પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે વર્ચ્યુઅલ શિખર સંમેલન પર સંયુક્ત નિવેદન
Posted On:
19 NOV 2020 8:24PM by PIB Ahmedabad
1. ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને ગ્રાન્ડ ડચી ઓફ લક્ઝમબર્ગના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી જેવિયર બીટલે 19 નવેમ્બર, 2020ના રોજ ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે સૌપ્રથમ વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું.
2. બંને પ્રધાનમંત્રીએ લોકશાહીના સહિયારા સિદ્ધાંતો અને મૂલ્યો, કાયદાનું શાસન અને માનવાધિકારોને આધારે ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે ઉત્કૃષ્ટ દ્વિપક્ષીય સંબંધો પર ભાર મૂક્યો હતો.
3. બંને નેતાએ બંને દેશ વચ્ચે વર્ષ 1948માં રાજદ્વારી સંબંધોની સ્થાપના થયા પછી અત્યાર સુધી સાત દાયકાથી વધારે સમયગાળા દરમિયાન મૈત્રીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ સંબંધોના વિકાસ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓ સંમત થયા હતા કે, આ સમયગાળા દરમિયાન બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો નોંધપાત્ર રીતે મજબૂત થયા છે, પણ તેમણે વેપારવાણિજ્ય, મૂડીગત કે આર્થિક, સ્ટીલ, અંતરિક્ષ, આઇસીટી, ઇનોવેશન, ઉત્પાદન, ઓટોમોટિવ, પુનઃપ્રાપ્ય ઊર્જા સહિત પર્યાવરણને અનુકૂળ વિકાસ અને આબોહવામાં પરિવર્તન સામેની લડતના ક્ષેત્રોમાં સાથસહકાર વધારીને દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
4. તેમણે ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે ઉચ્ચ-સ્તરીય જોડાણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે રોગચાળાની સ્થિતિમાં સુધારો થયા બાદ પારસ્પરિક અનુકૂળ તારીખે ગ્રાન્ડ ડ્યુક હિઝ રૉયલ હાઇનેસની ભારતની સત્તાવાર મુલાકાત પર આતુરતા વ્યક્ત કરી હતી, જે કોવિડ-19 રોગચાળાને કારણે ચાલુ વર્ષે મોકૂફ રહી હતી.
5. બંને નેતાઓએ પારસ્પરિક રસ કે હિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે વધી રહેલા સમન્વયનો સ્વીકાર કર્યો હતો. તેમણે બંને દેશ વચ્ચે ઊંડી સમજણ અને સાથસહકારને પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં તેમણે ભારતના વિદેશ મંત્રાલય અને લક્ઝમબર્ગના વિદેશ અને યુરોપિયન બાબતોના મંત્રાલય વચ્ચે નિયમિત દ્વિપક્ષીય મંત્રણાના સંસ્થાકીયકરણને આવકાર આપ્યો હતો.
આર્થિક સંબંધો
6. બંને પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચે ગાઢ થઈ રહેલા આર્થિક સંબંધોને આવકાર આપ્યો હતો. તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે, ભારત અને લક્ઝમબર્ગ એમ બંને દેશની કંપની એકબીજાના દેશોમાં તેમની કામગીરી વધારી રહી છે. આ સંદર્ભમાં તેમણે વેપારવાણિજ્ય અને વ્યવસાયમાં સાથસહકાર માટે નવી તકો પર નજર દોડાવવા સંમતિ વ્યક્ત કરી હતી. ભારતીય અને લક્ઝમબર્ગની કંપનીઓ વચ્ચે પારસ્પરિક વ્યાવસાયિક સાથસહકારને વિકસાવવા અને એને ટેકો આપવા ઇન્વેસ્ટ ઇન્ડિયા અને લક્ઝિનોવેશન વચ્ચે થયેલી સાથસહકારની સમજૂતી પર હસ્તાક્ષર થયા છે, જેને બંને પ્રધાનમંત્રીઓએ આવકાર આપ્યો હતો.
7. બંને પ્રધાનમંત્રીએ સ્ટીલના ક્ષેત્રમાં ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે લાંબા ગાળાથી સાથસહકારના સંબંધોની નોંધ પણ લીધી હતી. બંને નેતાઓએ આર્થિક સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં વધુ તકો શોધવા એસએમઈ અને સ્ટાર્ટઅપ્સ સહિત વ્યવસાયોને અપીલ કરી હતી. તેમણે એ બાબતની નોંધ પણ લીધી હતી કે, સ્વચ્છ ગંગા અભિયાન સહિત પર્યાવરણ, સ્વચ્છ ઊર્જા (પર્યાવરણને અનુકૂળ ઊર્જા) અને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજીઓ સાથે સંબંધિત ભારતની વિવિધ પહેલોમાં લક્ઝમબર્ગની કંપનીઓને રસ વધી રહ્યો છે.
8. બંને નેતાઓએ આર્થિક અને વેપારવાણિજ્યના સંબંધોની સમીક્ષા કરવા ભારત અને બેલ્જિયમ-લક્ઝમબર્ગ ઇકોનોમિક યુનિયન વચ્ચે 17મા સંયુક્ત આર્થિક પંચની બેઠક માટે આતુરતા વ્યક્ત કરી હતી.
9. બંને નેતાઓએ પુરવઠાની સાંકળને વધારે મજબૂત, વિવિધતાસભર, જવાબદાર અને સાતત્યપૂર્ણ બનાવવા હાલ ચાલુ પ્રયાસોનાં સંબંધમાં અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે, છેલ્લાં થોડાં દાયકાઓમાં પુરવઠાની સાંકળ વધારે જટિલ, એકબીજા સાથે જોડાયેલી છે અને દુનિયાભરમાં સ્થિત વિવિધ પક્ષો પર વધુને વધુ નિર્ભર બની છે. બંને નેતાઓ સંમત થયા હતા કે, ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પુરવઠાની સાંકળને મજબૂત બનાવવાનો પડકાર એકબીજા પર નિર્ભર છતાં વધુને વધુ લવચિક પુરવઠાની સાંકળ ઊભી થાય એવી સુનિશ્ચિતતા કરવાનો હશે, જે માટે પુરવઠાની સાંકળમાં સંકળાયેલા તમામ પક્ષો વચ્ચે વધુ સંકલન સ્થાપિત કરવાની જરૂર પડશે.
નાણાકીય બાબતો
10. પર્યાવરણને અનુકૂળ વૃદ્ધિ અને સાતત્યપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપવા ગ્રીન ફાઇનાન્સિંગના મહત્ત્વ પર ભાર મૂકીને બંને નેતાઓએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જની સાથસહકારની સમજૂતીઓ પર થયેલા હસ્તાક્ષરને આવકાર આપ્યો હતો. તેમણે અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો કે, નિયમનકારી સત્તામંડળ "કમિશન દા સર્વેલન્સ દા સેક્ટુર ફાઇનાન્સિયર" (સીએસએસએફ) અને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) વચ્ચે સૂચિત સમજૂતી નાણાકીય ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવશે. આ સંદર્ભમાં તેમણે નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં સાથસહકારને વધારે મજબૂત બનાવવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી બેટ્ટલે જણાવ્યું હતું કે, યુરોપમાં અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે લક્ઝમબર્ગ આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડવા તથા યુરોપિયન અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો સુધી પહોંચવા ભારતના નાણાકીય સેવા ઉદ્યોગને મદદરૂપ થવા મહત્ત્વપૂર્ણ સેતુ તરીકે કામ કરી શકે છે.
11. બંને નેતાઓ પર્યાવરણને વધારે અનુકૂળ અને વધારે ટકાઉ અર્થતંત્રનું નિર્માણ કરવા વૈશ્વિક પરિવર્તનને ટેકો આપવા નાણાકીય ઉદ્યોગની ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો. આ સંબંધમાં તેઓ સાતત્યપૂર્ણ કે ટકાઉ ધિરાણને પ્રોત્સાહન આપવા અને એની સુવિધા વદારવા સંયુક્ત પહેલો ઓળખવા અને વિકસાવવા સંમત થયા હતા. ઉપરાંત બંને પ્રધાનમંત્રીઓએ નાણાકીય ક્ષેત્રમાં ઇનોવેશન અને ડિજિટાઇઝેશનના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો તથા બંને દેશોની ફાઇનાન્સિયલ ટેકનોલોજી અને સ્ટાર્ટ-અપ સમુદાયને જોડવાની સંભવિતતાની નોંધ લીધી હતી.
અંતરિક્ષ અને ડિજિટલ ક્ષેત્રમાં સાથસહકાર
12. બંને નેતાઓએ ભારત અને લક્ઝમબર્ગ વચ્ચેના અંતરિક્ષ સંબંધોની સકારાત્મક નોંધ લીધી હતી, જેમાં ઉપગ્રહ પ્રસાર અને સંચારનું ક્ષેત્ર સામેલ છે. તેમણે એ બાબત પર સંતોષ વ્યક્ત કર્યો હતો કે, લક્ઝમબર્ગની સ્પેસ કંપનીઓએ અંતરિક્ષમાં તેમના ઉપગ્રહો તરતા મૂકવા માટે ભારતની સેવાઓનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમણે ઇસરોએ 07 નવેમ્બર, 2020ના રોજ PSLV-C49 મિશન સફળતાપૂર્વક લોંચ કર્યું એને આવકાર આપ્યો હતો, જેમાં લક્ઝમબર્ગના 4 ઉપગ્રહો સામેલ હતા. બંને નેતાઓએ સંશોધનના ક્ષેત્રમાં સાથસહકારના માધ્યમને વહેલાસર ઓપ આપવા તથા શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે બાહ્ય અંતરિક્ષના ઉપયોગ માટે આતુરતા વ્યક્ત કરી હતી, જેના પર બંને સરકારો વચ્ચે હાલ ચર્ચા ચાલી રહી છે.
13. બંને નેતાઓ સંમત થયા હતા કે, કોવિડ-19એ ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાને વેગ આપ્યો છે અને આ સંબંધમાં તેમણે ડિજિટલ ક્ષેત્ર અને એમાં વિકસતી ટેકનોલોજીઓમાં સાથસહકાર માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, ભારત અને લક્ઝમબર્ગ એમ બંને દેશ “ડિજિટલ ઇન્ડિયા” પ્રોગ્રામ અને “ડિજિટલ લક્ઝમબર્ગ” પહેલ દ્વારા એકબીજાને ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેઓ આ બંને પહેલો વચ્ચે સમન્વય સ્થાપિત કરવા પણ સંમત થયા હતા.
ઉચ્ચ શિક્ષણ અને સંશોધન
14. બંને નેતાએ નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર અને લક્ઝમબર્ગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અને લક્ઝમ બર્ગ સેન્ટર ફોર સિસ્ટમ્સ બાયોમેડિસન જેવી ભારતીય ભાગીદાર સંસ્થાઓ વચ્ચે ન્યૂરોડિજનરેટિવ રોગોના ક્ષેત્રમાં જોડાણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે બોમ્બે, કાનપુર અને મદ્રાસમાં આઇઆઇટી તથા નેશનલ લૉ સ્કૂલ ઓફ ઇન્ડિયાના લક્ઝમબર્ગ યુનિવર્સિટી સાથે જોડાણની નોંધ લીધી હતી. તેમણે બંને દેશોમાં ઉચ્ચ શિક્ષણ અને સંસ્થાઓ વચ્ચે સાથસહકારને વધારે ગાઢ બનાવવા સંમતિ વ્યક્ત કરી હતી.
સાંસ્કૃતિક અને લોકો વચ્ચેનું જોડાણ
15. બંને નેતાઓએ નોંધ લીધી હતી કે, ભારત અને લક્ઝમબર્ગ એમ બંને દેશો હાલના આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં અહિંસાના સિદ્ધાંતમાં માને છે. આ સંબંધમાં પ્રધાનમંત્રી મોદીએ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના પ્રસંગે વર્ષ 2019માં લક્ઝમબર્ગનાં સ્મૃતિ સ્ટેમ્પ ઇશ્યૂ કરવાના પગલાંને આવકાર્યું હતું. પ્રધાનમંત્રી બેટ્ટલે ધ્યાન દોર્યું હતું કે, આ સ્મૃતિ સ્ટેમ્પની ડિઝાઇન લક્ઝમબર્ગ શહેરમાં મ્યુનિસિપલ પાર્કમાંથી સ્થિત મહાત્મા ગાંધીની અર્ધ કાંસ્ય પ્રતિમા પર આધારિત હતી. આ પ્રતિમા ભારતના આધુનિક કલાકાર અમરનાથ સેહગલ (1922-2007)એ કર્યું હતું, જેઓ બે દાયકા માટે ભારત અને લક્ઝમબર્ગમાં રહ્યાં હતાં.
16. બંને પ્રધાનમંત્રી સંમત થયા હતા કે, બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા માટે લોકોનું આદાનપ્રદાન વધારવું આવશ્યક છે. આ સંબંધમાં તેમણે લક્ઝમબર્ગમાં ભારતીય ડાયસ્પોરાના સકારાત્મક પ્રદાનને આવકાર આપ્યો હતો. લક્ઝમબર્ગમાં ભારતીયોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને એનાથી એની સમૃદ્ધ વિવિધતામાં વધારો થઈ રહ્યો છે. તેમણે બંને દેશના લોકોની અવરજવર વધારવા સ્થળાંતરણ અને અવરજવરની સમજૂતીને ઝડપથી સંપન્ન કરવાનો ઇરાદો વ્યકત્ કર્યો હતો. તેમણે ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે રાજદ્વારી અને સત્તાવાર/સર્વિસ પાસપોર્ટધારકો માટે વિઝામાંથી મુક્તિ આપવાની સમજૂતી પણ કરી હતી.
કોવિડ-19 રોગચાળો
17. બંને નેતાઓએ હાલ ચાલુ કોવિડ-19 રોગચાળાની ચર્ચા કરી હતી, જેમાં રોગચાળાના આરોગ્ય અને સામાજિક-આર્થિક પરિણામો પરની ચર્ચા સામેલ હતી. તેમણે રોગચાળા સામે લડવા તેમનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે રોગચાળાનો અસરકારક રીતે સામનો કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી કોવિડ-19 પછીના ગાળામાં સામાજિક-આર્થિક સ્થિતિમાં સતત સુધારો સુનિશ્ચિત કરી શકાય તેમજ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી શકાય તથા પૂર્વવત્ નાણાકીય સ્થિતિ હાંસલ કરી શકાય. તેઓ તેમના સાથસહકારને જાળવવા સંમત થયા હતા, જેમાં ભારત-યુરોપિયન યુનિયનની ભાગીદારીનાં માળખાની અંદર સાથસહકાર, પ્રતિભાવની સજ્જ અને ક્ષમતા વધારવી, મુક્ત, પારદર્શક અને ત્વરિત રીતે માહિતીની વહેંચણી તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) જેવી પ્રસ્તુત આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રતિભાવમાં સુધારો જેવી બાબતો સામેલ છે.
યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચેના સંબંધો
18. બંને નેતાઓએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના મહત્ત્વનો સ્વીકાર કર્યો હતો, જેના મૂળિયા લોકશાહી, સ્વતંત્રતા, કાયદાના શાસન અને માનવાધિકારના સંબંધમાં સહિયારા સિદ્ધાંતો અને મૂલ્યોમાં, સલામત, પર્યાવરણને અનુકૂળ તથા વધારે સ્થિર દુનિયા માટે પ્રદાન કરવામાં રહેલા છે. આ સંદર્ભમાં તેમણે 15 જુલાઈ, 2020ના રોજ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વર્ચ્યુઅલ શિખર સંમેલન સફળતાપૂર્વક આયોજન પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારત અને યુરોપિયન યુનિયનના સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે ટેકો પણ આપ્યો હતો, જેમાં ભારત-પ્રશાંત વિસ્તારમાં સામાન્ય હિતના ક્ષેત્રોમાં ગાઢ સાથસહકાર તથા વિસ્તૃત, ટકાઉ અને કાયદા-આધારિત જોડાણની બાબતો સામેલ છે. પ્રધાનમંત્રી મોદીએ યુરોપિયન યુનિયનના સ્થાપક સભ્યો પૈકીના એક સભ્ય તરીકે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા માટે દાયકાઓથી આપેલા ટેકા બદલ લક્ઝમબર્ગની રચનાત્મક ભૂમિકાની પ્રશંસા કરી હતી. આ સંદર્ભમાં પ્રધાનમંત્રી બેટ્ટલે ભારત અને યુરોપિયન યુનિયનના સંબંધોને વધારે ગાઢ અને સઘન બનાવવા લક્ઝમબર્ગ પ્રાથમિકતા આપે છે એ બાબત ભાર મૂક્યો હતો. વળી તેમણે નોંધ્યું હતું કે, ભારત અને યુરોપિયન યુનિયન એમ બંને એકબીજાની સુરક્ષા, સમૃદ્ધિ અને ટકાઉ વિકાસમાં સામાન્ય હિતો ધરાવે છે.
19. બંને નેતાઓએ સ્વીકાર કર્યો હતો કે, કોવિડ-19 પછીના સમયગાળાના સંદર્ભમાં આર્થિક સુધારાની દ્રષ્ટિએ ભારત અને યુરોપિયન યુનિયનના આર્થિક સંબંધો વિકસાવવા મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ સંદર્ભમાં તેમણે સંતુલિત, મહત્ત્વાકાંક્ષી અને પારસ્પરિક લાભદાયક મુક્ત વેપાર અને રોકાણની સમજૂતીઓ માટે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પારસ્પરિક સાથસહકાર
20. બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને વિશ્વ વેપાર સંસ્થા (ડબલ્યુટીઓ) એના હાર્દ સાથે અસરકારક અને સંશોધિત બહુપક્ષીયવાદ અને નિયમ-આધારિત બહુપક્ષીય ક્રમને પ્રોત્સાહન આપવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્થાયી વિકાસ લક્ષ્યાંકોના અમલીકરણમાં તથા પર્યાવરણના સંરક્ષણ અને આબોહવામાં પડકારનો સામનો કરવામાં સાથસહકાર આપવાની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
21. આ સંદર્ભમાં બંને નેતાઓએ પેરિસ સમજૂતીના અમલીકરણની તેમની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેમાં આ સમજૂતીને સુસંગત રીતે રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત પ્રદાન સામેલ છે. બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ)માં તેમના સાથસહકારને વધારે ગાઢ બનાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો, જેથી સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપી શકાય. તેમણે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઓન સસ્ટેઇનેબિલ ફાઇનાન્સ (આઇપીએસએફ)માં પર્યાવરણને અનુકૂળ રોકાણો માટે ખાનગી મૂડી ઊભી કરવાનો આશય પણ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી બેટ્ટલે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં લક્ઝમબર્ગ સામેલ થવાની જાહેરાત કરી હતી.
22. ઉપરાંત તેમણે આપત્તિઓના નવા જોખમો નિવારવા અને હાલના જોખમો ઘટાડવા સેન્ડાઈ ફ્રેમવર્ક ફોર ડિઝાસ્ટર રિસ્કનો અમલ કરવા સાથસહકારની સજ્જતા વ્યક્ત કરી હતી. આ સંબંધમાં તેમણે કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિસાઇલન્ટ ઇન્ફ્રાસ્ટરક્ચ (સીડીઆરઆઈ – આપત્તિમાં ઓછામાં ઓછું નુકસાન થાય અને ફરી ઝડપથી બેઠું થઈ શકે એવું માળખું વિકસાવવા માટેનું ગઠબંધન)ની અંદર ભારત અને યુરોપિયન યુનિયનના સાથસહકાર માટે આતુરતા વ્યક્ત કરી હતી.
23. પ્રધાનમંત્રી બીટલે વર્ષ 2021-22ની મુદ્ત માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં અસ્થાયી બેઠક માટે ભારતની પસંદગીને આવકાર આપ્યો હતો તથા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારા માટે લક્ઝમબર્ગના ટેકાનો પુનરોચ્ચાર કર્યો હતો, જેમાં પરિષદના કાયમી અને અસ્થાયી સભ્યો એમ બંને કેટેગરીમાં સભ્યોની સંખ્યા વધારવાની બાબત સામેલ છે. બંને પક્ષ સંયુક્ત રાષ્ટ્રની સાધારણ મહાસભાના 75મા સત્રમાં ટેક્સ્ટ-આધારિત વાટાઘાટો શરૂ કરવા આંતરસરકારી વાટાઘાટ (આઇજીએન) પ્રક્રિયાને નિર્ણાયક રીતે આગળ વધારવાની જરૂરિયાત પર સંમત થયા હતા, જેનો સંપૂર્ણ ઉદ્દેશ નિયત સમયગાળામાં નક્કર પરિણામો હાંસલ કરવાનો હશે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રી બેટ્ટલે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદના દાવાને લક્ઝમબર્ગનું સમર્થન પણ જાહેર કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ વિવિધ આંતરરાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતની દાવેદારીને લક્ઝમબર્ગના સાથસહકાર બદલ ભારત તરફથી આભારની લાગણી વ્યક્ત કરી હતી, જેમાં મિસાઇલ ટેકનોલોજી નિયંત્રણ વ્યવસ્થા (એમટીસીઆર)માં ભારતના પ્રવેશમાં લક્ઝમબર્ગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા તથા ન્યૂક્લીયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતની ભાગીદારી માટે એનો સતત સાથસહકાર સામેલ છે. પ્રધાનમંત્રી બેટ્ટેલે સંયુક્ત રાષ્ટ્રમાં લક્ઝમબર્ગની દાવેદારી માટે ભારતે આપેલા સમર્થનની પ્રશંસા કરી હતી, જેમાં વર્ષ 2022થી વર્ષ 2024ની મુદ્દત માટે સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદમાં લક્ઝમબર્ગની દાવેદારી સામેલ છે.
24. સરહદ પારના આતંકવાદ સહિત આંતરરાષ્ટ્રીય આતંકવાદના સતત જોખમ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી બંને નેતાઓએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની ટીકા કરી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય પ્રયાસોને ટેકો આપવા તેમજ આંતકવાદના નિવારણ અને એની સામેની લડાઈમાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) જેવા મંચો પર ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે સતત સાથસહકાર માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
નિષ્કર્ષ
25. બંને પ્રધાનમંત્રી સંમત થયા હતા કે, ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે પ્રથમ શિખર સંમેલન દ્વિપક્ષીય સંબંધોમાં નવા તબક્કાની શરૂઆત સમાન છે. તેમણે દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે તથા પારસ્પરિક અને આંતરરાષ્ટ્રીય હિતની બાબતો પર પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મંચ પર સંકલન અને મંત્રણા વધારવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રી બેટ્ટલે પ્રધાનમંત્રી મોદીને લક્ઝમબર્ગની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
SD/GP/BT
(Release ID: 1674304)
Visitor Counter : 275
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam