પ્રધાનમંત્રીનું કાર્યાલય

વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 23 DEC 2021 5:13PM by PIB Ahmedabad

હર હર મહાદેવ!

ત્રિલોચન મહાદેવ કી જય!

માતા ચૌકિયા દેવી કી જય!

ઉત્તરપ્રદેશના ઊર્જાવાન અને લોકપ્રિય મુખ્યમંત્રી આદિત્યનાથજી, કેન્દ્રની મંત્રી પરિષદના મારા સાથી ડો. મહેન્દ્રનાથ પાંડેજી, ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી શ્રી અનિલ રાજભરજી, નિલકંઠ તિવારીજી, રવિન્દ્ર જયસ્વાલજી, સંસદમાં મારા સાથી શ્રી બી પી સરોજજી, શ્રીમતિ સીમા દ્વિવેદીજી,  વિધાનસભા અને વિધાન પરિષદના તમામ માનનીય સાથીઓ, બનાસ ડેરીના ચેરપર્સન શ્રી શંકરભાઈ ચૌધરી અને અહીંયા મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ખેડૂતભાઈઓ અને બહેનો.

વારાણસીના આ પિંડરા ક્ષેત્રમાં લોકોને પ્રણામ કરૂ છું! પડોશના જૌનપુરના તમામ ભાઈઓ અને બહેનોને પણ પ્રણામ. આજે વારાણસી અને આસપાસનો આ પૂરો વિસ્તાર ફરી એક વખત સમગ્ર દેશ, સમગ્ર ઉત્તરપ્રદેશના ગામ, ખેડૂતો અને પશુપાલકો માટેના એક ખૂબ મોટા કાર્યક્રમનો સાક્ષી બની રહ્યો છે. આજનો દિવસ ઈતિહાસમાં પણ વિશેષ છે, કારણ કે આજ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિ છે. હું તેમને આદરપૂર્વક શ્રધ્ધાંજલિ આપું છું. તેમની સ્મૃતિમાં દેશ કિસાન દિવસ મનાવી રહ્યો છે.

સાથીઓ,

આપણે ત્યાં ગાયની વાત કરવી, ગોબરધનની વાત કરવી તે કેટલાક લોકોએ એવી સ્થિતિ પેદા કરી છે કે  ગાયનું નામ દેવું તેને ગૂનો બનાવી દીધો છે. ગાય કેટલાક લોકો માટે ગાય ગૂનો હોઈ શકે છે, પરંતુ અમારા માટે ગાય માતા છે અને પૂજનિય છે. ગાય અને ભેંસની મજાક ઉડાવનારા લોકો ભૂલી જાય છે કે દેશના 8 કરોડ લોકોની આજીવિકા આ પ્રકારના પશુધનને કારણે જ મળી રહી છે. આ પરિવારોની મહેનતથી આજે ભારતમાં દર વર્ષે લગભગ આશરે સાડા આઠ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પન્ન થાય છે અને ભારતમાં જેટલું ઘઉં અને ચોખાનું ઉત્પાદન થાય છે તેની કિંમત કરતાં દૂધના આ ઉત્પાદનની કિંમત વધારે છે. એટલા માટે ભારતના ડેરી ક્ષેત્રને મજબૂત કરવું તે અમારી આજની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંની એક બાબત છે. આ કડીમાં હું બનાસ કાશી સંકુલની શિલારોપણ વિધિ કરી રહ્યો છું.

સાથીઓ, હવે મેદાન નાનું પડવા લાગ્યું છે. જગ્યા ઓછી છે, તમે જ્યાં હો ત્યાં પોતાની જાતને સાચવીને ઊભા રહો. બનાસ ડેરી સાથે જોડાયેલા લાખો ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા તબદીલ કરવામાં આવ્યા છે. રામનગરના દૂધ પ્લાન્ટને ચલાવવા માટે બાયોગેસ આધારિત પાવર પ્લાન્ટની પણ શિલારોપણ વિધિ કરવામાં આવી છે. એક મહત્વપૂર્ણ બાબત એ છે કે જેનો હકારાત્મક પ્રભાવ સમગ્ર દેશના ડેરી ક્ષેત્ર પર પડશે. આજે અહીંયા દૂધની શુધ્ધતાના પુરાવા માટે દેશભરમાં એક સરખી વ્યવસ્થા છે અને તેનો લોગો પણ બહાર પાડવામાં આવ્યો છે. ડેરી ક્ષેત્ર સાથે જોડાયેલા આ પ્રયાસો ઉપરાંત આજે ઉત્તરપ્રદેશમાં લાખો લોકોને પોતાના ઘરના કાનૂની દસ્તાવેજ એટલે કે ઘરૌની પણ સોંપવામાં આવી છે. વારાણસીને વધુ સુગમ અને સુવિધા પ્રાપ્ત બનાવનારી રૂ.1500 કરોડથી વધુ રકમની યોજઓનું આજે લોકાર્પણ અને શિલાન્યસ કરવામાં આવ્યો છે. આ તમામ વિકાસ યોજનાઓ માટે આપ સૌને અભિનંદન આપું છું. ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને સમગ્ર દેશના ગોપાલકોને વિશેષ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

એક જમાનો એવો પણ હતો કે આપણાં ઘરના આંગણામાં પશુઓના ઝૂંડને સંપત્તિની ઓળખ માનવામાં આવતી હતી અને આપણે ત્યાં દરેક વ્યક્તિ કહેતી હતી કે  આ પશુધન છે. કોના દરવાજે કેટલા ખૂંટા છે તે અંગે સ્પર્ધા ચાલતી રહેતી હતી. આપણાં શાસ્ત્રોમાં પણ એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે કે -

ગાવો મેં સર્વતઃ

ચૈવ ગવામ્ મધ્યે બસા મ્યહમ્.

 

આનો અર્થ એ થાય છે કે મારી ગાયો ચારે તરફ રહે અને હું ગાયોની વચ્ચે નિવાસ કરૂં. આ ક્ષેત્ર આપણે ત્યાં હંમેશા રોજગારીનું એક મોટું માધ્યમ બની રહ્યું છે, પરંત ઘણાં લાંબા સમય પહેલા આ ક્ષેત્રને સમર્થન મળવું જોઈતું હતું. એવું સમર્થન અગાઉની સરકારોમાં મળ્યું નહીં. હવે અમારી સરકાર દેશભરમાં આ સ્થિતિમાં પરિવર્તન લાવી રહી છે અને કામધેનુ આયોગની રચના કરી છે. ડેરી ક્ષેત્રની માળખાગત સુવિધાઓ માટે હજારો કરોડો રૂપિયાનું ખાસ ફંડ બનાવવામાં આવ્યું છે. અમે એક મોટું અભિયાન ચલાવીને પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા સાથે પણ જોડ્યા છે. ખેડૂતોને સારી ગુણવત્તા ધરાવતું ચારાનું બીજ મળે તે માટે પણ સતત કામ ચાલી રહ્યું છે. પશુઓનો ઘરે જ ઈલાજ થાય, ઘરે જ કૃત્રિમ ગર્ભાધાનની વ્યવસ્થા થાય તે માટે પણ દેશવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમે પશુઓમાં ખરવા મોવાસાના રોગના નિયંત્રણ માટે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન ચલાવ્યું છે. અમારી સરકાર માત્ર બાળકોનું જ મફત રસીકરણ નથી કરતી, માત્ર કોરોના વેક્સિન મફત આવી રહી છે એવું નથી, પશુધનને બચાવવા માટે પણ અનેક પ્રકારની રસીઓ મફત આપવામાં આવી રહી છે.

 

સાથીઓ,

આવા જ પ્રયાસોના કારણે અગાઉના છ-સાત વર્ષની તુલનામાં દેશમાં દૂધનું ઉત્પાદન આશરે 45 ટકા જેટલું વધ્યું છે, એટલે કે લગભગ દોઢ ગણું થયું છે. આજે ભારત દુનિયાના આશરે 22 ટકા દૂધનું ઉત્પાદન કરી રહ્યું છે, જે લગભગ ચોથા ભાગનું થાય છે. મને આનંદ છે કે ઉત્તરપ્રદેશ હાલમાં દેશમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતું રાજ્ય તો છે પણ સાથે સાથે ડેરી ક્ષેત્રના વિસ્તરણમાં પણ ઘણું આગળ છે.

 

ભાઈઓ અને બહેનો,

મને અતૂટ વિશ્વાસ છે કે દેશનું ડેરી ક્ષેત્ર પશુપાલન, શ્વેતક્રાંતિમાં નવી ઊર્જા અને દેશના ખેડૂતોની સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે ઘણી મોટી ભૂમિકા નિભાવી શકે તેમ છે. આવો વિશ્વાસ રાખવાના અનેક કારણો પણ છે. પ્રથમ કારણ છે કે દેશમાં નાના ખેડૂતો કે જેમની સંખ્યા 10 કરોડ કરતાં વધારે છે તેમની વધારાની આવક માટે પશુપાલન એક ખૂબ મોટું સાધન બની શકે તેમ છે. બીજુ એ કે ભારતની ડેરી પ્રોડક્ટસ માટે વિદેશનું ખૂબ મોટું બજાર છે, જેમાં આગળ ધપવાની આપણી પાસે ઘણી મોટી સંભાવનાઓ છે. ત્રીજું એ કે પશુપાલન મહિલાઓના આર્થિક ઉત્કર્ષ માટે, તેમની ઉદ્યમશીલતાને આગળ ધપાવવામાં ખૂબ મોટું માધ્યમ છે. અને ચોથુ આપણું જે પશુધન છે તે બાયોગેસ, જૈવિક ખેતી, પ્રાકૃતિક ખેતીનો પણ મોટો આધાર છે. જે પશુ દૂધ આપવાને લાયક રહેતા નથી તે બોજ બનતા નથી, પણ રોજે રોજ ખેડૂતોની આવકમાં વધારો કરતા રહે છે.

 

ભાઈઓ અને બહેનો,

ડબલ એન્જિનની અમારી સરકાર સંપૂર્ણ ઈમાનદારીથી, પૂરી તાકાત સાથે ખેડૂતો અને પશુપાલકોને સાથ આપી રહી છે. આજે અહીંયા બનાસ કાશી સંકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે પણ સરકાર અને સહકારની આ ભાગીદારીનું ઉદાહરણ છે. સહકારી ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા બજાવનારી બનાસ ડેરી અને પૂર્વાંચલના ખેડૂતો, ગોપાલકોની વચ્ચે આજથી એક નવી ભાગીદારીની શરૂઆત થઈ છે. આધુનિક ડેરી પ્લાન્ટ જ્યારે તૈયાર થઈ જશે ત્યારે માત્ર પિંડરા જ નહીં, સેવાપુરી, રોહનિયા અને ગાઝીપુર, જૌનપુર, ચંડોલી, મિરઝાપુર, બલિયા, આઝમગઢ અને મઉ જેવા જિલ્લાઓના હજારો લાખો ખેડૂતોને તેનો લાભ મળશે. બનાસ કાશી સંકુલના કારણે આસપાસના અનેક ગામોમાં દૂધ સમિતિઓ બનશે, કલેક્શન સેન્ટર બનશે અને દૂધ ખરાબ થઈ જવાની ચિંતામાંથી મુક્તિ મળશે. આટલું જ નહીં, અહીંયા સારી ઓલાદના પશુઓ માટે ખેડૂતોને સહાય કરવામાં આવશે અને પશુઓ માટે સારી ગુણવત્તા ધરાવતો આહાર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. દૂધ, દહીં, છાશ, માખણ, પનીર ઉપરાંત આઈસ્ક્રીમ અને મિઠાઈઓ પણ બનશે. આનો અર્થ કે બનારસની લચ્છી અને માવાની બનેલી એકથી એક ચડે તેવી મિઠાઈઓ બનશે. આ બધાનો સ્વાદ હવે વધી જશે. હવે તો મલાઈની મોસમ પણ આવી રહી છે. એક પ્રકારે કહીએ તો બનાસ કાશી સંકુલ એ બનારસના રથને આગળ ધપાવશે.

 

ભાઈઓ અને બહેનો,

સામાન્ય રીતે દૂધની ગુણવત્તાની પ્રમાણિકતા બાબતે આપણે ત્યાં ઘણાં બધા ગૂંચવાડા પ્રવર્તે છે. દૂધ ખરીદવામાં આવે તો તે કેટલું સુરક્ષિત છે તેની ઓળખ સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલ બની રહે છે. તેના ધોરણો અંગે અલગ અલગ વ્યવસ્થાઓના કારણે પશુપાલકો અને દૂધ સંઘો સહિત સમગ્ર ડેરી સેક્ટરને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે સમગ્ર દેશમાં ડેરી ક્ષેત્ર માટેના આ પડકારનો ઉપાય શોધી કાઢવામાં આવ્યો છે. હાલમાં ભારતીય માનક બ્યૂરોએ સમગ્ર દેશમાં એક સરખી વ્યવસ્થા ગોઠવી છે. સર્ટિફિકેશન માટે કામધેનુ ગાયની વિશેષતા ધરાવતો એક સામાન્ય લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ લોગો જોવા મળશે તો દૂધની ઓળખ આસાન થઈ જશે અને દૂધ ઉત્પાદકોની વિશ્વસનીયતામાં પણ વધારો થશે.

 

સાથીઓ,

આજે દેશની ઘણી મોટી જરૂરિયાત ડેરી ક્ષેત્ર સાથે જોડાયેલા પશુઓ મારફતે પૂરી પાડવામાં આવે છે. તેનો સાચો ઉપયોગ પણ છે. રામનગરના દૂધ પ્લાન્ટની પાસે બાયોગેસથી વિજળી બનાવવાના પ્લાન્ટનું નિર્માણ એ એક મોટો પ્રયાસ છે. તે પોતાની રીતે આવી યોજનાઓ મારફતે ડેરી ક્ષેત્રની તમામ ઊર્જા જરૂરિયાતો બાયોગેસ પ્લાન્ટ મારફતે જ પૂરી પાડવામાં આવશે. આનો અર્થ એ થાય કે ખેડૂત માત્ર દૂધ જ નહીં, છાણનું પણ વેચાણ કરીને કમાણી કરી શકશે. સામાન્ય રીતે ખેડૂતોને છાણની જે કિંમત મળે છે તેનાથી વધુ કિંમતે બાયોગેસ પ્લાન્ટ ખેડૂતો પાસેથી છાણ ખરીદશે. અહીંયા જે બાયો સ્લરી બનશે તેનો ઉપયોગ બાયો સ્લરી આધારિત જૈવિક ખાતરના ઉત્પાદન માટે કામમાં લેવામાં આવશે, જે જૈવિક ખાતર બનશે તે રાસાયણિક ખાતરની તુલનામાં ખૂબ ઓછી કિંમતે ખેડૂતોને મળશે અને તેનાથી જૈવિક ખેતી તથા પ્રાકૃતિક ખેતીનો વિકાસ થશે તથા નિર્દોષ પશુઓની સેવા માટે પણ પ્રોત્સાહન પ્રાપ્ત થશે.

 

સાથીઓ,

એક એવો સમય હતો કે જ્યારે ભારતમાં નેચરલ ફાર્મિંગ, પ્રાકૃતિક પધ્ધતિથી ખેતી કરવામાં આવતી હતી. પ્રાકૃતિક ખેતી એને કહેવામાં આવે છે કે જેમાં કોઈ બહારની ભેળસેળ થતી નથી. ખેતીમાંથી જે મળે છે, ખેતી સાથે જોડાયેલા પશુઓ દ્વારા મળી રહ્યા છે તે જ તત્વો ખેતીને આગળ ધપાવવા માટે કામમાં આવે છે. ખાતર હોય કે કીટક નાશક, આ બધુ પ્રાકૃતિક પધ્ધતિથી જ બને છે અને તેનો ઉપયોગ થાય છે. પણ સમયની સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સંકોચાતો ગયો. તેની ઉપર રસાયણવાળી ખેતી હાવિ થઈ ગઈ. ધરતી માતાના કાયા કલ્પ માટે, આપણી માટીની સુરક્ષા માટે, આવનારી પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. અને તે આજના સમયની માંગ છે. અને એટલા માટે હવે સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે, ખેડૂતોને જાગૃત બનાવવા માટે ખૂબ મોટું અભિયાન પણ ચલાવી રહી છે. અને આજે જ્યારે આપણે આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે દેશવાસીઓને અને ખાસ કરીને મારા ખેડૂત ભાઈઓ અને બહેનોને, એમાં પણ મારા નાના ખેડૂતોને આજે ખેડૂત દિવસ પ્રસંગે હું આગ્રહ કરીશ કે તમે પ્રાકૃતિક ખેતી તરફ આગળ ધપો. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ પણ ઓછો આવે છે અને ઉત્પાદન પણ વધે છે. ખેતીના આ સૌથી સસ્તી પધ્ધતિ છે અને સૌથી સુરક્ષિત પધ્ધતિ છે. આજની દુનિયામાં પ્રાકૃતિક ખેતીથી થયેલા પાકની કિંમત પણ ઘણી વધારે છે. તે આપણાં ખેતી ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટું કદમ છે. હું દેશના સ્ટાર્ટઅપ સેક્ટર અને દેશના નવયુવાનોને કહીશ કે પ્રાકૃતિક ખેતીમાં તમારા માટે પણ અનેક સંભાવનાઓ છે. આપણાં નવયુવાનોએ તેનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ. હમણાં અહીંયા મંચ પર આવતાં પહેલાં મને અહીંના કેટલાક યુવાનોને મળવાની તક મળી. સરકારી યોજનાઓ સાથે જોડાવાનું કેટલું મોટું સાહસ તેમણે કર્યું છે, તેમના જીવનમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું છે તે જાણીને મને ખૂબ આનંદ થયો. યોજનાઓ અંગે મારો વિશ્વાસ વધુ મજબૂત થયો.

 

ભાઈઓ અને બહેનો,

ગામડાંના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે અને તેમને ગેરકાયદે કબજાથી ચિંતામુક્ત કરવા માટે સ્વામિત્વ યોજનાની પણ ખૂબ મોટી ભૂમિકા છે. મને સંતોષ છે કે યોગીજીના નેતૃત્વમાં ઉત્તરપ્રદેશ આ ક્ષેત્રે પણ અગ્રણી છે. ઉત્તરપ્રદેશના તમામ 75 જિલ્લામાં 23 લાખથી વધુ ઘરૌની (માલિકી હક્ક) તૈયાર થઈ ચૂક્યા છે. આશરે 21 લાખ પરિવારોને આજે તેના દસ્તાવેજ આપવામાં આવશે. પોતાના ઘરની માલિકી હવે લોકોના હાથમાં આવશે ત્યારે ગરીબ, દલિત, વંચિત અને પછાત લોકો પોતાના ઘર ઉપર ગેરકાયદે કબજાની ચિંતામાંથી મુક્ત થશે. પાછલી સરકારોના શાસન દરમ્યાન અહીંયા ગેરકાયદે કબજાની પ્રવૃત્તિ ફૂલીફાલી હતી તેની ઉપર પણ લગામ આવશે. આવી મિલકતોને આધારે જરૂર પડે બેંકો પાસેથી લોન લેવાનું પણ આસાન બનશે. તેનાથી ગામડાંના યુવાનો માટે રોજગાર અને સ્વરોજગારનું નવુ માધ્યમ પ્રાપ્ત થશે.

 

ભાઈઓ અને બહેનો,

જ્યારે વિકાસની વાત કરવામાં આવે છે ત્યારે કાશી સ્વયં એક મોડલ બની જાય છે. પૌરાણિક ઓળખને જાળવી રાખીને આપણું શહેર કેવી રીતે નવી કાયા ધારણ કરી રહ્યું છે તે તમને કાશીમાં જોવા મળશે. આજે જે યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે ભવ્ય કાશી, દિવ્ય કાશી અભિયાનને વેગ આપશે. કાળ ભૈરવજી સહિત શહેરના 6 વોર્ડમાં પુનર્વિકાસના કામ ચાલી રહ્યા છે, 700થી વધુ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેના કારણે સ્માર્ટ અને સુરક્ષિત સુવિધાઓ તરફ આગળ ધપતા કાશીને બળ મળ્યું છે. મહાન સંત પૂજ્ય રવિદાસજીના જન્મ સ્થળને વિકસીત કરવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. લંગર હોલ બનવાથી અહીંયા સમગ્ર દેશમાંથી આવનારા શ્રધ્ધાળુઓને ઘણી સુવિધા પ્રાપ્ત થશે.

 

ભાઈઓ અને બહેનો,

આજે વારાણસીના જે ચાર રસ્તાઓ સુંદર બની રહ્યા છે, સડકો પહોળી કરવામાં આવી રહી છે. નવા પાર્કિંગ સ્થળોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેનાથી શહેરમાં ટ્રાફિકજામની સુવિધામાં ઘણો સુધારો થયો છે. અહીંથી જે વારાણસી કેન્ટથી, લહરતારા થઈને, પ્રયાગરાજ તરફ જે હાઈવે જાય છે તેનાથી કેટલું દબાણ ઉભુ થાય છે તેને આપ સૌ સારી રીતે જાણો છો. હવે આ રસ્તો 6 લેનનો થઈ જશે. દિલ્હી, આગ્રા, કાનપુર થઈ પ્રયાગરાજ જનારા યાત્રીઓને સામાનની હેરફેર સહિત તમામ બાબતોની સુવિધા પ્રાપ્ત થશે. એટલું જ નહીં, શહેરના અન્ય વિસ્તારોમાં આવન- જાવન માટેની સુવિધા વધુ આસાન બનશે. આ સડક જિલ્લાના પ્રવેશદ્વારની જેમજ વિકસીત કરવામાં આવશે. વારાણસી- ભદોહી - ગોપીગંજ સડકને પહોળી કરવાથી શહેરમાંથી બહાર જતા વાહનો રીંગરોડ ફેઝ-2 થઈને બહાર જઈ શકશે. તેના કારણે ભારે ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે.

 

ભાઈઓ અને બહેનો,

આરોગ્ય, શિક્ષણ અને સંશોધન હબ તરીકે કાશીની ઓળખને સશક્ત બનાવવા માટે નિરંતર પ્રયાસ ચાલી રહ્યા છે. આજે એક આયુષ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને નવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ સ્થાપવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રકારની સુવિધાઓના કારણે કાશી ભારતીય ચિકિત્સા પધ્ધતિના મહત્વના કેન્દ્ર તરીકે  ઉભરી આવશે. પ્રાદેશિક માનક પ્રયોગશાળા બનવાથી જળ પરિક્ષણ, કપડાં અને શેતરંજીઓ સાથે જોડાયેલું પરીક્ષણ પણ અહીંયા થઈ શકશે. તેના કારણે વારાણસી અને તેની આસપાસના અનેક ઉદ્યોગોને, વણકરોને સીધો લાભ થશે. આંતરરાષ્ટ્રિય રાઈસ રિસર્ચ સેન્ટરમાં જે નવી સ્પીડ બ્રીડીંગ સુવિધા સ્થાપિત કરવામાં આવી છે તેનાથી અનાજની અનેક જાતો વિકસાવવામાં હવે અગાઉની તુલનામાં ખૂબ ઓછો સમય લાગશે.

 

ભાઈઓ અને બહેનો,

હું જ્યારે કાશીના, ઉત્તરપ્રદેશના વિકાસમાં ડબલ એન્જિનની ડબલ શક્તિ અને ડબલ વિકાસની વાત કરૂં છું ત્યારે ઘણાં  લોકોને ઘણી તકલીફ પડે છે. આ એ લોકો છે કે જે લોકોએ ઉત્તરપ્રદેશના રાજકારણને માત્રને માત્ર જાતિ, પંથ, મત- મજહબના ચશ્માથી જ જોયું છે. આવા લોકોએ ક્યારેય એવું ઈચ્છયું નથી કે ઉત્તરપ્રદેશનો વિકાસ થાય, ઉત્તરપ્રદેશની આધુનિક ઓળખ બને. સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, સડક, પાણી, વિજળી, ગરીબોના ઘર, ગેસના જોડાણો, શૌચાલયને તો આ બધાં લોકો વિકાસ માનતા જ નથી. સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસની ભાષા પણ તેમના અભ્યાસક્રમમાં કે તેમની ડિક્ષનેરીમાં નથી. તેમના અભ્યાસક્રમમાં શું છે, તેમની ડિક્ષનેરીમાં શું છે, તેમની બોલચાલમાં શું છે, તેમના વિચારમાં શું છે તે બધુ આપ સૌ જાણો છો. તેમના અભ્યાસક્રમમાં છે માફિયાવાદ અને પરિવારવાદ. તેમના અભ્યાસક્રમમાં ઘર અને જમીનો પર ગેરકાયદે કબજો છે. અગાઉની સરકારોના સમયમાં ઉત્તરપ્રદેશના લોકોને જે મળ્યું હતું તે અને આજે અમારી સરકાર તરફથી જે મળી રહ્યું છે તેનો તફાવત સ્પષ્ટ છે. અમે ઉત્તરપ્રદેશનો વારસો પણ વધારી રહ્યા છીએ અને ઉત્તરપ્રદેશનો વિકાસ પણ કરી રહ્યા છીએ, પરંતુ પોતાના સ્વાર્થ અંગે વિચાર કરનારા આ લોકોને ઉત્તરપ્રદેશનો વિકાસ ગમતો નથી. હાલત તો એવી છે કે આ લોકોને પૂર્વાંચલના વિકાસને કારણે, બાબાના કામોથી, વિશ્વનાથ ધામના કામને કારણે તકલીફ પડી રહી છે. મને કહેવામાં આવ્યું છે કે ગયા રવિવારે કાશી વિશ્વનાથ ધામમાં દોઢ લાખથી વધુ શ્રધ્ધાળુઓ પહોંચી ગયા હતા. ઉત્તરપ્રદેશને દાયકાઓ સુધી પાછળ ધકેલી દેનારા આ લોકોની નારાજગીમાં હવે વધારો થશે. જે રીતે સમગ્ર ઉત્તરપ્રદેશના લોકો ડબલ એન્જિનની સરકાર સાથે અડગ રહીને ઉભા રહ્યા છે, અમને આશીર્વાદ આપી રહ્યા છે અને જે રીતે આશીર્વાદ વધતા જાય છે તે જોઈને તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચશે.

 

સાથીઓ,

ડબલ એન્જિનની સરકાર ઉત્તરપ્રદેશના વિકાસ માટે દિવસ- રાત આવી જ રીતે મહેનત કરતી રહેશે. મહાદેવના આશીર્વાદ અને કાશીવાસીઓના સ્નેહથી વિકાસના નવા વિક્રમ બનતા રહેશે તેવા વિશ્વાસ સાથે તમામ વિકાસ યોજનાઓ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારી સાથે બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ!

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1784649) Visitor Counter : 324