નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

નાણાકીય સર્વસમાવેશકતા માટે રાષ્ટ્રીય અભિયાન પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય)એ સફળતાપૂર્વક અમલના સાત વર્ષ પૂર્ણ કર્યા


પીએમજેડીવાયની શરૂઆત પછી અત્યાર સુધી 43.04 કરોડ લાભાર્થીઓને બેંકિંગની સુવિધાઓ મળી, આ ખાતાઓમાં કુલ ડિપોઝિટ રૂ. 146,231 કરોડ

“પીએમજેડીવાયની સાત વર્ષની ટૂંકા ગાળાની સફરમાં હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોએ પરિવર્તનકારક અને દિશાસૂચક એમ બંને પ્રકારની અસરો ઊભી કરી છે, જેથી સમાજના ગરીબમાં ગરીબ વર્ગના છેવાડાના માનવીને નાણાકીય સેવાઓ પ્રદાન કરવા વિકસતી એફઆઈ ઇકોસિસ્ટમ સક્ષમ બની છે”– કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી, નિર્મલા સીતારમન

“નાણાકીય સર્વસમાવેશકતા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા પૈકીની એક છે, કારણ કે આ પ્રક્રિયા સર્વસમાવેશક વૃદ્ધિ માટે પ્રેરકબળ છે.”- રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય નાણાં મંત્રી, ડો. ભાગવત કરાડ
પીએમજેડીવાય ખાતાઓ માર્ચ, 2015માં 14.72 કરોડથી ત્રણ ગણા વધીને 18-08-2021 સુધી 43.04 કરોડ થયા

55 ટકા જન ધન ખાતાધારકો મહિલાઓ છે અને 67 ટકા જન ધન ખાતાઓ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં છે

43.04 કરોડ પીએમજેડીવાય ખાતાઓમાંથી 36.86 કરોડ (86 ટકા) ખાતા ચાલુ છે

પીએમજેડીવાય ખાતાધારકોને કુલ ઇશ્યૂ થયેલા રુપે કાર્ડઃ 31.23 કરોડ

પીએમ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કોવિડ લોકડાઉન દરમિયાન મહિલા પી

Posted On: 28 AUG 2021 7:30AM by PIB Ahmedabad

નાણાં મંત્રાલય સામાજિક-આર્થિક રીતે ઉપેક્ષિત વર્ગો અને વંચિત સમુદાયોને ટેકો આપવા અને નાણાકીય સર્વસમાવેશકતા પ્રદાન કરવા કટિબદ્ધ છે. નાણાકીય સર્વસમાવેશકતા સરકારની એક રાષ્ટ્રીય પ્રાથમિકતા છે, કારણ કે આ સર્વસમાવેશક વૃદ્ધિ માટે પ્રેરકબળ છે. વળી આ પ્રક્રિયા ગરીબો લાલચુ શાહૂકારોની જાળમાંથી બહાર આવવા ઉપરાંત તેમની બચત ઔપચારિક નાણાકીય વ્યવસ્થામાં કરવા અને તેમના પરિવારજનોને ગામડાઓમાં નાણાં મોકલવાના માધ્યમો પ્રદાન કરતી હોવાથી મહત્વપૂર્ણ છે. આ કટિબદ્ધતા માટે મુખ્ય પહેલ પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) છે, જે દુનિયામાં સૌથી મોટી નાણાકીય સર્વસમાવેશકતા માટે હાથ ધરવામાં આવેલી પહેલો પૈકીની એક છે.

પીએમજેડીવાયની જાહેરાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ, 2014ના રોજ તેમના સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી હતી. જ્યારે એ વર્ષે 28 ઓગસ્ટના રોજ આ કાર્યક્રમ શરૂ થયો હતો, ત્યારે પ્રધાનમંત્રીએ આ પ્રસંગને નાણાકીય રીતે નુકસાનકારક ચક્રમાંથી ગરીબોને છોડાવવાની ઉજવણીનો એક પ્રસંગ ગણાવ્યો હતો.

પીએમજેડીવાયની સાતમી વર્ષગાંઠ પર નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમને આ યોજનાના મહત્વ પર ભાર મૂકીને કહ્યું હતું કે, પીએમજેડીવાય અંતર્ગત હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોએ સાત વર્ષના ટૂંકા ગાળાની સફરમાં પરિવર્તનકારક અને દિશાદર્શક એમ બંને પ્રકારની અસર ધરાવે છે, જેનાથી વિકસતી એફઆઈ ઇકોસિસ્ટમ સમાજના અતિ ગરીબ વર્ગના છેવાડાના માનવીને નાણાકીય સેવાઓ આપવા સક્ષમ બની છે. પીએમજેડીવાયના પાયામાં છે – બેંકિંગની સુવિધાથી વંચિતોને બેંકિંગ સેવાઓ પ્રદાન કરવી, અસુરક્ષિત લોકોને સામાજિક સુરક્ષા આપવી અને ફંડ મેળવવા સક્ષમ ન હોય એવા લોકોને ફંડ પ્રદાન કરવું, જેના પગલે બેંકિંગ અને નાણાકીય સેવાઓથી વંચિત અને ઓછી સેવા ધરાવતા લોકો માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિવિધ હિતધારકો વચ્ચે જોડાણનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં મંત્રી ડો. ભાગવત કરાડે પણ પીએમજેડીવાય માટે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) ભારતની સાથે દુનિયામાં નાણાકીય સર્વસમાવેશકતા માટે સૌથી વધુ પહોંચ ધરાવતી પહેલો પૈકીની એક છે. સરકારની ટોચની પ્રાથમિકતાઓમાં એક નાણાકીય સર્વસમાવેશકતા છે, કારણ કે આ સર્વસમાવેશક વૃદ્ધિને વેગ આપે છે. આ ગરીબોને લાલચુ શાહૂકારોની જાળમાંથી ગરીબોને છોડાવવા ઉપરાંત તેમની બચત ઔપચારિક વ્યવસ્થામાં લાવવાનું અને તેમના પરિવારજનોને નાણાં મોકલવા માધ્યમ પ્રદાન કરે છે.

જ્યારે આપણે આ યોજનાના સફળ અમલના 7 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે આપણે અત્યાર સુધી આ યોજનાના મુખ્ય પાસાં અને એની ઉપલબ્ધિઓ પર એક નજર દોડાવીએ.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) નાણાકીય સર્વસમાવેશકતા માટેનું એક રાષ્ટ્રીય અભિયાન છે, જે નાણાકીય સેવાઓની સુલભતા સુનિશ્ચિત કરે છે, જેમ કે બેંકિંગ/સેવિંગ્સ અને ડિપોઝિટ ખાતાઓ, રેમિટન્સ, ધિરાણ, વાજબી ખર્ચે વીમો, પેન્શન.

  1. ઉદ્દેશો:
    • વાજબી ખર્ચે નાણાકીય ઉત્પાદનો અને સેવાઓની સુલભતા સુનિશ્ચિત કરવી
    • ખર્ચ ઘટાડવા અને પહોંચ વધારવા ટેકનોલોજીનો ઉપયોગ
  2. યોજનાના મૂળ સિદ્ધાંતો
    • બેંકિંગની સુવિધાથી વંચિત લોકોને બેંકિંગ સેવાઓ આપવી – ઓછામાં ઓછા પેપરવર્ક, કેવાયસીમાં છૂટછાટ, ઇ-કેવાયસી, યુદ્ધના ધોરણે ખાતું ખોલવા, ઝીરો બેલેન્સ અને ઝીરો ચાર્જ સાથે મૂળભૂત સેવિંગ્સ બેંક ડિપોઝિટ (બીએસબીડી) ખાતા ખોલ્યાં
    • અસુરક્ષિત લોકોને સામાજિક સુરક્ષાકવચ પ્રદાન કરવું રૂ. 2 લાખના નિઃશુલ્ક અકસ્માત વીમાકવચ સાથે મર્ચન્ટ લોકેશન્સ પર રોકડ ઉપાડ અને ચુકવણી માટે સ્વદેશી ડેબિટ કાર્ડ ઇશ્યૂ કર્યા
    • ફંડથી વંચિત લોકોને ફંડ આપવું લઘુવીમો, વપરાશ માટે ઓવરડ્રાફ્ટ, સૂક્ષ્મ-પેન્શન અને સૂક્ષ્મ-ધિરાણ જેવી અન્ય નાણાકીય સેવાઓ
  3. પ્રારંભિક ખાસિયતો

 

આ યોજના નીચેના 6 આધારસ્તંભને આધારે શરૂ થઈ હતીઃ

  1. બેંકિંગની સેવાઓની તમામને સુલભતા – શાખા અને બીસી
  2. લાયકાત ધરાવતા દરેક પુખ્તને રૂ. 10,000/-ની ઓવરડ્રાફ્ટની સુવિધા સાથે મૂળભૂત સેવિંગ્સ બેંક ખાતા
  3. નાણાકીય જાણકારી કાર્યક્રમ – બચત, એટીએમના ઉપયોગને પ્રોત્સાહન, ધિરાણ આપવાની તૈયારી, વીમા અને પેન્શનનો લાભ લેવો, બેંકિંગ માટે બેઝિક મોબાઇલ ફોનનો ઉપયોગ
  4. ક્રેડિટ ગેરન્ટી ફંડની રચના – ડિફોલ્ટ સામે બેંકોને થોડી ગેરન્ટી આપવા
  5. વીમો – 15 ઓગસ્ટ, 2014થી 31 જાન્યુઆરી, 2021 વચ્ચે ખુલેલા ખાતાઓ પર અકસ્માત વીમાકવચ રૂ. 1,00,000 સુધી અને જીવન વીમાકવચ રૂ. 30,000
  6. અસંગઠિત ક્ષેત્ર માટે પેન્શન યોજના

 

  1. અગાઉના અનુભવને આધારે પીએમજેડીવાયના સ્વીકારમાં મહત્વપૂર્ણ અભિગમ:

 

    1. અગાઉ વિક્રેતા સાથે ટેકનોલોજી લોક-ઇન સાથે ઓફલાઇન ખાતું ખોલાવવાના સ્થાને બેંકોની મુખ્ય બેંકિંગ સિસ્ટમમાં ખાતાં ઓનલાઇન ખુલે છે
    2. રુપે ડેબિટ કાર્ડ કે આધાર અનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (એઇપીએસ) દ્વારા આંતરકાર્યક્ષમતા
    3. ફિક્સ્ડ-પોઇન્ટ બિઝનેસ કરન્સપોન્ડન્ટ
    4. જટિલ કેવાયસી ઔપચારિકતાઓને બદલે સરળ કેવાયસી/ઇ-કેવાયસી

 

  1. નવી ખાસિયતો સાથે પીએમજેડીવાયને આગળ વધારવી સરકારે સંપૂર્ણ પીએમજેડીવાય પ્રોગ્રામને 28.8.2018થી આગળ વધારવાનો નિર્ણય લીધો હતો અને તેમાં થોડા સુધારાવધારા કર્યા છે
  1. બેંકિંગ સુવિધાથી વંચિત દરેક કુટુંબ પરથી દરેક પુખ્ત વયની વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું
  2. રુપે કાર્ડ ઇન્સ્યોરન્સ – 28.08.2018 પછી ખુલેલાં પીએમજેડીવાય ખાતાઓ માટે રુપે કાર્ડ્સ પર ફ્રી અકસ્માત વીમાકવચ રૂ. 1 લાખથી વધારીને રૂ. 2 લાખ કરવામાં આવ્યું
  3. ઓવરડ્રાફ્ટની સુવિધામાં વધારો -
  • ઓડી મર્યાદા રૂ. 5,000/-થી વધારીને બમણી રૂ. 10,000/- કરવામાં આવી; રૂ. 2,000/- સુધીની ઓડી (કોઈ પણ પ્રકારની શરત વિના).
  • ઓડી માટે મહત્તમ વયમર્યાદા 60 વર્ષથી વધારીને 65 વર્ષ કરવામાં આવી

 

  1. પીએમજેડીવાયની અસર

પીએમજેડીવાય જન-કેન્દ્રિત આર્થિક પહેલો માટે પાયો છે. સરકારી સહાયોનું લાભાર્થીઓની ખાતામાં સીધું હસ્તાંતરણ હોય, કોવિડ-19 નાણાકીય સહાય હોય, પીએમ-કિસાન હોય , મનરેગા અંતર્ગત વેતનમાં વધારો હોય, જીવન અને આરોગ્ય વીમાકવચ હોય – આ તમામ પહેલોનું પ્રથમ પગથિયું પુખ્ત વયની દરેક વ્યક્તિને બેંક ખાતું પ્રદાન કરવાનું છે અને આ પ્રક્રિયા પીએમજેડીવાયએ લગભગ પૂર્ણ કરી છે.

માર્ચ, 2014થી માર્ચ, 2020 વચ્ચે ખુલેલા દર 2 ખાતામાંથી 1 ખાતું પીએમજેડીવાય ખાતું હતું. રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન લાગુ થયાના 10 દિવસની અંદર આશરે 20 કરોડ મહિલા પીએમજેડીવાય ખાતાધારકોના ખાતાઓમાં સહાયની રકમ જમા થઈ હતી.

જન ધન ગરીબોને લાલુચ અને શોષણખોર શાહૂકારોની જાળમાંથી છોડાવવા ઉપરાંત તેમની બચતને ઔપચારિક નાણાકીય વ્યવસ્થામાં લાવવા અને ગામડાઓમાં તેમના પરિવારોને નાણાં મોકલવા માટે એક માધ્યમ પ્રદાન કરે છે. પીએમજેડીવાયએ બેંકિંગની સુવિધાથી વંચિત લોકોને બેંકિંગની વ્યવસ્થા પ્રદાન કરી છે, ભારતનો નાણાકીય આધાર વધાર્યો છે અને લગભગ દરેક પુખ્ત વયની વ્યક્તિઓને નાણાકીય સર્વસમાવેશકતાની જાળવામાં લાવી દીધી છે.

અત્યારે કોવિડ-19ના સમયમાં અમે સમાજના નબળાં વર્ગોને સક્ષમ બનાવવા અને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી) સાથે નોંધપાત્ર સરળતા અને ઝડપ જોઈ છે. એક મહત્વપૂર્ણ પાસું એ છે કે, પીએમ જન ધન ખાતાઓ મારફતે ડીબીટી સુનિશ્ચિત કરે છે કે, દરેક રૂપિયો કે એક-એક પાઈ લાભાર્થીઓના ખાતામાં પહોંચે છે અને ભ્રષ્ટાચાર નાબૂદ થયો છે કે વ્યવસ્થાની ખામીઓ દૂર થઈ છે.

  1. પીએમજેડીવાય અંતર્ગત પ્રાપ્ત થયેલી ઉપલબ્ધિઓ 18 ઓગસ્ટ, 2021 સુધી:
  1. પીએમજેડીવાય ખાતાઓ

 

  • 18 ઓગસ્ટ, 2021ના રોજ પીએમજેડીવાયના ખાતાઓની સંખ્યાઃ 43.04 કરોડ; 55.47 ટકા (23.87 કરોડ) જન ધન ખાતાધારકો મહિલાઓ છે અને 66.69 ટકા (28.70 કરોડ) જન ધન ખાતાઓ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં છે
  • યોજનાના પ્રથમ વર્ષ દરમિયાન 17.90 કરોડ પીએમજેડીવાય ખાતાઓ ખુલ્યાં હતાં
  • પીએમજેડીવાય અંતર્ગત ખાતાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે
  • પીએમજેડીવાય ખાતાઓ માર્ચ, 2015માં 14.72 કરોડથી ત્રણ ગણા વધીને 18-08-201 સુધી 43.04 કરોડ થયા છે. ખરેખર નાણાણાકીય સર્વસમાવેશકતાના કાર્યક્રમ માટે આ નોંધપાત્ર સફર છે.

 

  1. ચાલુ પીએમજેડીવાય ખાતા

 

  • આરબીઆઈની વિસ્તૃત માર્ગદર્શિકા મુજબ, પીએમજેડીવાય ખાતાને નિષ્ક્રિય ગણવામાં આવે છે, જો બે વર્ષથી વધારે ગાળા સુધી ખાતામાં ગ્રાહક કોઈ નાણાકીય વ્યવહાર ન કરે તો
  • ઓગસ્ટ, 2021માં પીએમજેડીવાયના કુલ 43.04 કરોડ ખાતાઓમાંથી 36.86 કરોડ (85.6 ટકા) કાર્યરત છે
  • ચાલુ ખાતાની ટકાવારીમાં સતત વધારો એનો સંકેત છે કે, આ ખાતાઓમાંથી વધુને વધુ ખાતાઓનો ગ્રાહકો નિયમિત ધોરણે ઉપયોગ કરે છે
  • ફક્ત 8.2 ટકા પીએમજેડીવાય ખાતાઓ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ધરાવે છે
  1. પીએમજેડીવાય ખાતા હેઠળ ડિપોઝિટ -

  • પીએમજેડીવાય ખાતાઓ અંતર્ગત કુલ ડિપોઝિટ બેલેન્સ રૂ. 1,46,230 કરોડ છે
  • ઓગસ્ટ, 2015 પછી ઓગસ્ટ, 2021 સુધી ખાતાઓમાં વધારા સાથે ડિપોઝિટમાં આશરે 6.38 ગણો વધારો થયો

 

  1. પીએમજેડીવાય ખાતાદીઠ સરેરાશ ડિપોઝિટ -

  • ખાતાદીઠ સરેરાશ ડિપોઝિટ રૂ. 3,398 છે
  • ઓગસ્ટ, 2015ની સરખામણીમાં ખાતાદીઠ સરેરાશ ડિપોઝિટમાં 2.7 ગણો વધારો થયો છે
  • સરેરાશ ડિપોઝિટમાં વધારો ખાતાઓના ઉપયોગમાં વધારાનો અને ખાતાધારકો વચ્ચે બચતની આદત વિકસી હોવાનો અન્ય એક સંકેત છે

 

  1. પીએમજેડીવાય ખાતાધારકોને રુપે કાર્ડ ઇશ્યૂ થયા

 

 

  1. જન ધન રક્ષક એપ

આ એક મોબાઇલ એપ્લિકેશન છે, જે દેશમાં બેંકની શાખાઓ, એટીએમ, બેંક મિત્ર, પોસ્ટ ઓફિસ વગેરે જેવા બેંકિંગ ટચ પોઇન્ટ લોકેટ કરવા નાગરિક કેન્દ્રિત પ્લેટફોર્મ પ્રદાન પૂરું પાડવા માટે પ્રસ્તુત કરવામાં આવી હતી. જીઆઇએસ એપ પર 8 લાખથી વધારે બેંકિંગ ટચપોઇન્ટનું મેપિંગ થયું છે. જન ધન રક્ષક એપ અંતર્ગત સુવિધાઓનો લાભ સામાન્ય નાગરિકો તેમની જરૂરિયાત અને સુવિધા મુજબ લઈ શકે છે. આ એપ્લિકેશનનું વેબ વર્ઝન આ લિન્ક પર સુલભ છેઃ http://findmybank.gov.in.

આ એપ 5 કિલોમીટરની અંદર બેંકિંગ ટચપોઇન્ટ ન ધરાવતા ગામડાઓની ઓળખ કરવા માટે પણ ઉપયોગી છે. પછી આ ઓળખ કરાયેલા ગામડાઓમાં વિવિધ બેંકો બેંકિંગ આઉટલેટ શરૂ કરવા સંબંધિત એસએલબીસી દ્વારા ફાળવે છે. આ પ્રયાસોના પરિણામે આ પ્રકારના બેંકિંગ સુવિધાઓથી વંચિત ગામડાઓની સંખ્યામાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે.

  1. પીએમજેડીવાય મહિલા લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (પીએમજીકેપી)

આદરણીય નાણાં મંત્રીએ 26.3.2020ના રોજ કરેલી જાહેરાત મુજબ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) હેઠળ મહિલા ખાતાધારકોના ખાતામાં ત્રણ મહિના માટે (એપ્રિલ, 2020થી જૂન, 2020) સુધી દર મહિને રૂ. 500/- જમા કરવામાં આવ્યાં હતાં. કોવિડ લોકડાઉનના સમયગાળા દરમિયાન પીએમજેડીવાય મહિલા ખાતાધારકોના ખાતાઓમાં કુલ રૂ. 30,945 કરોડ જમા થયા છે.

  1. સરળ ડીબીટી વ્યવહારો સુનિશ્ચિત કરવા:

બેંકોએ આપેલી જાણકારી મુજબ, આશરે 5 કરોડ પીએમજેડીવાય ખાતાધારકોને સરકારની વિવિધ કલ્યાણકારક યોજનાઓ અંતર્ગત સરકારી સહાયો સીધી તેમના બેંક ખાતાઓમાં (ડીબીટી) મળે છે. લાયકાત ધરાવતા લાભાર્થીઓને ડીબીટી સમયસર મળે એ સુનિશ્ચિત કરવા વિભાગે ડીબીટી અભિયાન, એનપીસીઆઈ, બેંકો અને અન્ય વિવિધ મંત્રાલયો સાથે ચર્ચા કરીને ડીબીટી નિષ્ફળતા માટે ટાળી શકાય એવા કારણોની ઓળખ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. બેંકો અને એનપીસીઆઈ સાથે નિયમિતપણે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ સંબંધમાં નજર રાખવાની સાથે કુલ ડીબીટી નિષ્ફળતાની ટકાવારી તરીકે ટાળી શકાય એવા કારણોને લીધે ડીબીટી નિષ્ફળતાનો હિસ્સો 13.5 ટકા (નાણાકીય વર્ષ 2019-20)થી ઘટીને 5.7 ટકા (નાણાકીય વર્ષ 2020-21) થયો છે.

 

  1. ભવિષ્યનો માર્ગ

 

  1. લઘુ વીમા યોજનાઓ અંતર્ગત પીએમજેડીવાય ખાતાધારકોને આવરી લેવામાં આવે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ લાયકાત ધરાવતા પીએમજેડીવાય ખાતાધારકોને પીએમજેજેબીવાય અને પીએમએસબીવાય અંતર્ગત આવરી લેવામાં આવશે. બેંકોને આ અંગે જણાવી દેવામાં આવ્યું છે.
  2. સમગ્ર ભારતમાં પેમેન્ટ સ્વીકાર્યતા માટેની માળખાગત સુવિધાઓ ઊભી કરીને પીએમજેડીવાય ખાતાધારકો વચ્ચે રુપે ડેબિટ કાર્ડના વપરાશ સહિત વિવિધ ડિજિટલ પેમેન્ટની પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું
  3. ફ્લેક્સિ-રિકરિંગ ડિપોઝિટ વગેરે જેવી લઘુધિરાણ અને લઘુરોકાણ રીતોની સુલભતા પીએમજેડીવાય ખાતાધારકો માટે વધારવી.

***


(Release ID: 1749779) Visitor Counter : 554