આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
azadi ka amrit mahotsav

જેપીએમ કાયદા, 1987 હેઠળ જૂટ વર્ષ 2021-22 માટે શણ પૅકેજિંગ સામગ્રીઓ માટેના સૂચિત મર્યાદા-અનામતના નિયમોને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી


100 ટકા અનાજ અને 20 ટકા ખાંડ ફરજિયાતપણે શણના થેલામાં પૅક કરવાના રહેશે

Posted On: 10 NOV 2021 3:43PM by PIB Ahmedabad

જૂટ (શણ) વર્ષ 2021-22 (પહેલી જુલાઇ 2021 થી 30મી જૂન, 2022) માટે પૅકેજિંગમાં જૂટના ફરજિયાત વપરાશ માટેની સૂચિત મર્યાદાઓ-અનામતને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળીય સમિતિની બેઠકમાં 10મી નવેમ્બર, 2021ના રોજ મંજૂરી અપાઇ છે. જૂટ વર્ષ 2021-22 માટે જે ફરજિયાત પૅકેજિંગના નિયમો મંજૂર કરાયા છે એમાં અનાજ માટે 100 ટકા મર્યાદા અને ખાંડ 20 ટકા  ફરજિયાતપણે શણના થેલામાં પૅક કરવાની સ્પષ્ટ જોગવાઇ છે.

હાલની દરખાસ્તમાં શણ માટે અલગ કરવામાં આવેલા અનામતના નિયમો ભારતમાં કાચા શણ અને શણ પૅકેજિંગ સામગ્રીના ઘરેલુ ઉત્પાદનના હિતોનું વધુ રક્ષણ કરશે, જેથી આત્મનિર્ભર ભારતને અનુરૂપ ભારતને આત્મનિર્ભર બનાવશે. શણ પૅકેજિંગ સામગ્રીમાં પૅકેજિંગ માટેની સૂચિત મર્યાદાથી દેશમાં ઉત્પાદિત (2020-21માં) આશરે 66.57 ટકા કાચા શણનો વપરાશ થયો. જેપીએમ એક્ટની જોગવાઇને અમલમાં લાવીને સરકાર જૂટ મિલો અને સહાયક એકમોમાં કામ કરતા 0.37 મિલિયન કામદારોને રાહત પૂરી પાડશે અને આશરે 40 લાખ (ચાર મિલિયન) ખેત પરિવારોની આજીવિકાને મદદ કરશે. આ ઉપરાંત, એનાથી પર્યાવરણનું રક્ષણ કરવામાં પણ મદદ મળશે કેમ કે શણ એ કુદરતી, બાયો-ડિગ્રેડેબલ, રિન્યુએબલ અને ફરી વપરાશમાં લઇ શકાતા રેસા છે અને એટલે તે ટકાઉપણાનાં તમામ માપદંડોને પરિપૂર્ણ કરે છે.

સામાન્ય રીતે ભારતના રાષ્ટ્રીય અર્થતંત્રમાં અને પૂર્વી પ્રદેશમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, આસામ, ત્રિપુરા, મેઘાલય અને આંધ્ર પ્રદેશ તેમજ તેલંગાણામાં શણ ઉદ્યોગ મહત્વનું સ્થાન ધરાવે છે. પૂર્વી પ્રદેશમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં એ મુખ્ય ઉદ્યોગો પૈકીનો એક છે.

જેપીએમ હેઠળ સૂચિત મર્યાદાના નિયમો શણ ક્ષેત્રમાં 0.27 મિલિયન કામદારોને અને 4 મિલિયન ખેડૂતોને સીધી રોજગારી પૂરી પાડે છે. જેપીએમ એક્ટ, 1987 શણના ખેડૂતો, કામદારો અને શણના સામાનના ઉત્પાદનમાં સંકળાયેલ વ્યક્તિઓનાં હિતોનું રક્ષણ કરે છે. શણ ઉદ્યોગના કુલ ઉત્પાદનનું 75 ટકા જ્યુટ સૅકિંગ (કંતાન) બૅગ્સનું છે અને એમાંની 90 ટકા ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એફસીઆઇ) અને સ્ટેટ પ્રોક્યૂઅર્મેન્ટ એજન્સીઓ (એસપીએ)ને પૂરી પડાય છે અને બાકીની નિકાસ અથવા સીધી વેચવામાં આવે છે.

ભારત સરકાર દર વર્ષે અનાજને પેક કરવા માટે આશરે રૂ. 8000 કરોડનાં મૂલ્યના શણના કંતાનના થેલા ખરીદે છે અને આથી શણના ખેડૂતો અને કામદારો માટે સુરક્ષિત બજાર સુનિશ્ચિત કરે છે.

શણ કંતાનના થેલાનું સરેરાશ ઉત્પાદન 30 લાખ ગાંસડી (9 લાખ મેટ્રિક ટન)નું છે અને સરકાર શણના ખેડૂતો, કામદારો અને જૂટ ઉદ્યોગમાં જોતરાયેલી વ્યક્તિઓનાં હિતોનું રક્ષણ કરવા માટે શણના થેલાના ગૂણપાટના સંપૂર્ણ ઉત્પાદનને લઈ લેવા માટે પ્રતિબદ્ધ છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1770573) Visitor Counter : 279