પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ થાણે અને દિવાને જોડતી રેલવે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરી

મુંબઈ ઉપનગરીય રેલવેની બે ઉપનગરીય ટ્રેનોને લીલી ઝંડી બતાવી

તેમનાં સંબોધનની શરૂઆત છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપીને કરી જેમની જન્મ જયંતી આવતીકાલે છે

“કાયમ ફરતા રહેતા મુંબઈ મેટ્રોપોલિટન શહેરના રહીશો માટે આ લાઇનો જીવનમાં સરળતા લાવશે”

“આત્મનિર્ભર ભારત માટે મુંબઈનાં યોગદાન સંબંધે એની ક્ષમતા અનેકગણી વધારવાનો આ પ્રયાસ છે”
"અમારું વિશેષ ધ્યાન મુંબઈ માટે 21મી સદીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પર છે"

"કોરોના મહામારી પણ ભારતીય રેલવેને વધુ સુરક્ષિત, સુવિધાજનક અને આધુનિક બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને હલાવી શકી નથી"

"ગરીબ અને મધ્યમ વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતાં સંસાધનોમાં અપૂરતાં રોકાણથી ભૂતકાળમાં દેશમાં જાહેર પરિવહનને ચમકથી દૂર રાખ્યું"

આશરે રૂ. 620 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી વધારાની રેલવે લાઈનો ઉપનગરીય ટ્રેનના ટ્રાફિક સાથે લાંબા અંતરની ટ્રેનના ટ્રાફિકની દખલને નોંધપાત્ર રીતે દૂર કરશે.

Posted On: 18 FEB 2022 6:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલવે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમણે મુંબઈ ઉપનગરીય રેલવેની બે ઉપનગરીય ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્ય મંત્રી, કેન્દ્રીય રેલવે પ્રધાન સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનની શરૂઆત છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી જેમની આવતીકાલે જન્મ જયંતી છે. પ્રધાનમંત્રીએ શિવાજી મહારાજને ભારતનું ગૌરવ, ઓળખ અને ભારતની સંસ્કૃતિના રક્ષક ગણાવ્યા હતા.

થાણે અને દિવાને જોડતી પાંચમી અને છઠ્ઠી રેલવે લાઇન માટે મુંબઈકરોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ લાઈનો સદા ફરતા રહેતા મેટ્રોપોલિટનના રહેવાસીઓ માટે જીવનમાં સરળતા લાવશે. પ્રધાનમંત્રીએ આ બે લાઇનના ચાર સીધા ફાયદાઓને રેખાંકિત કર્યા હતા. પ્રથમ, લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે અલગ લાઇન; બીજું, અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રેનોએ લોકલ ટ્રેન પસાર થાય એ માટે રાહ જોવી પડશે નહીં; ત્રીજું, કલ્યાણથી કુર્લા સેક્શનમાં મેલ/એક્સપ્રેસ ટ્રેનો ઝાઝા અવરોધ વિના ચલાવી શકાય છે અને છેવટે, કલવા મુંબ્રાના મુસાફરોને દર રવિવારે બ્લોકેજને કારણે પરેશાની થશે નહીં. તેમણે કહ્યું કે આ લાઈનો અને સેન્ટ્રલ રેલવે લાઈનો પર 36 નવી લોકલ ટ્રેનો જેમાં મોટાભાગની એસી છે તે લોકલ ટ્રેનોની સુવિધાના વિસ્તરણ અને આધુનિકીકરણની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.

સ્વતંત્ર ભારતની પ્રગતિમાં મુંબઈ મહાનગરનાં યોગદાનને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે આત્મનિર્ભર ભારત માટેનાં યોગદાનના સંદર્ભમાં મુંબઈની ક્ષમતા અનેકગણી વધારવાનો પ્રયાસ છે. "તેથી જ અમારું વિશેષ ધ્યાન મુંબઈ માટે 21મી સદીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં નિર્માણ પર છે", એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. મુંબઈમાં રેલ કનેક્ટિવિટીમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે કારણ કે મુંબઈ સબર્બન રેલ સિસ્ટમ નવીનતમ ટેકનોલોજીથી સજ્જ કરાઇ રહી છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે મુંબઈ ઉપનગરમાં વધારાના 400 કિલોમીટર ઉમેરવાના પ્રયાસો ચાલુ છે અને 19 સ્ટેશનોને આધુનિક CBTC સિગ્નલ સિસ્ટમ જેવી સુવિધાઓ સાથે આધુનિક બનાવવાની યોજના છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે "અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ દેશની જરૂરિયાત છે અને તે મુંબઈની ઓળખ સપનાનાં શહેર તરીકે મજબૂત કરશે. આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવો એ અમારી પ્રાથમિકતા છે”, એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના મહામારી પણ ભારતીય રેલવેને વધુ સુરક્ષિત, સુવિધાજનક અને આધુનિક બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને હલાવી શકી નથી. છેલ્લાં બે વર્ષ દરમિયાન, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રેલવેએ નૂર પરિવહનમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. આ સમયગાળામાં 8 હજાર કિમી રેલવે લાઇનનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું અને 4.5 હજાર કિમી લાઇનને ડબલ  કરવામાં આવી હતી. કોરોના સમયગાળા દરમિયાન,ખેડૂતો કિસાન રેલ દ્વારા દેશવ્યાપી બજારો સાથે જોડાયેલા હતા, એમ તેમણે કહ્યું હતું.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા અંગે ન્યૂ ઈન્ડિયાના બદલાયેલા અભિગમ વિશે વાત કરતા, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે ભૂતકાળમાં પ્રોજેક્ટ્સ આયોજનથી અમલીકરણના તબક્કામાં સંકલનના અભાવને કારણે અટવાયા કરતા હતા. આનાથી 21મી સદીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન અશક્ય બન્યું, તેથી જ તેમણે કહ્યું કે પીએમ ગતિશક્તિ યોજનાની કલ્પના કરવામાં આવી હતી. આ યોજના કેન્દ્ર સરકારના દરેક વિભાગ, રાજ્ય સરકારની સ્થાનિક સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રને એક પ્લેટફોર્મ પર લાવશે. આ યોગ્ય આયોજન અને સંકલન માટે તમામ હિતધારકોને અગાઉથી સંબંધિત માહિતી પૂરી પાડશે.

શ્રી મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતા સંસાધનોમાં પૂરતા રોકાણને અટકાવતી વિચાર પ્રક્રિયા પર વિલાપ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, આનાથી દેશમાં જાહેર પરિવહન ચમકથી દૂર રહ્યું. "હવે ભારત આ વિચારને પાછળ છોડીને આગળ વધી રહ્યું છે", એમ તેમણે કહ્યું.

પ્રધાનમંત્રીએ એવા પગલાં સૂચિબદ્ધ કર્યાં હતાં જે ભારતીય રેલવેને નવો ચહેરો આપી રહ્યા છે. તેમણે કહ્યું કે ગાંધીનગર અને ભોપાલ જેવા આધુનિક સ્ટેશનો ઝડપથી ભારતીય રેલવેની ઓળખ બની રહ્યા છે અને 6000થી વધુ રેલવે સ્ટેશનો વાઇફાઇ સુવિધા સાથે જોડવામાં આવ્યાં છે. વંદે ભારત ટ્રેનો દેશમાં રેલવેને નવી ગતિ અને આધુનિક સુવિધાઓ આપી રહી છે. રાષ્ટ્રની સેવામાં આગામી વર્ષોમાં 400 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

કલ્યાણ એ મધ્ય રેલવેનું મુખ્ય જંકશન છે. દેશની ઉત્તર બાજુ અને દક્ષિણ બાજુથી આવતો ટ્રાફિક કલ્યાણમાં ભળે છે અને CSMT (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) તરફ આગળ વધે છે. કલ્યાણ અને CSTM વચ્ચેના ચાર ટ્રેકમાંથી, બે ટ્રેકનો ઉપયોગ ધીમી લોકલ ટ્રેન માટે અને બે ટ્રેક ઝડપી લોકલ, મેલ એક્સપ્રેસ અને ગુડ્સ ટ્રેનો માટે ઉપયોગમાં લેવાતા હતા. ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનોને અલગ કરવા માટે, બે વધારાના ટ્રેકનું આયોજન કરવામાં આવ્યું હતું.

થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલવે લાઇન અંદાજે રૂ. 620 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે અને તેમાં 1.4 કિલોમીટર લાંબો રેલ ફ્લાયઓવર, 3 મોટા પુલ, 21 નાના પુલ છે. આ લાઈનો મુંબઈમાં ઉપનગરીય ટ્રેનના ટ્રાફિક સાથે લાંબા અંતરની ટ્રેનના ટ્રાફિકની દખલને નોંધપાત્ર રીતે દૂર કરશે. આ લાઈનો શહેરમાં 36 નવી ઉપનગરીય ટ્રેનોની શરૂઆતને પણ સમર્થ બનાવશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1799433) Visitor Counter : 211