેખાંકિત કરી હતી અને ક્વાડ, G20, UNFCCC અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સહિત વિવિધ માધ્યમોથી આંતરરાષ્ટ્રીય સહકારને એકધારો ચાલુ રાખવા માટે તેમની કટિબદ્ધતાને પણ રેખાંકિત કરી હતી. તેમણે આબોહવા પરિવર્તનની સમસ્યાનો સામનો કરવા માટે ટકાઉક્ષમ વપરાશ અને ઉત્પાદન, અને સંસાધન- કાર્યદક્ષ, વલયાકાર અર્થતંત્રોના યોગદાનની ખાસ નોંધ લીધી હતી. આ સંદર્ભમાં, બંને નેતાઓએ કાળજીપૂર્વક વપરાશ, વધુ ટકાઉક્ષમ જીવનશૈલી અને બગાડમાં ઘટાડો કરવાના મહત્વની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રી મોદીએ ટકાઉક્ષમ જીવનશૈલી માટે વૈશ્વિક જન આંદોલનના આહ્વાનનો પુનરુચ્ચાર કર્યો હતો. આ આંદોલન કાળજીપૂર્વકના વપરાશને પ્રોત્સાહન આપે છે તેમજ બગાડમાં ઘટાડો લાવે છે.

10. બંને નેતાઓએ 15 ફેબ્રુઆરી 2022ના રોજ મંત્રી સિંહ અને મંત્રી ટેલર વચ્ચે યોજાયેલા ચોથા ભારત- ઑસ્ટ્રિલિયા ઊર્જા સંવાદને આવકાર્યો હતો, તે વ્યાપક ઊર્જા અને સંસાધન સહકારને સમર્થન આપે છે. તેમણે નવી અને અક્ષય ઊર્જા ટેકનોલોજી મામલે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના ઇરાદા પત્રનું સ્વાગત કર્યું હતું, જેનો ઉદ્દેશ ઉચ્ચ ઉત્સર્જક વિકલ્પો સાથે નીચા અને શૂન્ય ઉત્સર્જનની ટેકનોલોજીના ખર્ચને ઘટાડીને તેને સ્પર્ધાત્મક બનાવવાનો છે અને જરૂરી સફળતાઓ માટે સંશોધન અને વિકાસ દ્વારા તેમજ મિશન ઇનોવેશન જેવા મંચ દ્વારા સ્વચ્છ ટેકનોલોજીઓ પર સહકારને વધુ તીવ્ર બનાવવા માટે કટિબદ્ધ છે. બંને નેતાઓએ 2022 આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA) મંત્રી સ્તરની બેઠક પહેલાં વધુ આગળ બહુપક્ષીય ઊર્જા સહયોગનું પણ સ્વાગત કર્યું હતું, જેમાં IEA ભારતની વિસ્તૃત પ્રવૃત્તિઓને સમર્થન આપવા અને ભારત માટે IEAમાં સભ્યપદના માર્ગને આગળ વધારવા માટે IEA સ્વચ્છ ઊર્જા ટ્રાન્ઝિશન કાર્યક્રમમાં ઑસ્ટ્રેલિયાના $2 મિલિયનના ભંડોળના યોગદાનનો સમાવેશ થાય છે. જુલાઇ 2022 માં યોજાનારી ઇન્ડો-પેસિફિકમાં સ્વચ્છ ઊર્જા પુરવઠા શ્રૃંખલા પર સિડની ઊર્જા ફોરમમાં ભારતની સહભાગિતા માટે નેતાઓએ આતુરતા વ્યક્ત કરી હતી.


11. નેતાઓએ નોંધ્યું હતું કે, વૈશ્વિક લો કાર્બન ટ્રાન્ઝિશન માટે સ્વચ્છ ટેકનોલોજીઓના ઝડપી વિકાસ અને મહત્વપૂર્ણ ખનીજની સમાન સુગમતા જરૂરી છે. નેતાઓએ મહત્વપૂર્ણ ખનીજો મામલે પારસ્પરિક સહકાર અને સુરક્ષિત, પ્રતિરોધક અને ટકાઉક્ષમ મહત્વપૂર્ણ ખનીજ પુરવઠા શ્રૃંખલાના નિર્માણ માટેની તેમની કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે સંશોધન અને વૈજ્ઞાનિક સંસ્થાઓ વચ્ચે ટેકનિકલ આદાનપ્રદાન તેમજ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ રાઉન્ડ ટેબલ સહિત ભારત-ઑસ્ટ્રેલિયા સંયુક્ત કાર્યકારી સમૂહ દ્વારા અમલીકરણ યોજનાને આગળ ધપાવવામાં કરવામાં આવેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારતની ખનીજ વિદેશ લિમિટેડ (KABIL) અને ઑસ્ટ્રેલિયાની ક્રિટિકલ મિનરલ્સ ફેસિલિટેશન ઓફિસ વચ્ચે મહત્વપૂર્ણ ખનીજ પરિયોજનાઓ મામલે સંયુક્ત સહકાર માટે કરવામાં આવેલા સમજૂતી કરાર પર થયેલા હસ્તાક્ષર કરવાનું સ્વાગત કર્યું હતું.

 

12. નેતાઓએ પ્રારંભિક ભારત – ઑસ્ટ્રેલિયા વિદેશ મંત્રીઓના સાઇબર ફ્રેમવર્ક સંવાદને આવકાર્યો હતો જેનું આયોજન 12 ફેબ્રુઆરી 2022ના રોજ મંત્રી પેયને અને મંત્રી જયશંકર વચ્ચે થયું હતું. તેમણે સાઇબર સુશાસન, સાઇબર સુરક્ષા, ક્ષમતા નિર્માણ, સાઇબર ક્રાઇમ, ડિજિટલ અર્થતંત્ર અને મહત્વપૂર્ણ તેમજ ઉભરતી ટેકનોલોજી મામલે પારસ્પરિક સહકારને આવકાર્યા હતા. તેમણે એ બાબતે ભાર મૂક્યો હતો કે, આપણા સહિયારા લોકશાહી મૂલ્યો અને માનવ અધિકારોઆના આદરના સંદર્ભમાં તેને સુસંગત રીતે ટેકનોલોજીની ડિઝાઇન, વિકાસ, સુશાસન અને ઉપયોગ થવા જોઈએ. તેમણે ખુલ્લા, સુરક્ષિત, મુક્ત, સુલભ, સ્થિર, શાંતિપૂર્ણ અને આંતરપ્રક્રિયા કરી શકાય તેવા સાયબર અવકાશ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરતી ટેકનોલોજીઓ પ્રત્યેની તેમની કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતાને નબળી પાડવા માટે સાયબર અવકાશ અને સાયબર-સક્ષમ ટેકનોલોજીઓનો ઉપયોગ કરવાના પ્રયાસોની સખત ટીકા કરી હતી. બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર સહિત વિવિધ બહુપક્ષીય મંચો પર પારસ્પરિક સહયોગને વધારે મજબૂત બનાવવા માટે એકબીજાના સહકારમાં કામ કરવા માટે તેઓ કટિબદ્ધ હોવાનું કહ્યું હતું, જેમાં સાયબર અવકાશ માટે આંતરરાષ્ટ્રીય માપદંડો, ધોરણો અને ફ્રેમવર્કનો વિકાસ કરવાનું પણ સામેલ છે.


13. નેતાઓએ મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજીમાં નીકટતાથી સહકારના મહત્વને પારખી લીધું હતું અને વૈવિધપૂર્ણ તેમજ ભરોસાપાત્ર ટેકનોલોજી પુરવઠા શ્રૃંખલાની સ્થાપનાનું મહત્વપણ સમજી લીધું હતું. તેમણે બેંગલુરુમાં ભારત- ઑસ્ટ્રેલિયા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પોલિસીની સ્થાપના માટેના કરારનું સ્વાગત કર્યું હતું.


14. નેતાઓએ ભારત અને ઑસ્ટ્રેલિયાના અવકાશ જોડાણ માટેના મહત્વને પણ રેખાંકિત કર્યું હતું જેમાં હાલમાં ચાલી રહેલા ભારતના ગગનયાન અવકાશ કાર્યક્રમને ઑસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવતો સહકાર પણ સામેલ છે. નેતાઓએ ભારતના અવકાશ ક્ષેત્રના સુધારાઓથી ઉદ્ભવતા દ્વિપક્ષીય અવકાશ સહયોગના વિસ્તરણને પ્રોત્સાહન આપ્યું હતું. પ્રધાનમંત્રી મોર્રિસને ઑસ્ટ્રેલિયન અવકાશ એજન્સીની આંતરરાષ્ટ્રીય અવકાશ રોકાણ પહેલમાં ભારત માટે સમર્પિત સ્ટ્રીમ જાહેરાત કરતા ખુશી વ્યક્ત કરી હતી.


લોકોથી લોકો વચ્ચેના જોડાણો


15. બંને નેતાઓએ સ્વીકાર્યું હતું કે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે લોકોથી લોકો વચ્ચેનું મજબૂત જોડાણ છે. પ્રધાનમંત્રી મોર્રિસને નવા મૈત્રી શિષ્યવૃત્તિ કાર્યક્રમ, મૈત્રી અનુદાન અને ફેલોશિપ કાર્યક્રમ તેમજ ઑસ્ટ્રેલિયા ભારત મૈત્રી સાંસ્કૃતિક ભાગીદારીની જાહેરાત કરી હતી તેમજ ઑસ્ટ્રેલિયામાં સેન્ટર ફોર ઑસ્ટ્રેલિયા ઇન્ડિયા રિલેશન્સની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી. બંને નેતાએ સ્થળાંતર અને ગતિશીલતા પરના ઇરાદા પત્રને આવકાર્યો હતો અને સ્થળાંતર તેમજ ગતિશીલતા ભાગીદારી કરારના વહેલા અમલીકરણ માટે આહ્વાન કર્યું હતું, જે વિદ્યાર્થીઓ તેમજ વ્યાવસાયિકો માટે ઉન્નત ગતિશીલતાને સમર્થન આપશે. પ્રધાનમંત્રી મોદીએ ઑસ્ટ્રેલિયા સરકાર દ્વારા ભારતને 29 કલાકૃતિઓ પરત કરવામાં આવી તે પગલાંને આવકાર્યું હતું. બંને નેતાઓએ ભારતના પ્રસારભારતી અને ઑસ્ટ્રેલિયાના SBS વચ્ચે પ્રસારણ મામલે સહકાર અને સહયોગ માટે કરવામાં આવેલા સમજૂતી કરારને પણ આવકાર્યો હતો.


16. નેતાઓએ લૈંગિક સમાનતા મામલે બંને દેશો કરેલા કામમાં જે પ્રગતિ થઇ છે તેને સ્વીકારી હતી અને મહિલાઓ તેમજ છોકરીઓના સશક્તિકરણ માટે હજુ પણ સાથે મળીને આગળ વધવાનું ચાલુ રાખવા માટે સંમતિ દર્શાવી હતી. આમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતની શાખાઓમાં લૈંગિક અંતરાયને દૂર કરવા દ્વારા સશક્તિકરણ કરવાનું પણ સામેલ છે.


17. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા શિક્ષણ અને કૌશલ્ય સંબંધોનું વધારે વિસ્તરણ કરવા અને ઇષ્ટતમ બનાવવાના દૃષ્ટિકોણ સાથે તેમજ શૈક્ષણિક લાયકાતની સ્વીકૃતિ માટે બંને દેશોમાં વિવિધ પ્રણાલીઓને સ્વીકારવા માટે, નેતાઓએ શૈક્ષણિક લાયકાત સ્વીકૃતિ પર ટાસ્કફોર્સની સ્થાપના કરવાની વ્યવસ્થાને આવકારી હતી. ટાસ્કફોર્સ તેની સ્થાપના કર્યાના છ મહિનાની અંદર, ઉચ્ચ શિક્ષણની સુગમતા માટે અને રોજગારની તકોને સમર્થન આપવા માટે લાયકાતોની સ્વીકૃતિ (વિવિધ ડિલિવરી મોડ્સ દ્વારા પ્રાપ્ત કરાયેલા સહિત)ની વ્યવસ્થામાં સુધારો કરવા માટે એક સહકારી વ્યવસ્થાતંત્ર પૂરું પાડશે.


કોવિડ-19 સહકાર


18. નેતાઓ રસીકરણ પ્રમાણપત્રના ઉકેલોના વૈશ્વિક ઇન્ટરઓપરેટિબિલિટી (આંતરપરિચાલનતા)ના મહત્વ માટે સંમત થયા હતા. પ્રધાનમંત્રી મોર્રિસને ભારતની રસી મૈત્રી પહેલ તેમજ વૈશ્વિક રસીકરણના પ્રયાસોમાં ભારતે નિભાવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને આવકારી હતી.


19. ક્વાડ અને COVAX દ્વારા બંને નેતાઓએ તેમના મજબૂત સહકારને ધ્યાનમાં લઇને ઉચ્ચ ગુણવત્તા, સલામત, કાર્યદક્ષ અને પરવડે તેવી કોવિડ-19 રસી, સારવારો અને મહત્વપૂર્ણ દવાઓના વૈશ્વિક પુરવઠામાં નિષ્પક્ષ, સમયસર અને સમાન સુલભતાને પ્રોત્સાહન આપવાના તેમના સંકલ્પનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે ઇન્ડો-પેસિફિક અને વૈશ્વિક ભાગીદારોને ઉચ્ચ-ગુણવત્તાવાળી રસીની ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે હાલમાં ચાલી રહેલા તેમના સહકાર પર વિશેષ ભાર મૂક્યો હતો.


સુરક્ષા અને સંરક્ષણ સહકાર


20. બંને નેતાઓ સુરક્ષા અને સંરક્ષણ જોખમો અને પડકારોનો ઉકેલ લાવવા માટે પારસ્પરિક સહકારને વધુ સઘન બનાવવા માટે સંમતિ દાખવી હતી અને જનરલ રાવત ભારત – ઑસ્ટ્રેલિયા યુવા સંરક્ષણ અધિકારી વિનિમય કાર્યક્રમની સ્થાપના કરવાના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે સમુદ્રી માહિતીના ઉન્નત આદાનપ્રદાન અને સમુદ્રી ક્ષેત્રની જાગૃતિને આવકાર્યા હતા. તેમણે સમગ્ર ઇન્ડો પેસિફિકમાં વધુ નજીકથી સંકલન સાધવા માટે સંરક્ષણ માહિતીના આદાનપ્રદાનની વ્યવસ્થાઓનું નિર્માણ કરવાની તેમની કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે આ વર્ષના અંતમાં ઑસ્ટ્રેલિયાની ઇન્ડો પેસિફિક એન્ડેવર કવાયતમાં ભારતની સહભાગિતા માટે તત્પરતા દર્શાવી હતી.


21. નેતાઓએ ઊંડા પરિચાલન સંરક્ષણ સહકારની સુવિધા પૂરી પાડવામાં અને મુક્ત તેમજ ખુલ્લા મહત્વપૂર્ણ પ્રાદેશિક સમુદ્રી કોરિડોરની દિશામાં તેમના યોગદાનમાં પારસ્પરિક સુલભતાની વ્યવસ્થાના મહત્વ પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. નેતાઓ પારસ્પરિક હિતોના ક્ષેત્રોમાં વધારે સંરક્ષણ સહકાર માટેની તકોને અનુસરવા પર ફરીથી ભાર મૂક્યો હતો.


22. આપણા પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા સામે હજુ પણ આતંકવાદનું જોખમ તોળાઇ રહ્યું છે તે વાતને ધ્યાનમાં રાખીને, નેતાઓએ આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં વખોડી કાઢ્યો હતો અને સરહદ પારના આતંકવાદ માટે આતંકવાદી પ્રોક્સીઓના ઉપયોગની આકરી ટીકા કરી હતી. તેમણે પોતાના નિયંત્રણ હેઠળના કોઇપણ ક્ષેત્રનો આતંકવાદી હુમલાઓ માટે ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ દેશોએ તાત્કાલિક, દીર્ઘકાલિન, ચકાસી શકાય તેવા અને ઉલટાવી ના શકાય તેવા પગલાં લેવાની અને આવા હુમલા કરનારા ગુનેગારોને ઝડપથી ન્યાયતંત્ર હેઠળ લાવીને ન્યાય કરવા માટે તાકીદની જરૂરિયાત હોવાનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે દ્વિપક્ષીય રીતે અને ક્વાડ પરામર્શમાં તેમજ બહુપક્ષીય મંચોમાં આતંકવાદ વિરોધી પ્રયાસોમાં માહિતીનું આદાનપ્રદાન કરવા અને સંકલન કરવાનું ચાલુ રાખવા માટે સંમતિ દર્શાવી હતી.


પ્રાદેશિક અને બહુપક્ષીય સહકાર

23. નેતાઓએ યુક્રેનમાં હાલમાં ચાલી રહેલા સંઘર્ષ અને માનવીય કટોકટીની સ્થિતિ વિશે તેમની ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે શત્રુતાને તાત્કાલિક સમાપ્ત કરવાની જરૂરિયાતનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમકાલીન વૈશ્વિક વ્યવસ્થાનું નિર્માણ યુએન અધિકારપત્ર, આંતરરાષ્ટ્રીય કાયદા અને સાર્વભૌમત્વ અને રાજ્યોની પ્રાદેશિક અખંડિતતાના સંદર્ભમાં કરવામાં આવ્યું છે. તેમણે આ મુદ્દે અને ઇન્ડો-પેસિફિક માટે તેની વ્યાપક અસરો પર નજીકથી જોડાયેલા રહેવા માટે સંમતિ દર્શાવી હતી.


24. બંને નેતાએ મુક્ત, ખુલ્લા અને કાયદા આધારિત એવા ઇન્ડો- પેસિફિક પ્રત્યેની સહિયારી કટિબદ્ધતા વ્યક્ત કરી હતી, જે કેન્દ્ર સ્થાનમાં ASEAN સાથે મજબૂત પ્રાદેશિક આર્કિટેક્ચર દ્વારા સમર્થિત હોય. તેમણે એવા સમાવેશી અને સમૃદ્ધ પ્રદેશ માટે તેમની કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો જેમાં તમામ દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવામાં આવે અને દેશો સૈન્ય, આર્થિક અને રાજકીય બળજબરીથી મુક્ત હોય.


25. નેતાઓએ પ્રાદેશિક સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ભારત, ઑસ્ટ્રેલિયા, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ક્વાડના સકારાત્મક અને મહત્વાકાંક્ષી એજન્ડા પર આગળ વધવા માટે સહકારની તેમની કટિબદ્ધતાને રેખાંકિત કરી હતી. તેમણે માર્ચ 2022 માં ક્વાડ નેતાઓ વચ્ચેની વર્ચ્યુઅલ બેઠકને આવકારી હતી અને આવનારા મહિનાઓમાં વ્યક્તિગત રીતે નેતાઓની આગામી બેઠકના આયોજન અંગે આતુરતા વ્યક્ત કરી હતી. તેમણે ઇન્ડો-પેસિફિક મહાસાગર પહેલ પર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના ઘનિષ્ઠ સહકારને પણ આવકાર્યો હતો.


26. પ્રધાનમંત્રી મોદીએ ઑસ્ટ્રેલિયા- UK- US (AUKUS) ભાગીદારી પર પ્રધાનમંત્રી મોર્રિસન દ્વારા કરવામાં આવેલા બ્રિફિંગની પ્રસંશા હતી હતી. નેતાઓએ પરમાણુ શસ્ત્રો ન વિકસાવવા અને તેના અપ્રસારના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવાની ઑસ્ટ્રેલિયાની કટિબદ્ધતાને સ્વીકૃતિ આપી હતી.


27. નેતાઓએ હિન્દ મહાસાગર પ્રદેશમાં તેમના સહકારને વધારે મજબૂત કરવા માટે અને હિન્દ મહાસાગર રીમ એસોસિએશનમાં તેમના સહકાર સહિત હિન્દ મહાસાગર પ્રદેશમાં આવેલા અન્ય દેશો સાથે સહકાર વધારે મજબૂત બનાવવાની તેમની કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ હિન્દ મહાસાગર પ્રદેશમાં સમુદ્રી અને આપદાની પૂર્વતૈયારીઓ, વેપાર, રોકાણ અને કનેક્ટિવિટીમાં ઑસ્ટ્રેલિયાના જોડાણમાં થયેલી વૃદ્ધિને આવકારી હતી.


28. નેતાઓએ પેસિફિક પ્રદેશની સ્થિતિસ્થાપકતા અને રિકવરીને સમર્થન આપવા માટે હાલમાં ચાલી રહેલા સહકાર અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોર્રિસને હુંગા ટોંગા-હુંગાહાપાઇ જ્વાળામુખી ફાટવા અને સુનામીના પગલે ટોંગાને ભારત દ્વારા કરવામાં આવેલી સહાયતા અને કોવિડ-19 મહામારી ફાટી નીકળવાથી કિરીબાતીને ભારત દ્વારા કરવામાં આવેલી સહાયતાને આવકારી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ પેસિફિક ભાગીદારોને ભારતીય HADR પહોંચાડવામાં ઑસ્ટ્રેલિયાની ભૂમિકાને સ્વીકારી હતી.


29. નેતાઓએ ઇન્ડો-પેસિફિક પ્રદેશના તમામ સમુદ્ર અને મહાસાગરોમાં આંતરરાષ્ટ્રીય કાયદા, જેમાં ખાસ કરીને UN કન્વેન્શન ઓન લૉ ઓફ ધ સી (UNCLOS)ને અનુરૂપ અધિકારીઓ અને આઝાદીનો ઉપયોગ કરવાના સામર્થ્યના મહત્વને રેખાંકિત કર્યું હતું જેમાં જહાજ આવાગમન અને ઓવરફ્લાઇટ (જે-તે પ્રદેશમાંથી ઉડાન)ની આઝાદી પણ સામેલ છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, કોઇપણ સૈન્ય દળના જોખમ અથવા ઉપયોગ વગર અથવા એકપક્ષીય રીતે યથાસ્થિતિ બદલવાનો કોઇપણ પ્રયાસ વગર આંતરરાષ્ટ્રીય કાયદાઓને અનુરૂપ શાંતિપૂર્ણ માધ્યમો દ્વારા વિવાદોનું નિરાકરણ લાવવું જોઇએ અને દેશોએ શાંતિ અને સ્થિરતાને અસર કરે અને વિવાદો ઉભા કરી શકે અથવા તેને જટિલ બનાવી શકે તેવી પ્રવૃત્તિઓ આચરવાથી પોતે દૂર રહેવું જોઇએ. તેમણે દક્ષિણ ચીન સમુદ્ર સહિત સમુદ્રી કાયદા-આધારિત વ્યવસ્થા સામેના પડકારોને પહોંચી વળવા માટે, જેમાં ખાસ કરીને UN કન્વેન્શન ઓન ધ લૉ ઓફ ધ સી (UNCLOS) માં દર્શાવ્યા મુજબ હોય તેવા કાયદાના પાલન સહિત, આંતરરાષ્ટ્રીય કાયદાના પાલનના મહત્વનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ દક્ષિણ ચીન સમુદ્ર ક્ષેત્રમાં કોઇપણ આચાર સંહિતા અસરકારક, વાસ્તવિક અને આંતરરાષ્ટ્રીય કાયદા સાથે સંપૂર્ણ રીતે સુસંગત રહે તે માટે, કોઇપણ દેશના કાયદેસરના અધિકારો અને હિતો પ્રત્યે પૂર્વગ્રહ ન રહે તે માટે આહ્વાન કર્યું હતું જેમાં આ વાટાઘાટોમાં જેઓ પક્ષકાર ના હોય તેઓ સામેલ છે અને હાલમાં અસ્તિત્વમાં રહેલા સર્વસમાવેશી પ્રાદેશિક આર્કિટેક્ચરને સહકાર આપવા માટે આહ્વાન કર્યું હતું.


30. નેતાઓએ મ્યાનમારમાં નાગરિક વસ્તી સામે થઇ રહેલી હિંસા તાત્કાલિક બંધ કરવા, વિદેશીઓ સહિત મનસ્વી રીતે અટકાયતમાં રાખવામાં આવેલા તમામ લોકોને છોડી મુકવા અને માનવતાવાદી સુલભતાના અવરોધો દૂર કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે મ્યાનમારને ASEAN ના પાંચ મુદ્દાની સર્વસંમતિ લાગુ કરવા માટે અનુરોધ કર્યો હતો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને હિંસાનો અંત લાવવા માટે સાથે મળીને કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.


31. નેતાઓએ અફઘાનિસ્તાનમાં માનવીય પરિસ્થિતિઓના થઇ રહેલા નિકંદનને ધ્યાનમાં રાખીને અફઘાનિસ્તાના લોકોને માનવીય સહાયતા પૂરી પાડવા માટે તેમની કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો અને અફઘાનિસ્તાનમાં સત્તામાં રહેલા લોકોને આતંકવાદ વિરોધી કટિબદ્ધતાઓ અને માનવ અધિકારોનું UNSCR 2593ને અનુરૂપ પાલન કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે મહિલાઓ અને છોકરીઓના અધિકારોના રક્ષણ તેમજ જાહેર જીવનમાં તેમની સંપૂર્ણ ભાગીદારી માટેના તેમના આહ્વાનનો પુનરુચ્ચાર કર્યો હતો. તેઓ એ બાબતે સંમત થયા હતા કે, અફઘાનિસ્તાનમાં લાંબા ગાળાની શાંતિ અને સ્થિરતા સ્થાપવા માટે વ્યાપક આધાર વાળી અને સર્વસમાવેશી સરકારની રચના થવી જરૂરી છે.


32. આ બેઠકથી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના ઉષ્માપૂર્ણ, ઘનિષ્ઠ સંબંધોને વધારે મજબૂતી પ્રાપ્ત થઇ છે અને નેતાઓએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઇઓ પર લઇ જવાની તેમની કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.

 

 

 

 



(Release ID: 1808955) Visitor Counter : 194