પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિશ્વ જળ દિવસ નિમિત્તે 'જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન'નો પ્રારંભ કર્યો


કેન બેટવા લિંક પરિયોજના માટે ઐતિહાસિક MoA પર હસ્તાક્ષર કર્યા

ભારતનો વિકાસ અને આત્મનિર્ભરતા જળ સુરક્ષા અને જળ કનેક્ટિવિટી પર નિર્ભર છે: પ્રધાનમંત્રી

પૂર્ણ ગંભીરતા સાથે પાણીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે: પ્રધાનમંત્રી

Posted On: 22 MAR 2021 2:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 'જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન' નામથી એક અભિયાનનો પ્રારંભ કર્યો છે. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં કેન બેટવા લિંક પરિયોજનાના અમલીકરણ માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને મધ્યપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી વચ્ચે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (MoA) પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. નદીઓના આંતરિક જોડાણ માટે રાષ્ટ્રીય સંભવિત યોજના અંતર્ગત આ પ્રથમ પરિયોજના છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાજસ્થાન, ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતના સરપંચો તેમજ વોર્ડ પંચો સાથે પણ સંવાદ કર્યો હતો.

 

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય જળ દિવસના રોજ કેચ ધ રેઇન (વરસાદને ઝડપી લો) અભિયાનનો પ્રારંભ કરવા ઉપરાંત કેન-બેટવા લિંક કેનાલ પરિયોજના માટે પણ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના લાખો પરિવારોના હિતમાં અટલજીએ જોયેલું સપનું સાકાર કરવા માટે આ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, જળ સુરક્ષા અને અસરકારક જળ વ્યવસ્થાપન વગર ઝડપી વેગે વિકાસ કરવો શક્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે, ભારતના વિકાસ અને ભારતની આત્મનિર્ભરતાની દૂરંદેશી આપણાં જળ સંસાધનો અને આપણી જળ કનેક્ટિવિટી પર નિર્ભર છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતના વિકાસની સાથે સાથે પાણીની કટોકટીનો પડકાર પણ એટલી જ ઝડપથી વધી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આવનારી પેઢીઓની જવાબદારીઓ પરિપૂર્ણ કરવાની જવાબદારી દેશની વર્તમાન પેઢીના ખભે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, સરકારે જળ સુશાસનને પોતાની નીતિઓ અને નિર્ણયોમાં પ્રાથમિકતા આપી છે. છેલ્લા 6 વર્ષમાં આ દિશામાં સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. તેમણે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, દરેક ખેતરમાં જળ અભિયાન હર ખેત કો પાની, 'પર ડ્રોપ મોર ક્રોપ' (ટીપે ટીપે વધુ પાક) અભિયાન અને નમામી ગંગે મિશન, જળ જીવન મિશન તેમજ અટલ ભૂજલ યોજના વિશે પણ વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ બધી જ યોજનાઓમાં ઘણા ઝડપી વેગે કરવામાં કરવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, બહેતર ભારત વરસાદી પાણીનું વ્યવસ્થાન કરે છે, ભૂગર્ભ જળ પર દેશની નિર્ભરતા ઘટાડે છે. આથી, 'કેચ ધ રેઇન' જેવા અભિયાનની સફળતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ટાંક્યું હતું કે, શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોને જળ શક્તિ અભિયાન અંતર્ગત સમાવી લેવામાં આવ્યા છે. તેમણે ચોમાસાના દિવસોમાં જળ સંરક્ષણના પ્રાયસોને વધુ આગળ વધારવા માટે આહ્વાન કર્યું હતું. સરપંચો અને DM/DCના મહત્વ પર વિશેષ ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દર વર્ષે દેશમાં 'જળ શપથ'નું આયોજન કરવામાં આવે છે તે દરેક વ્યક્તિનો દૃઢ સંકલ્પ અને અને સ્વભાવ બની જવા જોઇએ. તેમણે કહ્યું હતું કે, જ્યારે પાણીના સંદર્ભમાં આપણો સ્વભાવ બદલાઇ જાય ત્યારે પ્રકૃતિ પણ આપને સહકાર આપે છે.

પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, વરસાદી પાણીના સંગ્રહની સાથે સાથે, નદીઓના પાણીના વ્યવસ્થાપન વિશે પણ આપણા દેશમાં કાયદાઓથી ચર્ચા થાય છે. દેશને જળ કટોકટીથી બચાવવા માટે, હવે આ દિશામાં ઝડપથી કામ કરવાનું જરૂરી બની ગયું છે. તેમણે કહ્યું હતું કે, કેન- બેટવા લિંક પરિયોજના પણ આ દૂરંદેશીનો એક હિસ્સો છે. તેમણે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બંને સરકારોએ આ પરિયોજનાને વાસ્તવિકરૂપ આપવા માટે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ફક્ત 1.5 વર્ષ પહેલાં, આપણા દેશમાં 19 કરોડ ગ્રામીણ પરિવારોમાંથી માત્ર 3.5 કરોડ પરિવારોને પાઇપ દ્વારા પીવાનું પાણી પ્રાપ્ત થતું હતું. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, જળ જીવન મિશનના પ્રારંભ પછી, આટલા ટુંકા સમયગાળામાં અંદાજે વધુ 4 કરોડ પરિવારોને પાઇપદ્વારા પીવાના પાણીના પુરવઠા માટે નળના જોડાણો મળી ગયા છે. તેમણે નોંધ્યું હતું કે, જળ જીવન મિશનના કેન્દ્ર સ્થાને લોક ભાગીદારી અને સ્થાનિક સુશાસનના મોડલને રાખવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સ્વતંત્રતા પછી પ્રથમ વખત સરકાર પાણીના પરીક્ષણના સંદર્ભમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કરી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, પાણીના પરીક્ષણ માટેના આ અભિયાનમાં ગ્રામીણ બહેનો અને દીકરીઓને હિતધારક બનાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાના સમય દરમિયાન, અંદાજે 4.5 લાખ મહિલાઓને પાણીના પરીક્ષણ માટેની તાલીમ આપવામાં આવી છે. દરેક ગામને પાણીના પરીક્ષણ માટે ઓછામાં ઓછી 5 તાલીમબદ્ધ મહિલાઓ મળી રહી છે. પ્રધાનમંત્રીએ પોતાની વાતના સમાપનમાં કહ્યું હતું કે, જળ સુશાસનમાં મહિલાઓની વધતી ભાગીદારીથી ચોક્કસ બહેતર પરિણામો મળી રહ્યાં છે.

SD/GP/JD(Release ID: 1706613) Visitor Counter : 307