પ્રધાનમંત્રીનું કાર્યાલય
માનવજાતના ઇતિહાસમાં આટલા મોટા સ્તરે રસીકરણ અભિયાન પહેલાં ક્યારેય થયું નથી: પ્રધાનમંત્રી
મેડ ઇન ઇન્ડિયા રસીની સલામતી અને કાર્યદક્ષતા અંગે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોને સંપૂર્ણ સંતોષ થયા પછી જ તેને ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે: પ્રધાનમંત્રી
સમગ્ર દુનિયામાં 60 ટકાથી વધારે બાળકો મેડ ઇન ઇન્ડિયા જીવનરક્ષક રસી લઇ રહ્યાં છે: પ્રધાનમંત્રી
Posted On:
16 JAN 2021 1:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણ અભિયાનનો પ્રારંભ કર્યો છે. સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવેલી આ રસીકરણ કવાયત આખી દુનિયામાં સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ છે.
પ્રધાનમંત્રીએ આ રસીકરણ કાર્યક્રમને અભૂતપૂર્વ સ્તરનો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, પહેલા તબક્કામાં જ આ કવાયતમાં 3 કરોડ લોકોને રસી માટે આવરી લેવામાં આવશે જે દુનિયામાં ઓછામાં ઓછા 100 દેશોમાં કુલ વસ્તી કરતા મોટો આંકડો છે. તેમણે કહ્યું હતું કે, બીજા તબક્કામાં આ કાર્યક્રમ હેઠળ જ્યારે વૃદ્ધો અને ગંભીર સહ-બીમારી ધરાવતા લોકોને પણ રસી માટે આવરી લેવામાં આવશે ત્યારે આ આંકડો વધીને 30 કરોડ સુધી પહોંચી જશે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયામાં માત્ર ત્રણ જ દેશ – ભારત, USA અને ચીન છે જ્યાં કુલ વસ્તી 30 કરોડથી વધારે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આટલા મોટાપાયે રસીકરણ અભિયાન ઇતિહાસમાં ક્યારેય હાથ ધરાયું નથી અને તે ભારતની ક્ષમતા દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ લોકોને રસી અંગે અફવા અને અપપ્રચારથી દૂર રહેવા માટે અનુરોધ કર્યો હતો કારણ કે, મેડ ઇન ઇન્ડિયા રસીની સલામતી અને કાર્યદક્ષતા અંગે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોને સંપૂર્ણ સંતોષ થયા પછી જ તેને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. રસીના સંદર્ભમાં ભારતીય રસી વૈજ્ઞાનિકો, તબીબી પ્રણાલી અને ભારતીય પ્રક્રિયાઓ તેમજ સંસ્થાગત વ્યવસ્થાતંત્ર સમગ્ર દુનિયામાં ભરોસાપાત્ર છે અને આ ભરોસો સતત ટ્રેડ રેકોર્ડ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દુનિયામાં 60 ટકા બાળકો મેડ ઇન ઇન્ડિયા જીવનરક્ષક રહી લઇ રહ્યાં છે અને આ રસીઓ સખત ભારતીય વૈજ્ઞાનિક પરીક્ષણોમાંથી પસાર થયેલી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય રસી નિષ્ણાતો અને ભારતીય રસી વૈજ્ઞાનિકો પરનો ભરોસો મેડ ઇન ઇન્ડિયા કોરોના રસીના કારણે વધુ મજબૂત બન્યો છે. વિદેશી રસીની સરખામણીએ ભારતીય રસીની માત્ર કિંમત જ સસ્તી નથી પરંતુ તે આપવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, કેટલીક વિદેશી રસીના એક ડોઝની કિંમત રૂપિયા પાંચ હજાર સુધી છે અને તેને માઇનસ 70 ડિગ્રી તાપમાનમાં રાખવી પડે છે. તેની સામે, ભારતીય રસીઓ એવી ટેકનોલોજી આધારિત છે જે કેટલાય વર્ષોથી ભારતમાં અજમાવેલી અને પરખાયેલી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ રસીના સંગ્રહ અને પરિવહનના સંદર્ભમાં તેમજ ભારતીય પરિસ્થિતિઓને અનુકૂળ છે અને તે કોરોના વાયરસ સામેનો નિર્ણય વિજય સુનિશ્ચિત કરવામાં આપણને મદદરૂપ થાય છે.
શ્રી મોદીએ કોરોના સામેની ભારતની પ્રતિક્રિયાને આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા ગણાવી હતી. તેમણે કોઇપણ સંજોગોમાં આત્મવિશ્વાસ નબળો ના પડવા દેવાના દરેક ભારતીયના સંકલ્પની નોંધ લીધી હતી. તેમણે કોરોના પરીક્ષણ માટેની એક લેબથી શરૂ કરીને 2300 લેબના નેટવર્ક સુધીની સફર યાદ કરી હતી; તેમણે માસ્ક, PPE અને વેન્ટિલેટર્સ માટે બીજા દેશો પર નિર્ભરતાથી માંડી આત્મનિર્ભરતા સુધીની દેશની સફર પણ યાદ કરી હતી. તેમણે લોકોને રસીકરણ કવાયતના આ તબક્કા દરમિયાન પણ એવી સંવેદના અને આત્મવિશ્વાસ દાખવવા માટે આહ્વાન કર્યું હતું.
SD/GP/BT
(Release ID: 1689066)
Visitor Counter : 263
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada