પ્રધાનમંત્રીનું કાર્યાલય

નવી દિલ્હીના કરિઅપ્પા મેદાન ખાતે એનસીસીની રેલીને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 28 JAN 2022 3:22PM by PIB Ahmedabad

કાર્યક્રમમાં ઉપસ્થિત દેશના સંરક્ષણ મંત્રી શ્રીમાન રાજનાથ સિંહજી, એનસીસીના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલ સિંહજી, અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવ, અધિકારીગણ, ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેનારા કલાકાર, એનએસએસ અને એનસીસીના સાથીઓ.
હાલમાં દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. અને જ્યારે એક યુવાન દેશ આ રીતે કોઈ ઐતિહાસિક અવસરનો સાક્ષી બને છે તો તેના ઉત્સવમાં એક અલગ પ્રકારનો જ ઉત્સાહ જોવા મળે છે. આવો જ ઉત્સાહ હું હમણા કરિઅપ્પા મેદાન પર જોઈ રહ્યો હતો. આ ભારતની એ યુવા શક્તિનું દર્શન છે જે આપણા સંકલ્પોને પૂરા કરશે. જે 2047માં જયારે દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે 2047ના ભવ્ય ભારતનું નિર્માણ કરશે.

મને ગર્વ છે કે હું પણ ક્યારેક આપની માફક એનસીસીનો સક્રિય કેડેટ રહ્યો છું. પરંતુ જે સૌભાગ્ય તમને મળ્યું છે તે મને પણ મળ્યું છે. મને એનસીસીમાં જે તાલીમ મળી, જે જાણવા શીખવા મળ્યું, આજે દેશ પ્રત્યેની મારી જવાબદારીઓ નિભાવવામાં મને એ સંસ્કારોથી, એ તાલીમથી અસીમ તાકાત મળી છે. હજી થોડા જ સમય અગાઉ મને એનસીસી અલુમ્નાઈનું કાર્ડ પણ મળ્યું હતું. આજે દેશના પ્રધાનમંત્રી હોવાની સાથે સાથે એ નાતે પણ હું તમારો સાથી છું અને તમારી સાથે સંકળાયેલો છું. હું એનસીસીના તમામ હોદ્દેદારોને અને તમામ સાથી કેડેટ્સને આ પ્રસંગે સલામ કરું છું. આજે જે કેડેટ્સને પુરસ્કાર મળ્યા છે તેમને પણ હું હાર્દિક શુભકામના પાઠવું છું. આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની, પંજાબ કેસરી લાલા લાજપત રાયની જયંતી પણ છે. આજે જ ફિલ્ડ માર્શલ કરિઅપ્પાની પણ જયંતી છે. રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરનારા દેશના આ વીર સપૂતોને હું આદરપૂર્વક નમન કરું છું.

સાથીઓ,
આજે જયારે દેશ નવા સંકલ્પો સાથે આગળ ધપી રહ્યો છે ત્યારે દેશના એનસીસીને મજબૂત કરવા માટેના અમારા પ્રયાસો પણ જારી છે. આ માટે દેશમાં એક ઉચ્ચ સ્તરીય રિવ્યૂ સમિતિની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં અમે દેશના સરહદી ક્ષેત્રોમાં એક લાખ નવા કેડેટ્સ બનાવ્યા છે. મને આનંદ છે કે એનસીસી કેડેટ્સની તાલીમમાં સિમ્યુલેશન જેવી આધુનિક ટેકનોલોજીનો પ્રયોગ પણ વધી રહ્યો છે. સંપૂર્ણપણે સેલ્ફ ફાઇનાન્સ સ્કીમ હેઠળ એક લાખ કેડેટ્સનો વ્યાપ દેશની કોલેજોમાં કરવામાં આવ્યો છે. એક લાખ કેડેટ્સને લઈને આવો જ પ્રયાસ હવે દેશની શાળાઓમાં પણ શરૂ કરવામાં આવ્યો છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત દેશની 90 યુનિવર્સિટીએ એનસીસીના વિષયને પસંદગીના વિષયના રૂપમાં શરૂ કર્યો છે. હું આજે અહીં મોટી સંખ્યામાં ગર્લ્સ કેડેટને જોઈ રહ્યો છું. આ દેશના બદલાઈ રહેલા મિજાજનું પ્રતિક છે. દેશને આજે તમારા વિશેષ યોગદાનની જરૂર છે. દેશમાં આજે તમારા માટે અપાર અવસર ઉપલબ્ધ છે. હવે દેશની દીકરીઓ સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવી રહી છે. લશ્કરમાં મહિલાઓની મોટી જવાબદારીઓ મળી રહી છે. એરફોર્સમાં દેશની દીકરીઓ ફાઇટર પ્લેન ઉડાડી રહી છે. આવામાં આપણો પ્રયાસ હોવો જોઇએ કે એનસીસીમાં પણ વધુ ને વધુ દીકરીઓ સામેલ થાય. જે દીકરીઓ જાતે જ એનસીસીમાં સામેલ થઈ છે તે અન્ય માટે એક પ્રેરણા બની શકે છે.

સાથીઓ,
દેશના પ્રસિદ્ધ કવિ માખનલાલ ચતુર્વેદીની કવિતા તથા એ કવિતાની પંક્તિઓમાં તેમણે કહ્યું --

ભૂખંડ બિછા, આકાશ ઓઢ, નયનોદક લે, મોદક પ્રહાર
બ્રહ્માંડ હથેલી પર ઉછાલ, અપને જીવન-ધન કો નિહાર


આ પંક્તિઓ સામર્થ્યની પરાકાષ્ઠાનું વર્ણન કરે છે. શક્તિ એવી હોય કે ભૂખંડને બિછાવી શકે, આકાશને ઓઢી શકે અને બ્રહ્માંડને હથેળીમાં ઉછાળી શકે. તાકાત એવી હોય કે કઠીનમાં કઠીન પરિસ્થિતિમાં પણ હસીને, મક્કમતાથી મુકાબલો કરી શકે. આજે માતા ભારતી યુવાનોને આ જ આહ્વાન કરી રહી છે.

ભૂખંડ બિછા, આકાશ ઓઢ, નયનોદક લે, મોદક પ્રહાર
બ્રહ્માંડ હથેલી પર ઉછાલ, અપને જીવન-ધન કો નિહાર


આવનારા 25 વર્ષનો અમૃતકાળ દેશભક્તિનો છે. અને આજે પડકાર એ વાતનો નથી કે દુનિયામાં કોઈ તેને સ્વીકાર કરશે કે નહીં. આજે મહત્વ એ વાતનું છે કે જ્યારે દુનિયા ભારતને એક એવી આશા સાથે જોઈ રહી છે, એટલા ભરોસા સાથે જોઈ રહી છે તો ભારતે તેના પ્રયાસોમાં કોઈ પણ ભોગે નબળા પડવાનું નથી.

આજે આઝાદીના અમૃત મહોત્સવમાં ભારતે જે સંકલ્પ લીધો છે, જે અભિયાન શરૂ કર્યુ છે, તે હંમેંશા નવી ઊર્જા મેળવતાં રહે, તેની ઘણી મોટી જવાબદારી આપણાં દેશના કોટિ કોટિ જવાનો પર છે. આજે આ સમયે જેટલા પણ યુવક-યુવતિઓ એનસીસીમાં છે, એનએસએસમાં છે, તેમાંથી મોટા ભાગના આ શતાબ્દીમાં જ જન્મ્યા થયા છે. તમારે જ ભારતને 2047 સુધી ભારે આન-બાન-શાનથી લઇને જવાનું છે. એટલા માટે જ તમારો પ્રયાસ, તમારા સંકલ્પોની સિદ્ધિ એ ભારતીય સિદ્ધિ હશે, ભારતની સફળતા હશે. રાષ્ટ્રભક્તિથી કોઇ મોટી ભક્તિ હોતી નથી, રાષ્ટ્રહિતથી કોઇ મોટું હિત હોતું નથી., દેશને સર્વોપરિ રાખીને, તમે જે પણ કરશો, તે દેશના વિકાસમાં મદદ કરશે. આજે આપણાં યુવાનોએ ભારતને સ્ટાર્ટ અપની દુનિયામાં ટોપ ત્રણમાં પહોંચાડી દીધું છે. કોરોનાના આ સંકટકાળમાં જેટલા યુનિકોર્ન બન્યા છે, તે ભારતની યુવાશક્તિનું પ્રદર્શન છે. તમે કલ્પના કરી શકો છો કે, 50થી વધારે યુનિકોર્ન કોરોના કાળ દરમિયાન  અસ્તિત્વમાં આવ્યા છે. અને તમને ખબર જ હશે, એક એક યુનિકોર્ન, એક-એક સ્ટાર્ટ અપની મૂડી (રકમ) સાડા સાત હજાર કરોડ રૂપિયાથી વધારે છે. આ ક્ષમતા, આ સામર્થ્ય, બહુ મોટો વિશ્વાસ જગાવે છે. અને જાણો છો કે તેમાં સૌથી મોટી વાત શું છે ? આ હજારો સ્ટાર્ટ અપ, દેશની કોઇને કોઇ આવશ્યક્તાઓને પૂરી કરવા માટે બન્યા છે. કોઇ કૃષિ ક્ષેત્રમાં નવું કરી રહ્યું છે, કોઇ સપ્લાય ચેઇન સુધારવા માટે નવું કરી રહ્યું છે, કોઇ શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે કાંઇક નવું કરી રહ્યું છે. તેમનામાં દેશ માટે કાંઇક કરવાની તમન્ના છે, કાંઇક કરી છૂટવાની ભાવના છે.

 સાથીઓ,
જે દેશના યુવાનો, રાષ્ટ્ર પ્રથમ એવા વિચાર સાથે આગળ વધવાં લાગે  છે તેને દુનિયાની કોઇ તાકાત રોકી શકતી નથી. આજે રમતના મેદાનમાં, ભારતની સફળતાં પણ તેનું જ મોટું ઉદાહરણ છે. ખેલાડીની પ્રતિભા, ખેલાડીના સંકલ્પ, આ તમામ વાતોનું પણ પોતાનું મહત્વ તો છે જ, ખેલાડીના પરિશ્રમ-મહેનતનું પણ અનેકગણું મહત્વ છે, પરંતુ હવે તેની હાર-જીતની સાથે 130 કરોડ દેશવાસીઓ જોડાઈ જાય છે. ભારતનો યુવાન, કોઇપણ મેદાનમાં કોઇની પણ સાથે ટક્કર લેતો હોય ત્યારે આખો દેશ તેની પાછળ એકજૂથ થઇ જાય છે. ખેલાડીઓમાં પણ એવી ભાવના પ્રબળ છે કે હું પુરસ્કાર માટે નહી, પણ મારા દેશ માટે રમી રહ્યો છું. આ જ ભાવના સાથે દરેક ક્ષેત્રમાં ભારતના યુવાનોએ, દેશની ભાવી પેઢીને આગળ વધારવાની છે.

 સાથીઓ,
કોરોનાના આ કાળે, સમગ્ર દુનિયાને આપણાં ભારતીયોના અનુશાસન, આપણાં ભારતીયોની સમજ શક્તિનો પરિચય આપ્યો છે. જયારે જનતા કર્ફર્યુ દરમિયાન આખો દેશ કોરોના સામે લડવા માટે એકજૂથ થઇ ગયો, તો આખું વિશ્વ હેરાન થઇ ગયું હતુ. કેટલાક લોકો આપણાં સમાજને કોસતાં (તિરસ્કૃત) કરતાં હતા પરંતુ આ જ સમાજે દેખાડી દીધું કે જયારે વાત દેશની હોય, તો તેનાથી વધારે કશું નથી, જયારે સાચી દિશા મળે, સાચા ઉદાહરણ મળે, તો આપણો દેશ કેટલું બધું કરી દેખાડે છે, તેનું  આ ઉદાહરણ છે.

તમે એનસીસી  અને એનએસએસના યુવાનોએ પણ કોરોનાના આ સંકટમાં તમારી સેવાભાવનાથી તમામના દિલ જીતી લીધા છે. હવે તમારી એ પણ જવાબદારી છે કે, જે પણ તમે કશુંક એનસીસીમાં શીખ્યાં છો, તે માત્ર યુનિફોર્મ પહેર્યો હોય ત્યારે જ કામમાં આવે, એવુ હોતું નથી. તે તમારા સમગ્ર જીવનમાં, આવી જ રીતે કેમ ટકી રહે, સમય-સમય પર કેવી રીતે બહાર આવતું રહે. તમારે એ પણ  વિચારવું જોઇએ કે, એક કેડેટ તરીકે તમે જે શીખ્યા છો તેનો સમાજને કેવી રીતે લાભ મળે. જેમકેતમે કોઇ ગામમાં રહેતો હો તો તમે એવી જાણકારી મેળવી શકો છો કે કોઇ વિદ્યાર્થી સ્કૂલ છોડીને Dropout તો નથી થયા ને, તમે તેને મળો, તેની મુશ્કેલીઓ સમજો, તેનો અભ્યાસ ફરી વાર શરૂ થાય, તેના માટે પ્રયાસ કરો તો એનસીસીની ભાવનાઓને તમે આગળ વધારી શકશો.

તમે સ્વચ્છતાં અભિયાનને પ્રોત્સાહન આપવા માટે પણ તમારા ગામ-મહોલ્લા અને તમારા શહેર-વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી શકો છો. કારણ કે, તમે ત્યાં (એનસીસી) લીડરશીપના ગુણો શીખ્યાં છો, તેને તમારે સમાજમાં ઉપયોગ કરવાનો છે. જેવી રીતે તમે સમુદ્રી તટોની સફાઇ માટે પુનિત સાગર અભિયાન શરૂ કર્યુ હતુ, જે કાર્ય બહુ પ્રશંસાપાત્ર બન્યું હતુ. તે એનસીસીના કાર્યકાળ પછી પણ જારી રહેવું જોઇએ. જેવી રીતે આજકાલ દેશમાં Catch the Rain, તેનું જનઆંદોલન ચાલી રહ્યું છે. વરસાદના પાણીને આપણે કેવી રીતે બચાવી શકીએ, જે આપણાં તળાવ છે, ખાઈઓ છે તેને કેવી રીતે સાફ રાખી શકીએ તે દિશામાં પણ તમે લોકોને જાગૃત કરી શકો છો.
સાથીઓ
,
આઝાદીની લડાઇમાં, મહાત્મા ગાંધીએ દેશના સામાન્ય માનવીને કેવી કેવી પ્રવૃત્તિઓથી જોડયા હતા, જેનાથી લોકોની રોજી-રોટી તો ચાલતી જ હતી પણ, સાથે સાથે દેશભક્તિનું આંદોલન પણ ગતિ પકડતું હતુ. જેમ કે કોઇ સૂતર કાંતવાનું કામ કરતાં હતા, કોઇ પ્રૌઢ શિક્ષણથી જોડાયા હતા, કોઇ ગૌ-પાલનથી જોડાઇને કામ કરતાં હતા, કોઇ સ્વચ્છતાંનું કામ કરતાં હતા, આ તમામ વિષયોને ગાંધીજીએ આઝાદીના આંદોલન સાથે જોડી દીધા હતા. આવી જ રીતે આઝાદીના અમૃતકાળમાં, આજથી લઇને આગળના 25 વર્ષ આપણે બધાએ, તમારે તમારી પ્રવૃત્તિઓને, તમારા કાર્યને દેશના વિકાસની સાથે, દેશની અપેક્ષાની સાથે, દેશની આકાંક્ષાઓની સાથે જોડવાની છે. આજે દેશ આત્મનિર્ભર ભારતના સંકલ્પની સાથે ચાલી રહ્યો છે. તમે બધા યુવાનો, વોકલ ફોર લોકલના અભિયાનમાં ઘણી મોટી ભૂમિકા નિભાવી શકો છો. કદાચ જો ભારતનો યુવાન એમ નક્કી કરે કે જે ચીજના નિર્માણમાં કોઇપણ ભારતીયનો શ્રમ લાગ્યો હોય, કોઇ ભારતીયનો પરસેવો વહ્યો હોય, માત્ર આવી જ ચીજનો ઉપયોગ કરશે, તો ભારતનું ભાગ્ય ઝડપી ગતિથી બદલી શકશે. વોકલ ફોર લોકલનો મંત્ર સીધો સીધો દેશના યુવાનો સાથે પણ જોડાયેલો છે. જયારે લોકો સ્થાનિક ઉત્પાદનને ખરીદશે, તો સ્થાનિક ઉત્પાદન પણ વધશે, તેની ગુણવત્તામાં પણ સુધારો થતો રહેશે. જયારે સ્થાનિક ઉત્પાદન વધશે તો તેને કારણે સ્થાનિક સ્તર પર રોજગારીના નવા સાધનો પણ વધશે.

સાથીઓ,
આ સમય ટેકનોલોજી અને ઇનોવેશનનો છે. આ સમય ડિજિટલ ક્રાંતિનો છે. આ યુગનો જો કોઇ નાયક છે, તો તે મારા તમામ યુવાન સાથીઓ છે. એટલે જ પરિવર્તનના આ સમયમાં એક ઉમેદવારના રૂપમાં કેટલીય નવી જવાબદારીઓ તમારી પાસે છે. તમારે આ ક્રાંતિમાં ભારતને લીડર બનાવવા માટે દેશને તમારું નેતૃત્વ આપવાનું છે અને સાથે તે માટેના પડકારોનો સામનો પણ કરવાનો છે. આજે એક તરફ ડિજિટલ ટેકનોલોજી અને ઇન્ફર્મેશન સાથે જોડાયેલી સારી શકયતાંઓ છે, તો બીજી તરફ ગેરમાહિતીનો ખતરાઓ પણ છે. આપણાં દેશનો કોઈ સામાન્ય માનવી, કોઇ અફવાનો શિકાર ન બને તે પણ જરૂરી છે. એનસીસી કેડેટ્સ આ માટે એક જાગરુક્તા અભિયાન ચલાવી શકે છે. એક વધુ પડકાર જે આજના યુવાનો સામે છે તે એ છે કે, virtual અને  real life માં બગડતાં સાંમજ્સ્ય. એનસીસી પોતાના કેડેટ્સ માટે આ સામંજસ્યની ટ્રેનિંગ માટેના માર્ગો, ઉકેલો તૈયાર કરી શકે છે. જે બાકીના લોકોને માટે પણ મદદગાર પુરવાર થાય.

 

સાથીઓ,
એક વધુ વિષયને હું તમારી સામે ઉઠાવવા માંગું છું. આ વિષય છે ડ્રગ્સના નશાનો. નશો આપણી યુવાન પેઢીને કેટલી હદે બરબાદ  કરે છે તે તમે બહુ સારી રીતે જાણો છો. તો પછી જે સ્કૂલ-કોલેજમાં એનસીસી હોય, એનએસએસ હોય ત્યાં ડ્રગ્સ કેવી રીતે પહોંચી શકે. તમે કેડેટના રૂપમાં પોતે પણ ડ્રગ્સથી દૂર રહો અને સાથે સાથે તમારા કેમ્પસને પણ ડ્રગ્સથી મુક્ત રાખો. તમારા સાથીઓ, જે એનસીસી, એનએસએસમાં નથી, તેમને પણ આ ખરાબ આદતો છોડાવવામાં મદદ કરો.

 

સાથીઓ,
દેશના આવી રીતે જ સામૂહિક પ્રયાસોને નવી ઊર્જા આપવા માટે કેટલાક વર્ષો અગાઉ એક પોર્ટલ શરૂ કર્યું હતું. આ પોર્ટલ છે - Self4Society portal. આ પોર્ટલ પર અલગ અલગ વ્યક્તિ આવીને, અલગ અલગ કંપનીઓ આવીને, અલગ અલગ સંગઠન આવીને, સમાજસેવામાં જે કામ થાય છે, તે કાર્યોમાં તેઓ સહયોગ આપે છે. ખાસ કરીને ભારતની આઇટી અને ટેક. કંપનીઓએ આ દિશામાં ખૂબ જ સારું કામ કર્યું છે. આજે તેમાં સાત હજારથી વધારે સંગઠન અને સવા બે લાખથી વધારે લોકો જોડાયા છે, જે કોઇને કોઇ સમાજ સેવા કરતાં રહે છે, એનસીસી, એનએસએસના લાખો યુવાનોએ પણ આ પોર્ટલ સાથે જરૂરથી જોડાવવું જોઇએ.

ભાઇઓ, બહેનો,

આપણે એક તરફ એનસીસી કેડેટ્સનો વિસ્તાર વધારવાનો છે, તો બીજી તરફ કેડેટ સ્પિરિટને પણ આગળ વધારવાનો છે. આ સ્પિરિટ જન-જન સુધી પહોંચાડવાનો છે, ગામડાંઓ સુધી તેની ગૂંજ પહોંચાડવી છે, આ આપણી બધાની જવાબદારી છે, અને હું સમજુ છું, કે તેમાં એનસીસી અલુમ્નાઈની બહુ મોટી ભૂમિકા છે. એનસીસી અલુમ્નાઈ એસોસિયેશન આ કાર્યમાં એક બ્રીજની એક નેટવર્કની ભૂમિકા નિભાવશે. કેમ કે, હુ પોતે પણ આ એસોસિયેશનનો સદસ્યનો છું. એટલા  માટે મારી દેશ-વિદેશમાં ફેલાયેલા તમામ અલુમ્નાઈ સાથીઓને અપીલ છે કે આ મિશનનો સક્રિય હિસ્સો બને. કારણ કે, Once a cadet, always a cadet!  આપણે જયાં પણ હોઇએ, જે પણ ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપી રહ્યાં છીએ, આપણો અનુભવ દેશ અને નવી પેઢીને ખૂબ  જ કામ આવશે. અમારો અનુભવ એક સંગઠનના રૂપમાં એનસસીસીને પણ પહેલાથી વધુ સારું બનાવવા માટેનુ માધ્યમ બની શકે છે. જેનાથી એનસીસીની સ્પિરિટ અને કર્તવ્યની ભાવનાનો સમાજમાં પણ વિસ્તાર થશે. મને પૂરો વિશ્વાસ છે, આઝાદીના અમૃત મહોત્સવમાં આપણો આ પ્રયાસ નવા ભારતના નિર્માણની ઊર્જા બનશે અને એનસીસીના કેડેટ્સ તેમાં ખૂબ મોટી ભૂમિકા નિભાવશે. આજ વિશ્વાસની સાથે, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ


ભારત માતા કી જય


ભારત માતા કી જય

ભારત માતા કી જય

વંદે માતરમ, વંદે માતરમ

SD/GP/JD
 

 



(Release ID: 1793354) Visitor Counter : 213