પ્રધાનમંત્રીનું કાર્યાલય

આઈઆઈટી, દિલ્હીના પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 07 NOV 2020 2:42PM by PIB Ahmedabad

નમસ્તે,

મંત્રીમંડળના મારા સાથીદારો, શ્રીમાન રમેશ પોખરીયાલ નિશંકજી, શ્રીમાન સંજય ધોત્રેજી, બોર્ડ ઓફ ગવર્નસના ચેરમેન ડો. આર. ચિદમ્બરમજી, આઈઆઈટી, દિલ્હીના ડિરેકટર પ્રોફેસર વી. રામ ગોપાલરાવજી, બોર્ડ અને સેનેટના સભ્યો, અધ્યાપકગણના સભ્યો, માતા-પિતા, યુવાન સાથીઓ, દેવીઓ અને સજ્જનો !!

ટેલૉકનોલોજીની દુનિયા માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. આજે આઈઆઈટી, દિલ્હીના માધ્યમથી દેશને આજે 6 હજાર કરતાં પણ વધુ ઉત્તમ નિષ્ણાતો મળી રહ્યા છે. જે છાત્રોને આજે પદવી મળી રહી છે તે તમામ છાત્ર સાથીઓ અને ખાસ કરીને તેમના માતા-પિતાને, તેમના ગાઈડને, અધ્યાપકગણના સભ્યોને આજના આ મહત્વના દિવસે મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ.

આજે આઈઆઈટી, દિલ્હીનો 51મો પદવીદાન સમારંભ છે અને આ મહાન સંસ્થા આ વર્ષે તેનુ ડાયમન્ડ જ્યુબિલી વર્ષ પણ મનાવી રહી છે. આઈઆઈટી, દિલ્હીએ આ દાયકા માટેનો પોતાનો વિઝન દસ્તાવેજ પણ તૈયાર કર્યો છે. હું ડાયમન્ડ જ્યુબિલી વર્ષ માટે અને આ દાયકાના તમારા ધ્યેય માટે પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું અને ભારત સરકાર તરફથી તમને સંપૂર્ણ સહયોગની ખાત્રી આપુ છું.

આજે મહાન વૈજ્ઞાનિક ડો. સી.વી. રામનની જન્મ જયંતિ પણ છે. આજે પદવીદાન સમારંભ અને તેમના જન્મ દિવસ સાથે જોડાવાનો પણ એક ખૂબ જ શુભ અવસર છે. હું તેમને પણ આદરપૂર્વક નમન કરૂ છું. તેમનું ઉત્તમ કામ સદીઓ સુધી આપણને સૌને અને ખાસ કરીને મારા યુવાન વૈજ્ઞાનિક સાથીઓને સતત પ્રેરણા આપતું રહેશે.

સાથીઓ,

કોરોનાનો આ સંકટકાળ, દુનિયામાં ખૂબ મોટાં પરિવર્તનો લઈને આવ્યો છે. કોવિડ પછીની દુનિયા ખૂબ મોટાં પરિવર્તનો લઈને આવી છે, હવે પછીનો સમય ખૂબ અલગ બનીને રહેવાનો છે અને તેમાં સૌથી મોટી ભૂમિકા ટેકનોલોજીની પણ રહેશે. એક વર્ષ પહેલાં કોઈએ પણ નહીં વિચાર્યુ હોય કે મીટીંગ હોય કે પછી પરીક્ષાઓ, મૌખિક મુલાકાત હોય કે પછી પદવીદાન સમારંભો, તમામનું સ્વરૂપ સંપૂર્ણ રીતે બદલાઈ ગયુ છે. વર્ચ્યુઅલ વાસ્તવિકતા અને બદલાયેલી વાસ્તવિકતા જ કામ કરવાની જગ્યા લેવા માંડી છે.

તમને કદાય એવી લાગણી થતી હશે કે તમારી બેચ બહુ નસીબદાર નથી. મને ખાત્રી છે કે તમે તમારી જાતને પૂછતા હશો કે આ બધુ તમારા સ્નાતક વર્ષમાં જ આ બધુ શા માટે થઈ રહ્યુ છે? પણ તેને થોડું અલગ રીતે વિચારો. તમને આ દિશામાં વધવામાં પ્રથમ હોવાનો લાભ મળવાનો છે. તમારી પાસે નવા ધોરણો મુજબ શિખવાનો અને કામના સ્થળ તરીકે અને તેથી પણ આગળ નવા ધોરણોને સાનુકૂળ થવાનો વધુ સમય રહેશે. આથી તેનો વ્યાપક ઉપયોગ કરો. અને તેના ઉજળા પાસા અંગે પણ વિચારો. તમે એક નસીબદાર બેચમાં છો. તમને તમારા આખરી વર્ષમાં સંકુલમાં મિલન સ્થાન તરીકેનો લાભ મળ્યો છે. તમે વિચાર કરો કે ગયા ઓકટોબર માસમાં અને આ ઓકટોબરમાં કેવી અલગ સ્થિતિ હતી અને આજે કેવી અલગ સ્થિતિ છે. તમે જો પ્રેમપૂર્વક લાયબ્રેરીની તમામ રાતો અને પરીક્ષા પહેલાંના રીડીંગ રૂમ અંગેની સ્થિતિ બાબતે, મોડી રાતે પરાઠા અને નાઈટ-મેસનો તથા પ્રવચનો વચ્ચે કોફી અને મફીનનો પણ વિચાર કરો. મને એમ પણ કહેવામાં આવ્યુ છે કે આઈઆઈટી, દિલ્હી પાસે બે પ્રકારના મિત્રો છે- કોલેજના મિત્રો અને હોસ્ટેલના વિડીયો ગેમના મિત્રો. તમે કદાચ બંનેના અભાવનો અનુભવ કરશો.

સાથીઓ, આની પહેલાં મને આઈઆઈટી, મુંબઈ અને આઈઆઈટી ગુવાહાટીના પદવીદાન સમારંભમાં પણ આ પ્રકારે હાજરી આપવાની તક પ્રાપ્ત થઈ છે. અને કેટલીક જગ્યાએ તો રૂબરૂ જવાની તક પણ મળી છે. આ તમામ જગ્યાઓએ મને એક સમાનતા જોવા મળી છે કે દરેક જગાએ કશુંકને કશુંક ઈનોવેટ થઈ રહ્યું છે. આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતા માટે તે ખૂબ મોટી તાકાત છે. કોવિડ -19 દુનિયાને વધુ એક બાબત શિખવી રહ્યું છે અને તે છે- વૈશ્વિકરણ. વૈશ્વિકરણ મહત્વનું છે, પણ આત્મનિર્ભરતા પણ એટલી જ જરૂરી છે.

સાથીઓ,

આત્મનિર્ભર ભારત અભિયાન આજે દેશના નવયુવાનો, ટેકનોક્રેટસ, ટેક એન્ટરપ્રાઈઝ લીડર્સ અને અનેક લોકોને નવી તકો પૂરી પાડવાનું એક મહત્વનુ અભિયાન છે. તેમના જે વિચારો છે, તેમના જે ઈનોવેશન છે તેને તે મુક્ત રીતે અમલમાં મૂકી શકે એ માટે આજે સૌથી વધુ સારૂ વાતાવરણ ઉભુ થયું છે. આજે ભારતના યુવાનો બિઝનેસ કરવામાં આસાની માટે પૂરી રીતે કટિબધ્ધ છે કે જેથી યુવાનો પોતાના ઈનોવેશનને કરોડો દેશવાસીઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે ઉપયોગમાં લઈ શકે. દેશ તમને બિઝનેસ કરવામાં આસાની પૂરી પાડશે. તમારે એક કામ કરવાનું છે- પોતાની નિપુણતા દ્વારા તથા તમારા અનુભવના માધ્યમથી અને પોતાની પ્રતિભાની મદદથી તમારે ઈનોવેશનથી, દેશ જો તમને બિઝનેસ કરવામા આસાની આપતો હોય, સરકાર વ્યવસ્થા પૂરી પાડતી હોય તો તમે આ દેશમાં ગરીબમાં ગરીબ નાગરિકોને જીવન જીવવામાં આસાની પૂરી પાડવામાં નવા નવા ઈનોવેશન્સ લઈને આવો. નવી નવી ચીજો લઈને આવો.

હાલમાં લગભગ તમામ ક્ષેત્રમાં જે મોટા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે તેની પાછળ પણ આ વિચારધારા જ કામ કરી રહી છે. પ્રથમ વખત કૃષિ ક્ષેત્રમા ઈનોવેશન અને સ્ટાર્ટઅપ્સ માટે અગણિત સંભાવનાઓ ઉભી થઈ છે. પ્રથમ વખત અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી મૂડી રોકાણ માટે રસ્તા ખૂલ્યા છે. હજુ બે દિવસ પહેલાં જ બીપીઓ ક્ષેત્રમાં બિઝનેસ કરવામાં આસાની માટે એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. સરકારે અધર સર્વિસ પ્રોવાઈડર્સ- ઓએસડી માર્ગરેખાઓને એકદમ સરળ બનાવી દીધી છે. લગભગ તમામ નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. એક રીતે કહીએ તો હવે સરકારની હાજરીનો અનુભવ જ નહીં થાય. દરેક વ્યક્તિ ઉપર ભરોંસો મૂકવામાં આવ્યો હોવાના કારણે બીપીઓ ઉદ્યોગમાં નિયમપાલનનો જે બોજ રહેતો હતો, અનેક પ્રકારના બંધનો હતા તે બધા ઓછા થઈ જશે. આ ઉપરાંત બેંક ગેરંટી સહિત બીજી અનેક જરૂરિયાતોમાંથી પણ બીપીઓ ઉદ્યોગને મુક્ત કરવામાં આવ્યો છે. અને એટલું જ નહીં, એવી જોગવાઈઓ કરવામાં આવી છે કે ટેક. ઈન્ડસ્ટ્રીને વર્ક ફ્રોમ હોમ એટલે કે કોઈપણ જગાએથી કામ કરી શકે તેવી સુવિધા આપવાથી કાયદો રોકતો હતો તે કાયદાઓ પણ દૂર કરવામાં આવ્યા છે. આ જોગવાઈઓથી દેશના માહિતી ટેકનોલોજી ક્ષેત્રને વિશ્વમાં વધુ સ્પર્ધાત્મક બનાવી શકાશે. તમારા જેવી યુવાન પ્રતિભાઓને અનેક તકો પ્રાપ્ત થશે.

સાથીઓ,

આજે દેશમાં તમારી દરેક જરૂરિયાતને સમજીને તથા ભવિષ્યની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખીને એક પછી એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જૂના નિયમો બદલવામાં આવી રહ્યા છે. અને મારૂં એવું માનવું છે કે પાછલી સદીના નિયમ અને કાયદાઓ વડે આગળની સદીનું ભવિષ્ય નક્કી થઈ શકતુ નથી. નવી શતાબ્દિ, નવા સંકલ્પ- નવી શતાબ્દિ નવા રીતરિવાજ- નવી શતાબ્દિ નવા કાયદા. આજે ભારતની ગણતરી એવા દેશોમાં થાય છે કે જ્યાં કોર્પોરેટ વેરો સૌથી ઓછો છે. સ્ટાર્ટઅપ ઈન્ડીયા આ અભિયાન પછી ભારતમાં 50 હજાર કરતાં પણ વધુ સ્ટાર્ટઅપ્સ શરૂ થયા છે. સરકારના પ્રયાસોની એ અસર છે કે વિતેલા પાંચ વર્ષમાં દેશમાં પેટન્ટની સંખ્યા પણ ચાર ગણી થઈ ગઈ છે. ટ્રેડ માર્ક રજીસ્ટ્રેશનમાં પણ પાંચ ગણો વધારો નોંધાયો છે અને તેમાં પણ ફિનટેકની સાથે-સાથે એગ્રો, સંરક્ષણ અને તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ્સ હવે ઝડપભેર આગળ વધી રહ્યા છે. વિતેલા વર્ષોમાં યુનિકોર્ન્સ ભારતીયોએ ભારતમાં બનાવ્યા છે. જે રીતે દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે તે જોતાં મને વિશ્વાસ છે કે આવનારા એક-બે વર્ષમાં તેની સંખ્યામાં ઘણો વધારો થશે અને શક્ય છે કે આજે અહીંથી બહાર નિકળેલા તમારા જેવા નવયુવાનો તેમાં ઉર્જા ભરી દેશે.

સાથીઓ,

ઈન્ક્યુબેશનથી માંડીને ફંડીંગ સુધી સ્ટાર્ટઅપ્સને આજે અનેક પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. ફંડીંગ માટે રૂ.10 હજાર કરોડનુ ફંડ ઓફ ફંડ્ઝ બનાવવામાં આવ્યું છે. ત્રણ વર્ષ માટે કર મુક્તિ, સેલ્ફ સર્ટિફિકેશન, ઈઝી એક્ઝીટ જેવી અનેક સુવિધાઓ સ્ટાર્ટઅપ્સ માટે આપવામાં આવી રહી છે. આજે આપણે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન મારફતે રૂ.1 લાખ કરોડથી વધુ મૂડી રોકાણ કરવાની તૈયારીમાં છીએ. તેનાથી સમગ્ર દેશમાં અદ્યતન માળખાગત સુવિધાઓનું નિર્માણ થશે, જે વર્તમાન અને ભવિષ્ય બંનેની જરૂરિયાતો પૂર્ણ કરશે.

સાથીઓ,

આજે દેશ દરેક ક્ષેત્રમાં મહત્તમ સંભાવનાઓ હાંસલ કરવા માટે નવી નવી પધ્ધતિઓથી કામ કરી રહ્યો છે. તમે જ્યારે અહીંથી જશો ત્યારે, નવી જગા પર કામ કરશો તો તમારે પણ એક નવો મંત્ર લઈને કામ કરવાનું રહેશે અને આ મંત્ર છે- ગુણવત્તા ઉપર ધ્યાન આપવું, ક્યારેય સમાધાન નહીં કરવું, વ્યાપ વધી શકે તે માટે ખાત્રી રાખવી અને તમારા ઈનોવેશન વ્યાપક સ્તરે કામ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવી, ભરોંસાપાત્રતાની ખાત્રી રાખવી, બજારમાં લાંબા ગાળા માટે વિશ્વાસનું નિર્માણ કરવું અને પરિસ્થિતિ મુજબ બદલાવ લાવવાનું ધ્યેય રાખવું અને પરિવર્તન માટે ખૂલ્લુ મન રાખીને અનિશ્ચિતતાને જીવનનો માર્ગ સમજીને આગળ ચાલવાનું રહેશે. આપણે જો આ મૂળ મંત્રો સાથે કામ કરતાં રહીશું તો તેની ચમક તમારી ઓળખની સાથે-સાથે બ્રાન્ડ ઈન્ડીયામાં પણ ચોક્કસપણે ઝળકી ઉઠશે. હુ આ બધું તમને એટલા માટે કહી રહ્યો છું કે તમે બ્રાન્ડ ઈન્ડીયાના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર છો. તમે એ લોકો છો કે જે તેમાં કામ કરવાના છો. તેનાથી દેશના ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ પ્રાપ્ત થશે. તમે જે કામગીરી કરશો તેનાથી દેશના પ્રયાસોને ઓળખ મળશે. તમે જે કામ કરશો તેનાથી દેશના પ્રયાસોને ગતિ પ્રાપ્ત થશે. ગામડાં તેમજ ગરીબો માટે દેશ જે પ્રયાસ કરી રહ્યો છે તે પ્રયાસો પણ તમારા સમર્પણ અને તમારા ઈનોવેશનથી સિધ્ધ થવાના છે.

સાથીઓ,

ટેકનોલોજી કેવી રીતે આપણાં શાસનને, ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી પહોંચવા માટેનું સૌથી સશક્ત માધ્યમ બની શકે છે તે વિતેલા વર્ષોમાં દેશે કરી બતાવ્યું છે. આજે ઘર હોય કે વિજળી હોય, ટોયલેટ હોય કે ગેસનું જોડાણ હોય અને હવે પાણી હોય, આ પ્રકારની તમામ સુવિધાઓ ડેટા અને સ્પેસ ટેકનોલોજીના સહયોગથી પહોંચાડવામાં આવી રહી છે. આજે જન્મના દાખલાથી માંડીને હયાતીના પ્રમાણપત્રો સુધીની સુવિધાઓ ડીજીટલ પધ્ધતિથી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જનધન- આધાર- મોબાઈલની ત્રિપૂટી JAM, ડીજી-લોકર જેવી સુવિધાઓ તથા હવે હેલ્થ આઈડી માટેનો પ્રયાસ સામાન્ય નાગરિકોના જીવનને આસાન બનાવવા માટે દેશમાં એક પછી અનેક પગલાં ખૂબ ઝડપથી આગળ વધારવામા આવી રહ્યા છે. ટેકનોલોજીએ લાસ્ટ માઈલ ડિલીવરીને જે રીતે કાર્યક્ષમ બનાવી છે અને ભ્રષ્ટાચારની સંભાવના ઓછી કરી દીધી છે તે જોતાં ડીજીટલ આર્થિક વ્યવહારો બાબતે પણ ભારત દુનિયાના ઘણાં દેશો કરતાં ખૂબ આગળ છે. ભારત માટે બનાવેલા યુપીઆઈ જેવા પ્લેટફોર્મને હવે દુનિયાના મોટા મોટા વિકસીત દેશ પણ અપનાવી રહ્યા છે.

સાથીઓ,

તાજેતરમાં સરકારે એક નવી યોજના શરૂ કરી છે, જેમાં ટેકનોલોજી ઘણી મોટી ભૂમિકા બજાવી રહી છે. આ યોજના છે- સ્વામિત્વ યોજના. આ યોજના હેઠળ પ્રથમ વખત ભારતના ગામડાંઓમાં જમીન અને મિલકતો, ઘરની મિલકત વગેરેનું મેપીંગ કરવામાં આવી રહ્યું છે. અગાઉ જો આ કામ કરવામાં આવ્યું હોત તો તે માટે માનવ સંપર્ક એક માત્ર માધ્યમ હતું અને તેના કારણે ક્ષતિઓ થવાની, પક્ષપાત રહેવાની તથા શંકા- આશંકાઓ પેદા થવાનું ખૂબ જ સ્વાભાવિક હતું. તમને એ જાણીને આનંદ થશે, કારણ કે તમે ટેકનોલોજીની દુનિયાના લોકો છો. આજે ડ્રોનના માધ્યમથી, ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગામે ગામ મેપીંગ કરવામાં આવી રહ્યું છે અને ગામના લોકો પણ તેનાથી સારી રીતે સંતુષ્ટ છે. આ કામગીરીને લોક ભાગીદારી સાથે આગળ ધપાવવામાં આવી રહ્યું છે. આ બાબત દર્શાવે છે કે ભારતનો સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ટેકનોલોજીમાં કેટલી શ્રધ્ધા ધરાવી શકે છે.

સાથીઓ,

ટેકનોલોજીની આવશ્યકતા અને તેની તરફ ભારતના લોકોની શ્રધ્ધા તમને ભવિષ્ય માટેની રોશની બતાવે છે. સમગ્ર દેશમાં તમારા માટે અપાર સંભાવનાઓ પડેલી છે, અપાર પડકારો પણ છે અને તેનો ઉકેલ તમે જ લાવી શકો છો. પૂર અને વાવાઝોડા જેવી ઘટનાઓ વખતે આફત આવે તે પહેલાં ઉપાયો શોધવાની કામગીરી તમે જ કરી શકો છો. આફત પહેલાંનું વ્યવસ્થાપન હોય કે પછી જમીનનું પાણીનું સ્તર કેવી રીતે જાળવવું તેના માટે પણ અસરકારક ટેકનોલોજી હોય કે પછી સોલર પાવર જનરેશન અને બેટરી સાથે જોડાયેલી ટેકનોલોજી હોય, ટેલિ-મેડીસીન અને રિમોટ સર્જરીની ટેકનોલોજી હોય કે પછી બીગ ડેટા એનાલિસીસ હોય. આવા ક્ષેત્રોમાં ઘણું બધુ કામ કરી શકાય તેમ છે.

સાથીઓ,

હું એક પછી એક દેશની એવી અનેક જરૂરિયાતો તમારી સમક્ષ મૂકી રહ્યો છું કે જે જરૂરિયાતો ઈનોવેશન મારફતે પૂરી થવાની છે. એટલા માટે મારો આપ સૌને વિશેષ આગ્રહ છે કે આજે તમે દેશની જરૂરિયાતો ઓળખો, જમીન ઉપર જે ફેરફારો થઈ રહ્યા છે, આત્મનિર્ભર ભારત સાથે સામાન્ય માનવીની જે આકાંક્ષાઓ જોડાયેલી છે તેની સાથે જોડાવાનું કામ કરો તેના માટે હું તમને આમંત્રણ આપું છું. આમા આપ સર્વેનું જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની નેટવર્ક છે તે પણ ખૂબ જ કામમાં આવવાનું છે.

સાથીઓ,

એક રીતે પણ આપ સૌ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંગઠીત કરવાનું ખૂબ જ આસાન હોય છે. બીજી કોલેજોના વિદ્યાર્થીઓએ પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજવા માટે ઘણી વખત લાંબો સમય રાહ જોવી પડતી હોય છે. કોલેજ સુધી જવું પડતું હોય છે, પરંતુ તમારી પાસે વધુ એક સરળ વિકલ્પ રહેલો છે. તમે તમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન કોઈપણ સમયે અઠવાડિયાના અંત ભાગમાં ટૂંકી નોટિસથી પણ યોજી શકો છો. સિલિકોન વેલીમાં કામ કરતા હોવ, કે વોલ સ્ટ્રીટમાં કામ કરતા હો, ત્યાં અથવા તો કોઈપણ સરકારી સચિવાલયમાં પણ તમે સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન ગોઠવી શકો છો, કારણ કે તમે દરેક જગાએ હાજર છો. ખૂબ વ્યાપક પ્રમાણમાં તમારી હાજરી છે. ભારતના સ્ટાર્ટઅપ કેપિટલ્સ હોય, કે પછી મુંબઈ હોય કે પૂના હોય કે પછી બેંગ્લોર હોય, તમારે આ સ્થળોએથી આઈઆઈટી ભણીને નિકળેલા લોકોનું એક મજબૂત નેટવર્ક પ્રાપ્ત થઈ શકશે. તે પણ તમારી સફળતા છે અને તેવો પણ આત્મ પ્રભાવ છે.

મિત્રો, તમે અપવાદરૂપ ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ છો. એક રીત કહીએ તો તમે અત્યંત અઘરી જણાતી પરિક્ષાઓ પાસ કરી છે. 17 થી 18 વર્ષની ઉંમરે જે ઈ ઈ ! અને તે પછી તમે આઈઆઈટીમાં આવો છો. પરંતુ એવી બે બાબતો છે કે જે તમારી ક્ષમતામાં વધુ વૃધ્ધિ કરતી રહેશે. એક છે- સુગમતા અને બીજી છે- નમ્રતા, હું જ્યારે સુગમતાની વાત કરૂં છું ત્યારે હું સંભાવનાની પણ વાત કરૂં છું. નોંખા જણાઈ આવો અને ચુસ્ત રહો. કોઈપણ તબક્કે તમારા જીવનમાં તમારી ઓળખ છવાયેલી રહેવી જોઈએ. કોઈ વ્યક્તિ કે કોઈ બાબતનું ‘હળવું વર્ઝન’ બનશો નહીં. હંમેશા ઓરીજીનલ વર્ઝન બનીને રહો. તમે જે કોઈ મૂલ્યોમાં માનતા હો, તેમાં વિજય હાંસલ કરતા રહો અને સાથે સાથે ટીમ સાથે કામ કરવામાં ક્યારેય અચકાશો નહીં. વ્યક્તિગત પ્રયાસોની પણ એક મર્યાદા હોય છે. હવે આગળનો માર્ગ ટીમ વર્કનો છે. ટીમ વર્કથી સંપૂર્ણતા પ્રાપ્ત થાય છે. બીજી વાત નમ્રતાની છે. તમારે હંમેશા તમારી સફળતા અને તમારી સિધ્ધિ માટે સંપૂર્ણ ગૌરવ અનુભવવાનું છે. જે તમે કરી શકો છો તેવું ઘણાં ઓછા લોકો કરી શકે છે. આને કારણે તમારે સંપૂર્ણ ડાઉન ટુ અર્થ બની રહેવાનુ છે.

મિત્રો, એ બાબત ખૂબ જ મહત્વની છે કે વ્યક્તિ પોતાની જાતને પડકાર આપતો રહે અને રોજે રોજ કશુંક શિખતો રહે. એ પણ મહત્વનું છે કે તમે જીવનભર પોતે વિદ્યાર્થી હો તે રીતનું વલણ દાખવતા રહો. એવુ ક્યારેય માનશો નહીં કે તમે જે કાંઈ શિખ્યા છો તે પૂરતું છે. આપણાં શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે સત્ય જ્ઞાનમ અનંત બ્રહ્મ.

આનો અર્થ એ થાય છે કે જ્ઞાન અને સત્ય, બ્રહ્મની જેમ અનંત હોય છે. અનંતકાલીન હોય છે. તમે લોકો જેટલા નવા નવા ઈનોવેશન કરો છો તે તમામ સત્ય છે, જ્ઞાનનો જ તે વિસ્તાર છે. અને એટલા માટે જ તમારા ઈનોવેશનમાં દેશ માટે, તમારી નિપુણતા, તમારૂં સામર્થ્ય દેશના કામમાં આવે તેવા વિશ્વાસની સાથે વધુ એક વખત આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમારા માતા-પિતાની આશાઓ અને અપેક્ષાઓને સાનુકૂળ બને તે રીતે તમારા જીવનની નવી યાત્રાનો પ્રારંભ થાય. તમારા ગુરૂજનોએ તમને જે શિક્ષણ આપ્યું છે, તે તમારા જીવનમાં સફળતા હાંસલ કરવા માટે ડગલેને પગલે કામ આવવાનું છે. અને જ્યાં સુધી ભારત સરકારનો સવાલ છે, ગર્વની સાથે ભારત પોતાના લોકો (ડેમોગ્રાફી) માટે ગર્વનો અનુભવ કરે છે. આપણાં લોકોથી જ્યારે આઈઆઈટી ભરેલી હોય ત્યારે દુનિયામાં પણ તે મૂલ્ય વૃધ્ધિનું કામ કરી શકે છે. આ પ્રકારના સામર્થ્યની સાથે આજે એક નવી જીવન યાત્રાનો તમે આરંભ કરી રહ્યા છો. મારા તરફથી તમને અને તમારા પરિવારજનોને, તમારા ગુરૂજનોને ખૂબ-ખૂબ ધન્યવાદની સાથે હું મારી વાણીને અહીં વિરામ આપું છું.

ખૂબ-ખૂબ શુભકામનાઓ !

 

SD/GP/BT



(Release ID: 1671056) Visitor Counter : 298