પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ

Posted On: 04 NOV 2021 3:41PM by PIB Ahmedabad

ભારત માતા કી જય

ભારત માતા કી જય

ભારત માતા કી જય

દિવાળીનો આજે પાવન તહેવાર છે અને દરેકની ઇચ્છા હોય છે કે દિવાળી પોતાના પરિવાર સાથે મનાવે. મારી પણ ઇચ્છા છે કે હું મારા પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરું અને તેથી જ દર દિવાળી હું મારા પરિવારજનો વચ્ચે ઉજવવા આવું છું કેમ કે તમે મારા પરિવારજનો છો, હું તમારા પરિવારનો સાથી છું. તો હું અહીં પ્રધાનમંત્રી તરીકે આવ્યો નથી. હું તમારા પરિવારના એક સદસ્ય તરીકે આવ્યો છું. તમારી વચ્ચે આવવાથી જે લાગણી પોતાના પરિવાર પાસે જવાથી થાય છે તેવી જ લાગણી મારા મનમાં હોય છે અને જ્યારથી હું આ બંધારણીય જવાબદારી સંભાળી રહ્યો છું આજે તેને 20 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. ઘણા લાંબા સમયથી દેશવાસીઓએ મને આ પ્રકારની સેવા કરવાની તક આપી છે. પહેલા ગુજરાતવાસીએ આપી અને હવે દેશવાસીઓએ તક આપી છે. પણ મેં દિવાળી સરહદ પર તૈનાત તમારા જેવા મારા પરિવારજનો સાથે મનાવી છે. આજે હું ફરીથી તમારી વચ્ચે આવ્યો છું, તમારી પાસેથી નવી ઊર્જા લઈને આવીશ, નવો ઉમંગ લઈને આવીશ, નવો વિશ્વાસ લઈને આવીશ. પણ હુ એકલો નથી આવ્યો. હું મારી સાથે 130 કરોડ દેશવાસીઓના આશીર્વાદ તમારા માટે લઈને આવ્યો છું, ઘણા બધા આશીર્વાદ લઈને આવ્યો છુ. આ સાંજે દિવાળી નિમિત્તે એક દીપ, તમારી વીરતાને, તમારા શોર્યને, તમારા પરાક્રમને તમારા ત્યાગ અને તપસ્યાના નામે અને જે લોકો દેશની સુરક્ષા સાથે સંકળાયેલા છે એવા તમામ લોકો માટે હિન્દુસ્તાનનો પ્રત્યેક નાગરિક એ દિવાની જ્યોતની સાથે સાથે તમને તમામને અનેક અનેક શુભકામના પાઠવતો રહેશે. અને આજે તો મને પૂરો ભરોસો કે તમે ઘરે વાત કરશો હા યાર આ વખતની દિવાળી તો કાંઇક ખાસ હતી, કહેશો ને? જૂઓ તમે રિલેક્સ થઈ જાઓ, કોઈ તમને જોતા નથી, તમે ચિંતા ના કરો. અચ્છા તમે એ પણ કહેશોને કે મીઠાઈ પણ ઘણી ખાધી હતી, કહેશો ને?

સાથીઓ,
આજે મારી સામે દેશના જે વીર છે, દેશની જે વીર દીકરીઓ છે જે ભારત માતાની એવી સેવા કરી રહી છે જેનું સૌભાગ્ય દરેકને મળતું નથી, ભાગ્યે જ કોઇને મળે છે જે સૌભાગ્ય આપને મળ્યું છે. હુ જોઈ રહ્યો છું, અનુભવી રહ્યો છું તમારા ચહેરાના મજબૂત ભાવોને જોઈ રહ્યો છું. તમે સંકલ્પોથી ભરેલા છો અને આ જ તમારા સંકલ્પ, આજ તમારા પરાક્રમની પરાકાષ્ઠાની ભાવનાઓ, પછી તે હિમાલય હોય, રેગિસ્તાન હોય. બરફની પહાડીની ટોચ હોય, ઉંડુ પાણી હોય ગમ તે જગ્યા હોય તમે લોકો માતા ભારતીનું એક જીવતું જાગતું સુરક્ષા કવચ છો. તમારી છાતીમાં પણ જુસ્સો છે જે 130 કરોડ દેશવાસીઓનો ભરોસો હોય છે. તેઓ આરામથી નીંદર માણી શકે છે. તમારા સામર્થ્યથી દેશમાં એક શાંતિ અને સુરક્ષાની નિશ્ચિંતતા હોય છે, એક વિશ્વાસ હોય છે. તમારા પરાક્રમને કારણે જ આપણા તહેવારોમાં એક ઉજાસ ફેલાય છે, ખુશીઓ છલકાઈ ઉઠે છે. આપણા તહેવારોમાં ચાર ચાંદ લાગી જાય છે. હવે દિવાળી બાદ ગોવર્ધન પૂજા, પછી ભાઈબીજ અને છઠના તહેવારો પણ ગણતરીના દિવસોમાં જ આવી રહ્યા છે. તમારી સાથે જ હું પણ તમામ દેશવાસીઓને નૌશેરાની આ વીર વસુંધરાથી આ તમામ તહેવારો માટે દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. દેશના અન્ય હિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દિવાળીનો બીજો દિવસ હોય છે ત્યારે નવા વર્ષનો પ્રારંભ કરે છે, અને આપણે ત્યાં તો હિસાબ કિતાબ પણ દિવાળીથી જ પૂરા થાય છે અને દિવાળીના બીજા દિવસે શરૂ થાય છે. ખાસ કરીને ગુજરાતમાં આવતી કાલે નૂતન વર્ષ હોય છે. તો હું આજે નૌશેરાની વીર ભૂમિથી ગુજરાતના લોકોને પણ અને જ્યાં જ્યાં નવ વર્ષ મનાવવામાં આવે છે તે તમામને અનેક અનેક શુભકામના પાઠવી રહ્યો છું.

સાથીઓ
જ્યારે હું અહીં નૌશેરાની પવિત્ર ભૂમિ પર ઉતર્યો, અહીંની માટીનો સ્પર્શ કર્યો તો એક અલગ જ લાગણી, એક અલગ જ રોમાંચ મારા મનમાં ભરાઈ ગયો. અહીંનો ઇતિહાસ ભારતીય લશ્કરની વીરતાનો જયઘોષ કરે છે, દરેક શિખર પરથી એ જયઘોષ સંભળાય છે. અહીંનું વર્તમાન તમારા જેવા વીર જવાનોની વીરતાનું જીવંત ઉદાહરણ છે. વીરતાનો જીવતો જાગતો પુરાવો મારી સામે હાજર છે. નૌશેરાએ દરેક યુદ્ધનો, દરેક કપટનો, દરેક ષડયંત્રનો જડબાતોડ જવાબ આપીને જમ્મુ-કાશ્મીર અને શ્રીનગરના પ્રહરીનું કાર્ય કર્યું
. આઝાદી બાદ તરત જ દુશ્મનોએ તેની ઉપર નજર રાખી દીધી હતી. નૌશેરા પર હુમલો થયો. દુશ્મનોએ ઉંચાઈ પર બેસીને તેની ઉપર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો અને તાજેતરમાં મને વીડિયો જોઈને તમામ ચીજો જોવા સમજવાની તક મળી અને મને ખુશી છે કે નૌશેરાના જાંબાઝોના શોર્ય સામે તમામ કાવતરા નાકામયાબ રહી ગયા.

સાથીઓ,
ભારતીય લશ્કરની તાકાત શું હોય છે તેનો અનુભવ દુશ્મનોનો શરૂઆતના દિવસોથી જ થઈ ગયો હતો. હું નમન કરું છું નૌશેરાના શેર-બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનને, નાયક જદુનાથ સિંહને, જેમણે દેશની સુરક્ષા માટે પોતાનુ સર્વસ્વ બલિદાન કરી દીધું, હું પ્રણામ કરું છું લેફ્ટનન્ટ આર આર રાણેને જેમણે ભારતીય લશ્કરના વિજયનો માર્ગ મોકળો કર્યો હતો. આવા કેટલાય વીરોએ નૌશેરાની ધરતી પર ગર્વની ગાથા લખી છે. પોતાના રક્તથી લખી છે, પોતાના પરાક્રમથી લખી છે, પોતાના પુરુષાર્થથી લખી છે. દેશ માટે જીવવા-મરવાના સંકલ્પથી લખી છે. આ મારું સૌભાગ્ય હતું કે દિવાળીના આ પવિત્ર તહેવાર પર મને આજે બે એવા મહાપુરુષોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું છે  જે મારા જીવનમાં એક પ્રકારે અનોખો વારસો છે. મને આશીર્વાદ મળ્યા છે શ્રી બલદેવ સિંહ અને શ્રી વસંત સિંહના. આ બંને મહાનુભાવો બાળપણમાં માતા ભારતીની સુરક્ષા માટે લશ્કરની સાથે સાથે ખભે ખભા મિલાવીને સાધનોના અભાવ વચ્ચે પણ અને આજે જ્યારે હું સાંભળી રહ્યો હતો કે તેમનામાં એ જ જુસ્સો હતો એ જ મિજાજ હતો અને વર્ણન એવી રીતે કરી રહ્યા હતા જાણે આજે જ હમણાં જ લડાઈના મેદાનમાંથી આવ્યા હોય. એવી રીતે વર્ણન કરી રહ્યા હતા. આઝાદી બાદ થયેલા યુદ્ધોમાં આવા અનેક સ્થાનિક યુવાનોએ બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનના માર્ગદર્શનમાં બાળ સૈનિકની ભૂમિકા અદા કરી હતી. તેમણે પોતાના જીવનની પરવાહ કર્યા વિના આટલી નાની ઉંમરમાં દેશના લશ્કર સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું હતું, લશ્કરની મદદ કરી હતી. નૌશેરામાં શોર્યનો આ સિલસિલો ત્યારથી શરૂ થયો, જે ના તો ક્યારેય અટક્યો છે કે ના તો ક્યારેય ઝુક્યો છે. આ જ તો નૌશેરા છે. સર્જિકલ સ્ટ્રાઇકમાં અહીંની બ્રિગેડે જે ભૂમિકા નિભાવી હતી તે દરેક દેશવાસીઓને ગોરવથી ભરી દે છે અને એ દિવસ તો હું હંમેશાં યાદ રાખીશ કેમ કે અમે કાંઇક એવું નક્કી કર્યું હતું કે સૂર્યાસ્ત પહેલા સૌ પરત આવી જવા જોઇએ અને હું હર ઘડી ફોનની રિંગ માટે બેઠો હતો કે મારો છેલ્લામાં છેલ્લો જવાન પહોંચી ગયો કે નહીં અને કોઈ પણ નુકસાન થયા વિના મારા વીર જવાનો પરત આવી જાય. પરાક્રમ કરીને આવી ગયા, સિદ્ધિ પ્રાપ્ત કરીને આવી ગયા. સર્જિકલ સ્ટ્રાઇક બાદ અહીં અશાંતિ ફેલાવવાના અનેક પ્રયાસો થયા. આજે પણ થતા રહે છે. પરંતુ દરેક આતંકવાદને જડબાતોડ જવાબ મળ્યો છે. અસત્ય અને અન્યાયની વિરુદ્ધમાં આ ધરતીમાં એક સ્વાભાવિક પ્રેરણા છે. માનવામાં આવે છે કે અને હું માનું છુ કે આ પોતાનામાં એક પ્રેરણા છે એમ મનાય છે કે પાંડવોએ પણ અજ્ઞાતવાસ દરમિયાન પોતાનો કેટલોક સમય અહીં વીતાવ્યો હતો. આજે તમારા સૌની વચ્ચે આવીને હું મારી જાતને અહીંની ઊર્જા સાથે સંકળાયેલો અનુભવી રહ્યો છું.

સાથીઓ
હાલમાં દેશ પોતાની સ્વતંત્રતાના 75 વર્ષનો પર્વ મનાવી રહ્યો છે. આઝાદીનો અમૃત મહોત્સવ ગુલામીના લાંબા કાળખંડમાં અસંખ્ય બલિદાન આપીને આપણે આઝાદી પ્રાપ્ત કરી છે. આ આઝાદીનું રક્ષણ કરવાની જવાબદારી આપણે સૌ હિન્દુસ્તાનીઓના માથે છે. આપણા સૌની જવાબદારી છે. આઝાદીના અમૃત મહોત્સવમાં આપણી સામે નવો લક્ષ્યાંક છે, નવા સંકલ્પ છે, નવા પડકારો છે. આવા મહત્વપૂર્ણ કાળખંડમાં આજે ભારત પોતાની તાકાતો અંગે સજાગ છે અને પોતાના સંસાધનો અંગે પણ સજાગ છે. કમનસીબે અગાઉ આપણા દેશમાં સંસાધનો માટે એમ માની લેવામાં આવ્યું હતું કે આપણને જે કાંઈ મળશે તે વિદેશોમાંથી જ મળશે, આપણે ટેકનોલોજીના મામલે ઝુકવું પડતું હતું વધુ પૈસા ખર્ચ કરવા પડતા હતા. નવા હથિયાર કે નવા ઉપકરણો ખરીદવાના થતા હતા તો તેની પ્રક્રિયા વર્ષો સુધી ચાલતી રહેતી હતી. એટલે કે ઓફિસર ફાઇલ શરૂ કરે અને તે નિવૃત્ત થઈ જાય ત્યાં સુધી પણ એ ચીજ પહોંચતી ન હતી એવો સમયગાળો હતો. પરિણામ એ કે જરૂરિયાતના સમયે હથિયાર ઉતાવળમાં ખરીદાતા હતા. એટલે સુધી કે સ્પેરપાર્ટ્સ માટે પણ આપણે અન્ય દેશો પર નિર્ભર રહેતા હતા.

સાથીઓ
ડિફેન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનો સંકલ્પ એ તમામ પુરાણી ચીજોને બદલવાનો એક સશક્ત માર્ગ છે. દેશની સુરક્ષાના ખર્ચ માટે એક બજેટ હોય છે. હવે તેના 65 ટકા દેશમાંથી જ ખરીદી માટે વાપરવામાં આવે છે. આપણો દેશ આ બધું જ કરી શકે છે અને કરી દેખાડ્યું છે. એક અભૂતપૂર્વ પગલું ભરીને ભારતે એ પણ નિશ્ચય કર્યો છે કે 200થી વધુ સરસામાન હવે દેશમાંથી જ ખરીદાશે. આત્મનિર્ભર ભારતનો આ જ તો સંકલ્પ છે. આગામી કેટલાક મહિનામાં તેમાં વધુ સામાન જોડાશે. દેશને આત્મનિર્ભર બનાવનારી આ પોઝિટિવ યાદી વધુ લાંબી થઈ જશે, તેનાથી દેશનું ડિફેન્સ સેકટર મજબૂત બનશે, નવા નવા હથિયારો, ઉપકરણોના નિર્માણમાં રોકાણ વધશે.

સાથીઓ
આજે આપણા દેશમાં અર્જુન ટેંક બની રહી છે, તેજસ જેવા અત્યાધુનિક લાઇટ કોમ્બેટ એર ક્રાફ્ટ બની રહ્યા છે. તાજેતરમાં વિજ્યાદશમીના દિવસે સાત નવી ડિફેન્સ કંપનીઓ પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે. આપણી જે ઓર્ડિનન્સ ફેકટરી હતી તે હવે સ્પેશિયલાઇઝ્ડ સેક્ટરમાં આધુનિક સુરક્ષા સાધનોનું ઉત્પાદન કરશે. આજે આપણા ખાનગી સેક્ટરમાં પણ રાષ્ટ્ર સુરક્ષા માટે આ સંકલ્પના સારથી બની રહ્યા છે. આપણા ઘણા નવા ડિફેન્સ સ્ટાર્ટ અપ આજે પોતાનો ધ્વજ લહેરાવી રહ્યા છે. આપણા નવ યુવાન 20,22,25 વર્ષના નવયુવાનો કેવી કેવી ચીજો લઈને આવી રહ્યા છે જેનાથી ગર્વ થાય છે.

સાથીઓ
ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં બની રહેલા ડિફેન્સ કોરિડોર આ ઝડપને વધુ ગતિશીલ કરનારા છે. આ તમામ પગલાં આજે આપણે ભરી રહ્યા છીએ  તે ભારતના સામર્થ્યની સાથે સાથે ડિફેન્સ નિકાસકારના રૂપમાં આપણી ઓળખને પણ સશક્ત કરવાના છે.

સાથીઓ
આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે

 
કો અતિભારઃ સમર્થાનમ.


એટલે કે જે સમર્થ હોય છે તેના માટે અતિભાર મહત્વ ધરાવતું નથી તે આસાનીથી પોતાના સંકલ્પોને સિદ્ધ કરે છે. તેથી જ આજે આપણે બદલાતી દુનિયા, યુદ્ધના બદલાતા સ્વરૂપ અનુસાર જ આપણી સૈન્યશક્તિને વધારવાની છે. તેને એક નવી શક્તિમાં ઢાળવાની છે. આપણે આપણી તૈયારીઓને દુનિયામાં થઈ રહેલા ઝડી પરિવર્તન મુજબ અનુકૂળ થવાનો છે. આપણે જાણીએ છીએ કે એક જમાનામાં હાથી-ઘોડા પર યુદ્ધ થતા હતા. હવે કોઈ વિચારી શકતું નથી કે હાથી-ઘોડાના યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ગયું છે. અગાઉ કદાચ યુદ્ધનુ સ્વરૂપ બદલવામાં દાયકાઓ લાગી જતા હશે, સદીઓ લાગી જતી હશે. આજે તો સવારે એક રીત હોય તો સાજે બીજી રીતથી યુદ્ધ લડાતુ જોવા મળે, આટલી ઝડપથી ટેકનોલોજી પોતાનું સ્થાન બનાવી રહી છે. આજનું યુદ્ધ માત્ર ઓપરેશન્સની રીતોથી મર્યાદિત નથી. આજે અલગ અલગ પાસામાં બહેતર તાલમેલ, ટેકનોલોજી અને હાઈબ્રિડ વ્યૂહરચનાનો ઉપયોગ ઘણો મોટો ફરક લાવી દે છે. સંગઠિત નેતૃત્વ, એક્શનમાં બહેતર સમન્વય આજે અત્યંત જરૂરી છે. આથી જ વીતેલા સમયથી દરેક સ્તરે સતત રિફોર્મ્સ કરવામાં આવી રહ્યા છે. સુધારા કરવામાં આવી રહ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની ભરતી હોય અથવા ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સની રચના, આ બાબતો આપણી સૈન્ય શક્તિને બદલાતા સમયની સાથે સાથે તાલ મિલાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી રહી છે.

સાથીઓ,
આધુનિક બોર્ડર માળખુ પણ આપણી લશ્કરી તાકાતને વધુ મજબૂત કરી રહ્યુ છે. સરહદી વિસ્તારોની કનેક્ટિવિટીથી લઈને અગાઉ કેવી રીતે કામ થતુ હતું તે આજના દેશના લોકો તમે બધા સારી રીતે જાણો છો. હવે આજે લદ્દાખથી લઇને અરૂણાચલ પ્રદેશ સુધી, જેસલમેરથી લઈને આંદામાન નિકોબાર દ્વિપ સુધી આપણા સરહદી વિસ્તારો જ્યાં સામાન્ય કનેક્ટિવિટી પણ ન હતી. આજે ત્યા આધુનિક રસ્તાઓ, મોટી સુરંગો, પુલ, ઓપ્ટિકલ ફાઇબર જેવા નેટવર્ક સ્થાપવામાં આવી રહ્યા છે. તેનાથી આપણી ડિપ્લોયમેન્ટ ક્ષમતામાં અભૂતપૂર્વ સુધારો થયો છે. સૈનિકોને પણ હવે ઘણી સવલતો મળી રહી છે.

સાથીઓ
નારીશક્તિને નવા અને સમર્થ ભારતની શક્તિ બનાવવાના ગંભીર પ્રયાસો છેલ્લા સાત વર્ષમાં દરેક ક્ષેત્રમાં થઈ રહ્યા છે. દેશના સુરક્ષાના ક્ષેત્રમા પણ ભારતની દીકરીઓની ભાગીદારી હવે બુલદી તરફ આગળ ધપી રહી છે. નેવી અને એરફોર્સમાં મોખરાના સ્થાને તૈનાતી બાદ હવે લશ્કરમાં પણ મહિલાઓની ભૂમિકાનો વ્યાપ વધી રહ્યો છે. મિલીટરી પોલીસના દ્વાર દીકરીઓ માટે ખોલી નાખ્યા બાદ હવે મહિલા ઓફિસરોની કાયમી ભરતી આપવી એ આ જ ભાગીદારીના વ્યાપનો એક હિસ્સો છે. હવે દીકરીઓને લઈને નેશનલ ડિફેન્સ એકેડમી, રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલ અને રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ જેવા દેશના મોખરાની સંસ્થાઓના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે. આ જ વર્ષે 15મી ઓગસ્ટે મેં લાલ કિલ્લા પરથી આ ઘોષણા કરી હતી કે હવે દેશભરમા તમામ સૈનિક સ્કૂલોમાં દીકરીઓને પણ અભ્યાસની તક મળશે. તેના પર પણ ઝડપથી કામ થઈ રહ્યુ છે.

સાથીઓ
મને તમારામાં  દેશના રક્ષકોની વર્દીમાં માત્ર અથાગ સામર્થ્યના દર્શન થતા નથી પણ હું જ્યારે પણ તમને જોઉં છું તો મને દર્શન થાય છે અટલ સ્વભાવના, અડગ સંકલ્પશક્તિના અને અતુલનીય સંવેદનશીલતાના. આથી જ ભારતીય લશ્કર દુનિયાનો અન્ય કોઇ પણ લશ્કર કરતાં અલગ છે. તેની એક અલગ ઓળખ છે. તમે વિશ્વના મોખરાના લશ્કરની મફક એક પ્રોફેશનલ દળ તો છો જ પરંતુ તમારા માનવીય મૂલ્યો, તમારા ભારતીય સંસ્કારો તમને અન્ય તમામથી અલગ બનાવી દે છે અને અસામાન્ય વ્યક્તિત્વના માલિક બનાવી દે છે. તમારા માટે લશ્કરમાં જોડાવુ એક નોકરી નથી, પહેલી તારીખે પગાર આવશે તેના માટે આવ્યા નથી તમે લોકો, તમારા માટે લશ્કરમા આવવુ તે એક સાધના છે. જેવી રીતે એક જમાનામાં ઋષિ મુનિઓ સાધના કરતા હતા ને... હું તમારા તમામની અંદર એક સાધકને જોઈ રહ્યો છું. અને તમે માતા ભારતીની સાધના કરી રહ્યા છો. તમે જીવનને એ ઉંચાઈ પર લઈ જઈ રહ્યા છો જેમાં 130 કરોડ દેશવાસીઓનું જીવન તમારી અંદર સમાઈ જાય છે. આ સાધનાનો માર્ગ છે અને આપણે તો ભગવાન શ્રીરામમાં આપણા સર્વોચ્ચ આદર્શ શોધનારા લોકો છીએ. લંકા વિજય હાંસલ કર્યા બાદ ભગવાન રામ જ્યારે અયોધ્યા પરત ફરી રહ્યા હતા તો આ જ ઉદઘોષ સાથે પાછા આવ્યા હતા

અપિ સ્વર્ણ મયી લંકા, ન  લક્ષ્મણ રોચતે, જનની જન્મ ભૂમિશ્વ સ્વર્ગાદપિ ગરીયસી.

એટલે કે સોના અને સમૃદ્ધિથી ભરપુર લંકાને અમે જીતી જરૂર છે પરંતુ અમારી આ લડાઈ આપણા સિદ્ધાંતો અને માનવતાની રક્ષા માટે હતી. અમારા માટે તો આપણી જન્મભૂમિ જ અમારી છે. આપણે અહીં જ પાછા ફરીને તેના માટે જ જીવવાનુ છે. અને તેથી જ જ્યારે પ્રભુ રામ જીતીને પરત આવ્યા ત્યારે તેમનું સ્વાગત એક માતાના રૂપમાં કરવામાં આવ્યું હતુ. અયોધ્યામાં દરેક નર-નારીએ, એટલે સુધી કે સંપૂર્ણ ભારત દેશમાં દિવાળીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ ભાવના આપણે અન્ય કરતાં અલગ બનાવી દે છે. આપણી આ જ ઉદાર ભાવના આપણને માનવીય મૂલ્યોના એ અમર શિખર પર બિરાજમાન કરે છે જે સમયનો કોલાહલમાં, સભ્યતાઓની હલચલમાં પણ અડગ રહે છે. ઇતિહાસ બને છે, બગડે છે, શાસન આવે છે જાય છે. સામ્રાજ્ય આસમાનને આંબે છે અને ગબડે પણ છે પણ ભારત હજારો વર્ષ અગાઉ પણ અમર હતું, ભારત આજે પણ અમર છે અને હજારો વર્ષ બાદ પણ અમર રહેશે. અમે રાષ્ટ્રને શાસન, સત્તા કે સામ્રાજ્યના રૂપમાં જોતા નથી. આપણા માટે તો આ સાક્ષાત જીવંત આત્મા છે. તેનુ રક્ષણ અમારા માટે માત્ર ભૌગોલિક સરહદોનું રક્ષણ માત્ર નથી. અમારા માટે રાષ્ટ્ર રક્ષણનો અર્થ છે આ રાષ્ટ્રીય જીંવંતતાનું રક્ષણ, રાષ્ટ્રીય એકતાનું રક્ષણ, રાષ્ટ્રીય અખંડિતતાનું રક્ષણ. તેથી જ આપણું લશ્કર આકાશને સ્પર્શ કરતું શૌર્ય છે તો તેના હૃદયમાં માનવતા અને કરુણાનો સાગર પણ છે. આથી જ આપણુ સૈન્ય માત્ર સરહદો પર જ પરાક્રમ દેખાડતું નથી પણ જ્યારે દેશને જરૂર પડે છે ત્યારે તમામ આપત્તિ, બીમારી, મહામારીથી દેશવાસીઓનું રક્ષણ કરવા માટે પણ મેદાને પડી જાય છે. જ્યાં કોઈ નથી પહોંચતું ત્યાં ભારતનું સૈન્ય પહોંચી જાય છે તે આજે દેશનો એક અતૂટ વિશ્વાસ બની ગયો છે. દરેક હિન્દુસ્તાનીના મનમાં આ લાગણી આપોઆપ પ્રગટ થતી રહે છે. આ આવી ગયા ને તો હવે કોઈ ચિંતા નહીં હવે કામ થઈ જશે. આ નાની વાત નથી. તમે દેશની અખંડિતતા અને સાર્વભૌમિકતાના પ્રહરી છો, એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રહરી છો. મને ભરોસો છે કે તમારા શૌર્યની પ્રેરણાથી અમે આપણા ભારતને શીર્ષ ઉંચાઈઓ પર લઈ જઇશું.

સાથીઓ,
દિપાવલીની તમને શુભકામના છે. તમારા પરિવારજનોને શુભકામના છે અને તમારા જેવા વીર દીકરા દીકરીઓને જન્મ આપનારી એ તમામ માતાઓને મારા પ્રણામ છે. હું ફરી એક વાર તમને સૌને દિપાવલીની અનેક અનેક શુભેચ્છા આપું છું. મારી સાથે સંપૂર્ણ તાકાતથી બોલો ભારત માતા કી જય, ભારત માતા કી  જય, ભારત માતા કી જય.


ધન્યવાદ.
SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1770235) Visitor Counter : 112