પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂર્વાંચલ એક્સપ્રેસવેનું ઉદઘાટન કર્યું


સુલતાનપુર જિલ્લામાં એક્સપ્રેસવે પર બનેલી 3.2 કિ.મી. લાંબી એરસ્ટ્રીપ પર એરશો પણ નિહાળ્યો

“આ એક્સપ્રેસવે સંકલ્પની સિદ્ધિ એક સાબિતી છે અને તે ઉત્તર પ્રદેશનું ગૌરવ અને આશ્ચર્ય છે"

“આજે પૂર્વાંચલની માગોને પશ્ચિમ ઉત્તર પ્રદેશની માગ જેટલું જ મહત્વ મળે છે”

“આ દાયકાની જરૂરિયાતોને નજર સમક્ષ રાખીને સમૃદ્ધ ઉત્તર પ્રદેશના નિર્માણ માટે માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરાઈ રહ્યું છે”

“ઉત્તર પ્રદેશના વિકાસ માટે ‘ડબલ એન્જિન સરકાર’ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે”

Posted On: 16 NOV 2021 4:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પૂર્વાંચલ એક્સપ્રેસવેનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સુલતાનપુર જિલ્લામાં એક્સપ્રેસવે પર બનેલી 3.2 કિ.મી. લાંબી એરસ્ટ્રીપ પર એરશો પણ નિહાળ્યો હતો.

ઉપસ્થિત માનવમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ત્રણ વર્ષ અગાઉ પૂર્વાંચલ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કરતી વખતે તેમને કલ્પના નહોતી કે એક દિવસ પોતે આ જ એક્સપ્રેસવે ઉપર લેન્ડ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ એક્સપ્રેસવે ઝડપી ગતિએ ચડિયાતા ભવિષ્ય તરફ લઇ જશે, આ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશના વિકાસ માટે છે, આ એક્સપ્રેસવે સંકલ્પની સિદ્ધિ એક સાબિતી છે અને તે ઉત્તર પ્રદેશનું ગૌરવ અને આશ્ચર્ય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના એકંદર વિકાસ માટે દેશનો સંતુલિત વિકાસ થવો એટલો જ આવશ્યક છે. અમુક ક્ષેત્રો વિકાસમાં આગળ નીકળ્યાં છે અને અમુક ક્ષેત્રો દાયકાઓ પાછળ રહી ગયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આવી અસમાનતા કોઇ પણ દેશ માટે સારી નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતનો પૂર્વીય હિસ્સામાં અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિકાસની ઘણી ક્ષમતા હોવા છતાં દેશમાં થઈ રહેલા વિકાસમાંથી તેમને બહુ લાભ મળતો નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે અગાઉની સરકારો જેટલો લાંબો સમય ચાલતી હતી એટલું ધ્યાન ઉત્તર પ્રદેશના સમગ્રલક્ષી વિકાસ ઉપર આપતી નહોતી. પ્રધાનમંત્રીએ પૂર્વીય ઉત્તર પ્રદેશમાં વિકાસનો એક નવો અધ્યાય લખાવા જઇ રહ્યો છે તે બાબતે ખુશી વ્યક્ત કરી હતી.  

પ્રધાનમંત્રીએ પૂર્વાંચલ એક્સપ્રેસવેની પૂર્ણાહૂતિ માટે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી શ્રી યોગી આદિત્યનાથ, તેમની ટીમ અને ઉત્તર પ્રદેશના લોકોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ આ યોજના માટે જેમની જમીન હસ્તગત કરાઈ હતી તે ખેડૂતોનો પણ આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ આ યોજનામાં સામેલ શ્રમિકો અને ઇજનેરોને પણ બિરદાવ્યા હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની સલામતી એ દેશની સમૃદ્ધિની જેટલી જ મહત્વની હોય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બાબતને ધ્યાનમાં રાખીને પૂર્વાંચલ એક્સપ્રેસવેના નિર્માણ દરમિયાન ફાઇટર જેટ્સના આપાતકાલીન લેન્ડિંગ માટેની જોગવાઇ પણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વિમાનોની ગર્જના એ લોકો માટે છે કે જેમણે દાયકાઓ સુધી દેશમાં સંરક્ષણની આંતરમાળખાકીય સુવિધાઓની અવગણના કરી હતી. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે આટલા મોટા વિસ્તારને ગંગાજી અને અન્ય નદીઓના આશીર્વાદ મળ્યાં હોવા છતાં આજથી 7-8 વર્ષ પહેલા સુધી કોઇ જ વિકાસ નહોતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014માં દેશે જ્યારે તેમને દેશની સેવા કરવાની તક આપી ત્યારે તેમણે ઉત્તર પ્રદેશના વિકાસને પ્રાથમિકતા આપી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ગરીબ માણસ પાસે પાકું ઘર હોવું જોઇએ, ગરીબ પાસે શૌચાલય હોવા જોઇએ, મહિલાઓએ જાહેરમાં  શૌચ માટે જવું જોઇએ નહીં અને દરેક લોકોના ઘરે વિજળી હોવી જોઇએ અને આવા ઘણાં કાર્ય અહીં કરવાની જરૂર છે. અગાઉની સરકારોની ઝાટકણી કાઢતા પ્રધાનમંત્રીએ કહ્યું કે અગાઉની ઉત્તર પ્રદેશ સરકારે આ સુવિધાઓ પ્રદાન કરવામાં તેમની મદદ કરી નહોતી તેનું તેમને ઊંડું દુઃખ થયું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉત્તર પ્રદેશના લોકોએ તત્કાલીન સરકારને જવાબદાર ઠેરવી અને ઉત્તર પ્રદેશના લોકો સાથે  ગેરવાજબી વર્તાવ, વિકાસમાં થયેલો ભેદભાવ અને તત્કાલીન સરકાર દ્વારા માત્ર ને માત્ર પોતાના પરિવારના હિતોને જ સંતોષવા બદલ તત્કાલીન સરકારને હટાવી દીધી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે કોણ ભૂલી શકે કે ઉત્તર પ્રદેશમાં પહેલા કેટલો વીજ કાપ થતો હતો, કોણ ભૂલી શકે કે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની શું પરિસ્થિતિ હતી, કોણ ભૂલી શકે કે ઉત્તર પ્રદેશમાં મેડિકલ સુવિધાઓની શું સ્થિતિ હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા સાડા ચાર વર્ષ દરમિયાન ઉત્તર પ્રદેશમાં પૂર્વ હોય કે પશ્ચિમ ભાગ હોય, હજારો ગામને નવા માર્ગ વડે જોડવામાં આવ્યા છે અને હજારો કિલોમીટરના નવા માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે.  

પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકોની સક્રિય સહભાગિતા સાથે ઉત્તર પ્રદેશના વિકાસનું સ્વપ્ન હવે સંભવ બન્યું છે. નવી મેડિકલ કોલેજનું નિર્માણ થઈ રહ્યું છે, એઇમ્સ આકાર પામી રહી છે, આધુનિક શૈક્ષણિક સંસ્થાનોનું ઉત્તર પ્રદેશમાં નિર્માણ થઈ રહ્યું છે. હજુ થોડાક સપ્તાહ પૂર્વે કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદઘાટન થયું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે એક સત્ય એ પણ હતું કે ઉત્તર પ્રદેશ જેવો વિશાળ પ્રદેશ પહેલા અંદરથી એક બીજાથી ખુબ મોટા પ્રમાણમાં અલગ થલગ અને કપાયેલો હતો. લોકો આ રાજ્યના અલગ અલગ હિસ્સાઓમાં આવજા કરતા હતા પરંતુ એક બીજા સાથે કનેક્ટિવિટી ન હોવાના કારણે ખુબ પરેશાની રહેતી હતી. પૂર્વીય ઉત્તર પ્રદેશના લોકો માટે લખનૌ જવાનું પણ કપરા કામ જેવું રહેતું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ માટે જ્યાં તેમના ઘર હતા, વિકાસ ત્યાં સુધી જ મર્યાદિત હતો. પણ આજે પૂર્વાંચલની માગને પશ્ચિમની માગ જેટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ એક્સપ્રેસવે પ્રચંડ મહત્વાકાંક્ષા ધરાવતા તથા વિકાસની વિરાટ ક્ષમતા ધરાવતા શહેરોને લખનૌ સાથે જોડશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સારા માર્ગ આગળ વધીને સારા હાઇવેનું રૂપ લે છે, ત્યારે વિકાસની ગતિ વધે છે, રોજગાર સર્જન ઝડપી બને છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિકાસ માટે ઉત્તમ કનેક્ટિવિટી આવશ્યક છે, ઉત્તર પ્રદેશનો પ્રત્યેક ખૂણો જોડેલો હોવો જરૂરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં એકસપ્રેસવેઝ તૈયાર થઈ રહ્યાં છે, ઔદ્યોગિક કોરિડોરનું કાર્ય પણ શરૂ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ પૂર્વાંચલ એક્સપ્રેસવેની આસપાસ નવા ઉદ્યોગો આકાર લેવાનું શરૂ કરશે. આવનારા દિવસોમાં આ એક્સપ્રેસવેઝની જોડે આવેલા શહેરોમાં ફૂડ પ્રોસેસિં, દૂધ, શીતાગાર, ફળ અને શાકભાજીના સંગ્રહ, અનાજ, પશુપાલન અને અન્ય કૃષિ ઉત્પાદનો સાથે સંબંધિત ઉત્પાદનો સંબંધિત કામગીરી ઝડપથી વધવા જઈ રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉત્તર પ્રદેશના ઔદ્યોગિકરણ માટે તાલીમબદ્ધ માનવબળ આવશ્યક છે. તેથી માનવબળને તાલીમબદ્ધ કરવા માટેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. આઇટીઆઇ તથા અન્ય તાલીમ સંસ્થાઓ અને મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ આ શહેરોમાં સ્થાપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં નિર્માણ પામી રહેલો ડિફેન્સ કોરિડોર પણ અહીં રોજગારના નવા અવસરો લાવવા જઇ રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આ આંતરમાળખાકીય સુવિધાના કાર્યો ભવિષ્યમાં અર્થતંત્રને નવી ઊંચાઈ પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે જો કોઇ માણસ એક ઘર બાંધે તો તે સૌથી પહેલા માર્ગોની ચિંતા કરે છે, જમીનની ચકાસણી કરે છે તથા અન્ય પાસાઓને વિચારણામાં લે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં આપણે લાંબા સમય સુધી એવી સરકારો જોઇ છે કે જે કનેક્ટિવિટીની વિશે કોઇ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ઔદ્યોગિકરણના સપના દેખાડ્યાં હતાં. પરિણામ એ આવ્યું કે આવશ્યક સુવિધાઓના અભાવના કારણે અહીં આવેલી ઘણી ફેક્ટરીઝને તાળા લાગી ગયાં. આ સંજોગોમાં એ પણ એક કમનસીબીની વાત હતી કે દિલ્હી અને લખનૌ ઉપર પરિવારોનું શાસન હતું. વર્ષોના વર્ષો સુધી પરિવારના સદસ્યોની ભાગીદારીએ ઉત્તર પ્રદેશની મહત્વાકાંક્ષાઓને કચડવાનું ચાલુ રાખ્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ઉત્તર પ્રદેશની ડબલ એન્જિનની સરકાર ઉત્તર પ્રદેશના સામાન્ય લોકોને પોતાનો પરિવાર માનીને કામગીરી કરી રહી છે. નવી ફેક્ટરીઝ માટે એક માહોલનું સર્જન કરાઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દશકની જરૂરિયાતોને નજર સમક્ષ રાખીને એક સમૃદ્ધ ઉત્તર પ્રદેશનું નિર્માણ કરવા માટે માળખાકીય સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે.  

પ્રધાનમંત્રીએ કોરોનાના રસીકરણમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઉત્તર પ્રદેશની સરકારની પ્રશંસા પણ કરી હતી. તેમણે ભારતમાં રસીનો ફેલાવાની વિરુદ્ધમાં કોઇ પણ રાજકીય પ્રોપેગન્ડાને ફાવવા ન દેવા બદલ ઉત્તર પ્રદેશના લોકોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર ઉત્તર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે દિવસ અને રાત કામગીરી કરી રહી છે. કનેક્ટિવિટીની સાથોસાથ, ઉત્તર પ્રદેશમાં માળખાકીય સુવિધાઓને પણ ટોચની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ફક્ત 2 વર્ષમાં ઉત્તર પ્રદેશની સરકારે 30 લાખ ગ્રામીણ પરિવારોને પાઇપ આધારિત પીવાના પાણીનું જોડાણ લગભગ આપી દીધું છે. અને આ વર્ષે ડબલ એન્જિનની સરકાર લાખો બહેનોને તેમના ઘરે પાઇપ આધારિત પીવાનું પાણી પ્રદાન કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સેવાની ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણમાં જોડાવું આપણી ફરજ છે અને અમે એ કરીશું.     

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…



(Release ID: 1772378) Visitor Counter : 338