પ્રધાનમંત્રીનું કાર્યાલય

વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક (વૈભવ) સમિટ 2020માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 02 OCT 2020 10:00PM by PIB Ahmedabad

નમસ્કાર !

આ ચર્ચામાં સામેલ થવા બદલ હું આપ સૌનુ અભિવાદન કરૂ છું અને આપના માટે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરૂ છું. આ મંચ ઉપર ભારતીય અને પ્રવાસી એમ બંને પ્રકારે વિશિષ્ઠ પ્રતિભાઓ એકત્ર થઈ છે. વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક (વૈભવ) સમિટ 2020માં ભારત અને વિશ્વના વિજ્ઞાન અને ઈનોવેશનનુ અભિવાદન કરી રહ્યો છું. હું એને સાચા સંગમ અથવા તો ઉત્તમ દિમાગોના મિલન સ્થાન તરીકે ઓળખાવીશ. આ એકત્રીકરણ મારફતે આપણે ભારત અને વિશ્વમાં લાંબા ગાળા સુધી સશક્ત બનાવનારા સંગઠનની અપેક્ષા રાખી રહ્યા છીએ,

મિત્રો,

સૌ પ્રથમ તો હું અહીં જે વૈજ્ઞાનિકોએ પોતાના પ્રતિભાવ, સૂચનો અને વિચારો વ્યક્ત કર્યા છે તેમનો આભાર માનીશ. તમે તમારા પરામર્શમાં તેજસ્વીતા દાખવીને અનેક વિષયોને વ્યાપક રીતે આવરી લીધા છે. તમારામાંના મોટા ભાગના લોકોએ ભારતના શિક્ષણ જગત અને તેમના વિદેશી સહયોગીઓ વચ્ચે સંશોધન વ્યવસ્થા માટે વધુ સારા સહયોગ માટેના મહત્વ અંગે વાત કરી છે. ચોક્કસ, આ સમિટની આ એક મૂળભૂત બાબત છે. તમે વૈજ્ઞાનિક સંશોધનને સમાજની જરૂરિયાતો માટે વેગ આપવાની ખૂબ સાચી વાત કરી છે. તમે ભારતમાં સંશોધન વ્યવસ્થામાં સુધારા માટે કેટલાંક સારાં સૂચનો પણ કર્યાં છે. તમારાં મંતવ્યો વ્યક્ત કરવા બદલ હું આ તબક્કે આપ સૌના માટે આભારની લાગણી વ્યક્ત કરૂ છુ. તમારા શબ્દો સાંભળીને મને લાગી રહ્યુ છે કે વૈભવ સમિટ એક મહત્વની અને ફળદાયી સમિટ બની રહેશે.

મિત્રો,

વિજ્ઞાન માનવજાતની પ્રગતિના કેન્દ્રમાં રહ્યુ છે. આપણે જ્યારે માનવ જાતના અસ્તિત્વના સદીઓના ભૂતકાળ તરફ નજર માંડીએ છીએ ત્યારે લાગે છે કે આપણે આ સમય ગાળાનુ કેવી રીતે વિભાજન કરી શકીશું ? પત્થર યુગ, તામ્ર યુગ, લોહ યુગ, ઔદ્યોગિક યુગ, અવકાશ યુગ, અને ડિજિટલ યુગ. આમાંથી કેટલીક પરિભાષાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. સ્પષ્ટપણે દરેક તબક્કા વડે ચોકકસ ટેકનોલોજીકલ પ્રગતિને આકાર મળ્યો છે. જેમ-જેમ ટેકનોલોજીમાં પરિવર્તન આવતુ ગયુ તેમ-તેમ આપણી જીવનશૈલીમાં પણ પરિવર્તન આવતુ ગયુ છે. આ પ્રક્રિયા દરમ્યાન વૈજ્ઞાનિક કુતૂહલમાં પણ વધારો થતો ગયો છે.

મિત્રો,

ભારત સરકારે વિજ્ઞાન, સંશોધન અને ઈનોવેશનને વેગ આપવા અનેક કદમ ઉઠાવ્યાં છે. વિજ્ઞાન એ આર્થિક- સામાજિક પરિવર્તનના પ્રયાસોમાં કેન્દ્ર સ્થાને રહ્યુ છે. આપણે વ્યવસ્થા તંત્રની નિષ્ક્રિયતા તોડી છે. રસી શોધવામાં લાગતા લાંબા સમયનો અંત લાવી શકાયો છે. વર્ષ 2014માં આપણે આપણા રસીકરણ કાર્યક્રમ માટે વિવિધ નવી રસીની રજૂ કરી હતી. એમાં ભારતમાં વિકસાવાયેલી રોટા વાયરસ રસીનો પણ સમાવેશ થાય છે. આપણે સ્થાનિક રસીના ઉત્પાદનને પ્રોત્સાહિત કર્યુ છે. તાજેતરમાં જ આપણે દેશમાં વિકસાવાયેલી ન્યુમોકોકલ રસીને અધિકૃત કરી છે. આ રસીકરણ કાર્યક્રમ અને આપણુ પોષણ મિશન બાળકોના આરોગ્યને તે જે સ્તરે હોવુ જોઈએ તે સ્તરે લઈ ગયાં છે. આપણો રસી વિકસાવતો સમુદાય સક્રિય છે અને મહામારી દરમ્યાન વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રહ્યો છે. આપણે સમજીએ છીએ કે સમય ખૂબ જ મહત્વનો છે. આપણે વર્ષ 2025 સુધીમાં ભારતમાંથી ટીબી નાબુદ કરવાનુ એક મહત્વનુ મિશન હાથ ધર્યુ છે. જે સમયગાળો ટીબી નાબૂદ કરવાના વૈશ્વિક લક્ષ્યાંકની તુલનામાં 5 વર્ષ વહેલો છે.

મિત્રો,

આ ઉપરાંત અન્ય કેટલાક પ્રયાસો પણ ચાલી રહયા છે. આપણે સુપર કોમ્પયુટીંગ અને સાયબર-ફીઝીકલ સિસ્ટમ અંગે પણ મહત્વનાં મિશન હાથ ધર્યાં છે. આના કારણે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, રોબોટિક્સ, અને બીગ ડેટા એનાલિસિસ જેવાં મૂળભૂત સંશોધનનુ તથા તેની ઉપયોગીતા અંગેનુ ક્ષેત્ર પણ વિસ્તાર પામ્યુ છે. તેનાથી કુશળ યુવા માનવબળના નિર્માણમાં મદદ થશે. સ્ટાર્ટ-અપ સેકટરમાં પણ પ્રગતિ થઈ રહી છે. આ મિશન હેઠળ 25 ટેકનોલોજી ઈનોવેશન હબ સ્થપાઈ ચૂક્યાં છે.

મિત્રો,

આપણી પાસે આપણા ખેડૂતોને સહાય કરવા માટે ઉચ્ચ સ્તરનુ વૈજ્ઞાનિક સંશોધન છે. આપણે ત્યાં દાળ- કઠોળનુ ઉત્પાદન વધારવા માટે આપણા વૈજ્ઞાનિકોએ ભારે પરિશ્રમ કર્યો છે. આપણે હાલમાં દાળ- કઠોળના ખૂબ જ જૂજ જથ્થાની આયાત કરી રહ્યા છીએ. આપણે ત્યાં અનાજનું ઉત્પાદન હવે નવી ઉંચાઈ સુધી પહોંચ્યુ છે.  

મિત્રો,

આશરે 3 દાયકા પછી તાજેતરમાં ભારતને તેની નવી શિક્ષણ નીતિ પ્રાપ્ત થઈ છે. આ પ્રકારની નીતિ ઘડી કાઢવા માટે ભારતમાં ઘણા મહિના સુધી વ્યાપક પરામર્ષ કરવામાં આવ્યો હતો. આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ કૂતુહલને વિજ્ઞાન તરફ આગળ ધપાવવાનો છે. હું ખાસ કરીને ભિન્ન વિદ્યા શાખાઓના અભ્યાસ બાબતે ખૂબ જ ઉત્સાહિત છું. ખૂલ્લુ અને વ્યાપક શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થતાં યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન મળશે.

આજે ભારતનો સમાવેશ વૈશ્વિક સ્તરે વિવિધ વૈજ્ઞાનિક સંશોધનો અને વિકાસ પ્રયાસોમાં મહત્વનું યોગદાન આપનાર દેશ તરીકે થાય છે. આમાંના કેટલાક ક્ષેત્રોમાં લેસર ઈન્ટરફેરોમીટર, ગ્રેવીટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી (લીગો) ને ફેબ્રુઆરી, 2016માં માન્યતા આપવામાં આવી છે. યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ (સીઈઆરએન) કે જ્યાં ભારત છેક જાન્યુઆરી 2017થી એસોસિએટ સભ્ય છે. જેના સંશોધનમાં  ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એકસપરીમેન્ટલ રિએક્ટર (આઈટીઈઆર) નો સમાવેશ થાય છે. આ માટે જરૂરી સંશોધન મારા વતનના રાજ્ય ગુજરાતમાં ઈન્સ્ટીટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ ખાતે થઈ રહ્યું છે.

મિત્રો,

સમયની તાતી જરૂરિયાત એ છે કે વધુને વધુ યુવાનોમાં વિજ્ઞાન અંગે રૂચિ પેદા થાય. આ માટે આપણે વિજ્ઞાનના ઈતિહાસ અને ઈતિહાસના વિજ્ઞાન અંગે સુસજ્જ બનવું પડશે. વિતેલી એક સદી દરમ્યાન વિજ્ઞાનની મદદથી કેટલાક મહત્વના ઐતિહાસિક સવાલોનું સમાધાન થયું છે. હવે વૈજ્ઞાનિક પધ્ધતિઓનો ઉપયોગ લક્ષ્યાંકો નક્કી કરવામાં અને સંશોધનોને સહાય આપવામાં થઈ રહ્યો છે.

આપણે આપણાં ભારતીય વિજ્ઞાન અંગેના સમૃધ્ધ ઈતિહાસ અંગે વ્યાપક જાણકારી મેળવવાની રહેશે. દુઃખદ બાબત એ છે કે ઘણાં લાંબા સમયથી આપણાં યુવાનો આધુનિકતા અને અંધાર યુગ અંગેની માન્યતાઓમાં અટવાઈ પડ્યા છે. વર્તમાન યુગ એ કોમ્પ્યુર્સ, પ્રોગ્રામીંગ, મોબાઈલ અને એપ્લિકેશન્સનો યુગ છે, પરંતુ કોમ્પ્યુટીંગનો મુખ્ય પાયો શું છે? અને તે છે કોડ-1 અને 0 બંને વચ્ચેનો સંબંધ.

મિત્રો,

જ્યારે કોઈપણ વ્યક્તિ દુનિયા અંગે વાત કરે છે ત્યારે ભારતની વાત કર્યા વગર કેમ રહી શકે ? શૂન્યને આધારે મોટા ભાગનું ગણિત અને વાણિજ્ય આપણને ઉપલબ્ધ થયું છે. આપણાં યુવાનોએ બૌધાયન, ભાસ્કર, વરાહમિહીર, નાગાર્જુન, સુશ્રુત અને સત્યેન્દ્ર નાથ બોઝ તથા સર સી.વી રામન જેવા આધુનિક યુગના વૈજ્ઞાનિકો અંગે જાણકારી મેળવવાની જરૂર છે. યાદી ઘણી લાંબી છે !

મિત્રો,

આપણાં ભવ્ય ભૂતકાળથી પ્રેરાઈને અને ભૂતકાળની સિધ્ધિઓમાંથી શક્તિ મેળવીને આપણે ભવિષ્યના સમય તરફ આશાવાદ સાથે જોઈ રહ્યા છે. આપણે આવનારી પેઢીઓ માટે એક સલામત અને સમૃધ્ધ ભાવિનું ઘડતર કરવાનું છે. ભારતનું ધ્યેય જેમાં વિશ્વ કલ્યાણનો સમાવેશ થતો હોય તેવા એક સ્વ-નિર્ભર એટલે કે આત્મનિર્ભર ભારત માટેનું છે. આ સપનું સાકાર કરવા માટે હું આપ સૌને આવકારૂં છું અને તમારો સહયોગ માંગુ છું. હજુ તાજેતરમાં જ ભારતમાં મહત્વના અવકાશ સંશોધનની શરૂઆત થઈ છે. આના કારણે ઉદ્યોગો અને શિક્ષણ જગત- બંનેને સુધારાની તક પ્રાપ્ત થશે. તમે ભારતની ધબકતી સ્ટાર્ટ-અપ્સ વ્યવસ્થા અંગે માહિતગાર છો. વૈજ્ઞાનિકો, ઈનોવેટર્સ અને શિક્ષણશાસ્ત્રીઓએ કરેલી પાયાની કામગીરી વગર આ પ્રગતિ કદાપિ શક્ય બની ના હોત. તમારી માર્ગદર્શનથી જ આપણાં સ્ટાર્ટ-અપ સેક્ટરને લાભ થવાનો છે.

મિત્રો,

વિદેશમાં વસતા ભારતીયો વૈશ્વિક સ્તરે ભારતના ઉત્તમ રાજદૂતો છે. તે જ્યાં પણ ગયા છે ત્યાં ભારતની લાક્ષણિકતા લઈને ગયા છે. તેમણે તેમના નવા વતનની સંસ્કૃતિ પણ અપનાવી છે. વિદેશમાં વસતો ભારતનો સમુદાય ઘણાં ક્ષેત્રોમાં સફળ થયો છે. શિક્ષણ જગત એમાંનું એક ઝળકતું ઉદાહરણ છે. મોટા ભાગની ટોચની વૈશ્વિક યુનિવર્સિટીઓ અને વિશ્વના ઘણાં ટોચના ટેકનિકલ કોર્પોરેશનોને ભારતીય પ્રતિભાઓની હાજરીનો ઘણો લાભ મળ્યો છે.

“વૈભવ” મારફતે અમે તમારી સમક્ષ એક મહાન તક રજૂ કરીએ છીએ. તે તક છે જોડાવાની અને યોગદાન આપવાની. તમારા પ્રયાસો ભારત અને વિશ્વને મદદરૂપ નિવડશે. જો ભારત સમૃધ્ધ બનશે તો એકંદરે વિશ્વ પણ આગળ વધીને હરણફાળ ભરી શકશે. આ વિનિમય ચોક્કસપણે ઉપયોગી નિવડવાનો છે. તમારા પ્રયાસોથી સંશોધનની એક આદર્શ વ્યવસ્થા ગોઠવાશે. તેમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય થશે. તેનાથી ભારત આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ તેના માટે સ્વદેશી ઉપાયો મળી રહેશે. તેનાથી અન્ય લોકોની સમૃધ્ધિમાં પણ વધારો થશે જે ભારતને ખૂબ જ અત્યંત નવી ટેકનોલોજીનું સર્જન કરવામાં સહાયક બનશે.

મિત્રો,

આપણે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે મળી રહ્યા છીએ. ગાંધીજી આશરે 100 વર્ષ પહેલાં કરેલી વાત મને આ પ્રસંગે યાદ આવે છે. તિરૂવનંતપુરમની મહારાજા કોલેજમાં પ્રવચન આપતાં ગાંધીજીએ વાત કરી હતી કે વૈજ્ઞાનિક પ્રગતિનાં ફળ, જ્યાં ભારતના મોટા ભાગના લોકો વસે છે તે ગ્રામ્ય ભારત સુધી પહોંચવા જોઈએ. બાપુ પણ વ્યાપકપણે વિજ્ઞાનમાં માનતા હતા. વર્ષ 1929માં તેમણે એક નવો જ પ્રયોગ કર્યો. તેમણે ક્રાઉડ સોર્સીંગનો પ્રયાસ હાથ ધર્યો હતો. તેમણે ઓછા વજનનો ચરખો તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ગામડાંઓ, યુવાનો, ગરીબો અને વ્યાપક જનસમુદાયને વિજ્ઞાન સાથે જોડવા માટેનું વિઝન વ્યક્ત કર્યું હતું અને આપણને પ્રેરણા આપી હતી. આપણે આજે આ જયંતિ પ્રસંગે ભારતના વધુ એક પનોતા પુત્ર, આપણાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ યાદ કરીએ છીએ. આપણે તેમની માનવતા, સરળતા અને તેમના ઉત્તમ નેતૃત્વ માટે યાદ કરીએ છીએ.

મિત્રો,

હું તમને આ પ્રસંગે ઉત્તમ ચર્ચા માટે શુભેચ્છા પાઠવું છું અને તમને ખાત્રી આપું છું કે આપણે ‘‘વૈભવ’’ અને તેના પરિણામોને ભવ્ય સફળતા આપવા માટે કામ કરી રહ્યા છીએ.

સમાપન પહેલાં હું તમને તમારા આરોગ્ય માટે તમામ કાળજી લેવા અને તે માટે સાવચેતી દાખવીને સલામત રહેવાની સલાહ આપું છું.

આભાર. આપનો ખૂબ-ખૂબ આભાર !

 

SD/GP/BT



(Release ID: 1661252) Visitor Counter : 510