પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રથમ ઓડિટ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ
Posted On:
16 NOV 2021 1:40PM by PIB Ahmedabad
કાર્યક્રમમાં આપણી સાથે હાજર રહેલા દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ શ્રી જી સી મૂર્મૂજી, નાયબ સીએજી, સુશ્રી પરવીન મહેતાજી, આ મહત્વની સંસ્થાના માધ્યમથી દેશની સેવા માટે સમર્પિત તમામ સભ્યો, દેવીઓ અને સજ્જનો! આપ સૌને ઓડિટ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.
એક સંસ્થા તરીકે કેગ દેશના ખાતાના હિસાબ કિતાબની તપાસ કરે છે તેટલું જ નહી, પણ ઉત્પાદકતામાં, કાર્યક્ષમતામાં 'મૂલ્ય વૃધ્ધિ' પણ કરે છે. ઓડિટ ડે અને તેની સાથે જોડાયેલા કાર્યક્રમો પ્રસંગે એ આપણા ચિંતન-મંથન, આપણાં સુધારા અને ત્વરિત સુધારા કરવાની પધ્ધતિનો મહત્વનો હિસ્સો છે. હું આપ સૌને, આપની નિષ્ઠા માટે કેગની પ્રાસંગિકતા અને તેની ગરિમાને સતત નવી દિશા આપવા બદલ અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
ખૂબ થોડી સંસ્થાઓ એવી હોય છે કે જેમ જેમ સમય વિતતો જાય તેમ તે વધુને વધુ મજબૂત થતી જાય છે, વધુ પાકટ બનતી જાય છે અને વધુ ઉપયોગી બની રહે છે. મહદ્દ અંશે સંસ્થાઓ જન્મ લે છે તેના ત્રણ દાયકા, ચાર દાયકા, પાંચ દાયકા થતાં સુધીમાં તો પરિસ્થિતિઓ એટલી પલટાઈ જાય છે કે તે ઘણીવાર તે તેમની પ્રાસંગિકતા ખોઈ બેસે છે. પરંતુ કેગ બાબતે આપણે એવું કહી શકીએ તેમ છીએ કે આટલાં વર્ષો પછી પણ આ સંસ્થા એક ખૂબ મોટો વારસો છે, ખૂબ મોટી અમાનત છે અને દરેક પેઢીએ તેની સંભાળ રાખવાનું અને તેને જાળવવાનું, આવનારી પેઢીઓ માટે તેને વધુ યોગ્ય બનાવીને તેને આગળ ધપાવવાનુ, તેનું પરિવહન કરવાનું કામ કરવાનુ છે. હું સમજુ છું કે આ એક ખૂબ મોટી જવાબદારી પણ છે.
સાથીઓ,
ગઈ વખતે હું જ્યારે અહીં આવ્યો હતો ત્યારે તમારી સાથે મુલાકાત થઈ હતી. તે સમયે આપણે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી મનાવી રહયા હતા. તે કાર્યક્રમમાં બાપુની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યુ હતું. આજે જ્યારે ઓડિટ ડે જેવો મહત્વનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે દેશ તેની આઝાદીને 75 વર્ષ થતાં અમૃત મહોત્સવ પણ મનાવી રહ્યો છે. દેશની અખંડિતતાના નાયક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય પણ આજે આપણને પ્રાપ્ત થયુ છે. ગાંધીજી હોય, સરદાર પટેલ હોય કે પછી બાબા સાહેબ આંબેડકર હોય, રાષ્ટ્ર નિર્માણમાં આ તમામનું યોગદાન કેગ માટે, આપણાં સૌ માટે, કોટિ કોટિ દેશવાસીઓ માટે ખૂબ મોટી પ્રેરણા બની રહ્યું છે. દેશ માટે કેટલાં મોટાં લક્ષ્ય નક્કી કરવામાં આવે છે, તેને કેવી રીતે હાંસલ કરવામાં આવે છે, તેની વ્યવસ્થામાં કેવા પરિવર્તન લાવવામાં આવે છે તે બાબતે આ મહાન વ્યક્તિઓની જીવનગાથા આપણને ઘણું બધુ શિખવી જાય છે.
સાથીઓ,
એક એવો સમય હતો કે જ્યારે દેશમાં ઓડિટને એક આશંકા અથવા એક ભય તરીકે જોવામાં આવતું હતું. કેગ એટલે વિરૂધ્ધ સરકાર, તેવી આપણી વ્યવસ્થાની સામાન્ય વિચાર પધ્ધતિ રહી હતી. અને ક્યારેક કયારેક એવું પણ થતુ હતું કે અધિકારીગણ આવો છે અને આવું જ આપે છે, દરેક બાબતમાં તેને ક્ષતિની નજરે જ જોવામાં આવતુ હતુ. દરેકનો પોતાનો દ્રષ્ટિકોણ હતો, આજે એ માનસિકતાને બદલવામાં આવી છે. આજે ઓડિટને મૂલ્યવૃધ્ધિનો એક મહત્વનો હિસ્સો માનવામાં આવે છે.
મને લાંબાગાળા સુધી સરકારનું નેતૃત્વ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે પણ અમારા અધિકારીઓને કહેતો હતો કે કેગમાં જે દસ્તાવેજો અને ડેટા માંગવામાં આવે છે તે તમે જરૂર આપો. તમારા કામ સાથે જોડાયેલી અન્ય ફાઈલો પણ તેમને આપો, તેનાથી આપણાં માટે વધુ બહેતર કામ કરવા માટેનો અવકાશ ઉભો થાય છે અને તેના કારણે આપણાં પોતાના સ્વ-આકલનનું કામ આસાન થઈ જાય છે.
સાથીઓ,
શુધ્ધતા અને પારદર્શકતા આપણા વ્યક્તિગત જીવનમાં હોય કે સરકારમાં હોય, તે આપણાં માટે નીતિમત્તાને વેગ આપનાર સૌથી મોટુ પરિબળ છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો અગાઉ દેશના બેંકીંગ ક્ષેત્રમાં પારદર્શિતાનો અભાવ હોવાને કારણે જાત-ભાતની પ્રણાલીઓ ચાલતી હતી અને તેનું પરિણામ એ આવ્યુ કે બેંકોની નૉન- પરફોર્મિંગ એસેટસ (એનપીએ) વધતી ગઈ, એનપીએને કાર્પેટની નીચે સંતાડવાનું કામ અગાઉના સમયમાં કરવામાં આવ્યુ હતું તે મારા કરતાં તમે કદાચ વધુ સારી રીતે જાણો છો. પણ અમે પૂરી પ્રામાણિકતા સાથે અગાઉની સરકારોનું સત્ય અને જે સ્થિતિ હતી તેને દેશની સમક્ષ ખૂલ્લી મૂકી દીધી. આપણે સમસ્યાઓને ઓળખીશું ત્યારે જ તો તેનો ઉકેલ શોધી શકીશું.
તેવી જ રીતે તમારી તરફથી નાણાંકીય ખાધથી માંડીને સરકારી ખર્ચ બાબતે સતત સચેત કરવામાં આવતા હતા. અમે તમારી નિસ્બતને હકારાત્મક રીતે જોઈ, નહીં વપરાયેલા અને ઓછા વપરાયેલા ઘટકો ઉપર નજર રાખવાના સાહસિક નિર્ણયો કર્યા. આજે એ નિર્ણયોના પરિણામે અર્થવ્યવસ્થા ફરીથી ગતિમાં આવી રહી છે અને તેની ચર્ચા સમગ્ર દુનિયામાં થઈ રહી છે, તેનું સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે. કેગમાં જ્યારે તમે તેનું વ્યાપક આકલન કરશો તો મને લાગે છે કે આ નિર્ણયોના કેટલાક એવા પાસાં પણ સામે આવશે કે જે ક્યારેક ક્યારેક તો નિષ્ણાંતોની પણ નજર બહાર રહી જતા હતા.
સાથીઓ,
આજે આપણે એવી વ્યવસ્થાનું નિર્માણ કરી રહ્યા છીએ કે જેમાં જૂની વિચારધારા છે. 'સરકાર સર્વમ્, સરકાર જાનમ, સરકાર ગ્રહણમ' જેવી જૂની વિચારધારાને અમે બદલી નાંખવાનું નક્કી કર્યું છે અને તેના પરિણામે સરકારની દખલ પણ ઓછી થઈ રહી છે અને તમારૂં કામ પણ આસાન થઈ રહ્યું છે. 'મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ' સંપર્ક કરવો ના પડે તેવા કાયદાઓ, ઓટોમેટિક રિન્યુઅલ, ફેસલેસ એસેસમેન્ટસ, સર્વિસ ડિલીવરી માટે ઓનલાઈન અરજીઓ જેવા સુધારાઓ મારફતે સરકારે બિનજરૂરી દખલ ખતમ કરી દીધી છે.
વ્યવસ્થામાં જ્યારે પારદર્શકતા આવે છે ત્યારે પરિણામો પણ આપણને સાફ સાફ દેખાવા લાગે છે. આજે ભારત સમગ્ર દુનિયામાં ત્રીજા નંબરની સૌથી મોટી સ્ટાર્ટઅપ વ્યવસ્થા બની ચૂક્યું છે. આજે આપણાં 50થી વધુ ભારતીય યુનિકોર્ન મોટા થઈ ચૂક્યા છે. આપણાં આઈઆઈટી આજે સૌથી મોટા ચોથા નંબરના યુનિકોર્ન પેદા કરનાર તરીકે ઉભરી રહ્યા છે. 'મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ' ના આ અભિયાનમાં આપ સૌએ અને દેશની દરેક સંસ્થાએ સહભાગી બનવાનું છે, માલિકી લેવાની છે. સહપ્રવાસી તરીકે પણ સાથે જ ચાલવાનું છે. આપણી દરેક સંવિધાનિક સંસ્થા માટે આ અમૃતકાળનો એક સંકલ્પ જ્યારે ભારત 2047માં શતાબ્દિ મનાવશે ત્યારે દેશને ઘણી ઉંચાઈ પર લઈ જવાની તાકાત તરીકે તે કામમાં આવશે.
સાથીઓ,
દાયકાઓ સુધી આપણાં દેશમાં કેગની ઓળખ સરકારી ફાઈલો અને ખાતાવહી વચ્ચે માથાકૂટ કરનારી સંસ્થા તરીકેની થઈ હતી. કેગ સાથે જોડાયેલા લોકોની એવી છાપ ઉભી થઈ હતી અને તેનો ઉલ્લેખ 2019માં હું જ્યારે પણ તમારી વચ્ચે આવ્યો ત્યારે કર્યો હતો. મને આનંદ છે કે તમે ઝડપભેર પરિવર્તન લાવી રહ્યા છો અને પ્રક્રિયાઓને આધુનિક બનાવી રહ્યા છો. આજે તમે એડવાન્સ્ડ એનાલિટીક્સ ટુલ્સનો વપરાશ કરી રહ્યા છો. જીઓ-સ્પાર્ટિયલ ડેટા અને સેટેલાઈટ તસવીરોનો ઉપયોગ કરી રહ્યા છો. આ ઈનોવેશન આપણાં સાધનોમાં પણ થવું જોઈએ અને આપણી કાર્યશૈલીમાં પણ થવું જોઈએ.
મને કહેવામાં આવ્યું છે કે તમે પ્રાથમિક તારણોનું ફીલ્ડ ઓડિટ કરતાં પહેલાં વિભાગો સાથે આદાન-પ્રદાન કરવાનું શરૂ કર્યું છે, જે એક તંદુરસ્ત પ્રણાલિ છે. જ્યારે તમે પ્રાથમિક તારણોનો પોતાના ફીલ્ડ સ્ટડી સાથે સમન્વય કરશો ત્યારે તેના વધુ સારાં પરિણામો પ્રાપ્ત થશે. આવી જ રીતે મેં તમને સૂચન કર્યું હતું કે તમે ઓફિસની બહાર નિકળીને જેમનું ઓડિટ થઈ રહ્યું છે તેવા સહયોગીઓને મળો. તમે આ સૂચનનો પણ સ્વીકાર કર્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કેગના વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રાલયોના સચિવો સાથે એક સેમિનાર પણ કરવામાં આવ્યો હતો. હું આવા પ્રયાસોની પ્રશંસા કરૂં છું અને આશા રાખું છું કે આ ગતિવિધી માત્ર સેમિનાર સુધી જ મર્યાદિત ના રહે, તે કેગ અને વિભાગોની વચ્ચેની ભાગીદારીમાં પ્રગતિ કરવાનું માધ્યમ બની રહેશે. જ્યારે હું સાંભળું છું કે એક ગ્રામ પંચાયતની મહિલા સરપંચને તમે આ પ્રક્રિયામાં સામેલ કરી છે ત્યારે આપણાં સૌ માટે તે ગર્વની બાબત બની જાય છે. આજે આપણી સંસ્થાઓ એ રીતે ખૂલ્લા વાતાવરણમાં જમીન સાથે જોડાઈને કામ કરી રહી છે. આ ફેરફાર, આ અનુભવ કેગને અને સાથે સાથે આપણાં ઓડિટની વ્યવસ્થાને એક નવી ઊંચાઈ સુધી લઈ જશે. આપણું ઓડિટીંગ જેટલું મજબૂત અને જેટલું વૈજ્ઞાનિક હશે તેટલી જ આપણી વ્યવસ્થા પારદર્શક અને મજબૂત બનશે.
સાથીઓ,
કોરોનાના મુશ્કેલ સમયમાં કેગે કેટલી તન્મયતા સાથે કામ કર્યું છે તેની જાણકારી મને મળતી રહી છે, અને કેટલીક વાતો હમણાં જ મૂર્મૂજી પાસેથી પણ સાંભળવા મળી. દુનિયાના બીજા દેશોમાં પસાર થઈને કોરોનાની લહેર આપણે ત્યાં પહોંચી હતી, આટલી મોટી વસતિનો પડકાર આપણી સામે હતો. આપણાં હેલ્થ વર્કર્સ ઉપર મર્યાદિત સાધનોનું દબાણ હતું, પણ દેશે ઈલાજથી માંડીને બચાવ સુધી દરેક મોરચે યુધ્ધના ધોરણે કામ કર્યું હતું. મોટા મોટા દેશ પાસે વ્યાપક સાધનો હતા, તો આપણી પાસે અતુલનીય સામાજીક શક્તિ હતી.
મને કહેવામાં આવ્યું છે કે કેગે પણ પોતાની જવાબદારીઓથી આગળ ધપીને સામાન્ય જનતાને રસીકરણમાં પણ મદદ કરી છે. આવી ભાવના સાથે દેશની દરેક સંસ્થા, દરેક દેશવાસી પોતાના કર્તવ્યના પાલનમાં જોડાયેલો હતો. આપણે એ નથી જોયું કે આપણું કામ શું છે, પરંતુ આપણે એ જોયું કે આપણે શું કરી શકીએ તેમ છીએ! એટલા માટે સદીની આ સૌથી મોટી મહામારી જેટલી પડકારજનક હતી, તેટલી જ તેની સામે દેશની લડત પણ અસાધારણ બની રહી હતી.
આજે આપણે દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ પણ ચલાવી રહ્યા છીએ. થોડા સપ્તાહ પહેલાં જ દેશે 100 કરોડ રસીનો મુકામ પાર કર્યો છે. હું ઈચ્છા રાખીશ કે પોતાના રોજ બરોજના કામકાજની સાથે કેગ મહામારી સામેની દેશની આ લડત દરમ્યાન સારી પ્રણાલિઓ વિકસાવે, તેનો અભ્યાસ કરે. આ મહામારીના કારણે દેશે જે કાંઈ નવું શિખ્યું છે, નવું અપનાવ્યું છે. જે કાંઈ પણ પધ્ધતિસર શિખવામાં આવ્યું છે તે ભવિષ્યમાં ગ્લોબલ ગુડ પ્રેક્ટિસીસ બનવામાં પણ મદદ કરશે. દુનિયાને ભવિષ્યની મહામારીઓ સામે લડવા માટે તૈયારી કરશે અને મજબૂતી પ્રદાન કરશે.
સાથીઓ,
જૂના સમયમાં માહિતી, વાર્તાઓના માધ્યમથી પ્રસારિત કરવામાં આવતી હતી. વાર્તાઓના માધ્યમથી જ ઈતિહાસ લખવામાં આવતો હતો, પણ આજે 21મી સદીમાં ડેટા એ જ માહિતી છે અને આવનારા સમયમાં આપણો ઈતિહાસ પણ ડેટાના માધ્યમથી જોવા- સમજવામાં આવશે. ભવિષ્યમાં આ ડેટા ઈતિહાસને આગળ ધપાવશે અને વાત જ્યારે ડેટા અને તેના આકલનની થાય છે ત્યારે તમારા કરતાં વધુ તેનો કોઈ નિષ્ણાંત હોતો નથી. એટલા માટે આજે આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ જે પ્રયાસ કરી રહ્યો છે, જે લક્ષ્યોને સાથે રાખીને આગળ ધપી રહ્યો છે, ભવિષ્યમાં દેશના આ પ્રયાસોનું, આ કાલખંડનું આકલન કરવામાં આવશે ત્યારે તમારૂં કામ, તમારા દસ્તાવેજ તેનો એક પ્રમાણિક આધાર બની રહેશે. જે રીતે આજે આપણાં આઝાદીના સંગ્રામ સાથે જોડાયેલા ઈતિહાસને જોઈએ છીએ, તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીએ છીએ તેવી જ રીતે દેશ જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ પૂરાં કરશે ત્યારે તમારા આજના અભ્યાસ અહેવાલો તે સમયના ભારત માટે ઈતિહાસમાં ડોકિયું કરવાનું અને તેમાંથી શિખવાનું માધ્યમ બની રહેશે.
સાથીઓ,
આજે દેશ એવા કેટલાક કામ કરી રહ્યો છે કે જેની આપણે આશા રાખી ના હોય તેવા પણ છે અને અભૂતપૂર્વ પણ છે. દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનનો ઉલ્લેખ હમણાં હું તમારી સાથે એક ઉદાહરણ તરીકે કરી રહ્યો હતો, તેવી જ રીતે આપણાં અનેક સંકલ્પો સાકાર કરવામાં લાગેલા દેશવાસીઓના અનેક પ્રયાસોમાં જોઈ શકાય છે. થોડાંક વર્ષ પહેલાં આપણે સરકારી ખાતામાં લાખો- કરોડો રૂપિયાનો હિસાબ તો કરતા હતા, પણ સાચી વાત એ હતી કે દેશના કરોડો નાગરિકો પાસે તેમના બેંક ખાતા પણ ન હતા. અનેક પરિવારો એવા હતા કે જેમની પાસે રહેવા માટે પોતાનું ઘર પણ ન હતું, માથા ઉપર પાકી છત પણ ન હતી. પીવા માટેના પાણીની સુવિધા હોય, વિજળીનું જોડાણ હોય, ઘરમાં શૌચાલય હોય, ગરીબમાં ગરીબ માણસે ઈલાજની સુવિધા આપવાની હોય, આપણે ત્યાં દેશમાં કરોડો લોકો માટે આવી પાયાની જરૂરિયાતોને લક્ઝરી ગણવામાં આવતી હતી, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે અને ઝડપભેર બદલાઈ રહી છે. દેશ જો આ મુકામ સુધી પહોંચ્યો છે તો તેની પાછળ અનેક દેશવાસીઓની દિવસ- રાતની મહેનત છે. તેમનો પરિશ્રમ તેની પાછળ લાગેલો છે. આપણાં આરોગ્ય ક્ષેત્રના લોકો હોય, બેંકીંગ ક્ષેત્રના લોકો હોય, સરકારી વિભાગો અને વહિવટી વિભાગના લોકો હોય કે પછી આપણું ખાનગી ક્ષેત્ર હોય, આ બધાંએ એક અભૂતપૂર્વ સમાનતા સાથે અસાધારણ સ્તરે કામ કર્યું છે, ત્યારે જ ગરીબના ઉંબરા સુધી તેના અધિકારો પહોંચાડવાનું શક્ય બન્યું છે, અને ત્યારે જ દેશના વિકાસની આ ગતિ હાંસલ થઈ છે.
સાથીઓ,
સમાજમાં આ બધા નિર્ણયોની અસર એટલી વ્યાપક હોય છે કે આપણે તેનો કેન્દ્રિત અભ્યાસ કરીએ ત્યારે જ તેને સમજી શકીએ છીએ. કેગે પણ દેશના આ પ્રયાસોનું, આ પરિણામોનું આકલન કરવું જોઈએ. તે લેખા- જોખા દેશના સામુહિક પ્રયાસોનું પ્રગટીકરણ કરશે. દેશના સામર્થ્ય અને તેનો આત્મવિશ્વાસ એક જીવતો જાગતો દસ્તાવેજ બની રહેશે અને સાથે સાથે તેનાથી હવે પછી આવનારી સરકારો માટે કામકાજની બહેતર પધ્ધતિઓ શોધવા માટે આ દસ્તાવેજો કામમાં આવશે.
મને પૂરો ભરોસો છે કે દેશ માટે તમારૂં યોગદાન સતત ચાલુ રહેશે, દેશના વિકાસને નવી ગતિ આપતું રહેશે.
એવા વિશ્વાસની સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ! અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1772331)
Visitor Counter : 336
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam