પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આઈસીસીઆર દ્વારા ટેક્સ્ટાઈલ ક્ષેત્રની પરંપરાઓ વિષે યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેબિનારમાં સંબોધન કર્યું


આ વેબિનારમાં જે વિચારોનું તથા શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન થશે, તે સહયોગ માટેનાં નવા માર્ગ ખોલશે : પ્રધાનમંત્રી

Posted On: 03 OCT 2020 6:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (આઈસીસીઆર) દ્વારા ટેક્સ્ટાઈલ ક્ષેત્ર (કાપડ ઉદ્યોગ)ની પરંપરાઓ વિષે યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેબિનારમાં સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રીએ "વિવિંગ રિલેશન્સ : ટેક્સ્ટાઈલ ટ્રેડિશન્સ” વિષય ઉપર વેબિનારમાં ભાગ લેવા વિવિધ દેશોના લોકોને લાવવાના પ્રયાસો બદલ  ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ અને ઉત્તર પ્રદેશ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ટેક્સ્ટાઈલ ક્ષેત્રમાં આપણે આપણો ઈતિહાસ, વિવિધતા અને અપાર તક જોઈ શકીએ છીએ.

પ્રધાનમંત્રીએ ભારતની ટેક્સ્ટાઈલ પરંપરાઓના ભવ્ય ભૂતકાળ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, કુદરતી રંગોથી રંગાયેલા સૂતર અને રેશમનો ભારતમાં લાંબો અને ભવ્ય ઈતિહાસ છે. આપણા ટેક્સ્ટાઈલ્સમાં વિવિધતા આપણી સંસ્કૃતિની સમૃદ્ધિ દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રત્યેક સમુદાય, પ્રત્યેક ગામ અને પ્રત્યેક રાજ્યમાં ટેક્સ્ટાઈલની પરંપરાઓની કોઈને કોઈ ખાસિયત રહેલી હશે. તેમણે આપણા આદિવાસી સમુદાયોની ભવ્ય ટેક્સ્ટાઈલ પરંપરાઓ વિશે પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતની તમામ ટેક્સ્ટાઈલ પરંપરાઓમાં રંગ, જીવંતતા અને કારીગરીની કમાલ જોવા મળે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટેક્સ્ટાઈલ ક્ષેત્ર હંમેશા તકો લઈને આવ્યું છે. ઘરઆંગણે, ભારતમાં ટેક્સ્ટાઈલ્સ ક્ષેત્ર સૌથી વધુ રોજગાર આપનાર ક્ષેત્રોમાં સ્થાન ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ટેક્સ્ટાઈલ્સ, વિશ્વ સાથે વેપાર અને સાંસ્કૃતિક સંબંધો બાંધવામાં મદદગાર બન્યું છે. તેમણે જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે ભારતીય કાપડનું ઘણું ઊંચું મૂલ્ય છે અને તે રીતરિવાજો, હસ્તકલા, ઉત્પાદનો અને અન્ય સંસ્કૃતિઓની તકનિકોથી વધુ સમૃદ્ધ બન્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આ કાર્યક્રમ ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીને અનુલક્ષીને યોજવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીએ ટેક્સ્ટાઈલ ક્ષેત્ર અને સામાજિક સશક્તિકરણ વચ્ચે ઘનિષ્ઠ જોડાણને પારખ્યું હતું અને સરળ રીતે ચલાવી શકાય તેવા ચરખાને ભારતની સ્વતંત્રતાની ચળવળના મુખ્ય પ્રતીકમાં ફેરવ્યો હતો. ચરખાએ આપણને એક રાષ્ટ્ર તરીકે પરસ્પર વણી લીધા.

પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું કે આત્મનિર્ભર ભારત અથવા તો સ્વ-નિર્ભર ભારતની સ્થાપનામાં મદદરૂપ થનારાં ક્ષેત્રોમાં ટેક્સ્ટાઈલ્સ ક્ષેત્ર મહત્ત્વપૂર્ણ હશે. તેમણે કહ્યું કે, સરકાર વિશેષ કરીને આ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે : કૌશલ્ય વિકાસ, નાણાંકીય સહયોગ અને ક્ષેત્રને આધુનિક ટેકનોલોજી સાથે એકીકૃત કરવું. આપણા વિવર્સ (વણકરો) વૈશ્વિક કક્ષાનાં ઉત્પાદનો બનાવવાનું ચાલુ રાખે તે માટે તેમને મદદરૂપ થવા આપણે વિશ્વની શ્રેષ્ઠ પદ્ધતિઓ તેમજ આપણી શ્રેષ્ઠ પદ્ધતિઓ પણ શીખવા માગીએ છીએ. આ વેબિનારમાં થનારા વિચારોના આદાન-પ્રદાન તેમજ શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લેને કારણે તે સહયોગ માટેના નવા રસ્તાઓ ખોલશે, એમ પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ટેક્સ્ટાઈલ ક્ષેત્ર અનેક મહિલાઓને રોજગાર આપે છે. એટલે, જીવંત એવું આ ટેક્સ્ટાઈલ ક્ષેત્ર મહિલા સશક્તિકરણના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે, આપણે ભવિષ્યમાં પડકારભર્યા સમય માટે સજ્જ થવાની જરૂર છે. કાપડ ઉદ્યોગની પરંપરાઓએ શક્તિશાળી વિચારો અને વિવિધતા અને સ્વીકૃતિ, સ્વ-નિર્ભરતા, કૌશલ્ય અને નવિનીકરણ જેવા સિદ્ધાંતો રજૂ કર્યાં છે. આ સિદ્ધાંતો હાલના સમયમાં વધુ સુસંગત બન્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ વેબિનાર આ વિચારોને વધુ આગળ ધપાવે અને ટેક્સ્ટાઈલ ક્ષેત્રને વધુ જીવંત, વેગીલું બનાવવામાં યોગદાન આપે તેવી શુભેચ્છા તેમણે વ્યક્ત કરી હતી.

 

SD/GP/BT



(Release ID: 1661455) Visitor Counter : 237