પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ IIT-2020 વૈશ્વિક સંમેલનમાં સંબોધન કર્યું


કોવિડ-19ના સમય પછી ફરી અભ્યાસ, ફરી વિચાર, ફરી નવાચાર અને ફરી આવિષ્કારનો ક્રમ હશે: પ્રધાનમંત્રી

Posted On: 04 DEC 2020 10:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેન IIT USAના ઉપક્રમે યોજવામાં આવેલા IIT-2020 વૈશ્વિક સંમેલનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર “રીફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ” એટલે કે સુધારા, કામગીરી અને પરિવર્તનના સિદ્ધાંત પ્રત્યે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સુધારાની કામગીરીમાં કોઇપણ ક્ષેત્રને બાકાત રાખવામાં આવ્યું નથી. તેમણે વિવિધ ક્ષેત્રોમાં સરકાર દ્વારા કરવામાં આવેલા નવતર સુધારાઓ ગણાવ્યા હતા જેમાં તેમણે 44 કેન્દ્રીય શ્રમ કાયદાઓનું 4 સંહિતામાં પરિવર્તિત, દુનિયામાં સૌથી ઓછો કર દર ધરાવતા દેશમાં સ્થાન મેળવવું, નિકાસ અને વિનિર્માણમાં વધારો કરવા માટે દસ મુખ્ય ક્ષેત્રોમાં ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજનાનો પ્રારંભ કરવો તે સહિતના વિવિધ સુધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, કોવિડ-19ના કસોટીપૂર્ણ સમયમાં પણ ભારતમાં વિક્રમી પ્રમાણમાં રોકાણ આવ્યું છે અને તેમાંથી મોટા ભાગનું રોકાણ ટેક ક્ષેત્રમાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે આજે આપણે લીધેલા પગલાં આપણા ગ્રહની આવતીકાલને આકાર આપશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે કોવિડ-19 પછીના સમયમાં લગભગ દરેક ક્ષેત્રમાં ફરી અભ્યાસ, ફરી વિચાર, ફરી નવાચાર અને ફરી આવિષ્કારનો ક્રમ જોવા મળશે. સંખ્યાબંધ આર્થિક સુધારાઓની સાથે આ બાબત, આપણા ગ્રહમાં ફરી ઉર્જાનો સંચાર કરશે. તેમણે જણાવ્યું હતુ કે આનાથી ‘ઇઝ ઓફ લિવિંગ’ સુનિશ્ચિત થશે અને ગરીબો તેમજ સિમાંત લોકો પર તેની સકારાત્મક અસર પડશે. તેમણે કહ્યું હતું કે મહામારીના સમય દરમિયાન ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહયોગથી ઘણા નવાચાર ઉભરી આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ દુનિયાને આજે ન્યૂ નોર્મલ સમાયોજિત કરવા માટે વ્યવહારુ ઉકેલોની જરૂર છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પેન IIT ચળવળનું સહિયારું બળ આત્મનિર્ભર ભારતના નિર્માણના આપણા સપનાંને સાકાર કરવામાં વધુ વેગ ઉમેરે છે. તેમણે વિદેશમાં વસતા પ્રવાસી ભારતીયોને ભારતના એવા એમ્બેસેડર ગણાવ્યા હતા જેમનો અવાજ ભારતના દૃષ્ટિકોણમાં સાચી લાગણી છે તેવું દુનિયાને સમજાવવા માટે મહત્વપૂર્ણ છે.

2022માં સ્વતંત્ર ભારતની 75મી વર્ષગાંઠની ઉજવણી અંગે વાત કરતા શ્રી મોદીએ પેન IIT ચળવળને “ભારતને પરત આપવા”ના વધુ ઉંચા સીમાચિહ્નો નિર્ધારિત કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે સૌને કહ્યું હતું કે, કેવી રીતે આપણે આપણી સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠને ચિહ્નિત કરી શકીએ તેના પર આપના વિચારો અને ઇનપુટ શેર કરો. તેમણે ઉમેર્યું હતું કે તમે MyGov પર આપના અભિપ્રાયો શેર કરી શકો છો અથવા તમે સીધા જ નરેન્દ્ર મોદી એપ પર પણ આપના વિચારો શેર કરી શકો છો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ભારતમાં હેકાથોનની સંસ્કૃતિ વિકાસ પામી રહી છે અને આવી હેકાથોનમાં, યુવા બૌદ્ધિકો રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાઓ માટે અદભૂત ઉકેલો આપી રહ્યાં છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, સરકાર દક્ષિણ પૂર્વ એશિયા અને યુરોપમાં સંખ્યાબંધ દેશો સાથે કામ કરી રહી છે જેથી આપણા યુવાનોને પોતાનું કૌશલ્ય બતાવવા માટે આંતરરાષ્ટ્રીય મંચ ઉપલબ્ધ થાય અને તેઓ વિશ્વકક્ષાના શ્રેષ્ઠ આચરણોમાંથી કંઇક શીખી શકે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં વૈભવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજ્ઞાન અને નવાચારના ક્ષેત્રોમાંથી ટોચની ગુણવત્તાના કૌશલ્યવાન લોકો એકમંચ પણ એકત્ર થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ સંમેલનથી વિજ્ઞાન અને નવાચાર ક્ષેત્રમાં ભાવિ સહયોગ માટે એકરાગ બન્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત જે પ્રકારે કામ કરી રહ્યું છે તેમાં આમૂલ પરિવર્તનોનું સાક્ષી બની રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અગાઉના સમયમાં, જ્યારે IITએ એરો-સ્પેસ એન્જિનિયરો તૈયાર કર્યા ત્યારે, તેમને નિયુક્ત કરવા માટે કોઇ મજબૂત સ્થાનિક ઔદ્યોગિક ઇકો-સિસ્ટમ નહોતી. આજે, અવકાશ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારાઓના કારણે, માનવજાત સામેના સૌથી છેવાડાના ક્ષેત્રો પણ ભારતીય કૌશલ્યવાન યુવાનો માટે ખુલી ગયા છે. આથી જ ભારતમાં દરરોજ નવા ટેક સ્ટાર્ટઅપ્સ શરૂ થઇ રહ્યાં છે. તેમણે ભારપૂર્વક વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમનામાંથી કેટલાક લોકો એવા મુકામ પર હિંમતપૂર્વક પહોંચશે જ્યાં હજુ સુધી કોઇ ગયા નથી. અદ્યતન અને નવતર કાર્યો ભારતના તમામ ક્ષેત્રોમાં થઇ રહ્યાં છે.

આજે, મોટી સંખ્યામાં IIT પૂર્વ વિદ્યાર્થીગણ વૈશ્વિક સ્તરે ઉદ્યોગજગત, શિક્ષણ સંસ્થાઓ, કળા, સરકારોમાં નેતૃત્વપૂર્ણ હોદ્દાઓ પર આરૂઢ છે. આથી તેમણે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીગણને ચર્ચા, વિચારવિમર્શ કરવા અને ટેકનોલોજીની નવી ઉભરતી દુનિયામાં નવા ઉકેલોનું યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો.

 

SD/GP/BT


(Release ID: 1678526) Visitor Counter : 281