પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમ કેર્સ હેઠળ સ્થાપવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટસ રાષ્ટ્રને સમર્પિત કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 07 OCT 2021 3:04PM by PIB Ahmedabad

ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટેનન્ટ જનરલ સેવા નિવૃત્ત ગુરમીત સિંહજી, યુવા ઊર્જાવાન અને ઉત્સાહી મુખ્યમંત્રી મારા મિત્ર-શ્રી પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી મનસુખ માંડવિયાજી, શ્રી અજય ભટ્ટજી, ઉત્તરાખંડ વિધાનસભાના સ્પીકર શ્રી પ્રેમચંદ અગ્રવાલજી, ઉત્તરાખંડ સરકારમાં મંત્રી અને આજે જેમનો જન્મ દિવસ પણ છે તે  ડો. ધનસિંહ રાવતજીને જન્મ દિવસના ખૂબ ખૂબ અભિનંદન. દેશના અનેક સ્થળેથી આ કાર્યક્રમ સાથે જોડાયેલા રાજ્યોના મુખ્યમંત્રીગણ, લેફ્ટેનન્ટ ગવર્નર, રાજ્યોના અન્ય મંત્રીગણ, સાંસદો, ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

આ દેવભૂમિ ઋષિઓનું તપ સ્થળ છે અને યોગ નગરી તરીકે પણ તે વિશ્વના લોકોને આકર્ષિત કરતી રહે છે. મા ગંગાની નિકટ આપણને સૌને તેમના આશીર્વાદ મળી રહ્યા છે. આજથી નવરાત્રિનું પવિત્ર પર્વ પણ શરૂ થઈ રહ્યું છે. આજે પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા થાય છે. મા શૈલપુત્રી હિમાલયના પુત્રી છે અને આજના દિવસે મારૂં અહીંયા હોવું, અહીં આવીને આ જમીનને પ્રણામ કરવા, હિમાલયની આ ધરતીને પ્રણામ કરવા તેનાથી જીવનમાં કયો મોટો ધન્યભાવ હોઈ શકે છે. અને આજે હું ઉત્તરાખંડ આવ્યો છું ત્યારે ખાસ કરીને તમને એક અભિનંદન આપવા માંગુ છું, કારણ કે આ વખતે ટોકયો ઓલિમ્પિકમાં દેવભૂમિએ પણ પોતાનો ઝંડો સ્થાપિત કર્યો છે અને એટલા માટે તે અભિનંદનને પાત્ર છે. ઉત્તરાખંડની દિવ્ય ધરાએ મારા જેવા અનેક લોકોના જીવનની ધારા બદલવામાં મોટી ભૂમિકા નિભાવી છે. એટલા માટે પણ આ ભૂમિ મહત્વની છે. આ ભૂમિ સાથેનો મારો નાતો મર્મનો પણ છે અને કર્મનો પણ છે. સત્વનો પણ છે અને તત્વનો પણ છે.

સાથીઓ,

જે રીતે હમણાં મુખ્યમંત્રીજીએ યાદ અપાવ્યું તે મુજબ આજના જ દિવસે 20 વર્ષ પહેલાં મને જનતાની  સેવા કરવાની એક નવી જવાબદારી મળી હતી. લોકોની વચ્ચે રહીને લોકોની સેવા કરવાની મારી યાત્રા તો ઘણાં દાયકા પહેલાંથી ચાલી રહી હતી, પરંતુ આજથી 20 વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મને નવી જવાબદારી મળી હતી. એક રીતે કહીએ તો એ પણ એક સંયોગ છે કે ઉત્તરાખંડની રચના વર્ષ 2000માં થઈ અને મારી યાત્રા તેના થોડાંક જ મહિના પછી વર્ષ 2001માં શરૂ થઈ.

સાથીઓ,

સરકારના વડા તરીકે પહેલાં મુખ્યમંત્રી અને તે પછી દેશના લોકોના આશીર્વાદથી દેશના પ્રધાનમંત્રી પદ સુધી પહોંચવાની કલ્પના મેં ક્યારેય કરી ન હતી. 20 વર્ષની આ અખંડ યાત્રા આજે તેના 21મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે અને આવા મહત્વપૂર્ણ વર્ષમાં જે ધરતીએ મને નિરંતર પોતાનો પ્રેમ આપ્યો છે, પોતાપણું આપ્યું છે ત્યાં આવવું તેને મારા માટે ખૂબ મોટું સૌભાગ્ય સમજું છું. હિમાલયની આ તપોભૂમિ કે જે તપ અને ત્યાગનો માર્ગ દેખાડી રહી છે તે ભૂમિ પર આવીને કોટિ કોટિ દેશવાસીઓની સેવા કરવાનો મારો સંકલ્પ વધુ દ્રઢ થયો છે, વધુ મજબૂત થયો છે. અહીં આવતાં મને નવી ઊર્જા મળે છે.

ભાઈઓ અને બહેનો,

યોગ અને આયુર્વેદની શક્તિથી જે વિસ્તારમાં જીવનને આરોગ્યમય બનાવવાનો ઉપાય પ્રાપ્ત થાય છે ત્યાંથી આજે સમગ્ર દેશમાં અનેક નવા ઓક્સિજન પ્લાન્ટસનું લોકાર્પણ થયું છે. આપણાં દેશના અલગ અલગ રાજ્યોમાં ઓક્સિજન પ્લાન્ટસની નવી સુવિધા માટે હું આપ સૌને, દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

100 વર્ષના આ સૌથી મોટા સંકટનો સામનો આપણે ભારતવાસી જે બહાદુરી સાથે કરી રહ્યા છીએ, તેને દુનિયા ખૂબ જ ઝીણવટપૂર્વક જોઈ રહી છે. કોરોના સામે લડવા માટે આટલા ઓછા સમયમાં ભારતે જે સુવિધાઓ તૈયાર કરી તે આપણાં દેશનું સામર્થ્ય દેખાડે છે. માત્ર એક ટેસ્ટીંગ લેબથી આશરે 3000 ટેસ્ટીંગ લેબનું નેટવર્ક બનાવવું, માસ્ક અને કીટસની આયાતથી શરૂઆત કરીને આપણી જિંદગી આજે નિકાસ કરનાર તરીકેની સફર ઝડપભેર પાર કરી રહી છે. દેશના દૂર દૂરના વિસ્તારોમાં પણ વેન્ટીલેટરની નવી સુવિધાઓ, ભારતમાં બનેલી કોરોના વેક્સિનનું મોટાપાયે ઉત્પાદન, દુનિયાનું સૌથી મોટું અને સૌથી ઝડપી રસીકરણ અભિયાન ભારતે કરી બતાવ્યું છે, તે આપણી સંકલ્પ શક્તિ, આપણો સેવાભાવ અને આપણી એકતાનું પ્રતિક છે.

ભાઈઓ અને બહેનો,

ભારતની કોરોના સામેની લડાઈ આપણાં માટે એક મોટો પડકાર આપણી વસતિ પણ હતી. ભારતની વિવિધ ભૂગોળ પણ મોટો પડકાર આપી રહી હતી. ઓક્સિજનના પૂરવઠાથી માંડીને રસી સુધી આ બંને પડકારો દેશ સામે આવતા રહ્યા, નિરંતર આવતા રહ્યા. દેશ તેમની સામે કેવી રીતે લડ્યો તે જાણવું અને સમજવું તે દરેક દેશવાસી માટે ખૂબ જ જરૂરી છે.

સાથીઓ,

સામાન્ય દિવસોમાં ભારતમાં એક દિવસમાં 900 મે.ટન પ્રવાહી ઓક્સિજનનું ઉત્પાદન થતું હતું, પરંતુ તેની માંગમાં વધારો થવાની સાથે જ ઓક્સિજનનું ઉત્પાદન 10 ગણાથી પણ વધુ વધારવામાં આવ્યું. દુનિયાના કોઈ પણ દેશ માટે  આ એક અકલ્પ્ય લક્ષ્ય હતું, પરંતુ ભારતે તેને હાંસલ કરીને બતાવ્યું.

સાથીઓ,

અહીંયા ઉપસ્થિત અનેક મહાનુભવ એ બાબતથી પરિચિત છે કે ઓક્સિજનના ઉત્પાદનની સાથે સાથે તેનું પરિવહન કરવું તે કેટલો મોટો પડકાર છે. ઓક્સિજનને એજ સ્વરૂપે ટેન્કરમાં લાવી શકાતો નથી, તેના માટે ખાસ ટેન્કરની જરૂર પડે છે. ભારતમાં ઓક્સિજનના ઉત્પાદનનું કામ સૌથી વધુ પૂર્વ ભારતમાં થાય છે, પરંતુ મુશ્કેલી એ છે કે જરૂરિયાત સૌથી વધુ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઊભી થઈ હતી.

ભાઈઓ અને બહેનો,

લોજિસ્ટીક્સના આટલા મોટા પડકારો સામે ઝઝૂમતા આપણા દેશે યુધ્ધના ધોરણે કામ કર્યું છે. દેશ અને દુનિયામાં દિવસ રાત જ્યાંથી પણ શક્ય હોય ત્યાંથી ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી. સ્પેશિયલ ઓક્સિજન ટ્રેન દોડાવવામાં આવી. આવી ટેન્કરો ઝડપથી પહોંચાડવા માટે વાયુસેનાના વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રોડક્શન વધારવા માટે ડીઆરડીઓના માધ્યમથી તેજસ ફાઈટર પ્લેટનની ટેકનોલોજી લાગુ કરવામાં આવી. પીએમ કેર્સ મારફતે દેશમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું કામ ઝડપભેર હાથ ધરવામાં આવ્યું અને એક લાખથી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે પૈસા પણ આપવામાં આવ્યા.

સાથીઓ,

ભવિષ્યમાં કોરોના સામે લડવા માટે આપણી તૈયારી મજબૂત બને તે માટે સમગ્ર દેશમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટસનું નેટવર્ક તૈયાર થઈ રહ્યું છે. વિતેલા થોડાક મહિનામાં પીએમ કેર્સ દ્વારા સ્વિકૃત 1150થી વધુ ઓક્સિજન પ્લાન્ટસ કામ કરવાનું શરૂ કરી ચૂક્યા છે. હવે દેશના દરેક જિલ્લાને પીએમ કેર્સ હેઠળ બનેલા ઓક્સિજન પ્લાન્ટસથી આવરી લેવાયા છે. પીએમ કેર્સના સહયોગથી બનેલા ઓક્સિજન પ્લાન્ટસને જોડવામાં આવે તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, આ બધાના પ્રયાસોથી આશરે 4,000 નવા ઓક્સિજન પ્લાન્ટ ઉપલબ્ધ થઈ રહ્યા છે. ઓક્સિજનના પડકારનો મુકાબલો કરવામાં હવે દેશ અને દેશની હોસ્પિટલ અગાઉ કરતાં પણ વધુ સક્ષમ બની ચૂક્યા છે.

સાથીઓ,

દરેક ભારતવાસી માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે રસીના 93 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ખૂબ જલ્દી આપણે 100 કરોડનો આંક પણ પાર કરી દઈશું. ભારતે કોવિડ પ્લેટફોર્મનું નિર્માણ કરીને સમગ્ર દુનિયાને માર્ગ બતાવ્યો છે કે આટલા મોટા પાયા પર રસીકરણ કેવી રીતે કરી શકાય છે. પર્વતો હોય, જંગલ હોય, સમુદ્ર હોય, 10 લોકો હોય કે 10 લાખ લોકો હોય, દરેક વિસ્તાર સુધી આજે આપણે સંપૂર્ણ સુરક્ષા સાથે રસી પહોંચાડી રહ્યા છીએ. આ હેતુ માટે સમગ્ર દેશમાં એક લાખ ત્રીસ હજારથી વધુ રસીકરણ કેન્દ્રો પણ સ્થાપવામાં આવ્યા છે. અહીંયા રાજ્ય સરકારની અસરકારક વ્યવસ્થાને કારણે ઉત્તરાખંડ પણ ખૂબ જલ્દી 100 ટકા પ્રથમ ડોઝનો મુકામ પાર કરી જવાનું છે અને એના માટે હું મુખ્યમંત્રીજીને, તેમની સમગ્ર ટીમને અહીંના દરેક નાના મોટા સરકારના સાથીદારોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

ભાઈઓ અને બહેનો,

જ્યાં તરાઈ જેવી સમતલ ભૂમિ છે ત્યાં કદાચ આ બધા કામમાં સરળતા રહેતી હશે. હું આ ધરતી સાથે  ખૂબ જ જોડાયેલો રહ્યો છું. અહીંયા રસી પહોંચાડવાનું ખૂબ જ મુશ્કેલ બની રહે છે. હિમાલયના પહાડોની પેલે પાર પહોંચીને લોકો પાસે જવું કેટલું કઠીન હોય છે તે અમે સારી રીતે સમજીએ છીએ. આવી સ્થિતિ હોવા છતાં પણ આટલી મોટી સિધ્ધિ પ્રાપ્ત કરવા માટે આપ સૌ સાચે જ અભિનંદનને પાત્ર છો.

ભાઈઓ અને બહેનો,

21મી સદીનું ભારત જનતાની અપેક્ષાઓ, જનતાની આવશ્યકતાઓ પૂરી કરવાના ઉપાયો શોધતાં આગળ વધતું રહેશે. સરકાર આજે એ બાબતની પ્રતિક્ષા નથી કરતી કે નાગરિક તેની પાસે પોતાની સમસ્યાઓ લઈને આવશે ત્યારે કોઈ પગલાં લઈશું. સરકારી માનસિકતા અને વ્યવસ્થાને આ ભ્રમમાંથી આપણે બહાર કાઢી રહ્યા છીએ. હવે સરકાર નાગરિકોની પાસે જાય છે. ગરીબોને પાકું મકાન આપવાનું હોય, વિજળી, પાણી, શૌચાલય અને ગેસ કનેક્શન હોય, 80 કરોડથી વધુ લોકોને મફત રેશન આપવાનું હોય, ખેડૂતોના બેંકના ખાતામાં સીધા હજારો કરોડ રૂપિયા જમા કરવાના હોય, દરેક ભારતીય સુધી પેન્શન અને વીમા સુવિધા પહોંચાડવાનો પ્રયાસ હોય, લોકહિતના આવા દરેક લાભ ઝડપથી દરેક હક્કદાર સુધી પહોંચી રહ્યા છે.

સાથીઓ,

આરોગ્યના ક્ષેત્રમાં ભારત આવા જ અભિગમ સાથે આગળ ધપી રહ્યું છે. એનાથી ગરીબ અને મધ્યમ વર્ગને બચત પણ થઈ રહી છે અને તેને સુવિધા પણ મળી રહી છે. અગાઉ જ્યારે કોઈને ગંભીર બીમારી થતી હતી ત્યારે તે આર્થિક મદદ માટે એકથી બીજા સ્થળે નેતાઓના કે પછી સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. આયુષ્માન ભારતે આ મુશ્કેલી હંમેશા માટે ખતમ કરી દીધી છે. હોસ્પિટલની લાંબી લાઈનો હોય, સારવારમાં થતો વિલંબ હોય, તબીબી ઈતિહાસના અભાવ જેવા કારણોથી લોકો કેટલા પરેશાન થતા હતા. હવે આયુષ્માન ભારત ડિજિટલ મિશન દ્વારા પ્રથમ વખત આ પરિસ્થિતિનો ઉપાય શોધવાનો પ્રયાસ શરૂ થઈ ચૂક્યો છે.

સાથીઓ,

નાની નાની સારવાર માટે બિમારી વખતે રૂટિન ચેક-અપ કરાવવા માટે વારંવાર આવવું જવું કેટલું મુશ્કેલ બની રહે છે તે ઉત્તરાખંડના લોકોથી બહેતર કોણ સમજી શકે તેમ છે. લોકોની આ મુશ્કેલી દૂર કરવા માટે હવે ઈ-સંજીવની એપ્પની સુવિધા શરૂ કરવામાં આવી છે અને તેના મારફતે ગામડાંમાં પોતાના ઘેર બેઠા બેઠા દર્દી શહેરોની હોસ્પિટલોના ડોક્ટર સાથે કન્સલ્ટેશન લઈ રહ્યા છે. તેનો લાભ હવે ઉત્તરાખંડના લોકોએ પણ લેવાનું શરૂ કર્યું છે.

ભાઈઓ અને બહેનો,

આરોગ્યની સુવિધાઓ તમામ લોકો સુધી પહોંચાડવા માટે લાસ્ટ માઈલ ડિલિવરી સાથે જોડાયલી સશક્ત આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓ પણ ખૂબ જ જરૂરી બની રહે છે. 6 થી 7 વર્ષ પહેલા ભારતના થોડાંક રાજ્યોમાં એઈમ્સની સુવિધા હતી, આજે દરેક રાજ્ય સુધી એઈમ્સ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. 6 એઈમ્સથી આગળ વધીને 22 એઈમ્સનું સશક્ત નેટવર્ક બનાવવાની દિશામાં આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. સરકારનું પણ એ લક્ષ્ય છે કે દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ ચોક્કસ હોય. આ માટે વિતેલા 7 વર્ષમાં દેશમાં 170 મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી છે. ડઝનબંધ નવી મેડિકલ કોલેજો શરૂ કરવાનું કામ ચાલુ છે. અહીં મારા ઉત્તરાખંડમાં પણ રૂદ્રપુર, હરિદ્વાર અન પિઢોરાગઢમાં નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

સાથીઓ,

ઉત્તરાખંડના નિર્માણનું સપનું અટલજીએ પૂરૂં કર્યું હતું. અટલજી માનતા હતા કે કનેક્ટિવિટીનો સીધો સંબંધ વિકાસ સાથે છે. તેમની પ્રેરણાથી આજે દેશમાં કનેક્ટિવિટીની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે અભૂતપૂર્વ ગતિ અને વ્યાપ સાથે કામ કરવામાં આવી રહ્યું છે. મને સંતોષ છે કે ઉત્તરાખંડની સરકાર આ દિશામાં ગંભીરતાથી કામ કરી રહી છે. બાબા કેદારનાથના આશીર્વાદથી કેદાર ધામની ભવ્યતા ખૂબ જ વધારવામાં આવી રહી છે. ત્યાં શ્રધ્ધાળુ માટે નવી સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. હું પણ ઘણીવાર ડ્રોન કેમેરાના માધ્યમથી આવા કાર્યોની પ્રગતિની સમીક્ષા કરતો રહું છું. ચાર ધામને જોડનારા બારમાસી રોડ માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. ચાર ધામ યોજના દેશ અને દુનિયામાંથી આવનારા શ્રધ્ધાળુઓ માટે ખૂબ મોટી સુવિધા તો તૈયાર થઈ જ રહી છે, ગઢવાલ અને કુમાઉના પડકારજનક વિસ્તારોને પણ તે એક બીજા સાથે જોડી રહી છે. કુમાઉથી ચાર ધામ રોડના લગભગ દોઢસો કિલોમીટરના વિસ્તારને નવો વિકાસ હાંસલ થવાનો છે. ઋષિકેશ- કર્ણપ્રયાગ રેલવે લાઈનથી ઉત્તરાખંડની રેલવે કનેક્ટિવિટીનું વિસ્તરણ થશે. સડક અને રેલવે સિવાય એર કનેક્ટિવિટી અંગે થઈ રહેલા કાર્યોનો લાભ પણ ઉત્તરાખંડને મળ્યો છે. દહેરાદૂન એરપોર્ટની ક્ષમતા 250 પેસેન્જરથી વધારીને 1200 સુધી પહોંચાડવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રીમાન ધામીજીના ઉત્સાહી અને ઊર્જાવાન નેતૃત્વ હેઠળ ઉત્તરાખંડમાં હેલિપોર્ટ માળખાકિય સુવિધાને પણ પ્રોત્સાહન પૂરૂં પાડવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

પાણીની કનેક્ટિવિટી બાબતે પણ ઉત્તરાખંડમાં આજે પ્રશંસાપાત્ર કામ થઈ રહ્યું છે અને તેનો ખૂબ મોટો  લાભ અહીંની મહિલાઓને મળવાનો શરૂ થઈ ગયો છે. તેમનું જીવન હવે વધુ આસાન બની રહ્યું છે. વર્ષ 2019માં જળ જીવન મિશન શરૂ થયું તે પહેલાં ઉત્તરાખંડના માત્ર 1 લાખ 30 હજાર ઘરમાં નળથી જળ પહોંચતું હતું. આજે ઉત્તરાખંડના 7 લાખ 10 હજારથી વધુ ઘરમાં નળથી જળ પહોંચ્યું છે. આનો અર્થ એ થયો કે માત્ર બે વર્ષમાં રાજ્યના અંદાજે 6 લાખ ઘરને પાણીના જોડાણ મળ્યા છે. જે રીતે ઉજ્જવલા યોજના હેઠળ મળેલા ગેસના જોડાણથી મહિલાઓને રાહત પ્રાપ્ત થઈ છે, તેવી જ રીતે સ્વચ્છ ભારત મિશન હેઠળ બનેલા શૌચાલયથી મહિલાઓને સુરક્ષા અને સન્માન મળ્યું છે. તેવી જ રીતે જળ જીવન મિશનથી મળી રહેલા પાણીના જોડાણ મહિલાઓને ખૂબ જ રાહત પૂરી પાડી રહ્યા છે.

સાથીઓ,

દેશની સુરક્ષામાં ઉત્તરાખંડની ખૂબ મોટી ભૂમિકા છે. અહીંના બહાદુર નવયુવાનો, બહાદુર દીકરીઓ, ભારતના સુરક્ષા દળોની આન, બાન અને શાન છે. અમારી સરકાર દરેક ફૌજી, દરેક પૂર્વ ફૌજીના હિત અંગે પણ ગંભીરતાપૂર્વક કામ કરી રહી છે. એ અમારી સરકાર છે કે જેણે વન રેન્ક, વન પેન્શન લાગુ કરીને આપણાં ફૌજી ભાઈઓની 40 વર્ષ જૂની માંગ પૂરી કરી હતી. અમારા ધામીજી તો ખુદ ફૌજીના દિકરા છે. તે જણાવી રહ્યા હતા કે વન રેન્ક, વન પેન્શન યોજનાના નિર્ણયને કારણે ફૌજીઓને કેટલી મોટી મદદ મળી રહી છે.

સાથીઓ,

અમારી આ સરકાર છે કે જેણે દિલ્હીમાં નેશનલ વૉર મેમોરિયલનું નિર્માણ કરીને દેશના વીર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. એ અમારી જ સરકાર છે કે જેણે બેટલ કેઝ્યુલિટીઝ વેલફેર ફંડનો લાભ લશ્કરના જવાનોની સાથે સાથે નૌકાદળ અને વાયુદળના શહિદો માટે પણ પૂરો પાડવાનો નિર્ણય કર્યો છે. એ અમારી જ સરકાર છે કે જેણે જેસીઓ (JCO) અને અન્ય રેન્કના પ્રમોશન બાબતે છેલ્લા 4 દાયકાથી ચાલી રહેલા વિવાદને ઉકેલ્યો છે. પૂર્વ સૈનિકોને પેન્શન સાથે જોડાયેલી બાબતોમાં તકલીફ પડે નહી તે માટે અમે ડિજિટલ ટેકનોલોજીનો વપરાશ પણ વધારી રહ્યા છીએ.

સાથીઓ,

જ્યારે લશ્કરના વીર ઝાંબાઝ પાસે આધુનિક હથિયાર હોય છે, પોતાના રક્ષણ માટે આધુનિક ઉપકરણો હોય છે ત્યારે તે તેના રક્ષણ માટે ખૂબ આસાનીથી દુશ્મનનો મુકાબલો કરી શકે છે. આવા સ્થળોએ જ્યાં મોસમ ખરાબ હોય છે ત્યાં આધુનિક ઉપકરણોના કારણે તેમને ખૂબ જ મદદ મળી રહે છે. અમારી સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું જે અભિયાન ચલાવ્યું છે તે પણ આપણાં ફૌજી સાથીઓને ખૂબ જ મદદ કરી રહ્યું છે અને ચોક્કસપણે સરકારના આ બધા પ્રયાસોનો લાભ ઉત્તરાખંડ અને અહીંના લોકોને પણ થશે.

ભાઈઓ અને બહેનો,

અમે દાયકાઓથી થઈ રહેલી ઉપેક્ષામાંથી દેવભૂમિને બહાર કાઢવાનો ખૂબ જ ઈમાનદારીથી, સંપૂર્ણ ગંભીરતાથી પ્રયાસ કરી રહ્યા છીએ. બહેતર માળખાકીય સુવિધાઓ તૈયાર થયા પછી ઉજ્જડ થયેલા ગામડાં ફરીથી આબાદ થવા લાગ્યા છે. કોરોના કાળમાં મેં અનેક યુવાનો સાથે, અનેક ખેડૂતો  સાથે વાતચીત કરી છે. તે લોકો જણાવે છે કે તેમના ઘર સુધી સડક પહોંચી ચૂકી છે. હવે તેમણે હોમ સ્ટે ખોલી નાંખ્યો છે એવું જણાવે છે ત્યારે ખૂબ જ સંતોષ મળે છે. નવી માળખાકીય સુવિધાઓથી ખેતી, પર્યટન, યાત્રા અને ઉદ્યોગોમાં યુવાનો માટે અનેક નવી તકો ખૂલવાની છે.

સાથીઓ,

અહીંયા ઉત્તરાખંડમાં ઊર્જાથી ભરપૂર યુવાનોની ટીમ છે. હવે પછીના થોડાક વર્ષોમાં ઉત્તરાખંડ પોતાની સ્થાપનાના 25મા વર્ષમાં પ્રવેશ કરશે. ખૂબ જ નજીકના ભવિષ્યમાં ઉત્તરાખંડને 25 વર્ષ થવાના છે ત્યારે ઉત્તરાખંડ જે ઉંચાઈ પર હશે તે નક્કી કરવાનો અને તે કામગીરી સાથે જોડાવાનો આ સાચો સમય છે. કેન્દ્રમાં જે સરકાર છે તે ઉત્તરાખંડની આ નવી ટીમને સંપૂર્ણ મદદ પૂરી પાડી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી અહીંના લોકોના સપનાં પૂરાં કરવાનો ખૂબ મોટા આધાર પ્રાપ્ત થયો છે. વિકાસનું આ ડબલ એન્જિન ઉત્તરાખંડને નવી ઉંચાઈ સુધી લઈ જવાનું છે. બાબા કેદારની કૃપાથી આપણે દરેક સંકલ્પ સિધ્ધ કરીશું એવી શુભેચ્છા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

ધન્યવાદ!

SD/GP/JD



(Release ID: 1761896) Visitor Counter : 234